ગુજરાતનો જય/૧૪. સુવેગ ફાવ્યો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૪. સુવેગ ફાવ્યો

બિછાનામાં માલવી ભટરાજને માથાના તાળવા સુધી લાય લાગી ગઈ હતી કે પોતે આ શેઠ-શેઠાણીના પેટનું પાણી લેશ પણ માપી શક્યો નથી. એને એમ પણ શંકા થવા લાગી કે પોતે આ શેઠના સંબંધમાં કાંઈક નિશાનચૂક થયો છે. પોતાની બેવકૂફી પર એ ચિડાતો ચિડાતો પથારીમાં ચુપચાપ જાગતો પડ્યો રહ્યો. એણે ગાઢ નીંદર આવી ગઈ હોવાનો ઢોંગ કર્યો, નસકોરાં વહેતાં મૂક્યાં, અને ઊંઘમાં બબડાટ આદર્યા. એ બબડાટની બોલી ગુર્જરી નહોતી, માલવી પણ નહોતી, બેચાર બોલીઓનું મિશ્રણ હતું. અંધારે એની નજર આ બબડાટની અસર પકડવા, ઉંદરને પકડવા બિલ્લી તાકે તેમ તાકતી હતી. એણે જોયું. પેલા શ્રેષ્ઠી અને સુંદરી આવીને દૂર ઊભાં ઊભાં કાન માંડી રહ્યાં હતાં. માલવી ભટરાજે થોડી વારે પડખું ફરીને ફરી પાછો મિશ્ર બોલીમાં બબડાટ આદર્યો. તૂટક તૂટક શબ્દો વચ્ચે એણે એક સૂક્ષ્મ સંકલના થવા દીધી. એ સંકલના કંઈક આવી હતી: "જી હા, પ્રભુ! મેં પાકી તપાસ કરી છે. ધોળકામાં આટલા ગજો, આટલા ઊંટ, આટલા અશ્વો ને આટલા પદાતિ (પાળા સૈનિકો) છે, આટલું અનાજ છે, ને આટલો શસ્ત્રસરંજામ છે. આપ અટકી જજો. ગુર્જર સૈન્યની તૈયારી ભયંકર છે, સિંઘણદેવ ભલે આવતો ને મરતો.” અંધારે ઊભેલાં બેઉ જણાંએ એકબીજાને મૂંગાં અભિનંદન આપ્યાં, હર્ષની હળવી તાળી પાડી. થોડી વાર બેઉ ઊભાં રહ્યાં. પછી પોતાના સૂવાના તંબૂમાં પેઠાં ને ત્યાં મંત્રણા કરી. એ મંત્રણાની ભાષા પણ ગુજરાતી મટીને દખ્ખણી બની ગઈ હતી: “નક્કી, આ પણ ક્યાંકનો ચર લાગે છે.” "પણ મૂરખ છે. નહીં તો બબડે?” "પણ આજ લગી આપણને કેવી ચાલાકીથી થાપ દેતો હતો!” "લાગે છે ઊંંડો.” "રખે આ મૂરખના ખબર સાચા હોય! મહારાજ તો રેવાને તાપીની વચ્ચે હશે! આપણને ઠપકો મળશે.” “તો શું કરીશું?” યુવતીએ પૂછ્યું. "તું આને રોકી રાખ. હું તપાસમાં ઊપડું છું.” “તો પછી માંડો કજિયો.” બેઉ જણાંએ ભાષા બદલી, ધમકીના ઢોંગ માંડ્યા. ગુજરાતી બોલી કજિયાને શોભાવી રહી. બુઢ્ઢા, ખખડી ગયેલા, નિશ્ચેતન, છતાં ત્રીજી વાર પરણેલા ધનપતિ અને સોના ભારોભાર આણેલી યુવાન શેઠાણી વચ્ચેના અણબનાવ જે કજિયાને ચગાવે છે તે કૂકડાની લડાઈ કરતાં વધુ ઝનૂની બને છે. તેમાં પણ એક ત્રીજા પુરુષનું ઉમેરાવું એ લડતાં