ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/અનિલ વ્યાસ/કૅટ-વૉક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કૅટ-વૉક

હરીશ નાગ્રેચા

…એનો વાન પીતામ્બરી હતો. કદ ઊંચું, કપાળ મોટું, કાન સુડોળ, હોઠ કોતરેલા, નાક સહેજ તીણું, જે ચહેરાને અસ્મિતા આપતું. એ હસતી ત્યારે એની મોટી આંખો સહેજ ઝીણી થઈ વહાલ વેરતી. એમાંથી ઝમતાં ઉમંગ-ઉત્સુકતા ઓજસ થઈ ચહેરા પર છલકાઈ જતાં. એવો કોઈ વિચાર એને આવતો નહીં જેથી સંકોચ જન્મે જેને સંતાડવા મહોરું પહેરવું પડે. એનો ચહેરો સાયાસતાના ભારથી મુક્ત હતો, જેથી શ્રદ્ધાપ્રેરક, શુકનવંતો લાગતો, થાય જોયા જ કરીએ, જોવા જીવ્યા જ કરીએ. કપિલે અનેક વાર એને કૉલેજથી પાછી ફરતાં જોઈ હતી. જોઈ, માગું મોકલાવ્યું હતું, જેને હજી-નાની-છે-ના બહાને ખાળી રખાયું હતું. પણ કપિલ રાહ જોવા તૈયાર હતો. આંબાવાડિયામાં પવન પસાર થાય અને અનાયાસે કોયલ ટહુકે એમ એ કમ્પાઉન્ડમાં પ્રવેશતી કે કૉલેજના કોઈક ખૂણામાંથી સંવેદના સભર યાદ પડઘાતો: સં…જુ…ઉ…!

હરિ… અપ્… સંજુઉ…! ઉદય કલાકથી અકળાતો હતો. સંજના નાહ્યા કરતી હતી. ઉદયે ચાર-પાંચ વાર ટોકી તોય એની જસ્ટ-ટેન-મિનિટ્સ-પાપા-પૂરી નહોતી થતી. સંજના તરત જો બહાર ન આવે તો એપૉઈન્ટમેન્ટ ચૂકી જવાય એમ હતુંઃ ગી… ગી… પ્લી… ઝ! ઉદયના અવાજમાંની લાચારીથી અકળાઈ, શાક સમારતી મીના બહાર આવી. એનીથિંગ રૉંગ ઇન ઇટ? એ ના જ પાડે છે! હેર-ડ્રાયર બંધ કરી મૅડમનો જવાબ ફરી સાંભળવા સંજનાએ કાન સરવા કર્યાઃ સહજતાથી; પ્રમાણિકપણે જો તમે કરતા હો તો કંઈ પણ ખોટું કેમ હોઈ શકે? પણ એ કરતાં ભય કે સંકોચ થાય તો માનવું કે ક્યાંક, કંઈક ખોટ છે. છે, સંજુ? તને કોઈ સંકોચ હોય તો શક્ય છે, યુ આર નૉટ યુઝ ટુ ઇટ. એ વારસાગત ઉછેરમાં રૂઢાયેલો સંકોચ છે, વ્યક્તિસહજ નહીં. કન્ડિશનિંગ. એક્ઝામિન ઇટ. બાકી ભાગ લેવો કે નહીં એ તારે નક્કી કરવાનું છે. પણ, તું ભાગ નહીં લે તો સ્પર્ધા અટકી નહીં જાય. બીજા ભાગ લેશે. કોઈ મિડિયોકર મિસ ઇન્ડિયા બનશે. લિસન, જીતવા માટે નહીં, પરંતુ મિડિયોક્રિટી આ દેશનો આદર્શ ન બને એ ફરજ રૂપે ભાગ લ્યો, પડકાર સમજીને! હુરાઆ…! મિત્રોનું ટોળું સંજનાને રૂમની બહાર ઉપાડી લાવ્યું હતું ત્યારે જ એણે નક્કી કરી નાખ્યું હતું કે એ પાપાને…

હું જાઉં છું, સંજુ! મીનાએ સાદ પાડી બારણું બંધ કર્યું. સંજના કોઈ ઉત્તેજનામાં એકાંત શોધતી મીના કામ પર જાય એની જ રાહ જોતી હતી. સંજનાએ બંને બારીના પડદા ખેંચ્યા. રૂમમાં અંધારું થઈ ગયું. એણે ટ્યૂબ-લાઇટ કરી. આરસીમાં એનું પ્રતિબિંબ પ્રગટ્યું. લોહીમાં વેગ ને શ્વાસમાં હાંફ સાથે એણે કલ્પનાનો સ્વિમ-સૂટ છાતીએ ધર્યો…ને ધડકનો…! એને પહેરવાનો ક્ષોભ હતો એથી વધુ ક્ષોભ હતો પહેરીને પોતાની જાતને આરસીમાં જોવાનો, એ કેવી રીતે દેખાશે? સંજનાએ હાંફને કાબૂ કરતાં, ફરીથી મેઝરટેપથી જાતને માપી. પણ અનવૉન્ટેડ વાળનું શું? એણે આંખો બંધ કરી. અપેક્ષા અને આવેશ નસોમાં થનગનતાં બેકાબુ થઈ ગયાં. એણે આંખો ખોલી ત્યારે એ સ્વિમ-સૂટમાં તસતસતી હતી. ઊપસતાં અંગોને આવરવા સંકોચમાં આંગળીઓથી સૂટ ખેંચતી એક તરફ ફરી. એ જોઈ રહી: પગ લાંબા હતા, માંસલ, લીસા; હાથ-ખભા-સ્તનનો ઉભાર, ઢાળ, પીઠ, પેટ! નો. શી વૉઝ નૉટ મિડિયોકર! સંમોહમાં જાતને તાકતી સંજના ખોવાઈ જઈ રહી હતી ત્યાં જ બહારની દુનિયાને રૂમમાં ઘસડી લાવી, જુઓ… ગીગીને…, એમ ઠઠા કરતો ફોન રણક્યો. ફાળમાં હાથપગ વચ્ચે જાતને બીડતી, ગાઉન પર ઝાવું મારતા સંજનાએ ડ્રૉઇંગરૂમમાં જઈ જેવો ફોન ઉપાડવા હાથ લંબાવ્યો કે ફોન બંધ થઈ ગયો. ઇડિયટ… અવાજથી જો આટલી ગભરાઈ ગઈ તો…! ભોંઠપની હાંફ અનુભવતાં સંજનાએ સોફામાં પડતું મૂકી ગાઉનથી શરીર આવર્યું. પછી રહીને ફડકથી મનને વારવા ટીવી ખોલ્યું.

