ગુજરાતનો જય/૨૨. સિંઘણદેવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૨. સિંઘણદેવ

'સેં'કડો તરાપાની કતાર તાપી નદીના નીરમાં એ સંધ્યાકાળે ઝૂલતી હતી. હાથીઓને વહેનારાં મોટાં વહાણો, અશ્વોને ને ઊંટોને નદી પાર કરાવનારી નૌકાઓ, સૈનિકો સુભટોને ઊતરવાની નાવડીઓ – એ બધાંનો તાપીના સામા કાંઠા પર ઠાઠ મચ્યો હતો. કેટલીક જળવાહિનીઓ તો છેક દૂર કોંકણપટ્ટી ને રત્નાગિરિના સાગરમાંથી આવી હતી, બાકીની ઘણી બધી નૌકાઓ ઉપર ભૃગુકચ્છના બંડખોર મંડલેશ્વર સંગ્રામસિંહના વાવટા ફરકતા હતા. માતેલા ગજરાજોને અને ઊંચી ડોકવાળા નામી લડાયક અશ્વોને આ જહાજોમાં ચડાવવાની ઝાઝી વાર નહોતી. તે જ ટાણે દરિયાબારા તરફથી એક દીવાવાળું નાનું નાવ દેખાયું, ને તેના ઉપર ઊભેલો એક આદમી 'થોભો થોભો' એવો કોઈક દક્ષિણી વાણીના પ્રયોગો કરતો, એક દીવો ફરકાવતો લાગ્યો. એ સ્વરોનો અર્થ સમજીને કિનારે ઊભેલા હાથીઘોડાના રખેવાળો થંભી ગયા. નાવડી નજીક આવી, ને 'થંભો થંભો' બોલતા માનવીની આકૃતિ સ્પષ્ટ બની. કોઈ થોડાબોલો ને પ્રતાપી રાજપુરુષ લાગ્યો. નાવડીને કિનારે ભિડાવીને એણે ભૂમિ પર પગ મૂકતાં જ સામે ઊભેલા લોકોને, પોતે જાણે પરિચિત હોય એવે સાદે દક્ષિણી ભાષામાં જ સહેજ સ્મિતભેર કહ્યું: “શંભુની કૃપા કે અણીને ટાણે જ પહોંચાયું છે. નહીંતર સત્યાનાશ વળી જાત.ક્યાં છે મહારાજ?” પૂછવાની કોઈએ હિંમત ન કરી કે તું કોણ છે ને ક્યાંથી આવે છે. એને સૈન્યના સ્વામી પાસે લઈ જવા માટે એક માણસ આગળ ચાલ્યો. એની પાછળ જતા આ નવીન આદમીએ ગૌરવભર્યા થોડાક જ બોલ કહ્યાઃ “મહારાજની ફરી આજ્ઞા મળ્યા વગર કોઈએ નદી પાર ઊતરવાનું નથી.” સેનાનો ભટ એને પોતાના ભટરાજ પાસે લઈ જતો હતો. એટલે એણે તરત જ કહ્યું: “મારે એ બારી-બારણાં ને ગલી-કૂંચીઓ વાટે જવાની ફુરસદ નથી. મને સીધો સાંધિવિગ્રહિક પાસે લઈ જા.” સાંધિવિગ્રહિક એટલે આજે જેને એલચી કહેવામાં આવે છે તેનું સ્થાન તે કાળે મહત્ત્વભર્યું હતું. રાજાની પાસે જવાનું એ એક અનિવાર્ય મધ્યદ્વાર હતું. નવા આવનારે એના હાથમાં એક સાંકેતિક ચિહુન કાઢીને ધરી દીધું. સાંધિવિગ્રહિક એ ચિહ્નને નિહાળ્યા પછી આ નવા માણસ સામે શંકિત નજરે નિહાળી રહ્યો. એના દેહ પર, કપડાં પર, મોં પર, આખા દેખાવ પર દિવસોના દિવસો સુધીના વિકટ પ્રવાસની એંધાણીઓ હતી. સાંધિવિગ્રહિકે કહ્યું: “મહારાજ તો પ્રયાણ કરતા હશે.” “હા, એ તો મેં શંખ સાંભળ્યો.” નવા આવનારે બેપરવાઈથી કહ્યું, "ને એ પ્રયાણ રોકવા