ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/માય ડિયર જયુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ટૂંકી વાર્તાના જાણતલ વાર્તાકાર :
માય ડિયર જયુ

વિપુલ પુરોહિત

My Dear Jayu.jpg

‘માય ડિયર જયુ’ નામે ગુજરાતી સાહિત્ય જગતમાં સુપ્રસિદ્ધ વાર્તાકારનું અસલ નામ તો જયંતિલાલ રતિલાલ ગોહેલ. તારીખ ૨૭-૦૫-૧૯૪૦ના રોજ તેમનો જન્મ. સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં આવેલું ટાણા એમનું વતનગામ-જનમભોમકા. પોતાના વતનગામને ચિરંજીવ બનાવતી ‘મને ટાણા લઈ જાઓ...’ નામે એક સુંદર વાર્તા પણ આ સર્જકે રચી છે. ટાણામાં પ્રાથમિક શિક્ષણ મેળવી ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી માધ્યમિક અભ્યાસ કરીને સ્નાતક તથા અનુસ્નાતક અભ્યાસ શામળદાસ આટ્‌ર્સ કૉલેજથી પૂર્ણ કર્યો. ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથેનો આ અભ્યાસ કરતાં ભાવનગર સાહિત્યસભાનો સુવર્ણચંદ્રક અને બી.એ.માં ફેલોશિપ પણ મેળવી હતી. આચાર્ય તખ્તસિંહ પરમાર અને અન્ય વિદ્વાન અધ્યાપકોના અધ્યયન-પ્રેરણાથી સાહિત્યરુચિ અને સર્જનવૃત્તિનાં બીજ રોપાયાં હતાં. વર્ષ ૧૯૬૫-૬૬માં વતનગામ ટાણાની સંઘવી હાઈસ્કૂલથી શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી. એ પછી વર્ષ ૧૯૬૬-૬૮ દરમિયાન સુરેન્દ્રનગરની એમ. પી. શાહ કૉલેજ અને વર્ષ ૧૯૬૮-૬૯માં જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં અધ્યાપક તરીકે કાર્ય કર્યું. ૧૯૬૯થી ૭૬ સુધી ભાવનગરની એમ. જે. કૉલેજ ઑફ કૉમર્સમાં અને ત્યારબાદ ૧૯૭૬થી છેક ૨૦૦૨માં નિવૃત્તિ સુધી શામળદાસ આટ્‌ર્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપકપદે સેવારત રહ્યા. નિવૃત્તિ પછી ‘લટૂર પ્રકાશન, ભાવનગર’ નામથી પોતાની પ્રકાશન કંપની પુત્ર અવનીન્દ્ર ગોહેલની સાથે મળીને ચલાવે છે.

સાહિત્યસર્જન :

લઘુનવલ : ‘મરણટીપ’ (૧૯૭૯), ‘કમળપૂજા’ (૧૯૯૨) અને ‘ઝુરાપાકાંડ’ (૧૯૯૨). ટૂંકી વાર્તા : થોડાં ઓઠાં’ (૧૯૯૯), ‘જીવ’ (૧૯૯૯), ‘સંજીવની’ (૨૦૦૪), ‘મને ટાણા લઈ જાવ’ (૨૦૦૯), ‘દેવીપૂજક’ (૨૦૧૭). વિવેચન : ‘સ પશ્યતિ’ (૧૯૯૨), ‘સ વીક્ષતે’ (૨૦૦૧). સંપાદન : ‘વિજયરાય ક. વૈદ્ય જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ’, ‘મોહન પરમારની વાર્તાસૃષ્ટિ’ (૨૦૦૪), ‘મણિલાલ હ. પટેલની વાર્તાસૃષ્ટિ’ (૨૦૦૫). આ ઉપરાંત ઈલા નાયકના સંપાદનમાં ‘માય ડિયર જયુઃ વાર્તા વૈવિધ્ય’(૨૦૧૫)માં પણ તેમની વાર્તાઓ ગ્રંથ રૂપે મળી છે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સર્જકના જ સંપાદનમાં ‘ચૂંટેલી વાર્તાઓ માય ડિયર જયુ’ (૨૦૧૯) નામથી પ્રકાશિત થઈ છે. પારિતોષિક : ‘ડારવીનનો પિતરાઈ’ વાર્તાને ૧૯૯૯નો કથા ઍવૉર્ડ, દિલ્હી પ્રાપ્ત થયા પછી તો ‘જીવ’ (૧૯૯૯) સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું ‘રમણ પાઠક પારિતોષિક’-૨૦૦૦, ‘ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક-૨૦૦૦, ભીલોડા આચાર્ય સંકુલનું ‘ઉમાશંકર જોશી વાર્તા પારિતોષિક’-૨૦૦૨ તેમ જ નર્મદ સહિત્યસભા, સુરતનો ‘નંદશંકર ચંદ્રક’-૧૯૯૯-૨૦૦૦ પ્રાપ્ત થયાં છે. ‘સંજીવની’ વાર્તાસંગ્રહને વર્ષ ૨૦૦૫નું ગુજરાત સાહિત્ય અકાદમીનું દ્વિતીય પારિતોષિક તેમજ ધૂમકેતુ નવલિકા પારિતોષિક-૨૦૦૫માં મળે છે. ‘મને ટાણા લઈ જાવ’ સંગ્રહને વર્ષ ૨૦૦૯માં ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક મળે છે.

વાર્તાકારનો યુગસંદર્ભ :

ગુજરાતી સાહિત્યમાં વાર્તાકાર તરીકે માય ડિયર જયુનો પ્રવેશ વીસમી સદીના દસમા દાયકામાં થયો છે. આઠમા દાયકાના અંતમાં ‘મરણટીપ’(૧૯૭૯) જેવી વિશિષ્ટ લઘુનવલ આપીને કથામરમી વિદ્વાનોનો સ્વીકાર પામનાર માય ડિયર જયુ આ જ કથાનાં અનુસંધાનમાં બાર વર્ષે ‘કમળપૂજા’ (૧૯૯૨) અને ‘ઝુરાપાકાંડ’ (૧૯૯૨) લઘુનવલો આપીને પોતાની સર્ગશક્તિનો પરચો આપે છે. આ લઘુનવલત્રયીએ વિશિષ્ટ સર્જનાત્મક આધુનિક કથાકૃતિઓ તરીકે સાહિત્યભાવકોની ચાહના પ્રાપ્ત કરી હતી. એ પછી પોતાની જ શૈલીમાંથી મુક્ત થવા કથાસર્જનમાં નવી દિશાની શોધના પરિણામસ્વરૂપે ટૂંકી વાર્તાલેખન તરફ વળે છે. ગુજરાતી ટૂંકી વાર્તા અને અન્ય સાહિત્યસ્વરૂપો આધુનિકથી અનુઆધુનિક તરફ ગતિ કરી રહ્યાં હતાં એ અરસામાં માય ડિયર જયુ સર્જક ઉન્મેષને પ્રગટાવતી ટૂંકી વાર્તાઓ લઈને આવે છે. સુ.જો.સા.ફો.ની વાર્તાશિબિરમાંથી વાર્તા રચવાની ચાનક ચડી અને સર્જકતાના ઘોડાપૂર ઊમટી આવતાં ૧૯૯૯ સુધીમાં તો ‘થોડાં ઓઠાં’ અને ‘જીવ’ એમ બે સંગ્રહો પ્રકાશિત કરી સન્માન સાથે ગુજરાતી ટૂંકી વાર્તાવિશ્વમાં સ્થાન મેળવે છે. એ સમયે આ કે તે વાદનાં લેબલ લગાવ્યાં વિના ‘શુદ્ધ વાર્તા’ જ રચવાની સમકાલીન વાર્તાકારોની જે મથામણ હતી, તેમાં માય ડિયર જયુનો સર્જક પુરુષાર્થ પણ જોઈ શકાય છે. મોહન પરમાર, હિમાંશી શેલત, મણિલાલ હ. પટેલ, સુમન શાહ, ભરત નાયક, અજિત ઠાકોર, કિરીટ દૂધાત, અનિલ વ્યાસ, બિપિન પટેલ, કાનજી પટેલ વગેરે સમકાલીન સર્જકોની સાથે માય ડિયર જયુનો યુગસંદર્ભ જોઈ શકાય છે. નારીચેતના, ગ્રામચેતના અને દલિતચેતનાની ત્રણ મુખ્ય ધારાઓ આ યુગની વાર્તાઓમાં વહેતી સમૃદ્ધ થતી રહી છે. વાર્તાગત વસ્તુનું વાર્તાન્તરણમાં રૂપાન્તર કરવાની આ સર્જકોની મુખ્ય વૃત્તિ-પ્રવૃત્તિ રહી છે. તેનાં પરિણામસ્વરૂપે ગુજરાતી ભાષાને કેટલીક ઉત્તમ વાર્તાઓ આ તબક્કામાં ઉપલબ્ધ બની શકી છે. માય ડિયર જયુની વાર્તાઓ ગુજરાતી ટૂંકી વાર્તાઓના એક સમૃદ્ધ યુગની સશક્ત વાર્તાઓ તરીકે ગણમાન્ય સિદ્ધ થઈ છે.

