ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ઈવા ડેવ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
વાર્તાકાર ઈવા ડેવ

ડૉ. રાઘવ એચ. ભરવાડ

GTVI Image 68 Iva Dave.png

ગુજરાતી ભાષાના જાણીતા વાર્તાકાર, નવલકથાકાર અને શિક્ષણશાસ્ત્રી એવા પ્રફુલ્લ નંદશંકર દવે (જ. ૦૫.૦૩.૧૯૩૧ – અ. ૨૬.૦૯.૨૦૦૯)ને આપણે સૌ ઈવા ડેવ ઉપનામથી જ જાણીએ છીએ. તેમણે ઈ. સ. ૧૯૫૧થી ’૫૬ સુધી પ્રફુલ્લ દવેના નામે વાર્તાઓ લખી હતી અને ૧૯૬૪માં તેઓ ઈવા ડેવ ઉપનામથી ‘સંસ્કૃતિ’માં બે વાર્તાઓ ‘સૈનિકનું મૃત્યુ’ તથા ‘ચોન્ટી’ લખે છે, ત્યારથી આજપર્યંત તેઓ ઈવા ડેવ ઉપનામથી ખ્યાત છે. આગવી સૂઝબૂઝથી વાર્તાઓ લખનાર આપણા આ સર્જક પાસેથી કુલ પાંચ વાર્તાસંગ્રહો મળે છે : ૧. ‘આગંતુક’ (૧૯૬૯), ૨. તરંગિણીનું સ્વપ્ન’ (૧૯૭૧), ૩. ‘તહોમતદાર’ (૧૯૮૦), ૪. ‘કાળરાક્ષસ’ (૧૯૯૯) અને ૫. ‘છેલ્લું ફરમાન’ (૨૦૦૫). આ પાંચેય સંગ્રહોમાં કુલ ૧૧૪ વાર્તાઓ સમાવિષ્ટ છે. ઉપરાંત ‘ઈશુને ચરણે’ (૧૯૭૦), ‘પ્રેયસી’ (૧૯૭૦), અને ‘મિશ્ર લોહી’ (૧૯૯૯) નામે ત્રણ લઘુનવલો પણ એમની પાસેથી પ્રાપ્ત થાય છે. તેઓએ વૉશિંગ્ટન યુનિવર્સિટીમાંથી શિક્ષણશાસ્ત્રમાં સંશોધનની પદવી મેળવી છે, ને એન. સી. ઈ. આર. ટી. દિલ્હીમાં અધ્યાપક તરીકે પણ સેવા આપી છે. ઉપર્યુક્ત વાર્તાસંગ્રહોમાંની વાર્તાઓમાં ડોકિયું કરીએ.

‘આગંતુક’ (૧૯૬૯) :

