ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મોહમ્મદ માંકડ/મનેય કોઈ મારે!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
મનેય કોઈ મારે!

મોહમ્મદ માંકડ




મનેય કોઈ મારે! • મોહમ્મદ માંકડ • ઑડિયો પઠન: દર્શના જોશી


સાંજ પડવા આવી હતી. ચોમાસાના દિવસો હતા. વાદળોના થર ઉપર થર ખડકાયા હતા. ઉકળાટ શમવાને બદલે વધી રહ્યો હતો. પાલવથી હવા ખાતી ને પરસેવો લૂછતી શારદા ઘરમાંથી અગાસીનાં બારણાં પાસે આવીને ઊભી. સામે પશ્ચિમમાં, ભૂરાં, રાખોડી, શ્યામ અને રૂપેરી વાદળાં હવાને રોકી રાખવા માટે જાણે હાથાજોડી કરીને ઊભાં હતાં. ધીમે ધીમે એમાં હલચલ થતી, એકાદ વાદળું માથું ઊંચકતું, બીજું એથીયે ઊંચે ચડતું ને પછી એકબીજાં સાથે બાખડી પડતાં એ ગોટો વળી જતાં. વાતાવરણ ગંભીર અને ભારે થતું જતું હતું.

શારદાએ ફરી ફરી પરસેવો લૂછ્યો ને બ્લાઉઝ ખેંચી છાતી ઉપર ફૂંક મારી. ફરી પાછી પાલવથી હવા નાખવા માંડી.

‘મારા ઘરમાં મારા સિવાય કોઈનું નહિ ચાલે, સમજી?’ શારદાએ સામેથી આવતો ક્રૂર અવાજ સાંભળ્યો. એના નવા પાડોશી જયંતનો એ અવાજ હતો. સામેના ઘરમાં હજી હમણાં જ એ લોકો રહેવા આવ્યાં હતાં. જયંત કારકુન હતો. હમણાં એની બદલી અહીં થઈ હતી. શારદાએ નજર એ બાજુ નીચે ફેરવી. સામે ઓસરીમાં ઊભો ઊભો એ બરાડતો હતો. એની પત્ની રસિલા કંઈક કામ કરી રહી હતી. પતિના ગુસ્સાની કોઈ અસર એના ઉપર દેખાતી નહોતી.

‘મેં તને ગુરુવારે આવતા રહેવાનું કહ્યું હતું ને? પછી કેમ રોકાણી?’

શારદાને ઝઘડાનું કારણ સમજાઈ ગયું. થોડા દિવસ પહેલાં રસિલા એના પિયર કામ પ્રસંગે ગઈ હતી. પતિએ એને ગુરુવારે આવતા રહેવાનું કહ્યું હશે છતાં તે ગમે તે કારણે એક-બે દિવસ મોડી આવી હતી. એનો એ ઝઘડો હતો.

‘બિચારી રસિલા!’ શારદાને રસિલાની દયા આવી અને સાથે જયંતની ‘ભાયડાગીરી’ પર ગુસ્સો આવ્યો, ‘જ્યારે ને ત્યારે બિચારીને દબાવ્યા જ કરે છે?’

આવીને થોડા દિવસોમાં જ રસિલા શારદાની બહેનપણી બની ગઈ હતી – અમસ્તાંય બૈરાંને બહેનપણાં બંધાતાં શી વાર? બે વાતો કરી ને બહેનપણાં! રસિલા અને શારદા પણ અવારનવાર બે વાત કરી લેતાં. રસિલા સામે ઓસરીમાં ઊભી રહેતી ને શારદા ઊભી રહેતી અગાસીમાં – ’કાં લોટાપાણી પતી ગયાં?’

‘અમારે તો એ ક્યારેય ખાવા આવે, સાંજનું નક્કી નહિ.’

‘આ ગામમાં ગંદકીનું તો પૂછવું જ શું?’

‘તમારી બેનને કયે ગામ દીધાં છે? તમારાથી નાનાં ને? હા, હા, ત્યાં… ત્યાં તો મારી માસીની દીકરી રહે છે.’

આમ ગમે તે વિષયમાં આળોટતી એમની વાતચીત ચાલ્યા કરતી.

‘તારા ભાઈ એટલે કોણ છે?’ સામે જયંત પગ પછાડીને બોલતો હતો. ‘તારા બાપનીયે બીક મને લાગતી નથી, સમજી?’

શારદાને થયું, આ ભાયડો તો ગૂડ્યાના લાગનો છે! બિચારીને અવારનવાર તતડાવીને પાઈની કરી નાંખે છે – ગમે તે વાતમાંથી ઝઘડો! બેબી પેશાબમાં સૂઈ રહે તો ઝઘડો. હીંચકો નાખવામાં મોડું થાય તો ઝઘડો. આમ ચાલે તો ઝઘડો – તેમ ચાલે તો ઝઘડો… કાળી કઠણાઈ છે બિચારીની!