જ મને ગણપતિદેવે અણીને ટાંકણે અહીં પહોંચાડ્યો છે.” "પણ સામે પાર જઈને પછી જ મળો તો શું ખાટું-મોળું થઈ જાય છે?” “તે તો તમે જો મહારાજ હોત તો હું તમને જ કહેત! પણ મને તો મહારાજને જ કહેવાનો આદેશ છે, એટલે તમે જો મને ન લઈ જતા હો તો તાપી-પાર કરાવવાનું સઘળું જોખમ તમારે શિરે છે.” એમ કહેતો એ નવીન માણસ મોં બગાડીને પાછો વળતો હતો, એટલામાં તો ફરી વાર અંદરના રાજપડાવ પરથી શંખધ્વનિ ઊઠ્યો. વળી ગયેલા નવીને પાછું મોં ફેરવીને સાંધિવિગ્રહિક તરફ જોયું, જોઈને પાછો એ ચાલતો થયો. ચાલતો ચાલતો બોલતો હતો કે “તાપીને સામે પાર મહારાજ પહોંચી રહ્યા! કેવા બુદ્ધિજડ સાંધિવિગ્રહિકો રાખ્યા છે! મહારાજને હું કહી કહીને થાક્યો છું, ગુજરાતમાંથી એ જ કહાવ્યા કરતો...” સાથેના ભટે એ સાંભળ્યું ને એણે વિમાસણ અનુભવી. એને લાગ્યું કે આ માણસ પાસે મહારાજ સિંઘણદેવને કશુંક જીવનમૃત્યુની કટોકટી બાબત કહેવાનું છે. એને લાગ્યું કે આ માણસ મહારાજનો સુપરિચિત હોવો જોઈએ, મહારાજ સાથે હું જ મેળવી આપું તો મારો બેડો પાર થઈ જાય. એણે નવીનને કહ્યું: “હું તમને બીજી ચોકી પરથી મહારાજ પાસે લઈ જાઉં?” "તારી ખુશી, ભાઈ! તું જોખમ ખેડ એમ હું શીદ કહું? પડેને બધું ચૂલામાં! એ તો હું મહારાજને તટ પર જ મળીશ ને રોકીશ, પણ આ હજારોનો ઘાણ નીકળી જશે તેનું શું?” એમ બોલતો બોલતો એ તો ચાલતો જ થયો હતો. એણે પગલાં ધીમાં પણ ન પાડ્યા, એટલે ભટનો ઉત્સાહ વધ્યો: “ચાલો ચાલો, હું તમને લઈ જાઉં.” “તો ચાલને ઝટ, ભાઈ! મોત કાં કરાવ છ સૌનું?” એમ એ જાણે, ભટ પર ઉપકાર કરતો ને હાથ રાખતો હોય તેવી અદાથી કચવાટ બતાવી પાછો વળ્યો ને અંધકારમાં ભટ એને જુદે રસ્તે લઈ વળ્યો. એ છાવણી ગુજરાત પર ચડાઈ લઈ આવતા દેવગિરિરાજ સિંઘણદેવની હતી. તાપી નદીને પાર કરવાને મુકરર થયેલી આ રાત્રિ હતી, ને સામા તીર પરથી શરૂ થતા લાટ નામના પ્રદેશમાં આ દેવગિરિરાજની ફોજને ગુપચુપ આગળ લઈ જવા માટે, ગુર્જર દેશમાં પેસાડી દેવા માટે, ભૃગુકચ્છના સંગ્રામસિંહે સર્વ તૈયારી કરી રાખી હતી. તાપી ઊતર્યા પછી એના આક્રમણને ખાળનાર કોઈ શક્તિ બાકી રહેતી નહોતી. તાપીનાં નીર પર રાત્રિએ તરનાર તરાપા ગુર્જર દેશનું પ્રારબ્ધ આંકી નાખવાના હતા. સિંઘણદેવ પોતાના પડાવને દ્વારે ધુંવાપૂવાં થતાં ઊભા થઈ રહ્યા હતા. આખરી ઘડીએ આવીને કોઈકે પ્રયાણ થંભાવ્યું છે એવા સમાચાર એના સુધી પહોંચી ગયા હતા. એ બેમાથાળો કોણ હતો? એને કેમ કોઈએ ન પકડ્યો? એને જવા