ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પ્રવીણસિંહ ચાવડા/જનારી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
જનારી

પ્રવીણસિંહ ચાવડા




જનારી • પ્રવીણસિંહ ચાવડા • ઑડિયો પઠન: ભાવિક મિસ્ત્રી


તે કોણ હોઈ શકે? અણધાર્યું કોણ આ રીતે અંધારામાંથી નીકળી એને ઘેર આવે? કાર્તિકને વંદના પર થોડો ગુસ્સો આવ્યો, ‘તું ખરી છે!’

તે હું શું કરું?’ નામ તો પૂછવું જોઈએ! મેં તો ઘણું કહ્યું કે બેસો, ચા મૂકું –

ઓફિસમાં જ લગભગ સાડાસાત વાગી ગયા અને તે પછી સાંજનો ટ્રાફિક; ઘેર, આવ્યો ત્યારે લગભગ અધમૂઓ હતો, છતાં ઉંબરમાં પગ મૂક્યો તે સાથે એનો અડધો થાક તો ઊતરી ગયો હતો. બાથરૂમમાં ફુવારા નીચે ઊભા રહ્યા એટલે બાકીનો પણ, નીતરી જશે. પુત્રને ખોળામાં લઈને જમવું, એની સાથે હોમવર્કની રમત માંડવી. દસ સવા દસે તો માથે નિદ્રાદેવીનો હાથ –

એમાંનું અડધું જ થયું. દેવદત્તને નાના કોળિયા ભરાવતાં પોતે જમ્યો, તોફાન મસ્તી કરતાં બાપદીકરો સોફા ઉપર પડ્યા અને થોડીવારમાં છોકરો હસતાં હસતાં ઊંઘી ગયો. આટલું બન્યું, પણ તે પછીનો ક્રમ જળવાયો નહીં, નિદ્રાદેવી આવવાં જોઈતાં હતાં તે ન આવ્યાં.

અન્ય કોઈ આવ્યું.

ઊંઘતા બાળકને હળવેથી લઈને બેડરૂમ તરફ જતાં વંદના ડાઇનિંગ ટેબલ પાસે થોભી, ‘તમે બેસજો. થોડી વાત કરવાની છે.’

પાછી આવી ત્યારે એના ચહેરા પર મૂંઝવણ હતી.

આજે કંઈક… વિચિત્ર બન્યું.’ શું?’ આપણા ઘેર કોઈ આવ્યું હતું.’ કોઈ આવ્યું હતું?’ ખબર નંઈ.’ કાર્તિકને થયું, આ કેવી વાત? તમે ઑફિસ જવા નીકળ્યા ને –

સવારે સાડા નવે, કાર્તિકની વિદાય પછી આ બન્યું હતું.

એકાદ-બે નાનાં કામ આટોપી વંદના નાહવાની તૈયારી કરતી હતી ત્યાં એક સ્ત્રી બંગલાના કમ્પાઉન્ડમાં દાખલ થઈ. બારીમાંથી એને જોઈને તરત વંદનાએ બારણું ઉઘાડ અને ઓળખાણ નહોતી પડી છતાં કંઈક ક્ષોભ સાથે આવકાર આપ્યો. પધારો, અંદર આવો. સ્ત્રીના ચહેરા પરના ભાવ વંચાય એવા નહોતા. એમાં અવઢવ હતી, સંકોચ તો હતો જ; સાથે ભય પણ હતો.

બોલી તે અટકી અટકીને. આ બાબુભાઈનું ઘર? તમે ઈમના ઘેરથી છો?

હોઠ પર જમણા હાથની તર્જની મૂકીને ખૂબ આશ્ચર્ય સાથે ગૃહિણીને જોતી હતી. વૈધવ્યનો સફેદ સાલ્લો એવી રીતે વીંટ્યો હતો કે અડધા ચહેરા સિવાય એકે ભાગ ઉઘાડો ન રહે.

હસવા ગઈ અને એની આંખોમાં પાણી આવી ગયાં.

