zoom in zoom out toggle zoom 

< ગુજરાતી એકાંકીસંપદા

ગુજરાતી એકાંકીસંપદા/મશાલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
મશાલ
વિલોપન દેસાઈ
પાત્રો

અભય
હિંમત
રૂપેશ
દેવાંગ
ઇન્સ્પેક્ટર રાઠોડ
હવાલદાર

(કાવ્યપંક્તિઓ શ્રી ગની દહીંવાળાની સાભાર)

સેટઃ (પડદાના ઉઘાડ સાથે સાયક્લોરામા પર લાલ, ઘેરા લાલ, પીળાશ પડતા લાલ પ્રકાશ, ધારદાર એક વિસ્ફોટ સાથે દેખાય. બધે આક્રંદ, રોષ, પોકારો, પોલીસોનનું આગમન. અશ્રુવાયુના ટેટા, લાઠીચાર્જ, ગોળીબારના અવાજો અનેે ધીમે ધીમે અંધકાર, તખ્તાની જેલની કોટડીમાં આછા અંધકારમાં હાથમાં પટો લઈ ખુલ્લા દેહ સાથેના યુવાનોને ઝૂડતાં પો.ઇ. રાઠોડ દેખાય.)
ઇ. રાઠોડઃ બોલ, સાલા. બોમ્બ કોણે ફોડ્યો. નામ આપ. નહિ તો ચામડી ઉતરડી નાંખીશ. (બીજાને મારતાં) ક્યાંથી આવ્યો છે? (એના વાળ પકડે.) તારા દીદાર તો જો. (સિગરેટ ચાંપતાં) બોલ, તમારા ચારમાંથી શહેરમાં બૉમ્બ કોણ લાવ્યું? (ત્રીજાને ગરદનમાંથી પકડતાં) હરામની ઔલાદ. (પાણી છાંટતાં)
અભયઃ હરામની ઔલાદ તારો બાપ.
ઇ. રાઠોડઃ (એના પર તૂટી પડતાં – એને પાડી દઈ એની ગરદન પર દબાણ આપતાં) સાલા, સુવ્વર, (વચ્ચે ફેંકતા) મારા બાપ સુધી જાય છે. ચામડી ઉતરડી નાંખીશ, મીઠું ભભરાવીશ. સાલા.
અભયઃ કર, જેટલો થાય એટલો જુલમ કર, એક હરફ નહિ ઉચ્ચારું. પણ મારા લોહી વિશે, મારા બાપ વિશે એલફેલ બોલ્યો છે તો ગાળ દઈશ. ચાહે તો મારી નાંખ મને. પીંખી નાખ.
હિંમતઃ તું મારતાં થાકશે. અમે માર ખાતાં નહિ થાકીએ. માર, લે.
હિંમતઃ સરફરોશી કી તમન્ના, અબ હમારે દિલ મેં હૈ,
દેખાના હૈ જોર કીતના, બાજુએ કાતિલ મેં હૈ.
દેવાંગઃ માર… માર. થાકી ગયો? અટકી ગયો? માર સાલા… માર અમને.
અભયઃ રિસ્પેક્ટ કેન નોટ બી ડિમાન્ડેડ, ઇટ મસ્ટ બી કમાન્ડેડ.
હિંમતઃ જંગલી વરુની જેમ અમારા પર તૂટી પડતા જાનવરને અમારે માન આપવાનું? છટ્. (ઇન્સ્પેક્ટર બમણા વેગથી ચારેયને ફટકારવા માંડે. બધાનાં માથાં જમીન સાથે અફાળે.)
ઇ. રાઠોડઃ તમારી જાતને. માદર બખતો. બોલો, બૉમ્બ કોણે ફેંક્યો? કોણ લાવેલું? બોલો. તમારી લાશોના ટુકડા-ટુકડા કરીને કૂતરાને નાંખીશ. સમજો છો શું મને? રાઠોડ, રાઠોડ નામ છે મારું.

(સખત મારઝૂડના દૃશ્ય સાથે અંધકાર. પોલીસચોકીના આગલા રૂમનું દૃશ્ય પ્રકાશમાં આવે. આછા અંધકારની છવાયેલી જેલની કોટડીમાં ઉઘાડી પીઠે યુવાનો અવ્યવસ્થિત હાલતમાં ઊંધા, કોઈ ચત્તા પડ્યા છે. પોલીસચોકીનો ભાગ પ્રકાશમાં આવે. હવાલદાર પંડિત પ્રવેશે. આગલો હવાલદાર જવાની તૈયારી કરે.)

