ગુજરાતનો જય/૨૭. ધણીનો દુહો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૭. ધણીનો દુહો

રાતભર વીરધવલે રમખાણ ચલાવ્યું. બેઉ સાળાઓને શોધ્યા. પો ફાટી ત્યારે બેઉ પૂરા બખ્તરે ને ઘોડેસવારીએ રાજગઢમાંથી બહાર પડ્યા. બેઉને એકલા વીરધવલે પટકી પરલોકનો માર્ગ દેખાડ્યો. જ્યાં પોતે એક દિવસ લીલે તોરણે પરણવા આવેલો તે જ દરવાજાના ઉંબરમાં એને પત્નીના બાંધવોને મારવા પડ્યા. એનું મન વલોવાઈ ગયું. “વીરમદેવને ક્યાં છુપાવ્યો કે મારી નાખ્યો?” એણે મરતા સાંગણને મોંએ પાણી દેતાં દેતાં પૂછ્યું. ન બોલી શકનાર સાંગણે 'ખબર નથી' એવા અર્થની હસ્તચેષ્ટા કરી. "વીરમ! વીરમદેવ! બાપ લાડીલા વીરમ! ક્યાં છો એવા સાદ પાડતો રાણો રાજગઢના ખંડેખંડમાં ફરી વળ્યો. વીરમનું શબ કે હાજપિંજર કશું હાથ ન આવ્યું. વીરમદેવ તો ફૂલકળી જેવડો, આ દાવાનલમાં કોણ જાણે ક્યાંય ભૂંજાઈ ગયો હશે, એવી હતાશાનાં તાળાં હૈયા પર જડી દઈને એણે જેતલદેવીને શોધી. રાણીને એ રણાંગણના પ્રારંભકાળમાં કોઈ બે અણજાણ્યા માણસો મૂર્છાવશ હાલતમાં જ ઉપાડી ગયા હતા. સૈન્યને ખબર નહોતી કે એ બે માણસો કોણ હતા ને ક્યાં લઈ ગયા. વામનસ્થલીનો વિજેતા રાણો વીરધવલ જીતેલા રાજ પર પાકો બંદોબસ્ત મૂકી કરીને ત્રીજે દિવસે વિજયનો દરબાર ભરી બેઠો. વાજા, ચુડાસમા અને વાળા રાજવીઓએ હાજર થઈને હથિયાર છોડ્યાં. અને સાળાઓએ મહારાજ્ય-દ્રોહ કરી કરીને સંઘરેલી સંપત્તિની ટીપ રજૂ થઈ. કોટિસંખ્ય કનકના સિક્કા, ચૌદસો દેવાંગી ઘોડા, પાંચ હજાર તેજી તુરંગો: ગુર્જરા મહારાજને છેતરીને કંઈ વર્ષોથી ઘરમાં ભરેલી લૂંટ. રાણાએ પોતાના નામના જયકાર સાંભળ્યા. સંભળાવો જયજયકાર! મારા કાનમાં એ કશી અસર કરી શકશે નહીં. હું પુત્રને ને પત્નીને હારી બેઠેલો કયા સ્વાદે વિજયઘોષ માણું? પણ હું રાજવી છું, ક્ષત્રિય છું, કલેજે ભોગળો ભીડીનેય મારે વિજયઘોષ ગર્જવા દેવાના જ છે. ડંકા-નિશાન ન બનવા દઉં તો ગુજરાતના વર્ચસ્વને કોણ ગણકારે તેમ છે? આટલો સંહાર ન કર્યો હોત તો સોરઠધરાને ક્યાં ગુર્જર મહારાજ્યની ગરજ પડી હતી? પત્ની ગઈ, પુત્ર ગયો, પણ રાજાને મોઢે નિસ્તેજ રેખા અને આંસુના દોરિયા ખેંચાય તો લાજઆબરૂ જાય! બજાવો ડંકાનિશાન; ધણેણો ઢોલનગારાંઃ શરણાઈઓના સેંસાટ અવિરત ઊઠ્યા કરો! રાજાને રોવાની એકાંત પણ ન રહેવા દેજો! કિશોરવયનો ખેડુ-પાલક સાંભર્યો, ધીંગાં ધાન ખાંડીને ખવરાવતી મા મદનરાશી સાંભરી. વહાલા બે ઢાંઢા અને ધરણીનાં ઢેફાં યાદ આવ્યાં. કૂવાના