ગિરીશ ભટ્ટની વાર્તાઓ/પ્રભાફોઈનો ફોટો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પ્રભાફોઈનો ફોટો

એ સવારે ટોકરશા શેઠની પોળની મધ્યમાં આવેલી એ હવેલીના કલાત્મક ઝાંપા પાસે ત્રણ વ્યક્તિઓ ઊભી હતી. માનવ સંચારથી પરસાળમાં માળા ફેરવતી સિત્તેર વર્ષની સુલોચના ઝબકી હતી. તરત બોલી પણ ખરી: ‘કોણ...?’ હવેલી વિશાળ હતી: પરસાળ, મુખ્ય ખંડ, સામેના બે ખંડો, રસોઈઘર, પાછળની પરસાળ અને મેડી. આગળની પરસાળમાં મેડી પર જવાનો વળાંકવાળો દાદર. છેલ્લા કેટલાય સમયથી, અરે પતિ હયાત હતા ને મતભેદ પડ્યા હતા ત્યારથી સુલોચના પરસાળમાં વસતી હતી. પલંગ, આરામખુરશી અને ટેબલ પર વસ્ત્રો, પુસ્તકો ને ગોખમાં દેવપૂજા. કશો સંચાર થાય ને તરત જ ઝબકે, સાદ પાડે, લાકડી ખખડાવે. પુત્ર અશેષ હજી હમણાં જ કામ પર ગયો હતો. કષ્ટ તો સહુને પડતું હતું. જે પેઢી વર્ષોથી પોતાની હતી એ હવે પાર્ટનરની હતી ને અશેષે એમાં નોકરી કરવી પડતી હતી. નરી લાચારી હતી. ઘરમાં સ્કૂટર હતું જે અનુજા વાપરતી હતી. કેટલી દૂર હતી કૉલેજ? મેડી પણ પૌત્રીની દાક્તરી વિદ્યાના પુસ્તકોના ખડકલા, વાઢકાપનાં સાધનો, ચિત્રો, નક્શાઓ અને નોટબુકો પાર વિનાની. વિરાજ રમૂજમાં દીકરીને કહે: ‘આ બધાનું વજન તારા વજન જેટલું જ હશે કદાચ.’ ને અનુજા હસી લેતી: ‘અરે, વધારે હશે.’ ‘તો અત્યારે કોણ...?’ સુલોચના વિચારતી હતી. આસપાસની બે, ત્રણ બારીઓ કુતૂહલવશ ખૂલી પણ હતી. તે ઝાંખી આંખે ત્રણ આકારો કળી શકી. એક સ્ત્રી અને બે પુરુષો. ને એક ઓળખાયો પણ ખરો. અરે, આ તો અભય! અશેષનો મિત્ર. કેટલો સહાયરૂપ બનતો હતો! ત્રણ માસ પહેલાં, કોઈ મારવાડીને લાવ્યો હતો. થોડી રકઝક પછી અસલ... બેનમૂન ઝુમ્મરનો સોદો પતી ગયો હતો. બહુ મૂલ્યવાન ચીજ હતી. પ્રતાપરાયે કોઈ જન્મદિવસે ભેટ આપી હતી. કેવડી હતી? અત્યારે વિરાજ છેને તેવડી જ! એ રાતે ઓચ્છવ બની ગયો હતો. ગયે મહિને વોલ ટુ વોલ કારપેટનો સોદો પણ આ અભયે જ કુશળતાથી પાર પાડ્યો હતો. હવેલીનો ખરાબ સમય ચાલી રહ્યો હતો. રાતના અંધારામાં તે ખાલી થતી જતી હતી. અભય વિશ્વાસુ હતો. તે ચૂપકીથી કામ કરતો હતો. કેટલો ખર્ચ થાય અનુજાનો? ક્યાં ગુંજાશ હતી અશેષની? પૌત્રને દાક્તર બનાવવાનું સપનું હતું દાદીનું. ખુદ અનુજાએ જ ના પાડી હતી. વિરાજ અવઢવમાં હતી અને સુલોચનાએ આખરી નિર્ણય લીધો હતો: અનુજા ભલે ભણે. કરીશું કાંઈક. અને એ કાંઈક અર્થાત્ ઝુમ્મર, કારપેટ અને સંખેડાનો કલાત્મક હિંડોળો. હા, હવે તેનો જ ક્રમ હતો. અભયને સૂચના આપી જ હતી: ‘ભાઈ... શોધજે ને આ હિંડોળા માટે...!’ નરી લાચારી હતી. ખુદ અભયને પીડા થતી હતી. સુલોચનાની માળા થંભી હતી, અંદરના ખંડમાંથી ભીના કેશ ઝાપટતી વિરાજ અને મેડી પરથી અનુજા બેય આવ્યાં હતાં. ત્રણેયનો ખ્યાલ આવી ગયો હતો કે હિંડોળા માટે જ આ લોકો આવ્યાં હતાં. બસ, ગયો! વિરાજે કહ્યું: આવો અભયભાઈ. તરત કળાયું કે પુરુષ ગોરી ત્વચાવાળો પરદેશી હતો જે કલાત્મક ઝાંપાની કોતરણી અવલોકતો હતો. સ્ત્રી દેશી લાગી. ઘઉંવર્ણ ત્વચા, ઊંચી પાતળી, ચમકતી આંખો. તેણે બંગાળી ઢબે સાડી પરિધાન કરેલી. તે હવેલીની વિશાળતા, જીર્ણતા, કમનીયતા નીરખી રહી હતી. વિસ્મય વંચાતું હતું આંખોમાં. સુલોચના મન વાળતી હતી, તેમની આ ઇચ્છા તો પૂરી કરવી જ પડે. આ ચીજો પતિએ જ આણી હતી. વરસે, બે વરસે હવેલીની મરામત પણ કરાવી હતી. મોટી શાખ હતી પતિની. બે ઘોડાવાળી બગી પોળને નાકે ઊભી રહે ને તે શણગારાઈને પ્રતાપરાય સાથે નીકળે ત્યારે પોળની સ્ત્રીઓ બારીઓ ખોલીને તેને નીરખ્યા કરતી. વસ્ત્રો અને કાપડના તાકાઓ લઈને વણોતરો આવે, સોનીઓ આવે, વેપારીઓ આવે. કેટલો વૈૈભવ? સુલોચનાએ એ બધો જ માણ્યો. સુખ, સુખ ને સુખ. અશેષ પરણ્યો ત્યારે પણ જાહોજલાલી જ હતી. સુલોચનાએ વિરાજને ફરિયાદના સૂરમાં કહ્યું હતું: ‘વહુ... સાવ સીધી લીટીના માણસ. બસ, એક ધૂન. શનિવારની રાતે પેલી પાસે નાયકનાં ગાયનો સાંભળવા જાય. મોડી રાતે આવે ત્યારે એ જ રંગમાં હોય.’ વિરાજને કશું અજુગતું નહોતું લાગ્યું. શોખ તો હોય. છ માસ પછી સુલોચનાએ રડતાં રડતાં કહ્યું હતું. ‘વિરાજ, મને લક્ષણો સારાં દેખાતાં નથી. તેને જ ભાળે છે. હવે તો રવિવારે પણ. ક્યારેક તો મને ગમે તે નામથી સંબોધે છે. સ્ત્રીઓને તું ઓળખતી નથી.’ વિરાજને લાગ્યું કે વાત જરા ગંભીર હતી. પણ અશેષે હસીને કહ્યું હતુંઃ ‘વહેમ છે બાજીનો. નથિંગ...’ બીજે જ દિવસે પ્રતાપરાયે સારા અક્ષરે ગાયનની નોટ તૈયાર કરવાનું કામ વિરાજને સોંપ્યું હતું. વિરાજ હળવીફૂલ થઈ ગઈ હતી: ‘ખરેખર વહેમ જ હશે બાજીનો.’