હવાલદારઃ લો, આવી ગયા પંડિત. જય રામજી કી.
પંડિતઃ જય રામજી કી. અંદર કોને લાવ્યા છે?
હવાલદારઃ આજે બૉમ્બ ફૂટ્યો હતો તેના ચાર શકમંદો છે.
પંડિતઃ કોણ છે?
હવાલદારઃ અરે, મૂછનો દોરોય નથી ફૂટ્યો એવા ચાર છોકરડાઓ. મોંમાં તો માનું દૂધ ગંધાય છે.
પંડિતઃ પછી શું ચાર્જ ફ્રેમ કર્યો સાહેબે?
હવાલદારઃ હજી નથી કર્યો. સાહેબે માર માર્યો સાલાઓને. પણ હરામીઓએ મોઢામાંથી એક હરફ પણ નથી કાઢ્યો.
પંડિતઃ ને તું એને દૂધ પીતા બચ્ચા કહે છે? કોઈ જામીન-બામીન થવા નથી આવ્યું?
હવાલદારઃ ના, બહારગામના લાગે છે. રેલીમાં આવ્યા હશે.
પંડિતઃ ખાવાનું-બાવાનું આપ્યું કે નહિ એ લોકોને?
હવાલદારઃ ખાવાના હોશ આવે ત્યારે ને. પડ્યા છે સાલાઓ.
પંડિતઃ રામ. રામ. રામ. આ દેશનું શું થવા બેઠું છે?
હવાલદારઃ તો ચાલો, પંડિત. તમે દેશને સંભાળો. હું જાઉં. સંભાળો તમારો ચાર્જ. (જાય છે. પંડિત બાજુના સેલમાં જાય છે. બધાની દશા જુએ. હાથ ફેરવે.)
પંડિતઃ અરે ભગવાન. આવા કુમળા છોકરાઓને આમ તે મરતા હશે? સાહેબ પર તો ઘણી વાર જાનવર સવાર થઈ જાય છે. સારા ઘરના લાગે છે. મા-બાપે આંગળી પણ નહીં અડાડી હોય. પોતાના લાડકવાયાના આ હાલ જુએ તો? મા તો બિચારી બેભાન થઈ જાય. અરેરેરે આમ તે મરાતા હશે બચ્ચાઓને. (બધાને સરખા સુવડાવે. બાજુમાં પડેલા ધાબળા ઓઢાડે. પોતાની જગ્યાએ આવે. ગીતા કાઢીને વાંચવા બેસે. એક વૃદ્ધ આવે.)
પંડિતઃ (ઊંચું જોતાં) પરભુ, તું પાછો આવી ગયો?
પરભુઃ સાહેબ, કંઈ ભાળ મળી? આજે તો મળી જ હશે. આજે ગામેગામથી છોકરાઓ આવ્યા હતા. મોટું સરઘર નીકળેલું.
પંડિતઃ બહુ મોટું સરઘસ હતું પરભુ?
પરભુઃ હા, સાહેબ. પેલા ધોળિયાઓ સામે આપણે કાઢતાં’તાં એવું. આપણે કેવા નીકળી પડતા?
પંડિતઃ બોલ, તને વળી કોણ ગાંડો કહે? તને તો બધું જ યાદ છે. ને હેં પરભુડા, આજે પણ એવું જ હતું?
પરભુઃ ના, સાહેબ. આજે તો વરવું લાગ્યું. મને તો રડવું આવી ગયું. ભાઈ, હું તો એમ સમજીને ગયો હતો કે આ બધામાં મારો દીકરો મંગુ મને મળી જશે. પણ ભાઈ, આ તમારા પોલીસવાળા તૂટી પડ્યા. માસૂમ બચ્ચાઓને પીંખી નાંખ્યા. (ફાટેલું ખમીસ ઊંચકી સળ બતાવે.) ને હું પણ ઝપેટાઈ ગયો ભાઈ.
પંડિતઃ નહીં પરભુ, તારે નહીં જવું જોઈએ આવાં તોફાનોમાં. તારો મંગુ તને ત્યાં નહિ મળે.
પરભુઃ ખોવાઈ ગયો છે, મારો મંગુ પંડિતજી.
પંડિતઃ ના, પરભુ ના. માત્ર તારો દીકરો નહિ. આજનો તોફાન કરતો, દેશનો હરકોઈ યુવાન ખોવાયો છે.
પરભુઃ તો વડીલો તેમને વાળતા કેમ નથી? પંડિતજી યુવાની ખોવાઈ છે કે વડીલોનું ડહાપણ ખોવાયું છે?
પંડિતઃ જો પરભુ, તારા દીકરાનો ફોટો છે મારી પાસે. મને ભાળ મળે એટલે તને જણાવીશ. શું કામ રોજ રોજ ધક્કા ખાય છે, ભાઈ.
પરભુઃ સાહેબ, જીવનમાં બાકી શું છે, મારા મંગુની રાહ જોવા સિવાય?
પંડિતઃ પરભુ, મારું એક કામ કરીશ.
પરભુઃ બોલો ને, સાહેબ.
પંડિતઃ અંદર ચાર છોકરાઓ છે. તારા મંગુ જેવા જ. સાહેબે બહુ પીટ્યા છે બિચારાઓને. તું કટિંગ પરથી પાંચ-છ કપ ચા લઈ આવ. લે આ પૈસા. પાઉં પણ લેતો આવજે. (પંડિત ધીરે ધીરે પાછો સેલમાં જાય. છોકરાઓને જોઈ પાછો બહાર આવે. પરભુ ચા લઈને આવતાં – એને લઈને અંદર જાય. છોકરાઓ કણસતા હોય.) ચાલો, લો. થોડી ગરમ ચા પી લો. રાહત થશે. થોડું ખાઈ લો. (પરભુ કાઢીને આપતો જાય. બરડે હાથ ફેરવતો જાય. છોકરાઓ કણસતા અડધા બેઠા થતાં ચા પીએ છે.)
પરભુઃ લે, લે, મારા બચ્ચા. લે, પી લે. લે, બેટા તું પણ. હેં સાહેબ, એક વાત કરું? કોઈ પણ દેશની સરકાર પોતાના ભવિષ્ય પર જુલમ કરે તો તે સરકારને સરકાર કહેવાય? દેશના ભાવિને આમ લાતો દેવાય? આઝાદીનાં આટલાં જ વર્ષોમાં આપણે તો ગોરાઓને સારા કહેવડાવવા માંડ્યા છે.

