ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/રમણલાલ વસંતલાલ દેસાઈ
વેદાન્ત એ. પુરોહિત
લેખક પરિચય :
રમણલાલ વસંતલાલ દેસાઈ (જ. ૧૨-૫-૧૮૯૨ – અ. ૨૦-૯-૧૯૫૪)
૨. વ. દેસાઈનો જન્મ નર્મદાકિનારે આવેલા ગામ શિનોરમાં થયો હતો. અને તેમનું પ્રાથમિક શિક્ષણ પણ શિનોરમાં જ થયું. એ પછી માધ્યમિક અભ્યાસાર્થે તે વડોદરા આવ્યા. રમણલાલના પિતા અર્વાચીન વિચાર ધરાવતા વ્યક્તિ હતા અને તે ‘દેશભક્ત’ નામનું એક સામયિક ચલાવતા હતા. સંસ્કારીનગરીનું શિક્ષણ અને પ્રગતિશીલ પિતાના સંસ્કારોને લીધે રમણલાલને નાની ઉંમરથી જ વાચન ગમતું થયું. આને લીધે અભ્યાસકાળમાં જ તેમની કલમ સળવળતી થઈ ગઈ. લગભગ ૨૦ વર્ષની વયે ઈ. સ. ૧૯૧૨માં રમણલાલનાં લગ્ન કૈલાસવતી સાથે થાય છે. અભ્યાસમાં લાગેલા રમણલાલ હવે દામ્પત્યજીવનનો અનુભવ મેળવે છે. ર. વ. દેસાઈની કૃતિમાં આવતું મધ્યમવર્ગના પરિવારનું દામ્પત્યજીવન આલેખવામાં તેમનાં પત્ની કૈલાસવતીને મુખ્ય પ્રેરકબળ ગણી શકાય. હવે રમણલાલ ઉચ્ચ અભ્યાસ માટે વડોદરા કૉલેજમાં દાખલ થાય છે. કૉલેજમાં આવી તેમની વાચનવૃત્તિ વધારે પ્રબળ બની. કૉલેજમાં થતી ચર્ચામાં તે ઉત્સાહભેર જોડાતા અને આમ, ઈ. સ. ૧૯૧૬માં તેમણે એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો. અભ્યાસ પૂર્ણ થયા બાદ તે સૌપ્રથમ શિક્ષકની નોકરીમાં જોડાયા અને થોડા જ સમયમાં સરકારી અમલદારની નોકરીમાં જોડાયા. આ નોકરીને લીધે તેને ભાત-ભાતના અનુભવ પ્રાપ્ત થયા. નોકરીના કામને લીધે તેમને વિવિધ ગામ-પ્રદેશ અને ત્યાંના લોકો સાથે પરિચય થયો, તેમના પ્રશ્નોની જાણ થઈ અને બનતાં સુધી આ પ્રશ્રોનું નિવારણ પર કર્યું. રમણલાલનો શાંત, સહજ, પ્રામાણિક સ્વભાવ અને ઉત્તમ સંસ્કાર તેમનું આગવું વ્યક્તિત્વ દર્શાવતા હતા. તેમનું શિક્ષણ, બાળપણથી આરંભાયેલું વાચન, માતા-પિતાથી મળેલા સંસ્કાર, પત્નીનો સહકાર અને નોકરી દરમિયાન થતા વિવિધ અનુભવોના સંકલનથી તેમની લેખનપ્રવૃત્તિ સોળે કળાએ ખીલેલી જોઈ શકાય છે. ઈ. સ. ૧૯૧૫ની ગુજરાતી સાહિત્ય પરિષદમાં ભજવવા માટે લખેલા ‘સંયુક્તા’ નાટકથી રમણલાલના સાહિત્યિક લેખનનો વિધિવત પ્રારંભ થયો. એ પછી ‘નવગુજરાત’ સામયિકમાં ઈ. સ. ૧૯૨૪-૨૫ દરમિયાન તેમની ‘ઠગ’ નામે પ્રથમ નવલકથા પ્રગટ થઈ અને યુગમૂર્તિ વાર્તાકારની સફર શરૂ થઈ. જેમાં વિવિધ વિષયાધારિત ૨૮ જેટલી નવલકથા, નવ જેટલા વાર્તાસંગ્રહ, ૧૦ જેટલા નાટ્યસંગ્રહ, બે કાવ્યસંગ્રહ, વિવેચન ગ્રંથ, નિબંધ, આત્મકથનાત્મક નિબંધ અને છ જેટલા ચિંતનાત્મક લેખના સંગ્રહ વગેરેનો સમાવેશ થાય છે. તેમની નવલકથા ગુજરાતી સાહિત્યમાં ઘણી લોકપ્રિય થઈ અને ગુજરાતી વાચકોના તે લોકલાડીલા સર્જક તરીકે પોંખાયા. જેમાં ‘ભારેલો અગ્નિ’, ‘ગ્રામલક્ષ્મી ૧-૪’, ‘દિવ્યચક્ષુ’ જેવી નવલકથાથી ગુજરાતની જનતા પર આ લેખકનો જાદુ અનોખી રીતે છવાઈ ગયો. આ સિવાય વિવિધ સામયિક સંચાલક દ્વારા સતત તેમની વાર્તાની માંગ રહેતી, જેના ફળ સ્વરૂપે તેમની પાસેથી ૧૪૦થી પણ વધારે ટૂંકીવાર્તા મળે છે. જેની હવે આગળ વિગતે ચર્ચા કરીએ.
ર. વ. દેસાઈની વાર્તાઓ :
ર. વ. દેસાઈની વાર્તાસૃષ્ટિ મુખ્યત્વે નવ જેટલા વાર્તાસંગ્રહમાં ફેલાયેલી છે. આ સંગ્રહોમાં અનુક્રમે ‘ઝાકળ’, ‘પંકજ’, ‘રસબિંદુ’, ‘કાંચન અને ગેરુ’, ‘દીવડી’, ‘સતી અને સ્વર્ગ’, ‘ધબકતાં હૈયા’ અને ‘હીરાની ચમક’નો સમાવેશ થાય છે. આ સિવાય ‘ભાગ્યચક્ર’ નામે એક સંગ્રહમાં તેમણે ત્રણ લાંબી-ટૂંકીવાર્તા જેવી કૃતિ આપી છે, પરંતુ તેને વાર્તા કરતાં લઘુનવલ ગણવી વધારે યોગ્ય છે. આ બધા સંગ્રહમાં પ્રકાશિત થયેલી વાર્તાઓ સૌપ્રથમ વિવિધ સામયિકમાં પ્રગટ થયેલી અને ત્યારબાદ આર. આર. શેઠની કંપની દ્વારા આ વાર્તાઓને એક પછી એક નવ સંગ્રહમાં પ્રકાશિત કરવામાં આવી, રમણલાલનો છેલ્લો સંગ્રહ ‘હીરાની ચમક’ તેમના મૃત્યુ બાદ પ્રકાશિત થયો. આ બધા સંગ્રહમાં રહેલી ૧૪૦ જેટલી વાર્તાઓની હવે આપણે વિગતે વાત કરીએ. જેમાં આ વાર્તાઓના સારાં-નરસાં પાસાંની ચર્ચા કરીશું.
