ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/બી. કેશરશિવમ્‌

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
બી. કેશરશિવમ્‌

પારુલ બારોટ

B Kesharshivam.jpg

બી. કેશરશિવમ્‌ જન્મ તારીખ : ૨૮-૦૯-૧૯૪૦ જન્મસ્થળ અને વતન : કલોલ (ઉત્તર ગુજરાત) અભ્યાસ : એમ.એ., એલ.એલ.બી. સંપર્ક : ‘શૂળ’ પ્લોટ નં. ૧૩૮/૨, સેક્ટર-૧બી, ગાંધીનગર. મો. ૯૮૯૮૦૨૯૨૧૭ વાર્તાસંગ્રહ : ૧. જન્મદિવસ (૨૦૦૦) ૨. રાતી રાયણની રતાશ (૨૦૦૧) ૩. લક્ષ્મી (૨૦૦૧) ૪. ડૉ. સીમા (૨૦૦૩) ૫. અધૂરું ત્રાગું (૨૦૦૪) ૬. મધપૂડો (૨૦૦૫) ૭. શહીદ (૨૦૦૬) ૮. માણકી (૨૦૦૭) ૯. વિમળા (૨૦૦૮)

શ્રી બી. કેશરશિવમ્‌ સરકારી તંત્રમાં વર્ગ-૧ના અધિકારી તરીકે નિવૃત્ત થયા પછી માત્ર ને માત્ર સાહિત્ય સર્જન કરે છે. ૧૯૯૫થી આજ સુધીની તેમની સાહિત્યયાત્રામાં એમણે ત્રણ નવલકથાઓ, નવ વાર્તાસંગ્રહ, બે નિબંધસંગ્રહ અને એક આત્મકથા મળીને પંદરેક પુસ્તકો પ્રગટ કર્યાં છે. એમની આત્મકથા ‘પૂર્ણ સત્ય’ ખૂબ વખણાઈ. એનો અંગ્રેજીમાં પણ અનુવાદ થયો છે. બી. કેશરશિવમ્‌ માત્ર ને માત્ર દલિત સાહિત્ય લખતા લેખક છે. દલિત સાહિત્યને એ પૂરેપૂરા પ્રતિબદ્ધ છે. એ સભાન સર્જક છે. વાર્તાનાં મૂળભૂત લક્ષણોને એ સારી પેઠે જાણે છે. એમની નિસબત સમાજ સાથે હોવાથી વાસ્તવના વિવિધ પાસાંઓમાં સાહિત્ય અંતર્ગત નિરૂપણ કરવાનું એમને ફાવે છે. ટૂંકાગાળામાં આટલા બધા સંગ્રહો આપવા તે એમની વાર્તા-સજ્જતા બતાવે છે. નવ વાર્તાસંગ્રહની લગભગ તમામ વાર્તાઓમાં દલિત સમસ્યા ઊભરી આવી છે. સામાજિક વાડાબંધી અને પોકળ ખ્યાલોને પડકારે છે. દલિતોનાં દુઃખદર્દો એમણે ખૂબ નજીકથી જોયાં છે. જાત અનુભવને કારણે તેઓ સતત વાર્તાઓ લખતા રહ્યા છે. એમની વાર્તાઓનાં વિષયવસ્તુ છેવાડાના માનવીની પીડા છે. છેવાડાના માનવીનાં દુઃખદર્દો અને એને થતા અન્યાયને પરંપરાગત શૈલીમાં તેઓ રજૂ કરી શક્યાની શક્તિ ધરાવે છે. મુખ્યત્વે એ દલિત વાર્તાકાર છે એટલે અનુ-આધુનિક વાર્તાના મુખ્ય પરિબળ દલિત સાહિત્યને આપણે લેખીએ છીએ ત્યારે એમને અનુ-આધુનિક વાર્તાની પંગતમાં બેસાડવામાં હરકત સરખું જણાતું નથી. કદાચ દલિત વાર્તાકારોમાં સૌથી વધારે વાર્તાસંગ્રહ બી. કેશરશિવમ્‌ પાસેથી આપણને મળે છે. પહેલી દલિત વાર્તા કોણે લખી તે વિવાદમાં પડ્યા વિના એટલું કહેવું હોય તો એમ કહી શકાય કેટલાક દલિત લેખકોએ દલિત સાહિત્યનો પ્રારંભ ૧૯૭૫માં થયો તે પહેલાં સાહિત્ય લેખન શરૂ કર્યું હતું. બી. કેશરશિવમ્‌ એમાંના એક છે. એટલે એમ પણ કહી શકાય કે બી. કેશરશિવમ્‌ ઘડાયેલા વાર્તાકાર છે. એમની વાર્તાઓ માત્ર દલિતચેતના જગાવવા પૂરતી સીમિત નથી. દલિત સમસ્યા એમની વાર્તામાં ઓળઘોળ થઈને આવતી હોવાથી એમની વાર્તાઓ ભાવકને ગમે પણ છે. એમની ઘણી વાર્તાઓ પ્રતિવર્ષ પ્રગટ થતાં શ્રેષ્ઠવાર્તાઓનાં સંપાદનોમાં પસંદગી પામી છે.

