ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/કવિ દલપતરામ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
દલપતરામ (ઈ. સ. ૧૮૨૦–૧૮૯૮)

જયેશ ભોગાયતા

Dalpatram.png

ઈ. સ. ૧૮૫૬ની સાલમાં એલેકઝાંડર ફાર્બસે ગુજરાતમાં વહીવંચા ભાટોના ચોપડા અને જૈનોના રાસ વગેરે જૂનાં પુસ્તકોની શોધ કરીને ‘રાસમાળા’ નામનું પુસ્તક અંગ્રેજી ભાષામાં રચીને વિલાયતમાં છપાવ્યું છે. ‘રાસમાળા’ને કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈએ ‘ગુજરાતના કેટલાએક ઐતિહાસિક પ્રસંગો અને વાર્તાઓ’ શીર્ષકથી પ્રકાશિત કરી. આ કથાગ્રંથમાં ગુજરાતના રાજાઓની વીરગાથાઓ છે. તેમાંથી ગુજરાતપ્રદેશનો સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક સંદર્ભ મળે છે. અર્વાચીનકાળના પ્રમુખ સર્જક દલપતરામે (ઈ. સ. ૧૮૨૦–૧૮૯૮) ગદ્યલેખનમાં એમની સર્જકતા દર્શાવી છે. નિબંધ, વિવેચન, ચરિત્ર અને વાર્તાલેખનમાં ગુજરાતી ગદ્યની શક્તિનો પરિચય આપ્યો છે. દલપતરામે વહેમ, અંધશ્રદ્ધા અને સંકુચિત વલણોને દૂર કરવા માટે બુદ્ધિપ્રધાન સર્જકસામગ્રી વડે તર્ક અને બુદ્ધિતત્ત્વની પ્રતિષ્ઠા કરી અને સ્વસ્થ તથા બૌદ્ધિક સમાજની રચના કરવા માટે લેખનનો સતત વિનિયોગ કર્યો. દલપતરામે મૌલિક શૈલી વડે કથા-વાર્તાઓનું સર્જન કર્યું છે. એમની વાર્તાઓની યાદી આ મુજબ છે.

૧. હાસ્યમિશ્રિત અદ્‌ભુત રસની વાર્તા
૨. તાર્કિકપુરના સ્વયંવરની વાર્તા૧લી
૩. બુદ્ધિમહિમા
૪. ચઢતી પડતી વિષે એક વાર્તા
૫. મોટી ઘોડાગાડી વિશે
૬. ગંગાબાઈ અને જમનાબાઈની વાત
૭. સ્ત્રીસંભાષણ અને ગૂજરાતી બાઈડિયોની વાતચીતનું વર્ણન

