ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જગદીશ પટેલ/આપણાં અજાણ્યાં
જગદીશ પટેલ
‘પપ્પા, પપ્પા, બહુ વાગ્યું? પાટો બાંધવો છે?’ આંગળી કપાઈ ગયાની વેદના છતાં, તે શબ્દો સાંભળી, મારી આંખમાં હર્ષના આંસુ આવી ગયાં.
વિષયની પાંચમી વર્ષગાંઠ પ્રસંગે સંગીતા પૂરણપોળી બનાવતી હતી. હું ઘોડો બની વિષયને સવારી કરાવતો હતો. મારી કમર ઉપર બેઠેલો નાનો રાજકુમાર હસતો અને ઝૂલતો હતો. અચાનક સંતુલન ગુમાવતાં તેનો હાથ નાના ટેબલને અથડાયો અને ટેબલ ઉપર મૂકેલો ગ્લાસ નીચે પડ્યો. ઊડતા કાચનો ટુકડો મારા હાથ પર અથડાયો અને મારા હાથમાંથી નીકળતું લોહી જોઈ, એક ક્ષણ પહેલાં રમતા, આનંદ કરતા વિષયના મોં પર દુઃખનું વાદળ છવાઈ ગયું. નાના બાળકે, મારા પુત્રે, દર્શાવેલી લાગણીથી હું ગળગળો થઈ ગયો.
ત્રીસેક વર્ષ થઈ ગયાં હોવા છતાં તે પ્રસંગ ગઈ કાલે જ બન્યો હોય તેમ મારી નજર સમક્ષ આવી ગયો. નજર ફેરવી મેં વિષય તરફ જોયું. ધ્યાનથી કાર ચલાવતા વિષયનો ચહેરો વાંચવો મુશ્કેલ હતો. ઍરપૉર્ટ પર પિતાને મૂકવા જતાં દીકરાના મનમાં પિતા સાથે ત્રણ મહિના રહેવાનો સંતોષ હશે કે વિદાય આપી રાહત અનુભવવા તે વ્યાકુળ હશે તે જાણવાની મારી ઇચ્છા તીવ્ર બનતી જતી હતી. વિષયના પિતૃપ્રેમ વિશે મારા મનમાં શંકાનાં જે વાદળ ઊતરી આવ્યાં હતાં તેને દૂર કેમ કરી શકાય? તેનાં વર્તન અને હાવભાવ પરથી જ તેની ભાવનાઓની કિંમત કરવી તે ભૂલ હોઈ શકે? મૂંઝવણથી જીવ ગભરાવા લાગ્યો. આંખો બંધ થઈ અને માનસપટ પર ચિત્રો ઊપસવા લાગ્યાં.
સંગીતાનું અકસ્માતમાં અવસાન થયું. વિષય, મારું એકલું સંતાન, અમેરિકા હતો. એકલતાએ પત્નીના વિયોગને અસહ્ય બનાવી દીધો. ધંધામાં મન નહીં લાગવાથી ભાગીદાર ઉપર બધું જ કામકાજ છોડી હું નિવૃત્ત થવાનો વિચાર કરતો હતો ત્યારે એક દિવસ વિષયનો પત્ર આવ્યો “પપ્પા અહીંયાં આવો. મન હળવું થશે.” એકના એક પુત્ર સાથે રહેવા અને પૌત્રને લાડ કરવા મળશે તેમ વિચારી મેં અમેરિકા જવાનું નક્કી કર્યું.
