ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ચંદ્રકાન્ત બક્ષી/આમાર બાડી, તોમાર વાડી, નોકશાલ બાડી...

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ચંદ્રકાન્ત બક્ષી
Chandrakant Bakshi 07.png

આમાર બાડી, તોમાર વાડી, નોકશાલ બાડી...

ચંદ્રકાન્ત બક્ષી

મારા નીકળવાના આગલા દિવસે કાર્તિકનો પત્ર આવ્યો:

‘હું જેલમાંથી છૂટી ગયો છું. મને ખબર પડી કે તું કલકત્તા આવી રહ્યો છે. આ વખતે આપણે મળી રહ્યા છીએ. તારીખ નક્કી થયે મને લખજે. એ ન થાય તો તું મને મળવા આવી જજે. મારે કલકત્તા આવવા માટે પણ પોલીસની રજા લેવી પડશે, જે મને ગમતું નથી, પણ તું મારે ત્યાં એક-બે દિવસ માટે આવી જા. મારે માટે તને મળવા આવવું બહુ મુશ્કેલ છે, પણ તું આવી શકે છે.’

કાર્તિક અને હું કૉલેજના દિવસોમાં અને પછી યુનિવર્સિટી દરમિયાન પાર્ટીનું કામ કરતા હતા, સાથે સાથે વચ્ચે વચ્ચે એ એક-બે વાર જેલ જઈ આવ્યો હતો. મેં કલકત્તા છોડ્યું ત્યારે એ જેલમાં હતો. પછી પી. ડી. ઍક્ટ રદ થયા પછી એ છૂટી ગયો હતો એમ મને સમાચાર મળ્યા હતા.

‘તું મને સર્‌પ્રાઈઝ આપવાની કોશિશ નહીં કરતો, કારણ કે એમાં આપણો બંનેનો ઘણો સમય નષ્ટ થશે. હું તને મારે ત્યાં આવવાનો રસ્તો બતાવી દઉં. એ પ્રમાણે આવશે તો તકલીફ નહીં પડે.

હાવડાથી તું બારહાવડા એસ્પેસમાં બેસજે. સબર્બન લાઇન પર ચાર નંબરના પ્લેટફોર્મ પરથી બારહાવડા એક્સપ્રેસ બપોરે એક વાગ્યાના સુમારે ઊપડે છે. તું ટાઇમ ચૅક કરી લેજે. તારે અંબિકાકાલનાની ટિકિટ લેવાની. થર્ડ ક્લાસમાં બે રૂપિયા વીસ પૈસા લાગશે. જમીને નીકળજે. એ ટ્રેન બેન્ડેલ થઈને આવે છે. ગુપ્તીપાડા પછીનું સ્ટેશન અંબિકાકાલના છે — લગભગ સાડાત્રણે આવશે. અંબિકાકાલના ઊતરીને તું સ્ટેશનથી કોઈ પણ સાઇકલ-રિક્ષાવાળાને પકડીને કહેજે કે, કાલના રાજબાડી પાસેથી સ્મશાન પાસેના ગંગાને કિનારે લઈ જાય. એ રસ્તો ટૂંકો છે, નહીં તો તને આખા ગામમાં ફેરવ્યા કરશે. અને અહીં આવશે તો જ નદી ઓળંગવા માટે હોડી મળશે, એટલે તારે સ્મશાન પાસેથી ગંગા પર આવવું જ પડશે.’

મને હસવું આવી ગયું. પાર્ટીના દિવસોમાં પણ કાર્તિક બહુ પ્લાનિંગ કરતો હતો. એનું બધું જ કામ સૈદ્ધાંતિક અને વ્યવસ્થિત રહેતું હતું. હું યુરોપથી આવતો હોઉં અને મને સૂચનાઓ આપતો હોય એવો એના પત્રનો ધ્વનિ હતો. આગળઃ

‘ગંગા ઓળંગ્યા પછી જમણે હાથે સડક પર એક ચાનું ઢાબું હશે. ત્યાં બસો ઊભી રહી છે. નવદ્વીપની બસમાં બેસજે, પચીસ પૈસા લાગશે. પંદરેક મિનિટમાં ઊતરી જવાનું. રસ્તામાં પર્લ ટૉકીઝ કરીને સિનેમા આવશે. ત્યાં કાર્તિક તરફદારનું ઘર પૂછજે, ગમે તે માણસ બતાવી દેશે.