GTVI Image 69 Agantuk.png

આ વાર્તાસંગ્રહની પહેલી વાર્તા ‘સૈનિકનું મૃત્યુ’માં ગલાબસંગ નામના એક સૈનિકની આપવીતી રજૂ થઈ છે. વાર્તાનો આરંભ રહસ્યમય છે પરંતુ એનો અંત કરુણ આવે છે. હિમાલયના બરફમાં દટાયેલ તથા ચીની સૈનિકોની કેદમાં સપડાયેલ ગલાબસંગ લદ્દાખના ઉત્તર ભાગના લડાઈના મેદાનમાં ચીની સૈનિકોની લાલચને સ્વીકારતો નથી ને એમની સાથેના ખૂનખાર જંગમાં શહીદ થાય છે. ભારતીય સૈનિકની ખુમારીનાં દર્શન કરાવતી આ વાર્તા ‘ટૂંકુ ને ટચ, સીધું ને સટ’ની રીતે ગતિ કરે છે. તો બીજી ઘણી જાણીતી બનેલી એવી ‘ચોન્ટી’ વાર્તા એની કથનરીતિને કારણે આગવી છાપ પાડે છે. તળપદી બોલીમાં અને બાળમુખે કહેવાયેલી આ વાર્તામાં સર્જકે મનુષ્ય સ્વભાવને આબેહૂબ રજૂ કર્યો છે. મા અને દીકરો બંને ઘરે ચોરીછૂપીથી ખાવાનું ખાય છે, એટલું જ નહીં, એક લગ્નમાં પણ પોતાની એ આદતને વશ થઈ રસોડામાં ખાવા બેસી જાય છે ને પછી તો પેટીમાંથી વીંટીની ચોરી કરે છે. જો કે એ ચોરી પકડાઈ જાય છે ને મા ‘ચોન્ટી’ સાબિત થાય છે. માણસ પોતાનો સ્વભાવ ક્યારેય ન છોડે એ હકીકત આ વાર્તામાં ઉજાગર થઈ છે. શીર્ષકને તંતોતંત સાર્થક કરતી એવી ‘મિલન’ વાર્તામાં પુરુષ, સ્ત્રીના શરીરને જ, એનાં સૌંદર્યને જ પ્રેમ કરતો હોય છે એ વાસ્તવિકતા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ત્રણ બાળકની માતા, મુકુંદની પત્ની સંધ્યા કૃતઘ્ની બની, લાજશરમ નેવે મૂકી, દુન્યવી બંધનો ફગાવી પોતાના પહેલા પ્રેમ અશેષને પાંચ વર્ષ પછી મળવા હોંશે હોંશે જાય છે. પરંતુ જર્મની જઈ આવેલા અશેષને સંધ્યાને જોતાં જ પહેલો સવાલ થાય છે, ‘આ સંધ્યા! આમાં મેં શું જોયું હતું? સ્થૂળકાય, ફિક્કી ને મૂઢ.’ આ સાંભળી સંધ્યા નિશ્ચેતન બને છે અને સજલ નેત્રે પાછી વળે છે. ‘તમને ગમી ને?’ વાર્તામાં પણ એવી જ એક બીજી વાસ્તવિકતા રજૂ થઈ છે. આપણે ત્યાં છોકરો કે છોકરી એકબીજાના મન નહીં પણ રંગ જોતા હોય છે. સાથોસાથ એમના પરિવારજનો પણ પાત્રના સ્વભાવ કે વર્તનને બદલે એના રંગને પ્રાધાન્ય આપે છે. આ વાર્તામાં પરિવારજનોને ઈલા કાળી છે એ પસંદ નથી પણ નાયકને તો ઈલા બહુ ગમે છે. એ રીતે સર્જકે આપણી પહેલી માન્યતાને બદલવાનો નાનકડો પ્રયત્ન કર્યો છે. એની સામે ‘સેલ્વી પંકજમ્‌’માં સ્ત્રીને એનું કુળ જોઈને નહીં એના સંસ્કાર જોઈને પસંદ કરવી જોઈએ, અનાથ છોકરી પણ આદર્શ અને સંસ્કારી હોઈ શકે એવો સંદેશ આપવામાં આવ્યો છે. તો ગામડાંગામમાં સ્ત્રીઓના અરસપરસ મેણાં-ટોણાં મારવાની હકીકતનો ઉલ્લેખ કરતી ‘વાજાં વાગશે ને!’ વાર્તા પણ એની કથનરીતિને કારણે રસિક બની છે. લોકબોલીમાં લખાયેલ આ વાર્તામાં પૌત્ર બચુડિયો લગ્નવેળાએ વાજાં વગાડવાની ના પાડે છે ત્યારે ગામની સ્ત્રીઓ નબ્દી ડોશીને મેણાં મારે છે. પણ જેણે ઘાટ ઘાટના પાણી પીધા છે એવી નબ્દી ડોશી એમાંથી ઉગરવા બીમાર પડવાનો ઢોંગ કરીને બચુડિયાને વાજાં વગાડવા તૈયાર કરી પોતાનો એકડો સાચો કરે છે. વાર્તાસંગ્રહનું નામ જે વાર્તા પરથી રાખવામાં આવ્યું છે એ ‘આગંતુક’ વાર્તા એના શીર્ષકને સાર્થક કરે છે. એક આગંતુક(ગારુડી)ના પ્રવેશથી નાયકના જીવનમાં કેવી ઊથલપાથલ મચે છે એની નોંધપાત્ર રજૂઆત આ વાર્તામાં જોવા મળે છે. આપણે ત્યાં ગારુડી જેવા જાદુગરો લોકોને અંધશ્રદ્ધામાં રાખી કેવી રીતે પોતાનો રોટલો શેકે છે એ હકીકત અહીં પ્રસ્તુત થઈ છે. સાથોસાથ વર્તમાન સમયમાં પણ મનુષ્ય ગારુડી જેવા યંત્રોના પાશમાં કેવો બંધાઈ ગયો છે એ વાસ્તવિકતાનો સંકેત પણ આ વાર્તામાંથી મળી રહે છે. વાર્તામાં ભય, ત્રાસ, અદ્‌ભુત આદિ સંવેદનાઓ નિરૂપિત થઈ છે. એમાં મુખ્યત્વે ભય અને ત્રાસની સંવેદના ક્રમશઃ તીવ્ર બનતી જાય છે. વાર્તામાં કથાનાયક જાણે કે દુઃસ્વપ્ન જોઈ રહ્યો હતો એમ માની નિરાંત અનુભવે છે. પરંતુ વાર્તાને અંતે છોકરા દ્વારા પૂછાયેલ પ્રશ્ન, ‘હેં સાહેબ, તમને જંબૂરો-જંબૂરો બનવાની બહુ મઝા પડી?’ થકી જાણે આગળ ઘટેલી ઘટના સ્વપ્ન નહીં પણ હકીકત હતી એની પ્રતીતિ કરાવે છે. વાર્તામાં ગારુડી અને છેલ્લે પ્રશ્ન પૂછતો છોકરો એમ બે આગંતુક જોવા મળે છે. એવી જ રીતે ‘છિન્નભિન્ન છું હું!’ વાર્તામાં પણ નાયકના જીવનમાં મચેલી ઊથલપાથલ વ્યક્ત થઈ છે. ઉમાશંકર જોશીની કાવ્યપંક્તિને શીર્ષક તરીકે સ્વીકારી લખાયેલી આ વાર્તામાં સુરેશ જોષીના ઘટનાતિરોધાનનો વિચાર સાર્થક થયો છે. આધુનિક મનુષ્ય કેવો વિખૂટો/અટૂલો પડી ગયો છે એ વાસ્તવિકતા એકાધિક નાના-નાના ને ભિન્ન ભિન્ન પ્રસંગો દ્વારા રજૂ થઈ છે. તો સાસુવહુની જગજાહેર રામાયણ પર પ્રકાશ પાડતી ‘ગૃહત્યાગ’ વાર્તામાં પિતા-પુત્રના અણબનાવને બદલે મા-દીકરા વચ્ચેના અણબનાવને વ્યક્ત કરવામાં આવ્યો છે. ને એ રીતે આ વાર્તા નોખી પડે છે. વસંત અને તેની બા વચ્ચે અનેકવાર ઝઘડા થાય છે ને મનામણાં પણ થાય છે. પરંતુ આખરે કંટાળી તે હંમેશા માટે ઘર છોડે છે. એવો જ ગૃહત્યાગ ‘મારી બા’ વાર્તામાં પણ જોવા મળે છે. જો કે અહીં સંતાન નહીં પણ ‘બા’ ઘર-પતિને છોડીને ‘છીતુકાકા’ સાથે જતી રહે છે. તળપદી બોલીમાં અને બાળકમુખે, એમાં પણ બાળકીને મુખે કહેવાયેલી આ વાર્તામાં પતિ દ્વારા અન્ય સ્ત્રી માટે પત્ની પર ત્રાસ ગુજારવો, પત્નીનું કંટાળીને અન્ય પુરુષ સાથે ભાગી જવું ને પછી દીકરી માટે તડપવું એ વાસ્તવિકતાને ઉજાગર કરવામાં આવી છે. શીર્ષકને યથાર્થ કરતી બીજી એક વાર્તા એટલે ‘દ્વન્દ્વ’. એમાં ત્રણ ત્રણ દ્વન્દ્વ જોવા મળે છે. એક, તલવારબાજીના યુદ્ધનું દ્વન્દ્વ. બે, નાયકને કેમ પકડવામાં આવ્યો છે એનું એના મનમાં ચાલતું દ્વન્દ્વ. અને ત્રણ, જ્યોર્જી પોતે નામર્દ નથી, કાયર નથી એ સાબિત કરવા મથે છે ત્યારે એના મનમાં થતો દ્વન્દ્વ. પ્રયણત્રિકોણને વ્યક્ત કરતી આ વાર્તાનો પરિવેશ સ્પેનનો છે એટલે વાર્તામાં ત્યાંની ભાષાનો શબ્દ પણ દેખા દે છે. (સૅનોર અર્થાત્‌ શ્રીમાન/મહોદય). સ્ત્રીકથક અને પત્રની પ્રયુક્તિ ધરાવતી ‘ગૃહપ્રવેશ’ તત્કાલીન સમયમાં જોવા મળતાં મેણાં-ટોણાં, ખોટી માન્યતાઓ, અંધશ્રદ્ધાઓનો ઉલ્લેખ કરે છે. ૨૨ વર્ષની કુંવારી લીલા ડૉક્ટરની ઉપાધિ અર્થે અમેરિકા જાય છે એટલે એના ઘરનાં સદસ્યોને ઘણાં મેણાં-ટોણાં સાંભળવાં પડે છે, ‘કેમ બહેન, ક્યારે જાય છે તમારાં મોટી બહેન ગોરો વર મેળવવા?’ જો કે અમેરિકા જતી વખતે લીલાને જેટલું દુઃખી થવું પડે છે એટલી જ ખુશી એ પાછી આવે છે ત્યારે એને મળે છે. સ્ત્રી-શિક્ષણ માટે જાગૃતિ દાખવતી આ વાર્તા તત્કાલીન સમયની રૂઢિઓ પર કટાક્ષ કરે છે. ‘કફન’ વાર્તામાં પણ વિદેશી પરિવેશ, રીતરિવાજ દૃષ્ટિગોચર થાય છે. ભ્રષ્ટાચાર એ વિશ્વવ્યાપી દૂષણ છે એ આ વાર્તામાં જોઈ શકાય છે. મિસિસ ડિકિન્સનના અવસાન પછી એમની ઇચ્છા પ્રમાણે પુત્રી ડયાના ઇન્સ્યોરન્સ ભરી પિત્તળનું કફન તૈયાર કરાવે છે, પણ એને મળે છે લાકડાનું કફન! એવો જ વિદેશી પરિવેશ ‘ગુડ બાય’ વાર્તામાં પણ જોવા મળે છે. પરિણામે વાર્તામાં અંગ્રેજી શબ્દો તથા અંગ્રેજી વાક્યોની ભરમાર છે. આ વાર્તામાં પત્ની, પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધોને સ્વીકારવા તૈયાર થાય છે પણ પતિ પોતાની પત્ની અન્ય પુરુષ સાથે માત્ર ‘ડેઈટ’ કરશે એવી વાત સાંભળવા માત્રથી રાતોપીળો થઈ જાય છે એ વાસ્તવિકતા રજૂ થઈ છે. સુમિત્રા આર્યનારી છે એટલે તે ધર્મ ચૂકતી નથી અને અનેક તકો હોવા છતાં તે પતિવ્રતા ધર્મને આંચ આવવા દેતી નથી. એટલું જ નહીં, ભારતીય નારી હોવાને નાતે પોતાનું બાળક પિતાના સુખથી વંચિત રહેશે એને તે ભારતીય મહાકાવ્ય રામાયણ (લવ-કુશ) સાથે સરખાવે છે. અર્થાત્‌ આર્ય નારી દુનિયાના કોઈ પણ ખૂણે જાય પણ પોતાનો ધર્મ, સંસ્કાર ભૂલતી નથી એ અહીં જોઈ શકાય છે. ‘મુક્તિ અને બંધન’ વાર્તામાં પણ એવી જ એક ભારતીય આર્ય નારીનાં દર્શન થાય છે. પતિના સુખે સુખી અને પતિના દુઃખે દુઃખી થતી દેવલક્ષ્મી પતિની સાથે જેલમાં જવા તૈયાર થઈ જાય છે. તો ‘શોક્ય’ અને ‘પાદરીની વહુનો પ્રેમી’ એ બંને વાર્તામાં લગ્નેત્તર સંબંધનો ઉલ્લેખ થયો છે. મંજુના દાદા નોકરાણી કંકુ સાથે આડસંબંધ રાખે છે એ એની દાદી માટે દર્દનાક બીના છે, જે ‘શોક્ય’ વાર્તામાં જોવા મળે છે. જ્યારે બીજી વાર્તામાં તો જોસ (પાદરી) પત્નીના પ્રેમીનો સ્વીકાર કરે છે ને જે કંઈ થયું છે એ ઈશ્વરને આધીન જ થયું છે એમ માને છે. ‘વેરઝેર’ વાર્તા હિન્દુ-મુસ્લિમના ઝઘડાને કેન્દ્રમાં રાખી લખાઈ છે. વાર્તામાં શુદ્ધ ગુજરાતી ઉપરાંત હિંદી મિશ્રિત ગુજરાતી તથા લોકબોલી પણ જોવા મળે છે. પરસ્પર વેરઝેર તો મોટેરાંઓ રાખે છે, બાળકો તો સાથે રહેવામાં માને છે એ સચ્ચાઈ આ વાર્તામાં જોવા મળે છે. વાર્તાને અંતે એક નાદાન બાળકને મુખે મુકાયેલ પ્રશ્ન ઘણો માર્મિક છે : ‘લોકો કેમ લડૈ કરતા હશે?’ ‘માનચાંદ’ વાર્તા પણ ગામડાંઓમાં અંદરોઅંદર ચાલતા વેર-ઝેર, ઈર્ષ્યા, દ્વેષભાવને વ્યક્ત કરે છે. ધના કોળી જેવો વ્યક્તિ મહેનત કરી પ્રગતિ કરતો હોય, નામના મેળવતો ત્યારે ગામલોકો એને નીચો પાડવા કેવાં કેવાં કાવતરાં કરે છે, અર્થાત્‌ માણસ માણસાઈ ભૂલી કેટલી હદે નીચો પડી શકે છે એ આ વાર્તામાં જોઈ શકાય છે. માણસ જીતવા માટે પોતાની લાઇન લાંબી કરવાને બદલે સામેવાળાની લાઇન ટૂંકી કરવામાં કેવી રીતે પોતાની શક્તિ વેડફે છે એ તળપદી બોલીમાં સ-રસ રીતે રજૂ થયું છે. તો કોઈ વ્યક્તિ પોતાના આદર્શ વ્યક્તિનું અપમાન ક્યારેય સહન ન કરી શકે એ ‘એફિજી’ વાર્તામાં જોઈ શકાય છે. પ્રોગ્રેસિવ જૂથના સભ્યો એમની સભામાં જૂના કવિ વિરુદ્ધ નૃત્ય, ચિત્ર, કવિતા તથા ચર્ચામાં અપમાનજનક રજૂઆત કરે છે ત્યારે નાયક પોતાનું કટાક્ષમય કાવ્ય રજૂ કરી સૌને શાંત કરી દે છે. એવી જ રીતે મનુષ્ય યુવાનીમાં કામ કરી ઘડપણમાં શાંતિથી રહેવાના મનસૂબા કરે છે પણ એની એ ઇચ્છા ક્યારેય પૂરી થતી નથી એ હકીકત ‘દાદાની મેડી’ વાર્તામાં રજૂ થઈ છે. સાથોસાથ મનુષ્યે મૃત્યુથી દૂર ભાગવાનું નથી એનો સ્વીકાર કરવાનો છે એ સંદેશ આ વાર્તામાંથી પ્રાપ્ત થાય છે. સ્ત્રી-સ્ત્રી વચ્ચેની નાની બાબતે થયેલી લડાઈ કેવો અર્થનો અનર્થ કરે છે એ ‘લડૈ’ વાર્તામાં જોવા મળે છે. જ્યારે વર્તમાન સમયમાં લોકો આદર્શોને કેવી રીતે નેવે ચડાવી દે છે એ હકીકત ‘ઘેરાવ’ વાર્તામાં વ્યક્ત થઈ છે. નેતાઓ કેવી કેવી રીતે ભ્રષ્ટાચાર દ્વારા કે ચાલાકીપૂર્વક પોતાનાં સંતાનોને મોટી કૉલેજોમાં ઍડમિશન અપાવે છે એની ઝાંખી પ્રસ્તુત વાર્તામાં જોવા મળે છે. તો નાયક અને નાયિકા પ્રકટ તથા મનોમન બોલે એવી નોખી રચનારીતિથી લખાયેલ ‘એ નથી’ વાર્તામાં માણસ કેટલો સ્વાર્થી અને પશુ/કૂતરા કેટલાં વફાદાર હોય છે એ બતાવ્યું છે.