‘જન્મદિવસ’ (૧૩ વાર્તાઓ), ‘રાતી રાયણની રતાશ’ (૪૯ વાર્તાઓ) ‘લક્ષ્મી’ (૧૩ વાર્તાઓ), ‘ડૉ. સીમા’ (૧૩ વાર્તાઓ), ‘અધૂરું ત્રાગું’ (૧૩ વાર્તાઓ), ‘મધપૂડો’ (૧૩ વાર્તાઓ), ‘શહીદ’ (૧૩ વાર્તાઓ), ‘માણકી’ (૧૩ વાર્તાઓ) અને ‘વિમળા’ (૧૩ વાર્તાઓ) – મળીને કુલ એમની વાર્તાનો આંક ૧૫૩ થાય છે. આટલી બધી વાર્તાઓ માત્ર દલિત વિષયવસ્તુ પૂરતી સીમિત હોય ત્યારે પુનરાવર્તનનો ભય રહે છે. બી. કેશરશિવમ્‌ એમાંથી બાકાત રહ્યા નથી. પણ જરાય થાક્યા વગર દલિત સમસ્યાને ઊંડળમાં લઈને વાર્તાલેખન કરવું તે ઘણો જ પુરુષાર્થ માગી લે છે. બી. કેશરશિવમ્‌ આવા પુરુષાર્થ થકી વાર્તાકાર તરીકે સતત પોંખાતા રહ્યા છે.

