ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પારુલ કંદર્પ દેસાઈ/એક ડગલું આગળ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
એક ડગલું આગળ

પારુલ કંદર્પ દેસાઈ




એક ડગલું આગળ • પારુલ કંદર્પ દેસાઈ • ઑડિયો પઠન: શ્રેયા સંઘવી શાહ



નિશા ઘીમાં સોજી હલાવે છે. ધીમા તાપે સોજી શેકાતી જાય છે. ટેવાયેલા હાથે તાવેથો સોજીમાં ફર્યા કરે છે. સોજીનો દાણો લાલાશ પકડતો જાય છે ને ઘીની મનગમતી સુગંધ ઘરમાં ફરી વળી છે. નિશા જાણે શૂન્યાવકાશમાં જોઈ રહી હોય તેમ શેકાતી સોજી સામે જોઈ રહી છે. તેનું ચિત્ત અહીંયાં નથી તે સમજાય છે. પણ ટેવાયેલા હાથ સોજીમાં ગરમ દૂધ નાખે છે, છમકારો થાય છે, ખદબદ ખદબદ થતી સોજીમાં તે ખાંડ નાંખે છે. ઘી છૂટું પડતા એલચી નાખે છે. કિરીટને કાજુ-દ્રાક્ષ પણ જોઈએ શીરામાં, તે પણ નાખે છે. કિરીટ ઘરમાં હોત તો આ સુગંધથી ખેંચાઈ આવ્યો હોત રસોડામાં… બસ, નિશિ, આ શીરો અને શીરા જેવી તું… જીવનમાં આ બે ચીજ અતિપ્રિય અને અનિવાર્ય છે મારે માટે. એ ન હોય તો જીવન નકામું થઈ જાય… નિશાને ગમતી કિરીટની આ ઉપમા. શીરા જેવી તે. ઘીથી તરબતર, સ્વાદિષ્ટ અને સમૃદ્ધ. પણ અત્યારે આ બધું યાદ આવતા તેના હોઠ સહેજ વંકાયા. શીરાનો એક બીજો અર્થ તેના મનમાં પડઘાતો હતો. તરત ગળે ઊતરી જાય છે. એક ક્ષણ તો તેને થયું ફેંકી દે આ શીરાને અથવા તો ખવડાવી દે કૂતરાને. દઝાડનારા અણગમાથી તે શીરા સામે જોઈ રહી. પછી કિરીટને ગમતા કાચના પારદર્શક બાઉલમાં શીરો કાઢ્યો. બટાકાંનું રસાવાળું શાક કાચના બીજા બાઉલમાં કાઢ્યું. પૂરી નહીં, ત્રિકોણિયા પરાઠાં, કિરીટને ભાવતાં, સહેજ મરી અને જીરું નાખીને બનાવેલાં. પરાઠાંના ત્રણેય ખૂણા એટલા સરસ કે જાણે ભૂમિતિ ભણતી વેળા કોઈ હોશિયાર વિદ્યાર્થીએ દોરેલો ત્રિકોણ. કિરીટને ગમતું આ બધું. માત્ર જમવાનું એવું નહીં, શોખથી જમવાનું. ડાઇનિંગ ટેબલ પર આકર્ષક રીતે બધું ગોઠવાયેલું હોય અને એ પણ દેખાય એ રીતે તો એની મજા જ જુદી છે. અને તેને પણ બૅંકની નોકરીમાંથી ખાણીપીણીની આ સાજ-સજાવટ માટે સમય મળી રહેતો. કિરીટને ખાવાનો શોખ એટલે તો પોતે રસોઈ બનાવવાનો શોખ કેળવી લીધો હતો.