હું તારી રાહ જોઉં છું. સર્‌પ્રાઇઝ આપતો નહીં. આગળથી લખશે તો હું ગંગાના સામા કિનારે તારી રાહ જોઈશ.’

કલકત્તા જઈને હું કાર્તિકને લખ્યા વિના સબર્બન ટ્રેનોના ચાર નંબરના પ્લૅટફોર્મ પરથી બપોરે એક અને પાંચ મિનિટે ઊપડનારી બારહાવડા એક્સ્પ્રેસમાં બેસી ગયો. જઈને કાર્તિકને સરપ્રાઇઝ આપવા અને એ પોલીસની રજા વિના બહાર નીકળી શકવાનો ન હતો. એ ઘરે જ રહેતો હતો.

ગરમી સખત હતી અને ડબ્બાના બંને પંખા ચોરાઈ ગયા હતા.

બારહાવડા એક્સપ્રેસ ઊપડી. એનું નામ જ માત્ર એક્સપ્રેસ હતું, બાકી એક્સપ્રેસ જેવું કંઈ ન હતું. ધીરે ધીરે બપોરની ફેલાયેલી ગરમીમાં, હાંફતાં-હાંફતાં બંગાળીઓ ચઢતા ગયા. આજ્ઞાંકિત અને મહાન લાગી રહ્યા હોય એવા અંશતઃ ગરીબ, કલકત્તાની નોકરીઓ પર જીવતા, અંદરથી ભરપૂર ગ્રામ્ય, પણ બહારથી શહેરી લાગવાનો ડોળ રાખવાને કારણે રમૂજી લાગતા, મિનિટમાં જ અપ્રિય થઈ શકે એવા હુજ્જતી, એકલા-એકલા, ઉદાસ, ગુસ્સો અને દયા આવે એવા. ૧૯૭૦ની બેકારી અને રાજકીય ગતિપ્રવાહોમાં ફેંકાઈ રહેલા. હવામાં સામાજિક-રાજકીય ગતિરોધ આવી ગયો હતો. સ્થિતિ અસ્થિર હતી. સામાન્ય માણસની જે કંઈ સામાન્ય ગતિ હતી એનાં દુર્ગતિનાં તત્ત્વો હતાં. બંને તરફથી કારખાનાંઓની ચીમનીઓ, ઝૂંપડાં, ગરમીની બાવજૂદ રહી ગયેલી વન્ય લીલાશ, મુર્ગા, સુવ્વરો, ગાયો, નગ્ન બચ્ચાં, ગ્રામીણ ભારતના ટ્રેડમાર્ક જેવા ઉકરડાના ઢગલા… એક ઊખડેલ સ્ટેશન પર એક્સપ્રેસ ઊભી રહી ગઈ. ખીરાં વેચનારો, દસ-દસ પૈસામાં ખીરાં વેચીને પ્યાસ બુઝાવનારો, માત્ર હાફપૅન્ટ પહેરેલો, ખુલ્લા બદન પર ચમકતા પસીનાવાળો છોકરો ચઢ્યો. એક આદિમ જાતિની સ્ત્રી કાચાં કેળાંની ગઠરી માથા પર લઈને ચઢી. ગરીબીની, નિરાશાની, ભવિષ્યહીનતાની એક અજીબોગરીબ નૈરાશ્યપૂર્ણ વાસથી ડબ્બો ભરાઈ ગયો. ડબ્બામાં અંધારું થઈ ગયું હોય એવું લાગ્યું. કાર્તિક પાર્ટીમાં દિવસોથી જ કહેતો હતો. સાચું હતું — બહાર લાલ રંગથી લખેલું વાંચ્યું: ‘શ્રી કાકુજીમ. લાલ સલામ, લાલ સલામ!’

