ગુજરાતનો જય/૨૩. સમર્પણનાં મૂલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૩. સમર્પણનાં મૂલ

રાત્રિઓ પછી રાત્રિઓ સુધી સદીકના ઘરમાં ધરબાયેલી, ગણી ગણાય નહીં તેટલી ગુજરાતની ચોરેલી, લૂંટેલી લક્ષ્મીની ટીપ થઈ રહી હતી. અને તે રાત્રિઓમાં મંત્રી વસ્તુપાલ બેઠા બેઠા તાડપત્રી પર પોતાના “નરનારાયણનન્દમહાકાવ્ય'ની સંસ્કૃત કડીઓ પર કડીઓ રચતા હતા. તેમાંથી થાકતા ત્યારે જાતજાતના છંદોમાં સંસ્કૃત સૂક્તિઓ આલેખતા હતા. અને તે જ રાત્રિઓમાં એ સંસ્કૃત કાવ્યોના ઉપાસક તરફથી કંઈક ગુપ્તચરો માલવરાજના દરબારે, દેવગિરિની સૈન્ય-છાવણીમાં અને શંખના લાટમાં કોઈ અનેરી જ લીલા ભજવી રહ્યા હતા. સદીકની સમૃદ્ધિની વિગતો જેમ જેમ બહાર પડતી ગઈ તેમ તેમ પ્રજામાં ઓહોકાર અને અરેરાટી છૂટતાં ગયાં. સુવર્ણ, મૌક્તિકો, અને મૂલ્યવાન દ્રવ્યોનો સુમાર ન રહ્યો. એમાંથી એકપણ વસ્તુ ખેસવવાની મંત્રીએ મના કરી. રાણા વીરધવલને પાટણ સમાચાર પહોંચાડી દીધા હતા. વીરધવલ મારતે ઘોડે ધોળકે આવવા નીકળી ચૂક્યા હતા. અને ચાર મારુરાજોની ચડાઈની વાત પણ બનાવટી તરકટી નક્કી થતાં તેમને આગળ વધવું પડ્યું નહોતું. એ તરકટ સમાચાર, બરાબર મંત્રીના સ્તંભતીર્થ રહેવા દરમ્યાન જ ધોળકે પહોંચાડનાર બનાવટી દૂત પકડાયો હતો. એ દૂત સદીકનો નીકળ્યો. શંખની ચડાઈને અનુકૂળતા કરી આપવાનું જ એ કારસ્તાન હતું. તેજપાલ અને વીરધવલ બેઉ પાછા વળ્યા. તેજપાલને સદીકના ઘરના દ્રવ્યની ટીપ કરી કબજે લેવા કહી, વસ્તુપાલ ત્રણેય મારુ પરોણાઓ સાથે ધોળકે ગયો. રાણા મંત્રીને ભેટે તે પૂર્વે જ મંત્રીએ રાણાની પાસે ત્રણ ચાહમાન પરોણાને રજૂ કર્યા – ને કહ્યું: “આ ત્રણ ન હોત તો આજે સ્તંભતીર્થ રોળાઈ ગયું હોત.” ત્રણેયનું વીરધવલે પણ બહુમાન કર્યું. પછી સદીકના ઘરની લક્ષ્મીની ટીપ રાણા પાસે હાજર કરવામાં આવી “આટલી બધી!” રાણાની છાતી બેસી ગઈ. “અને દેવ!” મંત્રીએ કહ્યું, “સદીકના ઘરમાંથી ત્રણ કોટડીઓ ધૂળથી ભરેલી તે ધૂળ પણ મહામૂલી છે.” રાણા વીરધવલ – ખેડુ તો ખરા જ ને આખરે! – પહેલાં તો કાંઈ સમજ્યા નહીં. પછી મલકાયા; ને બોલ્યા, “હાંઉં ત્યારે, એના ઘરની ધૂળ તમારે રહી, મંત્રી” “બાપુ રહેવા દો, મશ્કરી ન સમજો.” "પણ કહું છું કે ધૂળ તમને રહી.” “પછી મન બગાડશો નહીંને?” “ના રે ના, ધૂળ હોય એટલી તમને રહી જાઓ મંત્રીજી! સાત વાર તમને.” “તો હવે સાંભળો.” વસ્તુપાલે વિગતથી વાત કરી, “એ ધૂળના ઓરડા ભર્યા છે. ને એ બધું શુદ્ધ સુવર્ણ છે.” "શી રીતે?” “એક વાર સદીકનાં સાત વહાણ સફરમાં દરિયે ગયાં હતાં. વાવાઝોડાનું