દલપતરામની વાર્તાઓનો દેહ પ્રાચીન મધ્યકાલીન કથાવાર્તાથી ઘડાયો છે. ‘કથાસરિત્સાગર’, ‘પંચતંત્ર’ અને લોકકથાઓની કથનશૈલીનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે. જનસમૂહને રંજન અને બોધ એ વાર્તાલેખનનો મૂળ હેતુ છે. એમની વાર્તાઓમાં મનુષ્યના વિકાસ માટે તર્કશક્તિ અને ગણિત વિદ્યાનો મહિમા વ્યક્ત થયો છે. ‘હાસ્યમિશ્રિત અદ્‌ભુત રસની વાર્તા’નો પરિવેશ સાબરમતી નદીનો કાંઠો છે. તેનું વર્ણન કર્યું છે : ‘નદીનો પ્રવાહ, સૂર્યનો અસ્ત અને ધીમે ધીમો ટાઢો પવન જોઈને, ઘડીક ત્યાં બેસવાની અમારી ઇચ્છા થઈ... આનંદ ઉપજતો હતો.’ (૬૭૮) દલપતરામની વાર્તાઓ પ્રસંગપ્રધાન છે. નાટકીયતા અને આકસ્મિકતા વાર્તારસ આપે છે. લોકશિક્ષણનો હેતુ પણ મુખ્ય છે. ‘એક ગાયની શિખામણ’ વાર્તામાં ઉદ્યમનો મહિમા દર્શાવ્યો છે. જગતમાં નકામી વસ્તુ શી હશે? જે માણસ સંસાર તજીને રખડાઉ થઈ જાય છે અને પોતાની સ્ત્રીનું કે છોકરાનું ભરણપોષણ કરતો નથી અને પોતાના ભરણપોષણને વાસ્તે કશો ઉદ્યોગ કરતો નથી અને પારકું રળેલું ખાય છે. તેનું શરીર જગતમાં નિરુપયોગી છે. પ્રાણીના મુખે ઉદ્યમનો મહિમા વર્ણવે છે. ‘તાર્કિકપુરના સ્વયંવરની વાર્તા’માં તર્કશક્તિ અને ગણિતવિદ્યાનો મહિમા દર્શાવે છે. દલપતરામ અર્વાચીન અને પ્રાચીન-મધ્યકાલીન સમયને ચતુરાઈપૂર્વક જોડે છે. મધ્યકાલીન રૂપકગ્રંથિની શૈલીનો વિનિયોગ કરે છે પણ તેમાં અર્વાચીન જીવનભાવનાને જોડે છે. ‘અશલ ગુજરાતમાં ‘તાર્કિકપુર’ નામે શહેર હતું. ત્યાંનો રાજા સૂર્યવંશી. રાજાએ પોતાની રાજધાનીના શહેરમાં બે કાલેજો સ્થાપી હતી. તેને ‘કલિંજિકા’ કહેતા. એક કાલેજ (કૉલેજ)માં જુવાન સ્ત્રીઓ અને બીજીમાં કુંવારાં ભણતાં હતાં. સ્ત્રીઓ સ્વયંવર વડે પતિની પસંદગી કરતી. લલિતા નામની સ્ત્રી પોતાના સ્વયંવરનું આયોજન કરે છે. તેમાં પુરુષોને માટે એક સમસ્યા-પ્રહેલિકા રાખી છે. ઊંચે જોયા વિના-આકાશ તરફ જોયા વિના ઊંચો મોભ લાતીઓમાંથી લાવવાની સમસ્યા. એક ચતુર પુરુષ આ સમસ્યાને સફળતાપૂર્વક પાર પાડે છે. પછી એ પુરુષ લલિતાની બુદ્ધિકસોટી લે છે ને તેમાં તે પણ પારંગત થાય છે.’ આમ, દલપતરામ તર્કશક્તિનો મહિમા દર્શાવે છે. રસિકબોધની વાર્તા. ‘ચઢતી પડતી વિષે એક વાર્તા’માં પણ રૂપકગ્રંથિનો વિનિયોગ કરે છે. ‘ચડતી’ અને ‘પડતી’ બે સ્ત્રીઓ છે. એ અનિવાર્ય છે. એનાથી મુક્તિ નથી. એમની ઇચ્છા વિના ઇચ્છા ફળતી નથી. સાથે સાથે ઉદ્યમના બળનો મહિમા કરે છે. ચડતી પડતીની મહાશક્તિનો સ્વીકાર. પ્રસંગપ્રધાનતા તેમજ નાટકીય અને આકસ્મિક બનાવોથી વાચકોને સરસ વાર્તારસ મળે છે. વાર્તારસની સાથે અભિમાનવૃત્તિના ત્યાગનો બોધ પણ મળે છે. વાર્તાના આરંભે કે અંતે બોધસૂચક દોહરો મૂકવાની રીત છે. એમની વાર્તાઓ નીતિવચન અને બોધવચનથી ગતિશીલ બને છે. દલપતરામે ગુજરાતી પ્રજાને પ્રમાદ, વહેમ, અંધશ્રદ્ધા જેવા કુરિવાજોમાંથી મુક્ત કરવા માટે બાલાવબોધી વાર્તાઓનું સર્જન કર્યું છે. આ વાર્તાઓમાં કથન, વર્ણન, સંભાષણ, પદ્ય, દોહરા તથા કાવ્યો મુખ્ય ઘટકો છે. તેમાં મધ્યકાલીન ગુજરાતી પદ્યવાર્તાઓનો પ્રભાવ છે. વાર્તા સર્જનનો હેતુ સુધારો લાવવાનો છે. ધૂમકેતુ પૂર્વેના તબક્કામાં વિવિધ લેખકો અને લેખકમંડળોએ મૌલિક, અનુવાદ અને રૂપાંતરો દ્વારા ‘કથા’, ‘વાત’, ‘વારતા’, ‘વાર્ત્તા’નાં પ્રકાશન માટે અનેક તકલીફો વેઠીને વાર્તાપ્રકાશનનાં કાર્યો કર્યાં છે તેનાથી વાર્તાસર્જનને બળ અવશ્ય મળ્યું