ગુજરાતનો જય/૨૩. ચંદ્રપ્રભા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૩. ચંદ્રપ્રભા

ચંદ્રપ્રભાનું શું બન્યું હતું તે જાણવા જરા પાછળ જઈએ. આબુવાળો જુવાન સાંઢણી-સવાર પેલા ગામડાના શિવાલયમાં રાણા વીરધવલની સાથે ટપાટપી કરીને પછી પોતાની પાસેનો પત્ર લઈને તાલધ્વજને ડુંગરે પહોંચ્યો ત્યારે સંઘનો પડાવ શત્રુંજયથી આવીને ત્યાં પડી રહ્યો હતો. પોતે સાંઢણીને પડાવ બહાર રાખીને સંઘના નગરમાં પહોંચ્યો. પહેલું જ એણે મંત્રીને મળી લેવાનું ઠીક માન્યું. વસ્તુપાલે એની પાસેનું પત્ર લીધું અને પરમાર ધારાવર્ષાદેવના કુશલ-સમાચાર પૂછ્યા. પત્ર ઉખેળતાં ઉખેળતાં પોતે આ યુવાનની સામે બહુ જોયા વગર જ પૂછ્યું: "કુંવર સોમ પરમારનો અભ્યાસ તો ઠીક ચાલે છેને?” "હા, પ્રભુ” યુવાને નીચે મોંએ રહીને જવાબ વાળ્યો, “અચળેશ્વરની કૃપાથી ઠીક ઠીક ચાલે છે.” "એમને કેમ મંડલેશ્વરે યાત્રામાં ન મોકલ્યા?” "હજુ બાળક જેવા છે, એથી પરમારદેવની હિંમત ચાલતી નથી.” "બહાર નીકળવા માંડે તો બાળક મટેને!” એમ બોલતા બોલતા વસ્તુપાલે સહેજ ઊંચે જોઈ, યુવાનના મોં પર મીઠાશભરી આંખો ચોડી કહ્યું, “બહાર નીકળશે નહીં, પછી નહીં ઓળખે કે કોણ રાણા વીરધવલ કે કોણ રાણી જેતલબા! ઓચિંતા ક્યાંક ભટકાઈ જાય તે વખતે પછી કોને ખબર શું બન્યું ને શું નહીં.” આબુનો યુવાન આ સાંભળી કાંઈક ઝંખવાઈ ગયો. એને પેલા ગામડાના શિવાલયવાળો પોતાનો જ જાતઅનુભવનો પ્રસંગ યાદ આવ્યો. પોતે કોણ છે તે શું વસ્તુપાલ જાણી ચૂક્યા હશે? "અરે, આ આબુના મહેમાનનો ઉતારાપાણીનો બંદોબસ્ત કરો, જેહુલ ડોડિયા” એમ કહીને વસ્તુપાલ ઊઠ્યા અને સુવેગને શોધી કાઢી સંદેશો કહ્યોઃ “તું તાકીદ કર. માલવરાજનો ઘોડો નીકળી ચૂક્યો છે ને ભૃગુકચ્છની ઘોડહારમાં બંધાવાને વાર નથી. ગુજરાત-માલવાને ત્રિભેટે તાપી-તીરના ભાંગેલા શિવાલયમાં તપાસતો રહેજે. અવધૂત મહાત્મા માલવા બાજુથી આવનારા છે.” આવા મોઘમ શબ્દો સુવેગને માટે બસ થઈ પડ્યા. “તો, પ્રભુ!” સુવેગે કહ્યું, “આનું શું કરવું છે?” “કોનું, ચંદ્રપ્રભાનું ને? એને હમણાં કશું કરવું નથી. છોને બાપડી છેક પ્રભાસ સુધીની જાત્રા પૂરી કરે. વેશ્યાનો પણ ઈશ્વર તો છેના!” "પણ હવે પકડાવી લઈએ તો? મારું મન વિલંબ કબૂલતું નથી.” “એનો પૂરો ભેદ હજુ આપણે પામ્યા નથી.” “આપને કાંઈ શંકા રહી જાય છે?” "એનું