ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/જયંત ખત્રી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
જયંત ખત્રી

માવજી મહેશ્વરી

Jayant Khatri.jpg

જયંત ખત્રી
૧૯૦૯થી ૧૯૬૮
વાર્તા સંગ્રહો (૧) ફોરાં (૨) વહેતાં ઝરણાં (૩) ખરા બપોર

વાર્તાકારનો પરિચય :

જયંત ખત્રીનું પૂરું નામ જયંત હીરજી ખત્રી હતું. તેઓ સાહિત્ય જગતમાં ડૉ. જયંત ખત્રી તરીકે જાણીતા છે. એમનો જન્મ કચ્છ જિલ્લાના મુન્દ્રા ખાતે ૨૪ સપ્ટેમ્બર, ૧૯૦૯ના રોજ થયો હતો. ભૂજમાં તેમણે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું અને માધ્યમિક શિક્ષણ તેઓએ મુંબઈની ન્યૂ ભરડા હાઈસ્કૂલમાંથી પ્રાપ્ત કર્યું. ૧૯૩૫માં મુંબઈ નેશનલ મેડિકલ કૉલેજમાંથી L C P Sની ડિગ્રી મેળવી. એમણે ડિગ્રી મેળવ્યા બાદ મુંબઈમાં જ તબીબી વ્યવસાય શરૂ કર્યો. એમનું વાર્તાલેખન મુંબઈથી જ શરૂ થયું હતું. થોડાં વર્ષો મુંબઈમાં રહ્યા પછી તેઓ કચ્છ આવીને સ્થિર થયા. અહીં માંડવી (કચ્છ)માં તેમણે દાક્તરી વ્યવસાય શરૂ કર્યો. નલિયા, ભૂજ અને મુંબઈમાં શ્રમજીવીઓની વચ્ચેના વસવાટને કારણે તે વર્ગના જીવનની વિષમતાઓનો પ્રત્યક્ષ અનુભવ તેમને થયો હતો. જયંત ખત્રી માત્ર વાર્તાકાર નહોતા. કચ્છમાં આવ્યા બાદ તેઓ જાહેર જીવનમાં જોડાયા. ૧૯૫૪થી ૧૯૬૦ સુધી તેઓ માંડવી નગરપાલિકાના ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા હતા. તેમણે નાવિક મંડળના પ્રમુખ અને કંડલા પોર્ટના ટ્રસ્ટી તરીકે પણ કામ કર્યું હતું. ડાબેરી વિચારધારા ધરાવતા હોવાને કારણે તેમનો નાતો ગરીબ, મજૂર, શ્રમિક વર્ગ તરફ વિશેષ હતો. કંડલા બંદર ખાતે વર્ષો સુધી મજદૂર યુનિયન એમને પોતાના આદર્શ નેતા તરીકે એમની પૂણ્યતિથિએ ફૂલમાળા ચડાવતું રહ્યું હતું. તેઓ મેન્ડોલીન અને દિલરુબા નામનાં વાદ્યો પણ વગાડતા. અનેક પ્રવૃત્તિઓ, ભરચક કામો વચ્ચે એમનું શરીર ઘસાતું ચાલ્યું. પોતે ડૉક્ટર હોવા છતાં પોતાના શરીરમાં પેસી ગયેલા કેન્સરના વિષાણુઓને ત્યાં સુધી ન પારખી શક્યા, જ્યાં સુધી એ રોગ બીજા સ્ટેજમાં પહોંચી ગયો. આખરે ૬ જૂન, ૧૯૬૮ને દિવસે કચ્છના આ વિલક્ષણ વાર્તાકારનું માંડવી ખાતે અવસાન થયું.

સાહિત્યસર્જન :

જયંત ખત્રીએ ૧૯૪૪થી ૧૯૬૭ સુધીના ગાળામાં ઓછું પણ સત્ત્વશાળી વાર્તાલેખન કરી, ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ વાર્તાકાર તરીકેની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. જયંત ખત્રીની વાર્તાઓમાં એક અનોખા વિષય વૈવિધ્યનો પરિચય સાંપડે છે. નગરજીવન અને પ્રાદેશિકતા, આમ બે વિભાગોમાં વહેંચાયેલી તેમની વાર્તાઓના કેન્દ્રમાં શારીરિક અને માનસિક રીતે પીડાતો ‘માનવ’ કેન્દ્રસ્થાને રહ્યો છે. તેમની વાર્તાઓમાં લોકજીવનની કઠોર વિષમ વાસ્તવિકતાનો સ્પર્શ થયા વિના રહેતો નથી. જયંત ખત્રી પાસેથી ત્રણ વાર્તાસંગ્રહો પ્રાપ્ત થયા છે. ૧૯૪૪માં તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘ફોરાં’, ૧૯પરમાં ‘વહેતાં ઝરણાં’ અને તેમના મૃત્યુ પછી ૧૯૬૮માં ‘ખરા બપોર’ સંગ્રહ પ્રગટ થયો. ત્રણ સંગ્રહની ૪૧ વાર્તાઓ અને અગ્રંથસ્થ ૯ વાર્તાઓ મળીને કુલ પ૦ વાર્તાઓ એમણે આપી છે. તેમની આ વાર્તાઓમાં જીવન અને માનવ માત્રની મજબૂર સ્થિતિના સંદર્ભો પણ છે. લેખકે જાતીયવૃત્તિ (Sexuality) અને મનોવૈજ્ઞાનિક બાબતોને કેન્દ્રસ્થ કરીને, માનવીના જીવનને તાગવાની મથામણ કરી છે. જયંત ખત્રીએ ‘હિન્દુસ્તાન પ્રજામિત્ર’માં ‘ચમારચાલ’ નામની ધારાવાહિક નવલકથા લખી હતી જે અધૂરી રહી ગઈ. એમણે ‘મંગલ પાંડે’ અને ‘સ્વયંપ્રભા’ નામનાં બે નાટકો અને ‘હત્યા’ નામની એકોક્તિ પણ લખી છે. એમણે વાર્તાનો નાયક પ્રાણી હોય એવી ‘હીરો ખૂંટ’ નામની અદ્‌ભુત વાર્તા આપી. જે ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ઘટના હતી. એમની વાર્તા ‘ધાડ’ પરથી નિર્દેશક પરેશ નાયકે ‘ધાડ’ નામની ગુજરાતી ફિલ્મ પણ બનાવી છે. છેલ્લા ત્રણ દાયકામાં એમના ઉપર ઘણા વિદ્યાર્થીઓએ પીએચ.ડી. કર્યું છે અને એમના સાહિત્ય ઉપર અભ્યાસ લેખ લખ્યા છે. જો કે જયંત ખત્રી વાર્તાકાર તરીકે પ્રસિદ્ધ થયા તે પહેલા એમની ખીસ્સાખર્ચી ચિત્રો દોરીને કાઢતા. એમનાં ચિત્રોનું પુસ્તક ૨૦૨૨માં પ્રસિદ્ધ થયું. એવું પણ કહેવાય છે કે જયંત ખત્રીને એમના કાળમાં બહુ ઓછા વિવેચકો અને લેખકો ઓળખી શક્યા હતા. કચ્છની મરુભૂમિના આ વિલક્ષણ વાર્તાકારનો ખરો પરિચય એમાના મૃત્યુના બે દાયકા બાદ થયો, જ્યારે એમની વાર્તાઓની કળામાં વિવેચકોને જુદાં જ દર્શનતત્ત્વ અને વિચાર દેખાયા. કચ્છમાં જયંત ખત્રીને સામાન્ય લોકો વાર્તાકાર કરતાં નેતા તરીકે વધારે ઓળખતા હતા. પણ માંડવીમાં એમના મિત્રો સાથે તેઓ વાર્તાની બેઠક જમાવતા. જયંત ખત્રીની અસર કચ્છના અન્ય વાર્તાકારો ઉપર પડી હતી. એ સમયે ખત્રીની વાર્તા જેવી વાર્તા લખાઈ કે નહીં એવી રીતે વાર્તાનું મુલ્યાંકન થતું.