ડાઇનિંગ ટેબલ પર બધું જ બરાબર સજાવીને નિશાએ સંતોષની એક નજર ફેરવી. હં, હવે બધું બરાબર છે. કિરીટ ખુશ થઈ જશે. તે જમી લેશે પછી તેની સાથે પૈસાની વાત કરી શકાશે. એકદમ જાણે વીજળીનો કરંટ લાગ્યો હોય એમ નિશા ઊભી થઈ ગઈ અને રૂમમાં આમતેમ આંટા મારવા લાગી. શેને માટે તે આ બધું કરે છે? કિરીટ પાસે પૈસા લેવા માટે? અને એ પણ પોતાની કમાઈના પૈસા? આ ડર, આ સંકોચ, આ ક્ષોભ કેમ? જો કિરીટ તેને પ્રેમ કરે છે તો તે ગભરાય છે કેમ એનાથી? નિશાને થયું કે તે નીચે ને નીચે ઊતરતી જાય છે. પોતાના પર તિરસ્કારની લાગણી તેને ચારેબાજુથી ઘેરી વળી. પણ આજે તો પૈસા માંગવા જ પડશે કિરીટ પાસેથી. ગુડ્ડીની જિંદગીનો સવાલ હતો. રેણુકાની ગુડ્ડી. સોસાયટીના ઝાંપા પાસે રમતી હતી ને એક સ્કુટર ટક્કર મારીને નીકળી ગયું. પછી તો હૉસ્પિટલ… ઇમર્જન્સી વૉર્ડ. ગુઠ્ઠીને માથામાં વાગ્યું હતું. પરમદિવસે ઑપરેશન હતું. જો પૈસા નહીં ભરાય તો… એણે રેણુકાને સધિયારો આપ્યો હતો કે કાલે કોઈ પણ રીતે તે પૈસાની વ્યવસ્થા કરી દેશે. રેણુકા પરપ્રાંતીય હતી. એની નિકટનું એવું કોઈ અહીંયાં નહોતું કે જે તાત્કાલિક એને પૈસા આપી શકે. બૅંકમાં સાથે કામ કરતા, સાથે ચા-નાસ્તો કરતાં એક સહજ આત્મીયતા કેળવાઈ હતી તેની સાથે. પતિના મૃત્યુ પછી તે એકલી રહેતી હતી. સાત વર્ષની દીકરી ગુડ્ડીની જવાબદારી સાથે. અહીંયાં તેનું કોઈ નહોતું, પણ આ નોકરીને કારણે ટકી રહી હતી. આખાબોલી હતી તે, પણ નિશાને એની સાથે ફાવતું હતું.

હજુ બે દિવસ પહેલાં જ બૅંકમાં પગાર જમા થઈ ગયો હતો. એટલે મનમાં શાંતિ હતી કે વાંધો નહીં આવે. નિશાએ એ.ટી.એમ.માં કાર્ડ સ્વેપ કરી જોયું તો ફૂલ એ.સી.માંય તેને પરસેવો વળી ગયો. માત્ર પાંચ હજાર, ગભરાઈને તેણે મિની સ્ટેટમેન્ટ કાઢ્યું. આગલે દિવસે જ પૈસા ઊપડી ગયા હતા, તેના ખાતામાંથી! પચાસ હજાર! તેના જ ચેકથી. એટલે કિરીટે ફરીવાર પૈસા ઉપાડ્યા હતા. પૂછવાની તો વાત જ નહીં, પણ જાણ સુધ્ધાં ન કરી? હા, તેણે સાઇન કરી દીધી હતી કિરીટને બ્લૅન્ક ચેક પર. એટલે… એટલે.. પણ એટલે શું?