સમાધાન સહેલું છે. તું આજે એને એટલું કહી જોજે કે સંઘના પડાવમાં સંખ્યાબંધ ગુપ્તચરો પકડાયા છે, અને હજુ એક દિલ્લીના બાતમીદાર બાઈની શોધાશોધ ચાલી રહી છે. બસ, તે પછી તું અદ્રદશ્ય થશે એટલે એને તારા પકડાઈ ગયાનું માનવામાં વાર નહીં લાગે.” “એમ જ કરીશ. પણ આપને એ દિલ્લી તરફની લાગે છે?” "હા, સુલતાન મોજદ્દીનની જ મોકલેલી. પણ વધુ અત્યારે પૂછીશ ના. તું તારે જા.” ગુપ્તચરોની પકડાપકડી વિશે જોશભેર અફવા આખા પડાવમાં ઊડી. રાત પડતાં સુધી માલવી ભટરાજ ન આવ્યો એટલે શેઠાણીને પૂરી ફાળ પડી, પોતે પણ ભય અનુભવ્યો. પ્રભાત પડતાં એણે રુદન આદર્યું. પોતાને ગામથી પોતાના શ્રેષ્ઠી સ્વામી ગુજરી ગયાના ખબર આવ્યા છે અને હવે પોતે સંઘને છોડી પાછી જવા માગે છે, માટે સંઘપતિ રજા આપે વગેરે વગેરે. અનુપમા, લલિતા અને સોખુ ત્રણેયને લઈને મંત્રી એ શેઠાણીના પડાવમાં ગયા. એને ઝીણવટથી નીરખી અને દિલાસો દીધો કે, “તમારે જ્યાં જવું હોય ત્યાં તમને ચોકિયાતો દઈએ.” "મારે કોઈની જરૂર નથી.” "અરે, બહેન!” મંત્રીએ જરા જેટલી પણ શંકા પોતાને ગઈ છે એવું ન બતાવતાં કહ્યું, “સૌરાષ્ટ્રની બહાર તો તમને રખેવાળો મોકલી પહોંચાડવાં જ જોઈએ. પછી ધોળકાથી તમે ઠીક પડે તેમ તમારે વતન પહોંચજો.” પડાવમાં આવીને મંત્રીએ લલિતાને પૂછ્યું: “લલિતા, એ જ કે નહીં?” “આબેહૂબ એ લાગે છે – આપણે ખંભાત રહેવા ગયાં ત્યારની જ વાત” “હા, બરાબર બાર વર્ષ થયાં. એનું નામ તને યાદ આવે છે?” “હા, હરિપ્રિયા. રાંડી ત્યારે કેવું ભરપૂર જોબન હતું!” "પણ, બ્રાહ્મણો એને જીવતી સતી કરવા માગતા'તા.” “ને તમેય એને છોડાવીને શું વધુ સારું કરેલું?” લલિતા બોલી, “તમે વળી જીવતી બાળવા માટે એને જૈન સાધ્વીઓને સોંપી હતી. તેમણે એને દીક્ષા દઈ દેવા દબાવી, પછી એ પરણી ગઈ'તી આરબને” "આરબ એને અરબસ્તાન લઈ ગયો હતો એ વાત ખોટી લાગે છે, લલિતા! એ લોકો દિલ્લી ગયેલાં, ત્યાં આરબ મરી ગયો ને આ છોકરી વારાંગના થઈ ગઈ એટલી વાત મને મળેલી.” “પણ આજ શેઠાણી ક્યાંથી બની?” “હશે બાપડી! પરણી હશે વળી કોઈ શ્રાવકને.” એટલું કહીને એણે વાત પાકે પાયે કરી લીધી. પછી એણે વિચારી લીધું. દિલ્લીની બેસતી બાદશાહતે ઠીક કરામત માંડી હતી. એણે પોતાની ગુપ્તચર બાઈઓને બારોબાર નહીં પણ ગુર્જર દેશના શત્રુઓનાં ઘરોમાં થઈને પેસાડી હતી. કેટલાં વર્ષોથી