વિષય અને પ્રથમને મળવાના ઉત્સાહમાં મુંબઈથી હ્યુસ્ટનની મુસાફરી ક્ષણભરમાં જ પસાર થઈ ગઈ. જાણે હજારો માઇલનું અંતર એક કૂદકામાં વટાવી દીધું. કસ્ટમની બહાર નીકળી, લારી ધકેલતાં, મારી આંખો વિષયને ખોળી રહી. કદાચ દાદાને જોવા પ્રથમ તેના ડેડીના ખભા પર બેઠો હશે. ગોળમટોળ, મોટી આંખોવાળા પ્રથમનો ફોટો જોઈ સંગીતા બોલી હતી, “વિષય આવો જ હતો.” નાના વિષયના ચહેરાને શોધતો, સ્વજનોનું સ્વાગત કરવા આવેલા લોકોની હારમાળા વચ્ચેથી પસાર થઈ, હું ખુલ્લા હૉલમાં આવ્યો. ઊભો રહી ચારેબાજુ નજર ફેરવતો હતો ત્યાં જ જલદી જલદી ચાલી આવતા વિષયને મેં જોયો. તે એકલો જ હતો. હૃદય પર જાણે ખડક પડ્યો. ભારે નિરાશ થયો હોવા છતાં “કેમ છો પપ્પા!”નો મેં સ્મિતથી જવાબ વાળ્યો. પ્રથમ અને દેવી નથી આવ્યાં?” મેં પૂછ્યું. “ના. પ્રથમ મિત્રને ત્યાં રમવા ગયો છે. દેવી નોકરી પર છે. ”
પ્રથમને પહેલી વખત મળ્યો ત્યારે તેણે મને પ્રશ્નોથી નવડાવી દીધો. છ વર્ષના બાળકની જિજ્ઞાસાનો અંત જ ન હતો. હું અંગ્રેજી જુદું કેમ બોલું છુંથી માંડી મારી ચંપલનો આકાર કેમ વિચિત્ર છે તેવા પ્રશ્નોના જવાબ આપવા અઘરા હતા. પરંતુ હસતા નિર્દોષ પૌત્રની બાજુમાં બેસી મારી બધી મુશ્કેલીઓ અલોપ થઈ ગઈ. થોડા સમય પહેલાં ર્એપોર્ટ પર મન દુઃખી હતું તેની અસર પ્રથમની પ્રેમાળ વાતોમાં ઓગળી ગઈ. દેવીએ ઉમંગભર્યો નહીં પણ ઉચિત આવકાર આપ્યો. સાંજે વિષય સાથે બેસી સામાન્ય વાતો કરતો હતો ત્યાં હૉસ્પિટલથી તેના માટે ફોન આવ્યો. તે દર્દીને જોવા ગયો. મુસાફરીનો થાક વર્તાતો હતો. મારી રૂમમાં જઈ મેં પથારીમાં લંબાવ્યું.
દિવસો અને અઠવાડિયાં પસાર થતાં હતાં. સવાર, સાંજ, બગીચો, છાપું, પુસ્તકો, ટી.વી..... સમય વહેતો ગયો. ઘરમાં બીજી ત્રણ વ્યકિત હતી. પારકી નહીં, પોતાની. તેમની સાથે વાતો કરતો, ભોજન લેતો, બહાર જતો. આનંદની ક્ષણો હતી, કંટાળાના ગાળા હતા. હું ભારત છોડી સ્વજનો સાથે એક છાપરા નીચે રહેવા આવ્યો હતો. ભૌતિક અલગતા નહીંવત હતી પણ એકલતા ઓછી થતી ન હતી. મારાં પોતાનાં દીકરા, વહુ અને પૌત્ર સાથે વધુ સમય ગાળવા છતાં મારી અને તેમની વચ્ચેનું અંતર ઘટતું ન હતું. વિષય અને દેવી મારું ધ્યાન રાખવા પ્રયત્ન કરતાં, બનતું બધું કરવાની તૈયારી હતી. પણ તેમની વાણીમાં લાગણીનો અભાવ વર્તાતો. મારા મનમાં ચિંતા જાગી. સુષુપ્ત મનને તેના અસ્તિત્વની જાણ હતી પણ મારું હૃદય હકીકત સ્વીકારવા તૈયાર ન હતું.
શનિવારનો દિવસ હતો. વિષયના મિત્રના ઘરે પાર્ટીમાં જવા હું તૈયાર થયો. જુદી જગ્યાએ નવાં માણસો મળશે તેવી આશાએ મેં તૈયારી કરી હતી. વિષયની મર્સિડીઝમાં આગળ દેવી અને પાછળ હું અને પ્રથમ બેઠાં. પાંચસાત માઇલ પછી અમે એક આલીશાન મકાન સામે પહોંચ્યાં.
