ગુજરાતી અંગત નિબંધો/તારાઓનું સખ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ગુજરાતી અંગત નિબંધો ૧ : લઘુ કૃતિઓ

તારાઓનું સખ્ય – કાકા કાલેલકર



ગુજરાતી અંગત નિબંધો • તારાઓનું સખ્ય – કાકા કાલેલકર • ઑડિયો પઠન: ક્રિષ્ના વ્યાસ


"આમ ઉપર શું જુઓ છો?" એક ગામડિયા છોકરાએ મને પૂછ્યું. "આકાશના તારાઓ જોઉં છું." મેં જવાબ વાળ્યો. "એમાં તે શું જોવાનું હોય? તારાઓ તો છે જ. હરણિયું, હાથિયો, વીંછુડો ને એવા બધા તારાઓ રોજ ઊગે છે ને આથમે છે. એ જોઈને શું મળવાનું હતું? નકામી ડોક તાણીતાણીને હેરાન શાના થાઓ છો!" આ ગામડિયા છોકરાને તારાના આનંદની શી ખબર હોય! જાનવરો પણ રાત્રે તારાઓ જોતાં હશે. પણ એમને કંઈ એમાં ઉત્સાહ જેવું લાગતું હશે? એને માટે તો સંસ્કારિતા જોઈએ છે. તારાઓનું ભવ્ય દર્શન, તારાઓનું કાવ્ય, તારાની શાંતિ અને એમનો આધ્યાત્મિક સંદેશ એ તો આ ગામડિયા માટે ક્યાંથી હોય?

*

થોડા દિવસ ગયા. હું શહેરમાં પાછો ગયો, ત્યારે એ જ છોકરાને ઘરના નોકર તરીકે લઈ ગયો. છોકરો અમારે ત્યાં જ રહે, અમારી સાથે જમે, ઘરના છોકરાઓ સાથે રમે અને મારી ઓરડી બહાર સૂએ. તુકારામનો ઉપદેશ મારે હૈયે ઠસેલો : દયા કરણેં જે પુત્રાસી | તેચિ દાસા આણિ દાસી || જે દયાભાવ પોતાના દીકરા પ્રત્યે હોય તે જ ઘરના નોકરો પ્રત્યે રાખવો ઘટે છે. એટલે છોકરાને ઘર જેવું લાગે એવો પ્રયત્ન હું કરતો હતો. પંદર દિવસ ગયા હશે અને છોકરો મૂંઝાતો આવીને મને કહેઃ "મારે અહીં નથી રહેવું, મને જવા દો!" મને આશ્ચર્ય થયું. મેં પૂછ્યું, "કેમ? શું થયું? ખાવાનું નથી ભાવતું? કોઈ કનડે છે?" "ના" કહીને છોકરો મૂંગો જ રહ્યો. બહુ પૂછતાં તેણે કહ્યુંઃ "અહીં બધું સુખ છે, પણ ઢોરો પાછળ દોડવાની મજા અહીં નથી, અને રાત્રે સૂઉં છું ત્યારે માથે તારાઓ નથી દેખાતા." મેં એને પૂછ્યુંઃ "પણ તું જ મને કહેતો હતો ને કે તારાઓ જોવાની ગરજ શી?" "એ ખરું; પણ તારા હોવા તો જોઈએ જ, એના વગર ગમે નહીં." છોકરાને મજાની ઉપમા સૂઝી એટલે આંખો દીપાવીને કહેઃ "જેમ તંબૂરા વગર ગવાય નહીં તેમ તારાઓના ચંદરવા વિના સુવાય નહીં. રોજ જોઉં છું કે રાત્રે જાગ આવે ત્યારે તારા દેખાતા નથી અને મૂંઝાઉં છું. જેમતેમ પંદર દિવસ કાઢ્યા. હવે મને જવા દો!" મને તો આવું કોઈ દિવસ થયું ન હતું. હું તારા જોઉં, એના ઉદય અને અસ્ત નોંધી રાખું. દરેક તારો આજના કરતાં આવતી કાલે લગભગ ચાર મિનિટ વહેલો ઊગવાનો એ મેં મારી મેળે તારવી કાઢ્યું હતું. મોટામોટા તારાઓ જે આજે નવ વાગ્યે ઊગે છે તે મહિના પછી સાંજે સાત વાગ્યે જ દેખા દેશે એમ લોકોને સમજાવતો. પણ તારાઓનું દર્શન એ કંઈ મારે માટે હવાપાણી, ઊંઘ કે ખોરાક જેવું ન હતું. જ્યારે એ અબોધ છોકરાને તારાઓ પ્રત્યેની ભક્તિ પોતાની મા પ્રત્યેની પ્રીતિ જેવી જ હતી. મા તો છે જ, એની પૂજા થોડી જ કરવાની હોય! પણ મા ન હોય ત્યારે આખું બ્રહ્માંડ સૂનુંસૂનું લાગે. ત્યારે ખરો કવિ કોણ? એ અબોધ પ્રાકૃતિક બાળક કે સંસ્કારના ભાનથી ભારે થયેલો મારા જેવો તારાપ્રેમી?

*

કોઈ આપણને પૂછે કે "તમારા ઘરમાં કોણ-કોણ છે?" તો આપણે એમ નથી કહેતા કે "ઘરમાં માણસો છે." આપણે તો એ પ્રશ્ન સાથે કૌટુંબિક જીવનનું ભાન જાગ્રત થવાથી કહીએ છીએ, "મારા બાપા છે, મારી બા છે, વિમલા અને કમલા છે, હું છું; – અને મીની અને મોતિયો છે." કોઈ પૂછે કે "તમારો બગીચો કેવો છે?" તો તમે એમ નથી કહેતા કે "બગીચામાં છોડ છે, પાંદડાં છે અને ફૂલો છે." પણ તમે કહો છો કે "મોટા ગુલાબના ચાર છોડ છે. એક ખૂણે પારિજાત છે. મોગરાના છોડ તો હમણાં જ વાવ્યા છે; અને ગુલછડીને ધોળાંધોળાં ફૂલ બેસવાની તૈયારી છે." ત્યારે જો તમને કોઈ પૂછે કે આકાશમાં તમે શું-શું જુઓ છો? ત્યારે શું તમે એવો જ જવાબ આપવાના કે "આકાશમાં દહાડે સૂરજ હોય છે અને રાત્રે ચાંદો અને તારા હોય છે?" નવલખ તારાની નામાવળી કોઈ આપણી પાસે માગતું નથી, પણ સવારસાંજ બારે માસ જે તારાઓ ફરીફરી દર્શન દે છે, જેમને સાક્ષી રાખી આપણાં બધાં સગાંવહાલાંઓ પરણે છે, જેમને જોઈને ખેડૂતો વાવણી અને લણણી કરે છે, જેમના હિસાબથી મુસાફરો રાત્રે દિશા નક્કી કરે છે, જેમની મદદથી અજાણ્યા મુલકમાં પણ આપણે થોડીક મહેનતથી નક્કી કરી શકીએ છીએ તે મોટામોટા તારાઓનાં વીસપચીસ નામોની પણ આપણને ખબર ન હોય! સપ્તર્ષિ, વીંછુડો, હરણું, કૃત્તિકા, ચિત્રા, સ્વાતિ, હાથિયો, શ્રવણ વગેરે વેદકાળથી આપણને જગાડતા તારાઓની આકૃતિઓ અને એમનાં સ્થાન ઓળખી ન શકીએ? સંગીત સાંભળવામાં જે આનંદ છે, બુદ્ધિબળ અજમાવવામાં જે એકાગ્રતા કેળવાય છે, મોટી નવલકથાનું અટપટું કથાનક જાળવવામાં જે તલ્લીનતા અનુભવાય છે તે બધું આ તારાનિરીક્ષણમાં આપણને સહેજે મળે છે. આંખોને માટે એના કરતાં વધારે પૌષ્ટિક ખોરાક નથી. થોડાક તારાઓને પણ જે ઓળખી ન શકે તે માણસ સંસ્કારી નથી અને પેલો મારો ગામડિયો છોકરો કહેશે કે એવો માણસ ગામડિયો પણ નથી! ઢોરો શું કહેશે એ આપણે જાણતા નથી. વખતે એમ જ કહી બેસશે – આવ ભાઈ હરખા! આપણે બે સરખા!!

[‘જીવનનો આનંદ’, ૧૯૩૬]