(અંધકાર – બ્લૅક આઉટ) (અંધકાર પછી પ્રકાશ પથરાતાં સેલમાં છોકરાઓમાંથી એક ધીરે ધીરે ઊઠે. પોલીસચોકીમાં પંડિત હવાલદાર જાય અને બીજો આવે.)

રૂપેશઃ સૂરજનાં પક્વ ફળ થકી બેસ્વાદ રસ પડ્યો,
જાગો અતૃપ્ત જીવ, કે દિવસ ટપકી પડ્યો.
દેવાંગઃ સૂવા દે ને યાર.
રૂપેશઃ ઊઠો યાર. પેલા જાલિમનો માર ખાવા તૈયાર થઈ જાવ. આવતો હશે સાલો.
હિંમતઃ આજે નહિ મારી શકે. સાલાના હાથ સૂજી ગયા હશે.
અભયઃ પણ પેલા હવાલદાર પંડિત સારા હતા. રાતભર આપણી કાળજી રાખી એણે. પોલીસ પોલીસમાં પણ કેટલો ફેર છે? ક્યાં પંડિતકાકા ને ક્યાં મારઝૂડ કરતો ઇન્સ્પેક્ટર રાઠોડ.

(રાઠોડ દાખલ થઈ સીધો સેલમાં આવે. આવીને સિગરેટ સળગાવે. સન્નાટો છવાઈ જાય. ચારે ચાર બેફિકરાઈથી બેસી રહે – ગુસ્સામાં)