ટૂંકી વાર્તા વિશે માય ડિયર જયુની વિચારણા :

‘પ્રયત્નથી નહિ મનોયત્નથી વાર્તાલેખન આરંભાયું’ એવું ‘જીવ’ની પ્રસ્તાવનામાં માય ડિયર જયુએ લખ્યું છે. ગુજરાતીના અધ્યાપક તરીકે વર્ગખંડોમાં વર્ષો સુધી ટૂંકી વાર્તાઓ ભણાવતાં ભણાવતાં ટૂંકી વાર્તાની સ્વરૂપગત અને ઐતિહાસિક પરંપરાઓને આત્મસાત્‌ કરનાર માય ડિયર જયુનું વાર્તાલેખન નિજી અનુભૂતિમાંથી જન્મ્યું છે. ‘સંજીવની’ સંગ્રહની વાર્તાઓ સાથે ઉપસ્થિત થતાં માય ડિયર જયુએ ‘વાદ નહિ, વિવાદ નહિ, વાર્તા જ વાર્તા’ એમ કેફિયતમાં ટૂંકી વાર્તા વિશે પોતાનો વિમર્શ રજૂ કર્યો છે. જયુ લખે છે, ‘વાર્તાવિચારમાં વિશેષ કથનને કેન્દ્રમાં રાખશું તો બહુ સહેલાઈથી ઉક્તિવિચાર પાસે આવી પહોંચશું. કથનવિશેષ બહુ સહેલાઈથી વક્રોક્તિ અને રસોક્તિ પાસે લઈ જશે. પછી એ વિશેષોક્તિને રસોક્તિ કે /અને વક્રોક્તિ બનાવવા યથેચ્છ પ્રવિધિ-પ્રયુક્તિ ભલે ખપમાં લેવાય... એટલે તો વાર્તાએ વાર્તાએ કથકનું દૃષ્ટિબિંદુ-કથકનો અવાજ અલગ અલગ હોય એમ સ્વીકારતા હોઈએ તો એમ પણ સ્વીકારવું જોઈએ કે વાર્તાએ વાર્તાએ ગદ્યની ચાલ પણ અલગ અલગ હોય એ આવકાર્ય છે, બલ્કે, આવશ્યક છે.” આ વિધાનમાં ટૂંકી વાર્તાના સ્વરૂપ અને રચનારીતિને લઈને માય ડિયર જયુનો અભિગમ અને સમજ સાફ દેખાઈ આવે છે. ‘શબ્દસૃષ્ટિ’ સામયિકના ‘ટૂંકી વાર્તા અને હું’ વિશેષાંકમાં તેઓએ લખ્યું છે કે –

૧. ઘટના વગર વાર્તા નહિઃ
૨. પણ ઘટના એ વાર્તા નથી;
૩. પણ, વાર્તા જ (એક) ઘટના બનવી જોઈએ. (સંજીવની)

મતલબ કે વાર્તાકાર માટે ઘટનાનું વાર્તાન્તરણ પહેલો પડકાર છે. જીવન-ઘટના-અનુભૂતિ-સંવેદન-દર્શન ઇત્યાદિ ઉદ્‌ભાવક ઘટકો સર્જકના દૃષ્ટિબિંદુની ત્રેવડથી સયુક્તિક પ્રવિધિઓ-પ્રયુક્તિઓ દ્વારા વાર્તારૂપ પામે અને વાર્તાને વાર્તા તરફ લઈ જતા ઉદ્‌ભાવક ઘટકો અને સંવાહક ઘટકોનું જીવંત રસાયણ કથાનાત્મકતાના નિયામક ઘટકથી નિર્માણ પામે તો વાર્તા –અપૂર્વ વાર્તા/અનન્ય વાર્તા સર્જાય. આ ત્રણ ઘટકોનું સંતુલિત સંયોજન જ પેલા ‘આદર્શ’ તરફ લઈ જવા સજ્જ બને. એ માટે શિક્ષા અને અભ્યાસની જરૂર પડે. ‘શિક્ષા’ એટલે ‘સ્વરૂપ પ્રત્યેની સંપ્રજ્ઞતા’ અને ‘અભ્યાસ’ એટલે ‘વાર્તાન્તરણ અને કથનાત્મકતાને અ-પૂર્વ અને અ-દ્વિતીય બનાવવાનું તપ’. આમ, પાછલા ત્રણેક દાયકાથી વાર્તાલેખન કરતાં માય ડિયર જયુએ સમયાન્તરે ટૂંકી વાર્તા વિશેની પણ પોતાની વિભાવના વધુ ને વધુ પરિપક્વ રીતે સ્પષ્ટ કરી છે. વર્ષ ૨૦૧૯માં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત કથાભાવન શ્રેણી અંતર્ગત ‘ચૂંટેલી વાર્તાઓ માય ડિયર જયુ’ ચયનમાં આ સર્જકે કહ્યું છે કે, “એક વાર્તાને એક અને અખંડ એકમ તરીકે પ્રતિષ્ઠિત કરતાં હોઈએ તો એક વાર્તાને સ્વાયત્ત અને સ્વ-તંત્ર કલાઘાટ બક્ષવો જરૂરી થઈ પડે છે. કહો કે, કથનવિશેષ વાર્તા માટે અને કથનવૈવિધ્ય વાર્તાકાર માટે અનિવાર્ય આવશ્યકતા છે. હાથવગા અને સરળપણે બંધબેસતા ઘટકોના સિક્કા-ઉછાળીથી વાર્તા રચાતી નથી. એવી રમતોથી મુગ્ધો અને અર્ધગ્ધો થોડી વાર રાજી થાય છે, કાળ નહીં. એટલે તો એમ કહેવાનું મન થાય છે કે, વાર્તાને અનુરૂપ પ્રવિધિ અને પ્રયુક્તિનો સમુચિત વિનિયોગ જ વાર્તાનું સ્વરૂપ રચે છે... અનુરૂપ કથાત્મક સહસંબંધકો ઘટનાના વાર્તાન્તરણ માટે ઉપકારક છે, તેમ અનુકૂળ કથનાત્મક વાગ્ભંગીઓ વાર્તાસંરચના માટે અનિવાર્ય છે. યાદ રહે, એક વાર્તા જ એક ઘટના છે – અ-પૂર્વ અને અનન્ય!”

‘જીવ’ (૧૯૯૯)ની વાર્તાઓ :