હિમાળા ગોખલાઓમાં ઘૂઘવતાં પારેવાંએ પંદર વર્ષે મેહતા ગામની વાડીએથી જાણે એને બોલાવ્યોઃ 'મિત્ર! ઓ મિત્ર! પાછો આવને!' અરે, ચોમાસુ જુવાર-બાજરાના ઊગમતા છોડવાની ચોમેરથી કૂણાં નીલાં નીંદણાં નીંદતી ગામની ગોઠ્યણોએ ગાયેલાં ગીત એક પછી એક, વેણેવેણ યાદ આવ્યાં. બીક લાગી કે હમણાં ક્યાંક આ હેકડાઠઠ વિજય-દરબારની વચ્ચે મારું ગળું પણ એ ગાણાં ગાવા લાગી જશે. ગળું રૂંધો. રાજવી! ગળું ને કલેજું, સ્મૃતિ અને લાગણી, સર્વને રૂંધી રાખો; કેમ કે આજ તારો વિજય છે, ગુજરાતનો વિજય છે. જુઓ રે જુઓ, આ બધા પાગલો જેવા બસ ઉપરાઉપરી ઉદ્ઘોષી જ રહ્યા છે કે 'જય ગુજરાત! જય ગુજરાત! જય ગુજરાત!' “રાણાજી!” સેનાપતિ સોમવર્માએ આવી એને ઢંઢોળ્યો: “રાણીબા આવ્યાં છે, વીરમદેવજીને તેડી તેજપાલ મંત્રી આવ્યા છે.” “વીરમ! ક્યાંથી? જીવતાં કે મૂવેલાં? પ્રેતો તો નથી પધાર્યા કે ભાઈ! બરાબર જોજે.” એણે ધીમે સ્વરે કહ્યું. પછી એ ધીમે ધીમે દિવાસ્વપ્નમાંથી બહાર નીકળ્યો ને એણે સ્વજનોને જોયાં. જય ગુજરાતના ધ્વનિ શું આ ત્રણેય જણાંના સ્વાગતમાં ઊઠતા હતા? એ હસ્યો નહીં. ઘેલો બનીને ભેટ્યો નહીં. રાજા હતો. એને ગૌરવ સાચવવાનું હતું. એનાથી સ્વજનમેળાપનો નિર્બલ આનંદ ન દર્શાવાય. “તમે આંહીં ક્યાંથી, મંત્રી?” તેજપાલ જ્યારે એની બાજુએ આવીને નખશિખ યોદ્ધાના પરિધાનમાં શોભતો બેઠો ત્યારે રાણાએ તેજપાલને ધીરે સાદે પૂછ્યું. "ત્રણ મહિનાથી આંહીં છું.” “આંહીં એટલે ક્યાં?” “આ રાજગઢમાં જ.” "કેવી રીતે?” "રાણીઓના વૈદના વંઠક રૂપે.” “ત્યારે તો વીરમદેવને તમે બચાવી લીધો.” "શંભુએ.” “તને ભેટીને ભીંસી નાખું તેવું થાય છે. એક વાર આ દરબાર પૂરો થવા દે, પછી તારી વાત છે. મારા વિજયમાં ભાગ પડાવનાર ઈર્ષ્યાળુ!” “હા, હમણાં ચૂપ જ બેઠા રહેજો. નહીંતર સોરઠિયા લૂંટારા ગુજરાતના ધણીની વેવલાઈ પારખી લેશે તો પાછા નીકળવા નહીં આપે.” . "લે, હું વેશ પૂરો ભજવું.” એમ કહી એ દરબારની મેદની તરફ ફર્યો ને બોલ્યો, “એક મહિનો અમારો પડાવ આંહીં છે. ગુજરાતના દ્રોહીઓને પકડી પકડી કાંધ મારવા છે. ઘાતકોને તૈયાર રાખો. ચુડાસમા, વાજા કે વાળા, કોઈ કરતાં કોઈને જતા ન કરજો.” "આંહીં કોઈ ચારણ હાજર છે કે નહીં?” જેતલદેવીએ કચેરીમાં ચોમેર ડોળા ઘુમાવ્યા. એની ઉત્તેજના હજુ ઊતરી નહોતી. દુંદુભિ વાગતાં હતાં, નેકી પોકારાતી હતી, બ્રાહ્મણો સ્તુતિપાઠ ભણતા હતા, વણિકો વખાણ કરતા હતા, પણ જેતલદેવીને જરૂર હતી ચારણની જીભના ચાર