વાર્તાકારનો યુગસંદર્ભ :

જયંત ખત્રીનો લેખનકાળ આમ તો ગાંધીયુગ તરીકે ઓળખાય છે. એમને સુધારકયુગના છેડા પણ અડે છે. છતાં જયંત ખત્રીએ સુધારકયુગ અને ગાંધીયુગથી ઉફરા ચાલીને સર્જન કર્યું છે. જ્યારે દેશ ગાંધીની જય જયકારમાં ડૂબેલો હતો, અંગ્રેજો સામે સ્વાધીનતાની લડત ચાલતી હતી, એવા સમયમાં જયંત ખત્રીએ અદ્‌ભુત કહી શકાય એવી વાર્તાઓ રચી છે. માનવ નિયતિ, જીવનસંઘર્ષ, જાતીય આવેગોની સંકુલતા અને વૈશ્વિક પ્રશ્નો છેડતી એમની વાર્તાઓમાં કદી ન આવ્યા હોય એવા વિચારો અને પરિણામો દેખાય છે. તેમની વાર્તાઓ, વાર્તાઓના વિષયો અને એનું ઊંડાણ જોતાં તેમને આધુનિક યુગના સાહિત્યકાર કહી શકાય. હજુ સુરેશ જોષીએ ઘટનાલોપનો પ્રશ્ન છંછેડ્યો નહોતો, એ સમયમાં તેમના વાર્તા પ્રયોગો એમને સમરસેટ મોમ, મોપસાની સમાંતર ઊભા રાખે છે. તેમની વાર્તાની રચનારીતિ અને વિષયોની ચર્ચા એમના મૃત્યુ પછી જ વિશેષ થઈ છે. તેમણે પોતાના સમયમાં વાર્તામાં કરેલા મનોશાસ્ત્રીય પ્રયોગની ચર્ચાઓ હવે થઈ રહી છે. એક તરફ સ્ત્રી પુરુષના સંબંધોની સંકુલતા, કચ્છની વંધ્ય ધરતીની કરાળ પ્રકૃતિ, બીજી તરફ ‘તેજ ગતિ અને ધ્વનિ’, ‘હું ગંગી અને અમે બધાં’, ‘અમે બુદ્ધિમાનો’ જેવી વાર્તાઓમાં બૌદ્ધિક વર્ગની નિષ્ફળ સંકુલતા જેવા સામસામા કિનારા સાચવતી નૌકાના સુકાની ખત્રીએ વૈશ્વિક પ્રશ્ન છેડતી ‘ખીચડી’ વાર્તા પણ એ જ ગાળામાં આપી છે. ખરા બપોર, ધાડ, કાળો માલમ, લોહીનું ટીપું અને નાગ જેવી કચ્છની પ્રાદેશિક ઓળખ ધરાવતી વાર્તાઓમાં તેમણે જાતીય આવેગોનાં મનોસંચલનો અને કચ્છની રુખીસુખી ધરતી સાથે અનુબંધ બાંધતી એક નોખી તાસીર ઊભી કરી છે. જયંત ખત્રીનું વાર્તાસર્જન એમને પોતાના જીવનકાળથી ઘણો આગળ લઈ ગયો છે. આધુનિક યુગના શિલ્પી એવા જયંત ખત્રીએ મૃત્યુના જુદા જુદા આયામો ધરાવતી સંખ્યાબંધ વાર્તાઓ આપી છે. જેમાં ‘આનંદનું મોત’ પ્રમુખ વાર્તા છે. એવું પણ કહેવાય છે કે રાજેશ ખન્નાની ફિલ્મ ‘આનંદ’ એ જયંત ખત્રીની વાર્તા ‘આનંદનું મોત’ ઉપર આધારિત છે. જયંત ખત્રીએ એકપણ દલિત વાર્તા લખી નથી, છતાં તેમની શ્રમિક વર્ગની વાર્તાઓમાં તે સમયની સમાજ વ્યવસ્થાથી કચડાયેલા માનવીઓના સંદર્ભો આવે છે.

ટૂંકીવાર્તા વિશે જયંત ખત્રીની સમજ :