દરવાજા જેવાં બે મોટાં બારણાં ખૂલ્યાં પછી અમે એક મોટા રૂમમાં પ્રવેશ્યાં. અંદર થોડાં યુવાન પુરુષો અને સ્ત્રીઓ અલગ જૂથ કરી બેઠાં હતાં. હું એક મોટા બદામી રંગના સોફાના ખૂણામાં જઈ બેઠો. એક પછી એક યુગલો અને બાળકો આવતાં ગયાં. ધીમે ધીમે વાતાવરણ ઘોંઘાટિયું થવા લાગ્યું. હું કોકાકોલા પીતો નજીકમાં બેઠેલા યુવાન અને મધ્યમ વયના પુરુષોની વાતો સાંભળતો હતો. ઘરની કિંમત, ધંધા, સ્ટોક માર્કેટ, વગેરે વાતો અને રાજકારણની ચર્ચા ચાલતી હતી. બધાં જ સાથે બોલતાં હતાં. કોણ કોને કહેતું કે સાંભળતું હતું તે કહેવું મુશ્કેલ હતું. વધુ રસ ન પડતાં મેં નજર ફેરવી. સામે જ મારી સમોવડીયા વ્યકિતને આવતી જોઈ. નજર મળતાં તેઓ મારી તરફ આવ્યા અને પાસેની ખુરસીમાં ગોઠવાયા.
ઔપચારિક વાર્તાલાપ પછી સુરેશભાઈએ પ્રશ્ન કર્યો, “હજુ અહીંયાં ગોઠતું નથી?” અને તરત જ જવાબ પણ આપ્યો. “થોડા સમય પછી બધું બરાબર ઠેકાણે પડી જશે.”
“તમે અમેરિકામાં કેટલા સમયથી છો?”
તેઓ હસીને બોલ્યા, “બે વર્ષ થયાં. ઘણું જોયું અને અનુભવ્યું છે. બદલાયો છું અને શાંતિથી રહું છું.”
સ્વાભાવિક બોલાયેલ શબ્દોએ મારા મનને વિચાર કરતું કરી દીધું. મને થયું કે સુખી થવા માટે દૃષ્ટિ અને વર્તન બદલવા જોઈએ. મારી જરૂરિયાતો સિવાય બીજાઓની ઇચ્છાને સમજવી. વિષય, દેવી અને પ્રથમની પ્રવૃતિમાં રસ લેવો. સૂતાં પહેલાં નિરધાર કર્યો કે પરિસ્થિતિને અનુકૂળ બની સંતોષી થઈશ. વિષય સાથે લાંબો સમય ગાળવો શક્ય છે. સમય જતાં ફાવી જશે તેવા આશાના કિરણે અંતઃકરણમાં સ્ફૂર્તિનો સંચાર કર્યો.
બીજે દિવસે પ્રથમ કંટાળો આવે છે તેવી ફરિયાદ કરતો હતો. મેં તેને કહ્યું, “ચાલ આપણે રમીએ.” તે તરત તૈયાર થયો. રમકડાંથી ભરેલી રૂમમાં ટ્રેનો, ટ્રકો, પિસ્તોલો અને મશીનગન કારપેટને ઢાંકતી હતી.
અંદર પ્રવેશતાં અભરાઈ ઉપર મૂકેલી રમતોનાં નામ હું વાંચતો હતો ત્યારે પ્રથમે પ્રસ્તાવ કર્યો.
“દાદા, આ ટ્રક રમીએ.”
“બીજું કશું રમીએ તો?” મેં કહ્યું.
“તો પછી મારામારી કરીએ.” મશીનગન ઉપાડતાં તે બોલ્યો.
“પેલા બૉક્સમાં છે તે સાપ અને સીડીની રમત કેવી?”
“તમે તો સાવ ‘બોર’ છો”, તેમ કહી પ્રથમે મશીનગન મારા તરફ ફેરવી અને ઉમેર્યું, “બહાર નીકળો નહીં તો મારી નાખીશ.”
પ્રથમના મોં ઉપર આવેલા અકળાટ અને ગુસ્સાની મને અપેક્ષા ન હતી. હું જરા ગભરાઈ ગયો. ક્ષણમાં જ પરસેવો છૂટવા લાગ્યો અને ધડકતા હૃદયે બહાર નીકળી મારી રૂમમાં જઈ હું ખુરશીમાં ઢળી પડ્યો.
શનિવારે સવારે ચા બનાવી. છાપું વાંચતાં મારું મન ઉત્સાહથી ભરેલું હતું. દેશવિદેશના દુઃખભર્યા સમાચારોથી અલિપ્ત રહી મગજમાં નાસા જવાના વિચારો ઊભગતા હતા. દશેક વાગ્યા સુધીમાં હું તૈયાર થઈ ગયો. વિષય અને દેવી આગલી રાત્રે પાર્ટીમાંથી મોડાં આવવાને કારણે વહેલાં ન ઊઠ્યાં. બગીચામાં થોડું કામ કરી હું ઘરમાં આવ્યો. ત્યારે વિષયે જણાવ્યું કે તેને ઇમર્જન્સીના કારણે હૉસ્પિટલમાં જવું પડે તેમ હતું. હું નિરાશ થયો પણ વધુ આંચકો ત્યારે લાગ્યો કે જ્યારે દેવી બહાર જવાની વાત પણ કર્યા વગર શોપિંગ કરવા ગઈ. મેં ઘરે બેસી એક વધુ બપોર અને સાંજ એકલા પસાર કરી.
