ગુજરાતી ગઝલસંપદા/ મનોજ ખંડેરિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મનોજ ખંડેરિયા
1

બધાનો હોઈ શકે, સત્યનો વિકલ્પ નથી
ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી

પતાળે શાખ બધી, મૂળ સર્વ આકાશે,
અમારા બાગના આ વૃક્ષનો વિકલ્પ નથી

હજારો મળશે મયૂરાસનો કે સિંહાસન
નયનનાં આંસુજડિત તખ્તનો વિકલ્પ નથી

લડી જ લેવું રહ્યું મારી સાથે ખુદ મારે
હવે તો દોસ્ત, આ સંઘર્ષનો વિકલ્પ નથી

કપાય કે ન બળે, ના ભીનો વા થાય જૂનો
કવિનો શબ્દ છે, એ શબ્દનો વિકલ્પ નથી

પ્રવાહી અન્ય ન ચાલે ગઝલની રગરગમાં
જરૂરી રક્ત છે ને રક્તનો વિકલ્પ નથી

2

ઈજાગ્રસ્ત – સણકા – સબાકાનો માણસ
તૂટી જાય સીવેલ ટાંકાનો માણસ

ઉખેળો તો કાયમ ઉખેળાયો કરતો,
ન પૂરો થતો કેમે' તાકાનો માણસ

ગમે તે તરફથી અડો તો ચીરાશો,
બનાવ્યો છે બેધારા ચાકાનો માણસ

ફરે આંખમાં તો ખબર પણ પડે ના,
નજાકતનો; સુરમા - સલાકાનો માણસ

અમારી જ અંદર જવા યત્ન કરતાં -
સતત અમને રોકે છે નાકાનો માણસ

શિરાએ શિરામાં સુરંગો પડી છે,
ગમે ત્યારે ફૂટશે ભડાકાનો માણસ

નગર આખું થઈ જાય ગમગીન – મૂંગું –
– થતો ચૂપ જ્યારે તડાકાનો માણસ

3

કાયમ કાયામાં ખળભળતું પાણી છીએ
પાણીમાં ભળવા ટળવળતું પાણી છીએ

ધ્રુવ-પ્રદેશો જેવી ઠંડી પળમાં થીજ્યું,
તડકો અડતાંવેત પીગળતું પાણી છીએ

કાગળની હોડી શી ઇચ્છા સઘળી ડૂબે,
એક અવિરત વ્હેતું ઢળતું પાણી છીએ

માધાવાવે સાત પગથિયાં ઊતરે સપનાં,
પાણીની આગે બળબળતું પાણી છીએ

જીવતરના આ ગોખે આંસુ નામે દીવો,
આંખોના ખૂણે ઝળહળતું પાણી છીએ

સાતપૂડાની વ્હેતી જલની ધારા જેવા-
કાળા પથ્થરનું ઓગળતું પાણી છીએ

ક્યાંથી આવ્યા, મૂળ અમારું કૈં ના પૂછો
અંતે પાણીમાં જઈ ભળતું પાણી છીએ