ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/મલયાનિલ
‘મલયાનિલ’ની વાર્તાઓ
(૧૮૯૨–૧૯૧૯)
જયેશ ભોગાયતા
મલયાનિલનો પરિચય :
શ્રી કંચનલાલ વાસુદેવ મહેતા ‘મલયાનિલ’નો જન્મ ઈ. સ. ૧૮૯૨ના જૂન મહિનામાં અમદાવાદમાં થયો હતો. પિતાશ્રી વાસુદેવ ગુણવંતરાય મહેતા અમદાવાદની મિલમાં સારા હોદ્દા પર હતા. સાઠોદરા નાગર બ્રાહ્મણ. નાણાકીય બાબતે છૂટ હોવાથી ‘મલયાનિલ’ને કેળવણી મેળવવા સંપૂર્ણ સાધનો અને તક હતાં. પ્રાથમિક કેળવણી અમદાવાદમાં જ પૂરી કરી. શાળામાં સારા વિદ્યાર્થી તરીકે એમની ગણતરી હતી. વિશેષ વાચનનો ખૂબ જ શોખ હતો. સંગીત અને ચિત્રકળાનો શોખ. લલિતકળાઓ પ્રત્યેની અભિરુચિ. ઈ. સ. ૧૯૦૮ની સાલમાં એમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી. ઈ. સ. ૧૯૧૨માં બી.એ.ની ઉપાધિ મેળવી. બી.એ.ના વર્ગમાં ઐચ્છિક વિષય તરીકે સાયન્સ લીધું હતું. એટલે સાહિત્ય, કલા અને વિજ્ઞાનના વિષયોનું જ્ઞાન સંપાદન કર્યું. ઈ. સ. ૧૯૧૪માં એમ.એ.ની પરીક્ષા આપવાનો વિચાર કર્યો હતો પણ સંજોગવશાત્ પરીક્ષા અપાઈ નહિ. દરમિયાન ઈ. સ. ૧૯૧૩માં એલ.એલ.બી.ની પરીક્ષા પાસ કરી. સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કર્યો. ‘મલયાનિલ’ની સાહિત્યજીવનની શરૂઆત ઈ. સ. ૧૯૧૩માં થઈ. શરૂઆતમાં ‘ગોળમટોળ શર્મા’ના ઉપનામથી વાર્તા અને લેખો લખવાની શરૂઆત કરી. ‘રજનું ગજ’ એ એમની પહેલી ટૂંકી વાર્તા જે ૩૧મી ઓગસ્ટ ૧૯૧૩માં પ્રકાશિત થઈ હતી. વાર્તા ઉપરાંત કવિતાઓ પણ લખતા. સમાજસેવા, જ્ઞાતિસુધારણામાં ઊંડો રસ લેતા. સ્વદેશપ્રેમ અને રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિય રહેતા. ઈ. સ. ૧૯૧૭માં ‘ગોખલે સોસાએટી’માં સભ્ય બન્યા હતા. ગરીબોની વિષમ સ્થિતિનો ખરો ખ્યાલ આવે એ હેતુથી મજૂરોની ચાલીમાં જતા. અમદાવાદમાં સ્થપાએલી ‘હોમરૂલ લીગ’ની શાખાના જોડીઆ મંત્રી તરીકે એક વર્ષ કામ કર્યું. એમણે ‘ભાઈશંકર અને કાંગા’ની સૉલિસીટરની પેઢીમાં નોકરી સ્વીકારી જે મુંબઈમાં હતી. જો કે મુંબઈનું નિવાસસ્થાન એમને અનુકૂળ આવ્યું નહીં. એમ.એ.ની પરીક્ષા વખતે લાગુ પડેલો એપેન્ડિસાઈટિસનો રોગ ફરીથી ઉપડ્યો. પણ આ રોગ પ્રાણઘાતક નીવડ્યો. અમદાવાદ આવ્યા પછી ઈ. સ. ૧૯૧૯ના જૂન માસની ૨૪મી તારીખે મૃત્યુ પામ્યા. ‘મલયાનિલ’નું આયુષ્ય ખૂબ જ ટૂંકું રહ્યું. માત્ર ૨૭ વર્ષની યુવાન વયે મૃત્યુ પામ્યા.
