ગુજરાતનો જય/૮. પરમાર બાંધવો
આબુ ઉપર તો નાનપણમાં અનુપમા અનેક વાર ચડેલી, પણ તે દિવસનું ચડવું જુદું હતું. ચડતી ગઈ તેમ તેમ આબુ એને ગુર્જર દેશનો ગરવો ચોકીદાર લાગતો ગયો. દેલવાડે પહોંચી. વિમલવસહિકાના વિશાળ દેરાની પૂતળીઓમાં રાચતું એ બાળપણનું રમતિયાળ મન તે વેળા બીજા જ એક મનને માટે સ્થાન ખાલી કરી ગયું હતું. આ વિમલના દેરાની અંદર એકાદ નાનકડી કુલિકાદેરીમાં એક જ પ્રભુબિમ્બ પધરાવવાની ઝંખના સંઘરીને એક કુમાર અણહિલવાડની પાઠશાળામાં પ્રાણ ત્યાગી ગયેલો, તેની પોતે પ્રત્યક્ષ સાક્ષી હતી. દેરાની અનુપમ શોભા, અગર-ચંદનની સુગંધ, પ્રભુની પ્રતિમાઓ, કશામાં તેનું ધ્યાન વસ્યું નહીં. એકાકી ઊભેલ વિમલવસહીના પ્રભુપ્રાસાદની પડખે એણે જમીન ખાલી જોઈ. એનું અંતર એ જમીનના ટુકડા પર ઠર્યું. એણે પોતાની સાથે આવેલા ચંદ્રાવતીના મહાજનોને પૂછી પણ જોયું: “આ જમીન કોની છે?” “ગૌગ્ગલિક બ્રાહ્મણોની.” "વેચો ખરા?” એણે બ્રાહ્મણોને પૂછ્યું. "શાને ન વેચીએ? પણ તમે નહીં રાખી શકો.” “શો ભાવ છે?” “પૂછી આવો વિમલશાના વંશજોને. એણે જેટલાવામાં સુવર્ણદ્રમ્મપાથર્યા તેટલી ભૂમિ મળી.” "કેટલા પાથર્યા?” “અઢાર કોટિ ને ત્રેપન લાખ!” અવાક બનીને અનુપમા અચળગઢ તરફ ચાલી. એટલી બધી સંપત્તિ ક્યાં હતી? ઉચ્ચારું તો વર અને જેઠ ઉત્તર શો આપે? ડાબી દિશાએ દુર્ગાપક્ષી બોલ્યું. શું, શુકન થાય છે? અંબિકાની ઇચ્છા હશે? મારું સ્વપ્ન સિદ્ધ થશે? આ જન્મે તો આશા નથી! અચલગઢની તળેટીમાં મંદાકિનીકુંડ પાસે પહોંચી. એનો સત્કાર કરવા મહામંડલેશ્વર ધારાવર્ષદેવ પોતે ઊભા હતા. એ યોગી-શા રાજવીને અનુપમાએ મસ્તક નમાવ્યું. અચળગઢના ગગનચુંબી પ્રાસાદ, કે જે આજે ભર્તુહરિ-ગોપીચંદની ગુફાને નામે ઓળખાય છે, ત્યાંથી એણે સંસ્કૃત કાવ્યના રટણ-ઘોષ સાંભળ્યા. કોઈકનો ઘેરો કંઠ કવિતાના સ્ત્રોતની, જાણે કે આકાશેથી લહાણી કરતો હતો. "આ કોણ?” અનુપમાએ મહામંડલેશ્વરને પૂછ્યું. “એ તો પ્રહૂલાદન. તારા જેઠની જેમ મારા નાના ભાઈને પણ વિદ્યાનું વ્યસન લાગ્યું છે, બેટા!” "મને જેઠજીએ એ વાત કરી હતી. આપ મને એમની પાસે લઈ જશો?” શૌર્ય અને વિદ્યા બેનો જ્યાં સંયોગ થાય છે ત્યાં ભારતવર્ષનો યુગાત્મા પ્રકટે છે. એવો યુગદેવ અનુપમાએ એક સ્તંભતીર્થમાં દીઠો હતો – પોતાના જેઠ વસ્તુપાલને; બીજો દીઠો અચલગઢને કાંગરે, ધારાવર્ષના નાનેરા ભાઈ પ્રહૂલાદનદેવના દીદારમાં. નમન કર્યું. અને ચાખડીએ ચડીને મૃગચર્મ પરથી ઊભા થઈ ગયેલા પ્રહૂલાદન પરમારની આગળ અનુપમાએ એક કિનખાબે વીંટેલી ભેટ મૂકી કહ્યું: જેઠજીએ આપને મોકલેલ છે – પોતાના રચેલા નરનારાયણાનન્દ મહાકાવ્યનો પહેલો સર્ગ, અને કહાવ્યું છે કે આપનું નાટક પાર્થપરાક્રમવ્યાયોગ' એમને પહોંચ્યું છે, એમણે પ્રશંસ્યું છે. ગુરુ સોમેશ્વરદેવે પણ ધન્યવાદ કહાવ્યા છે.” "અને મને કંઈ નહીં” વૃદ્ધ ધારાવર્ષદેવ હસ્યા. "આપને તો ગાંડીવ સિવાય બીજું શું મોકલવા યોગ્ય?” એમ કહેતે કહેતે બાણાવળીઓમાં અપ્રતિમ એવા, એક જ શરે ત્રણ-ત્રણ મહિષોને સામટા વીંધનારા એ વૃદ્ધની અડીખમ ભુજાઓ તરફ અનુપમાનાં નેત્રો મંડાયાઃ “ને એ તો આપને કયો અધિકારી મોકલી શકે? અચલેશ્વરે પોતે જ ત્ર્યંબક અપ્યું છે જેમને .” “રહેવા દે, બેટા! વધુ ન બોલ. મહાદેવના ત્ર્યંબકને તો સીતા નામની એક છોકરીએ જ ઘોડો કરીને ઘસડ્યું ત્યારથી અમને સૌ બાણાવળીઓને તમારી જાતિની બીક લાગે છે.” “ચંદ્રાવતીના શ્રેષ્ઠીઓ આપની ક્ષમાએ આવે છે” એમ કહીને અનુપમાએ મહામંડલેશ્વરને બધી વાત કરી. "એવી જરૂર નહોતી.” ધાર પરમારે હસીને કહ્યું, "ને ચંદ્રાવતી અરક્ષિતા છે એ તો હું પણ જાણું છું. એ માટે તો આ પ્રહલાદન એક નવા નગરનાં તોરણ બાંધનારો છે. અહીંથી ત્રીસેક કોસ ગુજરાત ભણી એનું સ્થાન મેં નક્કી કર્યું છે.” આજે પાલનપુર નામે ઓળખાતા અને તે કાળે પ્રફ્લાદનપુર કહેવાતા નગરની ધાર પરમારે વાત કરી. ચંદ્રાવતીના કાયમી જોખમમાંથી લોકોને ઉગારી લેવાનું આ પગલું પરમાર ભાઈઓનો પ્રજાપ્રેમ અને આવડત બતાવતું હતું. એણે કહ્યું: “બહેન, કેસરિયાં કરવાનું તો આજે હવે ક્ષત્રિયોને પણ નથી કહેવાતું, તો વણિકોનો શો વાંક! ને સતત ભયમાં જીવનારાઓ વાણિજ્ય ન જ ખીલવી શકે.” “જા, સોમ!” પ્રહલાદનદેવે મૃગચર્મ પર ઊભાં ઊભાં પોતાની સામેના મૃગચર્મ પર બેઠેલા સુંદર બલિષ્ઠ યુવાનને રજા આપી, “આજે તને આ મહેમાનના માનમાં રજા છે.” અઢારેક વર્ષનો એ સોમ પરમાર ધારાવર્ષદેવનો પુત્ર હતો. એણે ખભે નાખેલું ઉત્તરીય નીચે સરી પડીને એના માંસલ સ્નાયુઓ દેખાડી દેતું હતું. એની ગરદન, નહીં બહુ ભરેલી તેમ નહીં બહુ પાતળી, સહેજ લાંબી હતી. એણે ધીરે અવાજે કાકાને કહ્યું: “મંત્રીશ્વરનું 'નરનારાયણાનન્દ' કાવ્ય આપ એકલા તો નહીં વાંચી લોને? મારે પણ એ સાંભળવું છે.” “હા, પણ તેં બાપુનો પાઠ પાકો કર્યો નથી ત્યાં સુધી એ કાવ્ય સાંભળવા નહીં મળે. જાઓ. ચંદ્રાવતી સુધી એકશ્વાસે ઊતરીને ચડી આવો.” સોમકુમાર ઊઠીને, અનુપમાને નમન કરી ચાલતો થયો.: અનુપમાએ કહ્યું: “એમને તો કોઈક વાર ધોળકે મોકલો.” “આવશે. હજુ એની તાલીમ પૂરી નથી થઈ. વીરતા અને વિદ્યાનાં બેઉ પલ્લાં સમતોલ થયા વગર બહાર કાઢીએ તો એને બહારનાં માનપાન બગાડી મૂકે. ને અનુપમા, આજ સુધી એકલું શરીરનું શૂરાતન ચાલ્યું. પણ હવે તારા જેઠની આણ. હેઠળ અમ રાણીજાયાઓની કસોટી કપરી બની છે.” એ શબ્દો સાંભળતાં જ અનુપમાને કુંવર વીરમદેવ સાંભર્યો, પણ એ ચૂપ રહી. “ચાલો, હવે આપણે સોમની માતા પાસે જઈએ.” એમ કહીને ધારાવર્ષદેવે અનુપમાને સાથે લીધી. પોતાને બે પત્નીઓ હતી. ગઢ ઉપર ફરતાં ફરતાં એક સાંકડો ગુફા મારગ આવ્યો. ત્યાંની ચોકી વટાવી મહામંડલેશ્વરે અનુપમાને એક અર્ધઅંધારિયા ભોંયરા તરફ લીધી. ભોંયરાને છેડે એક કોટડી હતી. એ કોટડીના આછા પ્રકાશમાં તાળાબંધ બારણાની પાછળ બેઠેલા એક કેદી તરફ ધાર પરમાર અનુપમાને લઈ ગયા. અનુપમાથી બોલાઈ ગયું – "આ – આ અહીં ક્યાંથી?” “તું એને ઓળખે છે?” ધારાવર્ષ ચકિત બન્યા. "મેં આને ધોળકામાં દીઠેલો લાગે છે. પણ ત્યાં એને આ દાઢી નહોતી. આ તો તુરુષ્ક (તુરક) લાગે છે. મારી ભૂલ થતી હશે!” "ચાલ, હું તને વિગતવાર કહું.” એમ કહી, પોતાના એકાંત સ્થાનમાં લઈ જઈ ધારાવર્ષદેવે ભેદ સમજાવ્યોઃ “પંદર દિવસ પર એ દિલ્હીથી આંહીં છૂપો-છૂપો આવ્યો, મારી સાથે એકાંત કરી. મને પોતાની પાસેની ગુપ્ત મુદ્રાઓ, રુક્કાઓ વગેરે બતાવ્યાં. એ હતા મોજુદ્દીન સુરત્રાણ અલ્તમશના રુક્કા. મને તો આવડે નહીં, પણ પ્રહૂલાદને ઉકેલ્યા. આ જાસૂસ મને સુરત્રાણ મોજુદ્દીન તરફથી લાલચ આપવા આવ્યો હતો. હું એનાં સૈન્યોને ગુર્જર દેશ તરફ જવાનો મોકળો મારગ આપી દઉં તો હું આબુનો કાયમી મહારાજ બનું એવું કહેણ લઈ એ આવેલો. મેં એને આંહીં જ રોકીને મહામંત્રીને ખબર આપ્યા છે.” "અરે હા, આપના ઉપર જેઠજીએ આ પત્ર આપ્યું છે.” એમ કહીને . અનુપમાએ એક બરુની ભૂંગળી બહાર કાઢીને મંડલેશ્વરના હાથમાં મૂકી. પત્ર બહાર કાઢીને વાંચ્યા પછી ધારાવર્ષનું દેદીપ્યમાન મોં કોઈએ શોષી લીધું હોય તેવું બની ગયું. થોડી વાર એ ન બોલી શક્યા. લાલ બનવા મથતી આંખોને એણે મહામહેનતે ઠેકાણે રાખી. એણે પ્રહરીને આજ્ઞા કરી. પેલા તુરકને અહીં લઈ આવો.” એ. આવી સન્મુખ ઊભો રહ્યો ત્યારે એની દાઢી પકડીને પોતે ખેંચી. નાળિયેર ઉપરથી છોતરું ઊખડી પડે એમ દાઢી એના મોં પરથી નીકળી ગઈ. એ દાઢી બનાવટી હતી. પત્રમાં જોતે જોતે એણે બીજાં કેટલાંક ચિહ્નો મેળવ્યાં, મળી ગયાં. એણે પેલી મુદ્રા, રુક્કો વગેરે તપાસ્યાં; પત્રમાં કંઈક વાંચ્યું, છેવટે તુરકને કહ્યું: “જા ભાઈ! તારા ધણીને કહેજે જઈને કે પરીક્ષા લઈ જાણવાનું પહેલું શીખે; અને આબુ તો કાળમીંઢ પાણો છે. આગ ઉપર