શ્રી કેશવશિવમ્‌નો પ્રથમ વાર્તાસંગ્રહ ‘જન્મદિવસ’ એમને દલિત વાર્તાકાર તરીકે સ્થાપી આપે છે. આ સંગ્રહની મોટાભાગની વાર્તાઓમાં વિદ્રોહ અને આક્રોશ ઉગ્ર રૂપે પ્રગટ થયો છે. સ્ત્રીઓનું જાતીય શોષણ હોય કે દલિત પુરુષને દલિત હોવાને કારણે વેઠવી પડતી મુશ્કેલી આ તમામ વાર્તાઓમાં પરંપરાગત શૈલીમાં પ્રગટી છે. લેખકને પ્રયોગ કરીને વાર્તાકાર હોવાનો દેખાડો કરવો નથી. એમને તો ભાવકને સ્પષ્ટ વંચાય, સમજાય તેવું વાચન પીરસવું છે, જે આ સંગ્રહમાં દેખાઈ આવે છે. ‘રાતી રાયણની રતાશ’ વાર્તાસંગ્રહમાં પણ એમનો ઝોક દલિતોને થતા અન્યાયો સામે ઝઝૂમવા તરફનો છે. કારણ કે સામાજિક વિષમ પરિસ્થિતિમાં સંબંધોમાં સમભાવ જળવાઈ રહે તેવાં વિષયવસ્તુ પણ તેઓ નીપજાવી શક્યા છે. ‘રાતી રાયણની રતાશ’ની ૪૯ વાર્તાઓ અને ‘જન્મદિવસ’ની ૧૩ વાર્તાઓ મળી ૬૨ વાર્તાઓમાંથી ‘રાતી રાયણની રતાશ’, ‘જોગણી’, ‘ઉકરડા’, ‘મંકોડા’, જેવી વાર્તાઓ એમને અધિકારભાવે વાર્તાકાર કહેવડાવવા માટે સક્ષમ છે. ‘ઉકરડા’ વાર્તામાં દલિતોના મહોલ્લા આગળ સવર્ણો દ્વારા ખડકેલા ઉકરડા વાર્તાનો વિષય બને છે. આ ઉકરડા ખસેડવા માટે દલિતોના ધમપછાડા અને સવર્ણો દ્વારા ઠંડા કલેજે ઉકરડા નહિ ખસેડવાની ચેષ્ટાઓ વાર્તાને રસપ્રદ બનાવે છે. ઉકરડા ખસેડવા માટે પ્રધાન બનેલા દલિત બાલાભાઈ ઝુંબેશ ઉઠાવે છે, પણ એમને મંત્રીપદ ખોવું પડે છે. લેખકે વસ્તુના નિર્વહણમાં દાખવેલી કાળજી આ વાર્તાને નોંધપાત્ર બનાવે છે. બીજી વાર્તા જોગણીમાં નાયિકા વાલી પર કુદૃષ્ટિ કરનારને વાલી નીચે પછાડી દે છે. ગભરાઈ ગયેલા સસરાને રૂઆબ બતાવતી વાલી જગદંબારૂપે ઊભરી આવેલી છે. ‘મંકોડા’ સરસ રીતે નીવડી આવેલી વાર્તા છે. સંતોક રણછોડને નપુસંક બનાવી તેની વાસનાનું નિરસન કરે છે તે સાહજિકપણે ઊપસી આવ્યું છે. આ સિવાયની બીજી વાર્તાઓ ‘હેલિકોપ્ટર’, ‘શે’રની વહુ’, ‘ઘોઘા બાપાની દેરી’, ‘પોક’ વગેરે વાર્તાઓમાં ક્યાંક નારીસંવેદન પ્રકટ્યું છે તો ક્યાંક અનામત આંદોલનોનો ભોગ બનેલાં પાત્રોમાં કરુણતા પ્રગટી છે. લેખકને વિષયવસ્તુની ખોટ નથી. પરંતુ બે-ચાર દલિત સમસ્યાઓથી ક્યાંક ઊફરા ચાલે છે. ત્યારે એવી વાર્તાઓમાં વિસ્મય તત્ત્વ જળવાઈ રહે છે.