બહારથી અવાજ આવ્યો. મૅડમ, જલદી કરો. બહાર મોટી લાઇન થઈ ગઈ હતી. ઢસડાતા પગલે તે બહાર નીકળી. લાઇનમાં કોઈક બોલ્યુંય ખરું… ‘તબિયત સારી નથી લાગતી.’ એક કોલેજિયન છોકરીએ પૂછ્યુંય ખરું ‘મૅડમ, કંઈ હેલ્પ જોઈએ છે?’ ડોકી ધુણાવી તે આગળ ચાલી. શું કહેશે રેણુકાને તે? કિરીટને ફોન જોડ્યો. એક વાર…બે વાર… ત્રણ વાર. ‘જિસ નંબર સે આપ સંપર્ક કરના ચાહતે હૈં વો અભી વ્યસ્ત હૈ. કૃપયા થોડી દેર બાદ પ્રયાસ કીજીએ. ધન્યવાદ.’ એટલે કે કિરીટ ફોન કાપી નાખે છે!! પૂછીશ તો કહેશે ‘ક્લાયન્ટ સામે બેઠા હતા ત્યારે તારી સાથે કેવી રીતે વાત કરું? જો જરૂર હોય ત્યારે વાત ન થઈ શકવાની હોય તો આ મોબાઇલનો અર્થ શો? અને કિરીટ જાણે છે કે અનિવાર્ય હોય તો અને ત્યારે જ તે ફોન કરે છે તોય…… અને કિરીટ જ્યારે તેને ફોન કરતો ત્યારે ગમે તેવા કામ વચ્ચે ય તે ઉપાડતી, એટલે જ તેની રિંગટોનેય અલગ જ રાખી હતી તેણે. એક જ વાર તે ફોન નહોતી ઉપાડી શકી અને કિરીટ ધૂંઆપૂંઆ. બે દિવસ તેની સાથે સરખી રીતે બોલ્યોય નહોતો. તેણે તો કયારેય એવી ફરિયાદ કરી નહોતી.

લથડતે પગલે ઘેર પહોંચી નિશા તાળું ખોલવા ગઈ તો દરવાજે લટકતા બૉર્ડ પર નજર ગઈ. ‘નિકિરી’ ઘરનું નામ રાખ્યું હતું કિરીટે. નિશાએ કહ્યું હતું ‘કશોક અર્થ નીકળે એવું નામ રાખીએ તો?’ પણ કિરીટે કહ્યું હતું ‘આ આપણું ઘર છે. તારા પૈસાથી ખરીદાયેલું એટલે પહેલાં તારું નામ પછી મારું. આ આપણું સાયુજ્ય જ મોટો અર્થ નથી? નિશા ખુશ થઈ ગઈ હતી. કિરીટનું આ વાક્પ્રભુત્વ. સાવ જ જુદી રીતે વિચારવાની તેની આ રીત. પરજ્ઞાતિના આ યુવાન સાથેની મૈત્રી જ્યારે જુદા સ્વરૂપે વિકસીને પરિણયનું રૂપ પામી તેનો ખ્યાલ જ ન આવ્યો. એના મિલન માટે જાગતી તીવ્ર ઇચ્છા, સતત એને મળવાની ક્ષણની પ્રતીક્ષા. વાતે વાતે એને અડકી લેવાની આતુરતા. મનમાં થતું, એના વગર નહીં રહી શકાય! રૂઢિચુસ્ત પિતા આ સંબંધ નહીં સ્વીકારે તે જાણતી હતી. તેથી શું? એક નશો હતો તે સમયે. મનનું ધાર્યું કરવાનો. બૅંકમાં નોકરી મળી ગઈ હતી. મમ્મી-પપ્પા તેના પૈસાને હાથ નહોતા અડાડતા એટલે બૅંકબૅલેન્સ પણ ખાસ્સું હતું. કિરીટ સાથે ભાગીને લગ્ન કરવા તૈયાર થઈ એનો પણ સધિયારો હતો. બૅંકમાં પડેલી એ બચતમાંથી જ આ ઘર ખરીદાયું હતું. નિશાની નિશ્ચિત આવક હતી દર મહિનાની. એનાથી જ બધું ચાલતું. કિરીટ ઍડ્વર્ટાઇઝિંગ કંપનીમાં કામ કરતો. અનિશ્ચિત આવક હતી તેની. મળે ત્યારે અઢળક અને ઘણા મહિનાઓ ખાલી પણ જતા. એટલે જ કિરીટે માગી અને નિશાએ પોતાની ચેકબુક આપી દીધી હતી તેને, સહી કરીને. કશું અજુગતું કે અસ્વાભાવિક નહોતું લાગ્યું તેને.