‘હું તો ચિત્રકાર હતો. વાર્તાકાર થઈશ એવું તો મેં કદી કલ્પ્યું પણ નહોતું. મારામાં એ શક્તિ જ નથી એમ હું માનતો. એકવાર બકુલેશે મને મોપસાનો વાર્તાસંગ્રહ આપ્યો. અને મારામાં વાર્તાકારની વૃતિ જાગૃત થઈ. વાર્તાનું શિલ્પ મોપસાએ આપ્યું અને હું વાર્તા લખતો થયો’ આ શબ્દો જયંત ખત્રીના છે. અમૃતલાલ અંજારિયાએ આ શબ્દોનો હવાલો આપ્યો છે. (‘જયંત ખત્રી’, લેખક : કિરીટ દૂધાત, પૃ. ૪) હકીકત પણ એ છે કે જયંત ખત્રી ચિત્રકાર હતા. ‘બકુલેશ’ થકી તેઓ વાર્તા લખતા થયા. એમણે પહેલી વાર્તા ‘વર્ષાની વાદળી’ લખી. તે પછી જયંત ખત્રીની વાર્તાયાત્રા ચકિત કરી દેનારી છે. વિશ્વમાં ક્યાંય તાર્કિક ન્યાય જેવી વ્યવસ્થા નથી. કોઈ વાર એવી ઘટના ઘટે તો એ અકસ્માત છે. વાર્તાકલાનું આ ઘટક ખત્રીની મૌલિક શૈલી છે. ‘ખરા બપોર’ ખત્રીની આ મૌલિક શૈલીની નીપજ છે. વાર્તાના આવાં ઘટકોનો પ્રયોગ ખત્રી પછીના કોઈ વાર્તાકારે કર્યો નથી. ખત્રીએ પોતાની દૃષ્ટિ માટે કચ્છનો ભૌગોલિક પ્રદેશ પસંદ કર્યો હતો. કારણ કે કચ્છ એમની સર્જકીય કલ્પનાનો વિસ્તાર હતો. એવો વિસ્તાર ગુજરાતમાં અન્યત્ર નથી. એનાં વર્ણનો એમની કેટલીક વાર્તામાં જોવા મળે છે. કચ્છનું કરાળ વાતાવરણ, બેપરવાહ નિયતિ અને એનો સાકાર સ્વરૂપ હોય એવા કુદરતી આલેખન પણ એમની ઘણી વાર્તાઓમાં જોવા મળે છે. ખત્રીની વાર્તાઓમાં નિરુપાયેલા સ્ત્રી-પુરુષના સંબંધો ગુજરાતી વાર્તામાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. તેમની કુલ વાર્તાઓમાંથી સ્ત્રી-પુરુષના સંબંધોવાળી વાર્તાઓ મોટાભાગની સુખાંત નથી. આવી વાર્તાઓમાં પુરુષ પાત્રો સ્ત્રી પાત્રોની સામે ઊણા ઊતરે છે. સ્ત્રી સાથેના સંબંધનો પડકાર તેઓ ઝીલી શકતા નથી. ‘ધાડ’ વાર્તા આનું ઉત્તમ ઉદાહરણ છે. સ્ત્રી-પુરુષના સંબંધોવાળી વાર્તાઓ કેટલાંક અવિશ્વસનીય પરિણામો તરફ વળી છે. કેમ કે લેખકને મન સ્ત્રી-પુરુષનો સબંધ એક એવી ગલી છે જેને છેડે કોઈ પહોંચી શકતું નથી અને એમાંથી અધવચ્ચેથી જ પાછા ફરવું પડે છે. આધુનિક વાર્તાકારની ઓળખ માટે ગુજરાતી વિવેચકોએ નવું તત્ત્વજ્ઞાન અને આલેખનોનો આધાર લીધો છે. કુદરત જ ન્યાય કરે છે, ખરાં-ખોટાંને અલગ સજા કરે છે એવી માન્યતાઓથી દૂર હટીને, ખોટી ઠેરવીને ખત્રીએ વાર્તા સર્જી છે. જે કામ તેમના પછી કોઈએ કર્યું નથી. ખત્રીની વાર્તાકલામાં આખો શહેરી અને ગ્રામીણ સમાજ છે. એમની પંદર જેટલી વાર્તાઓમાં વાર્તાનું વિષયવસ્તુ મૃત્યુ છે. મૃત્યુ વિશે ખત્રીની વાર્તાઓમાં એક જુદો જ અંદાજ મળે છે. મૃત્યુનો ભય, વિચારણાની કક્ષાએ ન રહેતાં સમર્થ કલાકૃતિમાં રૂપાંતર પામ્યો છે. આશ્ચર્ય એ વાતનું પણ છે કે એમની અઢાર જેટલી વાર્તાઓમાં કથનકેન્દ્ર પ્રથમ પુરુષ રહ્યું છે. સ્વ કથનથી લખાયેલી એ વાર્તાઓમાં એમનો ‘હું’ વિષય અને કલાથી માવજત પામ્યો છે. આધુનિક વાર્તાકારોમાં જયંત ખત્રીની વાર્તાકલા આગળ હતી અને રહેશે.

જયંત ખત્રીના વાર્તાસંગ્રહોનો પરિચય પ્રથમ સંગ્રહ ‘ફોરાં’ (પ્રથમ આવૃત્તિ, ૧૯૪૪)

