ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પવનકુમાર જૈન/ઈપાણનું યૌવન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ઈપાણનું યૌવન

પવનકુમાર જૈન




ઈપાણનું યૌવન • પવનકુમાર જૈન • ઑડિયો પઠન: દિપ્તી વચ્છરાજાની


ઈપાણના ઓરડાનું વર્ણનઃ ઈપાણના ઓરડામાં એક ખૂણામાં ઝાડુ ઊભું છે. ભીંત પર મોટી તારીખોવાળું તારીખિયું ધ્યાન ખેંચે છે. બીજું, ઝાડુની સામેના ખૂણામાં ખાટલો; માત્ર એકચતુર્થાંશ ભાગ લખવા માટે વપરાતો હોવાથી ખાલી, અને બાકીનો ભાગ પુસ્તકો, નોંધો, કોષો વગેરેથી ભર્યો છે, એવું એક મેજ, ખાટલાની પાસે જ; જેથી ખાટલા પર બેસીને લખી શકાય; અને ત્રીજા ખૂણામાં એક સ્ટૂલ, જેની પર લખાણની કાપલીઓની બે ફાઈલો, અને તેમની પર માંડ પૂરાં એક જોડ ડૂચો વળેલ મેલાં કપડાં; સ્ટૂલ પાસે જ જમીન પર તદ્દન થોડાં પુસ્તકો, કપડાં સૂકવવા બાંધેલો લીલા રંગનો તાર, ખાટલા પર, આટલું જ રાચરચીલું.

ઈપાણનો શારીરિક દેખાવઃ એ ખાટલા પર બેઠો છે. ઊંડી ઊતરેલી અને નાની આંખો, ગોળ ફ્રેમનાં જાડા કાચવાળાં ચશ્માં પાછળ બેસી ગયેલા ગાલ. ગાલ પર અરબજરબ બેહૂદી દાઢી, આછી મૂછ, લઘરવઘર સૂકા વાળ. જરાય ટાલ નથી દેખાતી. વાળ મેલા, અને સાવ કાળા – ભૂખરા. ધોળો વાળ એકેય નહીં. ઠીક ઠીક લાંબો, હાડકાંની માળા જેવો માણસ. ચામડી ધોળા ઘઉં જેવી.

ઈપાણની ખાસ આદતોઃ નબળી આંખો હોવાથી, ચશ્માંમાંથી ઝાંખું દેખાય ત્યારે આંખો ઝીણી કરીને દૂરની વસ્તુઓ જોવાનો ભયંકર પ્રયત્ન કરે છે. ધૂમ્રપાન, મદિરાપાન વિશે, પોતાની જાત વિશે બોલતાં, પોતાનાં વ્યસનો વિશે ખૂબ બેચેની, અતિશય હાસ્ય, અને કાંપતા હાથપગ સાથે બોલતાં ઈપાણ ક્યારેય થાકતો નથી. કોઈ પણ મીઠાઈ એને ખૂબ ભાવે.

ઈપાણની શારીરિક આદતો: ખૂબ ધૂમ્રપાન કરવાથી શરીર સાવ થાકી જાય છે. ખાવાનું બહુ મોડું થાય તો એને સખત વેદના થાય છે. ખૂબ પાણી નિયમિતતાપૂર્વક પીને ખૂબ મૂતરે છે. છતાં ખૂબ ઓછું ખાઈને ચલાવી શકે છે. બગાસું ખાતાં હંમેશાં એની આંખમાં ખૂબ પાણી આવે છે. નાહવું ઈપાણને જરાય નથી ગમતું.

ઈપાણની પોતાના વિશેની માન્યતાઓઃ જૂનાપુરાણાં, ફાટલતૂટલ, મેલાંઘેલાં, લાંબાટૂંકાં કપડાં પહેરવાથી એ પોતાની વેદનાઓ, નિષ્ફળતાઓ, પોતાનાં સપનાં, પોતાની ઇચ્છાઓને, પોતાની સમગ્ર જાતને, દુનિયામાં રોજ હરવાફરવા છતાં, સફળતાપૂર્વક છુપાવી શકે છે. ઈપાણ પોતે ફકીર જેવો દેખાતો હોય એવી કલ્પનામાં રહે છે. એને એ ગમે છે.