Lakshmi by B Kesharshivam - Book Cover.jpg

ત્રીજો વાર્તાસંગ્રહ ‘લક્ષ્મી’માં વિષયવસ્તુ તો દલિત સમસ્યા જ છે. પણ આ સંગ્રહની તેરમાંથી પાંચ વાર્તાઓ પંચાયત પરિવેશની છે. અહીં સરપંચ, ઉપસરપંચ, તલાટી વગેરે કેવા કાવાદાવાઓ દ્વારા પંચાયતનો ઉપયોગ કરે છે તે દર્શાવ્યું છે. આ પાંચ વાર્તાઓ છે. ‘લક્ષ્મી’, ‘પંચાયતોમાંથી ઉચાપત’, ‘સરપંચ’, ‘સરલા’, અને ‘સોમભાઈ’ – આ પાંચ વાર્તાઓમાં પંચાયતો સુધી પણ ભ્રષ્ટાચાર કેટલો ખદબદી રહ્યો છે તેની તાસીર વ્યક્ત કરવામાં લેખકનો જાતઅનુભવ ખપ લાગ્યો હોવાનું જોઈ શકાય છે. બીજી વાર્તાઓ જેવી કે ‘ફેરા’, ‘પશુ’, ‘સરકારી મકાન’ જેવી વાર્તાઓમાં દલિત સમસ્યા ઉપસાવવામાં લેખકનો પુરુષાર્થ સફળ થયો છે. ચોથા અને પાંચમા વાર્તાસંગ્રહ ‘ડૉ. સીમા’ અને ‘અધૂરું ત્રાગું’ની છવ્વીસ વાર્તાઓમાં દલિત સમસ્યાનું પુનરાવર્તન ક્યારેક કઠે છે. પરંતુ દલિતોને થતા અન્યાયો અસ્પૃશ્યતામાંથી જન્મ્યા હોવાથી એનું વાર્તામાં નિરૂપણ કરવામાં પુનરાવર્તનનો ભય રહે છે. આ બન્ને સંગ્રહોની કેટલીક વાર્તાઓ પ્રભાવહીન લાગે, પરંતુ દલિત વાર્તાકાર હોવાને નાતે એનો કેન્દ્રવર્તી સૂર દલિત સમસ્યા હોય તો તેવી વાર્તાઓ નૂક્તેચીની કરવામાં જરાય જોખમ નથી.

Madhapudo by B Kesharshivam - Book Cover.jpg

‘મધપૂડો’ વાર્તાસંગ્રહની તેર વાર્તાઓમાં દલિત કથાવસ્તુથી લેખક ઊફરા ચાલ્યા છે. એ સમાજમાં પ્રવર્તતાં ઈર્ષા, વેરઝેર અને કુંઠિત લાગણીઓનું નિરૂપણ કરતા જણાય છે. એ અર્થમાં ‘મા’, ‘દીકરીનાં લગ્ન’, ‘ચુપ્પી તોડો’, ‘ગૌતમ’, ‘બાળમજૂરી’, ‘કતલખાનું’ અને ‘મધપૂડો’ જેવી વાર્તાઓ સામાજિક વિટંબણાને તોષતી વાર્તાઓ છે. આ વાર્તાઓમાં બનતા પ્રસંગોનાં ચિત્રણો છે. ‘મધપૂડો’ વાર્તા આ બધી વાર્તાઓમાં જરા વધારે ઘૂંટાઈને આવેલી વાર્તા છે. બે પડોશીની કથા છે. દિનકરના ઘર આગળ બગીચો છે. તેમાં જુદી જુદી જાતનાં ઝાડ અને છોડનું એણે વાવેતર કર્યું છે. પણ તેના બાગની પાડોશી રાધાને ઈર્ષા થાય છે. દિનકરના બગીચામાં મોટાં