ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પ્રવીણ ગઢવી/સૂરજપંખી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સૂરજપંખી

પ્રવીણ ગઢવી

હું એકલો એક અટૂલી ટેકરી પર જઈને નિરાંતે બેઠો. સરોવરના વિશાળ શ્વેત જલરાશિ પરથી વહી આવતી ભીની હવા મારા ચહેરા ઉપર રમી રહી. અડખેપડખે ઊગેલું લીલુંછમ ઘાસ ડોલવા લાગ્યું.

વહેલી પરોઢે જાગી ગયેલાં વગડાઉ પંખીઓની તાજગીસભર પાંખો સરોવરકાંઠાના ઘટાદાર લીંબડાઓ પર લચી પડતી કિલ્લોલ કરી રહી હતી. ટેકરીઓના લીલા ઢોળાવ સરોવરના કાંઠા સુધી દડદડી જતા હતા. નાનકડાં શ્વેત જળપંખી જેવાં મોજાં કાંઠાના ઘાસમાં પાંખો ફફડાવી રહ્યાં હતાં. આખું પરોઢનું ઝાંખું આકાશ સરોવરમાં હાલકડોલક થતું હતું.

આકાશમાં આખી રાત વરસીને થાકેલાં વાદળ પાતળાં ફિક્કાં બની પથરાઈ ગયાં હતાં અને ધીરે ધીરે ક્ષિતિજના સીમાડા ભણી સરકતાં હતાં.

એ વાદળિયા આકાશને વીંધતી સફેદ પંખીઓની હાર પસાર થઈ. ક્રોક ડ્રોક આકાશ સરોવરની જેમ છલક છલક થઈ રહ્યું. મેં ઊંચે જોયું. સરકી રહેલું કોઈ પાતળું વાદળ ધીરું ધીરું વરસવા લાગ્યું.

રાજબાને પહેલી વાર આ સરોવરને કાંઠે ભરાતા આષાઢી મેળામાં જોયેલી. દૂર પેલી ટેકરીઓ પર વૃક્ષોના ઝુંડમાં ઊંચું શિખર દેખાય, એ નીલકંઠ મહાદેવનું મંદિર. એના પ્રાંગણમાં અષાઢ માસની પૂર્ણિમાએ મેળો ભરાતો. આસપાસનાં ગામડાં માથે લીલાં-પીળાં છોગાં ખોસી અહીં ઊભરાતાં. પરોઢનો પૂર્ણ ચંદ્ર જરાતરા ઝાંખો પડ્યો હોય ત્યારે વહી ગયેલી રાત્રિના પગની પાની જેવા ભીના નેળિયામાં આખો મુલક છલકાતો.

ગાડાં નેળિયાની ધૂળમાં ઘૂઘરા રણકાવતાં દોડતાં. કોઈ ખેડુકન્યાના કંઠમાંથી પહેલે વરસાદે મઘમઘી ઊઠતી ધરતીની માટીના સૂર વહેતા તો કોઈ ખેડુકન્યાના કંઠમાંથી શિયાળુ રાતે જીરુને પાણી પાતાં કંઠમાં સંઘરી રાખેલા સૂર વહેતા.

મારા વાસનાં સૌ સાથે નીકળતાં. વીરાજીના શણગારેલા ગાડામાં સહુ ગોઠવાઈ જતા. મારા ગામના ધૂળિયા, ઉબડખાબડ રસ્તા અમારાં ગાડાંથી રૂમઝૂમ થઈ જતા. પાદર વટાવીને ગાડાં સાંકડા નેળિયામાં દોડવા લાગતાં. માફાની અંદર લાંબા ઘૂમટા તાણી બેઠેલાં સૌના શ્વાસ ગાડાંનાં લક્કડિયાં પૈડાં સાથે પછડાવા લાગતા. પણ અમને — ગાડાના પાછલા ભાગમાં પગ લટકાવી બેઠેલાં તેવતેવડાં છોકરાંને હીંચવાની મજા પડતી.

ઘડી વારમાં તો પાંચ-સાત ગાઉ કપાઈ જતા અને ગાડાં ઊભાં રહી જતાં. પરોઢના આછા અજવાસમાં ટેકરીઓ દેખાતી. અમે તો ભૂસકા મારી ઊતરી જતાં અને એકીશ્વાસે ટેકરીઓનો ઢાળ ચડી જતાં. ટોચ પર ચડતાં જ આંખો મીંચાઈ જાય એવો હવાનો સુસવાટો આવી જતો. આંખો ખોલતાં જ નાનકડી આંખોમાં વિશાળ સરોવર પાંખો ફેલાવી પ્રસરી જતું અને છલકછલક થતું.