મિલનના સુઘટ્ટ લાગતા બંધમાં પહેલી નાનકડી તિરાડ ક્યારે પડી હતી! પહેલાં તો નિશાથી મનાયું જ નહીં કે કિરીટ આ રીતે વર્તી શકે. પણ પછી તો વારંવાર એને પ્રમાણ મળવા લાગ્યાં. સવારના ઊઘડતા આકાશ જેવું એ જીવન લાલાશનો રંગ પકડે ન પકડે અને દઝાડે એવા તાપમાં ફેરવાઈ ગયું હતું.

એક વાર કિરીટ સાથે તે ખરીદી કરવા ગઈ હતી. રસ્તામાં તે ચંપલની દુકાન પાસે ઊભી રહી ગઈ. એક મોજડીએ તેનું ધ્યાન ખેંચ્યું. નજીક જઈને જોયું તો ઉપર સરસ ભરત ભરેલું હતું. તેને એકદમ ગમી ગઈ. કિંમત પણ ઓછી હતી. પણ કિરીટે તરત મોઢું બગાડીને કહ્યું, ‘સાવ તકલાદી છે. તારે શા માટે આવી મોજડી પહેરવી જોઈએ?’ તરત ડાબી બાજુ પડેલી પ્યોર લેધરની મોજડી બતાવી કહ્યું ‘જો, આ કેટલી સરસ છે?’

‘પણ એની કિંમત આના કરતાં ડબલ છે. નિશાએ દલીલ કરતાં કહ્યું હતું.

‘તો શું થયું? તું પહેરી તો જો. કમ્ફર્ટેબલ લાગે છે ને?’

કિરીટની વાત સાચી હતી. મોજડી ટકાઉ હતી ને કમ્ફર્ટેબલ પણ હતી. કિરીટને તે કહી શકી ન હતી કે ભલે ટકાઉ ન હોય, તેને તો પેલી મોજડી જ જોઈતી હતી. ભલે લાંબો સમય ન ચાલે. થોડો વખત પહેરી હોત તોય ગમતું પહેર્યાનો સંતોષ થાત. પણ કિરીટ સાથે એવું થતું નહીં. નિશાએ ઘરમાં નજર ફેરવી. બધું જ સરસ રીતે ગોઠવાયેલું હતું. પડદા, ચાદર, વૉલપીસ, દીવાલનો આછો આસમાની કલર, કેટકેટલી જગ્યાએ ફરીફરીને કિરીટે આ બધું પસંદ કર્યું હતું. નિશા તેની સાથે જ હોય પણ કોઈ પણ વસ્તુ લેવી કે ન લેવી એ તો કિરીટ જ નક્કી કરે! નિશાએ માત્ર મલકીને સંમતિ આપવાની.

એક વાર કિરીટને કયાંક બહારગામ જવાનું થયું. દિવાળી નજીક આવી રહી હતી. નિશાને થયું કે આજે પોતાની પસંદગીની ખરીદી કરે. નૅશનલ હૅન્ડલૂમમાં તે રેણુકા સાથે પહોંચી ગઈ. એક જ આઇટમની કેટલી બધી વેરાઇટી! ખરીદેલી બધી વસ્તુ કિરીટને બતાવવાના ઉત્સાહ સાથે હરખાતી હરખાતી તે કિરીટની રાહ જોવા લાગી. કિરીટે ઘરમાં પગ મૂકતાં જ તેનો ઊધડો લીધો, ‘કોણે તને કહ્યું હતું આવો કચરો ઉપાડી લાવવાનું? આ કપ-રકાબીમાં ફૂલોની ડિઝાઇન તો જો, સાવ કૉમન છે… અને ચાદરનો આટલો ડાર્ક કલર? વસ્તુ પારખવાની અક્ત ન હોય તો ખરીદી કરવા જાય છે શું કામ? પૈસા શું આમ વેડફી નાખવાના?’ નિશાથી કશું જ બોલાયું ન હતું. આંસુને પી જઈ તે ચૂપચાપ રસોડામાં જઈ કિરીટને ભાવતી રસોઈ બનાવવા લાગી હતી. એક વાર નિશા એની બહેનપણીની ઍનિવર્સરીમાં ગિફ્ટ આપવા માટે સરસ નકશીદાર ફ્લાવરપૉટ ખરીદી લાવી હતી. એ જોઈને કિરીટે મોઢું એવી રીતે બગાડ્યું હતું કે એક ક્ષણ તો નિશાને થયું કે ફ્લાવરપોટમાં તિરાડ તો નથી ને?