‘તહોમતદાર’ (૧૯૮૦) :

વાર્તાસંગ્રહનું શીર્ષક જે વાર્તા પરથી રાખવામાં આવ્યું છે એ ‘તહોમતદાર’ વાર્તાનો આરંભ અનેક પ્રશ્નો થાય એવો રહસ્યમય છે. ગુનો કર્યો હોય તો એની સજા અવશ્ય ભોગવવી પડે જ એ વાતને ઉજાગર કરતી આ વાર્તામાં જગુ કોર્ટમાંથી તો નિર્દોષ છૂટે છે પણ મામા ભીમસિંગ સામે હારી જાય છે. એટલું જ નહીં જેના લીધે એણે ખૂન કર્યું હતુ એ વીરમતી પણ એનો સાથ આપતી નથી. વાર્તામાં ઘણાં વાક્યો લોકબોલીમાં રજૂ થયાં છે. એમાં પણ ભીમસિંગની ચિઠ્ઠી તથા છીતા ભીલના સંવાદો લોકબોલીમાં છે જે આ વાર્તાનું જમા પાસું છે. ‘ન્યાય’ વાર્તાનો સૂર પણ આવો જ છે. માનસંગે ગામલોકો પર ત્રાસ ગુજાર્યો હતો, પરિણામે તક મળતાં ગામલોકો મળીને એનો કચ્ચરઘાણ બોલાવી દે છે. ‘ઋણાનુબંધ’માં પણ કરેલાં કર્મો ભોગવવાં જ પડે છે એ પુનઃ ચરિતાર્થ થયું છે. આ વાર્તામાં તો પુનર્જન્મની કથા પણ આલેખાઈ છે જે ધ્યાન ખેંચે છે. તો ઈશ્વર નાસ્તિકને પણ આસ્તિક બનાવવા માટે સક્ષમ છે એ ‘પલીતો’ વાર્તામાં જોઈ શકાય છે. કથાનાયક હિન્દુ છે, પરંતુ તે હિન્દુ ધર્મ વિશે બિલકુલ જાણતો નથી, એટલું જ નહીં, તે નાસ્તિક પણ છે. પરંતુ મદુરાઈમાં મીનાક્ષી મંદિરનાં દર્શન કરે છે ને એનામાં સંપૂર્ણ પરિવર્તન આવી જાય છે. પછી તો તે હિન્દુ ધર્મના દરેક રીતરિવાજોથી વાકેફ થાય છે, ને ‘મંદિરનાં દર્શન એ સર્જનના આનંદનાં દર્શન છે’ એમ સ્વીકારે છે.