Jeev by My Dear Jayu - Book Cover.jpg

માય ડિયર જયુનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘જીવ’ વાર્તાકારની એકાધિક વિલક્ષણતાઓનો પરિચય કરાવવામાં સક્ષમ છે. સંગ્રહમાં કુલ મળીને પંદર વાર્તાઓ સમાવિષ્ટ છે. સુજોસાફોની શિબિર અને મોહન પરમારની ‘તમે વાર્તા લખો ને!’ એવી ટકોરથી વાર્તા લખવાનું શરૂ કરનાર માય ડિયર જયુ ૧૯૯૯માં તો ‘જીવ’ વાર્તાસંગ્રહ આપીને ગુજરાતી ટૂંકી વાર્તાના અગ્રિમ હરોળના વાર્તાકારોની વચ્ચે પોતાનું સ્થાન અકબંધ કરી લે છે. સંગ્રહની પ્રથમ વાર્તા ‘રાજકપૂરનો ટાપુ’ એક નરવી-ગરવી પ્રેમકથા છે. અરમાન અને અમીનાબીબીના નિર્મળ સ્નેહની પ્રવાહી સંવેદનકથા આ વાર્તાને પ્રભાવક બનાવે છે. નળસરોવરના પ્રાકૃતિક પરિવેશની સમાંતરે ‘મેરા નામ જોકર’ ફિલ્મની પ્રણયકથાની સંન્નિધિએ કથક દ્વારા ઉખેળાતી ઉકેલાતી આ વાર્તા ગુજરાતી સાહિત્યની ચિરંજીવ પ્રણયકથાઓમાં સ્થાન પામે તેવી સક્ષમ બની છે. ‘ડારવીનનો પિતરાઈ’ જયુની રાષ્ટ્રીય સ્તરે પુરસ્કૃત અને પ્રસિદ્ધ થયેલી વાર્તા છે. સર્જકે આ વાર્તાને ઓઠું કહી ઓળખાવી છે કારણ કે તેની સંરચના લોકબોલીમાં કહેવાતી-મંડાતી કહેણીની શૈલીમાં છે. પાપના પ્રાયશ્ચિત્ત રૂપે દેવીદેવતાઓનું શરણ શોધી ભૂવાઓ થકી માનસિક-સામાજિક સમાધાન મેળવતાં ગ્રામીણ માનસને સવજી ભૂવા, નાથની વહુ અને કથક – એમ ત્રણ કથાદોરમાં વણીને સુપેરે વ્યંજિત કરી છે. સામાજિક વાસ્તવની સાથે મનોવાસ્તવનું સંતુલન રચી તેમાં પુરાકથાનું રસાયણ ઘૂંટીને તળબોલીમાં અભિવ્યક્તિ સાધી આ વાર્તાને આસ્વાદ્ય બનાવી છે. સંગ્રહનું બહુમાન પામેલી ‘જીવ’ વાર્તા દલિતસંવેદનાને ઉજાગર કરવા ઉપરાંત શુદ્ધ સાહિત્ય રસને પોષતી મર્મભેદક કરુણ વાર્તા છે. વાર્તામાં ભગા ચમારનું કરુણમૂર્તિ સમુ ચરિત્ર ભાવકના સમભાવનું દ્યોતક બની રહે છે. મરણપથારી પડેલો દીકરો, નિર્જળા ઉપવાસ, જીબાપુની ડેલીએ લગ્નનો મંગલ પ્રસંગ, મરણાસન્ન પાડાને જીવતો ઢસડી જવાનું અધર્મ, જેસુભાનું સામંતી માનસ – આ બધા સ્થિત્યંતરોમાં વસ્તુલક્ષી સહસંબંધકોમાં ગૂંથાઈને કલારૂપ સિદ્ધ કરતી વાર્તા માય ડિયર જયુની સશક્ત કલમનો પરિચય આપી રહે છે. વીસ વરસની વય હોવા છતાં શારીરિક રીતે ઊંચાઈ અને કદ-કાઠી વિકસ્યાં નથી એવાં વાર્તાનાયકના મનોગતને વાર્તાકારે ‘ટેણી’ વાર્તામાં આબાદ ઝીલ્યા છે. માસીની દીકરીના લગ્નપ્રસંગમાં કુટુંબ સાથે ગયેલા વાર્તાનાયકની લઘુતાની સામે લગ્નેચ્છા અને સામાજિક કૂંઠાને વાર્તાકારે વિષય બનાવીને વાર્તા રચવાનો પ્રયાસ કર્યો છે. ‘શાસ્ત્રી શ્રી લક્ષ્મીરામ પાર્વતીશંકરની કથા’ મૂલ્યહ્રાસ અને જીવનરકાસની કરુણગર્ભ વાર્તા છે. વતનગામમાં સાત્ત્વિક, ધાર્મિક અને પવિત્ર જીવન જીવતા ગોરબાપાને સુરત જેવા મહાનગરમાં પોતાના અસ્તિત્વલોપનની જે પ્રતીતિ થાય છે તે ક્ષણ સુધી લઈ જવામાં વાર્તાકારે કુશળ કલાસંયમ દાખવ્યો છે. ‘પ્રવેશ’ વાર્તામાં દલિત વિદ્યાર્થીના શાળાપ્રવેશની સામાજિક પરિસ્થિતિનું વાસ્તવિક આલેખન વાર્તાનો વિષય બનીને આવે છે. સવર્ણ કિશોરાવસ્થાનો વાર્તાકથક પસંદ કરી વાર્તાકારે તાક્યું તીર સબળ રીતે માર્યું છે. વાર્તાની પ્રતીકાત્મકતા પામી શકાય તેમ છે. ‘વૅકેશન’ અને ‘ઉપરેશણ’ વાર્તાઓમાં તરુણવયનું વિજાતીય આકર્ષણ વિષય બન્યું છે. ‘વૅકેશન’માં મિષાનું વીકી પ્રત્યેનું ખેંચાણ અને ‘ઉપરેશણ’માં દવલ અને હીરાના સંવનનની સાક્ષી ઉજીનું હીરા પ્રત્યેનું અકળ આકર્ષણ – આ વાર્તાઓને આસ્વાદ્ય બનાવે છે. ‘અલગ પિછાણ’માં જોડિયાં બહેનો ગાયત્રી અને સાવિત્રીની કથા છે. પોતાની અલગ પિછાણ સ્થાપિત કરવા મથતી વાર્તાકથક સાવિત્રી તેના બનેવી સારિકના અજાણતા થયેલા સ્પર્શથી જે સંવેદન અનુભવે છે અને તેને કારણે તેનાં મનોજગતમાં જે સંચાલનો જન્મે છે તેની સુંદર વાર્તા બની શકી છે. ‘છકડો’ વાર્તા માય ડિયર જયુની ‘આઇકોનિક’ વાર્તા છે. આ વાર્તાથી જયુ ખૂબ જ જાણીતા થયા. છકડા ચાલક ગિલા અને છકડાનું સાયુજ્ય આ વાર્તાને એક અનોખું પરિમાણ આપે છે. અણધારી અને અસ્વાભાવિક ગતિશીલતા વિનાશનું કારણ બની શકે તેવી વાત પ્રતીકાત્મક રીતે કહેવાઈ છે. વાર્તામાં વાર્તારસ સાદ્યંત જાળવીને વાર્તાકારે પોતાની શક્તિનો પરિચય કરાવ્યો છે. લોકબોલીનો બળુકો વિનિયોગ આ વાર્તાને જીવંત બનાવે છે. મોટીબા અને ભોટુના સંબંધોને સામાજિક વાસ્તવ સાથે સંયોજીને વાર્તાકાર બાળમાનસની ગડમથલ ‘પ્રશ્ન’ વાર્તામાં આલેખવાનો પ્રયત્ન તો કરે છે પણ વાર્તામાં ધારી ચોટ ઊપસાવી શક્યા નથી. ‘ખંડાલા’ વાર્તા પણ સામાન્ય છે. ફિલ્મી ગીતપંક્તિને વાર્તાનું સંવેદન બનાવી વાર્તા રચવાનો ઉદ્યમ સાર્થક બનતો નથી. વાર્તાકથકનું ભ્રમણા અને વાસ્તવ વચ્ચેનું દોલાયમાન ભાવવિશ્વ એટલું પ્રભાવક લાગતું નથી. ‘ઇન્સેનાઉટ્‌સ’ વાર્તામાં શારીરિક કજોડાની સાથે માનસિક કજોડાનો વિષય વાર્તાનું એક આગવું મનોવાસ્તવ રચે છે પણ તેમાં કોઈ વિશેષ ઉન્મેષ જણાતો નથી. જસુમતિ અને ભોગીલાલના દામ્પત્યનું ઇન્સેનાઉટ્‌સ વાર્તામાં એક આશ્ચર્ય સાથે અંતે ઊઘડે છે. ભાઈઓ-ભાઈઓ વચ્ચેના સંકુચિત માનસ અને ભજનિક પિતાજીના સંસ્કારોની ભાવસ્થિતિઓને વ્યક્ત કરતી ‘કૂંચી’ વાર્તા મુખર બની ગઈ છે. સમતોલ જીવનનું સમાજશાસ્ત્ર વાર્તામાં રચવાનો સર્જકનો પ્રયાસ ઊણો ઊતરતો લાગે છે. જન્મ અને મુત્યુની અવિરત અકળ લીલાને અત્યંત સર્જનાત્મક ઢબે ‘અને, ધીમે ધીમે તાળીઓ પડતી રહી’ વાર્તામાં સર્જકે બખૂબી આલેખી છે. સમગ્ર વાર્તામાં વાર્તાગત રચનાપ્રયુક્તિને કારણે આ વાર્તા વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે. વાર્તાકથક સ્વયં જયન્તીલાલ રતિલાલ ગોહેલ પોતાના મૃત્યુની વાત માંડે અને પૌત્ર બિટુના જન્મદિવસે જ આ ઘટના પરિવારમાં એક વિશિષ્ટ અનુભૂતિને પ્રસરાવે તેવી વાત વાર્તાને રસપ્રદ બનાવે છે. સંગ્રહની ઉત્તમ વાર્તાઓ પૈકીની આ એક વાર્તા છે તેમ નિઃસંકોચ કહી શકાય.