પછી તો આ રોજનું થયું હતું. નિશા કશું પણ ખરીદીને લાવે, કિરીટને તે ક્યારેય ન ગમતું. નિશાને પણ ધીમે ધીમે એવું લાગવા માંડ્યું હતું કે એને ખરીદી કરતાં નથી આવડતું, કે પોતાના કરતાં કિરીટ વધારે સારી રીતે ખરીદી કરી શકે છે. તેનામાં ખાસ કોઈ આવડત નથી. તે નકામી છે. નિરુપયોગી છે. ધીમે ધીમે કિરીટે પૈસાનો વહીવટ પણ પોતાના હાથમાં લઈ લીધો હતો. નિશાને તે શાકભાજી-કરિયાણાના પૈસા આપતો અને એનો પણ પૂરો હિસાબ માગતો. હિસાબ અને ચોકસાઈમાં તો તેય માનતી હતી. પણ આ ગણતરી… એક વાર કામવાળીની દીકરી માંદી હતી. તેણે તરત દવા માટે બસો રૂપિયા આપ્યા. કિરીટને ખબર પડી એટલે ગુસ્સાથી લાલચોળ. ‘તને બધાં આમ જ છેતરી જાય છે. દિવસો સુધી એની કચકચ ચાલી હતી.

નિશાને માટે આ અનુભવ નવો હતો. એણે તો જોયું હતું કે પપ્પા આખો પગાર મમ્મીને આપી. દેતા હતા. ઘરનો બધો વ્યવહાર મમ્મીના હાથમાં હતો. મમ્મી જ બધાંને પૈસા ચૂકવતાં હતાં. પપ્પાને જરૂર પડે મમ્મી પાસે પૈસા માગતા હતા. પપ્પાએ ક્યારેય મમ્મી પાસે હિસાબ માગ્યો ન હતો. વિશ્વાસનો સંબંધ હતો એ. કિરીટે કેમ કયારેય… આ એ જ કિરીટ હતો જેને માટે તેણે પોતીકાંને અવગણ્યાં હતાં?

ધીમે ધીમે, ગૌરવના આસનની કણીઓ ખરતી જતી હતી. ખેરવવામાં આવતી હતી. કદાચ કિરીટ આ વિશે સભાન ન હતો કે પછી હતો?

લગ્ન પછી કિરીટનું એક નવું જ રૂપ આવ્યું હતું નિશાની સામે. તે બેફામ ખર્ચાઓ કરતો. ક્યારેક બિનજરૂરી ખરીદી કરતો અને મિત્રો પાછળ પણ પૈસા ઉડાડતો. તેની પાસે કેટલું બૅંકબૅલેન્સ છે એ પણ ક્યારેય નિશાને ન કહેતો. ત્યારે નિશાને ગુસ્સો આવતો, અકળામણ પણ થતી. ઘણી વાર તેને થતું કે તે કિરીટને કહે કે આમ આડેધડ પોતાના ખાતામાંથી પૈસા ન ઉપાડે. પણ પછી તેને વિચાર આવતો, ‘તેને આમ કહીશ તો વિચિત્ર લાગશે? નહીં ગમે? મારા વિશે શું ધારી લેશે?’ તો ક્યારેક એવો વિચાર આવતો. ‘મેં જાતે જ એને ચેકબુકમાં સહી કરી આપી છે. એનું મન દુભાય એવું મારાથી કેમ કરાય?’ બૅંકમાં ઘણી વાર તેને શરમજનક સ્થિતિમાં મુકાવું પડતું ત્યારે નિશાને લાગતું કે ‘આજે તો કિરીટને કહી જ દેવું છે, કે ગમે તે થાય… મને મારી ચેકબુક આપો ને આપો જ. હું કમાઉં છું.’ સતત ગળતા નળમાંથી ટપકતાં પાણીનાં ટીપાંની જેમ નિશાના મનમાં આ મનોસંઘર્ષ ચાલતો રહેતો જેને કારણે આટલાં વર્ષોમાં તે કિરીટને ક્યારેય એવું ન કહી શકી કે ‘મારી ચેકબુક મને આપી દો’, અથવા તો હું તમને હવે ચેકમાં સહી નહીં કરી આપું.’

