ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/મોના પાત્રાવાલા
વાર્તાકાર મોના પાત્રાવાલા
રાજેશ વણકર
મોના પાત્રાવાલાનો એકમાત્ર વાર્તાસંગ્રહ ‘રાની બિલાડો’ ઓગસ્ટ ૨૦૦૨માં આર. આર. શેઠની કંપની, અમદાવાદથી પ્રગટ થયો હતો. આ સંગ્રહમાં પંદર વાર્તાઓ સમાવિષ્ટ છે. તેમની પ્રથમ વાર્તા ‘રાની બિલાડો’ ૧૯૯૬માં પ્રગટ થઈ હતી. તેમની ‘ચાપડા’ વાર્તા માટે વર્ષ ૨૦૦૧નો કથાઍવૉર્ડ સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા તેમને મળ્યો હતો. ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી તેઓને વાર્તાસંગ્રહ માટે ૨૦૦૨-૦૩નો તખ્તસિંહ પરમાર પુરસ્કાર મળ્યો હતો. ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પણ આ સંગ્રહને તૃતીય પુરસ્કાર મળ્યો હતો. તેમના વાર્તાસંગ્રહમાં ડાંગ-વાંસદા પ્રદેશના આદિવાસીઓનું જીવન આલેખન પામ્યું છે. ખેતી, મજૂરી કરતા અને પશુ-પંખી પાળીને જીવતા આદિવાસીઓના શોષણનો પ્રશ્ન મુખ્યત્વે આ સંગ્રહમાં પ્રગટ થયો છે. આ ઉપરાંત આદિવાસીઓના જીવનનું વૈવિધ્ય, સામાજિક રીતરિવાજો, જીવનની કરુણતા, ભૌતિક ચીજવસ્તુઓ તરફનું આકર્ષણ, અરણ્યનો સઘન પરિવેશ વગેરે આલેખન પામેલું છે. તેમની વાર્તાઓમાં તહેવારો, ઉત્સવો, યૌનવૃત્તિ, જનજીવન, કૌટુંબિક વ્યવહાર, જાતિ, વર્ણ અને વ્યવસાય વગેરે આલેખન પામ્યું છે. ‘રાનીબિલાડો’ વાર્તાનું સ્થળ ખાંભલા ગામ છે. વાર્તાની નાયિકા ધની છે જેની ઉંમર ચાલીસેક વર્ષની છે. ધની અને એનો પતિ નારણ સાવકશા શેઠની વાડીમાં તાડી ઉતારવાનું કામ કરે છે. તેમને એક દીકરો પણ છે દેવું. ધની લાગણીશીલ સ્ત્રી છે. શાવકશા તેને ભોગવવા મથે છે. નારણ કામ ન કરે તો શારીરિક અત્યાચારનો ભોગ બને છે. આખરે નારણ શાવકશાને મારી નાખે છે. તેની પાછળ ધનીની પ્રેરણા પણ છે. દીકરા દેવુને માબાપ પર થતા અત્યાચાર બાબતે રોષ છે. પણ શાવકશાથી તે ડરે છે. ડરનો માર્યો તાડ પરથી પડી જતાં તે મરી જાય છે. શાવકશાની મનોસ્થિતિના ઘડતર પાછળ પણ એક ભૂમિકા છે. પૂર્વે તે સુરત આલિશાન મકાનમાં રહેતો હતો પણ મેટ્રિકમાં નાપાસ થતાં પિતા પેસ્તનજીએ તેને જંગલમાં આવેલા ખેતરમાં મોકલી દીધો. શાવકશા ત્યાં તાડી પીવી, ધનીનું શારીરિક શોષણ કરવું અને નારણ પર અત્યાચારો ગુજારવા જેવી અસામાજિક પ્રવૃત્તિઓ તરફ વળી જાય છે. બાબુ દાવલપુરા લખે છે તેમ આ વાર્તા વગડાઉ મુલકમાં વસેલા ગ્રામજનોની જીવનલીલાને યથાર્થ રૂપમાં લખવા મથતી પ્રભાવક વાર્તા છે.’ (‘તાદૃર્થ્ય’, મે ૨૦૦૫, બાબુ દાવલપુરા. પૃ. ૩૮) ‘કાળો ઘોડો’ વાર્તામાં રતિયો અને તેનો દીકરો બુધિયો બંને બમનશાના શારીરિક અત્યાચારનો ભોગ બને છે. પાંચ કિલો બકરાના મટનને ઉપાડીને રતિયો દોડે છે પાછળ ચાબુકથી તેને માર મારતો બમનશા ઘોડા પર આવી રહ્યો છે. રતિયાને પાણી પીવા પણ ઊભો રહેવા દેતો નથી. આખરે રતિયો મૃત્યુ પામે છે. ત્યારે તેની અંતિમવિધિના પૈસા પણ બમનશા બુધિયાને આપવા આનાકાની કરે છે. આખરે નોકર તરીકે રહેવાની શરતે થોડા પૈસા આપે છે. રતિયાની પત્ની સાથેના સંબંધથી બુધિયો વિફરે છે. બમનશાને મારવા જાય છે, પણ બમનશાનો કાળો ઘોડો બુધિયાને પગથી કચડી નાખે છે. ત્યાં તે મરી જાય છે. એ રીતે શીર્ષક યથાર્થ બને છે અને કાળો ઘોડો પણ શોષકનું પ્રતીક બની જાય છે. આમ આદિવાસીનું અપ્રતિમ શોષણ અહીં નિરૂપણ પામ્યું છે. ‘ભોંયફોડ’ વાર્તામાં દારાબશા અને તેના દત્તક દીકરા ફિરોજ વચ્ચેનો સંઘર્ષ છે. પોતાની પ્રેમિકા પાલી ફિરોજશા સાથે પણ સંબંધ ધરાવે છે એવી શંકાથી પ્રેરાઈને દારાબશા ફિરોજને મારે છે. વાર્તાના અંતે થતું પાલીનું મોત દારાબશાને એકલતા આપે છે. ‘વાગળા’ વાર્તામાં નાથુ અને રમીલાનો પ્રણય છે. નાથુ વાગળા મારવાનું કામ કરે છે. તેનો બાપ નાગજી રમીલાની બેન માણકીને ચાહતો હતો પણ તે મરી જતાં તેને એ ઘર પ્રત્યે નફરત થઈ જાય છે. પોતાનો પુત્ર રમીલાને મળે એ પણ એને નથી ગમતું. એકવાર નાથુને મળવા આવેલી રમીલાને નાગજી ભોગવી લે છે. આ દૃશ્ય જોઈ રહેલા નાથુનું મન ભાગી જાય છે અને એ કાવેરીના રેતાળ પટ તરફ ચાલ્યો જાય છે. આમ, આ અનૈતિક પાત્ર નાગજીની મનોસ્થિતિનું અહીં નિરૂપણ થયેલું છે. ‘ધણ’ વાર્તામાં રોદા પોતાના પ્રેમી પેસીને પરણી નથી શકતી એનું કારણ રોદાની મા અને પેસીના બાપ બાવાજી વચ્ચેનો કૂણો સંબંધ છે. આખરે પારસી બાપના અનૈતિક સંબંધથી જન્મેલી કોળી સમાજની કેસર સાથે પેસી જોડાય છે. સમાજના વિધિવિધાનોનું પણ નિરૂપણ થયેલું છે. એકલી જીવતી રોદાને લોકો ડાકણ ગણે છે. કેસરને પણ કોઢ થાય છે. આ પ્રકારના સામાજિક તાણાવાણાનું અહીં નિરૂપણ થયેલું છે. આ વાર્તામાં કાવેરીકાંઠે વસતા કોળી, કુકણા અને ઢોડિયા જાતિના લોકોના જીવનની તવારીખ મળે છે. દારૂ તાડી વેચવા, ખેતી કરવી, પશુપંખીઓને ખાવાં, નદી-વગડાના આશરે જીવવું એવી વિશિષ્ટ જીવનશૈલીનું નિરૂપણ થયેલું છે. ‘કાળાં પાણી’ વાર્તામાં બે પેઢી વચ્ચેનું અંતર છે પિતા પીરોજશાને પોતાનું ગામ, ગામનું ઘર, એનું રાચરચીલું વગેરે જીવનની અમૂલ્ય વિરાસત છે. જ્યારે તેનો પુત્ર જેમી આ બધું વેચીને નવસારી શહેરમાં જવા માગે છે. પીરોજશા પોતાના ભવ્ય ભૂતકાળને યાદ કરીને વ્યથિત છે, બીજી બાજુ ઘોડા માટે કુરબાન થનાર હબસી જાનમહંમદ અને અલ્લારખા પીરોજશાને પુત્ર કરતાં પણ વધુ ગમવા માંડે છે. આમ, બે પરિસ્થિતિના સન્નિધિકરણથી આ વાર્તા કલારૂપ પામી છે. ‘વાંસફૂલ’ વાર્તામાં આર્થિક અને સામાજિક સમસ્યાઓનું નિરૂપણ થયેલું છે. ફરદુનજીની દીકરી જરબાઈ અને કાવસજીના પુત્ર જમશેદ વચ્ચે પ્રણય છે. પરંતુ આર્થિક અસમાનતાના કારણે પ્રણય લગ્ન સુધી પહોંચી શકતો નથી. વળી, મિલકત માટે કાવસજી ફળદુનજી સાથે દીકરીને પરણાવે છે. આ રીતે આર્થિક લોભ અને મજબૂરીનો લાભ ઉઠાવવાની માનવીય વૃત્તિની વાત કરતી આ વાર્તા સામાજિકતાના કાળા પાસા પર પ્રકાશ પાડે છે. ‘અડાયાં છાણાં’ વાર્તામાં દલિતચેતનાનું નિરૂપણ થયેલું છે. બાયજા દલિત સ્ત્રી છે તે સેવાભાવી છે. ધનમાયની વૃદ્ધાવસ્થામાં કફોડી સ્થિતિ છે. પથારીમાં જ ઝાડોપેશાબ કરી જતાં ધનમાયની બાયજા દિલથી સેવા કરે છે. મા દીકરી જેવો આ દલિત પારસી વચ્ચેનો સંબંધ પારસી સમાજને કઠે છે. ગામની સ્ત્રીઓ તેને વાસણોને, ચૂલાને અને ઘરની બીજી વસ્તુઓને અડકવા દેતી નથી. માની જેમ જેની સેવા કરી હતી એ ધનમાય મરી જતાં એનું મોં પણ બાયજા જોવા પામતી નથી. જ્યારે રિવાજ પ્રમાણે કૂતરાને મડદાનું મોં બતાવવામાં આવે છે. અહીં કૂતરા કરતાં પણ બદતર હાલત દલિત સ્ત્રીની હોવાનું સ્પષ્ટ થાય છે. બાયજાના દીકરાના મૃત્યુ અંગે કશો શોક પણ કોઈને નથી એ ઘટના મૂકીને બે સમાજ વચ્ચેના અંતરની વાત સર્જકે સ્પષ્ટ કરી છે. ‘ચાકળા’ વાર્તામાં નાયિકા લાછિનો બનસુ અને રતન શેઠ બંને સાથેના સંબંધના કારણે થતો સંઘર્ષ નિરૂપણ પામ્યો છે. રતનશેઠના મોત પછી દુઃખી થનારી લાછિ માટે પહેલેથી જાણતો હોવાથી પતિ દુઃખી થાય છે અને વિચારે છે કે ‘જીવતા હેઠ કરતાં તો મરેલો હેઠ બો હેરાન કરે.’ બનસુના મોત પછી તો પુત્ર સુંદર પણ માથી નફરત કરવા લાગે છે. સુંદર પોતે પોતાનો ખરો બાપ કોણ? એ જ દ્વિધામાં ચૈતસિક સંઘર્ષ અનુભવે છે. આક્રોશમાં ચાકળા મારે છે. પોતપોતાની આગવી મનોદશાનું નિરૂપણ કરતી આ ઉત્તમ વાર્તા છે. ‘નોળવેલ’ વાર્તામાં પણ બે પેઢી વચ્ચેનું અંતર છે. પિતા સોરાબજી અને પુત્રનો નોશીર વચ્ચે અણબનાવ થતાં નોશીરને તેના પિતા ઘરમાંથી કાઢી મૂકે છે. પછી ભાનુ અને રઘુના આશરે તે જીવે છે. ભાનુની માના અને શોરાબજીના સંબંધો પારસી-આદિવાસી વચ્ચેના લગ્નેતર સંબંધની ચાડી ખાય છે. તો ભાનુ અને નોશીર પરસ્પર ચાહવા લાગે છે. સંબંધોના આવા ચક્રવ્યૂહમાં ભાનુ કાવેરીમાં ડૂબીને મરી જાય. આમ વાર્તા કરુણાન્ત બને છે. ‘ચાપડા’ વાર્તાની નાયિકા કાન્તાએ અમરત શેઠને ત્યાં મૃત પુત્રી જન્મતાં પોતાનો દીકરો ભુરીયો આપી દીધો છે. કાંતાના પતિ ભીખા પર એ જ શેઠના શેઠ ચોરીનો આરોપ મૂકે છે. આવા ખોટા મુકાયેલા ચોરીના આરોપથી ભીખો ગાંડો થઈને મરી જાય છે. વિધવા કાન્તા અમરત શેઠ પાસે નક્કી કરેલા પૈસા લેવા જાય છે, પણ શેઠ પૈસા આપતા નથી. આખરે કાન્તાની દયનીય સ્થિતિ થઈ જાય છે. તે માનસિક સમતુલા ગુમાવે છે. અડધી રાત્રે