દરિયાકિનારે લાલ સ્વિમ-સૂટમાં એક ગોરી યુવતી જોગિંગ કરી રહી હતી. એ-જે-હતી, એથી સહેજ પણ યુવતી સભાન નહોતી. એના દેહના સહજ સ્વીકારને સંજના પોતાના ક્ષોભ-સંકોચ સાપેક્ષ તાકી રહી. આ સ્વીકાર-જ-શું-લાવણ્યનું-રહસ્ય-છે! પ્રશ્ન સાથે જ આવાં દૃશ્યો જોતાં પાપાની આંખોમાં ઊછળતી પ્રશંસા સંજનાને અનાયાસે યાદ આવી. પાપા. અપ્રુવ્ડ ઇટ! સંજનાને હિંમત સાથે હોંશ જન્મી. ગાઉન બાજુમાં મૂકી, પગ લંબાવી એણે સાથળ પર હાથ ફેરવ્યો. સંજુ…ઉ…! હવામાં મીનાની ટકોર પડઘાઈ. મમ્મા તો છે જ એવી. સાચું, પાપા કહેશે, હી લવ્ઝ મી. સ્ક્રિન પર એક ટોળું પ્રવેશ્યું ને સંજના સામે તાકી રહ્યું. એવું તે શું જોવું હશે આ અધીરી આંખોને આમાં? અપરિચિત છતાં લોભામણી અનુભૂતિને આવકારવા સંજનાએ ક્ષોભ હડસેલી, કૅટવૉક માટે ઊભા થતાં સહેજ પગ ઝાટક્યો. સાથળની ચુસ્ત માંસલતા સાટીનની જેમ થરકી. અંગમાં ભરાતા સૂટને ખેંચવા વારંવાર સળવળતી આંઘળીઓ પર એને ચીડ તો ચડી, પણ પછી મલકી: માગ્યું ક્યાં છે, મળ્યું છે, તો હોવાની શરમ શેની? આ-જ-છે-સંજના, સ્વીકાર, અહોભાવથી સંકોચ વિના, સહજપણે, ઇન-ટોટો, ટુ લૂક મોર બ્યુટિફુલ ઍન્ડ રિલેક્સ! સ્તનન ઊંચા સંકોરતા, કદ તાણી, ગર્વીલી ડોકને ઝોક આપી સંજનાએ ડગલું માંડવા પગ ઉપાડ્યો.

પિરિયડ આવવો શરૂ થતાં જ સંજનાએ મીના પાસે માથું ચોળાવવાનું બંધ કરી દીધું હતું. એનું શરીર અતિશય સ્પંદનશીલ થઈ ગયું હતું. અચાનક ઝોલો લેતી ડાળ, વરસાદની વાછટ, ગાયની થરકતી ચામડી, ઝોક લઈ વળતી નારિયેળી, નળમાંથી ઢળતી જળધારા, ટોમીની રુંવાટીવાળી ઊભી પૂંછડી, ઉદયની દાઢીની બરછટતા અકારણ આહ્લાદક સ્પંદનો જગાડી જતાં હતાં. હમણાંનું એનું વાંચવાનું અટકી ગયું હતું. નહીં તો, બસ – હવે, એમ ટોકવી પડતી. વાંચતી ત્યારે તાદાત્મ્યતા ચહેરે તરવરતી, પણ આજકાલ પુસ્તક ખોળામાં પડ્યું રહેતું, પાનાં ફરફરતાં… ને…! એ મુગ્ધ હતી, ખોવાઈ જવાની એને કોઈ બીક નહોતી. એક કિનારે પાપા હતા, બીજે મમ્મા.

ઉદયનો સવારનો મૂડ સાંજ સુધી ટકતો નહીં, પરંતુ આજે આવ્યો ત્યારેય એ ધૂંધવાયેલો હતો. સંજના ફોન પર વાત કરતી હતી. એણે ઉદયનો ધૂંધવાટ નોંધ્યો નહીં. ઉદયની નારાજગી એળે ગઈ. પાપાને ઠીક નથી કહી મીનાએ ઉદયને વહેલો જમાડી લીધો. જમીને મૂંગો-મૂંગો, દરમાં ભરાતા ઉંદરની જેમ એ તરત બેડરૂમમાં ઘૂસી ગયો.

મીના ઉદયની નબળાઈ જાણતી હતી. અવગણના કે પ્રતિકાર એ જીરવી શકતો નહીં. પાંગળો થઈ જતો, જે ખૂંચતું. પરવારી, રૂમમાં આવી ઉદયની સોડમાં બેસતાં મીનાએ એનો હાથ લઈ પસવારવા માંડ્યો. ઉદયનું તંગ શરીર રિઝાવા માંડ્યું.

— આપણી ગીગીને કેટલાં રોઝીસ મળ્યાં છે, તેં જોયાં!