‘ઝાકળ’ ર. વ. દેસાઈનો પ્રથમ વાર્તાસંગ્રહ છે. જે ઈ. સ. ૧૯૩રમાં આર. આર. શેઠની કંપની દ્વારા પ્રકાશિત થયો. જેમાં તેમની ૧૫ નવલિકા પ્રગટ થયેલી છે. આ ૧૫ વાર્તામાં લેખક અલગ અલગ વિષયને લઈને વાચક સમક્ષ પ્રગટ થયા છે. આ સંગ્રહની બધી જ વાર્તા શ્રેષ્ઠ છે એવું નથી. પરંતુ અમુક વાર્તા દ્વારા લેખક પોતાને એક સારા વાર્તાકાર તરીકે ગુજરાતી સાહિત્યમાં પ્રસ્તુત કરે છે. આ સંગ્રહની વાર્તા વિશે વાત કરીએ તો, ‘આરબ પહેરેગીર’ વાર્તા મનોરંજક છે અને સાથે એક પહેરેગીરની વફાદારી કલાત્મક રીતે આ વાર્તામાં આલેખવામાં આવી છે. જે પોતાના માલિક માટે તો વફાદાર હોય જ છે પણ તેના પુત્ર પ્રત્યે પણ વફાદાર રહે છે. તો ‘પ્રભુનો દરવાન’ વાર્તા ભક્તિના આડંબર નીચે અભિમાની બનતા જ્ઞાની, પંડિતો ૫ર કટાક્ષ થયો છે. જેમાં એક અજ્ઞાની દરવાન ખરી રીતે ઈશ્વરને પામે છે. આ વાર્તા વિષય અને વાર્તાતત્ત્વની રીતે પણ ઘણી યોગ્ય લાગે છે. ‘ઝાકળ’ વાર્તામાં લેખક સૂક્ષ્મ સંવેદન વ્યક્ત કરે છે પરંતુ વાર્તા અસરકારક રીતે વ્યક્ત થઈ નથી. ‘સતીની દેરી’ આ વાર્તા એક પ્રણયકથા છે. જેમાં પ્રેમીનો વિરહ અને વર્ષો પછી મૃત્યુ દ્વારા થતું મિલન ભાવકની આંખમાં આંસુ લાવે એવું છે. ‘બબો’ પણ આ સંગ્રહની મહત્ત્વની વાર્તા છે. જેમાં નકામો ગણીને કાઢી મુકેલો નોકર બબો, માલિકની પુત્રીને કૂવામાંથી કાઢીને પોતાની ઉપેક્ષાને પ્રશંસામાં ફેરવે છે. આ વાર્તા નોકર વર્ગના જીવનની એક છબી વાચક સામે કલાત્મક રીતે રાખી આપે છે. સંગ્રહની છેલ્લી વાર્તા ‘પિતરાઈ’માં બે નોખી પ્રકૃતિ ધરાવતા ભાઈઓની દુશ્મની થાય છે પરંતુ વાર્તાને અંતે આ વિચારભેદ સામે લાગણીનો વિજય થાય છે અને બંને ભાઈ વચ્ચે સમાધાન થાય છે. આ કૃતિ પણ વાર્તાતત્ત્વને યોગ્ય રીતે ન્યાય કરે છે. આ ઉપરાંત ‘કોનો વિજય?’ જેવી પ્રાચીન સમયની કથા મનોરંજક તો છે પરંતુ ઘટના કૃત્રિમ લાગે એવી છે. ‘પરિવર્તન’ વાર્તામાં ચોરનું પ્રેમને કારણે થતું હૃદયપરિવર્તનનું કથાવસ્તુ તો આકર્ષક છે પરંતુ તેમાં બનતી ઘટના અવાસ્તવિક લાગે છે. તેમાં થતી ચોરીઓમાં તર્કનો અભાવ લાગે છે. ‘ગામડાનો સાદ’, ‘ભૂત’, ‘ગામડિયો’ જેવી વાર્તામાં લાગણી તત્ત્વ વધારે અને વાર્તાતત્ત્વ ઓછું જોઈ શકાય છે. તો ‘એક તક’ કે ‘ઘોડેસવાર’ જેવી કૃતિ ટૂંકીવાર્તા સ્વરૂપમાં બંધબેસતી નથી અને સંગ્રહની બાકીની કૃતિ મનોરંજન તો આપે છે પણ સાહિત્યિક મૂલ્યોને આધારે અયોગ્ય લાગે એવી લોકપ્રિય રચના છે.