ઇ. રાઠોડઃ હલ્લો એવરીબડી. (કોઈ જવાબ નહિ) આઈ સે, હલ્લો એવરીબડી. (કોઈ જવાબ નહિ) ગુડ મૉર્નિંગ બૉય્ઝ, હજી કાલનો ગુસ્સો ઊતર્યો નથી? (કોઈ જવાબ નહિ. ગુસ્સો દબાવતાં) હું સૉરી કહું છું અને તમે…
હિંમતઃ નથી સારું લાગતું. સારું નથી લાગતું.
ઇ. રાઠોડઃ એટલે?
અભયઃ વરુના મોઢામાં ગીતા? વાહિયાત લાગે છે.
ઇ. રાઠોડઃ ખરી નફ્ફટ ચામડી છે તમારી? આટઆટલો માર ખાધા પછી પણ અકડાઈ જતી નથી તમારી?
રૂપેશઃ વ્હાય કાન્ટ યૂ ટ્રાય ઇટ અગેઇન?
હિંમતઃ હાથ બહુ દુઃખે છે ઇન્સ્પેક્ટર?
ઇ. રાઠોડઃ (ગુસ્સો ગળી જતાં) જુઓ, હું તમને સમજાવવા આવ્યો છું. સમાધાન કરવા આવ્યો છું. મારી વાત માનો.
હિંમતઃ શું માની જવાનું છે? શું કહી દેવાનું છે?
ઇ. રાઠોડઃ તું સમજુ લાગે છે. જુઓ, મને કહી દો. કોણ છો તમે? ક્યાંથી આવો છો? બૉમ્બ કોણે ફોડ્યો? ક્યાંથી લાવ્યા છો? તમને છોડાવવામાં હું બનતી મદદ કરીશ.
હિંમતઃ પણ અમે કશું કર્યું નથી. અમે બધા પણ એકબીજાને ઓળખતા નહોતા. તમારે લીધે અહીં પરિચય થયો. અમે તો રેલીમાં આવ્યા હતા. અન્યાયનો પ્રતિકાર કરવા.
ઇ. રાઠોડઃ ક્યાંથી? ક્યાંથી આવ્યા છો?
રૂપેશઃ હૃદયના ભાવ, પાંખો કલ્પનાની લઈને આવ્યો છું.
સિતારાઓ સુણો, કથની ધરાની લઈને આવ્યો છું.
ઇ. રાઠોડઃ એય શાયર, બહુ થયું હવે.
રૂપેશઃ હજારો દોડ ટૂંકી જિંદગીની લઈને આવ્યો છું.
સમય થોડો અને લાંબી કહાની લઈને આવ્યો છું.
ઇ. રાઠોડઃ તમારે સીધા જવાબ આપવા છે કે પછી…
અભયઃ ના, માર ખાવો છે અમારે, ચલ શરૂ થઈ જાય.
ઇ. રાઠોડઃ જુઓ, મને ઉશ્કેરો નહીં.
અભયઃ આજે ડાયલૉગ ગોખીને આવ્યો છે. કોઈ સફેદ ટોપીએ પઢાવ્યું હશે, કહ્યું હશે એમ કરશે. બિચારો.
ઇ. રાઠોડઃ તમારી જાતને. (મારવા ધસે) પહોંચાડી દઈશ સ્મશાનઘાટ પર. સાલા, હરામીઓ.
રૂપેશઃ ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,
ફક્ત આપણે તો જવું હતું, અરે એકમેકનાં મન સુધી.
ઇ. રાઠોડઃ (ગુસ્સો દબાવતાં) ક્યારનો હું તમને સમજાવું છું. મને પણ તમારી સાથે આમ વર્તવાનું ઠીક નથી લાગતું. યુવાન છો. દેશના ભવિષ્યના આધાર છો તમે. મારે પણ ફરજ બજાવવાની છે. અમે રક્ષકો છીએ આ દેશના.
રૂપેશઃ તમે રાજરાણીનાં ચિર સમ, અમે રંક નારની ચૂંદડી,
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.
ઇ. રાઠોડઃ (ઉશ્કેરાઈને મારવા માંડે. બધા અક્કડ રહીને પટ્ટાના ઘા ઝીલતા જાય. અંધકાર છવાય. પોલીસચોકીના ભાગ પર પ્રકાશ. ફોનની ઘંટડી રણકતી રહે. ઈ. રાઠોડ ઉપાડે.) ઇન્સ્પેક્ટર રાઠોડ હીયર. યસ… યસ… સર હાજી… હાજી સર. છે. નથી કહેતા. નામ સુધ્ધાં નથી આપતા. બધું જ… બધું જ અજમાવી જોયું સાહેબ, સામ, દામ, દંડ, ભેદ – બધું જ. હા…હા… સાહેબ હું સમજું છું. પ્રશ્ન પેચીદો છે. સાહેબ જડબેસલાક વ્યવસ્થા ગોઠવી છે. બધાં અસામાજિક તત્ત્વો, દારૂના અડ્ડા, જુગારના અડ્ડા, બધી શંકાસ્પદ હોટલો – બધું બધું જ બંધ. આખા શહેરનો દારૂ પકડી લાવ્યો છું. શહેરમાં સહેજ પણ ધમાલ નહીં થાય. એની ખાતરી આપું છું, સાહેબ. તમારા ઉપકાર મારાથી ભુલાય? નમક ખાધું છે તમારું. ચિંતા ન કરશો. (પરભુ દાખલ થાય અને ઇ. રાઠોડ ફોન મૂકતાં) તું પાછો આવ્યો?
પરભુઃ પણ સાહેબ, મારો મંગુ…
ઇ. રાઠોડઃ શું માંડ્યું છે? હં… સાલા ગાંડા. મંગુ મારા ગજવામાં છે કે તને આપી દઉં. મળશે એટલે…
પરભુઃ સાહેબ મંગુ મારી જિંદગી…
ઇ. રાઠોડઃ બસ, બસ. બકવાસ બહુ થઈ ગયો. હવાલદાર (હવાલદાર આવે) કેટલી વાર કહ્યું આ ગાંડાને મારી પાસે ન આવવા દો.
પરભુઃ (પગ પકડી લેતાં) ના, ના. સાહેબ મારી પર દયા કરો. મારો મંગુ મને શોધી આપો, તમે ધારો તો…
ઇ. રાઠોડઃ (લાત મારતાં) (વ્હાઇટ પ્લસ રેડ ચાલુ) હવે જાય છે કે નહિ? એય (હવાલદારને) જોયા શું કરે છે? કાઢ સાલાને. (ઇન્સ્પેક્ટર પોતે જ જતો રહે છે.) (વ્હાઇટ બંધ)
પરભુઃ (હવાલદાર ઘસડતો હોય તેને) હે ભગવાન, આટલો માટે લાઠી ખાધેલી. આટલા માટે ગોળી ઝીલેલી. (અંધકાર, બ્લૅક આઉટ કરવો.)

(સેલમાં ચારે જણ બેઠા છે. પંડિત સળિયાની બહારથી) (વ્હાઇટ ચાલુ)

પંડિતઃ આજે કેવા સારા લાગો છો. ડાહ્યાડમરા.
અભય-દેવાંગઃ પંડિતકાકા, પંડિતકાકા. એક કામ કરશો?
પંડિતઃ બોલ, દીકરા બોલ.