ઈપાણની દુનિયા વિશેની માન્યતાઓઃ દરેક માણસ ઘણીબધી ગ્રંથિઓથી પીડાય જ છે. દુનિયા એટલે કોણ? એ પોતે જ નહીં? દુનિયાના લોકો જેટલું જાણે છે, દુનિયાએ જેટલું બધું અનુભવ્યું છે, તેના કરતાં એણે એટલું વધારે જાણ્યું અને અનુભવ્યું છે કે દુનિયાનેય એની ખબર નથી; એ બધું જ ખૂબ નાની ઉંમરે.

ઈપાણની ઉંમરઃ પચીસ વર્ષ પૂરાં; અને છવ્વીસમું ચાલે છે.

ઈપાણનો અવાજ: વાતચીતમાં મોટો અને સ્પષ્ટ. પણ એ ગાય ત્યારે હાસ્ય અને કંટાળો ઉપજાવે તેવો, ફાટેલા વાંસમાંથી હવા પસાર થાય તેવો.

ઈપાણની ચાલઃ કબરમાંથી નાઠેલ, પૂરઝડપે સરી જતા હાડપિંજર જેવી.

લોકો સાથેનું ઈપાણનું વર્તનઃ અજાણ્યાઓ સાથે તદ્દન ઓછું બોલે; અને અજાણ્યાઓને શંકાથી જુએ. સરળ અને નિખાલસ હોવાનો દેખાવ સારી રીતે અને લાંબા વખત સુધી કરી શકે. દુનિયાની ઉષ્માને એ સ્વીકારી શકે છે; પણ પોતે ઉષ્મા આપવાની બાબતમાં કંજૂસ છે. એ એમ પ્રયત્ન છતાંય નથી કરી શકતો. એટલે કાતરથી કાગળ કાપવા જેટલી સરળતાથી ઈપાણ સંબંધોને એકઝાટકે કાપી નાખી શકે છે, પરંતુ સૂતેલા સિંહને છંછેડવાની ભૂલ કદી નથી કરતો. ભાગ્યે જ સામેથી ચાલીને એ કોઈને બોલાવે છે. પણ કોઈ બોલાવે તો સારી અને નમ્ર રીતે વર્તવાનો ઇરાદાપૂર્વક પ્રયત્ન કરે છે. ન ગમતું ઘણુંબધું સહન કરવાનો પ્રયાસ કરે છે. કોઈનાય બંધનમાં ન આવી જવાય તે માટે ખૂબ દૂરી રાખવાનો પ્રયત્ન કરે છે; એ સદા અસ્વસ્થ અને નર્વસ રહે છે.

ઈપાણનું વિચાર-ભંડોળઃ સમાજ, રાજકારણ, નીતિ-નિયમો વગેરે વિશે એણે તદ્દન ઓછું વિચાર્યું છે. એ એટલો ખોવાયેલો અને ગૂંથાયેલો રહે છે કે એને વિચારવા માટે બહુ સમય નથી મળતો. વિચારવાનો સમય ક્યાં અને ક્યારે મળતો હશે, કોઈનેય? ઘણી વાર એ પોતાને તદ્દન અબુધ અને અસહાય જુએ છે. સાવ બીજાઓની જેમ. એ પોતાની જાતની દયા ખાવા જાય છે. પણ લગામ ખેંચી જાતને તેમ કરતાં અટકાવી દે છે.