‘મલયાનિલ’ની પ્રકાશિત કૃતિઓ :
‘મલયાનિલ’ની એક માત્ર પ્રકાશિત કૃતિ તે એમનાં પત્ની શ્રીમતી ભાનુમતિ મહેતાએ ઈ. સ. ૧૯૩૫માં પ્રકાશિત કરેલો મરણોત્તર વાર્તાસંગ્રહ ‘ગોવાલણી અને બીજી વાતો’. આ મરણોત્તર વાર્તાસંગ્રહમાં કુલ ૨૨ વાર્તાઓ છે. ભાનુમતિ મહેતાએ ‘મારે કહેવાનું’ નામના સંપાદકીયમાં નોંધ્યું છે કે, એમને માસિકોમાંથી જેટલી વાર્તાઓ મળી શકી તેટલી વાર્તાઓ આ સંગ્રહમાં લીધી છે. એનો અર્થ એ કે ‘મલયાનિલ’ની બીજી વાર્તાઓ પણ સામયિકોમાં હોવી જોઈએ. શ્રી રામચન્દ્ર દામોદર શુક્લએ નવલિકાસંગ્રહ પુસ્તક ૧લું (૧૯૨૯, ૨૦૧૧) અને રજું (૧૯૩૧, ૨૦૧૧)માં જે વાર્તાઓ પસંદ કરી છે તે પ્રસ્તુત સંગ્રહ સિવાયની છે. તે વાર્તાઓનાં નામ છે ‘એક સામાજિક પ્રશ્ન’ અને ‘અમાસની રાત’. ‘મલયાનિલ’નો વાર્તા સર્જનનો તબક્કો અને સમકાલીન વાર્તાકારો : ભાનુમતિ મહેતાએ નોંધ્યું છે તે મુજબ મલયાનિલનો સર્જનકાળ ઈ. સ. ૧૯૧૩થી ઈ. સ. ૧૯૧૯નો છે. માત્ર સાત વર્ષનો. આ વર્ષોમાં એમણે કાવ્યો, ટૂંકી વાર્તાઓ અને સમાજસુધારણા વિશેના લેખો લખ્યા. એમની ‘ગોવાલણી’ વાર્તા ‘વીસમી સદી’ સામયિકમાં વર્ષ ૧૯૧૭માં પ્રગટ થઈ હતી. ‘મલયાનિલ’ના સમયનાં ગુજરાતી સામયિકો ‘બુદ્ધિપ્રકાશ’માં ‘સુંદરીસુબોધ’, ‘વીસમી સદી’, ‘સાહિત્ય’, ‘જ્ઞાનસુધા’ અને ‘વાર્તાવારિધિ’માં ટૂંકી વાર્તાઓ પ્રગટ થતી હતી. એમના સમકાલીન વાર્તાકારોમાં કનૈયાલાલ મુનશી, હરિપ્રસાદ કિરપારામ ઠાકોર, સૌ. પ્રમિલા, ધનસુખલાલ મહેતા, જનાર્દન પ્રભાસ્કર, સવાઈલાલ અજમેરા, કલ્યાણરાય જોષી અને રણજિતરામ વાવાભાઈ મહેતા મુખ્ય હતા. આ ગાળાની વાર્તાઓની બે મુખ્ય લાક્ષણિકતા હતી. એક માનવસ્વભાવની મર્યાદાઓમાંથી હાસ્યરસ નિષ્પન્ન કરતી વાર્તાઓ. બે, સ્ત્રીજીવનની કરુણ અને પરાધીન દશાને સૂચવતી વાર્તાઓ. હાસ્યરસ નિષ્પન્ન કરવાની વિવિધ પ્રયુક્તિઓનો ઉપયોગ વાર્તાઓમાં જોવા મળતો. એ વાર્તાઓમાં માનવસ્વભાવની વિચિત્ર ટેવો, વર્તનોની સાથે સામાજિક કુરિવાજો અને જ્ઞાતિનાં બંધનોને કારણે કૂપમંડુક સમાજનું ચિત્ર રજૂ થતું. આ ગાળાના વાર્તાકારોની વાર્તાઓ સામયિકોમાં છૂટીછવાઈ પડી છે તેમના સંગ્રહો ઓછા છે. કનૈયાલાલ મુનશી, રમણભાઈ નીલકંઠ, ધનસુખલાલ મહેતા જેવા વાર્તાકારોના વાર્તાસંગ્રહો ‘મલયાનિલ’ની હયાતીમાં પ્રગટ થયા હતા. તેમાં ધનસુખલાલ મહેતાનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘હું સરલા અને મિત્રમંડળ’ની પ્રથમ આવૃત્તિ ઈ. સ. ૧૯૨૦માં પ્રગટ થઈ હતી. ને ‘મલયાનિલ’નો વાર્તાસંગ્રહ છેક ૧૯૩૫માં મૃત્યુના ૧૬ વર્ષ બાદ.