અમે દોડાદોડ જઈ, છેક સરોવરના કાંઠે ઊગેલાં કરેણનાં નાનકડાં વૃક્ષો નીચે પાથરણું પાથરી દેતાં. કરેણનાં કોઈ કોઈ પીળાં ફૂલ પાણીનાં મોજાંને અડતાં ઝૂમતાં. પાથરણા નીચે સૂકાં પાંદડાં અમને વહાલ કરતાં હોય તેવો અવાજ કરતાં. અમે ઘૂંટણ સમાણા પાણીમાં ઊભાં રહી જતાં અને ખોબે ખોબે મીઠું પાલરિયું પાણી પીવા લાગતાં.

ત્યાં તો સ્ત્રીઓનું ઝુંડ આવી પહોંચતું. અમે દોડીને છબછબિયાં બોલાવતાં બહાર નીકળી જતાં.

‘અહીં કોણે પાથર્યું? છોકરાઓએ તો પાણીથી આઘા રહેવાનું છે.’ ગાલે ચીમટો ભર્યો હોય એવી ધમકી મળી જતી.

પાથરણું ઊંચકાઈ જતું. બે-ચાર સૂકાં પાંદડાં પાથરણાને વળગી રહેતાં. કરેણનાં ફૂલ હસતાં રહી જતાં અને પાણીનાં મોજાં ધીરાં પડી જતાં.

નીલકંઠ મહાદેવના મંદિરની પછીતના ભાગમાં ટૂટીફૂટી દીવાલો વચ્ચે ક્યાંક જગ્યા શોધી કાઢી પાથરણું બિછાવવામાં આવતું. સરોવરની સફેદ છલછલ દેખાતી બંધ થઈ જતી. હું ઉદાસ બની જતો. બીજાં સખા-સખીઓ તો બાવળની ઝાડીમાં ઊડતાં સફેદ પતંગિયાંની જેમ ખોવાઈ જતાં.

સ્ત્રીઓ નહાવા જવાની તૈયારી કરતી અને સૌ વસ્ત્રો લઈ સાથે જવા પગ ઉપાડે ત્યાં દૂરથી કોઈને આવતું જોઈ કોઈ બોલી ઊઠતું,

‘લ્યો, અંતરબુન આ આયા!’ સોનાની રેખો હસી ઊઠતી — અંતરબા આવીને એમનાં બાને પગે પડતાં.

‘જીવતી રહે બેટા!’ એમનાં બા ગળગળાં થઈ જઈ માંડ બોલી શકતાં. પછી અંતરબાની પડખે ઊભેલી અગિયારેક વરસની છોકરીને ઊંચકી લેતાં.

‘આ ફેરા તો ઈણે ગોર્યો કરી સે!’ અંતરબા હસતાં હસતાં કહેતાં. છોકરી શરમાઈ જતી. એના ચહેરા ઉપર કુમાશ ઊપસી આવતી.

થોડી વાર સૌ નહાવા ચાલ્યાં જતાં. પેલી છોકરી બેસી રહેતી. હું પણ બેસી રહેતો. અમે એકમેકને જોતાં પણ કશું બોલતાં નહીં. મારા શ્વાસમાં સરોવરની ભીનાશ વ્યાપી જતી. બાવળના કાંટાઓ ઉપર સૂરજ ઊગતો અને તે પંખી જેવો લાગતો. છોકરીના ગાલ પર સોનેરી તડકાનાં ચાંદરણાં રમતાં.

નીતરતે વાળે સ્ત્રીઓ આવી જતી. દીવો અને કરેણનાં ફૂલ લઈ સૌ પૂજા કરવા જતાં. પછી પંખીઓને દાણા નાખતાં સૌ પાછાં વળતાં.

પિત્તળના ડબ્બાઓમાંથી ઢેબરાં અને ગોળ ખાવા મળતાં. સૌ હોંશે હોંશે ખાતાં, પછી સૌ ફરવા નીકળી પડતાં. મેળો બહુ મોટો કે ઘોંઘાટિયો નહોતો ભરાતો. અડખે-પડખેનાં પાંચ-સાત ગામોમાંથી લોકો આવતાં અને દર્શન કરી પાછાં વળી જતાં.