હું એકલો હતો, એકલવાયાપણું કષ્ટદાયક હતું, કોને દોષ દેવો? મારાં સ્વજનોને મારી લાગણીનો ખ્યાલ કેમ નથી? મને કોનો સહારો છે? હું સંગીતા, તેનો રૂપાળો ચહેરો, તેનું હાસ્ય અને તેના નિઃસ્વાર્થ સ્વભાવને યાદ કરતો. પત્ની અને પુત્ર સાથે પસાર કરેલી આનંદની ઘડીઓની યાદદાસ્ત ચારેબાજુ છવાયેલા અંધકારમાં તેજ ફેલાવતી. જોકે તે પ્રકાશ વીજળીના ચમકારાથી થતાં અજવાળાં જેવો હતો. ક્ષણિક.
તે સમયે સુરેશભાઈ મારી મદદે આવ્યા. તેમનો ફોન હતો. રોજિંદી પ્રવૃત્તિની માહિતીની આપલે કરતાં તેમણે મને કહ્યું કે તેઓ રોજ પાર્કમાં ફરવા જાય છે. વધુ વાતો થતાં મને થયું કે અમારા બન્નેની અભિરુચિ સરખી હતી. અમે નક્કી કર્યું કે સાથે એક બગીચામાં ફરવા જઈએ. લાંબું ચાલવાનું હતું પણ તેમાં મને કશી તકલીફ દેખાઈ નહીં. સુરેશભાઈની સોબત માણવા હું અધીરો હતો.
ભેજથી સંતૃપ્ત હવામાં તરતો હોઉં તેમ હું પાર્કમાં પહોંચ્યો.
સુરેશભાઈ મારી રાહ જોતા બેંચ પર બેઠા હતા. તેમની સાથે બેસી વાતો કરી, ભૂતકાળની, કેટલીય વસ્તુઓની અછત હોય તેવા દેશમાં, આપણા જ માણસો વચ્ચે, અમે કેવા સુખી હતા! સાદું, સંતોષી, સુખી જીવન, જરૂરિયાતો ઓછી અને આનંદ ઝાઝો. વાતોમાં કલાકો પસાર થઈ ગયા અને કલાકોથી બનેલા દિવસો પણ પાણીની માફક વહી ગયા. સુરેશભાઈની મુલાકાતોએ મારી જીવનવીણાને સૂર આપ્યા.
એક દિવસ મેં સુરેશભાઈને વાત કરી કે જો તમને નાસા જવામાં રસ હોય તો પ્રોગ્રામ બનાવીએ. તેમણે કહ્યું કે તેમની પણ ઘણા સમયથી ત્યાં જવાની ઇચ્છા હતી. તરત જ અમે ચાલીને પાર્કની બાજુમાં ફોન હતો ત્યાં ગયા. ટુરિસ્ટ બ્યુરોને વાત કરી બધી માહિતી મેળવી અને બીજે જ દિવસે નાસા જવાનું નક્કી કર્યું. કોઈના પર આધાર નહીં અને સ્વતંત્ર.
બસ અમને ત્યાં લઈ ગઈ. નહીં ધક્કામુક્કી કે નહીં ઉતાવળ. સુરેશભાઈએ કહ્યું, “ક્યાં મુંબઈની બસો અને ગિરદી અને ક્યાં આ બધું.” બસમાં જાપાનીઝ, યુરોપીઅન અને ઘણા અમેરિકન લોકો હતા. સાઠ, સિત્તેર વર્ષના વૃદ્ધો પણ કેટલા આવેશથી વાતો કરતા હતા તે જોઈ મને આશ્ચર્ય અને આનંદ થયો. ઉંમર વધવા સાથે દિલને ઘરડું ન થવા દેવું તે મનની વાત છે તેનો દાખલો જોવા મળ્યો. ત્રીસેક માઇલની મુસાફરી અવલોકન કરવામાં ગઈ. નાસાના પ્રવેશદ્વારાથી અંદર દૂર મૂકેલાં રૉકેટો દેખાતાં હતાં.