ગાડી ઊપડી. મને યાદ આવ્યુંઃ શ્રીકાકુલમ… જ્યાં ગિરિજનોએ, વસ્તુહારાઓએ, જમીન કે ભવિષ્ય વિનાના ભૂમિહીનોએ બળવો કર્યો હતો. છાપાંઓમાં ખાસ આવ્યું ન હતું. છાપાંઓમાં રાજનીતિના શોખીન સુખી ધનિકોના પાર્ટ-ટાઇમ રાજકીય પ્રેમવાદની વાતો આવે છે અને આ પ્રતિહિંસાવાદ હતો એવું કાર્તિક કહેતો હતો. દેશની સમસ્યા હવે હિંસા-અહિંસાના ચક્કરમાં સમાઈ શકે એટલી નાની રહી ન હતી. કાર્તિક કહ્યા કરતો હતોઃ ‘હવે હિંસા-પ્રતિહિંસાના વિરાટ ફલક પર આ સમસ્યાને તપાસવાની હતી. લોહીનું તાપમાન બે હજાર ડિગ્રી ઊકળશે ત્યારે ભારતનો આત્મા શુદ્ધ થશે.’ કાર્તિક હસતો હતો કે કૃષ્ણ ભગવાન ‘વિનાશાય ચ દુષ્કૃતામ્’ આ યુગમાં લાલ ઝંડાના સ્વરૂપમાં ભારતવર્ષમાં ફરી આવી રહ્યા હતા.

ધીરે ધીરે ગામો પસાર થવા લાગ્યાં. બેલુડ, રીસડા, ફૅક્ટરીઓનો ચમકતો રૂપેરી ઍલ્યુમિનિયમ રંગ, રેયૉન ફૅક્ટરીની બહારથી આવતી બદબૂ. પછી રબરનાં ટાયરોની ફેક્ટરી, ગુઝના ડબ્બા, ગોડાઉનો પર જામી ગયેલી વર્ષોની કાલિખ, કામદારોનાં ઝૂંપડાં, કંપનીએ બનાવી આપેલો એક બગીચો, બાળકો માટેની સ્કૂલનું એક સાફસૂથરું બેઠા ઘાટનું નાનું મકાન, પછી બાંસબોડિયા. ખીરું ખાતાં-ખાતાં એક જાડા બંગાળીએ કહ્યું: ‘અહીં ગયા બંધ વખતે ખરું તોફાન થયું હતું!’ આંગળીથી થોડાં બળેલાં ઝૂંપડાં બતાવીને એણે કહ્યું: ‘કામ પર ગયેલા મજદૂરોનાં ઝૂંપડાં બાળી નાખેલાં. રાત્રે કર્ફ્યુ કર્યો અને બધી બળેલી લાશો ટ્રકોમાં ભરીને હુગલીમાં ફેંકી આવ્યા.’ આ ધરતી જ અફવાઓની અને લંબી-ચૌડી વાતોની હતી. સામાન્ય, એકલદોકલ મૃત્યુની વાતોમાં બહુ રસ પડતો ન હતો. ઉત્તરપાડા. મેં એક સહપ્રવાસીને પૂછ્યું: ‘હિન્દ મોટર ગયું?’ સહપ્રવાસીએ વ્યંગાત્મક સ્વરે પ્રતિપ્રશ્ન કર્યોઃ ‘હિન્દ મોટર? ક્યારનુંય ગયું. ચંદ્રનગર આવ્યું.’ ફ્રેંચોની રાજધાની ચંદ્રનગર. કલકત્તાના સાહબજાદાઓ રાગરંગમાં તરબોળ થવા માટે શનિ-રવિવારોએ ઊતરી પડતા હતા એ ચંદ્રનગર. ચુરચુડા, જેને ચિન્સુરા કહેતા હતા, ડચ-વલંદાઓની કંપનીની રાજધાની. જ્યારે ક્રાંતિકારીઓ આતંક ફેલાવીને, બ્રિટિશ ઇન્ડિયામાં ખૂનો કરીને ચંદ્રનગર-ચિન્સુરા ભાગી આવતા હતા અને લાપતા થઈ જતા હતા એ દિવસો મને યાદ આવ્યા. આજના ક્રાંતિકારીઓ પોલીસની રજા વિના ગંગાનો કિનારો ઓળંગી શકતા ન હતા! કાર્તિક મને ગંગાના સામા ઘાટ પર મળત, મેં પત્ર લખ્યો હોત તો. ગંગા એ જ હતી, જેની છાતી કુદાવીને ક્રાંતિકારીઓ ભૂતકાળમાં અદૃશ્ય થઈ જતા હતા અથવા ઇતિહાસનાં પાનાંઓમાં. કાર્તિકને ગંગા ઓળંગવાની રજા ન હતી.