‘પંકજ’ ઈ. ૧૯૩૫માં આર. આર. શેઠની કંપની દ્વારા પ્રકાશિત થયેલો ર. વ. દેસાઈનો બીજો વાર્તાસંગ્રહ છે. જેમાં ૧૬ વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સંગ્રહનું ગણિત પણ પ્રથમ સંગ્રહ જેવું જ દેખાય છે. જે સૂક્ષ્મ સંવેદન પ્રથમ સંગ્રહમાં નથી દેખાયાં તે અહીંયા કેટલીક વાર્તામાં વ્યક્ત થયાં છે. સંગ્રહની પહેલી વાર્તા ‘ખરી મા માતૃત્ત્વ’ એ બાળઉછેરની કોઈ ફરજ નહિ. પરંતુ ચિત્તમાંથી આવતી લાગણી છે. આ કથાતંતુને લઈને રચાયેલી છે. બાળ કુસુમાયુધના પ્રશ્નો અને નવી માતાનાં સંવેદન વાર્તાને કલાત્મક બનાવે છે. ‘મૂર્તિપૂજા’ વાર્તામાં લેખક માનસિક સંઘર્ષ લઈ આવે છે. પોતાની મૃત પત્નીની છબીને ખરી પત્ની સમજી બેઠલા પતિની કથા ચોટદાર અભિવ્યક્તિ ધરાવે છે. લગ્નના ૧૫ વર્ષ બાદ છૂટા પડેલાં વિનોદરાય અને રમાબહેનની કથા ‘પુનર્મિલન’ વાર્તામાં આલેખાઈ છે. આકસ્મિક માંદગીને કારણે પતિની સારવાર માટે આવેલ રમાબહેન પતિને છોડીને ફરી જઈ શકતાં નથી અને બંનેનો નવો સંસાર શરૂ થાય છે. આ વાર્તા સ્થૂળ કથા સાથે માનવીના આંતરિક સંવેદનને પણ વાચા આપે છે. આખું જીવન એકસાથે રહેલા ઘરના વડીલમાંથી વૃદ્ધ પત્નીનું મૃત્યુ થયા પછી પતિના જીવનમાં આવતો ખાલીપો ‘વૃદ્ધ સ્નેહી’ વાર્તામાં વ્યક્ત થાય છે. પતિ-પત્ની વચ્ચે પ્રેમ હોય તે સ્વાભાવિક છે પણ વર્ષો સુધી સાથે રહીને તેમને એકબીજાની આદત પડી હોય છે અને આ સંવેદન લેખક અહીંયા સરળ કથામાં વ્યક્ત કરી બતાવે છે. તો ‘શાનવતા’ વાર્તામાં એક કવિ અને તેના સર્જનમાં માનવતાનો અભાવ છે તેવા કથનની કથા છે. અહીં વાર્તાને અંતે પ્રગટ થતું વિવેચક પત્નીનું રહસ્ય આકર્ષક છે. ‘સમાન હક્ક’ વાર્તામાં સ્નેહી પતિ-પત્ની વચ્ચે ઊભી થતી શંકા દર્શાવી છે અને અંતે સ્નેહનો શંકા સામે વિજય થાય છે. દામ્પત્યજીવનની આ કથા સાહજિક છે. ‘ભાઈ’ વાર્તામાં પ્રાચીન કથાનક દ્વારા હિંદુ-મુસ્લિમ એકતાનો પ્રસંગ રજૂ થયો છે પણ તે અવાસ્તવિક લાગે એવી ઘટના છે. આ સિવાય ‘આંસુના પાયા’, ‘ધનિક હૃદય’, ‘ઘેલછા’ આ બધી વાર્તા પ્રમાણમાં સારી કહી શકાય એવી છે તો સંગ્રહની બાકીની વાર્તામાં લેખક કંઈ ખાસ ચમત્કૃતિ દર્શાવી શક્યા નથી.
