ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ક/કૃષ્ણતુલસી, રામતુલસી
કૃષ્ણતુલસી, રામતુલસી
ભગવતીકુમાર શર્મા
કૃષ્ણતુલસી, રામતુલસી (ભગવતીકુમાર શર્મા; ‘અડાબીડ’, ૧૯૮૫) ઘરે દોહિત્રીનો લગ્નપ્રસંગ છે. ઝામરથી અંધ થયેલા ગુરુદયાળના હાથ આસોપાલવનું તોરણ ગૂંથે છે પણ એમનું હૈયું ગૂંથે છે પત્ની, પુત્રી અને દોહિત્રી સાથે વીતેલાં વહાણાંને. પરણી ઊતરેલી વેણુ પાયલાગણ કરવા આવે છે ત્યારે પડોશીએ એના રૂપની કરેલી સરખામણીમાં થયેલા પત્ની અને પુત્રીનાં રૂપના ઉલ્લેખોથી, નહીં દીઠેલી વેણુ કેવી લાગતી હશે? એ વાતે, કદી નહીં સાલેલું અંધત્વ ગુરુદયાળને અળખામણું લાગે છે. અરધી જિંદગીએ આવેલા અંધાપાની વ્યાકુળતા અહીં લાઘવથી ઊપસી આવી છે. ર.
ર.