મેળામાં આખો દિવસ પેલી છોકરી સાથે રહેવા મળતું. નાના ચકડોળમાં સાથે બેસતાં. એ ડરતી નહીં. પણ આછું હસતી. અમે પાવો પણ લેતાં. સરોવરના કાંઠે કાંઠે પાણીને અડકીને અમે એકલાં ચાલતાં અને ચાલતાં ચાલતાં ઘણાં આઘે નીકળી જતાં. એ કાંઠે આવેલી બોરડીનાં મીઠાં બોર વીણતાં અને પાણીમાં પગ ઝબોળી બેસી રહેતાં. એ છોકરીને સરોવર ખૂબ ગમતું હતું.

સાંજ પડતી અને ધીરે ધીરે આખા મુલકનાં ગાડાં થાક્યાંપાક્યાં પણ નાચતાં-કૂદતાં સીમાડા ઊતરી જતાં. અમે પણ ગાડાંમાં ગોઠવાઈ જતાં. અંતરબા સૌને હસી હસી કહેતાંઃ

‘આજની રાત રહી ગયાં હોત તો શું ખોટું હતું?’

પણ ગાડાં ચાલવા લાગતાં. અંતરબાની આંખમાં સાંજ ભીંજાઈ જતી. પેલી છોકરી પણ ઉદાસ બની જોઈ રહેતી. મને આંખોમાં સૂનમૂન બની ગયેલું સરોવર દેખાતું. ધીરે ધીરે ગાડાં દૂર ચાલ્યાં જતાં — ભીંજાઈ ગયેલી સાંજને ટેકરીઓની હારમાળા ઢાંકી દેતી.

એ વરસે રાજબા મારા ગામ એના મામાને ઘેર આવેલી. ભાદરવાના કૂણા તડકાનું સોનું આંગણામાં વેરાઈ ગયું હોય અને અમે સોનેરી રેતનાં ઘર બનાવતાં. રાજબા ખૂબ શરમાળ હતી. એ કશું બોલ્યાચાલ્યા વગર એની ખડકીના ઉંબરા પર બારસાખ પકડી ઊભી રહેતી. અને જોયા કરતી. જરા જરા પગ ઝુલાવતી. એના પગનાં ઝાંઝર સૂરજ જેવું મીઠું મીઠું બોલતાં.

ક્યારેક એ અમારી સાથે રમવા આવતી. અમે આંગણામાં આઠ ખાનાં પાડી ઘર ઘર રમતાં. એ પગના અંગૂઠા વતી કુકરું ખસેડતી — એનો નીલો સુંદર હોઠ થરકતો — એના પગની પાની પર ભાદરવાની ધૂળ ચમકતી — એ એક પછી એક બધાં ઘર જીતી લેતી અને આછું હસી પડતી.

અમે સંતાકૂકડીની રમત રમતાં. હું એને પકડવા જાઉં અને એ દોડીને ઘરમાં જતી રહે. એની આંગળીઓને તો હું અડકી ગયો હોઉં. પણ કોણ માને?

પછી એ ઘર બહાર નીકળે જ નહીં. મારો દાવ અધૂરો રહી જતો. અમે સૌ એની કિટ્ટા લેતા. એની આંખોમાં રોષ તરવરી રહેતો. બીજે દિવસે એ એના ગામ ચાલી જતી, તડકાળ દિવસો આંગણાના લીંબડાને પેલે પારના મુલકમાં ચાલ્યા જતા.