કુટુંબ, મિત્રો પ્રત્યે જવાબદારી, લગ્નનું મહત્ત્વ, ભૂરું આકાશ, સૂર્ય, ભૂખ, મનુષ્યો અને પ્રાણીઓમાં સૌંદર્ય જોતા થવાની શરૂઆત ઈપાણે અનુભવી છે. જાણે કે પહેલી જ વાર એને ભાન થાય છે કે મનુષ્ય જેમ વધુ જીવે છે તેમ એ વધુ સુંદર, અને અરૂપને જોવાની ક્ષમતાને પામે છે. જીવન ભરચક બને છે; અને વધારે જીવવું ખરાબ નથી.

ઈપાણની ગમ્મત કરવાની રીતોઃ ઉંદરને પાંજરામાં પકડીને એ સળી ભોંકે છે. એનો અહિંસક આત્મા ડંખે છે. વ્યક્તિસ્વાતંત્ર્યપ્રિય આત્મા થથરે છે. પણ એ કહે છેઃ આ છડીલો. એણે મારું પેલું અપમાન કર્યું હતું તેની ઘોંચ. આ ગોખરું. એણે મારું અમુક અપમાન કરેલું તેની આ સજા. અને એ ઉંદરને એ સળીથી ફરી ઘોંચે છે. થોડા માણસોને ઉંદરના માધ્યમ દ્વારા એમ સજા કરીને એ ખુશ થાય છે.

જ્યાં ઘણી કીડીઓ હોય ત્યાં પાણીનાં થોડાં ટીપાં પાડીને ફટાફટ કૂંડાળાં રચી એ કીડીઓને પૂરી દે છે. પછી આંગળીથી પાણીને ફેલાવતો ફેલાવતો એ કૂંડાળું તદ્દન નાનું કરી નાખે છેઃ અને છેવટે ફૂંક મારીને એ કીડીને પાણીમાં તરફડતી જુએ છે. અને વિચારે છેઃ હે જીવ, આમ જગત ઘેરી વળતું જાય છે, અને મોત આવે છે. એ આનંદ પામે છે. પણ કીડીને એ મરી જાય કે બેભાન થાય તે પહેલાં પાણી બહાર કાઢીને ફરી જીવતદાન આપવાની પ્રસન્નતા મેળવે છે.

જીવનમાં ઈપાણનું ધ્યેયઃ વધારેમાં વધારે મનુષ્યોને સુખી કરવા.

એ બાબત ઈપાણે લીધેલ પગલાંઃ પોતાની જાતને અનુભવ અને જ્ઞાનથી સમૃદ્ધ કરવા, જીવનમાં પોતાના ભોગે, એણે અવનવા અનુભવોને લગતા પ્રયોગો કરવાનાં મોટાં જોખમો ખેડ્યાં છે.

એ પગલાંનાં પરિણામ, અને ધ્યેય-સિદ્ધિનું પરિમાણ: ઈપાણનું મગજ છિન્નભિન્ન થઈ વેરાતું લાગે છે. પોતાનાં મન અને લાગણીઓ ઉપરનો કાબૂ ઈપાણ ગુમાવી બેસતો જણાય છે. ટૂંકમાં એ વ્યથિત અને નિરાશ જણાય છે. એના પ્રયોગો ખૂબ વ્યક્તિગત અનુભવની મૂડીના રૂપમાં જ રહે છે; એને કે સમાજને એનો કોઈ ‘ઉપયોગ’ નથી. એ બહુજન સમુદાયને સુખી કેવી રીતે કરી શકે? એને અને સમાજને એનું જીવન અસહ્ય રીતે ભારરૂપ જણાય છે. એને અને સમાજને એના ભવિષ્ય વિશે ભયંકર ચિંતા થાય છે. ઈપાણ વિચારે છેઃ એ દેવદૂત થવા ગયો, પરંતુ મનુષ્ય પણ ન રહ્યો.

