ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ગુલાબદાસ બ્રોકર/ગુલામદીન ગાડીવાળો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ગુલામદીન ગાડીવાળો

ગુલાબદાસ બ્રોકર




ગુલામદીન ગાડીવાળો • ગુલાબદાસ બ્રોકર • ઑડિયો પઠન: પલક જાની


ભરાવદાર, તંદુરસ્ત, ખૂબસૂરત છતાં જરા કરડો દેખાતો ચહેરો; વળ દીધેલી, વાંકી આછી મૂછ; માથે વીંટાળેલી નાની એવી પાઘડી, ખમીસ ઉપર બંડી; પગમાં પાયજામો અને હાથમાં ચાબુક; ટટ્ટાર ગરદન અને મર્દાનગીભર્યો અવાજ. ગાડીવાળાઓની સામાન્યતામાં સહેજે અસામાન્ય લાગે એવું વિલક્ષણ વ્યક્તિત્વ આ ગાડીવાળામાં હતું તેમ તો તેની ગાડીમાં બેસતાંવેંત લાગ્યું.

એનો પુરાવો પણ તરત મળ્યો.

‘ગાડીવાળા, તે હિંદુ કે મુસલમાન?’ મેં ગાડી જરા ચાલી ત્યાં જ પૂછ્યું.

‘આપ શું ધારો છો?’ હસીને તેણે સામે પૂછ્યું.

‘હું તે શું ધારું?’ અહીં રાવલપિંડીમાં ઝાઝા તો મુસલમાન હશે, નહિ?’ મેં કહ્યું.

‘એવું કંઈ નથી. અહીંયાં તે બે જ જાત વસે છે. એક ગરીબ, બીજી શ્રીમંત. કોઈ હિંદુ નથી, કોઈ મુસ્લિમ નથી.’

‘પણ તું કઈ જાતનો?’

‘હું? હું ગરીબની જાતનો,’ તે હસ્યો. હાથમાં પકડેલી ચાબુક તેણે જોરથી ઘોડાની માંસલ પીઠ પર ફટકારી અને ઘોડાએ ગતિમાં વેગ મૂક્યો.

કાઠિયાવાડના કોઈ મોટા શહેર જેવું લાગતું રાવલપિંડી શહેર અમારી નજર નીચેથી ઘોડાની ઝડપે પસાર થવા માંડ્યું.

થોડી વાર પછી મેં પૂછ્યુંઃ

‘તારું નામ શું?’

‘મારું નામ ગુલામદીન.’ તેણે હસીને કહ્યું. ‘કેમ આ નવો તરીકો છે ને જાત જાણી લેવાનો?’

હુંયે હસ્યો. અમારી વાતચીત ફરી શરૂ થઈઃ

‘અહીં હુલ્લડ કેવાંક થાય?’

‘’થાય કોઈ વાર.’

‘તું તેમાં ભાગ લે કે નહિ?’

‘મારે શું તે હું એમાં પડું?’

થોડીએક પળ પછી તેણે પૂછ્યુંઃ

‘કાશ્મીર જાઓ છો, શેઠ?’

‘હા, તું ગયો છે ત્યાં?’ મેં પૂછ્યું.

‘હા જી. એક વાર.’

અમે બધાં તેની સામે જોઈ રહ્યાં. આતુરતાથી મેં પૂછ્યુંઃ ‘કેવુંક છે એ? બહુ જ સુંદર છે?’

‘દિલચશ્પ. એના જેવી દિલચશ્પ જગ્યા જહાંમાં ક્યાંયે નહિ હોય.’

બેએક મિનિટ સુધી તેણે કાશ્મીર વિશે અમને વાત કરી. અમારાં કલ્પનાચક્ષુ ત્યાંનાં બાગબગીચા, નદીનિર્ઝરો, પર્વતો અને હિમમાળાને અમુક પળો સુધી નિહાળી રહ્યાં. તે તો બોલતો જતો હતોઃ

‘ને ત્યાંની ઓરત! બહિસ્તની પરી જેટલી ખૂબસૂરત! ફક્ત ગરીબાઈ એટલી કે…’

તેનું વાક્ય વચ્ચેથી જ ભાંગી ગયું. અમારી ગાડી જતી હતી એ જ રસ્તા ઉપર થોડે દૂર સુધી તેની નજર લંબાઈ અને પછી ત્યાં જ સ્થિર થઈ ગઈ. મારી દૃષ્ટિ પણ સહેજે ત્યાં જ દોડી ગઈ.

અને ત્યાં જ ચોંટી ગઈ.

એક સ્ત્રી ચાલી જતી હતી. તેની માત્ર પીઠ જ દેખાતી હતી. પણ તેની ગતિમાં એટલું લાવણ્ય હતું કે નજર ત્યાંથી હઠે નહીં. પગમાં પહેરેલી રેશમી ઇજાર, પીઠને ઢાંકતું સફેદ દૂધ જેવું બદિયાન અને ખભા પર બંને બાજુ લટકી રહેલા ઓઢણીના બે છેડા તેની ગતિના ગૌરવથી સંયુક્ત બની ડામરના એ સીધા, લીસા, લાવણ્યહીન રસ્તાને કંઈક અદ્ભુત લાવણ્ય અર્પી રહ્યા હતા. એક પળમાં તો અમારી ગાડી તેની આગળ આવી પહોંચી. એક હાથ લગામમાંથી છૂટો કરી, નીચો નમી, મુખ પર અત્યંત રમ્ય ભાવ લાવી ગુલામદીન ભાવમય અવાજે બોલ્યોઃ

‘સલામાલેકુમ’

‘આલેકુમ સલામ,’ પેલી રણકી. ત્યાં તો અમારી ગાડી તેની આગળ નીકળી ગઈ.