રાજબાને ફરી ઘણાં વરસ પછી જોઈ. હું મોડી રાતે બસમાંથી ઊતરી આવ્યો હતો. સવારે જાગ્યો ત્યારે ચકલીઓ ઘરના છાપરા નીચે માળો બાંધવા ઊડાઊડ કરતી હતી. ઊગતા સૂરજનો ધવલ પ્રકાશ જૂની ભીંતો પર ડિસ્ટેમ્પરની જેમ પ્રસરી ગયો હતો. ઘણા સમયે ગામ આવ્યો હતો એટલે બધું નવું નવું લાગતું હતું. માઢનો પથ્થર તૂટી પડ્યો હતો. ખડકીનું ખાંચાખૂંચીવાળું આકાશ નવું નવું — ચોખ્ખા પાલર પાણી જેવું લાગતું હતું. બહાર ઓટલા ઉપર દાતણ કરતો બેઠો હતો ત્યાં વીરાજીની ખડકીમાંથી બેડું લઈ જરી નીચા નમી રાજબા બહાર નીકળી. એના સુડોળ શરીરને ધીમો હડદોલો આવ્યો — એનાં ઘેરદાર લાલચટ્ટક વસ્ત્રો હડદોલાઈ ઊઠ્યાં. એણે મને જોયો, એની આંખોમાં ભાદરવાના તડકા જેવો રોષ હજુ વ્યાપેલો મને લાગ્યો. એણે જરા હસીને નજર ફેરવી લીધી અને આંગણું વટાવી ગઈ.

થોડી વારે એ પાણી ભરીને આવી. એના બેડા ઉપર શ્યામલ બુલબુલ બેઠું હતું. તે ઊડીને લીંબડા ઉપર જઈ બેઠું. એ નીચી નમીને ખડકીમાં જવા ગઈ, પણ ન જવાયું, પાણીની છાલકથી એનો બરડો ભીંજાઈ ગયો. ઉપલું બેડું એક હાથે ઉતારી લઈ એ અંદર ગઈ.

બપોરે એ એની સખીઓ સાથે લીંબડાના છાંયા નીચે કૂકા રમવા બેઠી હતી. હું ઓસરીમાં ખાટલો ઢાળી સૂવાનો ડૉળ કરી પડ્યો રહ્યો હતો. એ કૂકા ઉછાળતી હતી — ઝપ દઈ ઝીલતી હતી અને એના હાથની બંગડીઓ રણકતી હતી, વચ્ચે એક વાર એ એના ગામના સરોવર જેવું છલક છલક હસી પડી હતી.

સાંજ પડી. અંધારું ઊતરી આવ્યું. એ એના ઘરમાં ફાનસના અજવાળા જેવું આછું બોલતી હતી તોયે એના શબ્દો, એના સુંદર હોઠની લાલ પાંખો ફેલાવી લીંબડાની સળીથી હવામાં કશુંક લખતો હતો ત્યાં ઊડી આવતા હતા.

અજવાળી રાતમાં રાજબા એની સખીઓ સાથે વાતો માંડતી બેઠી હતી. રહી રહીને એની બહેનપણીઓ સાથે ખખડીને હસી પડતી હતી. કોઈ સખીએ કંઈક એવું પૂછ્યું કે રાજબા શરમાઈ ગઈ અને કશું ન બોલી. મોડી રાતે સૌ વિખરાઈ ગયાં. હું ઝાંખો ઠંડો ચંદ્ર પશ્ચિમમાં ઢળી ગયો હતો ત્યાં સુધી જાગતો પડ્યો રહ્યો.

રાજબા બીજે દિવસે વહેલી સવારે એના ગામ ચાલી ગઈ. મેં જાગીને જોયું ત્યારે તો રાજબા નદીને પેલે પારના વગડામાં વગડાઉ પંખીઓ જેવા શ્વાસ ખેતરોમાં ઊડતા મૂકી ચાલી ગઈ હતી.

રાજબા ફરી બે-ત્રણ વરસ પછી જોવા મળી. રજાઓમાં ઘેર આવ્યો હતો. અમસ્તો જ બહાર ઊભો હતો. ત્યાં વીરાજીએ બળદને ધૂસરે જોતર્યા અને મને પૂછ્યું,

‘લ્યો હેંડો, પંચાસર આવવું છે? દા’ડો આથમે આવતા રહીશું.’

મને રાજબા યાદ આવી. એના ગામનું સરોવર યાદ આવ્યું અને હું ગાડામાં બેસી ગયો. વીરાજીએ બળદ દોડાવી મૂક્યા.

ઉજ્જડ ખેતરો ઘસાઈને પસાર થયાં. બળદોના ઘૂઘરાના અવાજથી તેતરોનાં ટોળાં એક વાડ પરથી બીજી વાડમાં જઈ લપાયાં. ટેકરીઓ દેખાઈ અને ભીની હવા વહી આવી.