કૂકડાંને અક્કેક ભમરો ખવરાવવા જેવું છે. આવો કલહ ભજવવો અને હસવું નહીં એ બહુ કઠિન છે. કજિયાનો સાર એક જ હતો: "જા, તું તારે કર પ્રેમજાત્રા, હું પાછો જ જઉં છું.” એ કલહે માણસોને જગાડ્યા. એમના તંબૂની પાછળ જ છૂપા જઈ ઊભેલા માલવી ભટરાજ પણ જાગી ગયાનો ઢોંગ કરીને દોડ્યા આવ્યા. બુઢ્ઢાએ એને પણ ગાળો ચોપડી અને તે જ વખતે એક સુખપાલને સજ્જ કરવા અનુચરોને આજ્ઞા આપી, વસ્ત્રો પહેર્યાં. માલવી ભટરાજે શ્રેષ્ઠીજીને સમજાવવામાં બાકી ન રાખી, પણ એ આગ્રહમાં એનો ઢોંગ વરતાઈ આવે તેવો હતો. યુવતી બોલીઃ “હવે જવા દોને એ ડગરાને, ભટરાજ! મેં તો જાત્રાના પચખાણ લીધાં છે તે હું નથી ભાંગવાની.” “પણ પ્રયોજન શું છે પાછા જવાનું?” "એની હોળી! રોજની હોળી!” એમ બોલતી બોલતી એ ડૂસકાં ભરી ભરી રડવા લાગી, “આટલી વયાવચ કરતાં છતાંય એને હું ખાતરી ન કરાવી શકી કે હું કોણ છું, કેવી જાતની છું, કેટલી કુલીન છું – ઓ મા – ઓ બાપુ – ઓહ ઓહ ઓહ!” માલવી ભટરાજે પોતાની મરજી વિરુદ્ધ જિદ માંડી. બુઢ્ઢા શ્રેષ્ઠીએ તેટલા જ જોરથી હઠીલાઈ પકડી. આખરે શ્રેષ્ઠીજી સુખપાલમાં બેઠે જ રહ્યા. બે વાહકોએ સુખપાલ ઊંચકીને ચાલવા માંડ્યું. માલવી ભટરાજે કહ્યું: “અંધારું છે. ચોકીઓમાંથી નીકળવા નહીં આપે. લો હું સાથે આવીને આપને પાર કરાવું.” ચોકી પછી ચોકી પર પોતાની મુદ્રા બતાવતા માલવી ઠાકોરે શ્રેષ્ઠીના સુખપાલને બહાર લેવાને બહાને, ટૂંકા ને સલામત રસ્તા પર ચડાવી દેવાને બહાને નગરના દુર્ગ તરફ દોર્યો. પેલો કાંઈક વહેમાયો કે આ રસ્તો બહાર કાઢવાનો ન હોય! એણે કહ્યું કે “હવે અમે અમારી જાણે ચાલ્યા જઈશું, તમે પાછા વળો.” પણ ભટરાજ એમ પાછા વળે તેવા ન દેખાયા. એમણે એ માણસના શરીરને પોતે પ્રેમ અને રક્ષણવૃત્તિથી બગલમાં લેતા હોય તેમ શરીર ફરતો હાથ લપેટી લઈ જેવો બીજો હાથ અંધારે એનાં કપડાં નીચે પેસાડવા માંડ્યો તેવો જ એ માણસ સંકોડાયો. અને છંછેડાઈ બોલ્યો: “શું કરો છો તમે? છોડો, છેટા રહો!” “અરે ભાઈ! હું આપને –” માલવી ભટરાજ એટલું બોલે તે પહેલાં તો બુઢ્ઢો પાલખીમાંથી કૂદી પડીને પ્રચંડ કોઈ મલ્લના રૂપમાં આવી ગયો અને એક ઘુરકાટ સાથે છૂટો થયો. ભટરાજ પોતાના હાથનો ડંડો ઉઠાવે તે પહેલાં તો બેઉ સુખપાલ ઉઠાવનારાઓએ એને બાથ ભીડી લીધી. ભટરાજનું કામ કપરું બન્યું. એણે વેવલાઈનો ઢોંગ ત્યાગીને પોતાની લાતો તેમ જ માથાની ઢીંકો વરસાવવા માંડી. પણ એનો પ્રયાસ આ ત્રણમાંથી એકને પણ પલાયન ન કરવા દઈ, પડાવમાં હોહા થતી અટકાવી કોઈક મદદ આવી પહોંચે ત્યાંસુધી પોતે બચી જવાનો હતો. એકાએક એનો પોતાનો જ ડંડો એની બગલ સાથે ભીંસાયો, એના હાથનું જોર નરમ પડ્યં, એ નીચે પટકાયો, અને એક પલકમાં તો એનું ગળું પેલા પલીતના હાથ વચ્ચે ચેપાઈ જવાની તૈયારી હતી. તેટલામાં માલવી ભટરાજને એક જ નાનો પેચ અજમાવવાની તક સાંપડી. એ પેચ પેલા પલીતને ઉથલાવી પાડી શક્યો. માલવી ભટરાજનો વારો એના ઉપર ચઢી બેસવાનો આવ્યો, પણ એણે પેલાના હાથમાં ચકચકતી ખુલ્લી કટાર ભાળતાં ભયનો પ્રસ્વેદ અનુભવ્યો. એ કટાર માલવી ભટરાજના પેટમાં પરોવાઈ જવાને વાર નહોતી. એ જ પળે કટાર હુલાવવા ઊપડેલી એ નીચે પડેલા માણસની બરાબર ભુજા પર કોઈકનો પગ દબાયો. પગનો દાબ અનોખો હતો. મૂઠી છૂટી ગઈ ને કટાર નીચે પડી ગઈ. માલવી ભટરાજે ઊંચે જોયું. પેલાની ભુજા પગ હેઠળ દાબીને ઊભેલ એક પુરુષ અંધારે ઊભો હતો. એને મોંએ બુકાની હતી. એનો ચહેરો તો પરખાયો નહીં પણ એણે ભટરાજને ફક્ત આટલું જ કહ્યું: “તું ધોળકાનો છે?” “જી હા” માલવી ભટરાજની પાઘડી દૂર જઈ પડી હતી અને એનો દેખાવ પણ બુઢ્ઢા જેવો મટીને જુવાનીનો મરોડ દાખવતો હતો. નીચે પડેલા માણસને પણ વિસ્મય લાગ્યું કે પોતે જેની સાથે લડતો હતો તેને બદલે આ તો કોઈ જુદી જ સિકલ નીકળી પડી! રગદોળાયેલાં જુલફાંએ વધુ દીપતો માલવી ભટરાજ ઊભો થયો કે તુરત એનો કાન ઝાલીને એ નવા આવનાર પુરુષે કહ્યું: “તમે લીધેલો પેચ ધોળકાના અખાડાઓમાં તો કદી શીખવાતો મેં જાણ્યો નથી.” નીચે પડેલો શ્રેષ્ઠી ઊભો થતો થતો બોલ્યો: “એ પરદેશી ચર છે, મહારાજ. મને એ લૂંટતો હતો. હું તો આંહીં સંઘમાં આવેલ છું.” “સાચું કહે છે આ માણસ? કોણ છે તું?” આવેલ પુરુષે માલવી ભટરાજને પૂછ્યું. “હું અને આ બેઉ કોણ છીએ તેની તજવીજ તો મંત્રીશ્વર કરી શકશે, દુર્ગપાલજી! આપ અમને બેઉને એક ઘડીના પણ વિલંબ વગર સીધા મંત્રીશ્વર પાસે લઈ જાવ.” “દુર્ગપાલજી, મને પહેલો મારી પત્ની પાસે લઈ જાવ.” પેલા આદમીએ અરજ કરી. “ના, મહારાજ! જોજો રખે એ ભૂલ કરતા. મંત્રીશ્વરના નામથી હું આપને એમ કરતાં અટકાવું છું.” આ શબ્દોમાં કોઈ નિગૂઢ સત્તાનો ટંકાર હતો. આવેલ અધિકારી મનમાં મનમાં હસતો હતો. એણે મશ્કરી આદરી