ફરી પાછો રસ્તો સીધો, સપાટ, લીસો, રંગ કે રેખાવિહોણો અમારી સામે પથરાઈ રહ્યો.

એ સ્ત્રીને મેં જોઈ તો માત્ર એક ક્ષણ જ, છતાં તેના ભર્યા-ભર્યા – જાણે ત્યાં ગુલાબ ન ઊગ્યાં હોય તેવા – ગાલ ભરાવદાર, સીધો ઊંચો દેહ, પ્રવાળ જેવો લાલ ઓષ્ઠસંપુટ, પહોળાં સુલોલ નેત્રો, આખા દેખાવમાં તરી આવતી ખુમારી, બધું જ એ એક ક્ષણમાં હૃદય ઉપર ચિરંજીવ આકૃતિ મૂકતું ગયું.

‘આ ગાડીવાળો પણ શોખીન લાગે છે.’ મને થયું. એ તો ગાડી આગળ ચાલી તોપણ પળમાં મારી સામે અને પળમાં પાછળ જોતો હતો. જાણે કંઈક વિચાર કરી કશુંક નક્કી કરવા પ્રયત્ન ન કરતો હોય! અંતે તે સ્ત્રીથી થોડે જ દૂર ગયાં હઈશું ત્યાં તેણે ગાડી અટકાવી. પોતે તેમાંથી ઊતરી પડ્યો અને પેલી સ્ત્રી પાસે દોડ્યો ગયો.

‘આને ને એને કંઈક લાગે છે.’ કુતૂહલભરી દૃષ્ટિ એની તરફ નાખતા મારી પત્ની બોલી.

‘બાઈ સુંદર છે.’ મેં કહ્યું.

‘ભાઈ, આ શા માટે ત્યાં ગયો?’ ગાડીમાંથી કોઈ બાળક મને પૂછી રહ્યું.

પછી તો કશુંક બોલ્યા વિના અમે બધાં એ બંનેને અમારી તરફ આવતાં જોઈ રહ્યાં.

સ્ત્રીના ચહેરા ઉપર સ્મિત રમતું હતું. પુરુષનો ચહેરો, દેખાવ, હાવભાવ કશીક વિનંતી કરી રહ્યો હોય એવો બની ગયો હતો. ગાડીથી સાત-આઠ પગલાં એ લોકો દૂર રહ્યાં ત્યાં એ દોડ્યો અને ગાડીમાં ચડી ગયો. લગામ હાથમાં લઈ ઘોડાના કાન આગળ ચાબુક વીંઝતો તે જરા પાછળ ફર્યો અને પેલીને કહ્યુંઃ

‘કાલે સાંજે આ વખતે અહીં જ મળીશ હોં. તું જરૂર આવજે.’

પેલી જરા હસી. તે હાસ્યના સૌંદર્યને હૃદયમાં પૂરી, તેણે પણ ઘોડાની દિશામાં મુખ ફેરવ્યું અને ગાડી આગળ ચાલી.

દોડ્યો જતો ઘોડો ડામરના રસ્તા પર ટપટપ, ટપટપ પગલાંનો તાલબદ્ધ અવાજ પાડી રહ્યો. ગાડીવાળાની બાજુમાં બેઠેલો હું અને મારો પુત્ર તથા પાછળ બેઠેલ મારી પત્ની અને બીજાં બાળકો કુતૂહલપૂર્ણ દૃષ્ટિથી તેના મુખને જોઈ રહ્યાં.

ગુલામદીનનો સહેજ કરડો લાગતો ચહેરો આ મુલાકાત પછી જરા કોમળ લાગતો હતો. તેના ઓષ્ઠ હસું હસું થઈ રહ્યા હતા. તે સીધું જોઈ ગાડી ચલાવ્યે જતો હતો.

અમુક ક્ષણો સુધી અમારામાંથી કોઈ કશું ન બોલ્યું. અમારી દૃષ્ટિ તેના ચહેરાને જકડી રહી. એની ચોટ એને લાગી હસે કે કેમ તે તો ખબર નથી પણ થોડી વાર પછી મારી તરફ જરા હસીને તેણે કહ્યુંઃ

‘શેઠજી, પેલી ઓરતને આપે જોઈ?’

‘હા જરૂર, કેમ?’ મારા અવાજમાં કૌતુક પુરાયું.

‘એક વખત એ મારી બીબી હતી.’ તેણે ઘોડાને જોરથી ચાબુક ફટકારી.

‘એક વખત એટલે? હવે નથી?’ મેં પૂછ્યું. મેં પાછળ ફરી મારી પત્ની સામે જોયું. તે લોકો પણ આ વાત રસથી સાંભળવા કાન માંડી રહ્યાં હતાં તે હું જોઈ શક્યો.

‘નહિ, મેં એને તલ્લાક આપી દીધા છે.’

‘શા માટે?’

‘એ તો લાંબી વાત છે, હજૂર. અમારા ગરીબ આદમીઓની વાતમાં તમને લિજ્જત નહિ આવે.’

‘ગરીબની વાત? એ તો ઇન્સાનની વાત છે. અને અમે ઇન્સાન નથી?’ મને પણ એવું કહેવાનું સૂઝી આવ્યું અને તે ખુશ થયો.

‘જરૂર, શેઠજી, આપણે બધા ઇન્સાન જ છીએ ને? પણ લાંબી વાત છે હોં! કંટાળતા નહિ.’

‘આપણે કલાક બે કલાક શહેરમાં ફરવાનું જ છે ને? બીજું કયું કામ છે? કંટાળો શેનો, મજા આવશે. તું જરૂર વાત કર.’

‘આ ટાંગો ને આ ઘોડો કેમ લાગે છે, હજૂર?’ વાત કરવાને બદલે ગુલામદીને એક પ્રશ્ન પૂછ્યો.

‘અફલાતૂન, પણ એને ને તારી વાતને શો સંબંધ?’ મેં કહ્યું.

‘એ જ તો કહું છું ને! નાનપણથી જ મને આવી સરસ ઘોડાગાડીનો શોખ છે. ગાડી જૂની થાય કે ઘોડો ઘરડો થાય એટલે હું બદલાવી નાખું. સરસ ગાડી, સરસ ઘોડો, હાથમાં લાંબી સરસ ચાબુક, એ મારે જોઈએ જ. મારો બાપ પણ એવો જ શોખીન હતો. એના હાથમાં જ હું ગાડીવાળા તરીકે તૈયાર થઈ ગયો.’

એના બાપદાદાનો ઇતિહાસ અમારે સાંભળવો નહોતો. અમારો રસ તો પેલા સ્ત્રી સાથેના તેના ઇતિહાસમાં હતો. પણ તેને પોતાની રીતે જ વાત કહેવા દેવી જોઈએ એમ સમજી હું ચૂપ રહ્યો. મારી પત્ની સામે મેં જોયું તો તે પણ વાત આવી અણધારી દિશામાં પ્રગતિ કરી રહી હતી તેના ભાને પેલાની મૂર્ખાઈ ઉપર હસતી હોય એવા ભાવ સાથે મારી સામે સ્મિત કરી રહી.

‘મારા બાપને એમ કે હું કંઈક ભણું તો સારું. પણ એ મને ન ગમ્યું. સોળ વર્ષની ઉંમરે તો હું પાકો ગાડીવાળો થઈ ગયો. મારા બાપે મને એક ગાડી અને ઘોડો અપાવી દીધાં.

‘આખા પિંડી શહેરમાં સૌથી નાનો ગાડીવાળો હું, સૌથી સરસ ગાડી અને ઘોડો મારાં. ત્યારે તો મારો પોશાક પણ છેલબટાઉ જેવો હતો.’ તે જરા હસ્યો.

‘તારો પોશાક તો ખરેખર સરસ છે.’ મેં કહ્યું.

‘આ?’ તેણે જરાતરા તિરસ્કારથી પોતાનાં કપડાં સામે જોયું. ‘આ તો કંઈ જ નથી. પહેલાં તો હું સરસ કપડાં પહેરતો. અમે બાપ-દીકરો બંને કમાતા અને મારા બાપને મારા ઉપર ખૂબ પ્યાર હતો.’

‘આ ઓરત જોઈને આપે? એનું નામ છે આયેશા. તેનો બાપ પૈસેટકે સુખી હતો. અમારે કશું ઓળખાણ ન હતું. પણ આ છોકરીને એનો બાપ નિશાળે ભણવા મોકલતો. હું સત્તર વરસનો હતો ત્યારે તેને હંમેશાં નિશાળે લઈ જવા અને ત્યાંથી લઈ આવવા માટે એ લોકોએ મારી ગાડી બાંધી.

‘ત્યારે આયેશાની ઉંમર માંડ અગિયાર-બાર વરસની હશે.

‘શરૂશરૂમાં તો આયેશાની સાથે હંમેશાં કોઈ ને કોઈ નોકર બાઈ આવતી પણ જેમ વખત જવા લાગ્યો તેમ હું પણ તે લોકોના ઘરમાં વધારે જાણીતો થવા લાગ્યો અને એ લોકોનો મારા ઉપર ઇતબાર વધવા લાગ્યો. એકાદ વર્ષમાં તો હું પણ એ ઘરમાં ઘરના જ નોકર જેવો કે એથી પણ વિશેષ ગણાવા લાગ્યો. પછી આયેશાને એ લોકો હંમેશાં કોઈના પણ સંગાથ વિના મારી ગાડીમાં નિશાળે મોકલવા લાગ્યાં. તેને ત્યાંથી લઈ આવતો પણ હું એકલો.

‘એમ ને એમ બીજાં બે વર્ષ નીકળી ગયાં. તે શું ભણતી હશે તે તો કોણ જાણે. પણ ચૌદ-પંદર વર્ષની થઈ તોપણ તે હંમેશાં નિશાળે જતી. અમે બંને આખે રસ્તે ખૂબ ખૂબ વાતો કરતાં.’

‘શેની વાતો કરતાં?’ મેં પૂછ્યું.

‘સાદીસીધી વાતો.’ તે હસ્યો. ‘પહેલાં પહેલાં તો એમ જ ચાલતું. પણ ધીમે ધીમે તે મોટી થતી ગઈ તેમ અમારી વાતોનું રૂપ બદલાવા લાગ્યું. મારું મન ધીમે ધીમે ઇશ્ક તરફ ઢળવા લાગ્યું. અને એનું પણ.’ પળેકમાં તેણે ઉમેર્યું.

પછી જરા ખૂંખારો ખાઈ તેણે આજુબાજુ જોયું. વૃક્ષોની ઘટા એક બાજુ વિસ્તરેલી દેખાઈ. એ જગ્યા હજી અમારી ગાડીથી દૂર હતી પણ દેખાતી હતી સ્પષ્ટ.

‘જુઓ, શેઠજી, પેલો કંપની બાગ. આપણે હમણાં ત્યાં પહોંચી જઈશું.’

‘પછી શું થયું?’ મેં આયેશાની વાત સંબંધી જ પૂછ્યું.

‘પછી? પછી શું થાય?’ અમે બંને એકબીજાનાં આશક-માશૂક થઈ ગયાં.’

જરા મૂંગા રહી તેણે કહ્યુંઃ

‘ખબર છે હજૂર, એ ત્યારે કેવી લાગતી એ? બહિસ્તની પરી પણ તેની પાસે હિસાબમાં નહિ, જાણે અનારની કલી જોઈ લો.’