— જોયાં, એટલે જ શું નહાતી હતી કલાકો સવારે! કૉલેજ રોઝીસ માટે જાય છે? ને કેટલા ફોન, ને ફોન પર એકએક કલાક, છે શું આ બધું?

— કૉલેજમાં તેં કોઈને રોઝ…! ઉદયે અણગમામાં હાથ ખેંચી લીધો. ભોંઠપ સંતાડવા મીના હસી. હવે એ આપણી ગીગી નથી, સંજના છે, દેખાવડી…

— તો નજર ઉતાર, પણ…

— પઝેસિવ ક્યાંનો! મીનાએ ઉદયનાં આંગળાંમાં પોતાનાં આંગળાં સાંકળ્યાં. રુચ્યું નહીં, પણ આ ક્ષણે એ જ જરૂરી હતું. ઉદય, સંજના દેખાવડી છે એટલે તો કપિલે માગું મોકલ્યું, બાકી ક્યાં આપણે ને ક્યાં મિલમાલિકનો એકનો એક…

— એ જ તો કહું છું, ફૂલો લેતાં એટલો તો વિચાર કરવો જોઈએ ને…

— નાની છે હજી, લેટ હર એન્જૉય હર ટિન્સ…

— તારા અભરખા પૂરા કરવા તો તરફદારી નથી કરતી ને…! મીના ગળી ગઈ, પણ એનાથી ચીડ ન રોકાઈ.

— તો આપણે કપિલને હા પાડી કેમ નથી દેતાં?

— પાડી દીધી છે, આજે…

— કહ્યા-પૂછ્યા વિના?

— કોને પૂછવાનું? મીના હેબતાઈ ગઈ, ને કહી દેજે, આમ ચાલશે તો કૉલેજ…

— તું તો એને ડૉક્ટર બનાવવાનો હતો ને, અચાનક આ…! એની કૉલેજ તો હું…

— તું મારી, મારી વિરુદ્ધ જશે! ઉદયે મીનાને હડસેલી. મીના, જો-વળ-પડી-રહ્યો છે! છો-પડે, પણ-આ જોહુકમી! તાણ, તિરાડ ન બની જાય એ બીકે મીનાએ ઉદયથી આંખ મેળવી.

— તને લાગે છે, તારી વિરુદ્ધ જાઉં! જઈને ક્યાં જઈશ? ઉદયને શબ્દો ગમ્યા. એણે મીનાને સોડમાં લીધી. જૂઠા, બોદા શબ્દો મીનાને કઠ્યા, પણ અસરપૂર્વક ઉચ્ચારાઈ ગયા હતા. ઉદય, સવારની વાતનું અડધી રાતે શું છે?

— પેલી ડોળા ફાડી બેઠી છે, વેચી જ નાખવાનો છું ટીવી…

— આ સૉલ્યુશન છે… કે…

— આ ટેવો સારી છે?

— બાપના રાજમાં આનંદ નહીં કરે તો…! ચવડ, ચવાયેલું, હીણપતભર્યું વાક્ય મીના બોલી તો ગઈ, પણ…

— એ જ તો કહું છું, બાપના રાજમાં નહીં, જ્યાં હોય ત્યાં રાજ કરી શકે એવી ભણીગણીને પ્રતિભા ઘડવી જોઈએ! મીનાને ઉદયની વાત સ્પર્શી, પરંતુ પોતાના બચાવમાં બોલ્યો હતો, એ ન ગમ્યું. ઉદય વલવલતો હતોઃ ગયા વર્ષ સુધી કેટલી ડાહી, હોશિયાર, સમજુ હતી! અચાનક શું થઈ ગયું છે મારી ગીગીને…! બદલાઈ ગઈ છે, ખોવાઈ જતી રહી છે, ક્યાંક મારી ગીગી… શું કામ, શું કામ? પદભ્રષ્ટ રાજાની જેમ વીફરી ઉદય એકાએક બરાડ્યો. એનો જીવ ખરેખર બળતો હતો. મીના જીરવી ના શકી. ઉદયનો ચહેરો એણે વહાલથી છાતીએ ચાંપ્યો. મીનાનો શ્વાસ હાંફતો હતો. એ હાંફમાં માથું સંતાડી ઉદય શાહમૃગની જેમ પડી રહ્યો. મીનાને થયું, ધાર્યું કરાવવું હોય તો આ જ ક્ષણ છે, મૂક પડતો એને! પણ દ્રોહના ક્ષોભમાં એણે ઉદયનો ચહેરો છાતીએ વધુ ભીંસ્યો. એમ કર, તું સૂઈ જા. સૂઈ જા કહ્યું ને…! મીનાની મક્કમતા ઉદયને ગમી. ભાગી છૂટતો હોય તેમ એ પલંગ પર જઈ સૂઈ ગયો. આ નવું નહોતું. ઉદયને સંજનાની નજરમાં દેવ થઈ રહેવું હતું. ભૂંડી તો મીનાને કરવી હતી. કેમ? પ્રશ્ન સાથે મીના રૂમમાં પ્રવેશી ત્યારે સંજના સોફા પર પગ ચડાવી ટીવી જોતી, વેફર મમળાવી રહી હતી. હાય મોમ…! સંજના રણકી, મીનાએ જઈ ટીવી ઑફ કરી દીધું. ઓ… મમ્મા! સંજનાની હતાશા ધાણીની જેમ ફૂટી. મીના રૂમની બહાર નીકળી ગઈ. કંઈક ચુકાઈ જવાનું હોય તેમ સંજના સ્પ્રિંગની જેમ ઊછળી. બેડરૂમમાં જઈ મીના પલંગ પર બેઠી. ડ્રૉઇંગરૂમમાં ટીવી ઑન થયું ને એક રંગીન લોભામણો વિસ્ફોટ આંજતો ઝરમરી રહ્યો. મીના કચવાઈ. આમન્યા જાળવવા એણે આંખ આડા કાન કર્યા. એ જાણતી હતી. સૂઈ ગયાનો ઢોંગ કરતો ઉદય પડી રહ્યો છે. મૂંઝાયેલી મીનાએ સધિયારાની અપેક્ષામાં શરીર લંબાવ્યું ત્યારે દીવાલ પર કોઈ અજાણ્યા ઘોડાપૂરના દાબડા દડબડી રહ્યા હતા. અચાનક ઉદયનો હાથ મીનાના હાથ પર આવ્યો. મીનાને ખબર હતી, હમણાં એ પડખું ફરશે, ને પછી…! મીનાના શ્વાસમાં ઉદયનો શ્વાસ ભળ્યો, ને ભીંસાવા લાગ્યો. શું જોઈતું હતું ઉદયને — સધિયારો, પ્રેમ કે પ્રમાણ…! હું શું…! મીનાના આવેગે ક્ષોભ અનુભવ્યો. કરવું-હોય-તે કરવા-દેવા મીનાએ ઓસરી જઈ એક તરફ મોં ફેરવી લીધું. અશ્વારૂઢ, પુનઃપ્રસ્થાપિત રાજાની જેમ ઉદય હાંફી રહ્યો… ને પછી રહીને પડખું ફરી ગયો. ઉદયને શું આટલા પૂરતી જ વહાલી હતી! મીના ક્યાંય સુધી વિમુખ, જાગતી પડી રહી, એકલી, દુઃખી, આ દુઃખ કયું હતું? રખેને જવાબ મળી જાય એ બીકે મીના બાથરૂમ જવા ઊઠી, બારણું બંધ કર્યું, ને નળ ખોલ્યો.

મમ્મા, લૂક! મીનાનું ધ્યાન ખેંચવા રૂમમાં પ્રવેશતાં સંજના ટહુકી. પવનની ઝાપટે દીવો રાણો થઈ જાય એમ સંજનાને જોઈ મીના ઓલવાઈ ગઈ.

— ગી… ગી…, આ… શું?

— કેમ, શું થયું? ઉદય આવતો તો નથી ને એવી ફાળમાં ધસી જઈ મીનાએ બાજુમાં પડેલો ટેબલ ક્લોથ ખેંચી સંજનાને શરીરે વીંટાળ્યો. સંજના ડગલું પાછળ હટી. મીના અનુસરી.

— પાપા ઘરમાં છે ને આમ…

— ડોન્ટ બી ફની મમ્મા, હું આપણા જ ઘરમાં છું.. ને…!

— કવર યૉરસેલ્ફ… ગી… ગી…

— ડુ આઇ લૂક ઑલ ઇન સ્વિમ-વેર, મમ્મા!

— છટક્યું છે કે શું તારું! મીનાના અનપેક્ષિત પ્રતિભાવથી સંજના લેવાઈ ગઈ. ગી… ગી… હવે તું રવિવાર ના બગાડતી…

— એની તો રાહ જોતી હતી, કહેવા કે હું બ્યૂટિ-કોન્ટેસ્ટમાં ભાગ લઉં તો…

— વૉટ…!

— તારા ને પાપા સિવાય મને સાચું કોણ કહે? ડઝ ઇટ સૂટ મી, મમ્મા!

— ઓ કે, સૂટ્સ યુ…! જા અંદર ને ગાઉન પહેરી લે, મીનાએ સંજનાને લગભગ ઉંબરા સુધી હડસેલી.

— ડોન્ટ પુશ મી, મમ્મા! કહેને કેવી લાગું છું? હું પાપાને પૂછીશ, પાપાનું જજમેન્ટ, એમની સેન્સ ઑફ બ્યૂટિ…

— એની તને ક્યાંથી, કેટલી ખબર!

— ગયે વર્ષે મિસ યુનિવર્સ ટેલિ-કાસ્ટ થયું ત્યારે પહેલેથી જ પાપાએ નહોતું કહ્યું મિસ પોર્ટોરિકો જીતશે, ને એ જ જીતી…

— ઓહ… માય… ગૉડ…

— ને શું કામ જીતી એ પણ કહ્યું હતું પાપાએ. મારે એમને પૂછવું છે કે મારામાં એ બધી ક્વૉલિટીઝ છે ને ટુ બિ મિસ…

— આવું લીરા જેવું કૉસ્ચ્યુમ પહેરી પાપા સામે જતાં…

— જોશે નહીં તો કહેશે કેમ?

— તને ઝોડ તો નથી વળગ્યું ને?

— ડોન્ટ બી મીન મોમ. ટેલ મી, મારામાં ભાગ લેવાની લાયકાત નથી? સે, નો… મમ્મા… સે… નોઅ…

— પાપા અપસેટ થઈ જશે…

— બીજાને જોઈ ખુશ થાય તો…

— તું દીકરી છો…

— પાપા… કમ હિયર… પાપા! સંજનાના સાદને મીનાએ હોઠ પર જ દાબી દીધો.

— બેટા, લિસન, સમથિંગ યુ કાન્ટ ડુ. ગો ઍન્ડ ચેન્જ, પ્લીઝ… ગી… ગી…

— વાય, ગિવ મી વન રીઝન, મમ્મા, વાય! આમાં ખોટું શું છે? આમાં શાખ નથી? આબરૂ નથી! નામના નથી! સ્ટેટસ નથી!

— ગી… ગી…! ઉદયનો ઘૂમરાતો અવાજ સાંભળી મીનાને ધ્રાસકો પડ્યો. અધીરાઈમાં સંજના સહેજ આગળ આવી. ઉદય પ્રવેશે એ પહેલાં મીના સંજનાને આડે ઊભી રહી ગઈ.