ત્રિવેણી સ્ટેશન, પછી હુગલીનું સ્ટેશન. ટ્રેન ઊભી ન રહી. દૂરથી કોઈએ વલંદાઓની એક તૂટેલી કોઠી બતાવી ટ્રેનમાં એક કાળો, ખેડૂત જેવો લાગતો ફેરિયો ચડ્યો. એણે કપડામાં માછલાં લીધાં હતાં. એક હાથમાં વનસ્પતિ ઘીનું મોઢું કરેલું કનસ્તર હતું, જેમાં પીવાનું પાણી હતું. હાટ કરીને લૌટી રહેલા બે ગ્રામ્ય વેપારીઓ ચડ્યા. બેઠા, ફાટેલા જોડા કાઢીને અંગૂઠો અને આંગળીઓ દબાવતા રહ્યા અને બજારની મંદીની વાતો કરતા રહ્યા. ડબ્બા-માટલાવાળા ફેરિયાને તેઓ ઓળખતા હતા, હસીહસીને એ લોકો વાતો કરવા લાગ્યા. ‘ભજહરિ!’ એક વેપારીએ કહ્યું, (ફેરિયાનું નામ ભજહરિ હતું) ‘રસગુલ્લાં તાજાં છે કે?’ ભજહરિ બહુ જ નિર્દોષ હસ્યો. તમાકુ ખાઈને કાળા થઈ ગયેલા દાંતવાળું હાસ્ય, પ્રામાણિક ગરીબ હસે છે એવું મૂર્ખ હાસ્ય. પછી રસગુલ્લાં માટલામાંથી કાઢીને એક પત્તામાં એણે આપવા માંડ્યાં અને અંગૂઠા પરનો મેલો પાટો બતાવીને કહેવા લાગ્યો: ‘વાંસ કાપતો હતો અને ધારિયું લાગી ગયું. પછી પાકી ગયું. વૈદરાજ પાસે બળબળતો કાઢો લગાવ્યો છે, પછી આરામ લાગે છે.’ વેપારીઓ પૂછવા લાગ્યા: ‘વાંસ કેવા થયા છે આ વર્ષે?’ ભજહરિએ કહ્યું: ‘એક-એક વર્ષવાળા વાંસનો ત્રણ રૂપિયા ભાવ છે. જૂના વાંસનો પાંચ-છ રૂપિયા પણ આવી જાય છે.’ ‘તડાકો છે તારે!’ વેપારીએ રસગુલ્લાં ખાતાં ખાતાં કહ્યું.

બહાર, પાકી રહેલાં વાંસનાં લીલાં-પીળાં ઝુંડો પર તડકો ચમકતો હતો. એક સ્ટેશન કરીબ આવી રહ્યું હતું.

‘કયું સ્ટેશન છે?’ મેં પૂછ્યું.

‘ગુપ્તીપાડા હશે.’ બે માણસોએ સાથે કહ્યું. પછી એક બારીમાંથી મોઢું બહાર કાઢીને જોઈ લીધું. મોઢું અંદર લઈને એણે પૂછ્યું: ‘ગુપ્તીપાડા ઊતરવું છે?

‘ના, હું અંબિકાકાલના ઊતરીશ.’

‘અંબિકાકાલના? કોના ઘરે જવું છે? હું પણ ત્યાં જ ઊતરીશ.’

‘મારે તો નદી ઓળંગીને જવું છે. એક દોસ્તને મળવું છે.’