થયેલાં ઝાડ કાપી નાખવા માટે દિનકરને તંગ કરે છે. એક ઝાડ પર મધ બેઠું છે. એને ઉડાડી મૂકવા માટે દિનકરને ઘોંચપરોણો કર્યા કરે છે. દિનકર મધ ઉડાડતો નથી. રાધાની ઈર્ષા એને જ પરેશાન કરી મૂકે છે. એક દિવસે બસસ્ટેન્ડમાં એનો પતિ ઊભો હોય છે. ત્યારે લીમડા પરથી ‘મધપૂડો’ એના ઉપર પડે છે. એને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. તેની મદદે દિનકર જ જાય છે. બીજી વાર્તાઓમાં સામાન્ય કથાવસ્તુનું પારંપારિક ઢબે થયેલું નિર્વહણ ખાસ પ્રભાવશાળી લાગતું નથી. પરંતુ ‘મધ્યાહ્‌ન ભોજન’, ‘મોટું મકાન’, ‘નરગિસ”, ‘છકડાનું વિતરણ’ જેવી દલિત વાર્તાઓમાં લેખકનો દલિત જીવનનો અનુભવ ખપ લાગ્યો છે. છતાં આ વાર્તાઓમાં એમના અગાઉના સંગ્રહોમાંની વાર્તાઓમાં કથાવસ્તુનું પુનરાવર્તન થતું દેખાય છે. ‘શહીદ’ વાર્તાસંગ્રહમાં પણ દલિત-લલિત વાર્તાઓનું મિશ્રણ છે. લેખકના પ્રારંભના વાર્તાસંગ્રહોમાં મોટાભાગની વાર્તાઓ દલિત કથાવસ્તુ ધરાવતી હતી. હવે ધીમે ધીમે પછીના વાર્તાસંગ્રહોમાં સમાજમાં ચાલતી બદીઓને પ્રત્યક્ષ કરવા તરફ લેખક વળ્યા હોય તેમ લાગે છે. ‘શહીદ’ વાર્તાસંગ્રહની ‘સુનામી’, ‘ફાજલ’, ‘કાંસકી’, ‘સુબોધ’, ‘જામીન’, ‘ધરતીકંપ’ અને ‘રમીલાનું ઇન્ટરવ્યું’ જેવી વાર્તાઓ લલિત વાર્તાઓ છે. તો ‘હિજરત’, ‘આંગળી ચીંધ્યાનું....’, ‘શહીદ’, ‘રોજગાર યોજના’, ‘ઉપકાર’, ‘ઉમેશ’ વગેરે વાર્તાઓ દલિત વાર્તાઓ છે. લલિત વાર્તાઓના વિષયવસ્તુ જોતાં લેખકનું સુધારાવાદી વલણ સ્પષ્ટ થતું દેખાય છે. તો દલિત વાર્તાઓ જોતાં સવર્ણો તરફથી દલિતોને થતા અન્યાયો જ મુખ્યત્વે અનુસ્યૂત થયા છે. એટલે આ સંગ્રહ જોતાં એમ કહી શકાય કે લેખક પાસે વાર્તા રચવાના ઓજારો પૈકી વિષયવસ્તુની જરાય ખોટ નથી. ‘માણકી’ વાર્તાસંગ્રહ પણ ‘શહીદ’ સંગ્રહની રાહે ચાલતો સંગ્રહ છે. અહીં પણ દલિત-લલિત વાર્તાઓનું મિશ્રણ છે. અહીં તેર વાર્તાઓ પૈકી દલિત-લલિત વાર્તાઓમાં લેખકનું સર્જન-કર્મ કેવું ભિન્ન સ્વરૂપે વિકાસ કરતું રહ્યું છે તે જોઈ શકાશે.