— આર યુ ‘જે’ મમ્મા! મીના ક્ષણેક સુન્ન થઈ ગઈ. ઈર્ષા? એણે વચ્ચેથી હટી જવું જોઈએ. હજી વિચાર એ અમલમાં મૂકે ત્યાં જ સંજનાએ મોટેથી સાદ પાડ્યો: પા… પા… આ…!

— પાપાઆ…! પાપાએ ના પાડી એનું સંજનાને ખરાબ નહોતું લાગ્યું, પણ ના પાડતી વખત એના પર ઊપડવા, ઊંચા થયેલા હાથને જોઈ એ ઘા ખાઈ ગઈ હતીઃ તમે, પાપા, તમે! તમને શું ન ગમ્યું, પાપા! ગમતું એટલું જ શું તમને વહાલું હતું, પાપા! ગીગીને ગમે એ નહીં? ગીગી હવે વહાલી મટી ગઈ, પાપા! સંજનાનું મન ભરાઈ આવ્યું. સત્તર વર્ષમાં પહેલી વખત સંજનાને પાપા અગ્લી લાગ્યા.

આવું એ કેમ વર્ત્યો? ઉદય વસવસતો હતો, પણ સમજાતું નહોતું. થઈ ગયું, બસ! નવો જાજરમાન સ્ત્રીનો ચહેરો જોઈ મનમાં સંતાડેલી અંધારી ગુફામાં ઓઝલ થઈ જે રતિક્રીડામાં રાચતો હતો, એની સાપેક્ષ અનેક પુરુષના એકાંતમાં સંજનાને એ સહી ના શક્યો, ને અનાયાસે જ એનો હાથ ઊપડી ગયો હતો. ક્ષણેક ઝબકેલી દુરંગાપણાની સભાનતાથી પોતાની જ નજરમાંથી ઊતરી પડતાં, અકળાઈ એણે ઊહાપોહ કર્યો હતોઃ ક્યારેય માફ નહીં કરે બેશરમ સંજુડીને. આવો અગ્લી સીન એણે ઊભો કર્યો જ કેમ? આટલો જ પ્રેમ પાપા પર, બસ, નગુણી! પણ પ્રેમ એટલે શું એ પૂછવાની પરવા કર્યા વિના ઉદયે તોબરો ચડાવ્યો જેથી મા-દીકરી પોતાની જાતને ગુનાહિત અનુભવી, ભાંગી પડે.

ઘરમાં કુટુંબ રહેતું હતું. એમાંથી અચાનક ત્રણ વ્યક્તિઓ થઈ ગઈ હતી, કશુંક ટાળતી. દરેકને સુખ-આટલું-બરડ, પારા-જેવું-સટકણું-હશે, એ પ્રશ્નના ક્ષોભથી ઊગરવું હતું, પણ સૂઝતું નહોતું, કેમ?

શું થયું મમ્મા! ગુમસૂમ કેમ છો, મમ્મા! બોલ ને મમ્મા! મમ્મા! ફરકાટ અનુભવવાની અપેક્ષામાં મીનાનો હાથ પેટ પર જઈ અટક્યો. એ રડું રડું થઈ ગઈ. પહેલી કસુવાવડનો ખાલીપો નખોરિયા ભરી કૂખ વીંખતો હતો. એ હોત આજે તો…!

હડસેલાયેલું અનુભવતો ઉદય ખુન્નસે ભરાયો હતો. બે નિર્જીવ બગલિયાં આપોઆપ કાંખમાંથી એની જાણ બહાર દૂર જઈ અધ્ધર ઊભાં રહી ગયાં હતાં, ને એમ કરવાનો એમને કોઈ હક્ક નહોતો. પાછા ફરવાનો આદેશ દેતો હોય તેમ રહી રહીને એ વડચકાં ભરતો હતોઃ ફોન ઉપાડો, બહેરાં છો! જુઓ, દરવાજે કોણ છે! મારો ટૉવેલ ક્યાં છે, મીના! સંજુ, પેપર લાવ! રૂમાલ! પાણી! છૂટતા હુકમોનો અમલ થતો હતો. પણ એમાં તાબેદારી અનુભવાતી નહોતી. અશુભનાં એંધાણ જોઈ, પગ વચ્ચે પૂંછડી ઘાલી, કણસતા માયકાંગલા ખસિયલ કૂતરાની જેમ વાતે વાતે એ ઘૂરકતો હતોઃ છું… હજી, સિધાવી નથી ગયો હું… જાઉં પછી કૂટજો કાખલીઓ… ને આ તોબરા શેના ચડાવ્યા છે! જો આ ઘરમાં રહેવું હોય તો…!

રહેવું-હોય-તો, એટલે? આમ ધમકાવવાનો હક્ક, આવી શરત, આ જોંસા, કયા જોરે, પાપા! પાપા વિરુદ્ધ જે મનમાં ફૂટતું હતું એ રોકી, નકારી શકાતું નહોતું. એથી ઝમતો ગુનાહિત ભાવ જિરવાતો નહોતો. પાપાનો દરેક શબ્દ સંજનાના જીવ પર ઓશિયાળાપણું ત્રોફતો હતોઃ આ-ઘર-પાપાનું છે- તો…! મમ્મા, તું ચૂપ કેમ છે? તું બોલતી કેમ નથી? સંજના ગુમસૂમ થઈ ગઈ, નિરાશ્રિત કંઈક પોતીકું કરવા એણે તકિયો લઈ છાતીએ ભીંસ્યો.