આંગણામાં ઊભી રહી પોતાની ઉપર આંસુ વરસાવતી અજાણી સ્ત્રી. હાથ પકડીને વંદના એને ઘરમાં લઈ ગઈ. અંદર જઈને પણ એ બેઠી નહીં; ઊભીઊભી ભીંતો અને ફર્નિચર પર નજર ફેરવતી રહી. ઓહો! ખૂબ મોટો બંગલો બનાયો છે ને ભઈએ તો! ના, ના, બેસવું નથી, ચા નથી પીવી, કામે નીકળી છું. આ તો આ બાજુ જતીતી, એમ કે આટલામાં ક્યાંક મંદિર હોય તો, અને સોસાયટીમાંથી ગાડી નીકળી. થોડો અણસાર આયો. મને થયું કે બાબુભઈ? એ તો ના હોય? કેટલાં વરસે જોયા! ગાડી તો જતી રહી. દરવાજે ચોકિયાત બેઠો હતો એને પૂછ્યું કે ગાડીમાં આ હમણાં ગયા એ સાહેબનો બંગલો કયો?

અટકળે જ આવી. ના, ના. કશું કામ નથી. કશું માગવા નથી આવી, હોં બુન.

કાર્તિકને અહેવાલ આપતાં છેલ્લા વાક્યની વેદના સમક્ષ વંદનાને અટકવું પડ્યું. પછી ગળું ખંખેરતાં હસી. ‘તમારું પેલું નાનપણનું નામ બોલતાં હતાં. બાબભઈ, બાભે! તમે બાર્બેનાં વહુ? તમે મારા બાભેનાં લાડી? ધરવ ન થતો હોય એમ ઉથલાવી ઉથલાવીને પૂછે.’

અચાનક, જેમ અજાણી દિશામાંથી માણસ આવ્યું હતું, પૂર્વભૂમિકા વગર, એ જ રીતે ભૂતકાળમાંથી નીકળીને એક નામ આવ્યું.

કાર્તિકે કહ્યું, ‘સુમિત્રાભાભી.’ કોણ?’

સુમિત્રાભાભી જ હશે; બીજું કોઈ ન હોય.’ એ વળી તમારાં કયાં ભાભી?

જનારી!

ચાબૂકની જેમ આ શબ્દ હવામાં વીંઝાયો પણ એ બોલી શક્યો નહીં. છાતીમાં ચચરાટ થતો હતો.

પરિચય કેવી રીતે આપવો?

બાનું મરણ થયું ત્યારે એ છ-સાત વર્ષનો હતો. પિતાને રેલવેની નોકરી, તે પ્રાંતિજ, છાપી, રણુંજ એમ બદલીઓ થયા કરતી. એ સંજોગોમાં સ્થિરતા આપવાના હેતુથી નમાયા છોકરાને કલોલ એની ફોઈને ઘેર મૂકવામાં આવ્યો હતો. નવા મિત્રો, નવી સ્કૂલ – એને તો બસ, મજામજા થઈ ગઈ. એક ખોટ હતી તે પૂરવા ફોઈ હતાં અને, એમનાથીયે અધિક, શેરીના નાકે રહેતી એક સ્ત્રી હતી.

ઘર આગળથી પસાર થતા છોકરાને એ મીઠી હલકે બોલાવતી. એ. આવો આવો, બાર્મે. આજે તો કાંક ઊંધાં પટિયા પાડ્યાં છે ને! નૈશાળમાં શું ભણ્યા એ કો! તમારી ચોપડીમાંથી પેલો રાસડો વાંચો ને, તેજમલ ઠાકોરવાળો –

ડોશીઓ ઓટલે બેસીને દાંતે છીંકણી ઘસે. નાની છોકરીઓ દ્રત કરે, સ્નાન કરી ભીના કેશ લઈને મહાદેવજીની પૂજા કરવા જાય. શાંત શેરી, એમાં તારકસબવાળાનો સ્વર સંભળાય, સેવમમરાનો ખૂમચો લઈને મારવાડી આવે. રસોડામાં બેસાડીને સુમિત્રાભાભી એમના બાભેને સુખડી આપે, વાટકો દૂધ આપે. આટલું પી જાઓ. મારો ભઈલો. એની ચોપડી ઉઘાડી પોતે વાંચવા માંડે. ઝીણા સ્વરે ગાય –

આવી સ્મૃતિઓની વચ્ચે અચાનક ચોમાસાની રાતનું એક દૃશ્ય હિંસક ગતિથી ત્રાટકતું હતું.