ઈપાણ બકરા તરીકેઃ છ વર્ષ પછી પોતાની કૉલેજ-લાઇબ્રેરીના કર્મચારીને એ મળે છે. કર્મચારી અને મહામુસીબતે ઓળખી કાઢતાં કહે છેઃ ભલા ભાઈ, તારા શરીરનો આ તેં શું સત્યાનાશ કર્યો! આ તારી દાઢીથી તો તું અદ્દલ બકરા જેવો દેખાય છે. અને કર્મચારી ખડખડાટ હસી પડે છે.

એને થાય છે કે પોતે બદામી રંગનો મુડદાલ, જેની જીભ બહાર લટકી પડી છે તેવો, તૂટેલાં શિંગડાંવાળો બકરો છે. એને કાપવો પડે તો ખાટકીને પણ આનંદને બદલે કાપવાની મહેનત માથે પડ્યાનું દુઃખ થાય.

ઈપાણ ઈસુ ખ્રિસ્ત તરીકેઃ એ જ દિવસે ઈપાણની કૉલેજના પાદરી મળે છે. થોડી મહેનત પછી ઈપાણને ઓળખી કાઢતાં જ એ કહે છેઃ દીકરા, તું આટલો દૂબળો તો ક્યારેય ન હતો. મને તારી આ દશા જોઈ દુઃખ થાય છે.

એને થાય છે કે પોતે ઈસુ ખ્રિસ્ત છે. એક્રૂસ પર જડાયેલ છે. માથું ઢળી પડ્યું છે. હાડકાં-પાંસળાં અક્કડ થઈ ગયાં છે અને માંસ તો દૂર રહ્યું; શરીર પર ચામડી પણ નથી રહી. જગતમાં પાપો અને દુઃખો નથી ઘટી શક્યાં.

ઈપાણ એક બિહામણા દૃશ્ય તરીકે: એના પિતા અવારનવાર પીડાપૂર્વક ચિત્કારી ઊઠે છેઃ બેટા, તું મારી કેટલી આશાઓ, મારાં કેટલાં સપનાં તોડી નાખે છે. પોતાની જાત પર દુનિયાનું વેર ન કાઢ. તારું શરીર જોતાં જ હું છળી મરું છું. ઊઠતાં, બેસતાં, સૂતાં હું તારા વિશે વિચારતાં છળી મરું છું. કંઈક તો સમજ.

ઈપાણ વિચારે છે. પોતે ક્ષયના દર્દી કરતાંય, અરે, અસ્થિપિંજર કરતાંય બિહડ લાગે છે. એ ખૂબ કામ કરે છે છતાં દુનિયાના સામાન્ય માણસ જેટલું કામ રોજ નથી કરતો. મનના અરીસામાં એ પોતાને એક ભયંકર, ચોટલીવાળો, મોટા દાંતવાળો દૈત્ય જુએ છે. જાણે કોઈની ઇચ્છાથી ઘસાયેલ જાદુઈ દીવામાંથી એ ઊઠી આવે છે; કામ કરે છે, અને ગુમ થઈ જાય છે. એનું જીવન અને રહેઠાણ જાદુઈ દીવામાં જ છે.

ઈપાણ ધૂળ તરીકેઃ ઈપાણ એક ફિલ્મ કંપનીના મૅનેજરને મળવા જાય છે. મેનેજર એને પ્રેમથી બેસાડીને કહે છે: ભાઈ, તારું સ્વાસ્થ્ય સુધાર. હું તને એક વડીલ મિત્ર તરીકે જે કોઈ બીજું ન કહે તે સ્વાર્થ વગર કહું છું. કોઈ જુવાન છોકરી તારી સામે જોવું પસંદ ન કરે. વ્યસનો છોડી દે.

એને થાય છે એ ધૂળ છે; અને એને બેદરકારીથી કચડતી રૂપાળી જુવાન છોકરીઓ પસાર થઈ જાય છે.