આરવનો જન્મ. જીવનની પરમ સુખદાયી ક્ષણો. એની સાથે જાણે નિશાનું બાળપણ પાછું આવ્યું હતું. કિરીટ પણ બદલાયેલો બદલાયેલો લાગતો હતો. જેમ જેમ આરવ મોટો થતો ગયો, સમજણો થતો ગયો એમ જાણે નિશા વધારે ને વધારે સંકોચાતી ગઈ. આરવને પપ્પા પાસેથી પૈસા મળતા, મમ્મી પાસેથી નહીં. એટલું જ નહીં, આરવ માટે રમકડાં ખરીદવાનાં તો કોણે? પપ્પાએ. મમ્મીને ક્યાં કશું ખરીદતાં આવડે છે? તેની દૃષ્ટિમાં પણ મમ્મીને સારી રસોઈ કરવા સિવાય કંઈ આવડતું નથી એમ વંચાતું અને નિશા ઘવાતી-કહો કે સહમી જતી. પહેલાં તો એકલો કિરીટ, હવે તેમાં આરવ પણ ઉમેરાયો. તેને એવું લાગતું કે ગળતી જાય છે — ઓગળતી જાય છે તે બરફના ટુકડાની જેમ થોડા સમય પછી તો કદાચ તે હશે જ નહીં. ક્યારેક તું શીરાની જેમ ખવાતી જાય છે કિરીટ — આરવની નજરોમાં. ત્યારે તેને વિચાર આવતો. ‘દીકરી હોત તો?’ તેની તો ઇચ્છા હતી બીજા સંતાનની. પણ કિરીટે ત્યાંય તેનું ચાલવા દીધું ન હતું. આરવ હોશિયાર હતો ભણવામાં. કોમ્યૂટરના ફિલ્ડમાં આગળ અભ્યાસ કરવા દસમા ધોરણ પછી તરત જ પૂના જતો રહ્યો હતો. આટલી નાની ઉંમરે એકલો રહે એ નિશાને નહોતું ગમ્યું પણ એની મહત્ત્વાકાંક્ષા પાસે તે હારી ગઈ હતી. બચેલી મૂડી એમાં વપરાઈ ગઈ હતી. તે ફોન કરતો ત્યારે તેને કહેતો, ‘મમ્મા, તારી રસોઈ ખૂબ યાદ આવે છે.’ બસ, પછી પપ્પા સાથે કલાકો સુધી વાતો કરતો. સ્કાઈપમાં પણ તેને તો દીકરાને જોવાનો જ સંતોષ માનવો પડતો.

કિરીટ ક્યારે આવશે હવે? નિશાએ ઘડિયાળમાં જોયું. નવ…ત્યાં જ જાળી ખૂલવાનો અવાજ સંભળાયો. ‘વાહ, ભાવતાં ભોજન છે ને?’ ટી. વી. ચાલુ કરીને કિરીટ જમવા બેસી ગયો. નિશા કશીક અપેક્ષાથી તેની સામે જોઈ રહી પછી પાપડ શેકીને ત્રિકોણ આકારમાં વાળીને તેની થાળીમાં મૂક્યો. ‘કિરીટ, મારે તમને એક વાત કરવી છે.