પળ બે પળ તે મૂંગો બની વર્ષો પહેલાંનું તેનું સૌંદર્ય જોતો હોય તેમ શાંત બેઠો રહ્યો. ગાડી તો ચાલતી જ હતી. મેં કહ્યુંઃ ‘સુંદર તો એ હજી પણ છે, ખૂબ જ.’

‘છે જ. પણ ત્યારે તો એ કંઈની કંઈ હતી. આખું ગામ તેની પાછળ ગાંડું બનતું. ને હું પણ.’ તે જરા શરમાયો, પણ બોલ્યો તો ખરોઃ ‘કંઈક ઠીક લાગતો હતો.’

‘અમે બંને એકબીજાં વિશે ગાંડાં બની ગયાં.’

‘તેનાં ઘરનાંને કંઈ ખબર ન પડી?’ મેં પૂછ્યું.

‘પડી જ ને! પછી તે પંદરેક વર્ષની થઈ ત્યારથી તેને ઓચિંતી નિશાળે જતી બંધ કરી દીધી. પણ મને મળતી એ લોકો એને બંધ ન કરી શક્યાં.

‘મારી ને એની શાદી તો એ લોકો કરી આપવા કબૂલ થાય તેમ હતું જ નહિ. મેં એવી કંઈ વાત તેના બાપને કાને નાખવા કોશિશ કરી તો મને સખત અપમાન જ મળ્યું.

‘આ લોકો અમારી શાદી કરી આપે એમ નહોતાં, અમારાથી એકબીજા સિવાય રહી શકાય તેમ નહોતું. અંતે એક દિવસ અમે બંને ઘરમાંથી થોડુંઘણું જે હાથ આવ્યું તે રોકડ અને થોડો દાગીનો લઈ પિંડી છોડી નાસી ગયાં.’

વાતોમાં રસ એકદમ ઓચિંતો જ વધી પડ્યો. મારો નાનો છોકરો પણ ટગર ટગર એકીનજરે ગુલામદીન સામે જોઈ રહ્યો. પત્નીએ પણ મારી સામે જોઈ હસી લીધું. મેં પૂછ્યુંઃ

‘ક્યાં ગયાં તમે લોકો?’

‘બસ, અહીંથી લીઆલપુર ચાલ્યાં ગયાં. ત્યાં ખૂબ મોજ કરી. જે સાથે લીધું હતું એ અમને વરસેક દિવસ પૂરું થાય એમ હતું. ત્યાં કોઈ નોકરીની તલાશમાં તો હું હતો જ, પણ ક્યાંય નોકરી મળતી નહોતી. એમ ને એમ ચાર-છ મહિના નીકળી ગયા ત્યાં મને ખબર મળી કે મારી આયેશાના બાપના માણસોને અમારો પત્તો લાગ્યો છે અને એ લોકો કંઈ પગલાં લેવાની પેરવી કરે છે. તેથી ઓચિંતાં જ ત્યાંથી નાસી અમે સહારનપુર પહોંચ્યાં.

‘એ દિવસો અમારા સુખના હતા. અમનચમનના હતા. અમે બંને એકબીજાના પ્યારમાં મસ્ત હતાં. નાજુક ગુલાબકળી જેવી લાગતી આયેશા ધીમે ધીમે પૂરા ખીલેલાં ગુલેગુલાબ જેવી બનતી જતી હતી. એ મને એટલું ચાહતી! અને હું? હું તો એના ઉપર દુનિયા ફિદા કરવાને તૈયાર હતો.’

ગુલામદીને મારી સામે જોયું. તેની આંખોમાંયે ખરેખર દુનિયા ફિદા કરવાનો ભાવ તરી આવતો હતો. પણ તરત જ હસીને બોલ્યોઃ

‘દુનિયા ફીદા કરવાને બદલે ખીસામાં ફિદા કરવા માટે જે થોડાઘણા પૈસા રહ્યા હતા તે પણ ખૂટવા આવ્યા હતા. નોકરી નહોતી. અહીં પણ પેલા માણસોને ખબર પડી જાય તો શું કરવું તે ચિંતા હતી. એ બધું ઓછું હોય તેમ એક ચિંતા વધી પડી. આયેશા… આયેશાને…’ તે જરા થોથવાયો.

‘આયેશા માતા બનવાની હતી તેમ લાગ્યું, એમ ને?’ મેં એને મૂંઝવણમાંથી ઉગારી લેવા કહ્યું.

‘હા જી, હવે શું કરવું? ઘણા-ઘણા વિચારોને અંતે એક પગલું લેવાનું અમે નક્કી કર્યું. આયેશાને ત્યાં જ મૂકી હું પિંડી તરફ ઊપડી ગયો.’

‘એને મૂકી તું નાસી ગયો?’ મારી પત્નીથી પુછાઈ જવાયું.

‘ના, ના, ભાઈસાહેબ, આ ગુલામદીન મરવું કબૂલ કરે પણ એવું ન કરે. હું પિંડી ગયો. રાતના બારેક વાગ્યે ઘેર જઈ મેં મારા બાપને બધી વાત કરી. મને થોડીઘણી મદદ આપવા તેણે વચન આપ્યું પણ તેથી શું વળે? હું રાતે જ આયેશાના બાપ પાસે પહોંચ્યો.

‘મને જોતાં જ તે તો ગર્જી ઊઠ્યોઃ

‘સુવ્વર, નિમકહરામ, બદમાશ, મારી દીકરીને ક્યાં નાખી આવ્યો?’

‘બીજું તો ઘણું ઘણું તેણે મને કહ્યું.