ઈપાણ એક માંદા-ઘરડા માણસ તરીકેઃ ઈપાણ લગભગ છ વર્ષ પછી પોતાનાં એક સ્ત્રી-અધ્યાપકને મળતો હોય છે. એ સ્ત્રી ખૂબ મહેનત પછી એને ઓળખે છે અને આંચકો અનુભવીને કહે છેઃ તું? તું માદક દ્રવ્યો લેતો હતો? તને ખબર છે, તારા એક અધ્યાપક નશાને કારણે જ તાજેતરમાં અવસાન પામ્યા? તું પચ્ચીસનો, પણ માંદા ઘરડા માણસ જેવો લાગે છે. ભલા, તારા સ્વાસ્થ્યની તને નથી પડી? હે ભગવાન!

એ ખૂબ ગભરાઈને વિચારે છેઃ હું ઘરડો માણસ. હું માંદો માણસ. મારા વાળ કાળા; દાંત મજબૂત અને અકબંધ, હું પચીસ જ વર્ષનો. જીવનમાં હજી મારે ઘણું કરવાનું છે અને હું ઘરડો અને માંદો? એ ગાભરો બને છે. ધ્રુસકે ધ્રુસકે રડવાનો વિચાર કરે છે. આત્મઘાત કરવાનો વિચાર કરે છે. એ પોતાના બીજા મિત્રોને એ સ્ત્રી-અધ્યાપકે જે કહ્યું તે કહે છે. મિત્રો કહે છે કે એ સ્ત્રી-અધ્યાપકની વાત તદ્દન સાચી છે. એ આશ્ચર્ય પામે છે કે નજીકના, અંગત મિત્રો પણ એવું કહે છે. મિત્રો કહે છે કે એ સત્ય છે. એ બેબાકળો બની જાય છે.

ઈપાણ મોતના ઘાટ ઉપરઃ એ જ સાંજે ઈપાણ એક સાહિત્યકાર મિત્રને કહે છે કે એ ખૂબ બેચેન છે, કારણ કે અધ્યાપકે એને એવું કહ્યું. સાહિત્યકાર મિત્ર કહે છે કે જે માણસો નશો કરે છે અને નશાના શિકાર બને છે તેઓ પોતાના સર્વનાશને નોતરે છે.

ઈપાણને દેખાય છે કે પોતે પચીસ વર્ષનો, સાબૂત અંગોવાળો, ઘરડો ખખ્ખ ડોસો છે; અને ચકરાવા લેતાં કાગડા, સમડી, ગીધોની વચ્ચે મોતના વેરાન ઘાટ પરથી જહેમતપૂર્વક ઊતરી રહ્યો છે.

સાંજે એ એકલો પડે છે. એ નક્કી કરે છે કે એ ઘરડો નથી, માંદો નથી. એ એકાએક હસી પડે છે.

ઈપાણ ફુગ્ગા તરીકેઃ ઈપાણ વિચારે છે કે પોતે કંઈક દવાઓ, ગોળીઓ, ખૂબ ખોરાક ખાઈને ફૂલી જાય. એ દુનિયાને બતાવી આપે કે એ ઘરડો નથી, એ માંદો નથી. ઈપાણ હસી પડે છે.

એને થાય છે કે ખાઈખાઈને પોતે ફૂલીને મસમોટા ફુગ્ગા જેવો થઈ ગયો છે. અને મોજથી મંથર ગતિએ ટહેલી રહ્યો છે.

હકીકતનો સામનો કરવાના ઈપાણના પ્રયાસોઃ એ હસવા જાય છે. હસી જ નથી શકતો. એ રડવા જાય છે. આંખમાં આવતાં પહેલાં જ આંસુ થીજી જાય છે. એ વિચારવાનો પ્રયત્ન કરે છે. મગજ બહેર મારી જાય છે.

કથાનો સારઃ ઈપાણ વિચારે છે કે કેટલાક લોકોને બાલ્યાવસ્થાથી આગળ વધતાં એટલો પરિશ્રમ પડે છે કે તેઓ ઘરડા અને માંદા થઈ જાય છે.