GTVI Image 70 Tahomatdar.png

‘વદાય’ એ પત્રશૈલીમાં લખાયેલી વાર્તા છે. વાર્તામાં સીતમ્મા, શોભા અને ડૉ. પ્રસાદ એ ત્રણેય દ્વારા પત્રમાં પોતાના મનની વાત વ્યક્ત કરી છે. ક્યારેક કોઈક વ્યક્તિને પહેલી નજરે જોઈ એના વિશે ખોટી માન્યતાઓ મનમાં ઉપન્ન થાય એ સ્વાભાવિક છે, પરંતુ એ વ્યક્તિનો પૂર્ણ પરિચય મેળવ્યા પછી જ નિર્ણય કરવો જોઈએ એમ સમજાવતી આ વાર્તામાં સ્ત્રીસહજ ઈર્ષ્યાનું આબેહૂબ વર્ણન થયું છે. તો એની સામે સમાજમાં કેવી જુદી જુદી પ્રકૃતિના વ્યક્તિઓ હોય છે એ ‘એની દ્વિધા’ વાર્તામાં જોવા મળે છે. નાયક હંમેશા દ્વિધામાં જ રહે છે. તે કોઈ પણ અભિપ્રાય વ્યક્ત કરવા જાય ને એને મૂંઝવણ થાય, બોલું કે મૌન રહું? એ અવઢવમાં સમય પસાર થઈ જાય અને નિર્ણય કરવાનું મુશ્કેલ બને ત્યારે તે મૌન રહેવાનું પસંદ કરે છે. પરિણામે પત્ની સહિત અનેક લોકો ફરિયાદ કરે છે કે તે Self centre છે, Rigid છે, Anti-Social છે. ચોરની ચાલાકીને વ્યક્ત કરતી ‘દાણચોર’ વાર્તા એની રજૂઆતને લીધે ધ્યાન ખેંચે છે. સી. આઈ. ડી. દ્વારા ચાલુ ટ્રેનમાં રેડ પાડવામાં આવે છે ત્યારે ચોર કુનેહપૂર્વક અફીણને નાયકની સૂટકેસમાં મૂકી પોતે આબાદ રીતે બચી જાય છે. જો કે પછી એ ચોરની જ ટીમ નાયકને પોલીસની કેદમાંથી બચાવે છે. તો સમય-સંજોગને વશ થઈ ભૂલ ન કરી હોવા છતાં તેનો સ્વીકાર કરવામાં સાચી સાન રહેલી છે એ ‘જનગણનો નેતા’ વાર્તામાં જોવા મળે છે. એકતામાં રહેલી તાકાતનો પરચો વાર્તામાં મળી રહે છે. શિક્ષક નિર્દોષ હોય છતાં વિદ્યાર્થીઓની એકતા સામે એને નમતું જોખવું પડે છે. જો કે એમાં નેતાઓ પર કટાક્ષ પણ કરવામાં આવ્યો છે. એવી જ રીતે ‘આત્મહત્યાનું પૃથક્કરણ’ વાર્તામાં આપણા દેશમાં જોવા મળતી ન્યાય-અન્યાયની તથા ભ્રષ્ટાચારની વાસ્તવિક પરિસ્થિતિને ઉજાગર કરવામાં આવી છે. ડાયરીરૂપે લખાયેલ આ વાર્તામાં જોઈ શકાય છે કે ભ્રષ્ટાચારને કારણે અનેક નિર્દોષ યુવાનોનો ભોગ લેવાય છે, એટલું જ નહીં, આપણી સરકાર પણ આવા કિસ્સાઓમાં આંખ આડા કાન કરે છે. કારણ કે એમનાં ખિસ્સાં પણ ગરમ કરવામાં આવ્યાં હોય છે. ‘માતાના વાસમાં ભૂવાની ડાકલી ને પીરનો ધૂપ’ વાર્તામાં માતાજીમાં આસ્થા ધરાવનાર સાધુરામની કરમકઠણી વ્યક્ત થઈ છે. જ્યારે ‘રણછોડરાયાની છાંય’માં રૂઢિચુસ્ત એવી વૃદ્ધ અને વિધવા રૂખી ફોઈનાં દર્શન થાય છે. નવી તથા જૂની પેઢી વચ્ચેના અંતરનો, વિચારભિન્નતાનો, રીત-રિવાજ આદિમાં રહેલ તફાવત આ વાર્તામાં રજૂ થયો છે. સાથોસાથ જ્ઞાતિવાદ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. તો ‘ખુદાની રહેમ ભગવાનની કૃપા’ એ કોમી રમખાણને વિષય બનાવી લખાયેલી વાર્તા છે. કોમી રમખાણમાં કેવી રીતે બંને પક્ષે અનેક નિર્દોષ વ્યક્તિઓની આહુતિ લેવામાં આવી છે તેનો સંકેત આ વાર્તામાં રહેલો છે. અલબત્ત હિન્દુ-મુસ્લિમ બંને કોમમાં બધાં જ ખરાબ નથી હોતા તથા હિન્દુ-મુસ્લિમ એવા ભેદ પાડવાને બદલે માનવતાને સર્વોપરી ગણવો એવો સંદેશ આ વાર્તામાં આપવામાં આવ્યો છે. ‘દર્શિની ડાર્લિંગ’ વાર્તામાં માતા-પિતાએ પોતાના નાના બાળકો સામે કેવી રીતે વર્તવું એ બતાવ્યું છે. માતા-પિતાએ બાળકોથી અમુક પ્રકારનું અંતર જાળવવું જોઈએ. કારણ કે એમના વર્તનની અસર બાળક પર થતી હોય છે. દર્શિની હોશિયાર વિદ્યાર્થિની હતી. પરંતુ છેલ્લાં ત્રણેક વર્ષથી એબ્નોર્મલ થઈ જાય છે. ને એની પાછળ જવાબદાર છે એના માતા-પિતા. વાર્તામાં અઢળક અંગ્રેજી શબ્દો જોવા મળે છે. મૃત્યુ એ જ સનાતન સત્ય છે અને એને હસતે મુખે સ્વીકાર કરવો જોઈએ એ વાતનું આલેખન ‘જુવાનજોધનું મૃત્યુ’ વાર્તામાં થયું છે. ઉપરાંત સમાજમાં ઘણાંય દંભી લોકો હોય છે જે રોજબરોજ ઝઘડા કરતા હોય અને મૃત્યુપ્રસંગે જાણે મોટા હિતેચ્છુ હોય એવા ઢોંગ કરે છે. સત્તર વર્ષના જુવાનજોધ દીકરાનું ટ્રેન નીચે આવી અવસાન થઈ જતાં માતા-પિતા કેવો સંયમ દાખવે છે એ આગંતુક વ્યક્તિને દિગ્મૂઢ કરે છે. સ્ત્રીની લાગણી, એની ભાવનાને જે પુરુષ સમજે એને સ્ત્રી પોતાનું સર્વસ્વ સોંપી દે છે પણ જો એની લાગણીને ન સમજે તો સ્ત્રી સંબંધ તોડતાં પણ અચકાતી નથી એ હકીકત ‘મધુ-કટુ રાત્રિ’ વાર્તામાં રજૂ થઈ છે. સ્ત્રીની અસહાયતાની પળે પુરુષોએ મર્યાદામાં રહેવું જોઈએ અને એ પળનો ફાયદો ઉઠાવવાને બદલે એની લાગણીને સમજી પ્રેમભર્યું સાંત્વન આપવું જોઈએ. પરંતુ વાર્તાનાયક જેરોમ એમ કરવામાં નિષ્ફળ જાય છે. પરિણામે સૂઝી એની સાથેના સંબંધનો એક ઝાટકે અંત આણી દે છે. પરણેલી સ્ત્રી ગમે તે કરે છતાં કોઈને કંઈ ફર્ક ન પડે. પણ જો કુંવારી હોય તો અનેક લોકો એના પર નજર માંડી રહે ને એના નાના અમથા પ્રેમભર્યા વર્તનને મોટું સ્વરૂપ આપી એને બદનામ કરે છે એ આપણા દેશની વરવી વાસ્તવિકતાનું આલેખન ‘ધંધાદારી સ્ત્રી’ વાર્તામાં થયું છે. અપરિણીત અધ્યાપિકા એવી મૈત્રેયી બહુ જ ‘ટેલેન્ટેડ’ છે પરંતુ તેણે પોતાના શરીરના બળે નોકરી મેળવી છે એવા તેના પર થયેલા આક્ષેપોથી કંટાળી તે નોકરીમાંથી રાજીનામું આપી દે છે. ટૂંકમાં આ વાર્તામાં મનુષ્યની માનસિકતા પર પ્રહાર કરવામાં આવ્યો છે. એવી જ રીતે આજના સમયે પણ ઘણા સમાજમાં ખોટું બોલી લગ્ન કરાવવામાં આવે છે એ હકીકતથી આપણને ‘અદ્યતન કલાની નાયિકા’ વાર્તા વાકેફ કરે છે. નાયિકા ગતિનો પતિ હિન્દુ પણ નથી ને મુસ્લિમ પણ નથી, મિશ્રલોહી હતો એ સચ્ચાઈ સામે આવતાં જ ગતિ લગ્નના ત્રીજે દિવસે પતિને છોડી દે છે. તો મનુષ્યને જીવવાની કેટલી ને કેવી ઇચ્છા હોય છે એ ‘જિજીવિષા’ વાર્તામાં વ્યક્ત થયું છે. મનુષ્ય સાજો-નરવો હોય ત્યારે અનેક ભેદભાવોમાં માને છે, પરંતુ હૉસ્પિટલમાં એ ભેદભાવો (ઊંચ-નીચ, અમીર-ગરીબ, શિક્ષિત-અભણ) ભૂલી જાય છે કારણ કે એની માત્ર એક જ જિજીવિષા હોય છે, જીવવાની. આ સિવાય સમય મનુષ્યને રાજામાંથી રંક ને રંકમાંથી રાજા બનાવે એ બતાવતી ‘મરવાનુંય નથી આવતું’, લગ્નપ્રસંગે જોવા મળતાં નોખા-અનોખા રીતરિવાજોનું આલેખન કરતી ‘છેલ્લો પ્રસંગ’, ઘર તથા વતનપ્રેમનું આગવું નિરૂપણ કરતી ‘ભાઈ, મને ઘેર લઈ જા!’, અને મનુષ્યને જ્યારે એની ઇચ્છા પ્રમાણે ન મળે ત્યારે તેની માનસિક સ્થિતિ કેવી બગડે છે એની રજૂઆત કરતી ‘સિનેમન રોલ’ આદિ વાર્તાઓ પણ એના વિષય અને આલેખનને કારણે નોખી પડે છે.

‘કાળરાક્ષસ’ (૧૯૯૯) :