પણ રસિલા કેમ કોઈ દી પતિ વિરુદ્ધ ફરિયાદ નહિ કરતી હોય? શારદા પાસે એ સારી-માઠી અનેક વાતો કરતી પણ જયંત વિશે ક્યારેય ઘસાતું બોલતી નહોતી. શારદાએ એ બંનેને ઝઘડતાં જોયાં હોય એમ રસિલાને લાગે તો બીજે દિવસે વાતવાતમાં એ કહી લેતી, ‘એમનો સ્વભાવ બહુ આકરો – પણ આમ પાછા સાવ પોચા હોં!’

‘શું ધૂળ પોચો!’ શારદા મનમાં ને મનમાં બળતી. ‘તું જ ગરીબ ગાય જેવી છો, નહિ તો આકરો હોય તો રે’ પડ્યો!’

– અને એને પોતાનો પતિ યાદ આવ્યો. એકવડા બાંધાનો, ઢીલો, નબળો, એ આદમી કેટલો ભલો હતો! શારદાને ઊંચે સાદે બોલાવવાની પણ એ હિંમત કરી શકતો નહિ. શારદાનો પડ્યો બોલ ઝિલાતો. મનમાં ને મનમાં એ ફુલાઈ જતી.

‘કંઈક શરમ રાખો – માણસો સાંભળે…’ નીચેથી રસિલાનો ધીમો અવાજ આવ્યો. (એણે શારદાને જોઈ હશે.)

‘મને માણસોના બાપની બીક નથી લાગતી સમજી? માણસોની એસીતેસી.’ જયંત વધુ જોરથી બરાડ્યો ને એણે આજુબાજુ નજર ફેરવી. શારદા ઝડપથી અંદર આવી ગઈ.

‘આ માણસ કેટલો નાલાયક છે? આવા નખ્ખેદ ભાયડાને ત્યાં તો હું એક દી પણ ન રહું. લાજતો નથી ને ઉપરથી ગાજે છે. પડોશીની પણ શરમ છે? બીજો હોય તો…’ શારદાને થયું, લાવ આજે તો જઈને કહું, પણ વળી થયું, પારકી પંચાતમાં કોણ પડે?

ખરું પૂછો તો બારણામાં જઈને ઊભા રહેવાની એની હિંમત જ ચાલતી નહોતી. પેલો જોરજોરથી ગાજતો હતો.

‘મરે બેય જણાં, મારે શું?’ શારદા પરસેવો લૂછતાં બબડી, ‘એમની કાંઈ ખબર જ ન પડે!’

અને થોડા દિવસો પહેલાં જયંત રાત્રે મોડો આવ્યો હતો ત્યારે રસિલા એને ધમકાવતી હતી એ એને સાંભર્યું. ‘ગરીબ ગાય’ જેવી રસિલા તે દિવસે સિંહણ જેવી બની ગઈ હતી ને જયંત બહાનાં કાઢતો હતો.

એકાએક નીચે બારણું ખખડ્યું. શારદાએ ઘડિયાળ સામે જોયું. સાત વાગી ગયા હતા. એનો પતિ દુકાનેથી જમવા આવ્યો હતો. ઉતાવળે પગલે જઈને એણે બારણું ખોલ્યું. એ જ હતો – એનો પતિ રમણીક. જમીને જલદી દુકાને પહોંચી જવાની ઉતાવળ એની આંખોમાં દેખાતી હતી. શારદા બારણું ખોલી રસ્તામાં ઊભી રહી, સામે રમણીક પણ ઊભો રહ્યો. કેટલો ભલો હતો – મરતાંને મર પણ ન કહે એવો!

શારદા, કોણ જાણે આજ મોઢું બગાડી, ઉપર ચઢી પાછળ ધીમે પગલે રમણીક પણ ઉપર આવ્યો. શારદાએ થાળી પીરસી. રમણીકે હાથ ધોયા ને ઉતાવળાં ખાવાનું શરૂ કર્યું. શારદા બોલી, ‘આટલી શી ઉતાવળ છે? જરાક નિરાંતે ખાવ તો?’ એણે થાળીમાં અથાણું મૂક્યું.

રમણીક હસ્યો, એણે ગતિ સહેજ ધીમી કરી. કોણ જાણે શારદાને એ ન ગમ્યું.

‘આજે દુકાને વધુ કામ છે?’ એણે પૂછ્યું.

‘હા, પણ…’ રમણીકે ઊંચે જોયું. એની આંખો કહ્યાગરી હતી, ‘ઉતાવળા જમવાની તો મને ટેવ જ છે.’