ગળા પર હારની જેમ કૅમેરા લટકાવી ફરતા લોકો વચ્ચે, માનવ વિકાસની પરિસીમાનાં દર્શન કરવા અમે એકથી બીજાં મકાનોમાં, જુદી જુદી રૂમોમાં, ફોટા, મોડેલ, સ્લાઇડો, સિનેમા જોયાં. ચંદ્રની સફરે જઈ આવેલું લ્યુનર મોડ્યુલને જોઈ મારાં રૂવાં ઊભાં થઈ ગયાં. તેની બાજુમાં ચંદ્ર પર ગયેલા એસ્ટ્રોનોટ સાથે પરલોકના માણસો માટે મોકલેલા સંદેશાની ટેપ વાગતી હતી. ચંદ્ર પર બીજી અજાણી દુનિયામાંથી જીવો પહોંચે અને તેમની ભાષા કદાચ પૃથ્વી પરની કોઈની ભાષાને મળતી આવે તો તેમના માટે સંદેશાની આપલે થઈ શકે તે માટે રેકૉર્ડિંગ હતું. અમે ત્યાં પહોંચ્યા ત્યારે સંદેશો ગુજરાતીમાં ચાલતો હતો. અમેરિકાના લોકો ચંદ્ર પર ગુજરાતીમાં સમાચાર મોકલે ને તે મને જાતે સાંભળવા મળે તે બનાવને મેં મારું શુભ નસીબ માન્યું. ભગવાને લાખો માઇલ દૂર વિભિન્ન જાતિઓ વચ્ચે એક ભાષા બનાવી હોય તે કેવી અદ્ભુત કલ્પના છે!
સુરેશભાઈ સાથે પસાર કરેલા તે આઠેક કલાક અમેરિકામાં મારો સૌથી આનંદદાયક સમય હતો. તેમની સાથે વાત કરતાં કે દિલ ખોલતાં મને સંકોચ ન થતો. તેમની નિખાલસતા અને ભાવના મારા હૃદયમાં હોંશ ફેલાવતાં હતાં. હું બોલું કે કશું કહું તે યોગ્ય હશે કે તેમને ગમશે કે નહીં તેની મને ચિંતા ન હતી. આકાશમાં વિહાર કરતાં પંખીની માફક અમે મુક્ત અને સુખી હતા.
સવારે સોફા પર બેસી હું છાપું વાંચતો અવનવા સમાચારોમાં ખોવાઈ ગયો હતો અને ટેલિફોનની કારમી ઘંટડી વાગી. સુરેશભાઈના દીકરાનો ફોન હતો. તેણે જણાવ્યું કે સુરેશભાઈની તબિયત બગડી હતી. અમે તેમને હૉસ્પિટલમાં દાખલ કર્યા છે. મારા દિલમાં ધ્રાસકો પડ્યો. ટૂંકા સમયના પરિચય છતાં સાચા હિતેચ્છુ અને મિત્ર બનેલા સુરેશભાઈની બીમારીની ખબરે મનમાં ઉલ્કાપાત મચાવી દીધો. સાંજે વિષય સાથે હૉસ્પિટલમાં ગયો ત્યાં સુધી ચેન ન પડ્યું. પ્રભુને પ્રાર્થના કરતો રહ્યો કે તે મિત્રને બચાવે. હા, તે વિનંતીમાં મારો સ્વાર્થ હતો. પરંતુ એક સજ્જન માટેની શુભેચ્છા વધુ હતી.
પલંગ પર સૂતેલા બંધુનું મુખ જાણે આખી રામકહાણી કહેતું હતું. હસતી આંખો અને હોઠ પર અચાનક વાદળ ધસી આવ્યાં હતાં. મોં પરનું તેજ વિલાઈ ગયું હતું. તેમણે આંખો ખોલી, મને ઓળખ્યો. ડૉકટરે વાત ન કરવાની સૂચના આપી હતી તેથી અમે ચુપચાપ બેસી રહ્યા. પછી વિષય એક ડૉકટર સાથે ચર્ચા કરવા બહાર ગયો ત્યારે, બને તેટલી શક્તિ ભેગી કરી ધીમેથી સુરેશભાઈ બોલ્યા,
“તમે આવ્યા તે સારું કર્યું. મારી છેલ્લી ઘડીઓ ગણાય છે.”
