ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/મંદિરની પછીતે
મંદિરની પછીતે
રઘુવીર ચૌધરી
મંદિરની પછીતે (રઘુવીર ચૌધરી; ‘રઘુવીર ચૌધરીની શ્રેષ્ઠ વાર્તાઓ’ ૧૯૮૬) પંચાતિયો દલો બંડ ગામની ભજનમંડળીની ભીડ ભાંગવા એના પ્રમુખ થવાની ના પાડે છે કારણ કે પોતે છાંટોપાણી કરતો હોઈ મંદિરની ભજનમંડળીના નિયમો પાળી શકે તેમ નથી પણ મંદિરની પછીતે થતી ગંદકી દૂર કરવાની જવાબદારી લે છે. સંયોગો અને પરિસ્થિતિ એના અંતરખોજ તરફ સભાન થયેલા મનને સંકોરતાં રહે છે. આમ કોઈના દબાણને વશ થયા વિના, સહજતયા દલો છાંટોપાણી ન કરવાનું નીમ મનોમન લે છે. પંચાત અને પીવાનું છોડીને દલો, ખેતી અને ઘરસંસારનાં ખોવાઈ ગયેલાં સુખ પાછાં પામે છે. મંદિરની ગંદકી દૂર કરીને વાવેલા છોડવાને ફૂટેલા અંકુર જોઈ દલો મંદિરની દીવાલે ગંદકી ન કરવાની નોટિસ લખે છે અને નીચે સહી કરે છે : પ્રમુખ, ભજનમંડળી. એક લાઈન બહાર જીવતા માણસની લાઈનસર થવાની અંતરમથામણ અહીં તાદૃશ થઈ છે.
ર.