ફાનસ લઈને ગામમાં ફરતી હોય છે ત્યારે લોકો એને ડાકણ ગણવા લાગે છે. આમ સામાજિક માન્યતાઓ અને શોષણની આ વાર્તા છે. ‘વાઘનખ’ વાર્તામાં બાળભેરુ પેસ્તનજી અને ભીખો વાઘનખ કાપવાના ગુનામાં એકબીજાને ફસાવતાં વેરી બની જાય છે. પેસ્તન મોટો થઈને શેઠ બની જાય અને ભીખો નોકર પુત્ર હોવાથી નોકર જ રહે. મમદું જમાદારને બંને મળીને મારી નાખે છે એ ગુનામાં પેસ્તનજી આબાદ છટકી જાય અને ભીખો ફસાઈ જાય. આ ઘટના બંને વચ્ચેના સામાજિક આર્થિક અંતરને વ્યક્ત કરે છે. ‘સિમાડીયો’ વાર્તામાં પરંપરાગત માન્યતા પ્રમાણે સીમની રક્ષા કરનારા દેવનો સંદર્ભ છે. સોમી અને દેવીની રક્ષા કરનારો દાઉદખાં છે. સોમી દાઉદને પસંદ કરે છે પણ દેવી સાથે દાઉદનો સંબંધ બંધાય છે. આ વાર્તામાં મધરાતનો વન્યપરિવેશ ભયાનક વાતાવરણ રચે છે. ‘નાળ’ વાર્તામાં ઘોડા વેચનારા નરીમાન બાવાના મોજશોખનું નિરૂપણ થયેલું છે. મરઘાં-બકરાં, સસલાં, રોઝ વગેરેનો શિકાર કરવો, દારૂતાડી પીવાં અને આદિવાસી સ્ત્રીઓને ભોગવવી એ જ જાણે એનું જીવન છે. આ વાર્તામાં કનુ ડાંગી અને તેના ઘોડાના મોતની કથા છે. તેમુરસના કારણે કનુ ડાંગી પણ મોતને ભેટે છે. આમ, આ શોષણની કથા બની જાય છે. મોના પાત્રાવાલાની વાર્તાઓ વિશે ડૉ. મનોજ માહ્યાવંશી લખે છે કે, ‘દક્ષિણ ગુજરાતના છેવાડાના અને આમ તો ગુજરાતના છેવાડાના જંગલ વિસ્તારનું કથાસાહિત્ય સરજીને, જીવંત વર્ણન કરીને એમાં આદિવાસી બોલીનો કલાત્મક વિનિયોગ કરીને આ સર્જક ખરા દેશીવાદી સર્જક સાબિત થાય છે.’ (મનોજ માહ્યાવંશી, ‘સાહિત્ય સેતુ’, જુલાઈ-ઓગસ્ટ, ૨૦૧૭) મોના પાત્રાવાલાની વાર્તાઓમાં કથાવસ્તુને અનુરૂપ પરિવેશનું જીવંત નિરૂપણ થયેલું છે. આ પરિવેશ ઘેઘૂર છે. પાત્રોના ભાવોને વ્યક્ત કરતો બોલતો અને સજીવ પરિવેશ છે એ પ્રતીકાત્મક સ્તર સુધી સક્રિય થાય છે. વાર્તાના કથાતંતુને જોડતો, પાત્રોને જીવંતતા બક્ષતો અને સ્થળકાળને તાદૃશ કરતો પરિવેશ મોના પાત્રાવાલાની વાર્તાઓનું જમા પાસું છે. લેખિકા પોતે જ સ્વીકારે છે કે ‘ડાંગ વાંસદામાં ફાલેલાં અડાબીડ જંગલો અને એ જંગલોની કાળીભઠ જીવતી રાતો, ચટપટાવાળા તડકાછાયાથી ભરચક દિવસો એ બધું મનને લોભાવે એવું હતું. જંગલ મને હંમેશાં રહસ્યમય સ્વભાવનું લાગ્યું છે.’ (‘રાની બિલાડો’, પ્રસ્તાવના, મોના પાત્રાવાલા, આર. આર. શેઠ કંપની, અમદાવાદ. પ્રથમ આવૃત્તિ ૨૦૦૨) આ વાતને તેઓએ પોતાની વાર્તાઓમાં સાર્થક કરી બતાવી છે. આમ, મોના પાત્રાવાલાએ વન્યજીવન અને તેમાં રહેલી આદિવાસી સમાજના શોષણની કથાઓને વાર્તારૂપે ઢાળીને ઉત્તમ સાહિત્યિક પ્રદાન કર્યું છે.
રાજેશ વણકર
આસિસ્ટન્ટ પ્રોફેસર
સરકારી વિનયન કૉલેજ,
ગરબાડા, જિલ્લો દાહોદ
મો. ૯૯૦૯૪ ૫૭૦૬૪