તોફાન નડ્યું. વહાણો ડોલવા લાગ્યાં એટલે એના નાવિકોએ કાંઠેથી ગૂણીઓ ભરીભરીને રેતી વહાણમાં નીરમ લેખે ભરી. વહાણ ખંભાત આવ્યાં. સદકે પૂછ્યું કે શું લાવ્યા? નાવિકો કહે વેકુરી. દરિયાલાલની દીધેલી તો વેકૂરી પણ શ્રેષ્ઠ, એમ કહીને સદીકે વખારોમાં એ ગૂણીઓ ખડકાવી. એ જ વખારોમાં રૂ પણ ભર્યું હતું. એક વાર દીવાની જ્યોત રૂમાં લાગી. રૂ સળગ્યું, ને વેકુરીને આંચ લાગી. ઓગળીને થોડીક વેકૂરીનું સોનું બની ગયું” “એટલે શું?” “એ તેજમતૂરી નામની દરિયાઈ ધૂળ છે.” “બસ! કહી રહ્યા? એ ધૂળ હોય કે વેકૂરી હોય, કે સોનું હોય. હું તો તમને દઈ ચૂક્યો છું.” "તે માથે ચડાવું છું. પણ આ લક્ષ્મી મારી નથી, રાજની છે. મારું ને રાજનું જુદું નહીં પડી શકે. ને જે રાજનું છે તે ગુજરાતના પુનરુદ્ધારમાં જ વપરાશે.” "તે તો તમારે જ વાપરવાનું છે.” "તો પહેલું પુણ્યકાર્ય હું સૂચવું? સ્તંભતીર્થમાં મારે એક વિજય અને આત્મસમર્પણનું સ્મરણચિહ્ન ઊભું કરાવવું છે. આપ સંમત થશો?” “કેમ બીક લાગે છે?” "બીક એટલા માટે લાગે છે કે સોલંકીઓના ઇતિહાસમાં કદી બન્યું નથી તેવું કરવાનું છે. આજ સુધી રાજાઓના નામની દેરીઓ ને સમાધિઓ, સ્મારકો ને શૃંગો, સરોવરો ને વાવો થતાં આવેલ છે. મારે આપના હાથે જેનું ખાતમુરત કરાવવાનું છે...” "તે કોઈ મંત્રીના નામનું સ્મારક હશે?” વરધવલે ઘા કરી લીધો. “ના, ના.” "ત્યારે શું અનોપનું?” રાણાએ જાણ્યું હતું કે ધોળકાના બચાવ માટે અનોપે પ્રજાને સજ્જ કરી રાખી, કોટ પર પોતે ચોકી કરી હતી. "ના, દેવ. એક છેલ્લી પાયરીના સૈનિકના નામનું: ને જ્યાં સુધી ઇતિહાસમાં એ સ્તંભતીર્થ રહેશે, સોલંકીઓ રહેશે, વાઘેલા રહેશે ને પ્રભુકૃપાએ આપનો આ નમ્ર વસ્તુપાલ રહેશે, ત્યાં સુધી રાણા વીરધવલના એક પગ ચાંપનારાનું નામ રહેશે.” "પગ ચાંપનાર!” વીરધવલને વિસ્મય થયું. “તમે તો શંખ સાથે લડેલા ભટરાજની વાત કરો છોને?” “ના રાણાજી, એ ભટરાજ નહોતો. આપને યાદ આવે છે? આપની પગચંપી કરતા એક વંઠકે આપના પગની રત્નજડિત મુદ્રા ચોરી હતી.” “હા.” "ને આપે એનો દરમાયો વધારી દીધો હતો.” “હા.” “એ ભૂવણો ગુડિયઃ એ જ આ ખંભાતનો તારણહાર, છેલ્લી પાયરીનો સૈનિક ભુવનપાલ. એના નામના ભુવનપાલપ્રાસાદમાં મારે રુદ્રની પ્રતિષ્ઠા કરાવવી છે.” “ભાઈ!” કહેતાં રાણાએ પોતાનાં હર્ષાશ્રુઓ ખાળી રાખીને મંત્રીને બાથમાં લઈ લીધો, “આ તે તું માગે છે કે મને આપે છે? તું અત્યાર સુધી વાતને લંબાવે છે શા માટે? તને મારી હજુ પતીજ ન પડી? હું બાપુને જ તેડાવું છું - ભુવનપાલપ્રાસાદનું ખાતમુરત