‘થોડાં ઓઠાં’ (૧૯૯૯ અને ૨૦૦૯) :

‘થોડાં ઓઠાં’ આમ તો ‘જીવ’ની સાથે જ પ્રગટ થયેલો દેશી વાતોનો સંચય. ઈ. સ. ૧૯૯૯માં પ્રથમ આવૃત્તિ વેળાએ તેમાં ૧૮ રચનાઓ હતી એ પછી ૨૦૦૯માં સંવર્ધિત બીજી આવૃત્તિમાં બીજી ચાર કૃતિઓ ઉમેરાઈ અને કુલ ૨૨ વાર્તાઓ આ સંચયમાં પ્રગટ થઈ છે. પ્રથમ લઘુનવલોની પ્રસિદ્ધિ પછી તેની ભાષાશૈલીથી મુક્ત થવા સર્જક તળપદ, જનપદની બોલીમાં અભિવ્યક્તિ ભણી વળ્યાં અને જે કથા-વાર્તાઓ રચાઈ તેની એક ધારા એટલે ‘થોડાં ઓઠાં’. આ વાતોનો વિષય જ વિષય છે. લોકમાનસ- જનમાનસ ખાસ કરીને ગ્રામીણસમાજમાં સ્ત્રી-પુરુષ સંબંધોને કેન્દ્રમાં રાખતી દેશી વાતોનું એક આગવું કહેણી રૂપ રહ્યું છે. માય ડિયર જયુના આ દેશી ઓઠાંમાં લોકબોલીમાં વિલસતો વિષયરસ-શૃંગારરસ વિવિધ કથાનાત્મક રીતિઓમાં આસ્વાદ્ય બની રહ્યો છે. ‘વટ’, ‘માડી’, ‘ડોશી’, ‘નાક’ અને ‘ઓતીમા અરરર! અરરર... ઓતીમા?!’ – આ વારતાઓ વિષયરસથી પર થઈને માનવસ્વભાવ અને સંવેદનાની નોખી વાત લઈને આવે છે. ‘વટ’માં પતિના લોભી સ્વભાવની સામે સોનાનાં ઘરેણાં લેવાં દોથો ભરી તીખાં મરચાં ખાઈને આંખો ગુમાવતી ગવરીકાકીની વાત કરુણા નિપજાવે છે. ‘માડી’ વાર્તાનાં ડોહા-ડોહીનું સ્નેહભર્યું શાલીન ઐક્ય સ્પર્શી જાય તેવું આલેખન પામ્યું છે. ‘ડોશી’ વાર્તામાં જુવાનજોધ પૌત્રનું મૃત્યુ છતાં સ્નાન કરવાની ના પડતી ડોશી બીજે દિવસે સવારે મરનારના જુવાન ભાઈબંધના મરણના સમાચારથી ‘પાણી મેલો, મારે હનાન કરવું સ.’ એમ કહે ત્યારે વાર્તાની ઘેરી વ્યંજના ઊપસી આવે છે. ‘નાક’માં ગામડાગામમાં લગનપ્રસંગના ટાણે આવેલ ત્રીસ જેટલી જાનનું વિદાયવેળાએ શંકરના ડેરાનો રંગનાથ બાવો જાનમાં આવેલાં વળાવિયાઓની બંદૂકો જોઈ તેની નિશાનેબાજીની પરખ કરવા હોડ મૂકે, એક પછી એક બંદૂકધારી આવતો જાય પણ નિશાન પાડી ન શકે ત્યારે પોતાની બંદૂક ચલાવી નિશાન વીંધી ગામનું નાક-આબરૂ તો જાળવે સાથે સાથે તમામ જાનના વળાવિયાની બંદૂક માનભેર પરત કરી તે બધાનું સન્માન જાળવે તેવી વાત કથનની વિશેષતાને કારણે રસપ્રદ નીવડી છે. ચરિત્ર વિશેષની સ્વભાવગત ખાસિયતને નર્મ-મર્મ વાણીમાં વણી લેતી વાર્તા ‘ઓતીમા અરરર! અરરર...ઓતીમા?!’ અંતે જતાં કરુણ ચિત્ર રચી આપે તેમાં સર્જકની વિશેષતા પરખાઈ આવે છે. સ્ત્રી-પુરુષના જાતીય સંબંધોને વિષય બનાવતી આ વાર્તાઓને ચાર વર્ગમાં વિભાજિત કરી શકાય તેમ છે. પહેલા વર્ગમાં પુરુષની વાસનાનો છલથી ભોગ બનતી સ્ત્રીઓની વાત છે. ‘ટપભાના ઓરતા’ અને ‘ઊંઘના ઘારણ’ આવી વાર્તાઓ છે. બીજા વર્ગમાં પરસ્પરની સંમતિથી સ્થપાતા અવૈધ સંબંધનું કથાનક છે. ‘છુટ્ટા ઘા’, ‘ઝબુકિયા જમાદાર’, ‘ગોદીબાઈ ભજનિક’, ‘તલાશેઠ માથું ખંજોળે છે’, ‘ફ્રોઇડના કાકા’ અને ‘ડારવીનનો પિતરાઈ’ જેવી વાર્તાઓમાં માય ડિયર જયુ સંકોચ રાખ્યા વિના લોકબોલીની કહેણીમાં વાતનું પોત રસપ્રદ રીતે બાંધે છે. ત્રીજા વર્ગની કથાઓમાં સ્ત્રીઓને કોઈ ને કોઈ સંજોગ કે પરિસ્થિતિને વશ થઈને ઇચ્છા કે અનિચ્છાએ પરપુરુષ સાથે દૈહિક સંબંધ બાંધવો પડ્યો હોય તેનું આલેખન છે. ‘જોબનિયાનું પાણી’, ‘કડવી-મીઠી’, ‘મંડળીની મોંકાણ’, ‘ભારાવાળિયું’, ‘ધોબી ધારાવાળી’, ‘તીખું તમતમતું’ ‘ગામમુખીનો ફટાયો’, અને ‘લખણવંતો’ જેવી ગદ્યકૃતિઓમાં સ્ત્રીઓના સ્ખલનને વિષય બનાવ્યો છે. ‘ચમ્પાભાભી! ચમ્પાભાભી!’ વાર્તામાં તરુણવયના કિશોરના મન પર પડેલી પ્રથમ સમાગમની અસરનું સંકુલ ભાવચિત્ર ઊપસ્યું છે. આ લોકજીવનના અંગત રંગોને વ્યક્ત કરતી દેહરાગની વાર્તાઓ છે. ગ્રામીણ જીવનમાં સ્ત્રી-પુરુષ સંબંધોની નગ્ન વાસ્તવિકતાને આ ‘ઓઠાં’ થકી વાર્તાનો વિશેષ આકાર મળ્યો છે. સર્જક તરીકે માય ડિયર જયુનું આ સાહસ તેમની વાર્તાકલાનું સક્ષમ પ્રમાણ બની રહ્યું છે.