GTVI Image 71 Kalraxas.png

આ સંગ્રહની પહેલી વાર્તા ‘રાજિયો’ એની કથનરીતિ ને બ્રાહ્મણ સ્ત્રીના મુસ્લિમ પુરુષ સાથેના લગ્નેતર સંબંધને કારણે આગવી છાપ પાડે છે. તળપદી બોલીમાં લખાયેલ આ વાર્તામાં આપણા રૂઢ રિવાજો પર કટાક્ષ કરવામાં આવ્યો છે. પતિના મૃત્યુ પછી સ્ત્રીને મુંડન કરાવવું, સફેદ વસ્ત્રો પહેરવાં, બંગડી આદિ ઘરેણાં વિના રહેવું, રાજિયા ગવરાવવા આદિ રિવાજોનો ઉલ્લેખ આ વાર્તામાં થયો છે. એવી જ રીતે સુરતી બોલીમાં લખાયેલ ‘ઠગારો’ વાર્તા ભીલ સમાજમાં એકાધિક પત્નીઓ કરવાના રિવાજને ઉઘાડો પાડે છે. જો કે પોતાના જ દીકરાની વહુને પત્ની બનાવવી એ આ સમાજને ધક્કો આપે એવી ઘટના છે જે આ વાર્તામાં જોવા મળે છે. જો કે કાશી એના પતિ મીઠિયાને એના આ કરતૂતને કારણે મોતને ઘાટ ઊતારતાં પણ અચકાતી નથી. તો ‘અલખ નિરંજન’ એ સમાજમાં રહેલ કેટલાંક ઢોંગી સાધુઓને ઉઘાડા પાડતી વાર્તા છે. આ વાર્તામાં પણ શુદ્ધ ગુજરાતી ઉપરાંત લોકબોલી અને હિન્દી ભાષા પણ જોવા મળે છે. અલબત્ત નાથુ અને રૂખીનો દસબાર વર્ષનો દીકરો રઘુ કેવી રીતે બાવો બની જાય છે એના નિરૂપણમાં નવીનતા નથી. માણસે દરેક કામ સમયસર જ કરવાં જોઈએ, એકવાર તક જતી રહે પછી એણે અનેક પ્રકારની બાંધછોડ કરવી પડે ને છતાં જોઈતું ન મળે એ ‘વચલી વાટ ન ઘરની, ના ઘાટની’ વાર્તામાં જોવા મળે છે. પ્રૉફેશનલ થવું કે હાઉસવાઈફ એની અવઢવમાં ઈષ્ટાકુંવરી એકતાળીસ વર્ષે લગ્ન કરે છે. એ પણ બેનને કોઈ લે નઈ અને બૈને કોઈ દે નઈ’ એવું એમનું જોડકું બને છે. એમાં પણ પોતાની એકલતા દૂર કરવા ઈષ્ટા પતિ અનંગ પાસે બાળકની માંગણી કરે છે ત્યારે અનંગ ‘ટૂ લેઈટ’ કહી એની વાતને ઉડાવી દે છે. ‘નૂતન વિશ્વ!’માં સંતાન માટે માતા-પિતા કેટ-કેટલા ભોગ આપે છે એ જોવા મળે છે. વળી, વાર્તાનાયિકા છાયાના જીવનમાં ‘દૂરના ડુંગર રળિયામણા’ જેવી સ્થિતિ આવી પડે છે. અમેરિકા જઈ સ્વતંત્ર અને સમૃદ્ધ જીવન જીવવાના એનાં સપનાંઓ સપનાં જ બની રહે છે. ઉપરાંત માણસના મનમાં કોઈ વહેમ ઘૂસી જાય તો જીવનના અંત સુધી એની દવા નથી મળતી એ સચ્ચાઈ પણ આ વાર્તામાં આલેખાઈ છે. ‘વસમી મુલાકાત’ એ પુત્રના લગ્ન માટે ચિંતિત અને ઉત્સુક માતા-પિતાનો પરિચય કરાવતી વાર્તા છે. વાર્તામાં જૂની (અપૂર્વ) અને નવી (અશેષ) પેઢી વચ્ચે આવી રહેલ અંતર તથા જેની સાથે આખું જીવન વિતાવવાનું છે એની પસંદગી એકાદ મુલાકાતમાં શક્ય નથી એ હકીકતનો સંકેત કરવામાં આવ્યો છે. ‘ધમ્મમ્‌ શરણમ્‌ ગચ્છામિ’માં સેવાભાવી આનંદીબેન અને એમના ‘સહેલી સંઘ’નો પરિચય થાય છે. જો કે આપણે ત્યાં મોટેભાગે સારાં કામોને લોકો જલ્દી સ્વીકારતા નથી, એનો વિરોધ કરતા હોય છે એ હકીકત રજૂ થઈ છે. પરંતુ જેણે સેવા કરવાનું જ લક્ષ્ય રાખ્યું હોય તે જીવને જોખમે પણ પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખે છે, ને એનું ઉદાહરણ એટલે ખટારો નામના ગામમાં મોતને ગણકાર્યા વિના લોકોની નિઃસ્વાર્થભાવે સેવા કરતાં આનંદીબેન. તો ‘ભૂલો પડી ગયો છું!’ અને ‘ન નર કે ના નારી!’ એ બે વાર્તાઓ એના અનોખા વિષયવસ્તુને કારણે ધ્યાન ખેંચે છે. પહેલી વાર્તામાં મનુષ્યના ‘સબકોંશ્યસ’માં થઈ રહેલી હલચલ એને (ધીરુને) જીવનના અંતિમ સમયે પણ છોડતી નથી એ દર્શાવાયું છે તો બીજી વાર્તામાં ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ એવું સ્ત્રીનું પુરુષમાં થતું રૂપાંતરણ બતાવાયું છે. કમળી ડૉ. રૉબિન્સની મદદથી યુવાન પુરુષ બને એ તો માત્ર કલ્પનાઓમાં શક્ય બને, પરંતુ અહીં એનું રસિક નિરૂપણ થયું છે. ‘કાળરાક્ષસ’ એ માફીઆઓને કારણે નિર્દોષ પ્રજાને કેટલી યાતનાઓ ભોગવવી પડે છે એ સત્યને ઉજાગર કરતી વાર્તા છે. કાદિર નામનો મોચી બાંગ્લાદેશમાં એક ગંદી જગ્યાને સ્વચ્છ કરી પોતાનો ધંધો શરૂ કરે છે. પરંતુ બાંગ્લાદેશી માફીઆઓ તેની પાસે જગ્યાની જકાત માંગે છે. કાદિર જકાત આપવાની ના પાડે છે એટલે એ કાળરાક્ષસો કુહાડીથી એના ટુકડા કરી નાખે છે. વાર્તાનો આ કરુણ અંત ભાવકના હૃદયને હચમચાવી મૂકે એવો છે. તો ‘ગોડફાધર’ વાર્તામાં કમાવવા માટે મિરલાના પિતા આલ્ફોન્સો પરિવારથી દૂર રહે છે અને મિરલાના ‘ફાધર’ને બદલે અન્યોની મદદ કરી એ લોકોના ‘ગોડફાધર’ બને છે ત્યારે કેવી રીતે પરિવારના પ્રેમને ખોઈ બેસે છે એનું આલેખન થયું છે. પરિવારજનો માત્ર રૂપિયાથી જ ખુશ થતાં નથી, સાથે રહેવાથી પણ ખુશ રહી શકે છે એ પ્રસ્તુત વાર્તામાં સમજાવવામાં આવ્યું છે. ‘ભવાનીનો ભોગ’ વાર્તામાં અંધશ્રદ્ધા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. લોકબોલીની કથનરીતિએ રજૂ થયેલી આ વાર્તા, માતાજીને પાડાનો ભોગ આપવો જ પડે, ન આપીએ તો પાપ લાગે એ અંધશ્રદ્ધાને ખુલ્લી પાડે છે. શનો ભગત એ કારણે જ સરકારના હુકમનો અનાદર કરી નવરાત્રિની આઠમે પોતાના ભૂરિયા પાડાનો ભોગ આપવા માંગે છે. પરંતુ એમાં એ પોતે જ પાડા દ્વારા ઘવાય છે અને હાંસીપાત્ર બને છે. લોકબોલીમાં લખાયેલ એવી જ અન્ય એક વાર્તા ‘તાં મને ગોઠતું નથ’માં સ્ત્રીને એના સ્વભાવ-પ્રકૃતિ વિરુદ્ધ વાતાવરણ મળે ત્યારે એણે કેટલું વેઠવું પડે છે એ જોઈ શકાય છે. જશીને પોતાની સાસરીમાં ગોઠતું નથી, પણ એણે એ સ્વીકારવું જ પડે છે, કારણ કે એની પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી! જ્યારે એના પિતા પણ એને જાકારો આપે છે ત્યારે એને વાસ્તવિકતાનું ભાન થાય છે, ને તે મનમાં બોલે છે, ‘જશીબોન, અવે તો જીવ્વાનું કે મરવાનું, એ ગંદી ઝૂપડપટ્ટીમાં; ગોઠે કે ના ગોઠે!’ આપણા સમાજની એક એવી જ વરવી વાસ્તવિકતા ‘વણજારાની પોઠ’ વાર્તામાં ઉજાગર થઈ છે. સ્ત્રીમુખે કહેવાયેલી આ વાર્તામાં જે બાએ પેટે પાટા બાંધી પોતાનાં સંતાનોને ઉછેર્યા હોય એ જ બા ઉત્તરાવસ્થામાં વૃદ્ધાશ્રમમાં જવા મજબૂર બને છે. એમાં દીકરાની વહુ પણ જવાબદાર હોય છે. જો સાસુ-વહુ સંપીને રહે તો આ સ્થિતિ ક્યારેય ન આવે એ સ્ત્રીમુખે રસિક રીતે રજૂ થયું છે. તો બાળકને યોગ્ય માર્ગદર્શન અને પ્લેટફોર્મ મળે તો એ અવશ્ય સફળ થાય એ હકીકતને ઉજાગર કરતી ‘અતિથિસત્કાર’, જૂના રિવાજ મુજબ ન્યાય માટેની પંચ બેસાડવાની પ્રથા અને લોકોમાં જાગૃતિ આવી છે એનો અણસારો આપતી લોકબોલીમાં લખાયેલી ‘દિયેરવટો’, સમાજમાં અપરિણીત સ્ત્રીને પડતી મુશ્કેલીઓ અને દારૂ આદિ વ્યસનોને કારણે ઘરના સદસ્યોને વેઠવી પડતી મુશ્કેલીઓનું આલેખન કરતી ‘ને પછી મમ્મી મરી જાય છે!’, બાંગ્લાદેશમાં પણ બાળમજૂરીના પ્રશ્નો રહેલા છે એનું નિરૂપણ કરતી ‘રાણીના હિન્દુ બાબા!’, પુરુષોના લગ્નેતર સંબંધને કારણે સ્ત્રીઓએ કેવું કેવું ભોગવવું પડે છે એની રજૂઆત કરતી ‘બે દ્રૌપદી અને એક પાંડવ’, ઝઘડો એ મનુષ્યનો સૌથી મોટો દુશ્મન છે એ હકીકત પર પ્રકાશ પાડતી ‘માત્ર બે શબ્દ’, મનુષ્ય માટે જીવજંતુઓ પણ કેટલાં જરૂરી છે એ બાબતથી વાકેફ કરાવતી ‘લીલુડી વાડી’, મનુષ્ય જીવતાને મદદ ન કરે પણ મરેલાં પાછળ અઢળક ખર્ચો કરે એ કેટલું યોગ્ય? એવા સળગતા પ્રશ્નને વાચા આપતી ને બંગાળી શીર્ષક ધરાવતી ‘માનુષ મરે ગીએ છે!’, એકાધિક પુરુષો સાથે સંબંધ બાંધવાથી કેવી જીવલેણ બીમારીનો ભોગ બનવું પડે છે એ સમજાવતી ‘ઐરાવતની સૂંઢ’, વર્તમાન સમયમાં ચાલતી ‘લીવ-ઈન’ની વાસ્તવિકતાને રજૂ કરતી ‘સખ્ય કરાર’, નોકરી દરમિયાન ભોગવેલી સુવિધાઓને કારણે મનુષ્ય કેવો આળસુ અને ખોખલો બની જાય છે એ હકીકતને ઉજાગર કરતી ‘૬૦ પ્લસ’, કે જીવનમાં કરેલાં કેટલાંક ખોટાં કામો સપનામાં દેખા દઈ મનુષ્યના અંતરને કેવું ઢંઢોળે છે એનું નિરૂપણ કરતી ‘અંતરનો ભીરુ ‘હું’ આદિ વાર્તાઓ પણ આ સંગ્રહની પ્રમાણમાં સ-રસ કહી શકાય એવી વાર્તાઓ છે.