‘શું નામ?’

‘કાર્તિક તરફદાર.’

‘સાડીઓ વેચે છે?

‘ના.’ મને કહેવાનું મન થયું કે સાડીઓ વેચતો નથી, બળવાખોર છે. હમણાં જ જેલમાંથી છૂટ્યો છે.

‘પી. ડી. ઍક્ટમાંથી પેલો છૂટ્યો છે એ કાર્તિક તરફદાર?’

મેં માથું હલાવ્યું. ગાડી ગુપ્તીપાડા પર ઊભી રહી. પ્રશ્નોત્તરી કરનાર માણસ બારીમાંથી બહાર જોતો-જોતો ચડાવેલા પગના તળિયા પર આંગળીઓથી તાલ આપવા લાગ્યો.

કાર્તિક તરફદાર મશહૂર માણસ લાગતો હતો.

દસેક મિનિટમાં ટ્રેન અંબિકાકાલના આવીને ઊભી રહી ગઈ.

સ્ટેશન ઉપરના સાઇકલ-રિક્ષાવાળાએ કહ્યું: ‘હું સમજી ગયો, બાબુ! તમારે સ્મશાન પાસેથી ગંગા પાસે જવું છે ને?’

‘નદી કેટલી દૂર અહીંથી?’ મેં પૂછ્યું.

‘નદી? નદી શું? ગંગા બોલો!’ રિક્ષાવાળાને ગમ્યું નહીં. હું ખુશ થઈ ગયો. રિક્ષાવાળો સાચું બોલી રહ્યો હતો. ગંગાને નદી કેમ કહેવાય? ગંગા ગંગા હતી. એની સામે તો ભારતના બ્રહ્મર્ષિઓ અને રાજર્ષિઓ ઝૂકી ગયા હતા.

રિક્ષો ચાલ્યો. રિક્ષાવાળાના કાળા, શોષાઈ ગયેલા પગ. મેં દૃષ્ટિ ફેરવી, એક ઝૂંપડાની તૂટેલી દીવાલ પર કોલસાથી કોઈએ લખ્યું હતું: ‘લાલ સલામ.’ આગળનું ભૂંસાઈ ગયું હતું.

‘રાજબાડી પાસે થઈને જવું છે.’ મેં કહ્યું.

રિક્ષાવાળાએ પાછું જોઈને મોઢું હલાવ્યું. મારી દૃષ્ટિ પાણીની એક ટાંકી પર આરસની એક તખતી પર કોતરેલા બંગાળી અક્ષરો પર પડી: ‘સ્વર્ગસ્થ શ્રી નિખિલચંદ્ર શાહની કન્યા.’ પછી વંચાયું નહીં. રિક્ષો પસાર થઈ ગયો. પાણીનો સંચય પ્રજાને દાન કરનાર કોઈ સ્વર્ગસ્થની સખાવત વિશેની વાત હશે.

ગામ વીસમી સદીના પરિઘની બહાર વસ્યું હતું. પાણીની ટાંકીઓ હમણાં આવી છે. રિક્ષાવાળાએ કહ્યું: ‘હવે સાડાત્રણના પાણી માટે ઔરતો વાસણો લાઇનમાં મૂકી ગઈ છે. સુખ થઈ ગયું છે. મેં એક પુકુર-જલરાશિ પર બાઝેલી લીલ જોઈ. ખેતરો પાસેથી પસાર થઈ ગયેલા તાર જોઈ નાખ્યા. એક બળેલું ઝૂંપડું, ધૂળનાં ઢેફાં લઈને લડાઈ-લડાઈ રમતાં બાળકો, ઝાડપાન, આકાશ, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ…

સામે રાજબાડીનું તૂટેલું વિરાટ મકાન અને ઝાડ-ઝંખાડથી ફેલાયેલો ચોક દેખાયાં. એના એક ભાગમાં સરકારી પોલીસસ્ટેશન બની ગયું હતું.