‘મલયાનિલ’ની વાર્તાઓનો પરિચય :
‘મલયાનિલ’ની વાર્તાઓનું સળંગ વાચન કરીએ તો એમની વાર્તાઓની બે મુખ્ય લાક્ષણિકતા છે. એક હાસ્યરસ પ્રધાનતા અને ઊર્મિપ્રધાનતા. એમની હાસ્યરસપ્રધાન શૈલીની વાર્તાઓ એમના સમકાલીન વાર્તાકારોના પ્રભાવની નીપજ છે. જ્યારે એમની ઊર્મિપ્રધાન અને પ્રણયભાવ પ્રધાન વાર્તાઓ એમની ઋજુ સંવેદનશીલતા, પ્રણયભાવનાની નીપજ છે. આ ઊર્મિપ્રધાન અને મુગ્ધ પ્રણયભાવની વાર્તાઓ પર ભવભૂતિ અને કાલિદાસની નાટ્યસૃષ્ટિનો ઊંડો પ્રભાવ છે. ‘મલયાનિલ’નું સમાજજીવનનું દર્શન અને માનવહૃદયની કોમળ લાગણીઓનું દર્શન, એમની વાર્તાઓમાંથી પ્રગટે છે. ‘મલયાનિલ’નો સમયસંદર્ભ તે સુધારાવાદી પરિબળોની ઝૂંબેશનો છે, સ્ત્રી-પુરુષના સમાન હક્કની ચળવળનો, પ્રેમલગ્ન અને આંતરજ્ઞાતીય લગ્નોની તરફેણનો, જ્ઞાતિના રિવાજોના દાબમાંથી મુક્ત થવાનો, અંગ્રેજોની જીવનશૈલીથી પ્રભાવિત પારસી પ્રજાનું અનુકરણ કરવાનો – આ બધાં નવાં વલણો ‘મલયાનિલ’ની વાર્તાઓમાં છે. પરંતુ મલયાનિલ સ્વછંદ અને સ્વતંત્ર આ બે વચ્ચેનો તાત્ત્વિક ભેદ સમજતા હતા. સ્ત્રીજીવનની કરુણ દશા માટે પુરુષની આધિપત્યવૃત્તિ દમનવૃત્તિને જવાબદાર ઠેરવતી વાર્તાઓમાં સ્ત્રીજીવનને માટે સ્વતંત્રતાનું મૂલ્ય દર્શાવ્યું છે. જ્ઞાતિના રિવાજો અને અર્થકેન્દ્રી લગ્નસંબંધોને કારણે અકાળે મૃત્યુ પામતાં કે આપઘાત કરતાં સ્ત્રીપાત્રોની નિઃસહાયતા વર્ણવી છે. શહેરની શેરીઓનું મહિલામંડળ (બૈરામંડળ) નિંદાકુથલીનું વરવું વાસ્તવજગત છે. એ નિંદાકુથલી અને કાનભંભેરણી કરવાની હલકી મનોવૃત્તિનો ભોગ બનતાં નિર્દોષ પાત્રોની દશાનું ચિત્ર રજૂ કર્યું છે.
મલયાનિલની વાર્તાલેખનપદ્ધતિ :
મલયાનિલની વાર્તાઓનું વિષયવસ્તુની દૃષ્ટિએ બે ભાગમાં વિભાજન કરી શકાય, એક એમની ‘રજનું ગજ’, ‘આટલામાં તો કાંઈ નહિ’, ‘ચ્હાનો પ્યાલો’, ‘બિલાડીના પેટમાં ખીર ટકે તો બૈરાંના પેટમાં વાત ટકે!’ ‘બાપડો બિલ્લમદાસ બોડી ચકલી’, ‘સાકર પીરસણ’, ‘થેંક યુ અને મેન્શન નોટ પ્લીઝ’, ‘જમવાની વેળા’ વાર્તાઓમાં હાસ્યરસની શૈલીનો ઉપયોગ કર્યો છે. આ હાસ્યરસ પ્રધાન વાર્તાઓમાં માનવસ્વભાવની વિચિત્રતાઓ જેવી કે નિંદાકુથલી, કાનભંભેરણી, વાતનું વતેસર કરવાની વૃત્તિ, કામ કઢાવવા માટે લાંચ, લોભ, લાલચના પ્રયોગો, ભણ્યા છતાં સારી નોકરી ન મળતાં લાચાર બનતા ગ્રેજ્યુએટ યુવાનની અવદશા, બોલવામાં મીઠી જીભથી કામ કઢાવવાની તરકીબો, પૂર્વ-પશ્ચિમની જીવનશૈલીનું બેડોળ અને વિકૃત મિશ્રણ, આ વાર્તાઓ વાર્તાકારની વિશિષ્ટ ભાષાશૈલી, વાક્યરચનાઓ અને શબ્દપ્રયોગોથી વાચકને વાર્તારસ આપે છે. તેમાં માનવસ્વભાવનું સૂક્ષ્મ દર્શન આપણી