‘મેં તેને શાંત રહેવા માંડ માંડ સમજાવ્યો. અમારી આખી વાત કરી. અમે શાદી કરી હતી, બચ્ચું પણ આવવાની તૈયારી હતી. હવે અમારી સાથે વેર રાખવાથી કશું વળે તેમ નહોતું. એવું એવું તો ઘણું કહ્યું. અંતે હવે પિંડી ચાલ્યાં આવીએ તો એ કશો વાંધો નહિ લે તેવું વચન તેની પાસેથી લીધું. તેણે આયેશાના ખાવિંદ તરીકે મને કબૂલ રાખવા છેવટે રહી રહીને વચન આપ્યું. અમારી સાથે વ્યવહાર રાખવા તે કોઈ રીતે કબૂલ ન થયો. આખી રાત એમાં જ ગઈ.

‘સવારે છ વાગ્યાની ટ્રેનમાં હું પાછો સહારનપુર જવા ઊપડી ગયો.

‘ત્રીજે દિવસે અમે બંને ફરી પાછાં પ્યારા પિંડીમાં દાખલ થઈ ગયાં.

‘ફરી પાછાં મારા હાથમાં મારાં ગાડી-ઘોડો આવી પડ્યાં.’

પેલાં વૃક્ષોનાં વૃંદ, જે દૂર દૂરથી અત્યાર સુધી દેખાતાં હતાં, બરોબર તેની વચ્ચે અમે આવી પહોંચ્યાં અને ગુલામદીને લગામ ખેંચી.

‘લો, હજૂર, આ કંપની બાગ, આપ આરામ કરો.’

‘બસ, આ બાગ?’ આજુબાજુ નજર કરી મેં કહ્યું, ‘આમાં તો કંઈ નથી.’

‘હજૂરને કોઈએ ખોટી ખબર આપી છે. આ બાગ સારો નથી. સારો બાગ તો પેલે છેડે છે.’

‘ચાલો ત્યાં જઈએ.’ મેં કહ્યું.

લગામ ફરી ખેંચાતાં ઘોડાના કાન ઊંચા થયા અને ગાડી આગળ ચાલી.

‘ગુલામદીન, તુંયે જબરો છે હોં! આટઆટલું સહન કર્યું એને માટે ને છેવટે એને જ તલ્લાક દીધા?’ એને જૂની વાત ઉપર લાવવા કહ્યું.

‘એ જ તો કમનસીબી છે ને, હજૂર? જિંદગી જ એવી છે… પણ હું આપને બાકીની વાત કરું.

‘અહીં આવ્યા પછી ચાર મહિના તો સુખચેનમાં નીકળી ગયા. શરૂશરૂમાં દોસ્તબિરાદરો જાતજાતની ઠઠ્ઠામશ્કરી કરતા હતા પણ પછી તો તેયે શાંત થઈ ગયા. એટલા વખતમાં તો હું એક બચ્ચાનો બાપ થઈ ગયો.’

‘સરસ હશે બાળક, નહિ?’ મેં ઉત્સાહથી પૂછ્યું.

‘શેઠજી, આપ તો સવારમાં ચાલી જવાના છો, નહિતર એ છોકરો આપને બતાવત. એટલો ખૂબસૂરત છે!’ તેનો ચહેરો એ બાળક પ્રત્યેની લાગણીના ભાવથી પળ બે પળ ભરાઈ ગયો.

‘પણ તો પછી આ તલ્લાકની વાત કેમ બની ગઈ?’

‘એ કહું. બચ્ચું આવ્યું પછી પણ વરસ નીકળી ગયું. અમારા દિવસો મોજમાં પસાર થતા હતા. દિવસ આખો મારા ઘોડાની મહોબ્બત માણતો, નવરો પડતાં આયેશા અને બચ્ચાની. આયેશા તો ત્યારે તસવીરમાંની કોઈ નાજનીન જેટલી સરસ લાગતી.’

‘પણ એક દિવસ કંઈક બન્યું અને મારી મોજમાં ડંખ ઉમેરાયો.’ ગુલામદીનનો સાદ હવે જરા વ્યથિત બન્યો.

મારી પત્નીએ મને કહ્યુંઃ

‘બિચારો વાત તો બધી સાચી કરતો લાગે છે. પેલી માટે લાગણી પણ ખૂબ લાગે છે.’

‘એ તો એણે પેલીને રસ્તા ઉપર જોઈ ત્યારે જ દેખાઈ આવ્યું હતું.’ મેં પત્નીને કહ્યું. પછી ગુલામદીન તરફ ફરી પૂછ્યુંઃ

‘પછી શું થયું, ગુલામદીન?’

‘એક રાતે ગાડી તબેલામાં મૂકી હું કોઈ ગીતની લીટીઓ લલકારતો લલકારતો ઘર તરફ ચાલ્યો જતો હતો ત્યાં મારો એક દોસ્ત મને મળ્યો. ખૂબ લહેરમાં હતો.

‘કેમ દોસ્ત, કેમ છે?’ મેં એની પીઠ થાબડીને પૂછ્યું.

‘બરોબર છે, ગુલામદીન, તું તો કંઈ ઓર મજામાં લાગે છે.’ તેણે કહ્યું.

‘શા માટે મોજમાં ન હોઉં?’

‘પણ મોજમાં શા માટે છે?’ પેલાએ ફરી પૂછ્યું. જાણે મારી મોજ એને ખૂંચતી ન હોય!

‘મોજ? સારી ખલક મોજમાં છે. કેટલી ખૂબસૂરત જિંદગી છે?’ હું ઘર તરફ ઉતાવળથી ચાલતાં બોલ્યો.

‘એટલી બધી ખૂબસૂરત ખલક લાગે છે, ગુલામદીન?’ પેલાએ પૂછ્યું ત્યારે એના અવાજમાં રહેલી દિલગીરી ચોખ્ખી પરખાઈ આવી.

‘પણ છે શું?’ મને લાગ્યું કે એ કંઈક કહેવા માગે છે પણ કહેતાં અચકાય છે.

‘તારી મોજ મારે ભાંગી નથી નાખવી.’ પેલો એટલું જ બોલ્યો. હવે મારી આતુરતા એકદમ વધી પડી.

‘છે શું દોસ્ત? ન કહે તો તને ખુદાના કસમ.’ મેં તેનો હાથ મજબૂત રીતે પકડી કહ્યું.

‘કહું ન કહું – ના વિચારો તેના મગજમાંથી અનેક વાર પસાર થઈ ગયા એ તો થોડી વારમાં મેં જોઈ લીધું. મેં ફરી એને વાત કરવા વિનંતી કરી.’

‘તને દુઃખ થશે યાર.’ તેણે કહ્યું.

ગમે એટલું દુઃખ થાય પણ મારે વાત સાંભળવી જ હતી. મેં એને હજીયે વધારે આગ્રહ કર્યો ત્યારે એણે ભારે અવાજે કહ્યું – ‘તું મારો દોસ્ત છે એટલે કહ્યા વિના પણ છૂટકો નથી ને કહેવું ગમતું નથી.’

ફરી પાછો તે મૂંગો થઈ ગયો.

મેં તેને ઢંઢોળી ઢંઢોળીને કહ્યુંઃ

‘હવે જે હોય તે કહી નાખ ને, યાર.’

‘આજે મેં તારી આયેશાને બીજા કોઈ મરદ સાથે વાત કરતાં જોઈ.’

‘ક્યાં? કઈ જગ્યાએ?’ હું દાબેલ ઓઠે એટલું માંડ બોલ્યો.

‘તારા ઘર પાછળની ગલીમાં. મને જોયો એટલે એ ચૂપ થઈ ત્યાંથી ચાલી ગઈ.’

‘હું કશું બોલ્યા વિના ત્યાંથી ઉતાવળે પગલે ઘર તરફ ચાલ્યો ગયો. તેણે મને પકડવાની કે મારી સાથે થઈ જવાની કોશિશ કરી પણ હું ઝડપબંધ ચાલી ગયો.

‘મારા દિલમાં ગુસ્સો, ઈર્ષ્યા, અપમાનનું ભાન એટલાં બધાં જાગી ઊઠ્યાં હતાં કે મારો દિમાગ મારા હાથમાં નહોતો.’

તેના અવાજમાં ક્રોધની ઝણઝણાટી સ્પષ્ટ પરખાઈ આવતી હતી. મને આશ્ચર્ય થયું. તેની પત્નીએ કોઈની સાથે વાત કરી એમાં આટલું બધું શું થઈ ગયું? તેને પોતે આટલી બધી ચાહતો હતો છતાંય? મેં તેને કહ્યું પણઃ

‘તે એમાં શું થયું, ગુલામદીન? કોઈની સાથે વાત પણ ન કરે?’

‘તમેયે શું કહો છો, જનાબ! એક પરદાનશીન ઓરત રસ્તા વચ્ચે પરાયા મર્દ સાથે વાત કરે? આબરૂ શી રહે પછી?’

‘પણ એણે પડદો જ ક્યાં રાખ્યો છે?’ મારી પત્નીએ હસી પડતાં કહ્યું.

‘હવે કોનો પડદો રાખે?’ ગુલામદીન કચવાટથી બોલ્યો.

‘હવે તો તને લહેર. નથી કોઈની ઓરત, નથી કોઈની લડકી.’, એકલી રહે છે, ને કંઈ કસબ આવડે છે તે ખાયપીએ ને મજા કરે છે.

‘પણ એ વાત કરે એમાં થઈ શું ગયું, ગુલામદીન? આ મારી બીબી તો ગમે તેની સાથે બોલે, હસે, હરેફરે તોપણ મને કંઈ ન થાય.’ મેં કહ્યું.

‘ખરેખર?’ એક પળ તો તે આશ્ચર્યમાં ડૂબી ગયો.

‘ખરેખર.’ મેં કહ્યું.

‘એ તમારી વાત જુદી, જનાબ. અમારું તો લોહી ગરમ થઈ જાય. આ પંજાબ છે, મુંબઈ નથી. આપણી બીબી કોઈ સાથે વાત કરે? એ પણ રસ્તા વચ્ચે? આ તો ઠીક છે કે હું હતો, બીજો હોય તો જાન લઈ જાય.’ ગુલામદીનનો ગુસ્સો વધતો જતો હતો. ઘોડાની પીઠ પર જોરથી ચાબુક મારી તેણે તે થોડોઘણો વ્યક્ત પણ કર્યો.

‘તે શું એટલા ખાતર તેં એને છોડી દીધી?’ મારા તેના પ્રત્યેના માનની માત્રા પણ થોડીઘણી ઘટી ગઈ હોય એવા અવાજે મેં પૂછ્યું.

‘ના રે ના, એમ કંઈ હું ગાંડો હતો? ગુસ્સાથી કંપતો હું ઘેર ગયો. સીધો મારા ઓરડામાં ગયો. આયેશાએ મને જોયો અને મારી સામે હસી. એટલું મીઠું, એટલું મોહક! પણ મેં તેની સામે પૂરું જોયું પણ નહિ. હું કંઈક બોલવા જતો હતો પણ તેણે નાકે હાથ મૂકી મને ચૂપ રહેવા કહ્યું. અમારા બચ્ચાને તે સુવાડતી હતી. મારા અવાજથી તે જાગી જાય તો?’

હું મહામહેનતે બોલતો અટક્યો. બાળકને જલદી સુવાડી દેવા આયેશાએ એકબે હાલરડાં ગાયાં. તેના અવાજની મીઠાશે મને અર્ધો ઠંડો કરી દીધો. છતાં મારો ગુસ્સો તો કાયમ જ હતો. માત્ર અવાજ ઉપર હું કાબૂ મેળવી શક્યો. બાબો ઊંઘી ગયો કે તરત મેં પૂછ્યુંઃ

‘આજે રસ્તા ઉપર કોની સાથે વાત કરતી હતી, આયેશા?’