શેરીના ખૂણાઓમાં, ચોકમાં સ્ત્રીપુરુષોનાં ટોળાં વળ્યાં હતાં. બધેથી સિસકારા ઉઠતા હતા.

ગઈ કાળું મોઢું કરીને ગઈ!

એ સાવ ગમાર નહોતો; આઠમામાં ભણતો હતો. સાંકેતિક ભાષા અને ઇશારાઓમાંથી પોતે થોડું સમજ્યો; બાકીની વિકૃતિ રેખાઓ પરિપકવ મિત્રોએ દોરી આપી. બધું ઉઘાડું થયું. રહસ્ય જેવું કંઈ રહ્યું નહીં. જાતને ફોસલાવવા પૂરતી ભ્રાંતિ માટે પણ અવકાશ રહ્યો નહીં. તેમ છતાં, એક કોયડો રહ્યો : આ કેવું? આવાં રૂપાળાં સુમિત્રાભાભી, વૈધવ્યનાં ફાટેલાં વસ્ત્રો છતાં આખી શેરીને પોતાના અજવાળાથી ભરી દેતાં, દોડીને સહુનું કામ કરતાં – જે બન્યું હશે તે બન્યું, પણ એવાં સુમિત્રાભાભીને રાતના અંધારામાં ઘર છોડીને શા માટે નાસી જવું પડે?

કુવો-હવાડો કર્યો હશે કે પછી અમદાવાદ જેવા મોટા શહેરના કોઈ આશ્રમમાં ગઈ હશે એવા તર્કવિતર્ક લોકોએ કર્યા પણ કોઈને એથી વધારે જિજ્ઞાસા નહોતી. હાકોટા કરીને કોઈ જુવાનિયો એમ ન બોલ્યો કે બેસી શું રહ્યા છો, હેંડો, આજુબાજુના કૂવાઓમાં બિલાડી નાખીએ. આગેવાનોમાંથી કોઈએ એવું સૂચન ન કર્યું કે ચાલો, આશ્રમોના સંચાલકોને મળીએ. વિનંતી કરીએ કે અમારું માણસ છે. આ. જેસ્થિતિ થઈ છે એમાં એનું રક્ષણ કરવાની જવાબદારી અન્ય કોઈની નહીં, અમારી છે.

અમે બેઠા છીએ, સમાજના મોભી, ત્યાં સુધી કોની મગદૂર છે કે –

એ ઉંમરના છોકરાને એટલી સમજ હતી કે જેને પાપ ગણવામાં આવ્યું એમાં સુમિત્રાભાભી એકલાં ન હોય; એમની સાથે બીજું પણ કોઈ ભાગીદાર હે કદાચ શેરી વચ્ચે છાતી કાઢીને ફરતા મરદોમાંથી જ કોઈ એક.

એ કોણ? એની ચર્ચા કેમ થતી નથી?

નમાયા કિશોર માટે એ દિશા બંધ થઈ ગઈ. હવે એ પેલા ઘર તરફ જોઈ શકતો નહીં જોવાય એવું રહ્યું પણ નહોતું. સુમિત્રાભાભી ઘસીને દર્પણ જેવું રાખતાં એ ઘરને પેલા બનાવની મેંશ લાગી હતી. ધૂળના થર તો ચડતા હતા જ.

છેલ્લે આખી વાત એની પોતાની જાત ઉપર કેન્દ્રિત થઈ. જનાર ગયું, પણ પોતે તો રહ્યો. સમજતો હતો કે આટલો મોટો વિનાશ થયો એમાં એક કિશોરની અંગત ફરિયાદ માટે સ્થાન ન હોય, છતાં નામ વગરના એ સંબંધ જે અધિકાર આપ્યો હતો એને કારણે ઊડે ઊંડે થોડી રીસ તો રહી જ. ભલે ગયાં, છૂટકો નહીં હોય તેથી જવું પડ્યું હશે, પણ જેની ઉપર આટલું વહાલ વરસાવતાં એને આવજો પણ ન કર્યું?