એટલે માલવી ભટરાજે પોતાના અવાજમાં વિશેષ સત્તા મૂકીઃ “દુર્ગપાલ મહારાજ! હમણાં અજવાળું થશે અને તમે જીવનભર પસ્તાશોઃ કોઈ નવો માણસ આ મામલો જાણવા પામે તે પૂર્વે જ મંત્રીશ્વર પાસે અમને બેઉને પહોંચતા કરો. કરો છો કે નહીં?” “અલ્યા,” પેલા પુરુષ સહેજ હસ્યા, “તું તો આજ્ઞા કરતો લાગે છે.” “આજ્ઞા કરતો લાગું છું એમ નહીં પણ આજ્ઞા કરું છું, દુર્ગપાલ! તમને ગુજરાતની ખેવના હોય કે ન હોય, તમારા શિરની, બૈરીની, છોકરાંની, કોઈની ખેવના હોય તો હું કહું છું તેમ કરો.” "હવે કંઈક પતાવટ કરીને, મારા ભાઈ!” દુર્ગપાલે દાણો દબાવ્યો. “હું ખુશી છું.” શ્રેષ્ઠી ઉત્સાહમાં આવી ગયો, “આપની જીભે આંકડો ચુકાવું. વાત આંહીં જ દાટીએ.” એટલું સાંભળતાં તો પેલા શ્રેષ્ઠીવેશધારીની ગરદન પકડીને માલવી ભટરાજે આગળ કર્યો ને કહ્યું: “દુર્ગપાલજી! ચીંથરાં ફાડી રહ્યા હો તો છેલ્લી વાર કહું છું કે ચાલો.” દુર્ગપાલ તરીકે સંબોધાતો પુરુષ એ ચારે જણાની પછવાડે ચાલ્યો. પાંચે જણ ધોળકા નગરના દરવાજામાં અદશ્ય થયા. તેઓ જે મકાન પાસે આવી પહોંચ્યા તે અલાયદું, સુંદર બાંધણીનું બંદીગૃહ હતું. ત્યાંનું દ્વાર આ પુરુષના અવાજે ઊઘડ્યું. મશાલ લઈ માણસો આવ્યા, અને પેલા રાજપુરુષે શ્રેષ્ઠીને તથા તેની પાલખી ઉપાડનારાઓને કડક કારાવાસમાં મોકલી દઈ માલવી ભટરાજને પાછળ રાખ્યો. “આંહીં આવ!” કહીને એને બહાર રસ્તા પર લીધો ને પોતાની બુકાની વગેરે વેશપરિધાન દૂર કર્યો. “કોણ, પ્રભુ પોતે જ!” પેલો ભટરાજ ભોંઠો પડીને પગે લાગ્યો. “સુવેગ! નાદાન! અવાજ ઓળખતો નથી ને મોટો ચર બન્યો છે!” એમ કહીને હસતા પુરુષે હેતથી ભટરાજનો ખભો થાબડ્યો: “આંખોને જેટલી કેળવીએ તેટલા જ કાનને કેળવવા જોઈએ.” "પણ આપે તો ગજબનો સ્વર બદલાવેલો, પ્રભુ!” "માટે જ ગુપ્તચરની ચાતુરીની જરૂરના! ગધેડાના સ્વરને તો સૌ ઓળખે. ઠીક, હવે? કોણ છે આ?” "મેં કહેલો તે જ – સિંઘણદેવનો ચર સુચરિત લાગે છે.” "પેલી હજુ બાકી છેના! જા તું, શત્રુંજય પર મળજે.” પ્રણામ કરીને એ ભટરાજનો પાઠ ભજવતો સુવેગ નામનો ગુર્જર ગુપ્તચર પાછો પોતાની શેઠાણી પાસે પહોંચી ગયો. અને અહીં સંઘના પડાવનું નિરાંતે નિરીક્ષણ કરવા આવેલા મંત્રી વસ્તુપાલે એ બંદી બનેલા પરદેશીના શરીર પરથી મળી આવેલી ઝીણી મોટી એકેએક વસ્તુ કઢાવીને પોતાની સાથે યાત્રામાં લીધી.