‘છેલ્લું ફરમાન’ (૨૦૦૫) :

GTVI Image 72 Chhellum Farman.png

આ સંગ્રહનું નામ જે વાર્તા પરથી રાખ્યું છે એ ‘છેલ્લું ફરમાન’ પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીને કેટલું વેઠવું પડે છે એ બતાવી આપે છે. ભૂલ પુરુષ કરે ને ભોગવે સ્ત્રી એ હકીકત અહીં ઉજાગર થઈ છે. શમશાદ નિર્દોષ હોવા છતાં ઘણું ભોગવે છે. પરંતુ મૌલવી જેવા પુરુષો અને અન્ય સુધારાવાદીઓ સ્ત્રીનો પક્ષ લઈ સાચો ન્યાય કરે છે તે બતાવી આપે છે કે બધા પુરુષો ખરાબ નથી હોતા. વાર્તામાં ગુજરાતી, અંગ્રેજી (ફૉર્મ્સ, ક્વાર્ટર), હિન્દી (‘બોલ, સલમાન પ્યારે! કૈસી લગતી હૂં?), બંગાળી (ભાલો માણસ) આદિ ભાષાનાં વાક્યો કે શબ્દો જોવા મળે છે, જે સર્જકની એકાધિક ભાષા પરની પકડની સાહેદી પૂરે છે. ‘માબાપ અને બાળકો’ વાર્તામાં પણ પુરુષોના મોજશોખનો ભોગ બનતી સ્ત્રીનું આલેખન થયું છે. અનુરાગ બે સંતાનોનો પિતા હોવા છતાં વાસંતીને છોડી મિસ. નિર્મલા ગુપ્તા સાથે રહે છે. પરિણામે વાસંતી પર દુઃખનું આકાશ તૂટી પડે છે. તો ‘ભાઈચારો’ એ કોમી રમખાણને વિષય બનાવી, હિન્દુ અને મુસ્લિમ પણ સાચા મિત્રો હોઈ શકે એ હકીકત રજૂ કરતી વાર્તા છે. કોમી રમખાણો થાય ત્યારે મનુષ્ય પોતાનું મનુષ્યત્વ ભૂલી પશુ બની જાય છે, ને એમાં અનેક નિર્દોષોનો ભોગ લેવાય છે. પરંતુ એમાં કનુભાઈ વકીલ અને ઈકબાલભાઈ જેવા બે મિત્રો પણ હોય છે જેમના પર કોમી રમખાણોની કોઈ અસર થતી નથી, ઊલટુ તેઓ એવી વિકટ પરિસ્થિતિમાં જીવને જોખમે પણ એકબીજાની સહાયે દોડી પડે છે. જીવનમાં ભણતર જરૂરી છે, પરંતુ ભણતર સિવાય પણ ઘણું રહેલું છે. જામિની જેવી સ્ત્રી કે જેને ફરવાનું ગમે છે, મિત્રો બનાવવાનું ગમે છે એને, જે માત્ર વેદિયાની જેમ ભણવા સિવાય અન્ય પ્રવૃત્તિમાં ‘ઢ’ છે એવા મેહુલના બંધનમાં રહેવું પડે છે એટલે તે લગ્નના એક સપ્તાહમાં ઘર છોડીને જતી રહે છે. ટૂંકમાં સ્ત્રીને એના સ્વભાવ પ્રમાણે વાતાવરણ ન મળે તો તે જામિનીની જેમ ડગલું ભરવા પણ સક્ષમ છે એની પ્રતીતિ ‘વેદિયો’ વાર્તામાં થાય છે. એની સામે ‘૨Kની પ્રેમલીલા’ વાર્તામાં પ્રેમની કોઈ ઉંમર નથી હોતી એ બતાવાયું છે. વૃદ્ધોમાં પણ પ્રેમ થઈ શકે ને એમાંય જ્યારે એકલતા હોય ત્યારે ખાસ. વડીલઘરમાં રહેતા કુંદનલાલ અને કવિતાબેન એનું ઉદાહરણ છે. જો કે આજેય એવા સંબંધોને આપણો સમાજ સ્વીકારતો નથી એ કડવી સચ્ચાઈનો સંકેત પણ વાર્તામાં રહેલો છે. અમેરિકાના પરિવેશને આલેખતી ‘અનોખું તીર્થસ્થાન’ વાર્તા પણ નોંધપાત્ર છે. જે જગ્યાએ જીવનને નવો વળાંક આપ્યો હોય તેને માણસ ક્યારેય ભૂલી શકતો નથી. ચિનુ પણ પોતાના અભ્યાસકાળના મિ. બાકરાથના ઘરને પોતાનું બીજું ઘર માને છે. એની પત્ની સુધાને મન તો એ ઘર એક તીર્થસ્થાન છે. સાથોસાથ વિદેશી ધરતી પર પણ મિ. બાકરાથ જેવા ઉષ્માથી આવકાર આપનાર માણસો રહેલા છે એ આ વાર્તામાં જોઈ શકાય છે. તો એની સામે વિદેશમાં જવાનું ભૂત યુવાનો માટે કેટલું દુઃખદાયક છે એ ‘H-વીઝાનું છટકું’ વાર્તામાં જોઈ શકાય છે. આપણા દેશનાં યુવાનો તથા યુવતીઓ અનેક સપનાંઓ લઈને વિદેશમાં જતાં હોય છે. પરંતુ વાસ્તવિક પરિસ્થિતિથી તેઓ જ્યારે વાકેફ થાય છે ત્યારે બહુ મોડું થઈ જાય છે, પરિણામે એમના સુખી જીવનમાં કંકાશ ઊભો થાય છે એ સર્જકે મંદાકિની અને અનુપમના પાત્ર દ્વારા બતાવ્યું છે. જયેશ, કલા અને નિલમના પ્રણયત્રિકોણને કેન્દ્રમાં રાખી લખાયેલી ‘આ પાર કે પેલે – પણ મઝધાર તો નહિ જ’ વાર્તામાં પરપુરુષ સાથે બાંધેલા સંબંધનો અંત પીડાજનક હોય છે એનું સુંદર આલેખન થયું છે. સ્ત્રી-પુરુષ પરસ્પર આકર્ષાય એ સ્વાભાવિક છે પરંતુ પરિણીત પુરુષ હંમેશા માટે પત્નીને છોડી, પ્રેમિકા સાથે રહે તે અશક્ય છે, એ વાસ્તવિકતા પ્રસ્તુત વાર્તામાં રજૂ થઈ છે. ‘નેણમાં નેહ હોય ટો...!’ વાર્તામાં સર્જક એક અનોખો વિષય આપણી સામે લઈ આવે છે. રાજેશ નબી સાથે બીજાં લગ્ન કરે ને એ લગ્નમાં પહેલી પત્ની શીલાને પણ આમંત્રણ આપે છે! ઉપરાંત ‘RIની સામે NRI’ વાર્તામાં પરિવર્તન એ સંસારનું સનાતન સત્ય છે બતાવાયું છે. પંદર વર્ષ પહેલાં સુધાંશુ જેવાની માંગ ભારતમાં હતી તેથી જ એને સારી પદવી મળી જાય છે. પરંતુ સમય જતાં NRI ભટ્ટાચાર્ય સર્વેસર્વા બની રહે છે ને સુધાંશુને ઘરે બેસવું પડે છે. તો ‘મહેફિલે શામ – મિસ નર્મદા કે નામ’ વાર્તામાં નશો નાશ કરાવે એ હકીકત રજૂ થઈ છે. નશો કેફી પદાર્થનો હોય કે સ્ત્રીનો એ નાશનું મૂળ છે. અહીં તો અશોક ગજ્જર, પીયૂષ અમીન આદિ કૉલેજિયન ટોળકી એ બંને નશામાં ધૂત છે, પરિણામે સૌએ જેલની હવા ખાવી પડે છે. આ સિવાય નાની ઉંમરે વાહન ચલાવવાથી અકસ્માતમાં કેવા અનર્થ થાય છે એ સુરતી બોલીમાં સમજાવતી ‘દાદો કેમ ઊઠતો નથી?’, મનુષ્ય અમુક ક્ષણે કેવો લાચાર બને છે તેનું ઉદાહરણ પ્રસ્તુત કરતી ‘એક વિલક્ષણ ક્ષણ’, માતાજી આવવા અર્થાત્‌ સ્ત્રી ધૂણવા લાગે એ આપણી એક નોખી સંસ્કૃતિનાં દર્શન કરાવતી ‘ભાયડા ગણવા!’ અને ‘ડશામા ઊટર્યાં’, કાન જતા રહેવાથી મનુષ્યજીવન કેવું પાંગળું બની જાય છે એ બતાવતી ‘સ્પર્શ અને ધ્વનિ’, પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીની ઇચ્છાને સ્વીકારી વહુઘોડો કાઢવાની નવી રીતનો આરંભ કરતી ‘વહુઘોડો’, પુત્રીના ગૃહત્યાગથી માતા-પિતા કેટલાં દુઃખી થાય છે એ વ્યક્ત કરતી ‘પરિહાર’, ઉતાવળે આંબા ન પાકે, ધીરજનાં ફળ મીઠાં આદિને ચરિતાર્થ કરતી ‘મોટી મમ્મી-નાની મમ્મી’, વિધવા સ્ત્રીનું ઊતરતી ઉંમરે અન્ય પુરુષ પ્રત્યેનું આકર્ષણ વ્યક્ત કરતી ‘ફરી કોઈ વખત!’, કે પત્ની હોવા છતાં ઘનશ્યામભાઈના વિધવા કનક સાથેના આડસંબંધોને નિરૂપતી ‘ઘરમાં બીજું ઘર’, સમદુખિયા હોય તે એકબીજાને પોતપોતાની આપવીતી જરૂર કહેતા જ હોય એ સમજાવતી ‘સાજનની સોનલ’, દારૂની લત માણસને, એના આખા પરિવારને દુઃખની ગર્તામાં ધકેલી દે છે એ હકીકત પર પ્રકાશ પાડતી ‘વનવગડાનો માણસ’ જેવી વાર્તાઓ પણ એની કથનરીતિ અને નોખા વિષયવસ્તુને કારણે ધ્યાન ખેંચે છે.