અભય-

દેવાંગઃ એકાદ સિગરેટનું પાકીટ અને માચીસ…
પંડિતઃ મારે મરવું નથી ભાઈ.
હિંમતઃ પીને બધું સાફ કરી નાંખીશું. કોઈને ખબર નહીં પડે.
પંડિતઃ પણ આ ઉંમરે સિગરેટ ન પીવી જોઈએ. કુમળા કલેજાને આમ બાળવાનું હોય?
હિંમતઃ બાળેલા કલેજાની રાખની આંધી ઊડે તો સરકાર ગૂંગળાય.
પંડિતઃ કંઈ નહિ થાય, દીકરા મારા. કંઈ નહિ થાય. બધાની ચામડી જાડી થઈ ગઈ છે.
દેવાંગઃ પંડિતકાકા. નિરાશ થઈએ ને ત્યારે. જરા ઠીક લાગે. ચિંતાને ધુમાડે ઉડાડીએ.
પંડિતઃ લો, મારી પાસે ચાર મિનાર છે. સળગાવી સળગાવીને આપું છું. ઠૂંઠા પણ બહાર મને પાછાં આપી દેજો. સમજ્યા. (બધાને આપે. બધા ધુમાડા કાઢે)
અભયઃ કાકા, પોલીસચોકીમાં દારૂની આટલી વાસ.
પંડિતઃ દરોડા પાડીને સાહેબ લાવ્યા છે.
હિંમતઃ એકાદ છટકાવોને કાકા.
પંડિતઃ રામ… રામ… ભાઈ આપણા લોકોનું એ કામ નહિ.
દેવાંગઃ પીવા નથી જોઈતી. ઘા પર લગાડવા. સાલા પાકે તો નહીં.
પંડિતઃ સારું. સારું. હું લઈ આવું છું. હું માલિશ કરી આપીશ. પણ એક વાત કહું.
રૂપેશઃ કહો ને કાકા.
પંડિતઃ જુઓ છોકરાઓ. તમારા જેટલું ભણ્યો તો નથી, પણ ગણ્યો છું. થોડું ભાન પડે છે.
હિંમતઃ બોલો, કાકા બોલો.
પંડિતઃ જેલમાં નવરા બેસી રહેવા કરતાં કંઈક એવું કરો કે જે કામનું હોય.
અભયઃ એટલે?
પંડિતઃ દરેક મોટા માણસોએ જેલમાં કંઈ ને કંઈ એવું કર્યું છે કે… એટલે લખો. કંઈ વિચારો. હું નથી માનતો આ લોકો તમને અહીંથી જવા દે અને છૂટી પણ જાવ તો બહાર જઈને તરત વિચારેલું હોય તો કામ લાગે.
અભયઃ ઇટ ઇઝ અ ગુડ આઇડિયા.
હિંમતઃ સાલી, વાત તો લાખ રૂપિયાની છે.

(હિંમતને ઊંધો સુવડાવી દારૂની માલિશ શરૂ કરે.)

પંડિતઃ બધા સમજે છે. અન્યાય કરનાર પણ સમજે છે કે કાંઈ ખોટું થયું છે. પણ આંખે સત્તાનાં પડળ બંધાયાં છે ભાઈ. (અભયને માલિશ કરે. અભય કણસે.)
હિંમતઃ શું કરીએ?
રૂપેશઃ ઝગલો લખીએ. ક્રાંતિકારી ગઝલો.
દેવાંગઃ એવો પ્લાન બનાવીએ. બહાર પહોંચતાં જ અમલમાં મુકાય.

(પંડિત દેવાંગને માલિશ કરે.)

પંડિતઃ બરાબર. મારાથી કહેવાય નહિ. પણ તમે કંઈ પ્લાન-બ્લાન કરો તો બહાર હું તમને પુગાડી દઈશ. ભલે, સાલી મારી નોકરી જાય.

(પંડિતના હાથમાંથી બૉટલ લઈ રૂપેશ માલિશ કરવાને બદલે ગટગટાવી જાય.) આ… આ… નહિ ચાલે. આવી બેઇમાની. (રીસથી ઊભો થાય.) હવે તમે જ કહો. તમને મદદ કરાય? (જવા ઊભો થાય. હિંમત આવે. રૂપેશને એક તમાચો ઝીંકી દે.)

પંડિતઃ નહિ, નહિ. હિંમત. આમ ન મરાય. જો બિચારો કેવો કંપી ઊઠ્યો છે?
રૂપેશઃ (ધીરે ધીરે ઊભો થતાં)
ન તો કંપ છે ધરાનો, ન તો હું કંપી ગયો છું,
કોઈ મારો હાથ ઝાલો, હું કશુંક પી ગયો છું.
હિંમતઃ સૉરી રૂપેશ. મને માફ કરી દે.

(પંડિત ઊભા થઈ બહાર જાય. જેલને તાળું મારે. રૂપેશ ધીરે ધીરે ઊભો થાય.)

