ગાતાં ઝરણાં/પ્રિયતમા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પ્રિયતમા


શ્વાસ સમી મુજ જીવનસાથી, ચંદ્ર સમી એ શ્વેત પરી,
તેજલ તણખો, રૂપની રાણી, મોહક, મનહર મસ્ત અદા;
હાથ પકડતાં સરકી જાતી સસલા સમ એ ગેલ કરી,
શ્રમજીવીની પ્રિયતમા એ નવ લેતી આરામ કદા.

આજીવિકાના સાધન માટે સીવણ ગૂંથણ એ કરતી,
ભીંજવી દેતી હૈયું મારું વ્હાલ-ઝડી વરસાવીને;
સુંદર વસ્ત્ર અને આભૂષણ અંગ ઉપર એ નવ ધરતી,
રીઝવતો સુતરનો તુંતુ ડોકમહીં પહેરાવીને.

કોઈ વખત સંતાઈ જતી એ છટકીને મારા કરથી,
ચારે ગમ મુજ આકુળ દ્રષ્ટિ જોવાને પથરાઈ જતી;
દિનભર કામમહીં રોકાતી મેણાં-ટોણાંના ડરથી,
રાત પડે હું ઘેર જતો ત્યાં છાતીએ ચંપાઈ જતી.

પ્રેમ અમારો બીચબજારે આખી દુનિયા જોઈ જતી,
હું ‘સૈ’ એના પ્રાણ સમો, એ મારી વ્હાલી ‘સોય’ હતી.

૭-૧૨-૧૯૪૭