બોલનીઃ “કોઈ દેવીપુત્ર જીવતો છે કે નહીં સોરઠમાં?” એણે ફરી ફરી ડોળા ઘુમાવ્યા. "ઘણાય હતા, મા!” માણસોએ ખબર દીધા, "પણ નાસી ગયા રાત લઈને. વર્ષો સુધી લૂંટારાઓનાં ગુણગાન ગાનારા રફૂચક થઈ ગયા.” “છે-છે-છે-એક,” એમ એક માણસે ખબર દીધા, “એ બુઢ્ઢો ન ભાગી શક્યો, એ પડ્યો દોઢીમાં પડ્યો પડ્યો કશુંક લવે છે.” “બોલાવો એને.” જર્જરિત એક હાડકાનું માળખું કચેરીમાં પ્રવેશ કરે છે. એને દોઢીમાંથી ઉપાડવો પડ્યો છે. એને દરબાર સુધી પગ ઘસડાવીને લાવવો પડ્યો છે. એને આજ પ્રભાતનો કસુંબો મળ્યો નથી. પાઘડીના આંટા એના ગળામાં પડ્યા છે. એ ચારણે કચેરી દીઠી, ને એ ટટ્ટાર થયો. એના હોઠ પર કશાક શબ્દો ફફડતા હતા. “ગઢવા!” જેતલદેવીએ ઓળખ્યો. ગઢમાં રહેતો હતો પચાસેક વર્ષથી: "જેતલ એના ખોળામાં ખેલી હતી. બુઢ્ઢાને એણે પૂછ્યું: “ગઢવા! કવિરાજ! બિરદાઈની કવિતાનું ક્યાં કમોત થયું?” "રાણકી!” બુઢ્ઢા ચારણે સહેજ આંખો ઉઘાડીને જેતલદેવીને પોતાની સફેદ ભમ્મરો નીચેથી નિહાળીને કહ્યું, “આજ સુધી જૂઠા જશ ગાયા. આજ રાતે મેં નજરોનજર જોયું, પ્રભાતથી વેણ ગોતું છું. બોલું?” "બોલો.” “લે ત્યારે –  જીતી છઈ જાણે ઈ સાંભલિ સમહરૂ બાજિયઉ” જીત મેળવી છ જણાએ – ફક્ત છ જણાએ, મારા બાપા એકલોહિયા અને એક હેડીના છ જ જણાએ. એ છ જણે જીત્યું સમરાંગણ.” એમ બોલીને ચારણ ચૂપ રહ્યો. એને ઝોકું આવ્યું. "કોણ કોણ છ જણા?” “એ છયેનાં નામ બીજાં બે ચરણોમાં આવશે, બાપ!” “ભણો ત્યારે.” “આજ નહીં ભણાય, મારી ભાણીબા. હજી તો બીજા ચરણો તૈયાર જ નથીના?” ચારણે ઝોકાં ખાતે ખાતે કહ્યું. "ક્યારેક તૈયાર થશે?” “કાલ સવારે.” "કાલ સવારે એ બે ચરણો લઈને જ આવજો, ગઢવા!” ચારણને પાછો દોઢી પર મૂક્યો. પણ તે પછીના આઠ પ્રહર સુધીમાં એ ચારણની પાસે ટંકશાળ પડી. ગુર્જરા શૂરવીરોની આકાંક્ષા હતી, કોઈક બિરદાઈની જીભે પોતાનાં નામો ચડાવવાની. છૂપા છૂપા કંઈક ભટો ને સામંતો ગઢવાની પાસે પહોંચી આવ્યા; માગણી સૌની એક જ હતીઃ “કવીશ્વર: કવિરાજા એ છ વિજેતાઓમાં મારું નામ ગોઠવશો?” "હા બાપ! તું જ રૂડા મોઢાનો! મેં તુંને નજરોનજર જોયો હતોને! તારું નામ ન મૂકું તે દી તો પ્રથવી રસાતાળ જાયને, મારા બાપ! ખમા તુંને. ભામણાં (વારણા) લઉં તારાં!” "ત્યારે લ્યો કવિરાજ, આ ગરીબની ભેટ.” એમ કહીને એક વીર દાન દઈ ગયો. બીજો આવ્યો. બીજાને પણ એ જ જવાબ; બીજા પાસેથી પણ દાનઃ એવા અનેક આવ્યા. પોતાના નામને એક જ દુહામાં બેસડાવવાની કાકલૂદી કરી ગયા. ખાતરી લઈ ગયા, દાન દઈ ગયા. તેજપાલનું લક્ષ્ય આ રોનકમાં નહોતું. રાણા સાથે બીજી બધી વાતો કરતાં પહેલાં જેતલદેવી વિશેની ચિંતા એને ચોંટી હતી. રાણકી રાણાને મળતી નહોતી, વીરમને રમાડતી નહોતી, ઉત્તેજિત અવસ્થામાં આખી રાત જ બેઠી હતી. "જેતલબા ગાંડાં થઈ જશે. એ હજુ એકેય વાર રડ્યાં નથી. એના ભાઈઓના મોત માથે એણે ધ્રુસકો મેલ્યો નથી.” તેજપાલે રાણાને સચિંત હૃદયે જણાવ્યું. પણ ઇલાજ સૂઝતો નહોતો. રાત માંડ માંડ નીકળી. વળતા દિવસ સવારની કચેરીમાં બુઢ્ઢો ચારણ કેફ કરી કારવીને આવ્યો. આવતાં વાર જ સાંઠીકડા જેવી ભુજાઓ લાંબી કરી કરીને લલકારી ઊઠ્યો – 

“જીત છઈ જણે ઈ
સાંભલિ સમહરૂ બાજિયઉ”

એમ એ ત્રણ વાર બોલ્યો, કચેરી ટાંપી રહી, કેટલાંય હૈયાં આશાહીંડોળે ફંગોળ લેવા લાગ્યાંઃ હમણાં મારું નામ આવશે: અબઘડી મારું નામ અમર થશે! ને પછી ચારણે કહ્યું: “કોણ કોણ છ જણાએ જીત્યું આ ધીંગાણું? ભણું છું, હો બાપ છયે નામ બરાબર સાંભળજો -

જીતઉં છઈ જણે ઈ
સાંભલિ સમહરૂ બાજિયઉ;
દુહિં ભુજ વીર તણે ઈ
ચહું પગ ઉપરવટ તણે.”

[વામનસ્થલીનો સંગ્રામ છ જણાએ જીત્યો. કોણ કોણ છ જણા? બે તો વીરધવલના ભુજ, ને ચાર એના અશ્વ ઉપરવટના પગ, એ બે ને ચાર છઃ બસ એ છ જણાએ જીત કરી, બાપ!] આશા અને આકાંક્ષામાં ઊંચાં થયેલાં અનેક વીર-માથાં નીચાં થયાં. આગલી રાતે ચારણને લાંચ દઈ ગયેલાઓ ક્ષોભ પામ્યા. (ને તેમણે પાછળથી ચારણને ફરી વાર દાન દીધું કેમ કે આ છેતરપિંડી તો મીઠી હતી. પોતાના સ્વામીને મળેલું ગૌરવ તેમણે પોતાનું માન્યું.) “વાહવા! વાહવા! વાહવા, ગઢવા!” જેતલદેવી ચિત્કારી ઊઠી, “મારા રાણાએ એકલે હાથે શૂરાતન કર્યું; મારો રાણો આજ કાવ્યમાં બિરાજ્યા. હવે હું સોખુભાભીના મેણાંનો જવાબ વાળીશ. મારા રાણાએ કોને માર્યા, ખબર છે પ્રજાજનો? મારા માજણ્યા બે અસુરોને, અસુરો તોય મારા માજણ્યાને! આંહીં આવ, વીરમદેવ.” એમ કહેતે એણે વીરમને ખોળામાં લીધો; ત્રણ દિવસે એને પહેલી વાર વહાલ કર્યું, એને હૈયે ભીંસતી ગઈ તેમ તેમ એની આંખો આંસુએ ભરાતી ગઈ, ને પછી એણે મોં ઢાંક્યું. એણે ભાઈઓને યાદ કરી કરી રડી લીધું. એણે કાળાં વસ્ત્રો ધર્યા. રાણાએ ને તેજપાલે એને મોકળા કંઠે રડવા દીધી. એ રુદન પૂરું થયું ત્યારે રાણકીની બધી જ ઉત્તેજના ઊતરી ગઈ હતી. એકલાં પડ્યાં ત્યારે જેતલદેવીએ તેજપાલને પૂછ્યું: “તમે મારા વીરમને બચાવવા અહીં ક્યાંથી પહોંચ્યા? તમે તો ચંદ્રાવતી ગયેલાને!” "બા!” તેજપાલે મીઠી બનાવટ કરી, “તમારી શરત તો મારું નાક કપાવનારી બની. હું પાટણ પહોંચ્યો ને લવણપ્રસાદ બાપુએ મારી કનેથી બધી વાત જાણી એટલે પછી તો એ મારા ઉપર તૂટી જ પડ્યા, હો બા! મને ન કહેવાનાં વેણ કહ્યાં. મને ધકેલીને પાછો વાળ્યો. મેં કહ્યું, હું કોઈ વાતે વામનસ્થલીના જુદ્ધમાં લડીશ નહીં. એણે કહ્યું કે લડીશ મા, પણ મારો વીરધવલ હારીને પાછો આવે કે મરે તો તું મોં બતાવવા પાછો આવીશ મા. આવી દશામાં મારે આવીને છુપાયા વગર છૂટકો હતો, બા? બાકી તમારી શરત તો મેં પાળી બતાવી છે. યુદ્ધમાં મેં એક કાંકરો પણ ફેંક્યો હોય તો કહો.” “ભાઈ! આજ માફી તો મારે તારી માગવી રહે છે. તું ફરી વાર મારા માજણ્યાને ઠેકાણે ઊભો રહ્યો. તું ન હોત તો હું ધોળકે જઈ મોં શું બતાવત?” “બા, આમાં તો તમે જ સૌને ઢાંકી દીધા છે. મધરાતે હું એ મેડીમાં છૂપો ઊભેલો જ હતો ને તમારી લાગણીઓનું ઘોર જુદ્ધ જોતો હતો. તમારું જનેતાપણું ને તમારો રાજ્ઞીધર્મ, એ બેના ધિંગાણામાં જનેતા જેવા અવિજેય પક્ષને હાર મળી, એ તો ઇતિહાસમાં અધિકાઈ થઈ ગઈ. નહીંતર અમે બધા ધોળકે જઈ મોં કેમ બતાવત?” “મારી તો કાંઈ ગણતરી જ નથીને!” એમ કહેતાં કહેતાં રાણા વીરધવલ આવ્યા, “મને બદનામી દેવા માટે જાત્રાના સંઘને રોકનારા એ રઢિયાળાને હવે કહેવરાવો કે અમે આંહીં જ છીએ, તેડી લાવો તમારા સંઘને.” “એ બધું કરનારી તો મારી ભોજાઈ અનોપ જ છે. મને બધી ખબર પડી છે.” જેતલદેવીએ તેજપાલને નવા સમાચાર દીધા. સંઘની માંડવાળના અને વામનસ્થલીની ચડાઈના કારણરૂપી અનોપના બોલ જેતલદેવીએ તેજપાલને ને રાણાને પહેલી જ વાર સંભળાવ્યા. તેજપાલ ઉપર, પત્નીની એ સુજ્ઞતા અને રાજનીતિજ્ઞતાના સમાચારની અસર કેવી પડી તે જાણવું કઠિન હતું. એનું મોં જરા લેવાયું. પાછું ઝળહળ્યું. ધોળકે પહોંચીને પહેલો અનોપને ગાલે આ દોઢડહાપણ બદલ એક તાતો તમાચો ચોડવો કે પહેલી એના ચરણોમાં માથું મૂકી વંદના દેવી, એ નક્કી થઈ ન શક્યું. પણ ધોળકાની પોરવાડ પોળનું એક ડેલું, એક સ્વચ્છ આંગણું, એક શ્યામ કાંડા પરનું કંકણકાવ્ય એને જાણે કે છાના સાદ પાડી પાડીને બોલાવવા લાગ્યું: એ કંકણાકાવ્ય આ હતું –  ૧[૧]पश्चाद्दत्तं परैर्दतं लभ्यते खलु वा न वा । स्वहस्तेनैव यद्दत्तं तद्दतमुपलभ्यते ।[પોતાની પીઠ પાછળ દીધેલું અથવા પોતાના નિમિત્તે પારકા હાથેથી દેવાયેલું દાન તો પહોંચે કે ન યે પહોંચે. જે દાન સ્વહસ્તે દેવાય છે તે જ સાચેસાચું પહોંચ્યું ગણાય.]

  • ૧ પ્રબંધમાં અનુપમાદેવીના આ કંકણકાવ્યોનો નિર્દેશ છે.