ગુજરાતી ગઝલસંપદા/ડાહ્યાભાઈ દેરાસરી ‘બુલબુલ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ડાહ્યાભાઈ દેરાસરી ‘બુલબુલ’
1

નિગાહ તુજની, અરે! બદમસ્તીમાં હુશિયાર કેવી છે?
અમારું દિલ ચુરાવાને, કહો! તૈયાર કેવી છે?

અદાથી ફેરવી ખંજર ગળા પર, તું પછી કહેતી;
શહીદે નાઝ! બતલાવો કે આમાં ધાર કેવી છે?

જિગર તૂટ્યું રવાના ફાટ્યું જઈને દિલમહીં લાગી;
ગજબનો ઘા કરે ચંચલ, નિગાહે યાર કેવી છે?

ઝબહ કરતી અમોને તું, હસીને પૂછતી પણ તું;
જરા દિલબર! બતાવોને અહા! તલવાર કેવી છે!


2

કતલ આશકને કરવાને નિગાહ તલવાર કાફી છે;
વિરહના ઝખ્મને કાજે મર્હમ દિદાર કાફી છે!

પરેશાં દિલ દીવાનાને નથી દરકાર જંજીરની;
અમોને ક્યદ કરવાને હૃદયનો તાર કાફી છે!

નથી તસ્બીહ, નહીં સિઝદા, નહીં મતલબ કિતાબોથી;
તસવ્વર દિલ થયું છે આ, બસ! એ તકરાર કાફી છે.

પરેશાં જોઈને મુજને, ન કર તું ઝુલ્મ, અય ઝાલિમ!
ઈલાજે દર્દ દિલને કાજ ફક્ત તુજ પ્યાર કાફી છે!

નથી મુમકીન, અયે દિલબર! નિયત બદલે જરા મારી!
ડૂબેલાને બચાવાને, સનમ! તુજ પ્યાર કાફી છે!

ન જા તું જાન છોડીને, અરે! આ ફાની દુનિયામાં;
ઝબેહ કરવા મને તુજ ખંજરે ગુફતાર કાફી છે.