બે દિવસથી સંજના કૉલેજ જવા નીકળતી, જતી નહીં. બસ ડેપો જઈ ઘરે પાછી ફરી કલાકો સુધી, મૂંગી, બારી બહાર જોયા કરતી. ફોન આવે તો, લેતી નહીં. લેતી તો, બોલતી નહીં. વિદ્રોહ અનુભવતી એ, પણ, નથી-જમવું કહી પ્રગટ કરતી નહીં, નહીં તો ઊંચો થયેલો ઉદયનો હાથ પોતાના મોં તરફ વાળી કોળિયો હબુકિયાં કરી જતી. હોંશથી ઓઢેલી પોતીકાપણાની ચૂંદડી કોઈએ છાતીએથી ખેંચી લીધી હોય તેમ સંજના અડવું અનુભવતી, અકળાતી હતી. એનો ઓશિયાળો રૂંધાતો શ્વાસ, મીનાએ સવારે બ્રશ પર વધુ પડતાં ફસકી પડેલા પેસ્ટને ટ્યૂબમાં પાછું ભરવા મથામણ કરતી બેધ્યાન સંજનામાં જોયો હતો, ને એની તંદ્રા તોડવા હાથમાંનો વાટકો પડતો મૂક્યો હતો. શું-થયું-હાથ-તૂટી-ગયાં છે કે શું? ઉદય તક ઝડપતો ત્રાટક્યો હતો. મા-દીકરીની આંખો મળી હતી જેમાં ડહોળાયેલા દરિયા હાંફતા હતા.

ભરબપોરે દરિયાકિનારે તપતી રેતી પર સંજનાને ઉઘાડે પગે ચાલ્યા કરવું હતું; પોતા સોતો આખો કિનારો ઉસેડી જાય એવાં માઝા મૂકનારાં મોજાંઓની રાહ જોવી હતી. હજારો ફૂટની ઊંચાઈએ જઈ, એકાએક પડતું મૂકી, ઝપ કરતા ઓલવાઈ જવું હતુંઃ ગીગી… ક્યાં? પણ આમાંનું કશું શક્ય નહોતું. એ સંજના હતી. ઉતાવળે બાથરૂમની બહાર નીકળતાં, છૂટી, જમીન પર પડી ગયેલા ટૉવેલને ફરસ પરથી સમેટતું ઉદયનું ઉઘાડું શરીર એની આંખમાં વીંઝાયું. એણે મોં ફેરવી લીધું. એ સંજય હોત તો… બહાર જઈ શકત… અડધી રાતે, પણ… ઘરની પોતીકી હૂંફાળી મોકળાશ…! પડખું ફરતાં, એણે પગની આંટી મારી ને એને ફાળ પડીઃ ઓહ… શિટ્… વહેલું તો નહીં આવી જાય ને…

વાય ડિડ ધે ફોર્સ મી…! ને તું પણ તૈયાર થઈ ગઈ ભોપી! સંજનાને પોતા પર દાઝ ચડી. વંટોળમાં વીંખાયેલા તંબુ જેવી મનઃસ્થિતિ, પ્રશ્ન થઈ એની સામે ઘૂમરાયા કરતી હતીઃ પોતાકી એટલે! ચાહવું એટલે! ઘર એટલે! પોતે જે કર્યું, એ ન કર્યું હોત તો, પાપાના પ્રેમમાં સ્વસ્થ, સુરક્ષિત પોતે જીવ્યા તો કરત! કેવું સારું લાગત, પણ સાચું! જે હતું એ સંજનાએ ગુમાવ્યું નહોતું. જે થયું હતું એ નકારી શકાય એમ નહોતું. એક વખત ફરી ઓળની જેમ કશુંક ઊતરી ગયું હતું. જેને ફરીથી ઓઢવું સંજના માટે શક્ય નહોતું. એ સૂનમૂન પડી રહી. ઝૂરતીઃ મમ્મા, સ્ત્રી હોવું એટલે, રૂપાળું જ હોવું, કેમ? રૂપાળાં એટલે શું? પાપાનો મારા પર ઊપડવા હાથ સળવળ્યો એ પહેલાં કેવી શ્રદ્ધાસભર પોતીકી મોકળાશ અનુભવતી હતી, આ ઘરમાં, હું! એ ક્ષણો કેટલી રળિયામણી હતી નહીં, મારાથીયે વધુ! મમ્મા, મારે ફક્ત રૂપાળા નહીં, મોકળાશની રૂપાળી ક્ષણો બનીને જીવવું છે, જોકે મનમાં ઊંડે ઊંડે તીવ્ર એષણા કનડ્યા કરે છે કે હું-જે-છું-એ-સૌ-કૌઈ-પ્રસન્ન ચિત્તે-જુએ-ઝંખે-આંબે! પણ થાય છે, ભાગ લઈશ તો એ રળિયામણી ક્ષણોનો સહવાસ ખોઈશ, નહીં લઉં તો હું મારી ઓળખથી વંચિત રહી જઈશ, જેનો દ્રોહ મને જંપવા નહીં દે! મમ્મા… પ્લીઝ… હેલ્પ મી, મમ્મા! સંજનાનું મન સભાનતાની સપાટી સુધી ઉલેચાઈ, ડોકાઈ, પાછું ખાબકતું, ખોવાઈ જતું હતું… મમ્મા… પ્લીઝ… મમ્મા…!

ધીરેથી બારણું હડસેલી મીના રૂમમાં દાખલ થઈ ત્યારે સંજનાના હોઠ મમ્માને આકારી રહ્યા હતા. ઝમેલા જળમાં એકબીજાને વળગી રહેલી એની પાંપણોને જોઈ મીનાનો જીવ કપાઈ ગયો. એણે હળવેકથી સંજનાને માથે હાથ ફેરવ્યોઃ ગી… ગી…! સ્પર્શથી સફાળા બેઠાં થતાં સંજનાએ હાથ હડસેલ્યો, ને ગુનાહિત અનુભવતી ઊભી થઈ ગઈ.

