ગુજરાતનો જય/૧૧. પૌરુષની સમસ્યા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૧. પૌરુષની સમસ્યા

પતિ અને જેઠની અનિચ્છા છતાં વીરમદેવને મળી લેવા અનુપમા ઉત્સુક હતી, પણ વીરમદેવ ક્યાંય સાંપડ્યો નહીં, એને તો વસ્તુપાલના વિરોધી પટ્ટણીઓએ સાકરના સરોવરોમાં ડુબાડી દીધો હતો. અનુપમા ધોળકે આવી ત્યારે લૂણસીને પણ લાગ્યું કે બા કંઈક બદલાઈ ગઈ છે. એનું ચિત્ત પુત્રમાં, પતિમાં, ઘરમાં, શામાંય પરોવાતું નહોતું. સ્તંભતીર્થથી એણે જેઠને જલદી મળવા બોલાવ્યા. વસ્તુપાલ આવ્યો, પણ લજવાતો લજવાતો. અનુપમાએ ચંદ્રાવતીની હિજરત કેવી રીતે ટાળી નાખી હતી તેથી મંત્રી માહિતગાર બની ચૂક્યો હતો. ચંદ્રાવતીવાળાઓને મંત્રીએ 'બાપડા' કહેલા તેનો જ અનુપમાના માથામાં ચસકો ચાલ્યો હતો. શરણાગત બનીને આવે તે ચંદ્રાવતી નહીં! એવો ભાવ અનુપમાની આંખોમાં શાંત અગ્નિનું શયન કરીને સૂતેલો જોયો. એણે મૂંગાં મૂંગાં પણ આ નારીની માફી માગી. ચંદ્રાવતી વિશે બેઉ વચ્ચે જાણે કશી ચર્ચા જ બાકી રહી નહોતી. “આપને જલદી મળવાનું કારણ તો –” અનુપમા નીચે જોઈ ગઈ. “હા, તમે લખી મોકલેલું તે કારણ મેં જાણ્યું છે,” એમ કહીને વસ્તુપાલે પૂછ્યું, “પણ તેજલને તમારી સેવાથી સંતોષ છે તો પછી આ શી હઠ પકડી છે?” “પણ એટલી સેવા હું હવેથી એમને પહોંચાડી શકું તેમ ન હોય તો?” “એટલે?” “મને રાજી થઈને સૌ ચંદ્રાવતી રહેવા જવાની રજા આપો.” “સાસરિયાંની શૂળી આટલે વર્ષે સાલી કે?” “ના ના મને પિયરિયાંની પાલખીએ નથી લલચાવી.” “ત્યારે?” "ત્યાં બેઠે બેઠે પણ એમની – આપ સૌની જ સેવા કરવી છે.” “એ શું વળી?” “એક તો દેલવાડાની જે જમીન આપે ઉતાવળ કરાવીને ખરીદવી તે પર પ્રભુપ્રાસાદનું કામ ઉપાડી શકાય.” એમ કહીને અનુપમાએ સોનાં પાથરીને જમીન ખરીદાવવાની જવાબદારી જેઠ પર નાખી. "મેં ખરીદાવી એ ખરું છે. પણ તે તો ત્યાં તમે જમીનનાં મૂલ ચર્ચીને આપણી આબરૂનું લિલામ કરાવતાં'તાં એટલે જ ને! ખેર, પછી બીજું?” “બીજું તો આપે જેમને બિચારા કહી આશરે તેડાવેલા તેમને કેવળ વાતોનાં જ વાળુ કરાવીને હું પાછી વળી છું. પણ એમને મેં વચન આપ્યું છે કે હું તેમની સાથે તડકાછાંયા વેઠવા રહેવા આવીશ, છેટે બેઠી બેઠી માત્ર શૂરાતનનાં વેણ નહીં પીરસ્યા કરું.” “તમે શું કરશો?” "બીજું તો શું, ચંદ્રાવતીની ચાલી આવતી અગ્નિપરીક્ષાને ભેટવા તેમને પ્રભુભક્તિ કરાવીશ, તેમની સમતા વધે તેવાં સ્તવનો ગાઈશ.” આવતી અગ્નિપરીક્ષાનું આ નારીને ભાન છે એ જાણી વસ્તુપાલ રાજી થયો. થોડી વાર તો એને અનુપમાના શબ્દોમાં ફિશિયારી લાગી. પણ વધુ વિચારે તેને ખાતરી થઈ કે ચંદ્રાવતીને પાણી ચડાવવા સારુ આવી નારીની જ જરૂર છે. નારી જ દેશના યુવાનોને હૈયે સ્વપ્ન ભરી શકે છે તેમ વૃદ્ધોની આંખોને ભૂતમાંથી ભાવિ તરફ મીટ માંડતી કરે છે. પણ એથી વધુ અગત્યનો પ્રશ્ન તેજપાલનો લાગ્યો. પોતે પુરુષ હતો, બે બૈરીઓનો સ્વામી હતો, એટલે પુરુષના પૌરુષનો કોયડો બરાબર સમજતો હતો. તેજપાલમાં જે ગુસ્સો અને ઉતાવળિયાપણું હતું તેનું કારણ તેને અસંતુષ્ટ કામેન્દ્રિય લાગ્યું. મોટા સ્વધર્મોમાં સરતી જતી અનુપમા એક સૈનિક સ્વામીને જોઈએ તેવી રસિકતા પૂરી પાડી શકે નહીં, અને પોતાની સ્ત્રીની નરી પવિત્રતા–ધાર્મિકતાનો ગર્વ કોઈપણ પતિને વાસનાતૃપ્તિ આપી શકે નહીં. કોઈક દિવસ એવો ગર્વ ધિક્કારમાં પરિણમે. કોઈક દિવસ એ પુરુષનું પુરુષાતન ભટકવા નીકળે. અનુપમાએ કાઢેલો ઉકેલ વાજબી હતો. અને એવું સમાધાન કરવા ઇચ્છતી સ્ત્રી એક મ્યાનમાં બે તલવારો જેવું જીવન જીવી જ ન શકે. માટે અનુપમાનું ચંદ્રાવતી જઈ રહેવું એ પણ ના ન પાડી શકાય તેવું પ્રયાણ હતું. પતિને નવી પરણાવીને પોતે કુટુંબમાં રણીધણી થઈને રહેવાની ભ્રમણા અનુપમાએ સેવી નહોતી. ડાહી વહુ ડહાપણનો અખૂટ ભંડાર દેખાણી. “તમારી બન્ને વાતો નક્કર છે, દેવી!” મંત્રીએ કબૂલ કર્યું, "ને તમારી એટલી પણ સેવાથી વંચિત બનનાર તેજલ તૂટી પડે તો નવાઈ નથી. એને મનાવવાનું હું માથે લઉં છું. પણ હવે હુંયે માગી શકુંને?” "આજ્ઞા કરો.” “તો જુઓ, માવતર જેને ઝંખતાં ઝંખતાં ચાલ્યાં ગયાં, ને હું જેને વર્ષોથી ઝંખું છું, તે મારી ઇષ્ટ સિદ્ધિને તમે જ વર્ષોથી રોકાવી રહ્યાં છો. ને તમારા વગર મારે એ કંઈ કરવું નથી.” “હા, હા, હવે તો આપ સુખેથી સૌરાષ્ટ્ર યાત્રાનો સંઘ કાઢો. મારા વાંધા તો આપે મિટાવી દીધા છે. લૂણિગભાઈના મનોરથ પૂરવાનું મંડાણ કરી આપ્યું છે, તેમ ગુર્જર દેશ પણ કડે કર્યો છે. હવે આપ મારી દુહાઈમાંથી છૂટા છો.” "પણ તમે હજુ બંધાયેલાં છો. સંઘની અધિષ્ઠાત્રી બનવાનું છે એ પ્રથમ પાળી બતાવો, પછી તેજલને ઠેકાણે પાડીએ, અને પછી તમે સુખેથી ચંદ્રાવતી જાવ.” “આજ્ઞા બરાબર છે.” એટલું કહીને અનુપમા ચાલી ગઈ. "અજબ સ્વપ્નભરી!” ધોળાં કબૂતરો જેમ કોઈ દેવાલયના ઘુમટમાં ઘૂઘવવા લાગે તેમ વસ્તુપાલના હૃદયમાં સુભાષિતો ઘૂમી રહ્યાં.