‘સંજીવની’ (૨૦૦૫) ની વાર્તાઓ :

માય ડિયર જયુનો ‘જીવ’ અને ‘થોડાં ઓઠાં’ પછીનો આ વાર્તાસંગ્રહ એટલે ‘સંજીવની’(૨૦૦૫). આ સંગ્રહમાં અઢાર વાર્તાઓ સમાવેશ પામી છે. સંગ્રહની વાર્તાઓમાં સ્ત્રી-પુરુષ આકર્ષણની વાત વૈવિધ્યસભર રીતે એકાધિક વાર્તાઓમાં આવી છે. ‘સંજીવની’ વાર્તામાં રૂખડ-વાલીના સંબંધની વાત રૂખડની પત્ની ગંગાને પણ સમજાતી નથી. વાર્તાના અંકોડા સાધવા બાવાજીનું પાત્ર સરસ રીતે ખપમાં લેવાયું છે. હળવી શૈલીમાં આરંભથી અંત સુધી વહેતી ‘મેરે સપનોં કી રાની, કબ આયેગી તુંઉં’માં રંગીલા સ્વભાવના કેસીનું વ્યક્તિત્વ અને પત્ની રસીલાને હાર્ટએટેક આવવાનાં કારણોનો તાળો મળતો હોવા છતાં વાર્તાકારે અહીં સ્ત્રી-પુરુષ સંબંધનું એક નિરાળું દર્શન વાર્તામાં રસાયિત કર્યું છે. ‘કોઈ ચોરી નહિ!’ વાર્તા પણ પુરુષના રંગીલા સ્વભાવની લાક્ષણિકતા આલેખે છે. મણિલાલની સ્ત્રીલોલુપતા વાર્તામાં ઘેરી વ્યંજના સાથે પ્રગટી છે. ‘માસ્તરનો ઓમ’ આ સંગ્રહની એક શ્રેષ્ઠ વાર્તા છે. ઓમ નામનું ગલુડિયું મોટું થઈ ડાઘિયો બની ગયાની વાત સાથે જમાલની કેન્ડી ખાતી માસ્તરપુત્રી શુચિનું સાયુજ્ય વય વધતાં વૃત્તિઓમાં આવતાં બદલાવની વાત આ વાર્તાને એક જુદો જ અર્થસંકેત આપી રહે છે. ‘દેવસ્થાન’ આ સંગ્રહની એક ઉત્તમ વાર્તા છે. દેવસ્થાનની જમીન ખરીદી લેવાનો નર્યો સ્વાર્થ પ્રગટ કરતી વૃત્તિની સામે ધર્મસંરક્ષણનું કર્તવ્ય નિભાવવાની પ્રચંડ લાગણી અને તેની વચ્ચે કથકની તટસ્થ દૃષ્ટિ આ વાર્તાને વિશિષ્ટ પરિમાણ આપે છે. ભવનાથ, શિવનાથ, સમરથ અને પ્રતાપસંગ જેવાં ચરિત્રોની આસપાસ ઘૂંટાતી વાર્તામાં કથકનું કેન્દ્રબિન્દુ વાર્તાક્ષણને બરાબર ઉપસાવી આપે છે. ‘ઉગ્રકર્મી’ વાર્તામાં રાજકારણ અને બેકારીનો વિષય વણીને સુખાના ચરિત્ર દ્વારા સામાજિક વાસ્તવનું નિરૂપણ કર્યું છે. ‘ગણિતશાસ્ત્રી’ વાર્તામાં મૂળશંકરના જીવનનું ગણિત વાર્તાની ચાલમાં આવ્યું છે. ગણિતમાં પાક્કો મૂળશંકર માસ્તર સંબંધો અને લાગણીઓના ગણિતમાં કાચો પડ્યો અને માનસિક સંતુલન ગુમાવી બેઠો-ની કરુણગર્ભ વાર્તા રસ તો જન્માવે છે પણ ધારી ચોટ ઉપસાવવામાં એટલી સફળ રહી શકી નથી. ‘આફટર શોક્સ’ વાર્તામાં કુટુંબક્લેશની પીડા ધીરુભાઈના મનોભાવોથી વ્યક્ત થઈ છે. ભુજના ધરતીકંપનું સંધાન ભાવનગરમાં આફટર શોક્સથી ઇચ્છતા ધીરુભાઈની સ્થિત આ વાર્તાને રોચક બનાવે છે. ‘સિક્કાની બીજી બાજુ’માં સ્ત્રીવેડા અને પુરુષવેડા – એમ બે અભિગમોથી સ્ત્રી-પુરુષની સંવેદનાને પ્રયોગશીલ રીતિથી નિરૂપવામાં આવી છે. ‘ફજેતાં’ વાર્તામાં સ્ત્રી-પુરુષ સંબંધનો વિષય રહસ્યમય સંકેતોમાં વિનિયોગ પામ્યો છે. કડવી-દેવો જીવો અને અંબાના સંબંધોમાં પશવો અને તેની વહુની સાથે અરજણનો તંતુ વાર્તાને વળ આપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ‘ગરવાઈ’ વાર્તામાં સાદું, મૂલ્યનિષ્ઠ જીવી જનારાં ભજનિક પિતાની ગરવાઈ વાર્તાકથક અધ્યાપક પુત્રના મુખે કહેવાઈ છે. અલબત્ત, વાર્તામાં પ્રભાવક ક્ષણો બહુ ઝિલાઈ નથી. ‘બાળસખી’ વાર્તામાં પ્રેમની ઝંખના સહજ ઘટનામાં વણાઈને આવે છે. ‘બાનો પીયૂષ’ અને ‘પીયૂષની બા’ વાર્તાઓ પણ પ્રયોગશીલ હોવા છતાં આસ્વાદ્ય બની છે. મા-દીકરાના પ્રેમભર્યા સંબંધને મનોવિજ્ઞાનના દૃષ્ટિબિંદુથી આલેખવામાં આવ્યો છે. બે અલગ વાર્તાઓ હોવા છતાં જાણે કે સિક્કાની બે બાજુ હોય તેવું લાગે છે. ‘ક્યાં ગઈ’તી? કુડા?’માં વયસહજ રતિરમણે ભમતી કૉલેજકન્યાના માનસનું વાર્તાકારે લોકરંજક રીતિમાં રસપ્રદ નિરૂપણ કર્યું છે. ‘દબાણ’માં વાર્તાકારે સામાજિક વાસ્તવની પશ્ચાદ્‌ભૂમાં સત્તાના રાજકીય રોટલા શેકતા શોષક અને શોષિતના સંઘર્ષને વિષય બનાવ્યો છે. ‘રોકડા રૂપિયા’માં સંપત્તિ માટેનો સ્વાર્થ કુટુંબકલહનું કેવું રૂપ રચે છે તેની કરુણમર્મ અભિવ્યક્તિ છે. ગટુમામા અને જ્યેષ્ઠારામના નિઃસ્વાર્થ સાત્ત્વિક ભાવની સામે ભાગીરથીની ‘રોકડા રૂપિયા’ની કામના વાર્તાને અંતે વિદારક આઘાત સર્જી રહે છે. ‘પુનર્વસન’ વાર્તામાં કચ્છના ભૂકંપના પડછાયામાં પત્ની અને દીકરી ગુમાવી ચૂકેલા રમણીકના પુનર્વસનની કથા ભાવાત્મક રીતે આલેખાઈ છે.

‘મને ટાણા લઈ જાવ!’ (૨૦૦૯) :