વાર્તાકાર તરીકેની ઈવા ડેવની વિશેષતા-મર્યાદા :

કિશોરાવસ્થામાં જ સાહિત્યક્ષેત્રે ઉન્નતોનત શિખર સર કરવાની મહત્ત્વાકાંક્ષા સેવનાર ઈવા ડેવ નોખા-અનોખા વિષયો વાર્તામાં લઈ આવે છે. સર્જનપ્રક્રિયા વિશે શરીફા વીજળીવાળાને તેઓ જે જવાબ આપે છે તે નોંધપાત્ર છે, ‘સાધારણ રીતે એક અનુભૂતિનો આવિષ્કાર થાય છે અને વાર્તાએ-વાર્તાએ એનાં ઉદ્દીપકો જુદાં હોય છે. કોઈકોઈ વખત વર્ષો સુધી અંતરાલમાં સુપ્ત પડી રહેલ કોઈ પ્રસંગ, અનુભવ, બીના વગેરે ઉદ્દીપક બને છે તો કોઈ વખત એકાએક બની ગયેલ પ્રસંગ; વાર્તા રચવાની માનસિક ગુપ્ત માનસચિત્તના કોઈ એક ખાસ પાર્શ્વમાં શરૂઆત થઈ જાય છે. એક અજબ પ્રકારની પ્રક્રિયા હોય છે. તે પ્રક્રિયા દરમિયાન ‘પઝેસ્ડ’ થઈ ગયા હો એવી પ્રતીતિ થાય છે. એને કલાસ્વરૂપ કેવી રીતે આપવું અથવા તો વાર્તાને કેવો આકાર આપવો એની મથામણ શરૂ થાય છે. કયા પ્રકારમાં રચવી, કયા પાત્રને કેન્દ્રમાં રાખવું, પાત્ર પાસે કહેવડાવવી કે કહી નાખવી, કયા પાત્ર પાસે કહેવડાવવી, કઈ ભાષાનો પ્રયોગ કરવો વગેરે વગેરે વિચારો એકસામટા આડાઅવળા ચાલ્યા કરે છે; તે ત્યાં સુધી કે અમુક સમયે, જેમ બાળકનો પ્રસવ થવાનો સમય આવે તેમ, લાગે કે કલમ લેતાં વાર્તા લખાઈ જશે.” ને એમ તેઓએ સૌથી જુદું, ક્યારેય ન લખાયું હોય તેવું પોતાની વાર્તાઓમાં આલેખ્યું છે. ‘તરંગિણીનું સ્વપ્ન’ જેવી યૌનસંબંધને કેન્દ્રમાં રાખી લખાયેલી વાર્તાએ તો તત્કાલીન સમયમાં વાચકોને પોતાની તરફ આકર્ષ્યા હતા. ઉપરાંત એમની પાસેથી ઘણી એવી વાર્તાઓ મળી છે જે વાર્તારસ માટે ગમી જાય છે. જેમ કે, ‘ગોડફાધર’, ‘રણછોડરાયાની છાંય’, ‘સખ્ય કરાર’, ‘ભવાનીનો ભોગ’, ‘દિયેરવટો’, ‘તમને ગમી ને?’, ‘સેલ્વી પંકજમ્‌’ વગેરે... ઈવા ડેવ પાસેથી કથનરીતિની વિશિષ્ટતાને કારણે નોંધ લેવી પડે એવી પણ અનેક વાર્તાઓ મળી છે, ‘ભવાનીનો ભોગ’, ‘દાદો કેમ ઊઠતો નથી?’, ‘શોક્ય’, ‘ચોન્ટી’, ‘લડૈ’, ‘વાજાં વાગશે ને?’ વગેરે. તો ‘વદાય’ તથા ‘ગૃહપ્રવેશ’ પત્રરીતિએ કહેવાઈ છે અને ‘આત્મહત્યાનું પૃથક્કરણ’ ડાયરીરૂપે. એની સામે ‘એ નથી’ વાર્તા નાયક અને નાયિકા પ્રકટ રીતે પણ બોલે ને મનોમન પણ બોલે એ રચનારીતિથી લખાઈ છે. બાળકના મોઢે વાર્તા કહેવડાવવાનો પણ સર્જકે પ્રયોગ કર્યો છે. એમાં ‘ચોન્ટી’, વિશેષ ધ્યાન ખેંચે છે. ઉપરાંત ‘દાદો કેમ ઊઠતો નથી?’, ‘છિન્નભિન્ન છું હું’, ‘લડૈ’, ‘શોક્ય’, ‘રાજિયો’ વગેરે વાર્તામાં પણ સર્જકે સફળતાપૂર્વક એ પ્રયોગ કર્યો છે. તો એમણે સંપૂર્ણ વાર્તાને લોકબોલીમાં આલેખવાના પ્રયોગમાં પણ સફળતા હાંસલ કરી છે. એમાં જે-તે બોલીના લહેકા, આરોહ-અવરોહને લેખકે સહજતાથી આલેખ્યા છે. દા. ત. ‘ચોન્ટી’, ‘વાજાં વાગશે ને ?’, ‘માનચંદ’, ‘લડૈ’, ‘ન્યાય’, ‘દિયેરવટો’, ‘ડશામા ઊટર્યાં’... એવી જ રીતે કેટલીક વાર્તાનાં શીર્ષકો પહેલી નજરે સ્પષ્ટ થતાં નથી. ‘તહોમતદાર’, ‘પલીતો’ આદિ શીર્ષકો માટે તો જોડણીકોશ ફંફોસવો પડે, જે સર્જકના લોકબોલી પરના પ્રભુત્વનો પરિચય કરાવે છે. સાથોસાથ ‘મનમાં ભાવે ને મૂંડકો હલાવે’, ‘કાગડો દહીંથરું લઈ ગયો’, ‘દાળમાં કંઈક કાળું હોવું’ આદિ કહેવતો અને રૂઢિપ્રયોગો પણ વાર્તામાં સહજ રીતે આવે છે. તો ગુજરાતી ઉપરાંત હિન્દી, અંગ્રેજી, ઉર્દૂ, બંગાળી, જેવી ભિન્ન ભિન્ન ભાષાઓ અને લોકબોલીઓ પર ઈવા ડેવની કેવી પકડ છે એ પણ આ વાર્તાઓમાંથી પસાર થતાં માલૂમ પડે છે. સર્જકે પોતાનો અભ્યાસ અમેરિકામાં કર્યો છે, પરિણામે એમની ઘણી વાર્તાઓમાં અમેરિકાનો પરિવેશ, ત્યાંનાં પાત્રો, એ પાત્રોના પ્રશ્નો આદિનું આલેખન થયેલું જોવા મળે છે. ‘અનોખું તીર્થસ્થાન’ તો જાણે ચિનુ જોશી નહીં પણ ઈવા ડેવની જ કથા છે એમ લાગે. આ સિવાય ‘ગંભીર-હળવા આદિનો હળવો-ગંભીર અંત’, ‘કફન’, ‘ગુડ બાય’, ‘એ નથી’, ‘નૂતન વિશ્વ!’ આદિ વાર્તાઓમાં પણ વિદેશી પરિવેશ સુપેરે આલેખાયો છે. તો ઢાકા (બાંગ્લાદેશ)માં પણ એમણે નોકરી કરી છે એટલે ‘કાળરાક્ષસ’, ‘છેલ્લું ફરમાન’, ‘રાણીના હિંદુ બાબા’, ‘માનુષ મરે ગીએ છે!’ આદિ વાર્તાઓમાં ત્યાંનો પરિવેશ અને પાત્રો જોવા મળે છે. જો કે એનો અર્થ એ નથી કે તેમણે ભારતીય પરિવેશને આલેખવામાં કચાશ રાખી છે. નાનકડાં ગામડાંથી માંડી હિમાલય, દરિયાકિનારો, મુંબઈ, દિલ્લી, ગાંધીગ્રામ, કેદારનાથ, મદુરાઈ, મૈસુર, અરે ગામ, ખેતર, ટ્રેન આદિ પરિવેશને પણ તેમણે બખૂબી આલેખ્યો છે.