પછી તો મૃત પતિના સગાઓ હકદાવે આવ્યા અને મકાન વેચી રૂપિયા બાંધીને જતા રહ્યા. નવો માલિક શોખીન હતો. એણે ઈંટો અને નળિયાંના જૂના માળખાને આખું ને આખું જડમૂળથી ખોદી નાખ્યું અને હવન કરી ઘીના ધુમાડા વડે ભૂમિને નવસેરથી, પવિત્ર બનાવી દીધી. પછી એના ઉપર નાની બંગલી ઊભી કરી.

કોઈ નિશાની રહી નહીં

સુમિત્રા’ એવું ભર્યું ભર્યું નામ ન રહ્યું. એ નામનો ઉચ્ચાર કરવામાં આવે તો જીભ જ નહીં, હૃદય અને આત્મા પણ અપવિત્ર થઈ જાય. તેથી એની જગ્યાએ બીજો શબ્દ આવ્યો.

નાછૂટકે ઉલ્લેખ કરવો જ પડે તો લોક કહેતું – જનારી.

બેઠાં નહીં? મારા ઘરમાં આવ્યાં અને પાણી ન પીધું?’

દેવદત્તને છાતીએ વળગાડ્યો, બચીઓ કરી. જતાં જતાં કહે, એમ કરો, પાણી આલો એક ગલાસ. પાણી લાવી તે મોટા ઘૂંટડે પીધું અને હાશ હાશ કરતાં ગયા.

કઈ બાજુ ગયાં?’

મેં ઘણું કહ્યું કે સરનામું લખાવો, એ મને વઢશે, ફરીથી ક્યારે આવશો? નક્કી કરીને કહો કે અમુક દિવસે, કાલે કે પરમે, તો એમને હાજર રાખું, પણ કશાનો ઉત્તર આપે નહીં. બસ, ડોકી ધુણાવ્યા કરે અને સામેથી મને પૂછે કે તમારું પિયર ક્યાં? કોનાં દીકરી? હારું, બઉ હારું, બઉ હારું, મારા બાભૈ તો ભણવામાં એવા હુંશિયાર હતા! આડીઅવળી પંચાત નહીં. બસ, એ ભલા અને એમની ચોપડીઓ ભલી. ભગવાનને ઘેર જાય તો ખરો! બંગલો, ગાડી, તમારા જેવી ગુણિયલ વહુ, દીકરો – બધું મળ્યું. આવડા જોયા હતા! એ ક્યાં અને આજે ચરૂમાં પહેરીને ગાડી ચલાવતા હતા એ સાહેબ

ક્યાં?’

ગૃહિણીને ધ્રાસકો પડ્યો કે આ તો ચાલ્યાં! મારું આતિથ્ય નહીં સ્વીકારે, થોડી પણ સેવા કરવાની તક નહીં આપે –

એણે માથે ઓઢ્યું અને નીચે બેસીને ચરણરજ લીધી.

પત્નીના આ વ્યવહારથી પોતાનો અપરાધ થોડો ધોવાયો હોય એવું કાર્તિકને લાગ્યું. કૃતજ્ઞતા સાથે એ એની સામે જોઈ રહ્યો.

હું, તું સુમિત્રાભાભીને પગે લાગી?’ સુખી થાઓ સુખી થાઓ એવું રટતાં ચાલ્યાં ગયાં.’ બસ?

ગેટ પાસે ઊભાં રાખી મેં હાથ જોડીને પૂછ્યું ત્યારે એટલું બોલ્યાં કે મુંબઈ એક શેઠના બંગલામાં કામ કરું છું. શેઠ-શેઠાણી બહુ ભલાં છે અને રહેવા માટે જુદી ઓરડી આપી છે. આ તો એમના સગાને ઘેર પ્રસંગમાં આવ્યાં તે ભેગી મનેય લેતાં આવ્યાં. બધું પત્યું, રાતની ગાડીમાં પાછાં મુંબઈ. અત્યારના થોડી નવરી હતી તે મેં કીધું, લાવ, આટલામાં ક્યાંક મંદિર હોય તો દરશન કરી આવું. મારા વાલાની કૃપા કે ભઈનાં દરશન થઈ ગયાં!!