વીરાજીએ ગાડું ઊભું રાખ્યું. તડકામાં સરોવર ઝલમલતું હતું. અમે બન્નેેએ મહાદેવનાં દર્શન કર્યાં. હું બે ઘડી સરોવર પર આંખ પ્રસારીને ઊભો રહ્યો. મને મારા બાળપણના દિવસો કિલકિલાટ કરતા લાગ્યા. અહીં તો તે હતા તેવા ને તેવા, નાના જ રહ્યા હતા.

પાછું અમારું ગાડું ચાલ્યું. બે-ચાર ખેતરવા દૂર વૃક્ષો વચ્ચે નળિયાંછાયું રાજબાનું ગામ દેખાયું.

રાજબાની ખડકી પાસે અમારું ગાડું પહોંચ્યું કે તરત રાજબા પાણી ભરીને આવી લાગી. ઉતાવળે પગે ખડકીમાં ગઈ અને એની બાને બહારથી જ, ‘બા, મામા આયા’ની હાક મારી દીધી.

અંતરબા બાજરીના રોટલાના લોટવાળા હાથે બહાર આવ્યાં અને વીરાજીનાં દુખણાં લીધાં.

‘લે ભૈ, તુંયે આયો છો?’ એમના દાંત પરથી સોનાની રેખ મને આવેલો જોઈ ચમકી. હું હસીને નીચે ઊતર્યો. રાજબાએ ખાટલો ઢાળી દીધો હતો. અમે બેઠા, અંતરબાએ અમારા ગામના ઉબડખાબડ રસ્તાઓના ખબરઅંતર પૂછ્યા.

થોડી વારે રાજબા કીટલીમાં ચા લઈને આવી. પિત્તળની સોના જેવી રકાબીઓમાં એણે ઊની ફળફળતી ચા કાઢી. એક રકાબી વીરાજીના હાથમાં આપી. બીજી મને હાથમાં આપવા ગઈ, ને ચા ઢળતાં રહી ગઈ.

‘બુના, આ તો શે’રના મનેખ. કાચની રકાબીઓ લાય.’ અંતરબાએ કહ્યું. રાજબા હસીને કાચની રકાબી લઈ આવી. મારી આંગળીઓ એની આંગળીઓને અડી ગઈ. સરોવરકાંઠે ઊગતા ઘાસ જેવી લીલી હતી એની આંગળીઓ.

એ જરા દૂર જઈ બેઠી. પગની આંગળીએ એણે ચાંદીની માછલી પહેરી હતી. તેની પૂંછડી આછી ફરકતી હવામાં મને હાલતી દેખાઈ. એના હોઠ નીચે સુંદર તલ ઊપસી આવ્યો હતો. શિયાળામાં તલના ખેતરમાં ગઈ હશે અને એણે કાળા તલને વીણી હોઠ નીચે ચિપકાવી લીધો હશે?

થોડી વારે એ ઘરમાં ગઈ. વીરાજી આંગણાના લીમડા નીચે આડે પડખે થયા. એમના ખેસ ઉપર કાગડો ચરક્યો. મારી પર લીંબડાનું સૂકું પાંદડું પડ્યું. અંતરબાએ પટ્… દઈ છીંકણીની દાબડી વાસી. કાળી દેવચકલી છેક નજીક આવી ઊડી ગઈ.

‘બા, હું નાહી આવું.’ બોલી એ વસ્ત્રો લઈ બહાર નીકળી ગઈ. અંતરના અણગમાથી જોઈ રહ્યાં પણ કશું ન બોલ્યાં. હું બહાર જોઈ રહ્યો. એણે જાણે મને, એની આંખમાંના એના ગામના સજળ તડકાના ઇશારાથી બોલાવ્યો. અંતરબા ઘરમાં ગયાં કે તરત વીરાજીની આંખો પર લીંબડાનું પાંદડું ગોઠવી હું હળવેથી બહાર નીકળી ગયો.

રાજબાની લાલચટક ઓઢણી ઊડાઊડ કરતી જતી હતી. હું પાછળ ચાલ્યો જતો હતો એની એને ખબર નહોતી. એની આંખો તો જરા દૂર દેખાતી સરોવરની ટેકરીઓમાં ખોવાયેલી હતી. એ ઊછળતી-કૂદતી ટેકરીઓનો ઢાળ ચડી ગઈ. આકાશનું વન વીંધી ગઈ — એનો પડછાયો ઘાસ પર દડદડી ગયો. સરોવરની તોફાની હવા એનાં વસ્ત્રોમાં લપાઈ ગઈ. એ સડસડાટ ઢાળ ઊતરી છેક સરોવરના ભીના કાંઠા પર જઈ ઊભી રહી.