Mane TaNan Lai Jav! by My Dear Jayu - Book Cover.jpg

અનુઆધુનિક વાર્તાકાર તરીકે માય ડિયર જયુની ઓળખને દૃઢ કરવામાં આ સંગ્રહની વાર્તાઓનો પણ ફાળો નોંધપાત્ર છે. સંગ્રહની પંદર વાર્તાઓ એક વિલક્ષણ વાર્તાકાર તરીકે માય ડિયર જયુની શાખ બાંધી આપે છે. ગઈ સદીમાં ‘પોસ્ટ-માસ્તર’ વાર્તા થકી ધૂમકેતુએ જે તંતુ ખુલ્લો રાખ્યો હતો તે પકડીને આ સદીમાં માય ડિયર જયુ ‘બાપ-દીકરી’ વાર્તા લઈને આવે છે. પોસ્ટ-ઑફિસનું અનુસંધાન આ વાર્તામાં ડિયર જયુની બળુકી કલમે અસરકારક અનુસર્જન સિદ્ધ થયું છે. અલી ડોસાની દીકરી મરિયમનો કાગળ અને પોસ્ટમાસ્તરનું દીકરી હંસા જેવું જ મરિયમ સાથેનું હૃદયાનુસંધાન આ વાર્તાની એક મધુરી ભાવક્ષણ બની રહે છે. ‘નિયતિ’માં નેત્રહીન નિયતિના છલકાતા માતૃહૃદયને જોઈને પોતાની આંખો દાનમાં આપી મૃત્યુને સાર્થક બનાવતાં સુમતિબેનનું સંવેદનશીલ ઋજુ હૃદય આસ્વાદ્ય બન્યું છે. વતનરાગની સંવેદનાને અનુઆધુનિક અભિનિવેશ અને રચનારીતિથી ‘મને ટાણા લઈ જાવ!’ વાર્તામાં સબળ અભિવ્યક્તિ મળી છે. કપોળકલ્પના અને વતનપ્રીતિના તાણાવાણા આ વાર્તામાં રસપ્રદ બન્યાં છે. ‘અસર’, ‘તરંગો’ જેવી વાર્તાઓ કંઈ ખાસ અસર ઉપજાવતી નથી. ‘વણજારો’ વાર્તામાં સુમન શાહ કહે છે તેમ ‘ગતયુગીન સંવેદનનો આધુનિક સભ્યતામાં પગપેસારો સફળતાથી કરી દાખવ્યો છે.’ નાનીમા અને વિપાશાની જિંદગીની રહસ્યમય રેખાઓ ‘વણજારા’ સાથે વણાઈને વાર્તાને ઉપકારક બની રહી છે. ‘મોટું માથું’, ‘વળતો ઘા’ અને ‘દેપૂનો ટીંબો’ વાર્તાઓમાં વર્ગવિષમતા અને શોષક-શોષિતનો સંઘર્ષ વાર્તાજન્ય રૂપ લઈને આવે છે. દલિત સરપંચ હરજીનો, ગામનું મોટું માથું બન્યાનો ભ્રમ રાયચંદ શેઠ અને દાજીબાપુ ભાંગી નાખે એ હરજીની મનોદશા ‘મોટું માથું’ વાર્તાનું કેન્દ્ર બનીને ઊપસી છે. ‘વળતો ઘા’ વાર્તામાં દલિત સ્ત્રી રંભા પોતાની આબરૂ બચાવતાં ગામનાં ઠાકોરપુત્ર વિક્રમને કોદાળીના એક ઘાએ યમલોક તો પહોંચાડી દે છે પણ પછી દલિતવાસના તમામ લોકો આ ઘટનાથી ફફડી ઊઠ્યાં છે. પોલીસ ફરિયાદ કરવાની ના પાડીને જીવાજી બાપુ આખા વાસને ઉચક જીવે તો રાખે છે પણ વાર્તાને અંતે રાતે વાસનું રખોપું કરવાં ‘હું ...ઉં... જાગેશ....’ કહીને ચીસ પાડતી રંભાનો નિર્ભય નિર્ણય વાર્તાકારે સબળ રીતે અભિવ્યંજિત કર્યો છે. ‘દેપૂનો ટીંબો’ પણ દલિતસમવેદનને વ્યક્ત કરતી બળુકી વાર્તા છે. દેવીપૂજક સમાજના વડા મેપાની લાચારી અને દયનીય નિઃસહાયતા ઘેરો કરુણ જન્માવે છે. ‘અંધારું’ વાર્તામાં કોમવાદના ઓથારમાં ભરખાઈ જતાં બે મિત્રોની કથા ઘેરી વ્યથા બનીને ઊપસી છે પણ વાર્તાની મુખરતા મરમી ભાવકોને કઠે તેવી છે. અંધારું પ્રતીક બન્યું છે પરંતુ બોલકું બની રહ્યું છે. ‘કસર’ વાર્તાની કુટુંબકથા નરી સાદગીથી આલેખાઈ છે. પાંચ પાંચ દીકરાઓની મા હોવા છતાં બીમાર માની સેવા કરવાની વેળાએ ઉપર ઉપરથી કોઈ કસર બાકી ન રખાવાનું કહેતાં ભાઈઓ-બહેનોની મનોરુગ્ણતાને પ્રભાવક બનાવી છે. ‘મીનામાસી! આમ હોય?’માં શંકાનો કીડો દાંપત્યજીવનમાં કેવી આગ પ્રગટાવી રહે છે તેનું પ્રમાણ બની છે. પતિ પરની શંકાથી પોતાના ચારિત્ર્યનું અધઃપતન કરવા વળેલાં મીનામાસીના મનની અકળલીલા વાર્તામાં રસ જન્માવે છે. રહસ્યકથાની શૈલીમાં રચાયેલી ‘રૂપાળી પત્ની’ વાર્તામાં સ્વરૂપવાન પત્નીનું સૌંદર્ય પતિને અકળાવે છે. પત્નીરૂપ બીજાં લોકો જુએ-માણે એ તેનાથી સહન નથી થતું. કથકના મનમાં મામદનું ભૂત જે રીતે ફરી વળે છે તેમાં વાર્તાનું રહસ્ય વધુ ને વધુ ઘૂંટાતું ગયું છે. પત્રશૈલીમાં રચાયેલી ‘ખાડીનાં પાણી’ સ્નેહકથા છે. નાયકનો શિષ્યા વિશાખા પ્રત્યેનો અકથ્ય ભાવ વાર્તાને ઊર્મિલ બનાવે છે. ‘લાલ લાલ સનેડો’ વાર્તામાં મરજી વિરુદ્ધની સગાઈ થતાં મનગમતા યુવક કાળુ સાથે નાસી જતી નાયિકા શોભાનાની ઘટના લોકરંજક શૈલીએ વાર્તારૂપ પામી છે પણ એટલો પ્રભાવ પાડી શકતી નથી.

‘દેવીપૂજક’ (૨૦૧૭) :