(ર)

વિરાજે આવકાર આપ્યો: ‘અભયભાઈ, મહેમાનોને લાવો.’ અનુજા બધું જ ભૂલીને એ સ્ત્રીને નીરખતી હતી. સરસ લાગતી હતી. જાજરમાન અને પ્રભાવશાળી. વસ્ત્રો શોભતાં હતાં શરીર પર. શરીર વિશે તો તે કેટલુંય જાણતી હતી. શરીર જુએ ને આખી રચના તરવરવા લાગે. પ્રોફેસર તારિણી ગર્ગ શીખવતાં હતાં, કશા જ ક્ષોભ વિના. છાત્રાઓ શરમાઈ જતી હતી. ને પછી એ ગોરો પુરુષ ચિત્રમાં આવ્યો હતો. ચકિત થઈ ગયાં ત્રણેય. શું આ ગોરો પુરુષ હિંડોળો ખરીદશે? દેશમાં લઈ જશે? કયો દેશ હશે? એ લોકો આવ્યા, પાછળ પાછળ વિરાજ, અનુજા અને સુલોચના. એમ લાગ્યું કે કશુંક નવતર બની રહ્યું હતું. બહાર ખૂલી ગયેલી બારીઓ બંધ થઈ નહોતી. એ લોકો હવાને સૂંઘી રહ્યા હતા. દરમિયાન અભયે પરસ્પર ઓળખાણો કરાવી હતી. આ છે જ્હોન. કલાકાર છે. ચિત્રોની લે-વેચનો કારોબાર છે. આ તેમનાં પત્ની કાદમ્બરીબહેન. બંગાળી છે, પરંતુ ગુજરાતી જાણે છે. ચાર વર્ષ વડોદરાની ફાઈન-આર્ટ્સ કૉલેજમાં અધ્યાપક હતાં. ને ત્રણેય ચોંક્યા હતાં: પતિ-પત્ની? અનુજાએ આગળ વિચાર્યું હતું: ‘ક્યાં મળ્યા હશે? કઈ વિધિથી લગ્ન કર્યાં હશે? તે બંગાળી લગ્નવિધિથી તો વાકેફ હતી. એક સખી હતી-નામ, મંદા સેન. તેણે એ વિધિ સાવ નજીકથી જોઈ હતી. કોઈ પ્રૌઢ સ્ત્રીએ શંખધ્વનિ કર્યો હતો. ભોજનમાં રસગુલ્લા, ક્ષીરમોહન અને આપણું પણ. તેઓ બંને એ હિંડોળા પર જ ગોઠવાયાં હતાં, નમસ્તે કર્યાં હતાં. અભયે ઉમેર્યું: ‘જ્હોન હિન્દી પણ સમજી શકે છે. અને ગુજરાતી પણ ...!’ અને સુલોચનાએ શરૂ કર્યું. કાદમ્બરીબહેન, આ હિંડોળો અસલ ચીજ છે. હવે આ ન મળે. દુર્લભ જ ગણાય. ફરી બેઠાં બેઠાં જ અવલોકન થયું. જ્હોને કહ્યું: ‘અચ્છી ચીજ. રેર...’ કાદમ્બરીએ કાવ્યમય પ્રશંસા કરી: ‘અરે આ તો કાષ્ઠની કવિતા છે.’ વિરાજ ખુશ ખુશ થઈ ગઈ હતી. સુલોચના અવઢવમાં હતી. અનુજાને કાદમ્બરી આન્ટી પસંદ પડી ગયાં. શું ભાષા હતી? કાષ્ઠની કવિતા. આ ચીજ હવે અહીંથી વિદાય લઈને ચાલી જવાની હતી. તેને વિચાર પણ આવ્યો કે તે મેડિકલમાં ન ગઈ હોત તો? આ બધું જ બચી જાત! વિરાજને થયું કે આ સોદામાંથી સારી એવી રકમ મળી શકશે. ગ્રાહક સંતૃષ્ટ હતા. અભયભાઈનો ઉપકાર માનીએ તેટલો ઓછો. હવે હમણાં એકેય ચીજ વેચવી નહીં પડે. થયું કે તેણે કશી આગતા-સ્વાગતા કરવી જોઈએ. સુલોચના વિચારતી હતી કે પછી કેવી દશા થઈ જશે ડ્રોઈંગરૂમની! ઝુમ્મર, કારપેટ ને હવે હિંડોળો! પતિ સાથે જ બેસતી હતી આ હિંડોળા પર, પછી ગોષ્ઠી, પ્રેમ ચાલે. સમય હિલોળા મારતો ચાલ્યો જાય. શું ગાતા હતા પતિ? નાટકનું જ ગાયન. ‘એકસરખા દિવસ સુખના કોઈના જાતા નથી!’ પાછી રોષે ચડી. કેમ ભરાયા એ નીચ સ્ત્રીના પડખામાં? ખતમ થઈ ગયુંને બધું જ? અને બાકી હતું તે તેની છોકરીને ઘરમાં ઘાલી? જ્યાં ઝાંપે પહોંચી ત્યાં તે આગળ ને આગળ પેલી. રામદીન સામાન લઈને પાછળ પાછળ. કહ્યું: ‘વિરાજ, હવે પ્રભા અહીં રહેશે. ત્યાં તેની સલામતી શું? રમા તો બિચારી ગઈ. રોગ જીણલેણ સાબિત થયો. એક કોયલ આથમી ગઈ.’ સુલોચના ફાટી આંખે જોઈ રહી. શું હતું સામાનમાં? રામદીન મેડી પર ચડાવી રહ્યો હતો. તે પાછલી પરસાળમાં ચાલી ગઈ હતી-રીસથી! ને એ રીસનો તંતુ કેટલો લંબાયો હતો?

(૩)

અને જ્હોને એકાએક કહ્યું: ‘કાદમ્બરી, કમ ટુ ધ પોઈન્ટ.’ તરત તે બોલી: ‘તમારી પાસે પ્રભાનો ફોટો તો હશે જ. અહીં રહેતી હતી, ચિત્રો દોરતી હતી. આર્ટ ગેલેરીમાં પ્રભાનાં બે ચિત્રો છે પરંતુ એકેય ફોટોગ્રાફ નથી. અમારે એની ખાસ જરૂર છે. આપી શકશો?’ અને સન્નાટો વ્યાપી ગયો હતો. ‘તો આ આગમન એ છોકરીના ફોટા માટે હતું? આ હિંડોળા માટે તો નહીં જ?’ સુલોચનાને ખુશી તો થઈ પણ પળવાર જ ટકી. રમાની છોકરીનો ફોટો? કેડો મેલતી જ નથી! મૃત્યુ પછી પણ. કેટલો મોહ હતો તેમને? આ દીવાનખાનામાં જ તેનો રંગીન ફોટો લટકાડ્યો હતો. જતાં-આવતાં તેનાં જ દર્શન કરવાનાં! વિરાજને ફાળ પડી હતી કે આ વાત તો પ્રભાની હતી. હિંડોળા માટે તો હજીય પ્રતીક્ષા કરવાની હતી. તો અનુજાના ખર્ચનો પ્રશ્ન તો લટકતો જ ને? ને અનુજાને થયું કે આ તો પ્રભાફોઈની વાત! કેવા મોટા માણસો પ્રભાફોઈ માટે આવ્યા હતા! એક તો ગોરો પુરુષ, પરદેશી, આર્ટ ગેલેરીનો મંત્રી! ને કાદમ્બરી દીદી પણ ... આર્ટિસ્ટ, ચિત્રકાર! પ્રભાફોઈ જેવાં! નાં, તેનાં પ્રભાફોઈ જેવાં તો કોઈ જ ન હોય! પ્રભાફોઈનો સામાન આવ્યો ત્યારે તે ત્યાં જ હતી. કાષ્ઠ ઘોડી, કેન્વાસ પેપર, રંગોની શીશીઓ, થરમોસ અને કેટલાંક પૂર્ણ અપૂર્ણ ચિત્રો. તે ત્યારે બાર વર્ષની હતી. એટલી સમજ પડી કે આ સૂકા ગાલવાળી સ્ત્રી ચિત્રો દોરતી હતી. આવાં સરસ! તે પણ ડ્રોઈંગબુકમાં ફૂલ, સૂરજ, ઝાડ, ફુગ્ગાઓ દોરતી જ હતી