ન દેતા! એવી આજ્ઞા છૂટતી હતી ત્યાં જ એ નવીન માનવીએ તંબૂને દ્વારે આવીને સવિનય સંભળાવ્યું: “આ રહ્યો એ હું, મહારાજ! વખતસર આવ્યો છું. એકાંતે પધારો.” “કોણ છે તું?” મહારાજ સિંઘણદેવ આ અણદીઠા આદમીની હિંમત પર મનમાં હરખાતા હરખાતા કરડે ચહેરે પૂછી રહ્યા. “હું કોણ છું તે પછી કહું. પહેલાં તો કૃપાનાથ મારી સાથે એક ઠેકાણેથી મોકલાયેલો સંદેશો સાંભળી લે ને પ્રયાણનો નિર્ણય બદલી નાખે.” "પ્રયાણનો નિર્ણય બદલવાનું કહે છે!” દેવગિરિના રાજવી સહેજ મરક્યા અને એના મોંની અંદર ગલોફાને એક ખૂણે રસઓગળતા તાંબૂલની લાલાશ મશાલોને અજવાળે દેખાઈ, મીઠી સુગંધ બહાર નીકળી: “છોકરા! કોનો સંદેશો તું લઈ આવ્યો છે? કયા ચમરબંધીનો? પેલા ધવલક્કના રાણાનો?” “નહીં અન્નદાતા! આ માણસનો.” એમ કહીને એ યુવાને સિંઘણદેવની પાસે એક મુદ્રા ધરી દીધી. “સેનાપતિને કહો કે પ્રયાણ ફરી આજ્ઞા થતાં સુધી રોકી રાખે.” એ મુદ્રાને બરાબર તપાસીને પછી તાકીદથી સિંઘણદેવે આવો આદેશ બહાર મોકલ્યો. આ નવા આવનારને પોતાના રહસ્ય-મંદિરમાં લીધો અને પૂછ્યું: “ક્યાં છે સુચરિત?” "ગુર્જર દેશમાં જ છે. વસ્તુપાલ મંત્રીના યાત્રાસંઘમાં ભમતા હતા, પણ ચંદ્રપ્રભા દગલબાજ નીવડી છે, સુચરિતજીને સંતાઈ જવું પડ્યું છે. આ સંદેશો આપને પહોંચાડવા હું માંડ બહાર નીકળી શક્યો છું.” "શું કહેવરાવ્યું છે?” "કે ગુર્જર સૈન્યની તૈયારીઓ ગજબ મોટી છે. આપણી ચટણી થઈ જશે. પણ ટાઢે પાણીએ ખસ નીકળવાનો લાગ છે. ગુર્જર સૈન્યનું કાસળ નીકળે તેવો તાકડો છે.” "શો તાકડો?” “એકાદ-બે મહિનામાં જ યુદ્ધ ફાટી નીકળશે.” "કોની કોની વચ્ચે?” "દિલ્લીશ્વર મોજુદ્દીનના મોકલ્યા મીરશિકાર અને ગુર્જરેશ્વર વચ્ચે.” "ગુર્જરેશ્વર ક્યાં છે?” “એનું લશ્કર લઈને ભદ્રેશ્વર તરફ ધસ્યો જાય છે. તેજપાલ બીજું સૈન્ય ઉપાડીને આબુ તરફ ચાલી નીકળ્યો છે. ધીરે ધીરે ગુજરાત સૈન્યવિહોણી બનતી જાય છે.” "તો તેં અમને શા માટે થંભાવ્યા છે આગળ વધીને ત્રાટકવાનું તો આ ટાણું છે.” "કૃપાનાથની દીર્ઘદૃષ્ટિ તો અમાપ છે, પણ સુચરિતજીનું ધ્યાન એમ નથી પહોંચતું, એટલે જ તો મને દોડાવ્યો છેને! હું દરિયામાં ગળકાં ખાતો ખાતો ને ખારાં પાણી પીતો પીતો અહીં વખતસર પહોંચ્યો છું.” "સુચરિત શું ધારે છે?” “એણે કહાવ્યું છે, અન્નદાતા! કે આજ ગુર્જર દેશનો કબજો લઈને કાલ પાછા ખાલી કરવું પડે તો દેવગિરિ બહુ દૂર રહી જાય.” “શી રીતે?” “મીરશિકાર અને ગુર્જરેશ્વર વચ્ચેનો વિગ્રહ એ તો ઘોર