માય ડિયર જયુનું વાર્તાસર્જન સાતત્યપૂર્ણ રીતે વિકસતું રહ્યું છે. વીસમી સદીના અંતિમ દાયકાથી વાર્તાલેખનની શરૂઆત કરનાર આ સર્જકે એકવીસમી સદીના બે દાયકામાં પણ પોતાની વાર્તાઓ થકી એક સમર્થ વાર્તાકાર તરીકેની પોતાની મુદ્રા અકબંધ રાખી છે. ‘દેવીપૂજક’ (૨૦૧૭) તેમનો છેલ્લો પ્રકાશિત વાર્તાસંગ્રહ છે. આ સંગ્રહમાં પાછલા એકાદ દાયકામાં વિવિધ સામયિકોમાં પ્રગટ થયેલી દસ વાર્તાઓ અને દસ લઘુકથાઓ સંગૃહીત છે. માય ડિયર જયુની ચિરપરિચિત વાર્તાકલાની પ્રતીતિ કરાવવામાં આ ગદ્યકૃતિઓ સફળ રહી છે. ‘દેવીપૂજક’ વાર્તામાં માતાજીનાં ઘરેણાંની ચોરીનો કોયડો તળમલકની બોલી અને સ્થળ-કાળની સંનિધિએ સુપેરે પ્રભાવક નીવડ્યો છે. માતાજીના થાનકની સેવાપૂજા કરતાં માયાગિરિના કાંડામાં લટકાયેલી થેલીના સંકેતો અને જીબાપુ તેમ જ અન્ય ગામલોકોનો ઘરેણાં-ચોર તરીકેનો ગોબર પ્રતિનો વિશ્વાસ વાર્તાને લાક્ષણિક વળ ચઢાવે છે. ‘ટોપિક’ વાર્તામાં હેરકટિંગ સલૂનમાં વાળ-દાઢી કરાવવા ગયેલ નાયકને જે રીતે જુદા જુદા ટોપિક જાણવા મળે છે, એટલું જ નહીં પણ મને-કમને તેનાં સાક્ષી બનવું પડે છે તેની ભાવસ્થિતિ એકદમ હળવી શૈલીમાં આલેખન પામી છે. ગામ આખાની ‘પંચાત’માં રસ ધરાવતાં વિશિષ્ટ વ્યવસાયીની માનસિકતાને વાર્તાકારે અસરકારક રીતે ઊપસાવી છે. ‘શંકરને કેમ છે?’માં શંકર અને શંભુ નામના બે વૃદ્ધોની સગાં ભાઈ કરતાંય વિશેષ એવાં સખ્યની સંવેદનાવાર્તાને રસવાહી રીતે વ્યક્ત કરી છે. શંકરદાદાના મૃત્યુના સમાચાર શંભુદાદાને તેની માંદગીમાં ન આપવા એવું વિચારીને સતીશ અને વાર્તાકથક – બકુલ આ રહસ્ય છુપાવે તો છે પણ વાર્તાને અંતે ‘હું.. તો... હજી....’ એવો ઉદ્‌ગાર કરતાં શંભુદાદા સતીશ અને વાર્તાકથક માટે એક આશ્ચર્ય સર્જી રહે છે. ‘નદી નાવ...’ વાર્તામાં વાર્તાકથકનું એકલાં રહેવાનું વલણ અંતે આશ્ચર્યજનક રહસ્ય સાથે ઊઘડે છે. પિતાજીની જીદને કારણે માની પસંદગીની છોકરી સાથે નાયક લગ્ન નથી કરી શકતો. માનું આઘાતથી અવસાન થતાં પિતા પણ થોડા સમયમાં મૃત્યુ પામે છે. બૅન્કની નોકરી અને એકાકી જીવનને સ્વીકારી લેનાર નાયક જામનગરમાં જે ઘરે ભાડૂઆત તરીકે રહેવા જાય છે એ ઘરમાં માલિક વૃદ્ધ દાદાનું અવસાન થતાં પ્રૌઢ યુવતીએ આપેલ કવરમાંથી પોતાનો વીસ વરસ પહેલાંનો ફોટોગ્રાફ અને લખેલો કાગળ જોઈ નાયકના ચિત્તમાં મૃત મમ્મીનો ચહેરો ઊભરી આવે છે. નદી અને નાવના સંબંધને વ્યંજિત કરતું વાર્તાનું શીર્ષક અંતે સાર્થક બની રહે છે. ‘અપડાઉન’ વાર્તામાં માનવમનની તરંગિત વૃત્તિને લીલયા આલેખી છે. નોકરીમાં નિવૃત્તિના આરે પહોંચેલા નાયકને ત્રણ-ચાર મહિનાનું અપ ડાઉન પહેલાં તો કઠિન લાગે છે પણ કાસમની રિક્ષા અને ગુલાબીનો સંગાથ નાયકને શામપરાના અપ ડાઉન માટે ઉત્સાહિત કરતો રહે છે ત્યાં તો નિવૃત્તિનો દિવસ આવી રહે છે. પણ એ જ દિવસે ખૂનના પોલીસકેસ મામલે અકસ્માતે સંડોવવાનું થતાં વળી અપ ડાઉનની નોબત આવશે કે શું?ની શંકા અને કાસમની શટલ રિક્ષામાં ગુલાબી મળી જાયની કલ્પનામાં નાયકની ઝણઝણાટી વાર્તાને અણધાર્યો અંત આપે છે. સ્થૂળ અપ ડાઉનની સાથે વાર્તાનાયકના મનની અપ ડાઉન સ્થિતિને વાર્તાકારે સૂક્ષ્મ રીતે વ્યક્ત કરી છે. દલિત અને સવર્ણના મૈત્રી સંબંધની મર્માળી વાર્તા છે ‘મોટર’. જીબાપુ અને વનમાળીની ભાઈબંધી આખા ગામમાં અહોભાવથી જોવાતી. પણ વનમાળીના પુત્રની સરકારી મોભાદાર નોકરી અને તેની મોટરને કારણે જીબાપુના મનમાં ચાલતી ગડમથલની ગતિ ‘મોટર’ વાર્તામાં પ્રભાવક બની છે. પિતા-પુત્રના નીતિ-નિષ્ઠ નિર્મળ સંબંધની કથા ‘સંકલ્પ’ વાર્તામાં સરળ-સહજ ભાષામાં આલેખાઈ છે. હરભમ પાસેથી ઉછીના રૂપિયા લઈ હીરાનાં કારખાનેદાર હીરો આબરૂ બચાવવાનો પ્રયાસ તો કરે છે, પણ ઘરની સ્ત્રી હેતીની આબરૂ ગુમાવી બેસે છે. એવી વક્રતા સાથે ‘આબરૂ’ વાર્તાનો અંત ઘેરો કરુણ ઊપસાવી આપે છે. ‘પ્રિય માદ્રી!’ વાર્તામાં કવિ કાન્તરચિત ‘વસન્તવિજય’ ખંડકાવ્યનું સન્નિધિકરણ કરી પ્રો. વંકાણીનો શિષ્યા સલોની પ્રત્યેનો રાગાવેગ તિર્યક રીતે આલેખ્યો છે. વામનરાયના જીવનમાં પચીસ, પચાસ અને પંચોતેર વર્ષના ત્રણ પડાવોની સ્થિતિઓને વણીને ‘ટૂંકમાં’ વાર્તામાં વાર્તાકારે પિતા, પત્ની કે પુત્ર સાથે ક્યારેય સમ-વાદ ન કરી શક્યાની પીડા ઉજાગર કરી છે. જિંદગી આખી અન્યો માટે ખર્ચી નાખનાર વામનરાયનું મૃત્યુ પણ પુત્ર પંકજના મતે તો ટૂંકમાં, ...એક શબ્દમાં જ પૂરું થઈ ગયું. આ સંગ્રહમાં દસ લઘુકથાઓ પણ સંગૃહીત છે. જેમાં ‘શેરડી’, ‘બ્લેક ઍન્ડ વ્હાઇટ’, ‘અનુભવ’, ‘મૂંગા ભેરું’ અને ‘મનો-પોઝ’ ધ્યાનપાત્ર છે. શબ્દોની કરકસરયુક્ત અભિવ્યક્તિ માય ડિયર જયુ આ લઘુકથાઓમાં કરી જાણે છે. શીર્ષકોની પ્રતીકાત્મકતા વિશિષ્ટ છે.

માય ડિયર જયુની વાર્તાકળા :

અનુઆધુનિક ગુજરાતી વાર્તાકાર તરીકે માય ડિયર જયુના એક નહીં અનેકો વિશેષ છે. એંશી વર્ષના આયખામાં વાર્તાઓ લખવાનું તો વનપ્રવેશ પછી થયું. પણ ગુજરાતી ભાષાને ‘જીવ’ (૧૯૯૯)થી ‘દેવીપૂજક’ (૨૦૧૭) સુધીના પાંચ સંગ્રહોમાં એંશી આસપાસ સબળ અને સફળ વાર્તાઓ આપીને ગુજરાતી ટૂંકી વાર્તાના ઇતિહાસમાં તેમણે પોતાનું સ્થાન અધિકારપૂર્વક નિશ્ચિત કર્યું છે. તેમની વાર્તાઓ વિદ્વદ્‌ભોગ્ય અને લોકભોગ્ય રહી છે. માય ડિયર જયુ નોખી વાર્તાઓના અનોખા વાર્તાકાર છે. વાર્તા, કહેવાની કલા છે તે વાત તેઓ બરાબર જાણે છે. કહેણીકળા તેમની વાર્તાનો મુખ્ય વિશેષ છે. ભાવક-શ્રોતાને પોતાની ઓથમાં લઈને વાતને માંડતા અને ધારી ગતિમાં તેને મલાવીને રજૂ કરવાની તેમને સારી ફાવટ છે. તેમની પ્રત્યેક વાર્તામાં આ કહેણીનો ગુણ અનેકવિધ લાક્ષણિકતાઓ સાથે પામી શકાય તેમ છે. કહેણીકળા માટે કથનકેન્દ્રની યોગ્ય પસંદગી જયુની વાર્તાઓનો બીજો મહત્ત્વનો ઉન્મેષ છે. સર્વજ્ઞ કથનકેન્દ્ર અને પ્રથમ પુરુષના કથનકેન્દ્રોથી આલેખન પામતી તેમની વાર્તાઓ વિષયની ગરજે કથનકેન્દ્ર પસંદ કરે છે તે સહજ પામી શકાય તેમ છે. લોકબોલીનો અસરકારક વિનિયોગ આ વાર્તાકારની ત્રીજી નોંધપાત્ર વિશેષતા બની રહે છે. સૌરાષ્ટ્રી-ગોહિલવાડી લોકબોલીના તળપદ રણકા અને મિજાજને આ વાર્તાકારે સબળ રીતે આ વાર્તાઓમાં વિનિયોજિત કરીને પોતાની સર્ગશક્તિનો પરિચય આપ્યો છે. ગ્રામસમાજના જનમાનસને સ્વાભાવિક ક્રમમાં ઉદ્‌ઘાટિત કરતો બોલીપ્રયોગ માય ડિયર જયુની વાર્તાકળાનો વિશેષ બનીને ઊઘડે છે. ગ્રામચેતના અને દલિતચેતનાનો કલાત્મક આવિષ્કાર આ વાર્તાઓમાં સિદ્ધ થતો અનુભવાય છે. સામાજિક વાસ્તવની વિષમ ભાવસ્થિતિઓને આ વાર્તાકાર કલાકીય પરિમાણોથી આલેખે છે. નગરજીવનની આધુનિક-અનુઆધુનિક જીવનરીતિઓમાં બદલાયેલા માનવસંબંધો અને સંવેદનોનું વાસ્તવ પણ તેમની વાર્તાઓનું એક રસપ્રદ વર્તુળ બન્યું છે. મનોસંચલનોમાં વિસ્તરતી અને ઊઘડતી તેમની વાર્તાઓમાં વિધવિધ પ્રયુક્તિઓ-પ્રવિધિઓ હોવા છતાં તે કૃતક જણાતી નથી. આદિ, મધ્ય અને અંતની કલાત્મક ગૂંથણી માય ડિયર જયુની વાર્તાઓની ધ્યાન ખેંચનારી વધુ એક વિશિષ્ટતા છે. વાર્તાઓમાં નિરૂપિત ચરિત્રોની આંતર-બાહ્ય રેખાઓ અને ભાવમુદ્રાઓ ઊપસાવવામાં આ સર્જક હંમેશ સફળ રહ્યા છે. વાર્તામાં વ્યક્ત કરવા ધારેલી વાત કે સંવેદનાને બરાબર પકડી રાખીને લક્ષ્યવેધી ગતિથી તેનું નિરૂપણ કરે છે. તેમની વાર્તાઓ ઉપદેશાત્મક ઓછી ને રસાત્મક વધુ છે. ભાવક-વાચકને મુખ્યત્વે વાર્તારસના ઘૂંટડા પાવાનું વલણ આ સર્જકનું રહ્યું છે. વાર્તાન્તરણ માટે કથનવિશેષનું આગવું મૂલ્ય તેમની વાર્તાઓમાં સિદ્ધ થતું પમાય છે. નકરી ઘટનાને આલેખવાને બદલે તેમનો અભિગમ હંમેશાં ઘટનાનો વાર્તામાં રૂપાંતરણ કરવાનો રહ્યો છે. એ માટે કથક અને કથનવિશેષનો અસરકારક વિનિયોગ કરવાનો તેમનો આગ્રહ રહ્યો છે. આ વાર્તાઓમાં ઘટના, ચરિત્ર, કથનવિશેષ, બોલી/ભાષા અને ટેક્‌નિકનું સર્જનાત્મક સંયોજન માય ડિયર જયુની વાર્તાકલા બનીને પ્રગટ્યાં છે. કથનકળાની કથનાત્મકતા, કથકવિશેષની વિચિત્રતા, બોલીની બળકટતા, સંવાદોની સહજતા, વર્ણનોની જીવંતતા, પ્રતીકોની પ્રભાવકતા, કપોળકલ્પનાઓની પ્રતીતિકરતા, ચરિત્રોની નરવાઈ-ગરવાઈ-સ્વાભાવિકતા, ભાષાની સર્જનાત્મકતા, શીર્ષકોની નવીનતા-અરૂઢતા આદિ અનેક લાક્ષણિકતાઓ માય ડિયર જયુની વાર્તાકળાની પરિચાયક બને છે.