કરવા. પછી છે કાંઈ?” "તો બસ, મારો ભવ સુધરી જશે. ને હવે આપણે ચાહમાન પરોણાઓને તેડાવી વાત કરી લઈએ.” "હા, એને તો રાખી જ લઈએ.” આ શબ્દો બોલતી વખતે રાણા વીરધવલને ઝાઝી કલ્પના ન હતી. ત્રણ ચાહમાન ભાઈઓને ઉપરાઉપરી ધન્યવાદ આપીને પછી તેમની માગણી સાંભળી: "રાજન્! અમે ત્રણ ભાઈઓ અમને મળેલા ગરાસ પૂરા ન પડવાથી ચાકરી ગોતવા નીકળ્યા છીએ.” “તે તો ગુજરાતનાં પરમ ભાગ્ય કહેવાય. ગ્રાસ કેટલો નોંધીએ?” “દરેક ભાઈને એક એક લાખ લુણસાપુરી દામ (દ્રમ્મ).” કશી જ ધડક વગર આવા પગારની માગણી કરનાર ચાહમાનો તરફ રાણા વીરધવલ દિગ્મૂઢ નજરે જોઈ રહ્યા. પણ ચાહમાનોનાં મોં ઉપર રંગ બદલાયા નહીં. રાણાનું મોં પડી ગયું. એણે વસ્તુપાલ સામે જોયું. મંત્રી સમજી ગયા કે આ પગારની રકમ સાંભળીને રાણાની છાતી બેસી ગઈ છે. એ બહાર ચાલ્યો ગયો. એમ થયું કે રાણા બહાર આવે તો વાત કરું. થોડી વારે ગણતરી ગણીને રાણાએ કહ્યું: “એક લાખમાં તો સો સો ભટ વસાવી શકાયને, ભાઈ!” ચાહમાનોનાં મોં પર સહેજ સ્મિત ફરક્યું. તેમણે વિનય છોડીને કશો ઉત્તર ઉચ્ચાર્યો નહીં. એટલે રાણાએ ફરીને કહ્યું: “સો સો ભટ જેટલું કામ અક્કેક જણ ચાહે તેવો બહાદુર હોય તોયે શી રીતે કરી શકે? ને મારું વાટકીના શિરામણ જેવડું ધોળકે શું આપી શકે?” “તો કંઈ નહીં, રાજન્! અમે આનંદથી રજા માગીએ છીએ.” એમ કહીને ત્રણેયએ પાનબીડાં ખાધાં. ત્રણેયને મોટા સરપાવ આપી, પાઘ બંધાવી, ક્ષમા માગી વિદાય દીધી. પાછળથી મંત્રીએ રાણાને સમજાવ્યા: "આપે મોટી ભૂલ કરી, મૂલ્ય માણસનાં છે, સંખ્યામાં નથી” "પણ મારી તો અક્કલ જ કામ કરતી નથી કે અક્કેક જણો અક્કેક લાખના પગારે ધોળકાને કેમ પરવડે! એ કરતાં સૈન્ય ન વધારીએ!” મંત્રીને અફસોસ થયો. વધુ વિવાદ કરવાનું ઉચિત ન લાગ્યું. બાજી હાથમાંથી ગઈ હતી. એ ઘૂંટડો પી ગયો. એણે ચાહમાનોને પોતાના તરફથી પણ જુદા પોશાક પહેરામણી દઈ વિદાય દીધી. રાણો ખેડુ છે ખરોને મંત્રીએ મનમાં વિચાર કર્યો, “એને હજુ પાઠ ભણવા બાકી છે. અનુભવે ભણશે. રાહ જોવી રહી.” ખંભાતથી આવીને મંત્રીએ ધોળકામાં વયજૂકાને એકાંતે તેડાવીને પૂછ્યું: “ભુવનપાલનાં સગાંવહાલાં, માબાપ ક્યાં છે તેની કાંઈ ખબર?” વયજૂકાએ એક પત્ર પર લખી રાખેલાં નામઠામ ભાઈને દીધાં. મંત્રીએ રાજી થઈને કહ્યું: “એના ભરણપોષણની ગોઠવણ કરું છું, ને ભુવનપાલપ્રાસાદના વાસ્તુ વખતે એ સૌને તેડાવવાનો છું. તું તારા ચિત્તમાં ગ્લાનિ રાખીશ નહીં.” વયજૂકાના હોઠ ફફડીને રહી ગયા. એણે પાલવ વડે આંખો લૂછી, એ અંદર ચાલી ગઈ. ભાઈ એની પાછળ ક્યાંય સુધી જોઈ રહ્યો.