Fora-m by Jayant Khatri - Book Cover.jpg

(૧) ‘અમે બુદ્ધિમાનો’ વાર્તામાં યુવાનીના જોશમાં ઊછળતા યુવાનો પોતે જ બુદ્ધિશાળી છે એવું માની લીધું છે. પણ વાસ્તવિકતાનો તેમને ખ્યાલ નથી. ખરા સમયે તેઓ તૂટી અને હારી જાય છે. આ વાર્તા જ્યારે લખાઈ ત્યારે દેશમાં અંગ્રેજો વિરુદ્ધ સ્વાધીનતાની લડાઈ ચાલી રહી હતી. ગાંધીજી અને તેમની સાથે જોડાયેલા અનેક લોકો હથિયાર ઉપાડતા નથી. સામે પક્ષે અંગ્રેજો હથિયાર ઉપાડે છે. ગાંધીજીની લડાઈ બૌદ્ધિક હતી. એમના સાથીદારો છેક સુધી ઝૂક્યા નહોતા. જ્યારે વાર્તાનાં પાત્રો હારી જાય છે. અહીં એક પેઢીની સામે બીજી પેઢી છે. એવું પણ લાગે કે આ વાર્તા રમૂજમાં લખાઈ હશે, પણ એવું નથી. વાર્તા એકવાર વાંચ્યા પછી દિવસો સુધી પીછો છોડતી નથી. ખત્રીએ આ વાર્તા દ્વારા એક બળકટ વાર્તાકાર આવી રહ્યાના સંકેતો આપી દીધા હતા. (૨) ‘લોહીનું ટીપું’ : બહુ ચર્ચાયેલી આ વાર્તા મુંબઈમાં લખાઈ છે અને તેનો પરિવેશ કચ્છનો છે. લોહીનું ટીપુંનો નાયક બેચર એક ધાડપાડુ છે. એ ધાડપાડુની જિંદગીથી કંટાળી તે લુહારીકામ સંભાળી લે છે. વર્ષો પછી એનો મિત્ર આવી અને તેને એક છેલ્લી ધાડ પાડી લેવા સમજાવે છે. કમને જોડાયેલો બેચર તેના મિત્રની દગાખોરીથી પકડાય છે અને તેને જેલ થાય છે. સાડા ચાર વર્ષે જેલ કાપીને ઘરે આવે છે ત્યારે માર્ગમાં નદી આવી જતાં તે રોકાય છે. ત્યાં હલીમા નામની સુંદર છોકરી મળે છે. રાતે બેચરને ઊંઘ નથી આવતી તે હલીમા પાસે આવે છે અને તેના ઉપર બળાત્કાર કરવાનું વિચારે છે. પણ હલીમા જાગી જાય છે અને બેચર કોઈ કારણ આપીને ત્યાંથી ઊઠી જાય છે. વહેલી સવારે તે નદી ઉપર લોહીવાળાં કપડાં ધોતી હલીમાને જોઈને સમજી જાય છે કે એના ઉપર બળાત્કાર થયો છે. તે હલીમાને પોતાના ઘરે તેડી આવે છે. એના ઘેર એના દીકરા કનૈયાને જોઈ હલીમા સ્તબ્ધ બની જાય છે. બેચર સમજી જાય છે કે તેના દીકરા કનૈયાએ હલીમા ઉપર બળાત્કાર કર્યો છે. વાર્તાની ખરી મજા અહીં છે. તે પોતાની પત્નીને પૂછે છે કે ‘લોહીનું ટીપું કોનું હતું?’ જો હલીમા રાતે ન મળી હોત તો બેચર તેના દગાખોર મિત્રને મારી નાખ્યો હોત. અહીં ન્યાયની સામે ન્યાયની સ્થિતિ ઊભી થઈ છે. બેચર હલીમાને ન્યાય કરી શકતો નથી કેમ કે એની સામે એનું જ લોહી હતું. (૩) ‘યાદ... અને હું’ વાર્તામાં લેખક સાત વર્ષે પોતાના વતન પાછો ફર્યો છે. અને જે જુએ છે તેનું વર્ણન છે. આ વાર્તામાં ન કોઈ કથા છે, ન કોઈ મનોસંચલનો છે, ન એ દૃશ્યો સાથે નાયકના જોડાણનું કોઈ ઠોસ કારણ છે. એ સાત વર્ષ ક્યાં ચાલ્યો ગયો હતો તેનું કારણ પણ વાર્તામાં નથી. આ વાર્તા ખત્રીની એ સમયની વાર્તા છે જ્યારે તેઓ મુંબઈ છોડીને માંડવી આવ્યા હતા. જોકે એકલતા અને કરુણતા વાર્તામાં જરૂર છે પણ વાર્તાની રીતે આ વાર્તા ખત્રીના બરની નથી લાગતી. (૪) ‘અમે’ આ વાર્તા મુંબઈની પૃષ્ઠભૂમિમાં લખાયેલી છે. એક રાતે લેખક અને તેનો મિત્ર ચિક્કાર દારૂ પીને દરિયાકિનારે સૂઈ જાય છે. એ દરમિયાન એમને એક ચૈતસિક અનુભવ થાય છે. એમને એક રૂપાળી સ્ત્રી મળે છે. સવારે ઊઠીને જુએ છે તો એમને મળેલી સ્ત્રીનો મૃતદેહ ત્યાં પડ્યો હોય છે અને લોકો ભેગા થયેલા છે. આ વાર્તા વાસ્તવિકતા અને સ્વપ્ન બન્ને રીતે એક સ્તરે ચાલે છે. (૫) ‘દામો અરજણ’ આ વાર્તા ચરિત્રપ્રધાન છે. જેમાં દામો નામના પાગલ માણસની વાત છે. લેખકનો મિત્ર હરિ અને લેખક ક્યાંક નીકળ્યા છે અને સામે નનામી મળે છે. પૃચ્છા કરતાં ખબર પડે છે કે દામો અરજણ મરી ગયો છે. તે પછી સમાજે દામા અરજણને કેવા કેવા અન્યાયો કર્યા હતા તેની વાત છે. અહીં સમાજના દંભ અને નીતિનાં કુત્સિત ચિત્રો નજરે ચડે છે. (૬) ‘કાળો માલમ’ આ પણ પાત્રપ્રધાન વાર્તા છે. વાર્તામાં રહસ્ય પણ છે જે ઘટના સાથે તાલમેલ ધરાવે છે. દરિયાનો સારી પેઠે જાણકાર કાળો માલમ અજાણતાં જ મધદરિયે પોતાના નાનાભાઈની પત્ની સાથે શરીરસંબંધ બાંધી બેસે છે. પછી ભાન થતાં પોતે શું કર્યુંની પાપગ્રંથિથી ઘેરાઈ જાય છે જે તેને ગાંડપણ તરફ ધકેલે છે. આ વાર્તામાં દરિયાકાંઠાનું અને સૂનકારભર્યા વાતાવરણનું આબાદ ઉપસ્યું છે. (૭) ‘હીરો ખુંટ’ આ એ વાર્તા છે જેણે ખત્રીને એક સબળ વાર્તાકાર તરીક સ્થાપિત કરી દીધા હતા. વાર્તાના નાયકો આખલો અને ગધેડો એમ બે પશુ છે. આ વાર્તા બકાલીના મોંએ કહેવામાં આવી છે. ખત્રીની અદ્‌ભુત વર્ણનકલાનો પરિચય આ વાર્તામાંથી મળી છે. હીરો નામના આખલાનું વર્ણન વાંચીને એમ થાય કે આને તો મેં ક્યાંક જોયો છે. જેમ ઈશ્વરે બનાવેલી દુનિયામાં માણસ માટે કોઈ તાર્કિક ન્યાયની વ્યવસ્થા નથી તેમ આ વાર્તાનાં બન્ને પશુ માટે પણ માનવે બનાવેલી દુનિયામાં ન્યાયની કોઈ વ્યવસ્થા નથી. કોઈ બે પશુઓને કેન્દ્રમાં રાખીને વાર્તા કહેવી અને સર્વોચ્ચ સિદ્ધ કરવી એ ખત્રીની સિદ્ધિ છે. (૮) ‘આનંદનું મોત’ આ ખત્રીની અતિ પ્રસિદ્ધિ પામેલી વાર્તા છે. ઋષિકેશ મુકરજીની ફિલ્મ ‘આનંદ’ સાથે આ વાર્તાને ઘણું સામ્ય છે તેમ ખત્રીના અંગત જીવન સાથે પણ આ વાર્તાને સામ્ય હોવાનું અભ્યાસુઓ અને વિવેચકોને લાગ્યું છે. ક્ષયના દર્દીનું આ વર્ણન – ‘એ ક્ષયનો દર્દી હતો. જાણે મનુષ્યશાસ્ત્રનો અભ્યાસ કરવાલાયક ક્ષયના જીવડાંઓના ઘાથી એની છાતી બેસી ગઈ હતી.’ (પૃ. ૯૧) આ વાર્તામાં મૃત્યુની સભાનતાથી વિરુદ્ધ મનમાં ઊછળી રહેલા આનંદ જેવા ભાવનું વ્યતિકરણ ખત્રીની સાહજિકતા છે. આ ખત્રીની અંદરના કલાકારની પીઢતા છે. (૯) ‘બંધ બારણાં’ આ વાર્તા ૧૯૩૯માં પ્રગટ થઈ હતી. ખત્રી વાર્તાના પાત્રને કહે છે, ‘તું મને તારી પ્રેમકથા કહેવા આવી છો ને? પણ અરે મૂરખ, હું તો વેવલાપણની હદ ક્યારની વટાવી આવ્યો છું.’ (પૃ. ૧૧૦) પણ આ કથામાં ખત્રીનું આ વિધાન જ ઝાખું પાડે તેવી રચના થઈ છે. લગ્નોત્સુક કિશોરીમાંથી વેશ્યા સુધીનું પરિવર્તન ખત્રી ક્રમબદ્ધ કરી કરી શક્યા છે. (૧૦) ‘અવાજ અજવાળાં’ ખત્રીની વાર્તાઓમાં અવાજ, અજવાળાં, બેફામ આ ત્રણ શબ્દો વારંવાર આવ્યા કરે છે. આ ત્રણ શબ્દો ન હોય એવી કોઈ વાર્તા નથી. આ વાર્તામાં કેટલાક વિવેચકોને ઘટનાલોપનો પડઘો પડતો દેખાયો હતો. વાર્તામાં કોઈ ઘટના નથી. ઘર અને ચાલીના ઘોંઘાટથી કંટાળેલો નાયક ચાલીના અંધારાને પાછળ મૂકીને અજવાળાને શોધવા નીકળે છે. એ અજવાળું તેને મળે છે વેશ્યાઓના લતામાં. (૧૧) ‘શેર માટીની ભૂખ’ આ વાર્તાનું કથાવસ્તુ તે સમયના લેખકોમાં પ્રિય હતું. પતિથી સંતાનસુખ ન પામેલી સ્ત્રી પરપુરુષનું પડખુ સેવી મા બને પરંતુ પતિનું મૃત્યુ અને બાળકનું નવજીવન એ બન્ને તેને હતાશા તરફ ધકેલી દે. આ વાર્તા ખત્રીની વાર્તાઓના પ્રમાણમાં નબળી છે. (૧૨) ‘એક મહાન મૈત્રી’ આ વાર્તા ‘અમે બુદ્ધિમાનો’ને મળતી આવે છે. સ્ત્રીપુરુષની મૈત્રીને વધુ પ્રમાણમાં નૈતિકતાથી જોવામાં આવી છે. (૧૩) ‘બે આની’ પરિસ્થિતિની વિસંગતિ ‘Absurdity’ દર્શાવતી આ વાર્તા છે. પરિસ્થિતિની અનિવાર્યતા અને વિસંગતિ સરસ રીતે રજૂ થઈ છે. (૧૪) ‘વરસાદની વાદળી’ ખત્રીના જીવનની પહેલી વાર્તા છે. અહીં પતિ, પત્ની અને બાળકની વાર્તામાં પત્નીનું બીમાર પડવું અને તેની સારવાર પછી મૃત્યુની કરુણતાને ખત્રીએ સારી રીતે લખી છે. પ્રસંગો સંગત લાગે છે. ભારતમાં પતિ-પત્ની પરણે ત્યારે એકબીજાના પ્રેમમાં ન હોય, ઓળખતા પણ ન હોય. છતાં સમય જતાં સમજણપૂર્વક લાગણી વિકસિત થતી હોય છે એ વાત અહીં સારી રીતે આલેખાયેલી છે.