માય ડિયર જયુની વાર્તાકળા વિશે વિવેચકો  :

“અનુઆધુનિક વાર્તાકારોમાં નિજી મુદ્રા પ્રગટાવતા માય ડિયર જયુ આપણા પ્રાણવાન વાર્તાકાર છે. તેમણે સીધીસાદી શૈલીથી માંડીને કપોલકલ્પના પ્રયુક્તિ સુધીની અભિવ્યક્તરીતિથી વાર્તારચના કરી છે. સર્વજ્ઞ કથનકેન્દ્ર, સન્નિધિકરણ, સિનેમેટિક, નાટ્યાત્મક, પ્રતીકાત્મક જેવી પ્રયુક્તિઓનો અર્થપૂર્ણ વિનિયોગ તેમણે આ વાર્તાઓમાં કર્યો છે. આ વાર્તાઓમાં ટેક્‌નિકથી રચાતી ભાત અને એમાંથી પ્રગટ થતો ધ્વનિ બહુપાર્શ્વી જીવનને પ્રકાશિત કરે છે.” – ઈલા નાયક (‘માય ડિયર જયુઃ વાર્તાવૈવિધ્ય’ પ્રસ્તાવનામાંથી)
“ ‘જીવ’ સંગ્રહની વાર્તાઓમાં મહત્ત્વનું પાસું લેખકની સામાજિક ચેતનાને પામવાની સૂક્ષ્મ દૃષ્ટિ છે. સામાજિક અનિષ્ટો, આધુનિક મનુષ્યની મનોરુગ્ણતા, પરિસ્થિતિને અનુરૂપ તેનાં આંતરિક લક્ષણોની બાહ્ય છ્‌હાતાઓ, સમાજિક ચેતના જગવતાં પરિબળો વગેરેને વાર્તાઓમાં એ વેધકતાથી નિરૂપિત કરી શક્યા છે. આ માટે ભાષાનો વિનિયોગ સફળતાપૂર્વક કરવાનું એમને ફાવ્યું છે.” – મોહન પરમાર (‘જીવ’ સંગ્રહ સંદર્ભે ‘વાર્તારોહણ’માંથી)
“અહીં હાડ ઓઠાંનું પણ આત્મા ટૂંકી વાર્તાનો છે. મંદ મંદ હાસ્યનો સૂર તો અહીં બધે જ સતત રેલાતો રહ્યો છે. વાર્તાનો પ્રવાહ એકદમ રસળતો અને પ્રવાહી છે. સંયમ અને તાટસ્થ્ય તો બધે જ છે. ક્યાંય નથી કૃતકતા કે નથી ઘટનાની આંજી નાખતી ભરમાળ. વિશદ અને વ્યાપક અનુભવ વાર્તાકારની સંવેદનાનો મૂળ સ્રોત છે. સમાજના અનેક મધ્યમ અને નિમ્નસ્તરનું વાસ્તવિક આલેખન છે. બોલી અહીં કથાનું નિર્વહણ કરવાનું અંગ બનીને આવી છે. બોલીની લઢણ એ સ્વાભાવિકતા, સંવાદ, વર્ણન અને વાતાવરણ ત્રણેને પૂરાં પોષે છે અજવાળે છે. આથી જ ઓઠાંના હાડમાં ટૂંકી વાર્તાનો પ્રાણ પૂરવાનો સર્જક ઉપક્રમ સિદ્ધ થયો છે.” – હસુ યાજ્ઞિક (’થોડાં ઓઠાં’ની પ્રસ્તાવનામાંથી)
“માય ડિયર જયુની ‘ડારવીનો પિતરાઈ’ની ગોહિલવાડી કથની એ દૃષ્ટિએ તપાસવા જેવી છે. પ્રથમ પુરુષ એકવચનની શૈલીમાં કહેવાતી આ વાર્તા એના પ્રારંભથી જ જુદાં જુદાં કાકુઓ, વિરામો, ખચાકાઓથી આપણું ધ્યાન(આપણો કાન) ખેંચે છે... નકરું નગદ કથન અહીં સાંભળવા મળે છે. તળપદા સહજ ઉદ્‌ગારો, ક્યાંક નાના તો ક્યાંક આરોહ-અવરોહ સર્જતાં લાંબાં વાક્યોથી કથનની પકડ ઊભી થાય છે. કુતૂહલ, ભય, ડાકલાંની વાતોમાંથી ઊભા થાય છે એ પછી પ્રારંભાય છે નાથાની વારતા. આમ, કથક રસપ્રદ રીતે વાત માંડે છે. એમાં ઉમેરાય છે ઓઠાંનો ગ્રામસહજ સંકેત. પછી તો વાર્તા જામે જ ને?” – સતીષ વ્યાસ (‘કથનકળા’માંથી)

સંદર્ભ :

૧. ‘વાર્તાકારો : ૧’, દેસાઈ કંદર્પ ર. પૃ. ૧૭૯-૧૮૩, ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ ગ્રંથ : ૮ (ખંડ : ૨), પ્રકા. ગુજરાતી સાહિત્ય પરિષદ, વર્ષ ૨૦૧૮.
૨. ‘માય ડિયર જયુની વાર્તાકળા વિશે’, સં. માય ડિયર જયુ, લટૂર પ્રકાશન, વર્ષ ૨૦૧૫.
૩. ‘માય ડિયર જયુ : વાર્તાવૈવિધ્ય’. સં. નાયક ઈલા, લટૂર પ્રકાશન, વર્ષ ૨૦૦૯.
૪. ‘ચૂંટેલી વાર્તાઓ માય ડિયર જયુ’ – ચયન, માય ડિયર જયુ, પ્રકા. ગુજરાત સાહિત્ય અકાદમી, વર્ષ ૨૦૧૯.
૫. માય ડિયર જયુ | શબ્દજ્યોતિ | My Dear Jayu (૨૦૧૯) youtube
part ૧ https: //www.youtube.com/watch?v=gOqXzDOYq_g
part ૨ https: //www.youtube.com/watch?v=NUrU૭Ro૧DTk

પ્રો. ડૉ. વિપુલ પુરોહિત
પ્રોફેસર
ગુજરાતી ભાષા-સાહિત્યભવન,
ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર
સંશોધક, વિવેચક
મો. ૯૧૦૬૫ ૦૬૦૯૪