— પ્લીઝ લીવ મી અલોન, મમ્મા!

— હું સમજું છું… બેટા…

— સુંદર હોવું શું ગુનો છે, મમ્મા! એવી સ્પર્ધામાં લોકો ભાગ નથી લેતાં! ગૌરવ, માન, મરતબો નથી અનુભવતાં! કોઈ રમી શકે, કોઈ લખી શકે, કોઈ ગાઈ-નાચી શકે, ઇફ આઈ કૅન વૉક લાયકે ક્વીન, વૉટ્સ રૉંગ ઇન ઇટ! તું બોલતી કેમ નથી, મમ્મા! મને હતું, તમે મારા સુખે સુખી છો!

— છીએ જ ગી… ગી…

— શું કામ જાતને છેતરો છો, મમ્મા! મીના અવાક્ થઈ ગઈ. પાપા લવ્ઝ હિમસેલ્ફ, એમની મરજી બનીને બીજા જીવે, હી એન્જૉય્‌સ ધ મોસ્ટ! એમનું મન સાચવવાની ફરજને તું પ્રેમ કહે છે?

— તું કપિલને પૂછી લે, એને વાંધો ન હોય તો અમને…

— ભાગ મારે લેવો છે, મમ્મા…

— તું તારે ઘરે જઈ… સંજુ…

— તુંય એવું માને છે! તારા ઘરે આવી તેં કેટલું મરજી મુજબ જીવી નાખ્યું, મિસિસ શેઠ! કન્યાની મરજી પરનો પોતાનો હક્ક, કોઈ બીજા પુરુષને આધીન કરવો એનું નામ જ કન્યાદાન ને? દાન જેવા પુનિત શબ્દની ઓઠે સંતાડેલી માલિકી, છળ હોઈ શકે, પ્રેમ નહીં. મમ્મા, દાન તો ચીજનું દેવાય, ઍન્ડ આઈ ઍમ નૉટ અ થિંગ…! વૉટ અ ડિસ્‌ગ્રેસ ફૉર મૅન કે ત્રાહિતને, પુરુષ છે એટલે હક્ક સોંપી શકે પણ એ જ હક્ક પોતાના જ લોહી-માંસના પિંડને નહીં, કેમ કે એ સ્ત્રી છે? આ ક્યાંનો ન્યાય, મમ્મા?

— ગી… ગી…!

— મમ્મા, ભાગ લેવા હું પાપાની સંમતિ નહીં, પોતીકાની સહાય માગું છું. મારા પાપા મારી પડખે ઊભા ન રહે તો હૂમ શેલ આઇ ટ્રસ્ટ, ટર્ન ટુ? ટેલ મી મમ્મા, મને તારી તો સંમતિ છે ને? મીનાનું મૌન કચવાયું. પાપાની પરવાનગી વિના તું તો તારી મરજીથી હા-કે-નાયે નથી પાડી શકતી. મમ્મા. આ કેવી…

— ગી… ગી… કપિલ હા પાડશે તો બધું સહેલું થઈ પડશે…

— કોને? સંજનાએ આગળ બોલવા હોઠ ખોલ્યા, પણ બીડી દીધા. એને કહેવું હતુંઃ મમ્મા, મને હતું મારા પાપા તો…, પણ નો હી ઇઝ અ મિડિયોકર મૅન! ટેલ મી મમ્મા, હું જીતું તો તમને ગર્વ, આનંદ નહીં થાય?

— પણ ન જીતે તો…!

— મારા હારવા-જીતવા પર…

— પણ કપિલને પૂછવામાં તને વાંધો શો છે?

— તને, તને નથી સમજાતો, મીનાને! સંજના ક્ષણેક મીનાને તાકી રહી ને પછી હારાકીરી કરતી હોય તેમ ફોન કરવા અચાનક ડૉઇંગરૂમ તરફ ધસીઃ ઓ… કે… મમ્મા…!

એક નવા જ પરિમાણમાં સંજનાને મીના જોઈ રહી. આ છોકરી અત્યાર સુધી ક્યાં ઢબૂરાઈ રહી હતી? મીના પણ વિદ્રોહી તો ઊઠી પણ સંબંધ જોખમાવાની દહેશતમાં ન-છૂટકે સંજના પાછળ ઢસડાઈ. ફોન જોડાયો હતો. કદાચ કપિલે ઉપાડ્યો હતો. ડાયલ ફરવાના અવાજથી દરમાંથી ડોકાતા ઉંદરની જેમ, કાન સરવા કરતો ઉદય દરવાજે પડદા પાછળ ખેંચાઈ આવ્યો હતો. એના ચહેરા પર રાહતની અપેક્ષા ઉંદરની મૂછ જેમ થરકતી હતી.

હલો કપિલ…! મીનાની નજર પીઠ પર મંડાયેલી છે એની સભાનતા, પરવશપણાના નખોરિયા ભરતી સંજનાના જીવને ઉઝરડી રહી હતી. કપિલ બ્યૂટી કૉન્ટેસ્ટમાં ભાગ લેવા કન્સેન્ટ જોઈતી હતી! હું સમજ્યો નહીં, સંજુ! સંજનાને થયું કપિલ સમજ્યો હતો, પણ અધિકાર ફરી પ્રમાણવા અજાણ્યો થઈ રહ્યો હતો. સંજનાએ મીના તરફ જોઈ મોં ફેરવી લીધું. એની નજરમાંનું નમાયાપણું ન જિરવાતાં મીના રૂમની બહાર જવા ફરી. ઉદયે એને રોકી. એ સમજી ગયો હતો, હવે રેતીમાંથી ડોકું બહાર કાઢવામાં કોઈ હરકત નથી. એ મલક્યો. મીનાને ઘૃણા છૂટી. ઉદય એનો ઉપયોગ કરી રહ્યો છે, એ અક્ષમ્ય છે, પણ તું જે તારો ઉપયોગ થવા દઈ રહી છે, એ…! કપિલ તમને વાંધો નથી ને…! પાપાને છે, હું તમને પૂછું…! સાલી ગીગલી, મને શું કામ સંડોવે છે આમાં…! અંજનાને સાંભળીને ઉદય ફિક્કો પડી ગયો. કપિલ, એમ કેમ બોલો છો? મને તમારી કેમ ખબર પડે…!