ને? પણ આ તો? તેને એ સ્ત્રી ગમી ગઈ હતી. મેડી પર પહોંચનાર તે પહેલી હતી. વિસ્મય સાથે પહોંચી હતી. તે સ્ત્રી પલંગ પર બેઠી હતી. આસપાસ સામાનનો ખડકલો પડ્યો હતો. તે પણ સામાનની જેમ જ પડી હતી. અનુજાએ કહ્યું હતું: ‘તમે ચિત્રો દોરો છો? હું પણ ડ્રોઈંગબુકમાં દોરું છું. આપણે બેય ચિત્રો દોરીશું. તમે રડો છો?’ બીજી મુલાકાતમાં તેણે નામની પૃચ્છા કરી હતી. મેડીનો રૂમ ગોઠવાઈ ગયો હતો. પાણીની માટલી, પ્યાલો, એક કપડાં સૂકવવાની વળગણી, સાવરણી, બાલદી બધું જ વ્યવસ્થિત હતું. અનુજાએ કહ્યું કે તે તેમને પ્રભાફોઈ કહેશે. પ્રભા ખુશ થઈ હતી. ત્રીજે દિવસે અનુજાએ નવી વાત માંડી હતી: ‘પ્રભાફોઈ, બાજી થોડાં ગુસ્સાવાળાં છે પણ હું તેમને મનાવી લઉં છું અને દાદાની વાત જ ન થાય એટલા સારા છે. શું કહે છે- અનુજા, મારે તને દાક્તર બનાવવી છે.’ ‘સુલોચના આન્ટી, છે તમારી પાસે પ્રભાનો ફોટો? કેવડી મોતી કલાકાર હતી? સાવ નવી શૈલીનાં ચિત્રો, સાવ નિર્જીવ, નગણ્ય વસ્તુઓનાં ચિત્રો પણ એમાં માનવ સંદર્ભો મળે, મનોવ્યાપારો મળે. સાવ નાની વયમાં કેટલું આપીને ચાલી ગઈ? બે ચિત્રો અહીંની આર્ટ ગેલેરીમાંથી મળ્યાં. એક કોલકતાથી અને ચાર તેના જૂના રહેઠાણ પરથી. વિરાજ, તમારી પાસેથી પણ મળી આવશે. છ-સાત વર્ષ અહીં રહી હતીને?... પણ અમને તેના ફોટોગ્રાફની તલાશ છે. દુનિયા જાણેને કે કેવી હતી પ્રભા!’ અભયે સુલાચનાના કાનમાં ફૂંક મારી હતી: ‘માસી, ખૂબ પૈસા મળશે.’ ને સુલોચનાને પસ્તાવો થયો હતો. ફોટો તો હતો જ. પ્રતાપરાયે એન્લાર્જ કરાવીને સ્વહસ્તે ડ્રોઈંગરૂમમાં ટીંગાડ્યો હતો, સુખડનો હાર પહેરાવ્યો હતો, ભાવમય બનીને નિહાળતા પણ હતા. પણ શું સૂઝ્યું કે તેણે જ એ ઉતરાવીને પાછળના ફળિયામાં બાળી નાખ્યો હતો. સ્વસ્તિ વચનો બોલી હતી એ તો અલગ. ને એ પછી અગિયારમે દિવસે પ્રતાપરાય કશી જ ફરિયાદ કર્યા વિના પ્રભાને માર્ગે સંચર્યા હતા. ડૉક્ટરે જાહેર કર્યું હતું- હાર્ટ એટેક, સિવિયર! બાકીનું કામ ઘરના ચાકરોએ પૂરું કર્યું હતું. પ્રભાનો બધો જ સામાન મેડીના પાછલા ખંડમાં ભરી દીધો હતો: કેન્વાસો, તાસકો, રંગો, પીંછીઓ, લાકડાની કેન્વાસ ગોઠવવાની ઘોડી, વસ્ત્રો, પથારી, માટલું, પ્યાલો, બાલદી-બસ બધું જ. એ ખંડમાં એક મોટો કબાટ જ રહ્યો હતો-આદમકદ આરસીવાળો.