સામાજિક જીવનશૈલીના દંભ ખુલ્લા કરે છે, આડંબર અને પોલાણ ખુલ્લાં કરે છે. પરંતુ એમાં વાર્તાકારના અવાજમાં દંશ નથી પણ કૂપમંડૂક વૃત્તિથી જીવન કેવું બનાવટી અને ખોખલું બની જાય છે તે હળવાશભરી રીતે કહેવાનો આશય છે. ખરેખર તો માનસિક સંકુચિતતાના ભોગ બનતાં પાત્રો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવીને જીવનને સહજ, સરળ અને પારદર્શી બનાવવાનો બોધ આપે છે. એમની સુધારાવાદી સર્જકદૃષ્ટિ સમકાલીન ગુજરાતી સમાજની સંકુચિત અવસ્થાને રજૂ કરે છે. મલયાનિલની વાર્તાઓના બીજા ભાગમાં ઊર્મિપ્રધાન વાર્તાઓ છે. આ પ્રકારની વાર્તાઓમાં પ્રણયભાવ, સ્ત્રીપુરુષના હૃદયની મંજુલ ઊર્મિઓ, પરસ્પરનું આકર્ષણ, પ્રકૃતિનાં તત્ત્વો પ્રત્યેનો તાદાત્મ્યપૂર્વકનો અનુબંધ, સ્ત્રીદેહના સૌંદર્ય પ્રત્યે અનુરાગ, પ્રણયવૈફલ્ય, કુમુદ જેવા ફૂલની ઊર્મિઓનું સજીવારોપણમૂલક આલેખન. આ વાર્તાઓનાં પાત્રોનાં નામ, પરિવેશ, વર્ણનો અને વાર્તાકથકનો સૂર સાથે જ નોખાં છે. ‘રસરાજ’, ‘મૃગચર્મ’, ‘કુંજવેલી’, ‘મોગરાનું ફૂલ’, ‘પ્રેમની પરીક્ષા’, ‘જ્યોતિરેખા’, ‘સ્નેહ પહેલાં સાન’, ‘પ્રતિમા કે પ્રિયા?’, ‘જોડલાં ઈ તો દેવ જેવાં’. ઉદાહરણ તરીકે ‘રસરાજ’ વાર્તાનું બંધારણ જુઓ. સરિતા, ઉપવન, તરુણી, અર્ધસ્મિત, શિલાસન, મનોહર જલયંત્ર, જેવા શબ્દપ્રયોગો પ્રણયભાવને પોષક વાતાવરણ સર્જે છે. પાત્રોનાં નામ રસરાજ, પીયૂષવેલી, ચૂડામણિ પણ એક ઊર્મિસભર વાતાવરણ સર્જે છે, નર્મદા નદીનો પ્રવાહ, કુબેરભંડારીનું શિવાલય પણ પાત્રોના ભાવકને પોષક છે. આવા પ્રણયોર્મિના વાતાવરણમાં ન્યાતજાતના ભેદને કારણે પરણી શક્યાં નહીં અને બંને પાત્રો નર્મદા નદીમાં ડૂબીને જીવનનો કરુણ અંત પામે તેવા આઘાતક અંતની અમર પ્રાકૃતિક પરિવેશમાં પાંગરેલી ઊર્મિઓના કારણે વધુ વેધક બની છે. વિરહદગ્ધ યુગલની ક્ષુબ્ધ મનોદશાનું સરસ નિરૂપણ છે. ‘મૃગચર્મ’ વાર્તા મનુષ્ય અને પ્રાણી વચ્ચેના આત્મીય સંબંધનું સ્વરૂપ રજૂ કરે છે. નલિની અને હરિણ વચ્ચેનો પ્રેમભાવ માનવહૃદયની કોમળ લાગણીઓ પ્રાણીહૃદય સાથે કેવો ગાઢ અનુબંધ ધરાવે છે તે ભાવનાશીલ સત્ય રજૂ કર્યું છે. નલિની અને રણવીરનાં લગ્ન થયાં. પરંતુ નલિનીએ જ્યારે મૃગચર્મ જોયું ને પ્રતીતિ થઈ કે મારાં પ્રિય હરિણને તીરથી વીંધનાર આ પતિ રણવીર છે ત્યારે હરિણના વિયોગથી તે શૂન્ય થઈ ગઈ – શબવત્ થઈ – શબ થઈ. ‘જોડલાં ઈ તો દેવ જેવાં?’ વાર્તામાં માળીની દીકરી દિવાળી અને જુઈની વેલ તથા હારશૃંગારનાં વૃક્ષ વચ્ચેના તાદાત્મ્યભાવનું હળવીફૂલ શૈલીમાં નિરૂપણ છે. માળી જૂઈની વેલનાં મૂળિયાં ખોદી કાઢવાનું વિચારે છે. ત્યારે ફૂલોની અને ઝાડની ભાષા જાણતી દિવાળીના સ્વપ્નમાં પરીઓ જૂઈની વ્યથાની વાત પહોંચાડે છે. દિવાળીએ સ્વપ્નમાં બંનેમાં રામ-જાનકી જોયાં. ઉષા-અનિરુદ્ધનો પ્રેમ જોયો. ને આવી ભાવનાને કારણે માળી જ્યારે જૂઈના મૂળ આગળ જમીન ખોદવા જાય છે તેવો જ દિવાળીએ એનો હાથ ઝાલ્યો ને બોલી ઈ તો દેવ છે! માળીએ જોડલાં ઉખેડ્યાં નહીં. પ્રેમના નાજુક તંતુએ દેવત્વનું રક્ષણ કર્યું. સૌદંર્યને જીવન આપ્યું. ‘મોગરાનું ફૂલ’ વાર્તા ચાર પ્રેમીહૃદયના આવેશની વાર્તા છે. રસવેલી અને રસેન્દુ, કમળકાન્ત અને પદ્મા. મોગરાના ફૂલની અદલાબદલીને કારણે ચારેય વચ્ચે સર્જાતી ગેરસમજની ગૂંચ વાર્તાને અંતે ઉકેલાય જાય છે. ચાર હૃદયને જોડનાર ફૂલ પ્રણય ભાવનું રૂપક છે. સુખદ અંતની વાર્તા ઊર્મિના રંગોથી શોભે છે. ‘સ્નેહ પહેલાં સાન’ લાંબી વાર્તા છે. વાર્તાનો ઢાંચો લોકકથાનો છે. પરંતુ સ્ત્રીનું રતિસ્વરૂપ સૌંદર્ય અને મુક્ત કામેષ્ણાનું કાવ્યમય આલેખન ખૂબ જ આનંદદાયક છે. રાત્રિના સમયે ચંદ્રના પ્રકાશમાં ત્રણ સખીઓ સરોવરમાં આછા વસ્ત્રોમાં જલક્રીડા કરે છે તે સ્ત્રીહદયની મુક્ત ક્ષણોનો આવિર્ભાવ પ્રકૃતિનાં તત્ત્વો સાથેનું સંવનન છે જાણે કે! ‘શરીરનાં સર્વે વસ્ત્રો ઊતારી નાખ્યાં હતાં, માત્ર તળાવમાં નહાવા વાસ્તે એકે ઝીણો સુતરાઉ બદામી રંગનો સાળુ પહેરેલો હતો... આછા ઝરણમાં તળિયું જણાય તેમ તેનું આખું બદન સાળુની સપાટી નીચે જણાતું હતું... ઊંડો ઊંડો ગરકાવ તેવો મસ્તાન દરિયો... વસ્ત્ર શરીર સાથે ચોંટી ગયું. પડદો હતો તે ઉપડી ગયો’ (પૃ. ૨૦૯). એ સમયે રાજવંશી ત્યાં પ્રવેશે છે તેનું નામ જયપાળ છે. યુવતી તે પદ્મા, બંને વચ્ચે પ્રણય સંવાદ પણ પદ્મા શરત કરે છે કે પ્રેમનાં જોડાં આંખ આગળ ખડાં કરવાનાં ને તો પરણે. રૂપથી અધિક સાચા પ્રેમને બતાવવાની શરત. જયપાળ ફકીરના લેબાસમાં ઘરબાર છોડી ભટકે છે તેનું લંબાણથી નિરૂપણ કર્યું છે. જયપાળ એવાં જોડાં શોધવામાં નિષ્ફળ જાય છે. સારસ જોડીના વિયોગથી બેભાન થાય છે તમારે પદ્મા તેનું માથું ખોળામાં લઈને બોલે છે : ‘ભાઈ, હું તો વર્ષો પહેલાં વરી ચૂકેલી છું. મારી ચૂપકી વાસ્તે મને માફ કરો. હું તો કહેવું ભૂલી, પણ તમેય પૂછવું કેમ વીસરી ગયા?’ (પૃ. ૨૨૪) વાર્તાકાર વીસમી સદીને અહીં સ્વાર્થસાધક યુગ કહે છે. ‘સ્વછંદને સ્વતંત્રતાના એક જ ત્રાજવામાં તે બેઠાં છે તો પ્યારને ખાતર પ્રાણ આપનાર ક્યાંથી દેખાય?’ (પૃ. ૨૨૧) ‘દુનિયાને પ્રેમ નહિ પણ તકરાર છે, તે આ જમાનાની કલમ છે’ (પૃ. ૨૨૨) એક તરફ વીસમી સદીનું સ્વાર્થભર્યું ને બીજી તરફ જયપાળની નિરપેક્ષ પ્રેમની શોધમાં નિષ્ફળતા. વાર્તાકાર નિઃસ્વાર્થ પ્રેમતત્ત્વનું મૂલ્ય સમજાવે છે. આ વાર્તા બે બાબતે અનુગામી વાર્તાઓ સાથે જોડાઈ છે. વાર્તાને આરંભે ભિખારીનું વર્ણન ધૂમકેતુની વર્ણનશૈલી સાથે સામ્ય ધરાવે છે. તળાવમાં ચંદ્રપ્રકાશમાં સ્નાન કરતી પદ્માની સૌંદર્યતરસ જયંત ખત્રીની ‘તેજ, ગતિ અને ધ્વનિ’ વાર્તાના સંસ્કાર તાજા કરે છે. પદ્મા અને કસ્તુર વચ્ચેનું સામ્ય વાર્તાલેખનમાં પુરોગામીના સંસ્કારના ધ્વનિ સાંભળી શકીએ છીએ. ભિખારીનું વર્ણન : ‘તે ફકીર હતો કે ભિખારી? કાળી કામળીને વચમાં બાકું પાડી એણે ગળામાં નાખી હતી ખરી, પણ વારંવાર હાથ પહોળા કરી કફનીને ઊંચી કરતો હતો અને ઘણીવાર પવન ખાતો હતો. માથા ઉપરથી વાળ કઢાવી નાખી એ ઉઘાડે માથે ચાલ્યો જતો હતો ખરો, પણ તડકાની અંદર પોતાનું કશકોલ-કમંડળ-ટોપીની માફક પહેરતો હતો.’ (પૃ. ૧૯૫) ફકીરના પાત્રનું શબ્દચિત્ર ધૂમકેતુનાં ઘણાં શબ્દચિત્રોને તાજાં કરે છે. મલયાનિલનાં ઊર્મિઘેલાં પાત્રો, વિયોગથી આઘાત પામી મરણ પામતાં પાત્રો, નદીમાં ડૂબીને, બળીને આપધાત કરતાં પાત્રો જાણે કે ધૂમકેતુનાં ઊર્મિઘેલાં પાત્રો વડે વિસ્તર્યાં છે. પ્રસર્યાં છે. ધૂમકેતુની ઊર્મિપ્રધાનતાનાં મૂળ મલયાનિલનાં પાત્રોમાં છે. મલયાનિલની કેટલીક વાર્તાઓનો કથક વાચકને સંબોધીને પાત્રની વાર્તા કહે છે. વાચકને સાવચેત કરવાનો સ્પષ્ટ હેતુ છે. ચેતી જવાનો આદેશ છે. ખોટા રસ્તે ન જવાની શિખામણનો સૂર છે. ‘મારું સ્નેહલગ્ન’ વાર્તા તેનું ઉદાહરણ છે. વાર્તાકથક વાચકને સંબોધીને જેમ વર્તાસર્જનનો ઉદ્દેશ સ્પષ્ટ કરે છે તેમ વાર્તાકાર પોતે વાર્તાના આરંભે, વાર્તાની વચ્ચે વચ્ચે પોતાની હાજરી બોધક સૂત્રો વડે પુરાવે છે. વાર્તાનો હેતુ સ્પષ્ટ કરે છે. વાર્તાલેખનમાં આ પ્રકારે વાર્તાકાર કે વાર્તાકથકની ખુલ્લી હાજરી વાર્તાના વ્યંજનાતત્ત્વને જરા પણ પોષક નથી. આ પ્રકારના ઉઘાડા પાદરીવેડા વાર્તાના વ્યંજનાતત્ત્વને અવકાશ આપતા નથી. પરંતુ ‘મલયાનિલ’ના સમયની વાર્તાઓનું પ્રયોજન સ્વયંસ્પષ્ટ હતું. બોધ, ઉપદેશ, વાર્તારસ, સુધારાવાદી વલણોનો પ્રચાર, મુખરતાથી સ્ત્રીજીવનની દુર્દશાનું ચિત્ર રજૂ કરવું. પ્રેમને જ્ઞાન અને કેળવણીનું મહત્ત્વ સમજાવવું, નૂતન વિચારધારાનો પ્રચાર – આ બધાં માટે વાર્તા સાધન હતું, સાધ્ય નહોતું. તેમ છતાં કેટલીક ઊર્મિપ્રધાન વાર્તાઓની વિષય સામગ્રી પ્રણયતત્ત્વ, મનુષ્યપ્રેમ અને પ્રકૃતિપ્રેમનું મૂલ્ય વર્ણવે છે. એ વાર્તાઓની ઘટનાગૂંથણી આસ્વાદ્ય છે. ત્યાં બોધ કે સુધારાવાદી સૂરનું વજન નથી. મલયાનિલની ‘ગોવાલણી’ એ સંગ્રહની શ્રેષ્ઠ ધ્વનિપ્રધાન વાર્તા છે. ટૂંકી વાર્તાનો કલાનો નમૂનો બની છે એ વાર્તા. વાર્તાકાર