‘હં, બોલ ને…’ કિરીટે કહ્યું તો ખરું પણ તેનું સંપૂર્ણ ધ્યાન ટી. વી.માં આવતા સમાચારોમાં હતું. આ તેનો નિત્યક્રમ હતો. નિશાને થતું ‘આખો દિવસ તો બંને બહાર રહીએ છીએ તો જમતાં જમતાં થોડી વાતો થાય છે? પહેલાં તો કેવા ઉત્સાહથી બંને દિવસ આખાના અનુભવો વર્ણવતાં ને આખા દિવસનો થાક ઊતરી જતો. ક્યારે, કેવી રીતે બંધ થઈ ગયું એ બધું! અને આ ઉપેક્ષા, અવહેલના, ઉપાલંભ…’ કિરીટ તો જમીને ઊભો થઈ ગયો અને લૅપટૉપ લઈને બેસી ગયો. રસોડું આટોપીને તે લૅપટૉપમાં એકાગ્રતાથી કામ કરતા કિરીટ પાસે જઈ ઊભી રહી… ‘કિરીટ.’ કિરીટે કંઈ જવાબ ન આપ્યો. ‘કિરીટ, હું તને કહું છું.’

‘હં.’ કિરીટે લૅપટૉપમાંથી નજર ફેરવ્યા વિના પૂછ્યું, ‘શું છે?

‘મારે પૈસા જોઈએ છે.’

‘આ મહિને તો મેં તને પૂરા પૈસા આપ્યા છે. હવે શું છે?’

‘રેણુકાની દીકરીને ઍક્સિડન્ટ થયો છે. તે હૉસ્પિટલમાં છે અને તેને ઑપરેશન કરવા તાત્કાલિક પૈસા ભરવાના છે.’ એકશ્વાસે નિશા બોલી ગઈ.

‘તે એમાં તારે શું?’

‘એને મારા સિવાય અત્યારે પૈસા આપી શકે એવું કોઈ નથી, પચાસ હજાર જો તાત્કાલિક નહીં ભરાય તો ઑપરેશન નહીં થાય.’

‘પ…ચા…સ હજાર? આપણી પાસે એટલા પૈસા ક્યાં છે? ‘કિરીટનો ઉપહાસભર્યો સ્વર નિશાને ઝેરી તીરની જેમ ખૂંચ્યો.

‘કિરીટ, કાલે જ તેં મારા ખાતામાંથી પૈસા ઉપાડ્યા છે… તે વાક્ય પૂરું કરે તે પહેલાં જ કિરીટ બરાડી ઊઠ્યો.

‘એટલે તું મારી જાસુસી કરે છે?’

નિશા ધ્રૂજી ગઈ. વાત બીજે પાટે ચડી ગઈ હતી. હવે તે કશું પણ બોલે… અવળો અર્થ લેવાવાનો હતો. હવે તો સવારે જ વાત કરવી પડશે!

રાત્રે નિશાને ઊંઘ ન આવી. કિરીટ ઘસઘસાટ ઊંઘતો હતો. કેવો વહાલસોયો લાગતો હતો! એક વાર તે માંદી પડી હતી. મેલેરિયા કે એવું કંઈક. કિરીટ ત્રણ દિવસ સુધી તેનું બધું જ કામ છોડીને એની પાસે બેસી રહ્યો હતો. રસોઈ કરતાં તેને નહોતી આવડતી તો ક્યાંકથી મહારાજને શોધી લાવ્યો હતો. મહારાજે જેવી રસોઈ બનાવી તેવી કચકચ કર્યા વિના ખાઈ લીધી હતી. ‘તને અગવડ પડતી હોય તો મહારાજને કાયમ રાખી લે.’ નિશાને તેણે કહ્યું હતું. નિશાએ ના પાડી હતી.

છેલ્લા કેટલાય સમયથી તે પ્રમોશન સ્વીકારતી નહોતી. પ્રમોશન સ્વીકારે તો બહારગામ જવું પડે. કિરીટથી દૂર જવું પડે અને કિરીટ વિના તે રહી શકે તેમ નહોતી. કિરીટના સંરક્ષણમાં તે પોતાને સુરક્ષિત અનુભવતી હતી. કહો કે કિરીટે તેને પરવશ બનાવી દીધી હતી. ચારેબાજુ અદૃશ્ય એવા પાશથી બંધાયેલી નિશાએ ક્યારેય કિરીટ વિના પોતે જીવી શકે એમ કલ્પ્યું નહોતું. કિરીટ પણ કહેતોઃ નિશુ, એકલા રહેવાનું તારું કામ નહીં. તને કયાં દુનિયાદારીની કંઈ સમજ છે? અને બીજી વાત, પછી મારું શું થાય?’ તે ભીંજાઈ જતી, તરબોળ થઈ જતી.