‘પૂરી થોડી કડક બની છે, નહિ?’ શારદાએ પૂછ્યું.

‘હેં? ના, બરાબર છે, હોં.’

શારદાને કહેવાનું મન થયું, ‘શું રાખ બરાબર છે? તમે નથી ક્યારેય વખાણ કરતા કે નથી ક્યારેય વખોડતા – તમારે તો બધું બરાબર જ છે!’

નીચેથી જયંતનો તીખો અવાજ આવ્યો, ‘કયું કામ તેં બરાબર કર્યું એ મને કહીશ? એક પાઈની આવડત નથી તારામાં ને ઉપરથી…’

રમણીકે લોટામાંથી દૂધ લીધું. શારદા એની સામે તાકી રહી. વધુ એક ટીપું પણ ન પડી જાય એની કાળજી રાખીને પોતાના ભાગનું જ દૂધ એ લેતો હતો. હાથ લંબાવીને શારદાએ લોટો ઊંધો વાળી દીધો.

‘અરે અરે, પાછળ સાવ નહિ રહે.’ રમણીક હાથ ઊંચો કરી બોલ્યો.

‘ભલે ન રહે.’ શારદા અકળાઈને બોલી.

રમણીક તાકી રહ્યો. ને પછી નીચું જોઈને એણે ખાઈ લીધું. ખાઈને એણે ટેબલ પર પડેલ શીશીમાંથી વરિયાળી લીધી. પછી ચંપલ પહેરતાં કહ્યું, ‘આજે કામ છે એટલે દુકાનેથી જરા મોડો આવીશ.’ ને પછી એ જ ધીમી ચાલે દાદર ઊતરી ગયો.

પશ્ચિમમાં ખડકાયેલાં વાદળાં આગળ ને આગળ વધી રહ્યાં હતાં. એમનો શ્યામ રંગ શારદાને બિહામણો લાગ્યો. એ અકળાઈ ઊઠી. થોડી વારે વરસાદ શરૂ થયો. શારદા જમવા બેઠી. હજી એનાં પાડોશી ઝઘડી રહ્યાં હતાં. એ અભાગિયાં જીવો ઉપર દયા ખાવા જેટલી એ સ્વસ્થ નહોતી અને થોડી વાર પછી જ્યારે લાલ તાંબાવરણી વીજળી થવા માંડી ત્યારે તો પોતાને એકલી મૂકીને દુકાને જનાર પતિ ઉપર એને અકારણ ગુસ્સો આવ્યો. એની સાથે ઝઘડવાનું મન થયું.

વરસાદ જોર જોરથી પડવા માંડ્યો. શારદા એકલી એકલી મૂંઝાઈ રહી. એણે ગૂંથવાનું હાથમાં લીધું, પણ એમાંય ચિત્ત ન ચોંટ્યું. બધું છોડીને એ અગાસીના બારણા પાસે જઈને ઊભી. અગાસીમાં જોરથી પાણી પડતું હતું ને એના છાંટા શારદાને ઊડતા હતા. કેવી મીઠાશ હતી એ પાણીમાં? શરીરના જે ભાગ ઉપર છાંટા પડતા હતા ત્યાં કોઈ જાણે ગલીપચી કરતું હતું! વીજળીના કડાકા હવે ઓછા થયા હતા – બસ, પાણી જ વરસતું હતું!

શારદાએ પાણીની આરપાર નજર કરી પેલા અભાગિયા જીવોને જોવા પ્રયત્ન કર્યો. એમનો ઝઘડો ટોચ પર પહોંચ્યો હોય એમ લાગ્યું, કારણ કે જયંત રસિલાને ધકેલીને ફળિયામાં કાઢતો હતો. રસિલા થાંભલીને બાઝી પડી હતી. એ લોકો શું બોલતા હતા એ તો શારદા સાંભળી શકતી નહોતી. ફક્ત મૂંગી ફિલ્મ જેમ એમના હાવભાવ જોવા મળતા હતા.

‘બા’ર નીકળ નહિ તો તને જાનથી મારી નાખીશ.’ મેઘની ગર્જના જેવો જયંતનો અવાજ આવ્યો. શારદા એ તરફ તાકી રહી હતી. રસિલાનો હાથ પકડી એ ખેંચતો હતો. પણ એ જોઈને ન તો શારદા કંપી ઊઠી કે ન તો એને એ પતિ-પત્ની ઉપર તિરસ્કાર આવ્યો. એ બે જણાંને જોઈને, ગમે તેમ પણ, એને એકલું એકલું લાગ્યું ને એ બારણાને બાઝી પડી. ભીના બારણા સાથે એણે કપડાં ખરડાવા દીધાં.