‘કાળરાક્ષસ’ અને ‘છેલ્લું ફરમાન’ વાર્તાસંગ્રહોમાં જે-તે વાર્તા કયા વર્ષમાં લખાઈ અને કયા સામયિકમાં પ્રકાશિત થઈ છે એ પણ એમણે જણાવ્યું છે. ઉપરાંત ‘છેલ્લું ફરમાન’ સંગ્રહના તેઓ માત્ર લેખક જ નથી, લેખનની સાથોસાથ તેમણે ટાઇપસેટર અને પ્રૂફવાચકની ભૂમિકા પણ અદા કરી છે. ઈવા ડેવની ઉપર્યુક્ત વાર્તાઓમાં વિશેષતાઓની સાથે કેટલીક મર્યાદાઓ પણ રહેલી છે. એક જ વિષયવસ્તુને આધારે એમણે એકાધિક વાર્તાઓ લખી છે. નાયક મોટેભાગે વતન છોડી કમાવવા અર્થે વિદેશમાં સ્થાયી થાય, પાછલી ઉંમરમાં નાયક ભારત પાછો આવે, સમાજમાં પુરુષને કારણે વેઠતી સ્ત્રીઓ, અપરિણીત સ્ત્રીની યાતના, પાછલી ઉંમરે જ સ્ત્રી-પુરુષો આડસંબંધ બાંધે, ઘર છોડીને વિદેશ જતી દીકરી ગર્ભવતી બને, પતિ સાથે ન ફાવતાં એનો ત્યાગ કરે, મા-બાપ દ્વારા એનો પ્રેમથી સ્વીકાર થાય, મોટેભાગે દાદાનું અવસાન થયું હોય, દાદી એકલાં જ જીવતાં હોય એવું ઘણી વાર્તાઓમાં જોવા મળે છે. તો લગ્નેતર સંબંધને કેન્દ્રમાં રાખી લખાયેલી વાર્તાઓ ૧૧નો આંકડો પાર કરી જાય છે. ‘કફન’ વાર્તાનો પરિવેશ તથા પાત્રો વિદેશી છે પરંતુ બે-ત્રણ જગ્યાએ સાવ તળપદા શબ્દો આવે છે, જે એ પરિવેશ કે પાત્રોને અનુરૂપ નથી : ‘હાંભળ્યું’ (સાંભળ્યું), ‘છોડી’ (છોકરી). જો વાર્તાનાં પાત્રો વિદેશી પસંદ કર્યાં હોય તો તે આવું તળપદું ગુજરાતી બોલે એ અજૂગતું લાગે છે. ઉપરાંત ‘ગંભીર-હળવા આદિનો હળવો-ગંભીર અંત’ જેવું બોલકું શીર્ષક પણ જોવા મળે છે. અને ૧૧૪માંથી માંડ ત્રણ-ચાર વાર્તાઓમાં જ સ્ત્રીકથક છે. આમ, આવી કેટલીક મર્યાદાઓ હોવા છતાં ઈવા ડેવનું વાર્તાલેખન સતત થતું રહ્યું છે. અને એ વાર્તાઓમાં વિષયવસ્તુ, કથનરીતિ આદિ બાબતે કરેલા એમના પ્રયોગો વાર્તામાં વિવિધતા લાવે છે. ને એટલે જ ભાવકને ‘મજા કરાવે’ એવી ઘણી વાર્તાઓ એમની પાસેથી સાંપડી છે. તેઓનું વાર્તાલેખન લગભગ અટક્યું નથી, સાતત્યપૂર્ણ રીતે ચાલતું રહ્યું છે. ને એમણે કેવા ભાત-ભાતના પ્રયોગો કર્યાં છે એ એમના શબ્દોમાં જોઈ શકાય છે : ‘એક આદર્શ પોષવાની કોશિશ કરતો કે સૌથી જુદું જ, ક્યારેય ન લખાયું હોય, કોઈએ પણ ન લખ્યું હોય એવું કશુંક લખવું. જે કહેવું હોય તે કહો-ગાંડપણ, ભ્રમ કે મિથ્યાભિમાન; આજે પણ તેવું કરવાની ધગશ લગારે ઓછી થઈ નથી.’ સમગ્રતયા એમ કહી શકાય કે ઈવા ડેવ એટલે ગુજરાતી વાર્તાસાહિત્યમાં નોખી કેડી પાડનાર ને સ્થિર તેજકિરણો પ્રસારતા ધ્રુવતારા જેવા વાર્તાકાર.

સંદર્ભ :

૧. ‘આગંતુક’, ઈવા ડેવ, પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ, પાર્શ્વ : પ્ર. આ. ૧૯૯૮
૨. ‘ઈવા ડેવનો વાર્તાવૈભવ’, સં. શરીફા વીજળીવાળા, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, પ્ર. આ. ૨૦૨૪
૩. ‘કાળરાક્ષસ’, ઈવા ડેવ, રંગદ્વાર પ્રકાશન, અમદાવાદ, પ્ર. આ. ૧૯૯૯
૪. ‘છેલ્લું ફરમાન’, ઈવા ડેવ, રંગદ્વાર પ્રકાશન, અમદાવાદ, પ્ર. આ. ૨૦૦૫
૫. ‘તહોમતદાર’, ઈવા ડેવ, એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ., મુંબઈ-૨, પ્ર. આ.૧૯૮૦
૬ ‘સમ્મુખ’, શરીફા વીજળીવાળા, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, પ્ર. આ. ૨૦૧૪

ડૉ. રાઘવ ભરવાડ
બી.એ., એમ.એ., પીએચ.ડી.,
ગુજરાતીના અધ્યાપક
શ્રી ડી. એમ. પટેલ આટ્‌ર્સ ઍન્ડ એસ. એસ. પટેલ કૉમર્સ કૉલેજ, ઓડ
મો. ૮૮૬૬૩ ૮૩૪૩૩
Email: raghavbharvad93@gmail.com