રૂપેશઃ કંઈક એવું કરીએ. બહાર જઈને તરત કામ લાગે.
દેવાંગઃ તીખાં તમતમતાં ભાષણો તૈયાર કરીએ.
અભયઃ ભાષણો સાલાં હવે ગાળ જેવાં લાગે છે.
હિંમતઃ ગ્રેટ ઍસ્કેપ જોયલું? સાલા… અહીંથી રોડ સુધીનું ભોંયરું ખોદી કાઢીએ. નાસી જઈએ.
રૂપેશઃ ના, ના. એમ કરીએ. મને આઇડિયા મળી ગયો.
ત્રણેયઃ શું?
રૂપેશઃ સાવ અમસ્તું નાહક નાહક
નિષ્ફળ નિષ્ફળ રમીએ.
પંડિતઃ (બહારથી સળિયા પકડીને) ચાલ મજાની આંબાવાડી, બાવળ બાવળ રમીએ.
રૂપેશઃ યસ, યસ. આપણે કંઈક રમીએ. ગેઇમ. લેટ અસ પ્લે અ ગેઇમ.
દેવાંગઃ ગેઇમ. ધેટ વિલ બ્રિંગ એવરીથિંગ આઉટ.
રૂપેશઃ એવી રમત કે જે આપણા ભીતરને બહાર લાવે. બીજાના ભીતરને જાગૃત કરે.
હિંમતઃ બરાબર, પંડિતકાકા તમે રમશો?
પંડિતઃ નહીં સમજાયું. મને નહીં સમજ પડી ભાઈ.
રૂપેશઃ તમારે તો પાસો ફેંકવાનો. જે મનમાં હોય તે બોલવાનું. કંઈ પણ બનીને આવવાનું.
દેવાંગઃ અમે એમાંથી નાટક બનાવીશું. શેરી નાટક. સ્ટ્રીટ પ્લે.
અભયઃ અને અમે બહાર જઈને ભજવીશું.
હિંમતઃ તમારે કંઈ પણ બનીને આવવાનું. અનિલ કપૂર, અમિતાભ બચ્ચન, રાજીવ ગાંધી, વી.પી. સિંહ, ચંદ્રશેખર, વગેરે. અરે, કંઈ નહિ તો ઇન્સ્પેક્ટર રાઠોડ બનીને આવવાનું. શું છો તે કહેવાનું નહિ. પછી નાટક આપોઆપ આગળ વધશે.
પંડિતઃ હો… મઝા આવશે.
રૂપેશઃ વચ્ચે ભંગ ન પડે એટલે કાકા થોડી બીડી, સિગરેટ, માચીસ, દારૂની બેચાર બાટલી બધું લાવી મૂકો.
પંડિતઃ ના, ના.
રૂપેશઃ હવે દારૂ નહિ પીઉં, કાકા. તમારા સોગન. આ તો નાટક માટે.
પંડિતઃ વારુ, વારુ, તમે તૈયાર રહો. હું બધું લઈ આવું.

(ચારે જણ અંદરઅંદર ગુસપુસ કરે. પંડિત બધું લાવી એક ખૂણામાં મૂકે. સરખો થઈ અભિનય કરતો હોય એમ પાછો આવી બધાની વચ્ચે ઊભો રહે.)

અભયઃ બોલો, કાકા. કંઈ પણ બોલો.
પંડિતઃ શું બોલું? મને બોલતાં નહીં આવડે?
અભયઃ અરે, કંઈ પણ બોલો.
પંડિતઃ હમે આજ સ્વયં આના પડા હૈ, દેશ કો એક સંદેશ દેને. દિલ કી બાત આપકો કહેને. આજ જો દેશ મેં હો રહા હૈ – બચ્ચે જો અપને કો ઝિંદા જલા રહે હૈ. હમ દેખ નહીં સકતે. જબ બચ્ચા જલતા હૈ. હમે લગતા હૈ હમારા ખુદ કા બેટા–ખુદ કી બેટી જલ રહી હો. હમસે સહા નહીં જાતા. સરકાર જો કર રહી હૈ. ઠીક હૈ. આપ સમઝને કી કોશિશ કરે. હમ હર યુવાન કે સાથ બાત કરને કે લિયે તૈયાર હૈ.
અભયઃ રુકાવાટ કે લિયે ખેદ હૈ. અભી આપ પ્રધાનમંત્રી કા રાષ્ટ્ર કે નામ સંદેશ સુન રહે થે. પર તકનીકી ખરાબી કે કારણ આપ ઉસે ઠીક સે સુન ન સકે. અભી થોડી દેર મેં હી…
પંડિતઃ યે ક્યા હો રહા હૈ? હમારે સંદેશ મેં ભી રુકાવટ?
અભયઃ સૉરી સર. તમે સંદેશો આપતા હતા ત્યાં જ મંત્રાલયમાંથી ફોન આવ્યો.
પંડિતઃ ક્યા?
અભયઃ હવે આપ પ્રધાન નથી રહ્યા. તમારી સરકાર લઘુમતીમાં મુકાઈ ગઈ છે.
પંડિતઃ ઠીક છે, પણ વિરોધપક્ષે બેસીને વિરોધપક્ષનો નેતા તો હું બનીશ જ. હવે મારો વિરોધપક્ષના નેતા તરીકેનો સંદેશ પ્રસારિત કરો.
અભયઃ હવે અમે એમ ન કરી શકીએ.
પંડિતઃ યાદ રાખો. હું પાછો પ્રધાન બનીશ ત્યારે નહીં છોડું તમને.
અભયઃ સાહેબ, અમે તમારો સંદેશ રેકૉર્ડ કરી લઈએ. કાલે પ્રસારિત કરવાનો પ્રયત્ન કરીશું. ચાલો, મંત્રીશ્રીનો સંદેશ રેકૉર્ડ કરી લો. કૅમેરામૅન, લાઇટ, ઍક્શન.
પંડિતઃ પ્યારે દેશવાસીઓ, આજ જો સરકાર કરી રહી હૈ વો કીસી લગાવ સે નહીં. સહાનુભૂતિ સે નહિ. મૂલ્યનિષ્ઠા સે નહિ, લેકિન આનેવાલે ચુનાવો કો ધ્યાન મેં રખકર કરી રહી હૈ. યુવાનો કા આંદોલન સહી હૈ. હમ યુવાનો કે સાથ હૈ, અભી ભી સરકાર નહીં સમજી તો અનર્થ હો જાયેગા. ઔર તબ બહુત દેર હો ચૂકી હોગી. યુવાનો તો દેશ કી આશા હૈ. ભવિષ્ય હૈ દેશ કા. ઈન કચ્ચી કલીઓં કે સાથ ઐસી બર્બરતા હમસે દેખી નહીં જાતી. બચ્ચે અપને આપકો જલા રહે હૈ.
અભયઃ સર, એક મિનિટ. સાહેબ આપનો ફોન.