ફરી મોં ફેરવી શારદાએ જોયું ત્યારે રસિલા એની નાનકડી બેબી પાસે બેઠી હતી અને જયંત થાંભલીને ટેકો દઈને કંઈક બબડતો હતો. શારદા ભારે પગલે ઓરડામાં પાછી ફરી ને પલંગમાં ફસડાઈ પડી.

ધીમે ધીમે ગર્જના કરતાં વાદળાં વીંખાવા લાગ્યાં. સમય વીતતો ગયો. વાદળાં ઉપર થઈને પસાર થતાં રહ્યાં. પવન વધતો ગયો. વરસાદ ધીમો પડતો ગયો. મોડેથી રમણીક ઘેર આવ્યો. શારદા પલંગમાં ઊંઘવાનો ઢોંગ કરીને પડી હતી. રમણીકે કોટ-ટોપી ઉતાર્યાં, ને આસ્તેથી શારદાની ઊંઘમાં ખલેલ ન પડે એ રીતે સૂઈ ગયો. થોડી વારે એ ઘસઘસાટ ઊંઘવા પણ માંડ્યો. શારદા પથારીમાંથી નીચે ઊતરી ગઈ.

આથમણા બારણામાંથી ઝપાટાભેર પવન આવતો હતો. વરસાદ બંધ રહી ગયો હતો. શારદાએ આળસ મરડી ને પછી પથારી પર એ બેસી પડી. રમણીક ઊંઘતો હતો. એને ચોંટિયા ભરીને હેરાન કરવાનું શારદાને મન થઈ આવ્યું – પણ સામે એક ગરીબડો ચહેરો હતો.

નટખટ અને મસ્તીખોર પવન ઘૂમરી લેતો ફૂંકાતો હતો. વળી શારદા ઊભી થઈ ગઈ. એના શરીરમાં આજે કોણ જાણે શુંયે ભરાઈ બેઠું હતું – અંગેઅંગમાં તોડ થતી હતી. જઈને એ અગાસીના બારણામાં ઊભી. સામે બધું જ માદક હતું. ખુલ્લું આકાશ હતું. ભીની હવા હતી, રાતની શાંતિ હતી.

ધીરે રહીને પવનની ઘૂમરી ઊઠી ને એક ઝપાટે એણે શારદાનાં કપડાં ઊંચાંનીચાં કરી નાખ્યાં. શારદાને એ નટખટ પવનની ખબર લઈ નાખવાનું મન થયું, પણ…

પવનનેય રમત સૂઝી હોય એમ વળી વળીને એ શારદાનાં કપડાં જોડે અડપલાં કરતો જ રહ્યો. શારદા એકલી હસી પડી. શરીર પરથી સાડી કાઢીને ફેંકી દીધી ને પવનના વધુ જોરદાર ઝપાટાની રાહ જોતી એ ઊભી રહી.

એની મસ્તીમાં ભંગ પડાવતો ખડખડાટ એણે સાંભળ્યો ને એ ચોંકી ગઈ. ચમકીને એણે નીચે જોયું. રસિલા ઓરડામાંથી બહાર ઓસરીમાં દોડી આવી હતી અને જયંત એનો હાથ પકડીને ઓરડામાં ખેંચતો હતો.

શારદા પલભર જોઈ રહી ને પછી ધીમેથી બારણાં પાછળ છુપાઈ ગઈ.

જયંત રસિલાને કંઈક કહેતો હતો. રસિલા બાજુએ ફરી જતી હતી. રાત શાંત અને ઠંડી હતી. તોફાન જાણે આવ્યું જ નહોતું.

‘મારા સમ.’ જયંતનો અવાજ આવ્યો, ‘મારા સોગન.’ છતાં રસિલા ન માની.

‘હું મરી જઈશ તો તારી જોડે ઝઘડશે કોણ? આટલું બટકું ખાઈ જા, હવે નહિ કહું. બસ આટલું જ, મારા સોગન.’ જયંતે રસિલાની હડપચી પકડીને પછી એના મોંમાં કંઈક મૂક્યું ને… રસિલા છટકીને ભાગે એ પહેલાં જ એને બાથ ભરી દીધી.

શારદાએ ઘરમાં નજર કરી. રમણીક શાંત હતો. ઘર શાંત હતું. જિંદગી શાંત હતી. ચંચળતા નહોતી, તરખાટ નહોતો – છણકાં નહોતા – બરાડા નહોતા…

‘હાય, મનેય કોઈ મારે – કોઈ ભીંસે, કોઈ ભીંસી દે…’ સાડી લઈને, ગોટો વાળીને છાતી પર ભીંસતાં એ બોલી.