Shahid by B Kesharshivam - Book Cover.jpg

સંગ્રહની શીર્ષકનામી વાર્તા ‘માણકી’ લલિત વાર્તા છે. ખેતમજૂરી કરતી ચંપાની લાજ લૂંટતા ખેડૂત ચતુરની હેવાનિયતથી ચંપાને સાંઢણી માણકી બચાવે છે. ચંપાના પતિદેવને આ વાતની જાણ થતાં ચતુરના ખેતરનું કામ બંધ કરીને ઊંટલારી માટે લોન માગે છે. લોન મંજૂર તો થાય છે પણ ઊંટ વિના શું કરવું? તલાટી ચતુરને સમજાવી-ફોસલાવીને એની સાંઢણી માણકી દેવાને અપાવે છે. અનામત તોફાનોમાં ઘવાયેલો દેવો હૉસ્પિટલમાં પડ્યો છે. ચંપા ઊંટલારી લઈને નીકળી છે. ત્યાં સૂમસામ રસ્તામાં ચતુર આવી ચડે છે. ચતુર ચંપાને જોઈને રઘવાયો થાય છે. આવેલો લાગ જતો કરવા માગતો નથી. ચતુર ચંપાની લાજ લૂંટવા માટે આકાશપાતાળ એક કરે છે. પણ સાંઢણી માણકી અહીં એને મરણતોલ બચકાં ભરીને હતો ન હતો કરી મૂકે છે. માણકી દ્વારા ફરીથી ચંપાની લાજ લૂંટાતી બચાવાઈ છે. કૃતિનું નિર્વહણ સાહજિક ઢબે થયું હોવાથી કૃતિ નીવડી આવે છે. બીજી વાર્તા ‘સ્મશાનગૃહ’ દલિત વાર્તા છે. દલિતોનું સ્મશાનગૃહ હવે ગામની નજીક આવી ગયું હતું. પટેલોને તે કણાની માફક ખૂંચતું હતું. આ સ્મશાનગૃહ કઢાવી નાખવા માટે ભોળીદાસ પટેલ કેશવ નામના દલિતનો સહારો લઈને ત્યાં શાળા બાંધવાનો પેંતરો રચે છે. સ્મશાનગૃહ કઢાવીને ત્યાં શાળા બાંધવાનું નક્કી થાય છે. તે માટે રચાતા કાવાદાવા અને પ્રપંચનું નિરૂપણ સરસ રીતે થયું છે. બીજી વાર્તાઓ ‘રાષ્ટ્રધ્વજ’ અને ‘પંદરમી ઓગસ્ટ’ જેવી વાર્તાઓમાં દાખવેલી કુનેહ પણ ધ્યાનપાત્ર છે. એમનો છેલ્લો વાર્તાસંગ્રહ ‘વિમળા’ જાણે એમની વાર્તાસર્જન પ્રવૃત્તિની પૂર્ણાહૂતિ સમો છે. ૨૦૦૮માં એ પ્રગટ થયા પછી બી. કેશરશિવમ્‌નું લેખનકાર્ય લગભગ સ્થગિત થયેલું દેખાય છે. આ નવેનવ વાર્તાસંગ્રહોની વાર્તાઓ જોતાં આપણને શ્રી કેશરશિવમ્‌ પાસેથી ઘણી સારી વાર્તાઓ મળી આવી છે. સારી વાર્તાઓ મળી આવવાનું કારણ લેખકનો જીવન સાથેનો નાતો. કલોલ જેવા શહેરમાં ઉછરેલા અને શિક્ષણ અર્થ પણ શહેરોમાં ઉછરેલા આ લેખકનો મોટાભાગનો કાર્યકાળ એક અધિકારી તરીકેનો રહ્યો છે. ‘પૂર્ણ સત્ય’ આત્મકથામાં એમની આપદાઓ આપણે વાંચીએ છીએ ત્યારે આ લેખકને દલિત હોવાને નાતે જે વેઠવાનું આવ્યું છે તે હકીકત છે. ‘પૂર્ણ સત્ય’ કે ‘ગાય જોડેરે’નાં સ્મરણો એમની જિંદગીના ભજવાયેલા નાટકનો એક હિસ્સો છે તેમ કહી શકાય. આત્મકથા અને નવલકથામાં એમણે દલિત કથાવસ્તુનો ઝાઝેરો કસ કાઢ્યો છે. વાર્તાકાર તરીકે એમનો રોલ કથાવસ્તુને ઝીણવટપૂર્વક આલેખવાનો હતો. જે એમણે સારી રીતે નિભાવ્યો છે. એમની ૧૫૩ વાર્તાઓમાં લગભગ ૯૦% વાર્તાઓ દલિત સમસ્યાઓ સાથે ઉજાગર થઈ છે. ગ્રામજીવનનો એમને ખાસ અનુભવ ન હોવા છતાં ગ્રામપરિવેશને તાદૃશ્ય કરતાં પણ એમને ફાવ્યું છે. શહેરીજીવનના દુઃખદર્દો, પીડા, વ્યથા, એમણે નજીકથી જોયાં છે. એટલે એક દલિત વાર્તાકાર તરીકે એ સફળતાપૂર્વક પાર પડ્યા છે. તે એમના નિજી અનુભવને કારણે બી. કેશરશિવમ્‌ દલિત વાર્તાકારોમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શક્યા છે અને તેમની ગણના સારા વાર્તાકારોમાં થતી રહેશે તેમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.

પારુલ બારોટ
વાર્તાકાર, વાર્તાસમીક્ષક
મો. ૯૪૨૬૮ ૬૩૩૧૧