હું એની નિકટ ગયો. એ મધુરું હસી. મેં એને પૂછ્યું, ‘હજુયે તને સરોવર ખૂબ ગમે છે?’

એ સરોવરના તરંગો પર આંખ માંડી રહી અને બોલી, ‘હા, મને આ સરોવર ખૂબ ખૂબ ગમે છે. રાત્રે સ્વપ્નમાં પણ આવે છે અને મને બોલાવ્યા કરે છે. હું ઘણી વાર રાત્રે ઊઠીને એકલી ચાલી આવું છું અને પરોઢ સુધી નાહ્યા કરું છું. હું બહાર હોઉં છું ત્યારે મારા રૂંવાડાં નીચે કશુંક બળ્યા કરે છે અને શ્વાસ પણ લઈ શકતી નથી. આ સરોવરમાં પડું છું ત્યારેટાઢક વળે છે. મને તો થાય છે કે આખો દિવસ બસ તર્યા કરું. કાંઠાના ઘાસમાં સૂરજપંખી માટે માળો બાંધું. સૂરજપંખી ઈંડું મૂકે અને એમાંથી કોઈ રાજકુમાર બહાર આવે અને મને આ દુનિયામાંથી લઈ જાય. તમને ખબર છે આ સરોવરના તળિયે એક મહેલ છે તેની? તેનાં સોનાનાં કમાડ ભીડેલાં રહે છે. કોઈ રાજકુમાર એને અડે તો એ ખૂલી જાય. પણ હું અહીં આવું છું તે કોઈને ગમતું નથી. આખું ગામ વાતો કરે છે. મારી આ બા મારી સાથળ પર મને ચીમટા ભરે છે. નહાવા આવવાની ના પાડે છે. પણ હું તો આવવાની જ.’

રાજબા એટલું બોલી નહાવા પડી. નાનકડાં મોજાં સડસડાટ સામે કાંઠે જવા ઊડી નીકળ્યાં. સરોવરમાં સૂરજ ટુકડા ટુકડા થઈ વેરાઈ ગયો. રાજબાના લાંબા નીલરંગી વાળ સપાટી પર તરી રહ્યા. સરોવરમાં તરતી દસાડીઓ પાંખો પ્રસારી ઊડી ગઈ.

એ નાહીને બહાર નીકળી. એનાં વસ્ત્રો એનાં અંગોને ચોંટી ગયાં હતાં. તેમાંથી રાજબાની નગ્નસમ પ્રતિમા ઊપસી આવતી હતી. એના પગની પાની પાસેથી એક રેલો નીકળ્યો અને સરોવરમાં ભળી ગયો. એના વાળમાં સૂરજપંખી પાંખો ફફડાવતું હતું, દૈયડની જેમ સૂર વહાવતું હતું. એની છાયા સરોવરના જલમાં કટકા કટકા બની વિલાતી જતી હતી.

એ નીતરતે વાળે, ધીરે પગલે બીતી બીતી ખડકીમાં આવી. વળગણી પર એણે ભીનું વસ્ત્ર સૂકવ્યું. એનો વાદળી ખભો નીતરતા વાળથી ભીંજાઈ ગયો હતો. એના ભીના પગ પર આંગણાની ધૂળ ચોંટી હતી. એ ઘરમાં ગઈ અને દીવો પેટાવી બહાર આવી, ભીંતમાંના જીર્ણ ગોખમાં દીવો મૂકી એ પગે લાગી. પછી એ બે લોટા પાણી ભરીને ચાલી. મેં વીરાજીને જગાડ્યા. વીરાજીએ મોં લૂછી નાખ્યું.

રાજબાએ પાટલા ઢાળી દીધા. હું અને વીરાજી જમવા બેઠા. એણે થાળીમાં લાપસી પીરસી અને ઘીની ધાર કરી. એના મંદ શ્વાસનો મને સ્પર્શ થયો. એના કૂણા કાન પર વાળની એક લટ નીતરતી હતી.