મહાવિગ્રહ બનવાનો. એમાં ગુર્જરપતિ કાં હારે છે ને કાં જીતે છે. હારશે તો તત્કાળ યવનોનાં ધાડાં ઊતરી પડશે, કે જેની છેડતી કરીને આપણે દેવગિરિનાં નોતરાં નથી દેવાં, ને જીતીને પાછો વળશે તો તો એ એટલો ખોખરો થઈ ગયો હશે કે એને ઉથલાવી નાખવામાં ઝાઝી વાર નહીં લાગે. માટે એને ખોખરો થવાનો સમય આપવો એ જ સુચરિતજીનો સંદેશો છે.” “તો પછી લાટપતિ સંગ્રામસિંહનું આપણને તેડું છે તેનું શું ધારવું?” એનો જવાબ આપ્યા વગર જ એ યુવક બેસી રહ્યો, પણ એણે સૂચક રીતે, પોતાનું મોં બીજી દિશામાં વાળી દઈ મોં પર એક કુટિલ સ્મિત રમાડ્યું. “કેમ જવાબ વાળતો નથી?” સિંઘણદેવે પ્રશ્ન કર્યો. પૂછવાનું મન થાય તેવો એ દૂતના મોં પરનો મરોડ હતો. “કાંઈ નહીં, પ્રભુ! ફક્ત એકાદ મહિનો આપ આ તાપીને તીરે બરાબર આ ગુર્જર દેશ અને માલવ દેશના ત્રિભેટા પર વિતાવી નાખો. તે દરમ્યાન કોણ કોનું છે તે બધું પરખાઈ આવશે.” “સંગ્રામસિંહ તો અધીરા થઈ રહ્યા છેને?” "થાય તો ખરા જ ને, અન્નદાતા” "કેમ?” “આપે એના સગા બાપને ઠાર માર્યો છે એટલે! ને મહારાજ, આ લાટ તો નથી ગુર્જર દેશમાં કે નથી દક્ષિણ ભૂખંડમાં. એનો કાંઈ મેળ જ નથી. એને એનું પોતાપણું નથી. જૂનું વૈર એ વીસરી જાય એટલું બધું ધારી બેસવાનું ભોળપણ દક્ષિણના વિચક્ષણ મહીપાલને માટે હવે શું ઉચિત છે?” દેવગિરિરાજના પગ હીંડોળાને ધીમે ધીમે ઠેલા દેતા હતા. હીંડોળો તો એના પડાવની સાથે જ હાલતો હતો. દક્ષિણના ભૂપાલોના ભોળપણનો ઉલ્લેખ એના હૈયામાં સુંવાળો ખૂણો પામી ગયો અને એના કાને હીંડળતી બે મોતીજડિત સુવર્ણકડીઓ જાણે એ દક્ષિણવાસી ભોળા વીરત્વનાં વારણાં લઈ રહી. સંગ્રામસિંહ વિશેના આટલા વહેમબિંદુએ સિંઘણદેવના હૃદયમાં થોડોક ભય મૂક્યો. રેવાની તીરભૂમિ લાટ ઉપર એણે ચાર ચાર વાર ચડાઈઓ કરી હતી ને એમાંની એક ચડાઈમાં એણે સંગ્રામસિંહના બાપ સિંધુરાજનો શિરચ્છેદ કર્યો હતો. એનો જ પુત્ર પોતાને ગુર્જર દેશ પર નોતરીને કાંઈ દગલબાજી ખેલવાનો હોય તો નવાઈ ન કહેવાય. યાદવરાજના કાનની કનક-કડીઓ વિચાર-લહેરોમાં ઝૂલતી હતી. કેટલી વાર પોતે ગુજરાત પર મીટ માંડી! દરેક વાર પડોશી લાટ જ વચ્ચે ઊભીને ઘા ઝીલતું હતું. લાટનો મંડલેશ્વર માંડ માંડ આટલાં વર્ષે પાટણના દંડનાયકનું આધિપત્ય ફગાવી દઈ સ્વાધીન બન્યો હતો, ને એ પોતાની સ્વતંત્રતાના રક્ષણની શરતે યાદવશત્રુને ગુજરાતના ઘરનું દ્વાર ઉઘાડી દેતો હતો. એનામાં કપટ હશે તો? વધુ વિલંબ કર્યા વગર એણે સૈન્યનો પડાવ પંદર દિવસ માટે માંડી વાળવાની આજ્ઞા છોડી. અને એણે પોતાના અંતરંગ ગુપ્તચરનો સંદેશો લાવનાર આ યુવાનનું ડહાપણ વધુ તાવવા માટે વાર્તાલાપ ચાલુ રાખ્યો. મહારાજ ભીમદેવના ઉત્તરકાળમાં પ્રવર્તેલી અરાજકતા અને અંધાધૂધીમાંથી પુનરુત્થાનનાં પગલાં માંડી રહેલા ગુર્જર દેશની નવી પિછાન મેળવતા પ્રશ્નો એણે પૂછવા માંડ્યા. એણે વણિકભાઈઓ વસ્તુપાલ-તેજપાલની માહિતી મેળવી, અને એ બન્નેની પાછળ સુબુદ્ધિમાન શક્તિ બનીને ઊભેલી ચંદ્રાવતીની વાણિયણ અનુપમાનાં રૂપગુણ પૂછ પૂછ કર્યા. વામનસ્થલીના યુદ્ધમાં અણમૂલ આત્મસમર્પણ કરનારી રાજરાણી જેતલદેવીનો એણે ઇતિહાસ જાણ્યો અને દેવગિરિના યાદવ-કુળમાં એવી કોઈ નારીનો અભાવ એ રાત્રિએ એને ભારી ખટક્યો. છેલ્લા સમાચાર વસ્તુપાલના સંઘ વિશે પૂછતાં યાદવપતિએ મોં બગાડ્યું. એના સંસ્કારી વદન પર કરડાકી પથરાઈ ગઈ. મોંની પ્રત્યેક રેખાએ કંટાળો ખાઈ આળસ મરોડ્યું. એના લલાટ પરનું ત્રિપુંડ ટુકડેટુકડા થઈ જતું દેખાયું. એ બોલી ઊઠ્યા: “આ શ્રાવકડાઓ જ હરહંમેશ ગુર્જર દેશને ક્ષીણ, હતવીર્ય કરી કરીને યવનોનાં આક્રમણ-દ્વાર આપણા દક્ષિણ ભૂમંડલ માટે ઉઘાડાં કરી આપતા જાય છે.” “સાચું કહો છો, કૃપાનાથ!” આ યુવકે સંઘનું ભળતું જ વર્ણન કરી બતાવ્યું. એ આખા વર્ણનમાં વણિકોની ઠેકડી અને શ્રાવકોના દોરવ્યા ક્ષત્રિય રાજાના ઉપહાસ જ ઊભરાતા હતા. એનું શ્રવણ કરતો કરતો યાદવપતિ ગુર્જરભૂમિને હતવીર્ય બનેલી, તુરકોનો માર ખાઈ ખોખરી બનેલી, પાકા ટબા બોરની જેમ પોતાના મોંમાં આવી પડેલી કલ્પતો હતો. એની એવી કલ્પનાને નવો આવનાર યુવાન શબ્દ શબ્દ લાલન કરાવી રહ્યો હતો. એણે યાદ કરાવ્યું: “મંત્રી વસ્તુપાલની કરામતોના બધા જ મકોડા ઢીલા કરતા કરતા આપણા સુચરિતજી છૂપા ઘૂમી રહેલ છે, અન્નદાતા! આપ નચિંત રહો; ગુર્જરભૂમિ પાંચે-પંદરે જ આપની વલ્લભા બનશે..ને એમ બનવું જો કોઈ વચેટિયાની જરૂર વગર શક્ય હોય તો...” “હાં, હાં,” યાદવરાજ સિંઘણદેવે શયન સમયનું છેલ્લું તાંબૂલબીડું ચાવીને કસ્તૂરીની માદક સુગંધ ભભકાવતે કહ્યું, “તો પછી આપણે સંગ્રામસિંહનો ઉપકાર શા માટે લેવો?” એટલા વાર્તાલાપને અંતે એ નવો આગંતુક જ્યારે સૂવા ગયો ત્યારે એણે નીચો શ્વાસ મૂક્યો. સૂવાટાણે એ યુવાનને બે ચિંતાઓ સતાવતી હતી. એક તો ક્યારે ક્ષેમકુશળ સવાર પડે અને પોતે તાપી-તટનાં બધાં ભાંગેલાં શિવાલયો જોઈ નાખે. અને બીજું, ક્યારે મંત્રીના સમાચાર આવે ને ચંદ્રપ્રભા વારાંગનાનું શું બન્યું તે પોતે જાણવા પામે.