વાલાની કૃપા! ભગવાનને ઘેર ખૂબ ન્યાય!

કાર્તિકે અકળાયા વગર હળવેથી કહ્યું, ‘તારે જરીક જોયું તો હતું કે કઈ બાજુ જાય છે –

એમ કોઈની પાછળપાછળ જવાય? અને, મને શું ખબર કે તમારાં –’

સાચી વાત. વંદનાથી એવું વર્તન ન કરાય. પોતાની વાત જુદી છે. પોતે હાજર હોત અને એ ન માન્યાં હોત, મુંબઈનું સરનામું ન આપ્યું હોત, તો ચોરની જેમ પાછળ ગયો હોત, જાસૂસી કરી હોત, અહીંના સગાનો બંગલો જોઈ લીધો હોત. જો કે, જાસૂસીનો પ્રશ્ન જ ન આવત. બારણું રોકીને ઊભો રહેત. હાથ પકડીને બેસાડી દેત.

ના, ભાભી. તમારે હવે ક્યાંય જવાનું નથી. પગ પાસે બેસી જાત.

કાર્તિકને હસવું આવ્યું – આ બધા તરંગ વ્યર્થ હતા. પોતે ઘરમાં હોત તો એ કદાચ આવ્યાં જ ન હોત.

કલોલની શેરી અને મુંબઈના કોઈ શેઠનો બંગલો : એ બેની વચ્ચે બાવીસ વર્ષની ખાઈ હતી. સુમિત્રાભાભી શેઠશેઠાણીનું ગમે તેટલું આદર્શ ચિત્ર દોરે, છેવટે તો એ ઘરમાં એમનું સ્થાન હતું કામવાળી બાઈ તરીકેનું. એક અનાથ છોકરો નામે બાબુડિયો; તે બની બેઠો મોટો સાહેબ, બીજી બાજુ એનાં ગરવાં સમુત્રિભાભીને નોકરીમાં રૂપાંતર થઈ ગયું.

અને, નોકરડીની નાની ઓરડી સુધી પણ સીધા પહોંચી શકાયું નહીં હોય. કલોલ અને મુંબઈની વચ્ચે શું શું આવ્યું હશે એ તો એ પોતે જાણે અને, જેનામાં એમને ખૂબ શ્રદ્ધા હતી તે, એમનો ઈશ્વર જાણે.

સૂઈ જાઓ હવે? હા, આપણે તો હવે એ જ કરવાનું રહ્યું; એ.સી. ચાલુ કરી પંલગમાં પોઢી જવાનું.’ એને ઊભા થવાની ઉતાવળ નહોતી; વંદનાને પણ નહોતી. કાર્તિકને પોતાની પેલી ફરિયાદ યાદ આવી.

કલોલમાંથી તે રાતે ગયાં ત્યારે આવજો નહોતું કર્યું એની રીસ હતી. ભાભીને પોતાને પણ એનો વસવસો હશે તેથી બાકી રહી ગયેલું એ કામ આજે બાવીસ વર્ષે પૂરું કર્યું. બન્નેને આઘેથી જોઈ લીધા, એમની વહુના માથે હાથ મૂક્યો, બાબાને રમાડ્યો.

લ્યો, ભાભી તો ગંગા નાહ્યાં!’

કટુતાથી ઉમેર્યું, પાછળ એમના બાભૈની શી દશા થશે એની ચિંતા એમણે નહીં કરવાની.’

મને ભરોસો છે. આવશે.

તને ખબર નથી. તું એ સમાજ, એની ભાષા, એના શબ્દોની તાકાત નથી જાણતી. એ થોડાં જ આવનારી છે? એ તો જનારી છે.’

વંદના ઊભી થઈ. લાઈટ બંધકરીને એ કાર્તિકની પાસે જઈ બેઠી. અંધારામાં પતિપત્ની એકબીજાનો હાથ પકડીને બેસી રહ્યાં.