છે. સાહિત્યિક સંસ્થાઓએ આ પ્રકારનાં પ્રકાશનોનું પુનર્મુદ્રણ કરવું જોઈએ. વાર્તાગ્રંથોનું વાચન કરતાં એક અનુભવ એ રહ્યો છે કે લેખકોમાં ઉત્સાહ છે લેખનનો. ઇસપકથાઓ, ‘રાસમાળા’, ‘ગુજરાત અને કાઠિઆવાડ દેશની વારતા’ એનાં પ્રમાણો છે. સ્વભાષા માટેનો ઊંડો સ્નેહ અને પ્રજાકલ્યાણની ભાવના આ બે મુખ્ય ચાલકબળથી અમૂલ્ય વાર્તાગ્રંથો વારસારૂપે મળ્યા છે! ગુજરાતી ટૂંકીવાર્તાના લેખનકાળના આરંભના તબક્કાની વાર્તાને માત્ર અર્વાચીન ટૂંકીવાર્તાની સ્વરૂપવિભાવના સંદર્ભે ન જોતાં તેને કથાસાહિત્યની કૃતિ તરીકે – Narrative Text તરીકે તેનું વાચન કરવાથી તેની કથનાત્મકતાનો અનુભવ થશે. આ તબક્કાની કેટલીક વાર્તાઓ પ્રાચીન-મધ્યકાલીન લોકકથાની અદ્‌ભુત તત્ત્વસભર શૈલીના ગોત્રની છે. સાથે સાથે તે બોધકથાની સાથે પણ સંબંધ ધરાવે છે. જેમ કે સંચયની પહેલી વાર્તા દલપતરામની છે. આ વાર્તાના કેન્દ્રમાં મનુષ્યની અભિમાનવૃત્તિ છે. આપવડાઈનો અતિરેક છે, પરંતુ અભિમાનવૃત્તિના અતિરેકને માત્ર નીતિવચનોના સંભાષણથી રજૂ કરવાને બદલે અદ્‌ભુતરસના વિભાવ, અનુભાવ અને સંચારીભાવોથી નિરૂપણ કરવાને કારણે વાચકને વાર્તારસ મળે છે. એ અદ્‌ભુતરસની નિષ્પત્તિમાં બોધ કે ઉપદેશ તો ગૌણ રહી જાય છે અને એ જ તો એની વાર્તાકળાની ઓળખ છે. વાર્તામાં સંદર્ભ અનુસાર કથકો બદલાતા રહે છે. સર્વજ્ઞ, કવિ અને મોટો જોગીરાજ વાર્તાના કથક છે. જ્યાં વાર્તાનો કથક કવિ છે ત્યાં કવિની પ્રકૃતિનો પ્રભાવ વાર્તાકથન પર છે. જેમ કે સાભ્રમતી (સાબરમતી)ના પરિવેશનું વર્ણન. ‘એક સમે સાંજે હું, તથા મારા બે ત્રણ મિત્રો, શાહીબાગ તરફ સાભ્રમતીને કાંઠે ફરવા ગયા હતા. ત્યાં એક ઊંચા ટેકરા ઉપર સ્વચ્છ જગા જોઈને, તથા નદીનો પ્રવાહ, સૂર્યનો અસ્ત અને ધીમો ધીમો ટાઢો પવન જોઈને, ઘડીક ત્યાં બેસવાની અમારી ઇચ્છા થઈ. ત્યારે તરફ નજર કરીએ તો લીલા રંગના સુંદર બાગ જેવાં મોટાં મોટાં ઝાડ નજરે પડતાં હતાં, તેમાં વળી તાડના ઝાડ સૌથી ઊંચાં નીકળેલાં, તે જાણીએ કે વસંત રાજાને માથે છત્ર ધર્યું હોય, એવી મોભા દેખાતી હતી. કોયલ, સૂડા વગેરે પક્ષીઓ મધુર સ્વરથી બોલતા હતા. નદીનો લાંબો પ્રવાહ જોઈને મનમાં આનંદ ઉપજતો હતો.’ (પૃ. ૪) જોગી મહારાજે ૫૦૦ વર્ષ પહેલાના જોરાવર માણસોના ઇતિહાસનું કથન કપોળકલ્પના વડે કર્યું છે જેમાં અતિશ્યોક્તિ અલંકાર પણ છે. સો સો મણની લોઢાની પાટોના ગાડાંઓને ખેંચી જતો ઘાંચી, વીસ ગાડાંના ટોપલાં ભરીને જતી કોળણ, રાણીની આંખમાંથી ૨૦૦૦ મણ લોઢાની પાટો અને ૫૦ મણ સોનાનાં પૂતળાનું નીકળવું, ખોજાના નાકમાં પેસી જતો હજામનો ચીપિયો અને શોધવા માટે ભૂખ્યો તરસ્યો રખડતો હજામ, અને અંતે બોરડીના કાંટા હજામે સળગાવ્યા તેનાથી ખોજામાં નાકમાં સળવળાટ થયો તેથી છીંક આવી ને હજામને ચીપિયો, ભરવાડ અને ૭૦૦ સાંઢણીઓ નાકમાંથી નીકળી પડ્યાં. દલપતરામની કથનશૈલી પર મુખે કહેવાતી કથા-વાર્તાના સંસ્કાર છે. પ્રસંગને નિરંતર પ્રવાહશૈલીમાં રજૂ કરવાની આવડતને કારણે વાચક કથાના પ્રવાહમાં વહી જાય છે. વાર્તાના આરંભથી અંત સુધી તેનો વેગ એકધારો છે. પંચતંત્ર અને લોકકથાના સંસ્કારથી ઘડાયેલી દલપતરામની સર્જકતા એમની કોઠાસૂઝથી વધુ અસરકારક છે.

જયેશ ભોગાયતા
નિવૃત્ત પ્રોફેસર, અધ્યક્ષ
ગુજરાતી વિભાગ
એમ. એસ. યુનિવર્સિટી ઑવ બરોડા, વડોદરા
કવિ, વાર્તાકાર, વિવેચક, સંશોધક, સંપાદક
વડોદરા
મો. ૯૮૨૪૦ ૫૩૫૭૨
Email : tathapi૨૦૦૫@yahoo.com