(૪)

સુલોચના પશ્ચાત્તાપ અનુભવતી હતી ને વિરાજ ચીડમાં હતી. આવી તક ક્યાં મળવાની હતી? પ્રભાનો રંગીન ફોટો બાળ્યો જ શા માટે! બાજીનો ગુસ્સો કેવો હતો? કોઈ ન રોકી શકે. શ્વશુરને પણ ક્યાં શાંતિ આપી હતી? અંતે ગયા, હવે હું કરવાનું? આ લોકને ક્ષમા-યાચના કરીને વિદાય જ આપવી પડશેને? અભયભાઈ કેટલા પ્રયાસો કરતા હતા? આખરે બધું જ પાણીમાં. પણ ત્યાં જ અનુજાને મેડી પરનો અરીસો યાદ આવ્યો હતો. કેટલો વહાલો હતો પ્રભાફોઈને? ને એમાંથી જ યાદ આવી ગઈ એ છબી? પ્રભાફોઈ જ ખુદ, પોતાનું ચિત્ર દોરતાં હતાં. અરીસામાં જાતને જોતાં જાય ને કેન્વાસ પર દોરતાં જાય! હા... એ હશે જ! પાછલાં ખંડમાં હશે જ, બીજાં ચિત્રો ભેગું. પૂરા અને અધૂરા વચ્ચે. એક, બે ક્ષણ લજ્જા પણ આવી ગઈ. આવું દેવાય આ લોકોને? પછી ભીતરથી અવાજ આવ્યો: ‘દેવાય... આમાં પ્રભાફોઈનું ભલું થવાનું હતું, માન-સન્માન મળવાનું હતું, તેમનું નામ અમર થવાનું હતું. તેને તો ગમે જ! ભલેને ચિત્ર-સાવ...! કાયમ જતી હતી મેડી પર. પ્રભાફોઈ કાં તો ચિત્ર દોરતા હોય અથવા વિચાર કરતાં બેઠાં હોય. ‘આવી...’ કહેતા તેમનાં મોં પર પ્રસન્નતા ફરી વળે. ‘તમે... આ દોર્યું? આ તો... આપણી પોળનાં જ છાપરાં! આ કમળામાસીના ઘરનું છજું, આ રેવાકાકીના ઘરનું છાપરું. રવેશમાંથી બધું જ દેખાય. દેશી નળિયાં, વિલાયતી નળિયાં, ક્યાંક સિમેન્ટનું છાપરું ને આપણી હવેલીની અગાશી ખરી કરી. એમાં કોનો પડછાયો છે? તમે જ છોને ફોઈ?’ દરેક વયની અનુજાઓ આમ આવ-જા કરતી હોય, ચિત્રો નીરખતી હોય, વયસહજ અભિવ્યક્તિ પણ થતી હોય. ‘ફોઈ... તાર પર સમૂહમાં કાગડાઓ બેઠા છે - એ સૌ શું સૂર્યસ્નાન કરે છે? જુઓ, તમે પૂર્વ દિશામાંથી આવતું અજવાળું પણ... સંકેતથી દેખાડ્યું છે ને?’ ‘ને આ તો... સ્ત્રી! સમજ પડીને મને? ને ફોઈ, આ સ્ત્રીનું પ્રતીક? તેનું શરીર...? તમને શરમ ન આવે?’ ને એક વેળા પ્રભા તેના નિરાવરણ દેહને અરીસામાં જોઈને કેન્વાસ પર ચીતરતી હતી. કહ્યું: ‘અનુજા, મારે દુનિયા સામે કશું જ છુપાવવું નથી. ને એવું છે પણ શું?’ એક વેળા તે મેડી પર ગઈ, અધખૂલો દરવાજો ખોલ્યો ને શું જોયું? પ્રભાફોઈ સાવ નિરાવરણ દશામાં ચીતરી રહ્યાં છે. પાસે જ અરીસો, બારી બંધ ને બત્તી ચાલુ. પ્રતાપરાયે પ્રભાની જરૂરિયાત માટે પ્રકાશ આયોજન પણ કરાવ્યું હતું. યોગ્ય પ્રકાશ કેન્વાસ પર ફેંકાય. કેટલો ખર્ચ કરતા હતા-પ્રભાના આ શોખ ખાતર? પંદર દિવસ, મહિને ચીજોનું પાર્સલ આવ્યું જ હોય. સુલોચના સળગી જાય: ‘રળ્યું બધું આની પાછળ હોમી દે છે. પહેલાં રમા પાછળ ! શું થાતી હશે આમની?’

(૫)

અનુજાએ હતી એટલી શક્તિ એકઠી કરીને કહ્યું: ‘કાદમ્બરી દીદી, છે મારી પાસે પ્રભાફોઈનું ચિત્ર. તેમણે પોતે જ પોતાનું ચિત્ર દોર્યું હતું, અરીસામાં જોઈ જોઈને.’ અને સહુના ચહેરાઓ ઝગમગી ઊઠ્યા હતા. ‘ક્યાં છે, બેટા?’ સુલોચના બોલી હતી. ‘ગુડ..’ જ્હોને પ્રતિભાવ આપ્યો હતો. વિરાજની આંખો નાચી ઊઠી હતી: ‘વાહ... દીકરી...’ ‘ચાલ... બતાવ મને’ કાદમ્બરીએ અનુજાની પીઠ થાબડી હતી. ‘ચાલો... મેડી પર...’ અનુજા આગળ થઈ હતી. એ ચિત્ર દોરાતું હતું ત્યારે કેટલી લજ્જાઈ હતી તે. પણ અત્યારે, મેડીના પાછલા ખંડમાં તેણે એ શોધી કાઢ્યું હતું, ઓઢણી વતી લૂછ્યું પણ હતું. સુલોચના બોલી હતી: ‘હાય હાય આવું ?’ કાદમ્બરીએ કહ્યું હતું: ‘માસ્ટર પીસ. સેકન્ડ અમૃતા.’ જ્હોને અનુજા સાથે હાથ મિલાવ્યા હતા: ‘વેરી રેર.’ ‘તમને સાચે જ સ્થળે લાવ્યો છું ને કાદમ્બરી દીદી’ અભયે સાચી દિશામાં તીર તાક્યું હતું. હવે જ મેળવવાનું હતું. બીજાં ચિત્રો પણ મળ્યાં. બસ... ખુશી છવાઈ ગઈ હતી. કલાક પછી અભય, અશેષ, વકીલ, જ્હોન અને કાદમ્બરી બધાં ચિત્રો અને પ્રભાની સેલ્ફી-પોઈન્ટના સોદાની ચર્ચા કરી રહ્યાં હતાં. વિરાજ સરભરા કરી રહી હતી. પ્રસન્ન હતી. હવે હવેલીમાંથી કશુંય વેચાવાનું નહોતું. એકલી અનુજા એકાંત ખૂણામાં બેઠી બેઠી પ્રભાને યાદ કરીને રડી રહી હતી.

⚬❖⚬❖⚬❖⚬❖⚬