રાજબાડીના ચોકમાં થઈને રિક્ષો પ્રવેશ્યો. ચારે તરફ તૂટેલાં ખંડિયેર દેખાતાં હતાં. નૌબતખાનાના ભગ્નાવશેષો, બેઠક, એક હમણાં જીર્ણોદ્ધાર થયેલું લાગતું મંદિર. ઉપર પતાકા ફરફરતી હતી. પાછલા દરવાજાની તોળાતી મેહરાબની નીચેથી રિક્ષો બહાર આવ્યો.

ગામ-આખામાં ગયા નિર્વાચન સમયે લખેલા નારાઓ હું વાંચતો ગયો. બધી જ લાલ-લાલ વાતો હતી. સરમાયાદારોને ચેતવણી, જમીનદારોને સાવધાન રહેવાની વાતો, મહેનતકશ જનતાની એકતાને આહ્વાન. લાલ પૂર્વ, લાલ પ્રભાત, લાલ સલામ. સંઘર્ષ ચાલે છે, ચાલશે. જનતાની ભૂખમાંથી વિપ્લવ ભડકશે. આમાર નામ, તોમાર નામ, વિયેતનામ. આમાર બાડી, તોમાર બાડી, નોકશાલ બાડી.

સામે સ્મશાન દેખાયું. એક લાશ જતી રહી હતી — જલી રહેવા આવી હતી. બહુ જ ઓછા ડાઘુઓ હતા. ટિઅર ગૅસ છૂટ્યો હોય અને તિતબિતર થઈ ગયા હોય એમ ખૂણાઓમાં ઊભા હતા. ચિતાનાં બળી ચૂકેલાં લાકડાંની રાખ ખાડામાં પડી હતી. જરાક જ્વાળા ઊડતી હતી. ધુમાડો લગભગ નહીંવત્ હતો. દાહ પતવા આવ્યો હતો. સામે દૂર રસ્તાના અંત પર ઢાળમાં નદીનો પ્રવાહ, ગંગાનો પ્રવાહ દેખાઈ રહ્યો હતો.

‘સ્મશાન બહુ દૂર રાખ્યું છે, ગંગાથી?’

રિક્ષાવાળાએ કહ્યું: ‘દૂર ક્યાં છે? પાંચ મિનિટ પણ નથી. સામે કાંઠેથી પણ શબો અગ્નિદાહ માટે અહીં જ લાવવામાં આવે છે.’

‘સામે સ્મશાન નથી?’

‘ના.’

‘સામેથી શબ કેવી રીતે આવે છે?’ હું પૂછવા ગયો — પુલ હશે?

‘હોડીમાં.’

રિક્ષો કિનારા પાસે આવીને ઊભો રહ્યો. ગંગાનો પટ અહીં વિશાળ હતો. ધૂળિયો ઢાળ ગંગાના કિનારા સુધી ઢળી જતો હતો. થોડી હોડીઓ બાંધેલી હતી. બહાર એક સરકારી ડિપો હતો, જ્યાં નદીઓ ઓળંગવાના માણસ દીઠ છ પૈસા આપવાનો ધારો હતો. સામા કિનારા પર પણ એ જ રીતે એક ડિપો અને હોડીઓ દેખાઈ રહ્યાં હતાં. જરા દૂર, પશ્ચિમ તરફ એક ઝાડીની બહાર લીલી બસો લાઇનમાં ઊભી હતી.

‘બારહાવડા એક્સપ્રેસના પૅસેન્જર લઈને બસો જાય છે.’ રિક્ષાવાળાએ કહ્યું.

‘અહીં ચા મળશે?’ મેં પૈસા ચૂકવતાં પૂછ્યું.

મળશે, પણ સામા કિનારે, બસસ્ટૉપ પાસે જ ઢાબું છે, ત્યાં ચા સારી આપે છે.’

છ પૈસા આપીને હું કિનારે આવ્યો અને બધા બેસતા જ હતા એ હોડીમાં બેસી ગયો. બંને તરફ ગંગા ક્ષિતિજો પાસે વળી જતી હતી. તડકો હોવા છતાં પાણી પરથી ઠંડો પવન ફૂંકાતો હતો. હોડીમાં ઊભી કરેલી એક સાઈકલને ટેકો આપીને હું બેસી ગયો. હોડીમાં ઘણા મુસલમાન ખેડૂતો હતા, જે થાકેલા, લાંબા પ્રવાસ પરથી આવતા હોય એવા લાગતા હતા.