બીજો સંગ્રહ ‘વહેતાં ઝરણાં’ (પ્રથમ આવૃત્તિ ૧૯૫૨)

Vaheta-m Zarna-m by Jaynat Khatri.jpg

પહેલા સંગ્રહમાં મૃત્યુની વાર્તાઓ વધારે છે પણ બીજા સંગ્રહમાં સામાજિક વાર્તાઓ વધારે છે. સામાજિક સભાનતાનું થીમ અહીં વધુ જબાબદારીપૂર્વક આલેખાયું છે. (૧) ‘ખીચડી’ અહીં લખડી નામની યુવતી આખો દિવસ મહેનત કરે છે ત્યારે પોતાના પરિવાર માટે ખીચડીની જોગવાઈ કરી શકે છે. અહીં લખડી ખત્રીનું વિલક્ષણ પાત્ર છે. લેખક લખે છે, ‘લખડી ખીચડી કમાવતી, ખીચડી રાંધતી અને પીરસતી! લખડી છે તો ખીચડી છે! એનો ભાઈ કોક દહાડે કહેતો, લખડી પોતેય ખીચડી જેવી છે – નહીં બા?’ (પૃ. ૧૬૩) ગરીબી, અછત, કન્ટ્રોલ, ભૂખમરો, મોંઘવારી જેવી સ્થિતિને કારણે જ્યારે પરિસ્થિતિ અસહ્ય બને છે ત્યારે લખડીનો બાપ તેને નજીકની હવેલીમાં રહેતા શેઠ પાસે જવાનું કહે છે. ગુજરાતી વાર્તામાં આવી કલ્પના કરવી પણ દુષ્કર છે. ખત્રી અસામાન્ય લેખક છે એટલે સ્ત્રીના શોષણમાં સરી પડતા નથી. તો લખડી શું કરે છે? લેખકે આવું લખ્યું છે. ‘બીજીવાર સવારની લખડી આળસ મરડીને ઊઠી. ઊઠતાવેંત જ તેણે ગંદા તકિયાને લાત મારી હસી પડી. એ હાસ્યમાં નવીનતા, કુનેહ, અને નફ્ફટાઈ હતાં.’ (પૃ. ૧૭૩) ખત્રીએ એક પરિસ્થિતિની મારી શોષિત યુવતીની મધુરતા બતાવી છે. તેણે મુક્ત મને શરીરસુખ માણ્યું છે. આ મનોભાવને ખત્રીએ નાજુકાઈથી ઉઠાવ આપ્યો છે. છેલ્લે લખડીના પિતા પોલીસ અધિકારીને પૂછે છે, ‘ફોજદાર સાહેબ આ લડાઈનો આરો ક્યારે આવશે?’ (પૃ. ૧૭૪) ભલે વાર્તા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લખાઈ છે, પણ યુદ્ધ ગરીબો માટે તો આજીવન છે. ખત્રીએ અહીં તટસ્થ રહીને પાત્રોને સંપૂર્ણ ન્યાય આપ્યો છે. (૨) ‘મહમદ’ ખત્રીએ ઓછી પાત્રપ્રધાન વાર્તાઓ લખી છે એમાં આ સારી વાર્તા છે. (૩) ‘કીરપાણ’ ખત્રીની સુખાંત વાર્તાઓ ઓછી છે. ભારત-પાકિસ્તાનના વિભાજનની આ વાર્તા છે. (૪) ‘પ્રતાપ ઓ પ્રતાપ!’ એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં મૂકાતાં પાત્રોના ક્રમિક વિકાસની વાર્તા છે. આમ તો આ વાર્તા પરથી નવલકથા લખી શકાય તેમ છે. પણ ખત્રીએ તેને વાર્તામાં સમાવીને લાઘવ રચ્યો છે. (૫) ‘અરધો દિવસ’ આવી જ વાર્તા ખત્રીની છે તે છે કૃષ્ણજન્મ. બાળકના ચિત્રણમાં ખત્રીની વાર્તાની હથોટી દેખાઈ આવે છે. (૬) ‘કૃષ્ણજન્મ’ વિવેચન જેને નવદીક્ષા કહે છે તે પ્રકારની આ વાર્તા છે. એટલે વાર્તા શરૂ થાય ત્યારે જે સમજ ન હોય તે પાત્રમાં વાર્તા પૂરી થાય ત્યારે વિકસી હોય. હોટેલના એક વેઇટર હિમતને કૃષ્ણજન્મ જોવા જવું છે. નોકરી છૂટી જવાના ભયે પણ તે કૃષ્ણજન્મ જોવા જાય છે. તે રસ્તાની ધારે એક ભિખારી સ્ત્રીના બાળક જન્મની ઘટના જુએ છે. એ કુપોષિત ભિખારણ મરી જાય છે. અહીં હિમતને પોતાનો ભૂતકાળ યાદ આવે છે. તે કૃષ્ણજન્મ જોયા વિના નોકરીએ આવી જાય છે. અભાવ અને શોષણથી ભરેલી આ દુનિયામાં આશા છોડવા જેવી નથી. એવો તર્ક આ વાર્તાનો છે. (૬) ‘હું, ગંગી અને અમે બધાં’ આ ગુજરાતીની એક અદ્‌ભુત વાર્તા છે, પણ તેની જે રીતે નોંધ લેવાવી જોઈએ તે રીતે લેવાઈ નથી. દુનિયામાં ગરીબો અને શોષિતોની વાતો ખૂબ લખાઈ છે. પણ યુદ્ધમાં ખપી ગયેલા સૈનિકોની વાતો કોઈએ લખી નથી. આ વાર્તા એમાં અપવાદ છે. ખત્રીએ અહીં પોતાની કલમનો કૅમેરા ચલાવ્યો છે. વાર્તાનો કથક છગલો કલકત્તામાં બૉમ્બને કારણે નાસીને કચ્છ આવી ગયો છે. એ ગામમાં નૂરી અને ગંગી જેવી સ્ત્રીઓ પણ છે, જે પોતાના પતિઓની વાટ જુએ છે. છગલો લાયબ્રેરીમાં રોજ જાય છે અને પોતાના ભાઈની નોંધ શોધે છે. લડાઈ તો એમનાથી પાંચ છ હજાર કિલોમીટર દૂર ચાલી રહી છે. પણ આખું ગામ આવાં કલ્પાંતમાં છે. અહીં જે મરી ગયા છે તે છૂટ્યા છે જે બચી ગયા છે તેઓ ભારે સમયનો ભાર ઉપાડીને ફરે છે. બીજા વિશ્વયુદ્ધના બર્બર સમયને ખત્રીએ પોતાની વાર્તાથી સાચવી લીધો છે. (૬) ‘વાંસળી’ અહીં એક સાચા કલાકારની વાત છે. આ પરંપરાગત વાર્તા છે. નિરૂપણ મજાનું છે. (૭) ‘સત્ય – અસત્ય’ આ વાર્તાનો કથક મનુ પોતાની પરિસ્થિતિને વિચાર્યા કરે છે. આ વાર્તા અધૂરી હોય એવું લાગ્યા કરે છે. (૮) ‘નથુની અસ્વસ્થતા’ આ વાર્તા ખીચડી વાર્તાની પ્રતિકૃતિ જેવી લાગે. અહીં પણ એક છોકરી છે. જે એક શેઠને ત્યાં કામ કરવા જાય છે. પરંતુ આ વાર્તાનો અંત ખીચડી જેવો નથી. નથુને પોતાની દીકરી મણિ ઉપર વિશ્વાસ છે કે તે શેઠની ઇચ્છાને તાબે નહીં થાય. (૯) ‘પતંગનું મોત’ આ વાર્તા પતંગના પ્રતીક દ્વારા નજીક આવી રહેલા મૃત્યુનું કલ્પન છે. વાચકને એ ભાવ પણ થાય છે. (૧૦) ‘શશિનો અંતકાળ’ ખત્રીની ઘણી વાર્તાઓમાં ભાઈ-બહેનની કથા છે. આ વાર્તા પણ વિધવા શશિ અને તેના ભાઈની કથા છે. જોકે કથાનક સામાન્ય પણ છે, પણ દુકાળનું વર્ણન અદ્‌ભુત છે. (૧૧) ‘સવિતાનું ગૂંથણ’ ખત્રીની સુખાંત થોડીક વાર્તાઓમાંની આ વાર્તા છે. આ વાર્તા આધુનિક પ્રવાહની છે. અહીં કથાનક કરતાં ટેક્‌નિક મહત્ત્વની છે. સવિતા બસમાં મુસાફરી કરતાં કરતાં ગૂંથણ કરે છે અને તેની સાથે તેનું જીવન પણ ગૂંથાતું જાય છે. બસ આખરી સ્ટેશન ઉપર પહોંચે છે ત્યારે તેના જીવનની ગૂંચ ઉકેલાઈ જાય છે. ભરતગૂંથણ પણ પૂરું થઈ ગયું હોય છે. (૧૨) ‘તેજ, ગતિ અને ધ્વનિ’ આ વાર્તા ખત્રીની સેક્સ અને મનોવિજ્ઞાનના સિદ્ધાંતો પર ચાલે છે. વાર્તાની નાયિકા કસ્તુર ફક્ત સ્ત્રી ન રહેતાં કુદરત કે તેથી પણ આગળ એક શક્તિનો પરિચય બની રહે છે. વાર્તાની શરૂઆત થાય છે ત્યારે કસ્તુર પહેલીવાર રજસ્વાલા થઈ હોય છે. સાઈઠથી પણ વધુ ઉમરના જાગીરદાર પ્રસાદજીને ત્યાં નોકરી કરતા પિતા સાથે કસ્તુર રહે છે. રોજ સાંજે પ્રસાદજી કસ્તુરની ઝુંપડીએ આવીને ખબર પૂછી જતા. કસ્તુરને આ ક્રિયામાં તેમનો સ્નેહ પિતા જેવો લાગતો નથી, પણ કેવો પ્રતિભાવ આપવો તે જાણતી નથી. તેથી રોજ વિચિત્ર વર્તન કરી બેસે છે. ખત્રીએ કસ્તુરના ભાવ આ રીતે મૂક્યા છે. ‘આ બાજુ પ્રસાદજીનો ઘોડો વાડી બહાર દોડી જતો; બીજી બાજુ ખીચડીનું આંધણ મૂકતી કે કઢી વઘારતી વિહ્‌વળ બની ગયેલી કસ્તુરથી કંઈને કંઈ ભૂલ થઈ જતી. હાથમાં જે કંઈ હોય તે – કડછી, સાણસીનો તે રોષથી ફાવે તેમ ઘા કરતી.’ (પૃ. ૩૨૯) અહીં આદિમ સ્ત્રી અને આદિમ પુરુષ વચ્ચેના વ્યાખ્યામાં ન બાંધી શકાય તેવા કોઈ ભાવોનું વર્ણન છે. કોઈ એક ઉનાળાની બપોરે પ્રસાદજી કસ્તુરને સંપૂર્ણ વસ્ત્રવિહિન દશામાં નહાતી જુએ છે. એમને થાય છે કે કોઈ સ્ત્રીનો નગ્નદેહ આટલો સુંદર અને નિર્દોષ કેવી રીતે હોઈ શકે છે. આ દૃશ્ય પ્રસાદજીની સાથે સાથે કસ્તુરના પિતા વજેસંગ પણ જુએ છે. એને પ્રસાદજી ઉપર એટલો ગુસ્સો ચડે છે કે એ જ રાતે એ પ્રસાદજીને મારવા પહોંચી જાય છે. પણ તે પહેલાં પ્રસાદજીનું મૃત્યુ કુદરતી રીતે જ થઈ જાય છે. પાછો આવેલો વજેસંગ કસ્તુરને પકડીને ધૂળમાં ઘા કરે છે. લેખકે લખ્યું છે, ‘એના અંગો ઉપર આળસ ઊતરી પડી... હળવે હસીને તેણે ધૂળમાં પડખું ફેરવ્યું. તો એની નજર પર અંધારી રાતના આકાશનું દર્શન ઊતરી આવ્યું. ...કોઈ એક તારો ક્ષણભરનું જીવન જીવીને મૃત્યુને ભેટી ગયો. પણ આકાશની નિઃસીમતામાં થયેલો એનો ઉદય, એના તેજ અને એની ગતિની કસ્તુરના હૃદયમાં શાંત અને સુખાકારી ધ્વનિ જન્મ્યા.’ (પૃ. ૩૩૮) અહીં એક વાત દેખાય છે કે ખત્રીની કચ્છી પરિવેશવાળી વાર્તાઓમાં પુરુષ પાત્રો માટે સ્ત્રીઓ એક પડકાર રૂપે આવે છે. જેનો મુકાબલો કરવામાં પુરુષો કાયમ ઊણા ઊતરે છે. એ આ વાર્તાની ક્સ્તુર હોય, ધાડની મોંઘી હોય કે ખરા બપોરની હલીમા હોય. (૧૩) ‘કાળજુના ડુંગરા’ આ વાર્તા લોકકથાની સમાંતર ઊભી હોય એ રીતે લખાઈ છે. વેરથી વેર શમતું નથી તેવી સદીઓ જૂના સિદ્ધાંતને ખત્રી ફરી એકવાર બળપૂર્વક સ્થાપન કરી શક્યા છે.