તો લોઢું ઓગળે, પાણો થોડો ઓગળે છે!” મુક્ત કરેલા કેદીને લઈ પ્રહરી ચાલ્યો તે પછી ધારાવર્ષદેવે કહ્યું: “અનુપમા, આ તુરક-પ્રતિનિધિ બનાવટી હતો; અને એ પાછો ગુર્જર હતો. અમારું પાણી માપવા, અમારું પેટ લેવા મોકલ્યો હતો!” બોલતાં બોલતાં એ કાળાભઠ પડી ગયા. “કોણે? જેઠજીએ?” અનુપમાને ફાળ પડી. “તારો જેઠ એવું કરત તો હું એને જઈને તીરે વધત. પણ આ તો બાપદીકરાનું કામ! મંત્રીશ્વર મને ખબર આપે છે કે રાણકશ્રી વીરધવલે આ ભૂલ કોઈને પૂછ્યા વગર કરી છે – રાણાજી લવણપ્રસાદનો સંશય દૂર કરવા માટે! વાડ થઈને ચીભડાં ગળવા ચાલી! હવે તો બેટી, અમે સૌ હેમખેમ આબરૂ સથોકા અચલેશ્વરના ચરણોમાં ચાલ્યા જઈએ તે જ માગીએ છીએ. અમે જો વધુ જીવ્યા તો મારું ને લવણપ્રસાદનું હજુ કોણ જાણે કેવુંયે સત લેવાશે.” એમ કહેતાં કહેતાં એનો સ્વર ચિરાયો. આવડી બધી અસ્વસ્થતા અને આવડો ઉત્તાપ એનામાં જેમણે અગાઉ કદી નહીં દીઠેલો તે ચાકરો એના માર્ગ આડેથી આઘા સરી ગયા. "આપને દૂભવવા બદલ રાણક પ્રાયશ્ચિત્ત કરશે, પ્રભુ!” અનુપમાએ કહ્યું. “એ તો મંત્રીએ પણ લખ્યું છે, કે જગત કદી નહીં ભૂલે તેવું પ્રાયશ્ચિત્ત રાણો કરશે; પણ એનું પ્રાયશ્ચિત્ત મને તો ઊલટાનો વધુ પાપભાગી બનાવશેના!”
થોડાક જ દિવસ પછી ચંદ્રાવતીથી ફરીવાર આબુ પર ચડીને અનુપમા દેલવાડાના વિમલપ્રાસાદની અડોઅડના જમીનના કટકા પર સોનાના સિક્કા પથરાવતી હતી અને એ સિક્કાનાં ગાડાં ભરાઈ ભરાઈને ચંદ્રાવતીથી ચાલ્યાં આવતાં હતાં. મહામંડલેશ્વર ધારાવર્ષદેવ પણ હાજર હતા. જમીનના માલિક ગૌગ્ગુલિકો પહેલે પહેલે તો સોનાના માપે જમીન લેવા આવનારી આ ગુજરાતણને જોઈ રમૂજ પામ્યા, પણ પછી એ ગંભીર બન્યા. જમીન ખૂટવા લાગી હતી. દ્રમ્મનાં ગાડાંની અખૂટ હેડો ચાલી આવતી હતી. આખરે જમીનના સ્વામીઓએ જ આડા હાથ દઈને કહ્યું કે “બસ, બાઈ, તમે તો આખો ડુંગરો ખરીદી લેશો એવી અમને બીક લાગે છે!” વાત એમ બની હતી કે તે દિવસ ચંદ્રાવતીના મહાજન સાથે પોતે આવેલી ત્યારે જમીનની કિંમત સાંભળી અનુપમાએ અશક્યતાની લાગણી અનુભવી મોં પર નિસ્તેજી ધારણ કરી હતી, તે વાતની જાણ સ્તંભતીર્થમાં વસ્તુપાલને ગુપ્તચર દ્વારા થઈ ગઈ. મંત્રી મારતે ઘોડે ધોળકે આવ્યા. તેમણે તેજપાલ સાથે મંત્રણા કરી અને નિર્ણય કર્યો કે હવે તો જમીન લેવી જ લેવી, ન લેવાય તો નાક કપાય! ધાર પરમાર પર ચિઠ્ઠી લખી, તાતી કરભી (સાંઢણી) વહેતી કરી લખ્યું હતું કે અનુપમાને જેટલું જોઈએ તેટલું દ્રવ્ય અમારા અંગત હિસાબે ચંદ્રાવતીમાંથી એકત્ર કરી આબુ પર પથરાવી આપજો.