સ્વયં પોતે સમયબાધિત લેખનના સીમિત ઉદ્દેશોથી મુક્ત બની વાર્તા સર્જન કર્યું છે. ટૂંકી વાર્તાની સ્વરૂપગત પ્રકૃતિની સાચી ઓળખ તે ‘ગોવાલણી’ વાર્તા. મલયાનિલની ‘ગોવાલણી’ વાર્તા લોકપ્રિય થવાનાં મુખ્ય કારણોમાં પહેલું કારણ છે વાર્તાનો વિષય અને તેની માવજત, સમકાલીન વાર્તાકારોની વાર્તાઓ બોધ, ઉપદેશ, મુખર હાસ્ય અને બિનજરૂરી વિગતોથી મેદસ્વી બની જતી હતી એ ભેદ અહીં ઓગાળી નાખ્યો છે. વાર્તાકથક હુંની પોતાની રંગદર્શીવૃત્તિ અને ગોવાલણી માટેની ઘેલછા આસ્વાદ્ય છે તેનું કારણ છે હુંનો સ્વસમીક્ષાનો હળવો સૂર. ગોવાલણીના તસતસતા યૌવનનું વર્ણન, એનો અવાજ, એનાં વસ્ત્રો, એની ખૂબસૂરતીની ભુરકી અને શાન્ત વાતાવરણ આ બધા ઘટકોથી વાર્તાકથકનું ગોવાલણી પ્રત્યેક આકર્ષણ રજૂ થયું છે. નાની નાની ઘટનાઓ ગોવાલણીનો પીછો કરવો બંને વચ્ચે વાર્તાલાપ, ગોવાલણી હુંને પરાણે દૂધ ચખાડે, હું દૂધ પીવે, પૈસા ન લેવા, લગ્ન વિશે, પતિ વિશેની વાતો દ્વારા બંને વચ્ચેનો છૂપો અનુરાગ વ્યક્ત થયો છે. વાર્તામાં વળાંક આવે છે ગોવાલણીની હુંલ્લી ભૂલી જવાની ઘટના. એ ગાયોને માટે કુશકીની હુંલ્લી લેવા ગઈને વાર્તાકથક એકલો બેઠો. તામડી કોતરેલું નામ વાંચે છે ‘દલી’. ગોવાલણી પાછી આવે છે ફરી બંનેનો વાર્તાલાપ. એમાં હુંનો ગ્રામીણ જીવન પ્રત્યેનો ભાવ, ગ્રામીણ નિર્દોષતાનું આકર્ષણ, દલીમાં ઓતપ્રોત થવાની તાલાવેલી. હુંની લાગણી નિર્બંધ બની હતી. ને આ ભાવદશાની પરાકાષ્ઠાએ ઘટતી આઘાતક અંત તરફ જતી ઘટના. પત્નીનો પ્રવેશ. પત્નીના પ્રવેશને અલંકારોથી વર્ણવ્યો છે. દલી-ધુતારી ગોવાલણી સાલ્લામાં મોં રાખી હસતી હતી. સંભવ છે કે દલી પોતે જ હુંલ્લી શોધવાને બહાને હુંની પત્નીને જાણ કરવા ગઈ હશે ને તેથી જ દલી માટે ધુતારી ને પોતા માટે બેવકૂફ શબ્દ વાપરે છે. વાર્તાકથક હુંની ગોવાલણી માટેની ઘેલછાનો અંત ફજેતીમાં આવ્યો. બેવકૂફીમાં આવ્યો. શ્રી જયંત પારેખે વાર્તાકળાનાં ગૃહીતોને આધારે નિષ્ફળ વાર્તા ગણાવી છે એમનો અભિગમ વૃત્તિકેન્દ્રી છે. ‘કથનકેન્દ્ર ને પાત્રનિરૂપણ – ગોવાલણીનાં આ બે પાસાં તરફ ધ્યાન ખેંચે છે. ભૂતકાળને વર્તમાનકાળ, શહેર ને ગામ, કેળવણી ને હૈયાઉકલત પર૨સ્પર વિરોધી હોય એમ સામસામે ગોઠવાય છે પરંતુ એમનો પરસ્પર વિરોધ પ્રતીતકર નીવડે એવો સંઘર્ષ એમાં નિરૂપાતો નથી’ (સંદર્ભઃ ‘ગુજરાતી વાર્તાસંચય : ૧’, સં. જયંત પારેખ, શિરીષ પંચાલ, પ્ર. આ. ૧૯૯૯, પૃ. ૨૧૮) પરંતુ જયંત પારેખે પરસ્પરવિરોધી સામગ્રીની જે નોંધ કરી છે તે વાર્તાકારનું કથનકેન્દ્ર છે જ નહીં. વાર્તાકારે પ્રયોજેલી બે સંજ્ઞા ધુતારી અને બેવકૂફ એના પર