‘માઝી — માઝી ક્યાં ગયો? ચલ, ભઈ!’ એક માણસે કહ્યું.

માઝી કૂદીને હોડીમાં આવ્યો. પેલા માણસે બીડી સળગાવી અને નદીની ફૂંકાતી હવામાં બંને હથેળીઓથી બીડી ઢાંકી એક બહુ જ ઊંડો કશ લીધો. ધુમાડાના ગોટેગોટા ઊડ્યા અને હવામાં ફેંકાઈ ગયા. માણસના ચહેરા પર તૃપ્તિની ઝલક આવી ગઈ.

બીડી પીનારો હિન્દુ હતો. એણે મુસલમાનોને જોઈને પૂછ્યું: જલસામાંથી આવો છો?’

બધા મુસલમાનો એકસાથે બોલવા માંડ્યાઃ ‘જલસો ત્રણ દિવસ ચાલ્યો. બાબા રે! શું માણસો! દુનિયાભરમાંથી મુસલમાનો આવ્યા છે! દોઢ-બે લાખ હશે.’ બીજાએ સુધાર્યું: ‘ચાર લાખથી ઓછા નથી.’ ત્રીજો ચહેરો બગાડીને બોલ્યોઃ ‘શું? સાત લાખથી ઓછા નહીં હોય! પાંચ માઇલની હોટેલમાં ભાત નથી મળતા! અમે હાંડીની વ્યવસ્થા કરીને પકાવી લીધા, નહીં તો ભૂખે મરી જાત. ઉપરથી ગરમી. અરે, સડેલી માછલી પણ ચાર-ચાર રૂપિયે કિલો વેચાઈ ગઈ!’ મુસલમાનો એકબીજાથી ઝઘડતા હોય એમ વાતો કરવા લાગ્યા: ‘બે જિલ્લાના માણસો આવ્યા નથી. બાકી દુનિયાભરના મુસલમાન આવ્યા છે.’

‘કયા બે જિલ્લા?’

પાકિસ્તાન અને ચીન. પાકિસ્તાનના મુસલમાન સમજે છે શું? તેઓ એકલા જ મુસમલાન છે, બાકી નથી?’

ગંગાની પારથી ઢોલ વાગવાનો અવાજ આવ્યો. મધ્યપ્રવાહમાં સામે કિનારેથી આવતી હોડીઓ દેખાઈ. એક લગ્નપાર્ટી આવી રહી હતી. હોડીમાં હાંડીઓ, ફૂલો, પેટ્રોમેક્સ, બે સાઇકલો હતાં અને ઔરતોનો કલબલાટ. બે તરાપાઓ સાથે બાંધીને માઝીઓ એક જૂની એમ્બેસેડર મોટરને પાણી પરથી વહાવતા-ઢોતા લઈ જતા હતા. ગાડીની વિન્ડસ્ક્રીન પર ખૂણામાં રેડ ક્રૉસ કરેલો હતો. એક સહપ્રવાસીએ કહ્યું: ‘કાલનાના સમીર ડૉક્ટરની ગાડી જાય છે. તું ઓળખે છે?’ બીજાએ પૂછ્યું: ‘આ ગાડીમાં તો હું ડૉક્ટરસા’બ સાથે ચાંદપુર સુધી ગયો છું. હું ન ઓળખું?’

કિનારો આવ્યો. માઝીએ કહ્યું: ‘સંભાળજો, ધક્કો લાગશે.’

એક ધક્કો આવ્યો. હોડી અટકી ગઈ.

ઢાબા પર શકોરામાં ચા પીને હું બસમાં બેસીને પર્લ ટૉકીઝ પાસે ઊતરી ગયો.

‘કાર્તિક તરફદારની બાડી કઈ?’ મેં પૂછ્યું.