‘પ્રેમ નથી આ, આધિપત્ય છે. સમજી? માલિકીભાવ. તને પ્રમોશન મળે અને તું બહારગામ જાય તે!’ તારી પર એનો કંટ્રોલ ન રહે! એ કેવો પ્રેમ જે તારી પ્રગતિને અવરોધે રેણુકા તેને ઘણી વાર કહેતી. ‘તારી કમાઈના પૈસા ક્યાં વાપરવા એ તારા હાથમાં નથી. એક એક પાઈ માટે તારે તારા એ પ્રેમીપુરુષને પૂછવું પડે છે.’ તે રેણુકાને હસીને જવાબ આપતી, ‘એ તો વ્યવસ્થાનો એક ભાગ છે એટલે.’ નિશા જાણતી હતી કે ‘કાયદા પ્રમાણે તેની કમાણી પર કિરીટનો હક્ક નથી. પણ કાયદાનો ઉપયોગ કરું તો મારા પ્રેમનું શું? મારા આ સંબંધને હું નુકસાન પહોંચાડી શકું!’

કિરીટ તો સવારે વહેલો તૈયાર થઈને નીકળી ગયો. કયાંથી મેળવશે તે આટલી મોટી રકમ? એકદમ તેને વિચાર આવ્યો. તે તિજોરી પાસે ગઈ. ચોરખાનામાંથી ઘરેણાંનો ડબ્બો કાઢ્યો. એની સાથે જ પાતળા કાપડની કોથળી નીકળી. અરે, આ તો કશાકનાં બીજ છે! હથેળીમાં પડેલા બીજ સામે તે જોઈ રહી. મમ્મીને ગાર્ડનિંગનો શોખ હતો. તેણે આપ્યાં હતાં. શેનાં હતાં તેય અત્યારે યાદ નહોતું. કિરીટને કચરો થાય એ ગમતું નહીં એટલે મોટી ગૅલેરી હોવા છતાં એક તુલસીના કૂંડા સિવાય તેણે કશું રાખ્યું ન હતું. ‘દરેક બીજમાં એક વૃક્ષ રહેલું હોય છે. તેને માટીમાં રોપી ખાતર-પાણી આપવાનું હોય છે.’ મમ્મીએ એક વાર કહ્યું હતું તે યાદ આવ્યું. ગયા મહિને જ મૅનેજરે બોલાવીને કહ્યું હતુંઃ પ્રમોશન સ્વીકારી લો, મૅડમ. આ છેલ્લો ચાન્સ છે.’ ખુલ્લા ડબ્બામાં પડેલાં ઘરેણાંના ચળકાટ સામે તે જોઈ રહી… ‘મારી કમાઈનાં છે આ ઘરેણાં!’ વળતાં જ તેના મને કહ્યું ‘પસંદગી તો કિરીટની ને? ના, આ ઘરેણાં પર તે બૅંકમાંથી લોન નહીં લે. તો પછી? તે પછી શું? એમ્પ્લોયર્સ વેલ્ફર સ્કીમ છે જ ને? આટલાં વર્ષોથી કયારેય લાભ લીધો નથી… ને મારે તો લોન જ લેવી છે ને? તાત્કાલિક પૈસાની વ્યવસ્થા ત્યાંથી જ થઈ શકશે. પણ કિરીટને ખબર પડશે ત્યારે? …ખબર શું પડશે? હું જ કહીશ – મેં રેણુકાને મદદ કરવા લોન લીધી છે અને હપ્તા મારા પગારમાંથી જ કપાશે. અને મેં મેં પ્રમોશન સ્વીકારી લીધું છે. મોટેભાગે વલસાડ બ્રાંચમાં ‘મેનેજર તરીકે ટ્રાન્સફર થશે.’ પૂરા આત્મવશ્વાસથી તૈયાર થઈને નિશા બૅંકમાં જવા નીકળી.