(ફોન આપવાનો અભિનય કરે.)

પંડિતઃ હલ્લો. મંત્રી હીયર. વૉટ. અગેઇન આઈ એમ ઇન પાવર. વન્ડરફુલ. યસ. મિ. અભય, યૂ આર લકી. આઈ એમ ઇન પાવર. આ પાછલો સંદેશો રહેવા દો. મારો પહેલો સંદેશો જ ફરી પ્રસારિત કરો.
હિંમતઃ પણ આ બીજો સંદેશો?
પંડિતઃ સાચવીને રહેવા દો. એ પણ ક્યારેક કામ આવશે. પણ હા. લીક ન થાય. તમને બધાને હું પ્રમોટ કરું છું.
અભયઃ પણ સાહેબ, આ સળગતી સમસ્યા છે.
પંડિતઃ ટી.વી. પરથી પ્રચાર કરો. કોઈ જાતે સળગતું નથી. માનસશાસ્ત્રીઓનો ઇન્ટરવ્યૂ પ્રસારિત કરો. હા. બધું આપણી ફેવરમાં જ હોવું જોઈએ.

હિંમતઃ-અભયઃ યસ, યસ સર.
અભયઃ હા, તો સજ્જનો, હવે પછીનો કાર્યક્રમ છે. આત્મવિલોપનનો. આજે અમે એક રાજકારણી, એક મનોચિકિત્સક, એક વ્યથિત પિતા અને યુવાનોના નેતાની રસપ્રદ ચર્ચા પ્રસારિત કરીએ છીએ. (બધા જુદા જુદા રૂપમાં એકસાથે અર્ધગોળાકારે બેસી જાય. પંડિત કાર્યક્રમનો સંચાલક બને. પરભુ આવે. પરભુને પંડિત લાવીને પિતા તરીકે વચ્ચે બેસાડી દે.) નમસ્કાર. આજે આપણી વચ્ચે છે પ્રસિદ્ધ માનસશાસ્ત્રી ડૉ. રાજવાણી, મંત્રીશ્રી સુમંતરાય, વડીલોના પ્રતિનિધિ સમા વ્યથિત પિતા પરભુ અને ઉગ્ર યુવા નેતા રૂપેશ. હા, તો મંત્રીશ્રી, હમણાં જે દેશમાં આત્મવિલોપનનો વાયરો ચાલ્યો છે. એમાં આપને શું કહેવાનું છે?
દેવાંગ-મંત્રીઃ દરેક યુવાનોને આપણી લોકશાહીમાં વિરોધનો પ્રતિસૂર રજૂ કરવાનો હક્ક છે. પરંતુ અંતિમવાદી બનવું મને યોગ્ય નથી લાગતું. જાતે સળગી મરવાની કોઈ જરૂર નથી અને મને માહિતી છે ત્યાં સુધી જાતે કોઈ સળગી નથી મરતું. નબળા મનના વિદ્યાર્થીને ટોળામાં ચઢાવીને, ઉશ્કેરીને શહીદ કરી દેવાય છે. મેં જાણ્યું છે કે એક છોકરીનાં કપડાં પર બીજા છોકરાઓએ પેટ્રોલ છાંટી સળગાવી દીધી. આમાં આંદોલન કે વિરોધ નહીં, નિષ્ફળ પ્રેમપ્રકરણ હતું.
રૂપેશઃ આઈ ઑબ્જેક્ટ મિ. મિનિસ્ટર. આ તમારું રાજકરણ એટલી હલકટ કક્ષા સુધી નીચે ઊતરી ગયું છે કે…
અભયઃ મિ. રૂપેશ. તમને તમારો અભિપ્રાય વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે. પણ હમણાં મંત્રીશ્રીને એમનો અભિપ્રાય વ્યક્ત કરવા દો.
રૂપેશઃ પણ તેઓ જુઠ્ઠું બોલે છે. બકવાસ કરે છે.
પંડિતઃ પ્લીઝ, મિ. રૂપેશ. હા, મંત્રીજી.
દેવાંગ-મંત્રીઃ અત્યારની ક્ષણે મારે આનાથી વધુ કાંઈ કહેવું નથી.
અભયઃ મિ. પરભુ આપને આ માટે શું કહેવાનું છે?
પરભુઃ હું એક સ્વતંત્ર સૈનિક છું. અમે પણ રેલીઓ કાઢી હતી. આંદોલનો કર્યાં હતાં. મશાલો જલાવીને નીકળતાં હતાં. પરંતુ આજે મશાલો સળગાવીને નીકળવાથી કંઈ અસર નથી થતી. અરે, છોકરાઓ જાતે સળગી જીવતી મશાલ બની જાય છે, તોયે સરકારને સત્તા, ખુરશીની ખેંચાખેંચ, ભ્રષ્ટાચાર સિવાય કશામાં રસ નથી. ત્યારે તો જુલમીઓ પરદેશી હતા, આજે તો દેશી છે.
પંડિતઃ પરભુડા તું…? આ તું બોલે છે?
પરભુઃ હા, પંડિત. હા, પાગલ. ગાંડો પરભુડો આ બોલે છે. મને ખાતરી છે મારો દીકરો સળગી મર્યો હશે. જલાવી બેઠો હશે જાતને. મશાલ બનાવી દીધી હશે કાયાની. તોયે આ…
અભયઃ રુકાવટ કે લિયે ખેદ હૈ. (બધાને) ચાલો, આગળ વધો. (સ્વસ્થ થઈ) હા, તો ડૉ. રાજવાણી, આપનો શો મત છે?
ડૉ. રાજવાણીઃ હું માનું છું જીવતાં સળગી મરવાની વૃત્તિનાં ઘણાં બધાં પાસાં છે. પહેલું તો યુવાનોની પ્રદર્શન વૃત્તિ. ઝડપથી જાણીતા થઈ જવાની, કંઈક કરી બતાવવાની, બધાથી જુદા દેખાઈ આવવાની વૃત્તિ. બીજું, નબળું મન, વધુ પડતી લાગણીશીલતા. ત્રીજું, ભવિષ્યમાં હરીફાઈમાં ટકી ન શકવાના ભયમાંથી જન્મતી લઘુતાગ્રંથિ અને તેમાંથી નીપજતો નિરાશાવાદ. આ બધું જ, બધું જ ભેગું થઈ સર્જાય છે એક આત્મવિલોપન.
રૂપેશઃ (સાચે સાચ ઉશ્કેરાઈને) બકવાસ છે. આ બધો બકવાસ છે. લોકોની જલદ લાગણીને આડે ફાંટે ચઢાવવાની આ રાજકીય મેલી રમત છે. ગંદી સાજિશ છે. ગમે તે કારણ હોય, જીવતાં જલી મરવાનું સહેલું નથી. આત્મવિલોપનને હલકી કક્ષાએ ઉતારી પાડવાની રાજકીય, ગંદી, હલકટ ચાલ છે. આ યુવાનોના બલિદાનથી ગભરાયેલા નપુંસક નેતાઓની બદદાનતવાળી, હલકટ ગંધાતી ચાલ છે આ.
બહોત દિનો સે યે સિલા હૈ, સિયાસતદાનો કા.
કિ જબ જવાન હો બચ્ચે, તો કત્લ હો જાયે.
આત્મવિલોપન એ ચર્ચા કરવાની નહિ, દિલમાં સીધી ભોંકાતી દર્દની ચીસ છે. આમ થાય આત્મવિલોપન આમ. (ઝડપથી જઈ દારૂની બૉટલો પોતાની પર છાંટે. ઇન્સ્પેક્ટર રાઠોડ બહારથી આવે એને ધક્કો મારી બહાર ધસી જાય. સૂત્રો બોલતો જાય.) એ હલકટ, સત્તાલોલુપ નેતાઓ, હે ભારતના નિર્માલ્ય, નપુંસક નેતાઓ, જુઓ, જુઓ આમ થાય આત્મવિલોપન. યુવાની ઝિંદાબાદ, યુવાનો અમર રહો. (બધા પાછળ દોડે. સાયક્લરોમા પર પાછળ સળગી જતો યુવાન દેખાય છે. પાછળથી રૂપેશનો અવાજ આવે છે.)
રૂપેશઃ આ હૃદયસમ તિખારો છે, કરી રહ્યો છે ઇશારો,
કોઈ કાળે સૂર્યમાંથી હું, જુદો પડી ગયો છું,
બહુ રાહતે લીધા છે મેં પસંદગીના શ્વાસો,
ન જિવાયું દર્દ રૂપે તો સ્વયં મટી ગયો છું.
(મશાલ)

(વિજેતા એકાંકીઓ)

*