આ સ્ત્રી ચંદ્રપ્રભા બનીને છેક સિંઘણદેવના દિલમાં સ્થાન મેળવી ચૂકી હશે! દેવગિરિની બોલચાલ, પહેરવેશ, ઢબછબ, રીતભાત ને સંસ્કાર કેળવવા પાછળ કેટલાં વર્ષો ગાળ્યાં હશે, ને હવે આંહીંનાં ભેદ જાણી લઈ ગુર્જર દેશ તેમ જ દેવગિરિ બન્નેને રોળવાની તૈયારી કરાવવા દિલ્લી ચાલી ગઈ હોત તો! વખતસર હાથ પડી ગઈ. સ્વામીમરણના શોકનો પાઠ કરતી શેઠાણીને માટે એક સિગરામ જોડાવી દઈને વસ્તુપાલે એને પોતાના ચોકીપહેરા નીચે ધોળકા તરફ રવાના કરી. સંઘના પડાવમાં કંઈ પણ ખળભળાટ ન થાય તેની તેણે કાળજી લીધી. ધોળકામાં એ બાઈને પૂર્ણ જાપ્તામાં પણ સાથોસાથ પૂર્ણ માનસન્માનથી રાખવાની એણે પોતાના અધિકારીને સૂચના લખી. એમના રવાના થયા પછી આબુવાસી સાંઢણી-સવાર રજા લેવા આવ્યો. એને ધારાવર્ષદેવ પરનો પત્ર ભળાવીને પીઠ થાબડી મંત્રીએ કહ્યું: “જા ભાઈ, સૌને જય અચલેશ્વર કહેજે અને કુંવર સોમ પરમારને કહેજે કે માણસોને ઓળખતા થાય, નહીંતર કટારીના ખેલમાં ને ખેલમાં ક્યાંઈક કોઈક દિવસ ઊંધુંચતું કરી મૂકશે! સુખેથી પધારો.” એવો મીઠાશ ભરેલો મર્મ આબુનો યુવાન પામી ગયો, અને પોતાને ગર્ભિત મળેલી શાબાશીથી બમણો પ્રોત્સાહિત બની પાછો સાંઢણી પલાણ્યો. તે દિવસ રાત્રિના મુકામમાં અકસ્માત્ આ શેઠાણીવાળો ધોળકાનો રસાલો અને આ આબુવાસીની સાંઢણી એક જ ગામડે ઊતરી પડ્યા. એ પણ ભાલના જ ખારાપાટનું એક ગામ હતું. ત્યાં રાજ્યનો ઉતારો હોવાથી શેઠાણીવાળો પડાવ ઉતારામાં ગયો અને આબુવાળાએ પાદરમાં પીપળો અને પાણીનો કૂવો જોઇને સાંઢ ઝોકારી. શેઠાણીએ આ સાંઢણીને નજરમાં રાખી હતી, પણ અસવાર ક્યાં ગયો હતો ને કોની પાસેથી આવતો હતો તેની એને ખબર નહોતી. ફક્ત એ મારવાડનો હશે તેટલી સરત એને રહી ગઈ હતી ને બીજી એની આંખોમાં સાંઢણીની પવનવેગી ચાલ રહી ગઈ હતી. એનું દિલ તો કૂદી કૂદીને સાંઢણી પર પલાણવા દોડવા લાગ્યું. પણ એને બહાર નીકળવાની હિકમત સૂઝવી હજુ બાકી હતી. એને લઈ જનાર સૈનિકટુકડીનો ભટ દૂર બેઠો હતો. એને આશા હતી કે આ બાઈને માનપાન સહિત ધોળકે લઈ જઈ રાણાજીને પત્ર દેવો, અને બાઈને માથે અચાનક દુઃખ પડ્યું છે એટલે એને માર્ગે સાચવવાં, રેઢાં મૂકવાં નહીં રખે કદાચ મૂંઝાઈને ન કરવાનું કરી નાખે. પ્રૌઢ વયનો સૈન્ય-નાયક પોતાની પુત્રીના તાજા વૈધવ્યનો ઘા યાદ કરીને બેઠો હતો. તેમાં એને ઉતારામાંથી બાઈનું તેડું