ત્રીજો સંગ્રહ ‘ખરા બપોર’ (પ્રથમ આવૃત્તિ ૧૯૬૮)

Khara Bapor by Jaynat Khatri.jpg

(૧) ‘ધાડ’ આ ખત્રીની શ્રેષ્ઠ વાર્તા છે. આ વાર્તા પરથી જ વીનેશ અંતાણીએ ‘ધાડ’ નામની નવલકથા લખી છે. પરેશ નાયકે ‘ધાડ’ નામની ગુજરાતી ફિલ્મ બનાવી છે. અદિતી દેસાઈએ ‘ધાડ’ નામનું નાટક બનાવ્યું છે. આ વાર્તા કચ્છનું પ્રતિનિધિત્વ કરે છે. સાથે સ્ત્રી-પુરુષના દૈહિક સંબંધોની સૂક્ષ્મતાનો નિર્દેશ કરે છે. ‘ધાડ’નો નાયક ઘેલો ધાડપાડુ છે. ત્રણ ત્રણ પત્ની છતાં તેને સંતાનસુખ નથી. પોર્ટનો કર્મચારી પ્રાણજીવન ઘેલાનો મિત્ર બને છે. વાર્તામાં અનેક ચડાવ-ઉતાર છે. બર્બર, સૂક્કોભઠ્ઠ ઘેલો એવી જ ધરતી ઉપર રહે છે જે સત્ત્વહીન અને વેરાન છે. આ વાર્તામાં ઘેલાના મુખે એવા સંવાદો છે જે કચ્છી માનવીના દોહ્યલા જીવતરને પ્રતિબિંબિત કરે છે. એક પ્રસંગમાં ઘેલો ચેરિયાનું ઉદાહરણ આપીને સમજાવે છે કે, અહીં જે માથાભારે છે એ જ ટકી જાય છે. પ્રાણજીવન ઘેલાના ઘરે જાય છે ત્યારે ઘેલાની રૂપાળી પત્નીને જોઈ જ રહે છે. એને થાય છે કે ઘેલો જાહોજલાલીનો માલિક છે. છતાં પ્રાણજીવન ઘેલા વિશે વિચાર કર્યા વગર રહેતો નથી. લેખકે લખ્યું છે, ‘પણ... પણ એ બધામાં કોઈ એક વિકૃત જીવ હતો અને કશુંક બોલી રહ્યો હતો. હું કશું જ સમજતો ન હતો અને મુંઝાઈ મરતો હતો. (પૃ. ૩૬૪) વાર્તાના અંત સામે વાચકો અને અભ્યાસુઓને ફરિયાદ છે. છેલ્લી ધાડ પાડવા ગયેલા ઘેલો દાજી શેઠની માવતરે આવેલી દીકરીના ઘરેણાં ઉતારે છે. એ યુવતી સગર્ભા હોય છે. એની સાડીનો છેડો પેટ પરથી ખસી જાય છે. આ જોઈને ઘેલાને પક્ષાઘાતનો હુમલો આવે છે. આખરે તે મરી જાય છે. અહીં ઈશ્વરી ન્યાય યાદ આવે. વાર્તાને અંતે પ્રાણજીવન કહે છે. ‘ઉજરડા પડેલી ખંડિત ધરતીના દેહની મોકળાશ પર મેં ફરી મારું પ્રયાણ આદર્યું.’ આ વાર્તાની શરૂઆત ‘હું ફરી બેકાર બન્યો’થી થાય છે અને અંત ફરી પ્રયાણ આદરવાથી આવે છે. (૨) ‘માટીનો ઘડો’ રાણલ તેના મા-બાપ સાથે કોઈ એક જગ્યાએ રોકાઈ છે. રાતે રસોઈ માટે પાણી નથી. રાણલ પૂર્વોત્તર ભારતના એક ઇજનેરના તંબુએ જઈને પાણી માગે છે. ઇજનેર એકલો છે, પત્ની સાથે નથી. તે રાણલ તરફ ખેંચાય છે અને રાણલનો ઘડો લઈને પાણી ભરવા જાય છે. પાછો આવે છે ત્યારે રાણલ તેની પથારીમાં સૂતી છે. ઇજનેર રાણલની ઇચ્છા ન હોવા છતાં તેની સાથે સબંધ બાંધે છે. ઇજનેર રાણલને પાણીનો ઘડો લઈને પરત જવા કહે છે ત્યારે રાણલ કહે છે, ‘હવે મારે કોઈ મા-બાપ નથી સાહેબ. અને આ ઘર છોડીને મારે બીજે ક્યાંય જવું નથી... ઘડીક પહેલાં તમારા ચહેરા પર જોયેલી બેચેની હું આ ભવમાં કદી વિસરવાની નથી.’ (પૃ. ૩૯૨). રાણલને મોડું થયું એટલે તેની તપાસમાં આવેલા તેનો બાપ ઇજનેરના તંબુમાં આવીને જુએ છે અને ડાંગના એક જ ઘાથી ઇજનેરને મારી નાખે છે. તે પછી બધા જ લોકો એ સ્થળ છોડી નાસી જાય છે. આવી સ્થિતિમાં રાણલનો પરિવાર પેલો પાણીનો ઘડો ભૂલી આવે છે. રસ્તામાં રાણલ કહે છે ‘મા, પાણીનો ઘડો તો હું તંબુમાં ભૂલી આવી.’ ત્યારે તેની મા કહે છે, ‘ભલે ત્યાં જ રહ્યો.’ ‘કાચી માટીનો હતો.’ અહીં એ સ્પષ્ટ છે કે એ ઘડો રાણલના કૌમાર્યનું પ્રતીક હતું. આ વાર્તામાં રાણલની સ્થિતિ અત્યંત કરુણ આલેખાઈ છે. (૩) ‘શિબિલ’ આ વાર્તામાં મુંબઈના બારમાં અનામી નાયક અને વેશ્યા મળે છે. ત્યાં જાતજાતના લોકો છે. વેશ્યાનું નામ શિબિલ છે. વાર્તા સામાન્ય છે પણ વારંવાર આવતું સભાસરઘસ અને અરાજક થઈ ગયેલા સરઘસના ટોળાનું વર્ણન નેહરુયુગના અસ્તાચળનો નિર્દેશ કરે છે. (૪) ‘ખરા બપોર’ ખત્રીની ઉત્તમ પાંચ વાર્તાઓમાં સમાવી શકાય તેવી વાર્તા છે. અહીં પણ સ્ત્રી પુરુષનો સંઘર્ષ છે. અંતે પુરુષની હાર સાથે વાર્તા પૂરી થતી હોય તેમ લાગે. વાર્તાનો સમય ઉનાળાના જેઠ મહિનાના ખરા બપોરનો છે. લૂ વરસી રહી છે. શિકારે ગયેલો પુરુષ થાકેલો બપોરે પાછો વળ્યો છે ત્યારે બારણે બેઠેલી સ્ત્રીને જોઈ એને થાય છે કે આ ત્રણ દિવસના ભૂખમરા પછી પણ તાજગીભરી કેમ છે? તે સ્ત્રીનું અપમાન કરે છે. બાજુનો પાડોશી પુરુષને ખાવા માટે માંસનો કકડો આપે છે. ખાઈ લીધા પછી એ પુરુષને સ્ત્રીનું સૌંદર્ય દેખાય છે અને બન્ને રતિક્રીડામાં ખોવાઈ જાય છે. અચાનક પુરુષને તિરસ્કાર છૂટે છે, ‘આ ભૂખમરા પછી પણ આ કમજાર ઓરતાની આંખમાં એની જુવાની ભડકે બળી રહી છે.’ તે સ્ત્રીના વાંસામાં લાત મારે છે. સ્ત્રી સાથે ક્રૂર વર્તન કર્યા પછી તેના મનમાં સંતોષની લાગણી જન્મે છે. એ વખતે એક ફકીર અશક્ત હાલતમાં ભીખ માગવા આવે છે. પુરુષ તેને જવા કહે છે પણ પેલો અશક્ત ફકીર જતો નથી, તો પુરુષ ડાંગ ઉપાડી તેના પર પ્રહાર કરે છે અને ફકીરને મારી નાખે છે. અહીં ક્રૂર ધરતી પર જીવતા મનુષ્ય પણ ક્રૂર બની જાય છે. ખત્રીનાં પાત્રોમાં સ્ત્રીઓ હંમેશા પુરુષને હંફાવે છે. પુરુષો તેની ક્રૂરતા વ્યક્ત કર્યા પછી પણ હારી જાય છે. (૫) ‘ડેડ ઍન્ડ’ આ વાર્તા ફ્રેન્ચ સર્જક મૉપાસાને અંજલિ આપવા લખાઈ હોય તેવું લાગે. (૬) ‘નાગ’ આ વાર્તા વાસ્તવિક અને પરાવાસ્તવના રંગીન મિશ્રણ જેવી લાગે છે. આવી વાર્તાઓમાં અલૌકિક તત્ત્વો આવે, ભૂત, પિશાચ આવે પણ ખત્રી એ તરફ ગયા નથી. નાગનો ઉપયોગ નાયિકા કાશીની અતૃપ્ત કામવાસના બહેલાવવા માટે પણ થયો હોય તેવું લાગે છે. તેમ છતાં આ વાર્તા અનેક પરિમાણોને તાકે છે. (૭) ‘ગોપો’ આ પાત્રપ્રધાન વાર્તા છે. (૮) ‘ખલાસ’ આ વાર્તામાં એક મનોરુગ્ણ વ્યક્તિનો કેસસ્ટડી રજૂ થયો હોય તેવું લાગે છે. (૯) ‘જળ’ લશ્કરમાં દાખલ થયેલા જવાન અને નીલાને હડકવા થયું હોય તેવી કલ્પના કરતા નાયકનું ચિત્રણ જોવા મળે છે. આ વાર્તામાં ડૉ. ખત્રીનું ત્રીજો વળુ છે. આધુનિક વાર્તાઓ, ઘટનાલોપ અને પ્રતીક સંયોજન આ વાર્તામાં છે. (૧૦ અને ૧૧) ‘મુક્તિ’ અને ‘ઈશ્વર છે?’ આ બન્ને વાર્તાઓ ઈશ્વર છે કે નહીં? તેમજ સ્વતંત્રતાને એક કન્યા રૂપે કલ્પીને હવેનો માનવ કાવાદાવામાં પડી ગયો છે એવું ચિત્રણ થયું છે.