ધ્યાન આપવું જરૂરી છે. ‘ગોવાલણી અને બીજી વાતો’ સંગ્રહનો આમુખ કનૈયાલાલ મુનશીએ લખ્યો હતો. એ આમુખમાં કનૈયાલાલ મુનશીએ સર્જાતી ગુજરાતી ટૂંકીવાર્તાની નબળાઈઓની સાથે મલયાનિલની નોખી તરી આવતી વાર્તાકળાની પ્રશંસા કરી છે. સર્જાતી ગુજરાતી ટૂંકી વાર્તાની નબળાઈઓ પણ નોંધવા જેવું છે. ‘નવલિકા, ટૂંકી નવલકથા, ટુચકા વચ્ચે ઝાઝો ભેદ થોડા જ સમજતા. ઘણીવાર આધ્યાત્મિક રહસ્ય દર્શાવવાનાં તેમાં પ્રયત્ન થતા, વિનોદ પણ ઘણીવાર અસંસ્કારી. વાસ્તવિકતાનો ખ્યાલ તો ભાગ્યે જ કોઈને હતો. મુનશીનાં સર્જાતી ટૂંકી વાર્તાનાં નિરીક્ષણો એ સમયની વાર્તાઓનું ચિત્ર દર્શાવે છે. વાર્તાકારોને વાસ્તવિકતાનો ખ્યાલ તો ભાગ્યે જ હતો તે નિરીક્ષણ ખૂબ જ ઉપયોગી છે. કવિ દલપતરામ અને રમણભાઈ નીલકંઠની હાસ્યપ્રધાન શૈલીનો જબરો પ્રભાવ હતો. હાસ્યનિષ્પન્ન કરવાની સસ્તી પ્રયુક્તિઓની ભરમાર. સાથે સાથે દેશી ગુજરાતી નાટકોની શૈલી પાછળ ઘેલી બનતી ગુજરાતી પ્રજાની છીછરી રસવૃત્તિ. મલયાનિલ પણ આ ત્રણના પ્રભાવથી મુક્ત રહી શક્યા નથી, પરંતુ મલયાનિલનું સંસ્કૃત નાટકોનું વાચન, તેમાં ખાસ કરીને ભવભૂતિના ‘માલતીમાધવ’ નાટકની સર્જનાત્મક અસરથી પ્રણયરાગની વાર્તાઓ જન્મી છે. આ અસરને જાણનાર મુનશીએ આમુખમાં મલયાનિલ વિશે નોંધાયું છે : ‘તે વખતે (એટલે કે સર્જાતી ગુજરાતી ટૂંકી વાર્તાના વખતમાં) શ્રી ‘મલયાનિલે’ એ ક્ષેત્રમાં વિહાર કર્યો અને આ નવલિકાઓ લખી. એ નવલિકાઓનો સંગ્રહ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરશે, અને ભાવિ સાહિત્યકારોને મદદરૂ૫ થઈ પડશે એવી આશા રાખું છું. (આમુખ લખ્યા તારીખ ૨૬ રિજ રોડ મુંબઈ ૧૬-૦૬-૧૯૩૫)
સંદર્ભગ્રંથસૂચિ :
૧. ‘ગોવાલણી અને બીજી વાતો’, લેખક સ્વ. ‘મલયાનિલ’ કંચનલાલ વાસુદેવ મહેતા, પ્રકા. કુમાર કાર્યાલય. ૧૪૫૪ રાયપુર, અમદાવાદ, પહેલી આવૃત્તિ, ૧૬૦૦ નકલ ઓગસ્ટ, ૧૯૩૫, મૂલ્ય બે રૂપિયા. પૃષ્ઠ સંખ્યા ૨૪૬
અર્પણ : મારાં પૂજ્ય માતાપિતા
જેમનાં પ્રોત્સાહન અને પ્રેરણાથી હું યત્કિંચિત કેળવણી પામી અને આ પુસ્તક આજે પ્રસિદ્વ કરવા ભાગ્યશાળી થઈ તેમના ચરણોમાં
ભાનુમતિ
વાર્તાસંગ્રહમાં એક ફોટોગ્રાફ અને પાંચ ચિત્રો છે. જે વાર્તાનાં દૃશ્યોને આધારિતછે. ફોટોગ્રાફ મલયાનિલનો છે. પાંચ ચિત્રોમાંથી બે મિત્રો રવિશંકર રાવળનાં, એક એક ચિત્ર અનુક્રમે રસિકલાલ પરીખ, કનુ દેસાઈ અને સ્વ. ત્રિભુવન પટેલનું છે.
જયેશ ભોગાયતા
નિવૃત્ત પ્રોફેસર, અધ્યક્ષ
ગુજરાતી વિભાગ
એમ. એસ. યુનિવર્સિટી ઑવ બરોડા, વડોદરા
કવિ, વાર્તાકાર, વિવેચક, સંશોધક, સંપાદક
વડોદરા
મો. ૯૮૨૪૦ ૫૩૫૭૨
Email : tathapi૨૦૦૫@yahoo.com