આવ્યું. પોતે પૂર્ણ અદબથી બાઈ પાસે ગયો. વૈધવ્યનું કોઈ નામનિશાન પણ ન હોય તેવું એને એક જ પલમાં લાગ્યું. પોતાના સૌંદર્યની જાળ ફેંકીને બાઈએ પૂછ્યું: “હેં ભટજી. મંત્રીજીના ઘરમાં કાંઈ કંકાસ બંકાસ થયો હતો?” “ના બા, અમને ખબર નથી.” "ત્યારે મને શીદને કાઢી હશે? મારો શો વાંક હતો? મને તો તેડાવી એટલે આવેલી” ચમકેલા સૈન્ય-નાયકથી પુછાઈ ગયું: “તમને કાઢ્યાં? કોણે કાઢ્યાં? તેડાવેલાં વળી કોણે?” “અરે બાપુ! તેડાવે તો બીજો કોણ? જેને વા'લાં લાગતાં હોઈએ તે જ તેડાવે ના! ને કાઢે પણ એ જ ના! કહે કે જાઓ ઝટ, નીકર આ ઘરની બૈરીઓ મારો ભવાડો કરશે!” સૈન્ય-નાયક તો ઘા ખાઈ ગયો; મંત્રીની રખાત હશે! ત્યાં તો આ સ્ત્રીએ પોતાના મન સાથે વાતો કરતી હોય તેમ કહ્યું: “હવે વળી પેલી પાટણવાળી, પેલી કાશીવાળી, ને પેલી ખંભાતવાળીને કાઢવા કંકાસો મંડાશે. મને જેમ રાંડ્યાનો ઢોંગ કરાવી રવાના કરવી પડી તેમ એ ત્રણ જણીઓની વિદાયનાં પણ કોઈ ને કોઈ બહાનાં શોધવાં પડશેનાં! ઠીક! મારે શું? હું તો મારે ધોળકામાં રહીશ, પોતે ખંભાત ન આવે ત્યાં સુધી મને પણ શાની રેઢી મૂકે? ખરા જાપતાદાર છે હાં કે? પણ સ્ત્રીઓ તે કદી કેદ કર્યે રહેતી હશે? રહે તો આપથી ને જાય તો સગા...” સૈન્યના નાયકનો તાજી વિધવા બનેલી પુત્રીનો શોક તો આ વાતો સાંભળી ક્યારનો અદ્રશ્ય બન્યો હતો. તેને બદલે હવે તો આ બાઈના શબ્દોએ, મુખના તાંબૂલની મીઠી સુગંધે અને ખાસ કરીને તો પોતાના આદર્શમૂર્તિ મંત્રી વસ્તુપાલના માયલા રંગોની મળેલી ઓળખાણે આ સેના-નાયકના માનવીપણાની કાચી માટીને પલાળી નાખી. બાઈ સાથેની એક બીજી સ્ત્રી હતી તેણે અન્ય સૈનિકોને કેફ કરાવી લોટપોટ કર્યા. પછી બધા પ્રહરીઓને સુરાનું ઘારણ વળતાં શેઠાણીએ પોતાના સ્ત્રીસ્વાંગ સંતાડી સાથે બાંધ્યા, સૈન્યનાયકનાં હથિયાર અને વસ્ત્રો ધારણ કરી લીધાં. ગઈ આબુવાળા સાંઢણી-સવાર પાસે, એને જગાડ્યો અને પૂછયું: “ક્ષત્રિય છો ને?” “હા.” યુવાને અર્ધઊંઘમાં હા પાડી. "તમારી સાંઢણી માથે ઝટ જગ્યા આપવી પડશે, ને હંકારવી પડશે.” “કેમ?” "અમારી સાથેનાં શેઠાણીને લઈને એક ટોળી નાસી છૂટી છે.” "કોની ટોળી?” “અમને લાગે છે કે કુંવર વીરમદેવની પટણી ટોળી. પણ વધુ વાતો કરવાની વેળા નથી. અમારા જણ બધા ધિંગાણામાં કામ આવી ગયા છે.” “ક્યાં ધિંગાણું થયું?” “પાછલે ગામડે.” “બાઈ કોણ હતાં?” "મંત્રીજીનાં કુટુંબી હતાં. વિધવા થયાં એટલે ઘેર જતાં તાં” "શી ખાતરી કે વીરમદેવની ટોળી આવેલી” “અરે ભાઈ, એ ખાતરી હું સવારે જ કરી બતાવીશ. અટાણે વાતોની વેળા છે? ઊઠો, ઊંટ પર સામાન માંડો, ક્ષત્રિય છોને? અબળાની વહાર બીજુ કોણ કરશે? મને ધોળકે પહોંચતો કરો.” આબુનો યુવાન તારાને અજવાળે આ સુંદર ને બોલકણું મોં દેખી અર્ધસ્વપ્ન અને અર્ધજાગૃતિના સીમાડા ઉપર ઝૂલી રહ્યો. અંતરમાં આસમાની પ્રગટી, પોતાની સાહસશૂરતાને અને પોતાના હૈયામાં સુપ્ત પડેલા અદ્ભૂતને કોઈક જગાડતું લાગ્યું, કૌતુકપ્રેમ એના મનને રંગી રહ્યો. થોડી જ વારે એ સાંઢણી ત્રણ અસવારોને ઉપાડીને ધોળકા તરફ ભાગી. પાછલા કાઠામાં આ નવી વ્યક્તિ હતી. ને આગલા કાઠામાં બેઉ આબુવાળા બેઠા હતા. આગળ હાંકતા બેઠેલા સાથીને આબુવાસી જુવાને કહી આપ્યું: “ધોળકાને પાદર સવાર નથી પડવા દેવું, હો કે?” એને ડર હતો રાણા વીરધવલનો ભેટો થઈ જવાનો ને પેલા શિવાલયની વાતનો ફણગો ફૂટવાનો. "તો તો પાડ તમારો.” પાછલા અસવારે પોતાના લાભની વાત જાણીને કહ્યું, “હું ચાહે ત્યારે પણ ધોળકાની દેવડી ઉઘડાવી શકીશ.” પણ એ બન્નેની ધારણા ભાલની ધરતીએ ધૂળ મેળવી, સાંઢણીને મારગ સૂઝ્યા નહીં. કેડાના કોઈ પાર નહોતા. ભળકડિયો ઊગી ગયો અને પાછલો અસવાર આકળો થવા લાગ્યો. એણે પોતાનો અવાજ બદલી નાખ્યો હતો. પણ જેમ જેમ સૂર્યોદયની આફત નજીક આવતી ગઈ તેમ તેમ એ કલાવંતીની કલાઓ પણ સંકેલાતી ગઈ. એના સ્વરમાં સ્ત્રીનો કંઠ વધુ વાર સંતાઈ ન શક્યો. આબુવાસી યુવાન બેઉની વચ્ચે બેઠો હતો. તેનું શરીર આ પાછળ બેઠેલા સ્ત્રી-શરીરથી અતિ નજીક હતું. યુવાનને કોઈ ભયકારક ગંધ તો આવી જ રહી હતી, એમાં કંઠના ઝંકાર પકડાયા. એને એક તરફ મારગ અકળાવી રહ્યો હતો, સાંઢણી અણસરખા પગ માંડતી હતી, માર્ગ સૂઝતો નહોતો, એમાં બાઈએ કહ્યું: “તો પછી જુવાન, મને સીધો પાટણ જ લ્યોને!” આબુવાસી યુવાને પાછળ મોં ફેરવીને એક જ નજરે પાછલા મોંને પરખી લીધું, કંઈક રહસ્ય લાગ્યું અને કોઈક નવી જ જીવનલીલાને નિહાળવા એ જુવાન તત્પર થઈ ગયો. એણે તરત પોતાના આગલા સાથીને કહ્યું: “લાવ દોરી મારા હાથમાં.” પોતે દોરી હાથમાં લઈ સાંઢણીને એક માર્ગ પર વાળી અને થોડીવારે કહ્યું: "લ્યો આ પાટણનો કેડો.” ખરી વાતે એણે ઝાલી હતી છેક જ જુદી દિશા. એ પરભારો આબુ તરફ જઈ રહ્યો હતો.