જયંત ખત્રીની અગ્રંથસ્થ વાર્તાઓ

(૧) ઉલ્લુ કે પઠ્ઠે, (૨) સાધ્વી, (૩) આકડો અને આવળ, (૪) ગોરધનનું ધન, (૫) (જિંદગી તરફ) એણે પીઠ ફેરવી, (૬) અમારી શરમકથા, (૭) માનસંઘ, (૮) ડુંગરની ઓથે, (૯) વન મહોત્સવ, (૧૦) લતીફ.

જયંત ખત્રીની વાર્તાઓના વિવેચકો શું કહે છે?

(૧) ‘પ્રાદેશિક વાર્તાઓમાં જયંતખત્રીનું સ્થાન બહુ ઊંચું છે.’ – ધીરેન્દ્ર મહેતા
(૨) ‘ખત્રીએ આદિમ આવેગોમાંથી સર્જાતી વ્યક્તિગત અને પરિસ્થિગત સમસ્યાઓને કેન્દ્રમાં રાખીને વાર્તાઓ આપી છે.’ – વિનોદ ગાંધી
(૩) ‘ખત્રીની વાર્તાઓમાં વજનદાર ઘટનાની સાથે સૂક્ષ્મ ઘટના અને ચૈતસિક સંચલનો પણ નિરૂપણ પામ્યાં છે.’ – ભરત પરીખ
(૪) ‘અનુભૂતિ અને અભિવ્યક્તિ – બેઉ બાબતે ખત્રી પોતાના સમયગાળાથી ઘણા આગળ હતા.’ – શરીફા વીજળીવાળા
(૫) ‘ખત્રીની પાત્રસૃષ્ટિ માનવચેતનાનું સંકુલ રૂપ છે. તેમની પાત્રનિરૂપણ પદ્ધતિ સર્જકપ્રતિભાનું, ઉત્કૃષ્ટ રૂપ છે. તેમનાં પાત્રો આ બેય ભૂમિકાએ ભાવકચેતના પર ઊંડી અસર પાડી શકે છે.’ – જયેશ ભોગાયતા
(૬) ‘જયંત ખત્રીના પેગડામાં પગ ઘાલી શકે તેવો વાર્તાકાર હજુ થયો નથી.’ – કિરીટ દૂધાત

સંદર્ભ :

(૧) ‘જયંત ખત્રીની વાર્તાઓમાં આધુનિકતા’, ભરત પરીખ (શબ્દલોક પ્રકાશન, ૨૦૦૪)
(૨) ‘વાર્તાકાર જયંત ખત્રી’, વિનોદ ગાંધી (પાર્શ્વ પબ્લિકેશન, ૨૦૦૬)
(૩) ‘આધુનિક ટૂંકી વાર્તાના શિલ્પી ડૉ. જયંત ખત્રી’, ડૉ. મણિલાલ મારવાણિયા (પ્રવીણ પ્રકાશન, ૨૦૦૯)
(૪) ‘જયંત ખત્રીનો વાર્તા વૈભવ’, સંપા. શરીફા વીજળીવાળા (ગૂર્જર ગ્રંથરત્ન પ્રકાશન, ૨૦૧૦)
(૫) ‘જયંત ખત્રી’, લે. ધીરેન્દ્ર મહેતા, સંપા. રમણલાલ જોશી (ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ૨૦૧૧)
(૬) ‘ભારતીય સાહિત્યના નિર્માતા જયંત ખત્રી’, લે. કિરીટ દૂધાત (સાહિત્ય અકાદમી, ૨૦૨૧)
(૭) જયંત ખત્રીની વાર્તાઓ (પાત્રસૃષ્ટિ અને પાત્રનિરૂપણરીતિ સંદર્ભે અભ્યાસ), જયેશ ભોગાયતા, વાચનવ્યાપાર, પ્ર. આ., મે, ૨૦૧૧

માવજી મહેશ્વરી
નવલકથાકાર, ટૂંકી વાર્તાકાર
અંજાર (કચ્છ)
મો. ૯૦૫૪૦ ૧૨૯૫૭