બપોરે અમે ખાટલા ઢાળી જરા આડા પડ્યા, વીરાજી તો લીંબડાનું પાંદડું એમના મોં પર પડતાં જ ઘસઘસાટ ઊંઘી ગયા. રાજબા ખડકીના ઉંબરા પર કશુંક ભરતાં બેસી રહી. એ ધીમું ગુંજતી હતી. એના હાથમાંનો નીલો દોરો ઝરણાં જેવું બોલ્યા કરતો હતો. હું જાગતો પડ્યો રહ્યો. લીંબડાનાં ડાળાં વીંધી તડકો મારી પર ટપકતો રહ્યો. આ તડકાને હું શું કરું? બપોરની તડકાળ ભાતમાં ટુકટુકો રાજબાની આંખો ટાંકતો હતો.

વીરાજીની આંખ ખૂલી ગઈ, એમનું ધ્યાન બહાર ગયું. એમણે લાંબું બગાસું ખાઈ રાજબાને કહ્યું.

‘ભાણીબા, બળદોને બે-એક પૂળા નાખજો.’

રાજબા ગૂંથવાનું બાજુ પર મૂકી ઊભી થવા ગઈ ત્યાં દોરાનું ફીંડલું મારા ખાટલા સુધી દોડ્યું આવ્યું, એ દોડતી આવી — એનો ચહેરો મારા પગને અડતાં અડતાં રહી ગયો.

ચા પીને વીરાજાએ ગાડાને બળદ જોતર્યા. હું પાછળ બેસી ગયો. વીરાજીએ પાંચ રૂપિયા અંતરબાને આપ્યા.

‘લે બુન, કાપડાના. મા હંભારે છે. ચ્યારે આવવાની છે?’

‘દિવાળી મોર્ય આવી જઈશ.’ અંતરબાએ વીરાજીનાં દુખણાં લીધાં અને ટચાકા ફોડ્યા. રાજબા એની ખડકીની બારસાખે ઊભી રહી ગઈ હતી. વરસો પહેલાં એ મારાથી રિસાઈને ઊભી રહી જતી એમ જ.

અમારું ગાડું ચાલ્યું. અંતરબાની આંખો પોચી પડી ગઈ. રાજબા સ્હેજ હસીને અંદર ચાલી ગઈ.

રજાઓમાં હું ઘેર આવ્યો. ત્યારે આંગણાનો લીંબડો ઉદાસ બની ઊભો હતો.

સૂકાં ડાળાં પર કાગડા સૂનમૂન બની બેઠા હતા. વીરાજીની ખડકીની ભીંતો ફિક્કી પડી ગયેલી લાગતી હતી. વીરાજી બહાર બાંધેલા એમના માંદા બળદને ચાર નીરવા બહાર આવ્યા, એ સાવ થાકેલા — પડી ભાંગેલા જણાતા હતા.

રાજબા એક રાતે ઊઠીને એના ઘરેથી નીકળી ગઈ હતી. સવારમાં ખબર પડી. ચારે બાજુ માણસો દોડાવ્યા. પણ રાજબા ન મળી. બીજે દિવસે વહેલી પરોઢે કોઈ ખેડૂતે એના ગામના પેલા સરોવરમાં રાજબાને તરતી જોઈ. એણે નજીક જઈને જોયું તો એ રાજબાનું નિર્જીવ શરીર હતું. કોઈને કશું સમજાયું નહીં, પણ ત્યારથી વહેલી પરોઢે વટેમાર્ગુઓને સરોવરમાં શિયાળામાં શ્વેત પંખીઓ જેવું કોઈ તરતું દેખાયા કરે છે. સૌ માને છે કે રાજબા તર્યા કરે છે અને ખડખડાટ હસ્યા કરે છે.

અચાનક મને કોઈનો ભીનો સ્પર્શ થયો. મેં પડખે જોયું. રાજબા મારી પડખે ઘાસ પર બેસી ગઈ હતી. એના વાળ ભીના હતા અને લટોમાંથી પાણી ટપકતું હતું. એ નિષ્પલક આંખે સરોવરને જોઈ રહી હતી.

‘રાજબા, તું હજીયે મારાથી રિસાયેલી છે? રિસાઈને પહેલાં તો તું તારા ગામ જઈ બેઠી ને હવે તો… આમ શાને કર્યું તેં?’

‘મને સરોવર બોલાવતું હતું’ એ જાણે બોલી અને હવામાં ઓગળી ગઈ. શ્વેત પંખીની જેમ બરફીલા પહાડો ઓળંગી ગઈ.