“એવું નહીં બોલશો. બધું બસબર થઈ જશે.” મેં આશ્વાસન આપવા પ્રયત્ન કર્યો.
“મને જિંદગી પ્રત્યે કોઈ ફરિયાદ નથી. તમને આપણી પહેલી મુલાકાત યાદ છે?”
“હા. તે તો કેમ ભુલાય.” મેં જવાબ આપ્યો.
“મેં તમને કહ્યું હતું કે હું બદલાયો છું. હકીકતમાં તો બદલાઈ શકતો નથી. આપણા જ પુત્રો જાણે અજાણ્યા થઈ ગયા છે. અમેરિકનો ચંદ્ર પર પરલોકોનો ગુજરાતીમાં સંપર્ક સાધવા પ્રયત્ન કરે છે અને અહીંયાં પૃથ્વી પર આપણે પોતાનાં સંતાનો સાથે વાત કરી શકતા નથી!”
મેં તેમને રોક્યા, “આ કપરા સમયે આવા ખોટા વિચારો કરશો નહી.”
બીજે દિવસે સુરેશભાઈનું અવસાન થયું. તેમના છેલ્લા શબ્દો મારા મગજમાં વારંવાર અથડાવા લાગ્યા. હું બદલાઈ શકતો નથી અને બીજાઓ મારા માટે ભોગ આપવા તૈયાર નથી તે સત્ય મને સમજાયું. મનોમન નક્કી કર્યું કે વિષય સાથે વાત કરી પાછા મુંબઈ જવું. જોકે ઊંડે ઊંડે થતું હતું કે હું ખોટો હોઈશ. જવાની વાત કરીશ તો મારો દીકરો મને શી તકલીક છે તે પૂછશે. રહેવા માટે આગ્રહ કરશે.
હું સાચો હતો. વિષયે કહ્યું કે મારી જવાની ઇચ્છા છે તો ટિકિટ માટે તે સગવડ કરશે.
“પપ્પા ઍરપૉર્ટ આવી ગયું.” વિષયે મને જગાડ્યો. વિચારધારા તૂટી ગઈ.
પ્લેન મોડું હતું. સમય ગાળવો મુશ્કેલ હતો. કારણ કે વિષય અને હું કામ પૂરતી જ વાત કરતા. તે સમયે વિષયને કંટાળો આવતો હશે, દિવસનો થાક વર્તાતો હશે. તેણે કહ્યું, “ચાલો લોન્જમાં જઈ બેસીએ.” એક ગ્લાસમાં વ્હિસ્કી અને બીજામાં કોકાકોલા લઈ વિષય અમાગ ટેબલ પર આવ્યો. ટીવી જોતા અમે બેઠા. બેએક ડ્રિંક અને અડધા એક કલાક પછી વિષયની વાચા ખૂલી.
“પપ્પા, ત્રણ મહિનામાં તમારી સાથે બહુ સમય નથી ગાળી શક્યો. ક્યાંય જવાયું પણ નહીં.”
“કાંઈ વાંધો નહીં, તને મળાયું તે બસ.” મેં સંતોષ વ્યક્ત કર્યો.
“હવે મને વિચાર આવે છે કે અમે તમારું ધ્યાન કેમ ન રાખ્યું?”
“તું કામકાજમાં વ્યસ્ત હતો.”
“ના, તે સાચું નથી. હું અને દેવી તમારા માટે ઘણું કરી શક્યાં હોત. કરવું જોઈતું હતું.”
હું વિષય સામે જોઈ રહ્યો. આશ્ચર્યથી. વિષયે પ્રશ્ન કર્યો,
“તમે કેમ કશું બોલ્યા નહીં?”
“પ્રેમ તો સદા જાગ્રત હોય, તેને ઢંઢોળવો ના પડે.”
“શું કહું પપ્પા, અહીંયાંની જિંદગી જ એવી છે. તમે ફરી ચોક્કસ આવજો. વચન આપું છું કે તમારું પૂરતું ધ્યાન રાખીશ.”
પ્લેનમાં બેસવા જતાં મેં પાછું ફરી વિષય સામે જોયું. પશ્ચાત્તાપથી ભરેલો ચહેરો જાણે મને કહેતો હતો,
“પપ્પા મેં તમને વગાડ્યું છે. માફ કરજો.”
મારી આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં.