ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ભગવતીકુમાર શર્મા/અપ્રતીક્ષા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ભગવતીકુમાર શર્મા
Bhagavatikumar Sharma 05.png

અપ્રતીક્ષા

ભગવતીકુમાર શર્મા




અપ્રતિક્ષા • ભગવતીકુમાર શર્મા • ઑડિયો પઠન: કૌરેશ વચ્છરાજાની


અલ્યા ભાઈ, એ સિનેમા જોવા જાય તેમાં આપણે શું? આપણે તો ઑફિસેથી આવીને આ નિરાંતે ક્યારના બેઠા છીએ. આવશે એની મેળે વખત થશે એટલે. એ કાંઈ નાવી કીકલી છે તે હું એની રાહ જોયા કરું? નહિ નહિ તો યે એની ઉંમર ચાળીસેકની તો ખરી જ. અલ્યા, હું સુડતાળીસનો થયો. વખત જતાં કાંઈ વાત લાગે છે? આ જાણે હજી તો કાલ સવારે પરણ્યાં હતાં ને હા-ના કરતાં આજે એ વાતને સત્તાવીસ વરસ નીકળી ગયાં. એ તો પહેલો દીકરો જીવ્યો નહિ, નહિતર આજે એ પચીસ વરસનો થઈ મારા આધાર જેવો જ બન્યો હોત? ને તો મારે આવી તબિયતે આટલા ઢસરડાયે કરવા પડ્યા હોત ખરા? બીજી બે દીકરીઓ થઈ ને એમાંની એક તો પરણીને સાસરે ગઈ, નાની મામાને ઘેર રહી ભણે છે. હોંશિયાર છે એટલે સ્કૉલરશીપથી ભણવાનો ખરચ કાઢે છે. બાકી આપણું તે શું ગજું? છોકરો થયો પંદર વરસનો. જોઈએઃ હવે એ કેવો પાકે છે? નામ તો દીપક રાખ્યું છે. પણ દીવા પાછળ અંધારું નો થાય તો ભયોભયો! એ દીપુડો જ એને આજે સિનેમા જોવા લઈ ગયો છે ને! છે તો હજી અંગૂઠા જેવડો પણ સિનેમાનો કાંઈ ચસ્કો લાગ્યો છે! પોતે તો જુએ ને પાછો અમનેય કહેઃ ‘બાપુજી, ફલાણી ફિલ્મ તમારે જરૂર જોવા જેવી છે હોં! બા. આ ફિલમ તો તમે ચૂકતાં જ નહિ! તમે બંને સાથે જજો જોઈએ તો!’ પણ અમે એવાં ગાલાવેલાં ઓછાં છીએ તે એને કહ્યે સિનેમા જોવા દોડી જઈ પૈસાનું પાણી કરીએ? આ ઉંમરે હવે અમારે શા ઓરતા અધૂરા રહી જવાના હતા તે સિનેમા જોવા જઈએ ને તેય સજોડે? જુવાનિયાંની વાત જુદી છે. એમને બધું શોભે. પાકે ઘડે કાંઠા ન ચડે કાંઈ. કાલ ઊઠીને દીપુની વહુ આવે તો એમને બંનેને અમારે સામે ચાલીને મોકલવાં પડે. તે વખતે પૈસા સામે ન જોવાય. જોકે આજકાલનાં છોકરાં કાંઈ મા-બાપની રજા લઈને સિનેમા જોવા જાય એટલાં શાણાં નથી. અમારા વખતની તો વાત જુદી હતી. મારાં લગ્ન થયાં. એ પરણીને ઘેર આવી, પણ સાથે ઘરની બહાર નીકળવાનું કેવું? ડોસાની આંખ ફાટી જાય ને ડોશી ચાર દિવસ સુધી કડવાં ઝેર જેવાં વેણ સંભળાવ્યા કરે. એ તો હવે બધું વાજું વંઠી ગયું છે.

સાચું કહું તો મારા પેટમાં બિલાડાં બોલવા લાગ્યાં છે. અલ્યા ભાઈ, ન બોલે? સવારે લૂસ લૂસ બે કોળિયા દાળભાત ખાતોક ને ઑફિસે દોડ્યો હતો. દિવસ આખો ગધ્ધાવૈતરું કર્યું. રિસેસમાં એક કપ ચા પીધી, સાંજે ઘેર આવ્યો, જોયું તો બારણે લટકે દેડકારામ! ઘંટીએ લોટ દળાવવા કે બજારે શાકપાંદડું લેવા ગઈ હશે એમ માની પડોશીને ત્યાં ડોકિયું કર્યું તો કૌતુક જાણવા મળ્યું. વેણીરામે ચાવીનો ઝુડો આપતાં કહ્યું, ‘શારદાબહેન તો દીપુ સાથે સિનેમા જોવા ગયાં છે.’ સિનેમા? હું તો જરા ચમક્યો. અને વેણીરામ – ‘કહેતાં ગયાં છે કે પીંજરામાં ઢાંક્યું છે તેમાંથી ખાઈ લેજો. અમને આવતાં મોડું થશે!’ વરુ ભાઈ! માથે પડી વિશ્વેદેવા! ભોગવ્યા વિના છૂટકો છે? ઑફિસેથી ઘરમાં પગ મૂકતાંવેંત એનું મોઢું જોવાની ટેવ – ના, ભાઈ, ના. એ તો બધા મનના વહેમ. એવું તે કાંઈ હોતું હશે? ને તેય આ ઉંમરે? માણસને ઘરની બહાર તો જવું જ પડે ને? ને એ તો બિચારી પાક્કી ઘરરખુ બાઈ છે, જુઠ્ઠું નહિ બોલું. આ સત્તાવીસ વરસમાં એણે ક્યારેય કોઈની સામે વાંકી આંખે જોયું નથી. હા, ક્યારેક હું છાનગપતિયું કરી લઉં. ને મારા પેટમાંયે પાપ નહિ. પેટછૂટી વાત એને કરી દઉં એટલે એ હસીને વાત ટાળી નાખે. પેલા નરભેશંકરના દીકરાની જાનમાં… ઓહોહો, નહિ નહિ તોયે પંદર વરસ થઈ ગયાં હશે એ વાતને, આપણા રામ પણ ત્યારે ભરજુવાનીમાં, એતો હવે આજે ઠરીને ઘી જેવો થયું છુંઃ ત્યારે તો જાણે ઊકળતું તેલ! પહેરવે-ઓઢવે પણ કાંઈ મણા નહિ. અત્તરનો ફાયો તો કાનમાં હોય જ. એના વિના પેલી ચંદા મોહી પડી હશે? જાનની સાથે ગાડીમાં બેઠી ત્યારથી જ મને એની આંખોમાં સાપોલિયાં રમતાં દેખાયેલાં ને બાકીના ત્રણ દિવસમાં તો એ એવી રઢે ચઢી ગઈ કે શી વાત કરવી? આપણેય બંદા – ને પાછો એનો ઠસ્સોયે એવો ભારે! સત્ય વાતે મનને કાબૂમાં રાખવા મથ્યો પણ છેવટે તો માણસજાત! પણ પછી ભાર ન સહેવાયો. ઘેર આવીને એનું હસતું મોઢું. એના કપાળમાંનો તગતગતો લાલ ચાંદલો ને તેની ભોળી આંખો જોતાં જ મારું મન રડું રડું થઈ ગયું. એ રાતે એ મારી પાસે આવી. પણ મારો જીવ મારા કહ્યામાં હોય ત્યારે ને? એ પારખી ગઈ. ના પારખે? આટલાં વરસ સાથે રહ્યાં છીએ એટલે માથાનો વાળ જરાક ઊંચો-નીચો કે અણસરખો થાય તોયે ખબર પડે. મારેય મનનો ભાર હળવો કરવો હતો. કરી દીધો. ન એણે ઠપકો આપ્યો ન રીસ કરી, ન મેણાં માર્યાં. ઊલટાનું કહ્યુંઃ ‘મારા ભોળારાજા!’ આ ત્યારની ઘડી ને આજનો દહાડો! ઘરમાં આવી સ્ત્રી હોય પછી કોણ બહાર નજર નાખવા નવરું પડે? એટલે જ તો ઘરમાં પગ મૂકતાંવેંત એનું મોં જોવાની ટેવ – આમ પાછું છેક એવું નહિ. હું કાંઈ વહુઘેલો નથી. પિયેરમાં એને સગાંસંબંધીઓની ખાસ્સી ફોજ ને મારેય ઑફિસના કામે ગામ-પરગામ દોડવું પડે ત્યારે કાંઈ એકબીજાનાં મોં સામે જોઈને બેસી રહેવાય છે? આઠ દિવસેય થાય ને પખવાડિયુંયે થાય, કોણે કહ્યું? ન ખાવાના ઠેકાણાં, ન પીવાનાં. એ તે કાંઈ ઘર હતું કે ગરમાગરમ રસોઈ તૈયાર મળે ને પાછું આગ્રહ કરી કરીને ખવડાવનારું સામે બેઠું હોય? સાચું પૂછો તો આ બધી સુખસગવડ ને આદતો ને ફાવટનું એવું હેવાયું પડી જાય છે, કે અઠવાડિયે બહારગામથી આવું ત્યારે કાં તો માંદા જેવો હોઉં કે પછી વજન ઊતરી ગયું હોય. એમાં થઈ શું ગયું? મરદની જાતને કાંઈ નખરા પોસાતા હશે? એનાથી કાંઈ ઘરનો ખૂણો પકડીને બેસી ન રહેવાય. ફરે તે ચરે. ગામપરગામના દોડા કરવાનું ગમે કે ન ગમે, પણ મેં કોઈ દિવસ સાહેબ આગળ એ વાતની રાવ ખાધી નથી. એવી એ તો ઘણી વાર કહેતીઃ ‘નોકરી બદલાવી કાઢો ને!’ પણ આ જમાનામાં નોકરી કાંઈ રેઢી પડી છે? બેરાંની જાતને એની શી ગમ પડે? એ કહેઃ ‘તમારે આ લોજ-વીશીમાં જમવું પડે છે એ જોઈજાણીને મારો તો જીવ બળી જાય છે!’ હવે મારે આને શો જવાબ વાળવો? એના હાથની ઊની ઊની રસોઈ ખાવા માટે કાંઈ મારે નોકરી છોડી દેવી? એવા પોચકીવેડા આપણને ન શોભે…

રસોઈ ઠરીને ઠીકરું ન થઈ જાય? એણે પાંચ વાગ્યાની બનાવી હશે ને અત્યારે વાગ્યા સાડાઆઠ. ત્રણચાર કલાકમાં તો સૂરજદાદોયે ટાઢો પડી જાય છે. જ્યારે આ તો રસોઈ. ને હવે અત્યારે કોણ શાક ને દાળ ઊનાં કરવા બેસે? એવા લાડ મને ન ફાવે. જે ભાણામાં આવ્યું તે ગળે ઉતારી દેવાનું. ન કશી રાવ, ન ફરિયાદ. એ સામી બેઠી હોય તો જુદી વાત છે. બહારગામથી રાત્રે બાર વાગ્યે ઘેર આવું તોયે એ તો દાળ અને શાક ગરમ કર્યા વિના ભાણામાં ન પીરસે. ને પાછી સામે બેસે. આગ્રહ તો ભાઈ, એનો જ. ધાર્યા કરતાં બે રોટલી વધારે ખવાઈ જ જાય. મને તો બહુ ચીડ ચડે. અલ્યા, ઘરના માણસોને વળી આગ્રહ શાનો? ને રાતે બાર વાગ્યે તે વળી તાજી રસોઈ મૂકવાની હોય? પણ એ માને ત્યારે ને? સ્ત્રીજાતને હઠીલી કહી છે તે કાંઈ અમસ્તી?

આ પહેલી જ વાર મને એણે બનાવેલી રસોઈ ન ભાવી હોં! ક્યાંથી ભાવે? ન તો એ સામે બેઠી હતી કે ન તો… સાચું કહું તો આ બધી વાત જ નકામી. આ ઉંમરે આવું ગાલાવેલાપણું ન છાજે. કાલ ઊઠીને… માણસનું શરીર છે. ગમે તે થઈ જાય. એ તો ઘણી વાર કહે છેઃ ‘તમારી કાંધે ચડીને જાઉં એટલું જ મને તો જોઈએ છે. મરતી વખતે તમે મારી આંખ સામે હો એટલે બસ!’ એ આવું બોલે ત્યારે મારે એને શો જવાબ આપવો? અલ્યા ભાઈ, કોણે ક્યારે કેમ મરવું એ કાંઈ કોઈના હાથની વાત છે? મનેય ક્યારેક એમ થાય છે, કે મોતનું તેડું આવે ત્યારે એવી એ મારા ખાટલાની પાંગતે બેઠી હોય, એનો એક હાથ મારા કપાળે ફરતો હોય ને બીજે હાથે એ મારા મોઢામાં ગંગાજળ રેડે… આપણે તો લાખ ઘોડા દોડાવીએ, પણ એક પાંદડું હલાવવાનીયે આપણામાં ત્રેવડ છે ખરી? તો પછી નાહક આવા ઉધામા શા સારુ કરવા? જે ઘડીએ જે આવી પડે તેને માથે ચડાવવું. આ અત્યારે રસોડામાં એકલા બેસીને મોઢામાં કોળિયો મૂકતાંયે સૂઝ નથી પડતી. પણ કાલે ઊઠીને મારા સગ્ગા હાથે જ એને ચિતાએ ચડાવીને આગ ચાંપવી પડે તો મારાથી કાંઈ ના પાડી પડાવાની હતી? આપણે તો ભાઈ, મનને કાઠું રાખવામાં માનીએ છીએ. પેમલા-પેમલીવેડા આ ઉંમરે ના પોષાય.

જમીને ગૅલેરીમાં બેઠો તો છું પણ બીડી સળગાવવાનું મન થતું નથી. ઊભા થઈને માચીસ લેવા કોણ જાય? એ હોય તો વળી જુદી વાત છે. અહીં બેઠાં બેઠાં જ બૂમ પાડીને કહી દઉં. હું બીડી પીઉં એ એને ગમતું નથી એ હું જાણું છું. પણ મેં માગી હોય ને એણે માચીસ ન આપી હોય કે ‘લઈ લ્યો જાતે’ એવો છણકો કર્યો હોય એવું મને યાદ નથી. અલ્યા ભાઈ, એવા છણકા કરીને જાય ક્યાં? સ્ત્રીજાતથી કાંઈ ઓછું ઉલાળિયો કરીને નાસી જવાય છે? ને તેમાં યે એના જેવી ઓછું ભણેલી કરીયે શું શકે? બધું સહન કર્યે જ છૂટકો. આમ તો મારો તાપ ભારે હોં. ના, ભાઈ, સોનાની કટારી કાંઈ પેટમાં ન ખોસાય. મને કહ્યા વગર એણે ક્યારેય ઘરની બહાર પગ મૂક્યો હોય તો… આજની વાત જુદી છે. દીપલાએ જ એને લઈ જવાની હઠ કરી હશે. હું જાણું ને? એ ‘ના’ ‘ના’ કહેતી રહી હશે ને દીપુડો ખેંચી ગયો હશે. દીપુડાનેય જરા ધાકમાં રાખવો પડશે. એકનો એક અને લાડકો છે તેથી શું થઈ ગયું? જોવી હોય તો એ ભલે ને જોયા કરે સિનેમા. પણ એની માને શા માટે ખેંચી જવી જોઈએ? આવવા દે એને, ધૂળ કાઢી નાખીશ. સમજે છે શું એના મનમાં? રાત સુધી ઘરની બહાર ફરે એ કાંઈ સારું કહેવાય? પણ ખરો વાંક તો એનો જ કહેવાય હોં. આપણે મજબૂત હોઈએ તો દીપલાની શી મજાલ કે એ ઘસડી જાય? મારે એનેય કહેવું પડશેઃ ‘એ તો નાદાન છે. તમેય વરસ પાણીમાં નાખ્યાં તે રાતે દસ દસ વાગ્યા સુધી બહાર ફરો છો? ધણી ઑફિસેથી થાક્યોપાક્યો આવ્યો હશે. ખાધાપીધા વિનાનો હશે એનું ભાન ન રહ્યું? મારે એની શી સાડાબારી છે? હું તો સંભળાવી દઉં.’ મારે શી શરમ? ધણીનું કોઈ ધણી છે? લાડ વખતે લાડ ને ગુસ્સા વખતે ગુસ્સો. લાડ પણ કાંઈ મેં ઓછાં કર્યાં છે? એ તો હવે માથે ધોળા આવ્યા એટલે, બાકી રોજ ઑફિસેથી આવું ત્યારે મારા હાથમાં વેણી તો ખરી જ.

ખરેખર, હવે તો મને ઊંઘ આવે છે, સાડાનવ તો ક્યારનાયે વાગી ગયા, આપણે તો સાહેબ, સાડાનવ – પોણાદસે, પથારીમાં પડનારા માણસ. પડતાંવેંત ઊંઘ આવી જાય. ઓશીકે માથું મૂકીએ એટલી જ વાર. આપણે જનમ ધરીને એવાં શાં મોટાં પાપ કર્યાં છે કે ઝટ ઊંઘ ન આવે? ક્યારેક તો એ સૂવા આવે ત્યારે મારાં નાક બોલતાં હોય, પણ આમ પાછી મારી ઊંઘ કૂતરાં જેવી. જરાક અણસારો થાય ને મારી આંખ ઊઘડી જાય. તેમાંયે એનાં પગલાં… અલ્યા ભાઈ, પરણ્યે સત્તાવીસ વરસ થયાં, પછી એનાં પગલાં ન ઓળખું? ક્યારેક એના મનમાં ઉચાટ હોય, એને ઊંઘ ન આવતી હોય – પડખાં બદલતી હોય, હું ઘસઘસાટ ઘોરતો હોઉં, પણ એ પથારીમાં બેઠી થઈને, ‘હે રામ!’ કે એવું કશુંક બોલે અથવા એક નિસાસો નાખે તોયે હું ઝબકીને જાગું. તમે નહિ માનો પણ ઊંઘમાંયે હું એની હાજરી અનુભવું છું. રાતે બાથરૂમ કે સંડાસ જાય ને મને ખાલીપો વરતાય. બધા મનના વહેમ છે એ તો હુંયે જાણું છું, પણ એનો ઉપાય શો કરવો? કૂતરાની પૂંછડીને સીધી શી રીતે કરવી? પાછું એવુંયે નથી કે એના વગર મારી પાંપણ બિડાય જ નહિ.

સિનેમાયે આજકાલ બહુ લાંબાં આવે છે તો. અઢી કલાક તો સાચા જ. ભલું પૂછવું એ લોકોનું! ત્રણ-સાડાત્રણ કલાકેય ચાલે! દીપુડો એને કઈ ફિલમ જોવા ઘસડી ગયો છે તે હું શું જાણું? મેં તો છાપામાં બધા સિનેમાના ખેલના ટાઇમ જોઈ લીધા. એક ખેલ તો દસ વાગ્યેય પૂરો થાય છે. પછી ત્યાંથી બસ પકડવાની. મળતાં મળે. કાંઈ આપણા બાપની ગાડી નથી કે આ ઉપાડી ને આ આવ્યા! દીપુડામાં ને એની મામાં અક્કલ હોય તો રિક્ષા કરે કે ઝટ્ટ ઘર આવ્યું ઢૂંકડું! પણ હું – જાણું ને, રિક્ષાના દોઢ-બે રૂપિયાએ ભાંગવા દે તેવી નથી. પાછો બંનેને મારો ધાક લાગે! મારો સ્વભાવ એવો છે ને! સંભળાવી દઉંઃ ‘બે રૂપિયા કમાતાં અમારો દમ નીકળી જાય છે ને તમારે શી દશેરાની સવારી કાઢવી’તી તે રિક્ષા કરીને આવ્યાં?’ પણ ભાઈ, વખત તેવી વાત તો કરવી જ પડે. રાત દસ વાગ્યા હોય ને બસની લાંબી લાઇન લાગી હોય ત્યારે બે શું, અઢી ખરચીનેય રિક્ષા… દીપુડાને બુદ્ધિ સૂઝે તો સારું. જોડે બસમાં બહુ બહુ તો અડધો કલાક મોડું થાય. એમાં શું ખાટુંમોળું થઈ જવાનું હતું? રિક્ષાના તો પાછા અકસ્માતોયે ઝાઝા થાય છે. વળી રિક્ષાવાળો કેવો મળ્યો ને કેવો નહિ! દીપુ ગમે તેમ તોયે હજી બાળક કહેવાય; એનું શું ગજું? પેલો છરો બતાવીને લૂંટી લે કે શુંનું શું કરે ત્યારે આપણે ક્યાં ફરિયાદ કરવા જવી? આ વાત જ ખોટી; મોડા ખેલમાં સિનેમા જોવી જ ન જોઈએ, જવું હોય તો બપોરનો ખેલ ક્યાં નથી? આવવા દે દીપુને ને એની માને! ખખડાવી નાખીશ. જોકે આ બહાર જતી વખતે શરીરે દરદાગીના તો પહેરતી જ નથી ને પાસે રૂપિયો – બે રૂપિયાથી વધારે રાખતી જ નથી ને હિંમતમાં એક શું, સાત રિક્ષાવાળાઓનેય પહોંચી વળે તેવી છે – હું હજી ગભરાઈ જાઉં! તોયે નકામું સાહસ શા માટે કરવું? સિનેમા જોવી હતી તો મારી આગળ ભસી મરતાં શું થતું હતું? રવિવારે હુંયે ન જઈ શકત? સાથે બેસીને સિનેમા જોયે તો કોણ જાણે કેટલો વખત થઈ ગયો હશે? જોકે એવી કશી અબળખા હવે રહી નથી. રાખીનેય ક્યાં જવું? ઘરમાં છોકરો-છોકરી મોટાં થયાં એનુંયે ભાન તો રાખવું જ પડે ને? આ દીપુડિયાનાં જ બધાં વાનાં.

ના. હવે બારીએ નથી જવું, આવતી-જતી રિક્ષાનો ખખડાટ-ભભડાટ પણ સાંભળે મારો ભૂતભાઈ! ઘડિયાળ ટકોરા વગાડ્યા કરે એમાં આપણે કેટલા ટકા? આવશે એને મેળે, કાંઈ ઘર છોડીને નાસી તો નથી જવાની ને? દીપુડો સાથે છે પછી શી ચિંતા? જોકે એ હજી બાળક તો કહેવાય… પણ એય બાળક સાથે બાળક થઈ ને? નાદાનકી દોસ્તી, જીવનું જોખમ એમ કહેનારે કાંઈ ખોટું નથી કહ્યું. હશે. સૌનાં કર્યાં સૌ ભોગવશે, આપણે શી પડી હોય? આપણે તો આ… ઓશીકે માથું મૂક્યું કે ઊંઘ… આવે ત્યારે ખરી! પાછાં મા-દીકરો સિનેમા જોઈને આવશે એટલે મોટો રાયજગ જીતી આવ્યાં હોય તેમ એનું પારાયણ માંડશેઃ ‘ફલાણો આમ ગાતો હતો કે ફલાણી આમ નાચતી હતી, વાતમાં ને વાતમાં રાતના બાર નહિ વગાડે તો મને ફટ્ કહેજો! ને પાછું સવારે વહેલો ઊઠીને નોકરીએ દોડવાનું! કેમ પાલવશે આવાં નાટક-ચેટક? મારે એને ચોખ્ખું સંભળાવી દેવું પડશે કે મારા ઘરમાં આવાં નાચનખરાં ન પરવડે! એક વાર એને ઘરમાં પગ મૂકવા દો, પછી જોજો કે હું કેવો રાતોપીળો થાઉં છું! ના, ના! આ શા વેશ માંડ્યા છે? આમ ને આમ તો આખું ઘર લૂંટાઈ જશે તોયે…

હા, બારણે રિક્ષા થોભી ખરી… દાદરેય ખખડ્યો… દીપુડિયો અને એની માનાં જ પગલાં લાગે છે. બીજું કોણ અત્યારે અહીં આવવા નવરું હોય? ને મા-દીકરોય ઘર છોડીને બીજે ક્યાં જવાનાં હતાં? ઘર વળગ્યું છે ને મોડાં-વહેલાં આવ્યા વિના કાંઈ છૂટકો થવાનો હતો? ઘરનાં માણસનીયે વળી રાહ શી જોવાની હતી? એવી રાહ જુએ બીજાં લટુડિયાં-પટુડિયાં! આપણા રામે તો આટલી વારમાં ખાસ્સી એક ઊંઘ ખેંચી કાઢી હોય… એમ પારકી પીડાએ ઉજાગરા કરવા જઈએ તો…