તે જરા ચમકી હોય તેમ લાગ્યું પણ તેણે કહ્યુંઃ ‘કોઈનીય સાથે નહિ.’

‘મને અઝીઝે કહ્યું ને? જૂઠું શા માટે બોલે છે?’ મારો અવાજ સહેજ મોટો થયો.

‘ઓહો! એ કે? એ તો સકીનાનું ઘર જડતું નહોતું તે હું કોઈને પૂછતી હતી.’ તેણે નિર્દોષ સાદે કહ્યું.

‘ગમે તેમ હોય, કોઈની સાથે રસ્તા વચ્ચે ખાનદાન ઓરતથી વાત ન કરાય.’ મેં હુકમ ફરમાવ્યો.

‘જી હજૂર,’ તે હસી. ‘આ તો સકીનાએ નવું ઘર લીધું છે એ જડતું નહોતું એટલે આટલી બેઅદબી કરવી પડી. માફ કરજો.’ તેણે કહ્યું અને તે હસી પડી.

‘હુંયે હસી પડ્યો. એની વાત સાચી હતી. અમે બંને પાછાં હંમેશની માફક એક થઈ ગયાં.

‘પછી પણ મહિનાઓ જવા લાગ્યા. એમાં બેત્રણ વાર જુદા જુદા માણસોએ મને કહ્યું કે ક્યાંક ને ક્યાંક આયેશાને કોઈક મર્દ સાથે વાત કરતાં તે લોકોએ જોઈ છે. હું આયેશાને એ વિશે કહેતો, ખિજાતો, પણ એ વાત હસીને ઉડાવી દેતી અને કંઈ ને કંઈ બહાનાં કાઢી છટકી જતી. મને મનમાં તો થતું કે આ વાત સાચી છે, પણ નજરે જોયા સિવાય કશું ન કરવું એવું મેં નક્કી કર્યું હતું એટલે વિશેષ ઝઘડો હું કરતો નહિ. માત્ર તેના ઉપર તકેદારી વધારે રાખતો.’

‘એક દિવસ મને પુરાવો મળી ગયો; મારું માથું દુખતું હતું, તાવ આવે એમ લાગતું હતું. આયેશા સકીનાને ઘેર જવાની વાત કરતી હતી તે ઉપરથી લાગતું હતું. કે આજે જરા ચોકસાઈ વધારે રાખવી. તેથી સાંજ પડ્યે જ ગાડી છોડી તબેકામાં મૂકી હું ઘર તરફ ચાલ્યો. સકીનાના ઘરવાળી ગલી રસ્તામાં જ હતી. દૂરથી મેં આયેશાને એ ગલીમાં દાખલ થતી જોઈ. હું બાજુમાં લપાઈ ગયો. સામેથી એક આદમી આવતો હતો. તે આયેશા પાસે ગયો અને ત્રણચાર મિનિટ ઊભો રહ્યો. બંનેએ વાત કરી અને આયેશા સકીનાના ઘરમાં ચાલી ગઈ.

‘મારાં રોમેરોમ ઊભાં થઈ ગયાં. પેલા માણસને બોચી ઝાલી પછાડી જાન લઈ લેવાનું મને મન થયું, પણ બીજી જ પળે વિચાર આવ્યો, મારી ઓરતના વાંકે એને શા માટે મારવો? પેલીને મેં હજાર વાર ના પાડી હતી છતાં એ મારું કહ્યું નહોતી કરતી તો એને શા માટે મારવો? એ કરતાં તો કમજાતને જ પૂરી કરી નાખવી નહિ?’

‘પણ માત્ર એ સિવાય બીજી કંઈ વાત તારી આગળ આવી હતી, ગુલામદીન?’ મેં વચમાં પૂછ્યું.

‘ના જી. બીજું કશું થયું હોય એમ હું માનતો પણ નથી. શી વાતો કરી હશે એ મને ખબર નથી પણ એથી વધુ તો કશું જ નહિ.’

‘તો પછી એટલા માટે જ, તું આટલી ના પાડે અને એ તને આટલું બધું ચાહે, તારે ખાતર ઘરબાર, સગાંવહાલાં બધું છોડી દિયે, છતાં એવું કેમ કરતી એ?’

‘ઓરતની જાત જ એવી છે, જનાબ.’ ગુલામદીન બોલતાં તો બોલી ગયો, પછી જરા પાછળ ફરી મારી પત્નીને ઉદ્દેશીને કહ્યુંઃ ‘માફ કરજો બીબીસા’બ, પણ સાચી વાત તો એ છે શેઠજી કે પોતાના પગની પાની સિવાય બીજું કશું ઓરત દેખી શકતી નથી.’ તેણે મને કહ્યુંઃ ‘જો વધારે અક્કલ હોત તો તો એ ઓરત જ શેની થાત?’

મેં એની વાતમાં સાદ ન પુરાવ્યો એટલે તે જરા ખસિયાણો પડી જઈ ચૂપ રહ્યો. હું પણ જરા વાર ચૂપ બેસી રહ્યો. મારી બાજુમાં બેઠેલો મારો પુત્ર બોલ્યોઃ

‘પછી શું થયું, ભાઈ?’

‘એને પૂછ.’ મેં કહ્યું.

‘હા જી, મને થયું કે એ કમજાતને મારી જ નાખવી. ગુસ્સામાં ઘેર પહોંચી હું એના આવવાની રાહ જોઈ બેઠો રહ્યો. કલાક બે કલાક પછી એ ઘેર આવી એટલા વખતમાં મેં લાખ લાખ વિચારો કરી લીધા. એને મારી નાખવાથી પણ શો ફાયદો?’ મરદ થઈ ઓરતને મારવામાં કઈ મર્દાઈ હતી? એના કરતાં તો એને છૂટી ન કરી દેવી? એ વિચાર મારા મનમાં એ આવી તે પહેલાં તો નક્કી થઈ ગયો હતો.

‘અંતે એ આવી. મારા ઓરડામાં એ આવી કે મેં પૂછ્યુંઃ

‘ક્યોં બીબીસા’બ, આજે કોની સાથે વાતો કરતાં હતાં?’

‘હું? કોઈની સાથે નહિ.’ તે હસીને બોલી.

‘જુઠ્ઠી, કમજાત! મેં મારી નજરે જોઈ છતાં જૂઠું બોલે છે?’ મેં તેની ગરદન પકડી, મહામહેનતે હઠાવેલો ગુસ્સો ફરી પાછો મારા રોમેરોમમાં વ્યાપી ગયો.

તેની આંખ ફરી ગઈ. ટટ્ટાર થઈ બોલીઃ

‘છોડી દે મને. હા. બોલી હતી. કોઈ માણસ સાથે પાંચ મિનિટ વાત પણ ના થાય?’

મેં એને ધક્કો મારી દૂર ફેંકી. ‘વારે-વારે ના પાડું છું છતાં એની સાથે બોલે છે?’

‘હા, તે મારો જૂનો ઓળખીતો છે.’ તે એટલું જ બોલી.

‘અમારી તકરાર લાંબી ચાલી. એમાંથી પણ એટલું તો હું જોઈ શક્યો કે વાત વાતચીતથી આગળ વધી નહોતી પણ હું મારા કરેલા નિશ્ચયને વળગી રહ્યો. મેં એને તલ્લાક આપી દીધા.

‘તેને દુઃખ તો થયું જ હશે?’ મેં પૂછ્યું.

‘દુઃખ તો થાય જ ને? તેની મારા ઉપર મહોબ્બત ઓછી નહોતી. શાંત પડતાં તે રોઈ, પગે પડી, માફી માગી. પણ હું એકનો બે ન થયો.’

‘પણ એવું તે થાય, ગુલામદીન?’ મારા અવાજમાં ઠપકો હતો.

‘જનાબ, તમને એ સાચું નહિ લાગે, પણ ઓરત તો પગની જૂતી જેવી છે. એક વાર સિવાઈને આવી અને પગમાં બરોબર બેસી ગઈ તો ઠીક, નહિતર હજાર વાર એને સમારો તોયે તે બંધબેસતી થવાની જ નહિ. એને તો પગમાંથી ઉલાળીને ફેંકી દો તો જ ફાવો. નહિતર હરહંમેશ તમને ક્યાં ને ક્યાં એ નડવાની.’

‘તને સાચું કહું, ગુલામદીન?’

‘કહો ને,’ મારી સામે તે જોઈ રહ્યો.

‘તું વાતો મોટી મોટી કરે છે પણ ત્યાં તો તેને જોતાં જ તું સામે દોડી ગયો અને કેટલો લળીલળીને – ઝૂકીઝૂકીને તું એની સાથે વાત કરતો હતો? ને એ તો કંઈક મહેરબાની કરતી હોય એમ તારી સાથે વર્તતી હતી.’ મેં કહ્યું.

ગુલામદીને એક લુચ્ચું સ્મિત કર્યું. તેનો ચહેરો હતો એથીય જરા વધારે કરડો બન્યો. બોલ્યોઃ

‘એ તો હજૂર, હવે સિર્ફ ઓરત રહી, હું મર્દ. હવે એ કંઈ મારી બીબી નથી. ને આવી ખૂબસૂરત નાજનીન પાસે કોઈ પણ મર્દ લળી પડે, ઝૂકી પડે તેમાં તમને નવું શું લાગ્યું?’

‘ત્યારે તું હવે એને ઘરમાં નહિ લેવાનો?’ ગાડી અમારા ઉતારા પાસે આવી પહોંચી હતી. તેમાંથી ઊતરતાં ઊતરતાં મેં પૂછ્યું.

‘પેલી જુત્તીની વાત મેં ન કરી, હજૂર?’ તેણે કંઈક સરસ કહી નાખ્યું હોય તેવી તેની મુખમુદ્રા બની રહી.

‘કેટલાં વર્ષ થયાં એને છોડી દીધે?’ મેં પૈસા કાઢતાં પૂછ્યું.

‘દોઢ સાલ.’ તેણે કહ્યું.

‘એમાં એને વિશે કંઈ ખરાબ સાંભળ્યું છે?’

‘એ મોજડી મારા પગમાં બેસતી નથી. હું એટલું જાણું.’ કહી પૈસા હાથમાં લઈને તે ગાડી દોડાવી ગયો.

‘માણસ જબરો હતો હોં!’ મારી પત્નીએ ઉતારાનાં પગથિયાં ચડતાં કહ્યું.

‘આટલી વાતમાં બૈરી છોડી દીધી?’ મારો પ્રશ્ન.

‘પણ એને આ ના પાડતો હતો તોયે વારે વારે શા માટે કોઈ સાથે બોલવા જતી હતી? ને છતાં આણે મારી નહિ, છોડી દીધી. નહિતર આ લોકો તો ખૂન કરે એવા!’

‘તું ધ્યાન રાખજે હોં,’ છોકરાં અંદર દોડી ગયાં હતાં એટલે મેં કહ્યુંઃ ‘તું સંભાળજે. હું પણ કોઈ દિવસ તને ન છોડી દઉં.’

‘તમે? તમે તે શું છોડતા’તા?’ કહી તેણે મારી સામે એવી રીતે જોયું કે હું તો બધું ભૂલી એનાં નેત્રોનાં સરવર જ જોઈ રહ્યો.