બે માણસો મારી સામે જોઈ રહ્યા શંકાથી. એક જવાને જરા ગંભીરતાથી પૂછ્યું: ‘ક્યાંથી આવો છો?’

કલકત્તાથી. હમણાં બારહાવડા એસ્પેસમાં આવ્યો.’ ‘શું કામ છે?’ મારી આંખો ગરમ થઈ ગઈ ‘કામ છે. તમારે શી જરૂર છે, મારે શું કામ છે?’

શંકાથી જોનારા બંને માણસો સૂચક હસ્યા. જવાને વધુ શાંતિથી કહેવા માંડ્યું: ‘તમારા સારા માટે જ આ પૂછી રહ્યા છીએ. તમને ખબર નથી એટલે તમે અકારણ ગરમ થઈ રહ્યા છો.’

હું ચૂપ થઈ ગયો.

જવાને ચાલુ રાખ્યું ‘જુઓ, દૂર દેખાય છે પોલીસની જીપ, એ મકાન કાર્તિક તરફદારનું છે. એને કાલે રાત્રે કોઈએ મારી નાખ્યો છે.’

‘… … …’

‘સ્મશાનથી હજી માણસો પણ પાછા આવ્યા નથી. તમે રસ્તામાં સ્મશાન પર લાશ જલતી જોઈ નહીં?’

હું હોશમાં આવી ગયો. તરત સમજી ગયો. કંઈક રાજનીતિક અદાવતમાં કાર્તિકને કતલ કરી દેવામાં આવ્યો હતો. પોલીસની જીપ ઊભી હતી. પોલીસ કદાચ તપાસ ચલાવી રહી હતી. અહીં ઊભા રહેવું પણ સલામત ન હતું. રસ્તામાં ગંગાપારના સ્મશાન પર કાર્તિકનો શબદાહ થઈ રહ્યો હતો! એણે મને સરપ્રાઇઝ આપી દીધી હતી અને ગંગા ઓળંગવાની એને રજા ન હતી.

‘હા, મેં અગ્નિદાહ જોયો.’

બે-ચાર માણસો જમા થવા લાગ્યા હતા.

જવાને ધીરેથી મને કાનમાં કહ્યું: ‘તમે અહીંથી જલદી ચાલ્યા જાઓ. પોલીસની નજરમાં આવી જશો તો ડિટેન કરી નાખશે. હેરાન થઈ જશો. હજી ખૂનીઓ પકડાયા નથી.’

મારાથી પૂછ્યા વિના રહેવાયું નહીં: ‘એને માર્યો ક્યારે?’

‘કાલે રાત્રે એના ઘરમાં જ, પણ આવા કેસમાં પોલીસ લાશ જલદી છોડે નહીં ને.’

જમા માણસોમાંથી એક-બે કાનાફૂસી કરવા લાગ્યાઃ કોણ છે? કોણ છે? હું તરત સરકીને ગંગા તરફ આવતી બસમાં ચડી ગયો.

ઢાબા પર ઊતરી ગયો. વાતવાતમાં કાર્તિકના મોત વિશે જાણી લીધું. સખત ભૂખ લાગી હતી. છેલ્લી ટ્રેન રાત્રે સવાનવે છૂટતી હતી. ઢાબા પર જ ભાત-માછલી, આલુદમ અને કાળું પડી ગયેલું પ્યાજ ખાતો હતો અને રસોડાનો ગરમ ધુમાડો આંખમાં આવ્યો અને અડધું છોડીને હું ઊભો થઈ ગયો. ગંગાકિનારે આવ્યો ત્યારે સાંજ ઝૂકી ગઈ હતી. હોડીઓ કિનારે થઈ રહી હતી. છ પૈસા આપીને હું હોડીની રાહ જોતો ઊભો રહી ગયો.

ગંગા એ જ હતી, જેની છાતી કુદાવીને ક્રાંતિકારીઓ ભૂતકાળમાં અદૃશ્ય થઈ જતા હતા — અથવા ઇતિહાસનાં પાનાંઓમાં.

અથવા સ્મશાનોની ભારેલી રાખના ઢગલાઓમાં….