કપિલ બોલી રહ્યો હતો. સંજનાના ચહેરા પર ભાવો ઝબકી ઝબકી ઝબે થઈ રહ્યા હતા. કપિલે વાત ક્યારે પૂરી કરી, ક્યારે બાય કહ્યું એથી બેખબર સંજનાએ ક્યાં સુધી પકડી રાખેલો ફોન, કળ વળતાં, મૂક્યો ત્યારે મીનાએ જોયું, સંજનાની કીકીઓ છાણાંના નાગલા પર ચોડેલી સફેદ કીડીઓ જેવી નિર્જીવ વિસ્ફારિત રહી ગઈ છેઃ તારે લીધે…, તારે! વસવસતી મીના ઉદયને હડફેટતી બેડરૂમમાં જતી રહી. ઉદયને ખાતરી થઈ ગઈ કે પરિસ્થિતિ પાછી હતી એવી ને એવી એના કાબૂમાં આવી ગઈ છે. મીના પર એકદમ વહાલ આવતાં પૌરુષી હાશ ઊજવવા ઉદય એને અનુસર્યો. જ્યાં સધિયારાની અપેક્ષા હતી ત્યાં ઉદયનો હાથ મીનાના પેટ પર સરી, વીંટળાયો. જળોને ઉતરડતી હોય તેમ મીનાએ ઉદયનો હાથ ખેંચી, અણગમામાં તરછોડ્યો. છુટકારો અનિવાર્ય હતો, મીના વિના શક્ય નહોતો. ઉદય વળગી રહ્યો. સમસમતી મીના કંપી રહી. કંપે લોહીમાં ઝનૂન જગાડ્યું. એક આક્રમક પ્રતિકારનો મીનામાં વિસ્ફોટ થયો. લોરેન બોબિટની મનોદશા મીનાને અવગતાઈ. વિચ્છેદના સમાચાર વાંચી સ્ત્રી તરીકે જે ક્ષોભ, નાનમ, પાપભાવ અનુભવ્યાં હતાં એની નિરર્થકતા સમજાઈ. આત્મરત, ગરજને અહોભાવનું મહોરું પહેરાવીને પ્રેમને છળી રહ્યો હતો. મીઠાના છંટકાવથી અળશિયું જેમ તરફડે તેમ મીના જ્યારે…

ત્યારે બારી બહાર જોતી સંજનાના રોમેરોમમાં કોહવાયેલાં કિટક જેવા કપિલના શબ્દો ખદબદતા હતાઃ ઇચ્છા હોય તો જરૂર ભાગ લે તું. ઇન એની કેસ આઇ વિલ નૉટ બી ધ લૂઝર…! જીતશે તો મારી મિલના ટેક્ષ્ટાઇલ્સની તું સુપર મૉડેલ બનશે, અને ભાગ નહીં લે તો મારી પત્ની! ધ ચોય્‌સ ઇઝ… ઇઝ… ઇઝ… ઇઝ… સંજનાએ બહાર જોયું. ઉકરડા જેવા આકાશમાં સૂરજ રખડતો હતો. એને થયું નસકોરી ફૂટતાં લોહીનાં ટીપાંની જેમ જીવ નાક પર લટકી રહ્યો છે. ટેરવાથી એણે નાક સ્પર્શ્યુંઃ ભાગ લઉં, ન-લઉં, કશું જ મહત્ત્વનું નથી. મહત્ત્વનો છે જવાબ…! નિસ્બત છે હવે જીવનસાપેક્ષ અનુભવાતી મોકળાશની ખૂબસૂરતીથી, સ્પર્ધા માટે રૂપાળા દેહથી નહીં. અંધારું ઝૂકી વિસ્તરવા માંડ્યું હતું. દૂર મકાનો પર નિયૉન સાઇન્સ એક પછી એક પ્લાસ્ટિકિયું ઝબૂકવા માંડી હતી… ફિલિંગ ફ્રી ઇઝ બ્યૂટિફુલ…, નૉટ મિયરલી બિઇંગ…! બટ ઍમ આઇ ફ્રી… ટુ ફિલ! અંધારું રૂમમાં સરી, ફૂલવા માંડ્યું હતું, ઘેરતું. એકલતા ગંઠાતી જતી હતી, કસકસતી! સંજના ફરી પૂછી રહી હતીઃ એમ આઇ ફ્રી? ઇન વૉટ વે! હૂ એમ આઈ? વૉટ ઇઝ માય રેલેવન્સ ટુ લાઇફ! સંબંધો મારાથી જન્મે છે કે હું સંબંધોથી? ભેખડો પર અફળાતાં મોજાંઓની જેમ બહારનો પ્રકાશ બારીમાંથી સંજનાના ચહેરા પર પછડાટો ખાતો હતો. મનની ઊંડી કુહરોમાં ગોટાતી ગૂંગળામણ ફંફોસતી સંજના અંધકારના ગજબનાક રૅમ્પ પર અસ્મિતાના પ્રણવ ઝબકારને કૅટવૉક કરતો જ્યારે જોઈ રહી હતી, ત્યારે એનો ચહેરો…