‘રસબિન્દુ’ ર. વ. દેસાઈનો ત્રીજો વાર્તાસંગ્રહ છે. આ સંગ્રહમાં ૧૪ વાર્તા પ્રકાશિત થઈ છે. જેમાંથી ‘ગાડીવાન’, ‘હવા ખાવાનું સ્થળ’, ‘ગાંડી’, ‘સ્વર્ગદ્વાર’ જેવી વાર્તામાં લેખકની કલાત્મક કથાગૂંથણી દેખાય છે. ભાવનાત્મક બાજુ ધરાવતી ‘ગાંડી’ વાર્તા કરુણ છે, તો ‘સ્વર્ગદ્વાર’ જેવી વાર્તામાં લેખક સ્વપ્ન પ્રયુક્તિનો ઉપયોગ કરી શેઠ અને નોકરમાંથી નોકર જીવાજી સ્વર્ગ પ્રવેશ માટે યોગ્ય છે તેવું બતાવી શેઠને નોકરનું મહત્ત્વ સમજાવે છે. ‘ગાડીવાન’ એક ઘટનાની વાત છે જેમાં નાયક સ્ટેશન પરથી ગાડી શોધે છે એ ઘટનાનું આલેખન એક હૃદયસ્પર્શી સંવેદન વ્યક્ત કરે છે. ‘મહાન લેખક’, ‘સંગીત સમાધિ’, ‘કદરૂપો પ્રેમ’ વાર્તા પણ ઠીક ઠીક કાઠું કાઢે એવી છે. તો ‘અવનવું ઘર’ વાર્તા ભાવકને ભૂત-પ્રેતની સૃષ્ટિમાં લઈ જાય છે. જે મનોરંજક તો લાગે છે પણ તર્કસંગત નથી. ‘અહિંસાનો એક પ્રયોગ’ કે ‘રૂપૈયાની આત્મકથા’ જેવી વાર્તામાં લેખકના હાથથી વાર્તા તત્ત્વની સમજ ચાલી ગઈ હોય એવી કક્ષાની વાર્તા છે. ‘ટેલીફોનનું ભૂત’ એ રોમાંચક-રહસ્ય કથા છે, જેમાં અન્ય કથા જેમ સૂક્ષ્મ સંઘર્ષ નથી પણ મનોરંજન છે. આમ, ત્રણ-ચાર વાર્તાને બાદ કરતાં આ સંગ્રહમાં લેખક કંઈ ખાસ રીતે વ્યક્ત થયા દેખાતા નથી. પહેલા બે સંગ્રહની વાર્તાથી પણ અમુક વાર્તા નબળી લાગે એવી છે. તો આ વાર્તાની આજની ટૂંકીવાર્તા સાથે તુલના થાય તો તેમાં ઘણી વધારે ખામી દેખાય આવે.
‘કાંચન અને ગેરુ’ ર. વ. દેસાઈનો ૧૯૫૦માં આર. આર. શેઠની કંપની દ્વારા પ્રકાશિત ચોથો વાર્તાસંગ્રહ છે. જેમાં ૧૭ વાર્તાનો સમવેશ થયો છે. ‘છેલ્લી વાર્તા’ કૃતિનું કથાનક ‘ભાનવતા’ વાર્તાને મળતું આવતું છે. સાહિત્યકારના સાહિત્યિક જીવન અને દામ્પત્યજીવન વચ્ચે ઉત્પન્ન થતી અસમતુલા અહીંયાં રજૂ થઈ છે. તો ‘સુલતાન’ અને ‘ડબામાંની ગાય’ વાર્તામાં માનવીની પ્રાણી પ્રત્યેની લાગણી વ્યક્ત કરે છે. લેખક આ બંને વાર્તામાં કરુણ શૈલીમાં માનવી અને પશુ વચ્ચેનો સબંધ દર્શાવે છે. આ વાર્તાનો વિષય નવો અને ઓછો ખેડાયેલો છે તેથી આ બંને વાર્તાસંગ્રહની મહત્ત્વની કૃતિ ગણી શકાય. ‘રખવાળ’ વાર્તામાં ફિલ્મ જોવાને લીધે લશ્કરી માણસોથી આકર્ષાયેલી નાયિકા મહાશ્વેતાની વાત છે, પતિ વેપારમાં મશગૂલ રહેતો હોવાથી પત્ની મહાશ્વેતા ઘરના રખવાળ પઠાણ તરફ આકર્ષાય છે. વાર્તાનો સંવાદ ‘જેની રખવાળી, એનું રાજ્ય!’ વડે પ્રતીકાત્મક રીતે લેખક સમગ્ર કથાતંતુને વ્યક્ત કરે છે. આજકાલ નારીવાદ સંદર્ભે fake feminism જેવી સંજ્ઞા વપરાય છે. ત્યારે ર. વ. દેસાઈ ગાંધીયુગમાં ‘ભૂતકાળ ન જોઈએ’ વાર્તામાં સુધાકર જેવા પાત્ર દ્વારા અજાણતાં જ આવી વિચારધારા વ્યક્ત કરી બતાવે છે. ‘પ્રભુ છે?’, ‘વેરભાવે ઈશ્વર’ આ વાર્તાનું કથાવસ્તુ તો પ્રબળ છે પણ તેને વ્યક્ત કરવાની પ્રયુક્તિ અયોગ્ય હોય એવું લાગે છે. સંગ્રહની ‘ભૂતકાળ ન જોઈએ’, ‘નિશ્ચય’, ‘નવલિકામાંથી એક પાન’, ‘વણઊકલી વાત’, ‘સિનેમા જોઈને’ જેવી વાર્તામાં વિવિધ રીતે દાંપત્યજીવનના સંઘર્ષ અને પતિ-પત્ની વચ્ચેના સંબંધમાં પડતી આંટીઘૂંટી પ્રસ્તુત થયેલી જોઈ શકાય છે. ‘બાળહત્યા’ અને ‘ઝેરનો કટોરો’ વાર્તા હિંદુ-મુસ્લિમ સંઘર્ષને આકાર આપતી કથા છે. તો ‘સત્યના ઊંડાણમાં’ વાર્તામાં લેખક એકની એક પ્રયુક્તિનું પુનરાવર્તન કરે છે. માટે આ વાર્તા ખાસ અસરકારક બની નથી. ‘ઘુવડ’ વાર્તામાં પ્રતીકનો અસફળ ઉપયોગ જોઈ શકાય છે. ‘કાંચન અને ગેરુ’ વાર્તા જાતકકથા જેવી શૈલીમાં રચાયેલ પ્રાચીન પરિવેશની બોધકથા કક્ષાની છે. આમ, આ સંગ્રહની વાર્તાઓનું ગણિત પણ પૂર્વેના સંગ્રહ જેવું અસમતોલ છે.
‘દીવડી’ ર. વ. દેસાઈનો વીસ વાર્તા ધરાવતો પાંચમો વાર્તાસંગ્રહ છે. જે ઈ. સ. ૧૯૫૧માં આર. આર. શેઠની કંપની દ્વારા પ્રકાશિત થયો. આગળના ચાર સંગ્રહથી સાહિત્ય જગતમાં ભલે ર. વ. દેસાઈ વાર્તાકાર તરીકે દબદબો ના બતાવી શક્યા હોય, પણ વાચકોમાં તો ઘણી ખ્યાતિ પામ્યા હતા. વાચકોની આ ભૂખ સંતોષવા ર. વ. દેસાઈનો આ નવો સંગ્રહ વીસ વાર્તા લઈને આવે છે. જેમાંથી સારી કહી શકાય એવી વાર્તા ઓછી છે, છતાં સામાન્ય વાચક્ને મનોરંજન આપતી આ કૃતિ છે. પ્રથમ વાર્તા ‘દીવડી’ની વસ્તુસંકલના ઘણી નબળી લાગે એવી છે. તો વાર્તામાં બનતી ઘટના વાર્તા માટે જ બને એવી કૃત્રિમ છે. ‘પાઘડી વગરનું ઘર’ વાર્તા શહેરની સમસ્યા રજૂ કરે છે. મુંબઈ જેવા શહેરમાં રોટલો મળે પણ ઓટલો ના મળે. આ કથાઘટક લેખક વાર્તામાં નિરૂપે છે. ગામડેથી શહેર આવેલા યુવકના રહેઠાણની સમસ્યા આ વાર્તામાં વર્ણવી છે તો સાથે જ લેખક શહેરના જુદાં જુદાં લોકોની માનસિકતા પણ આ કથામાં આલેખે છે. ‘આદર્શ ઘર્ષણ’ ગાંધીવિચારથી પ્રભાવિત વાર્તા છે. જેમાં દાદી અને પુત્ર વચ્ચે વિચારભેદ પ્રગટ થયો છે. આ વાર્તા ખાસ અસરકારક નથી. ‘માંદગી કે પાપ’ વાર્તામાં ઘરના મોટા પુત્રના અભિમાની સ્વભાવનું આલેખન થયું છે. ‘સારું અપરાધ નિવેદન’, ‘ડુંગરીયે દવ’ અને ‘બાજી પટેલ’ જેવી વાર્તામાં સત્તા સામેનો વિદ્રોહ અને સામ્યવાદની અસર જોઈ શકાય છે. ‘પ્રેમની ચિતા’, ‘વિચિત્ર વેચાણ’ અને ‘હું ફરી કેમ ના પરણ્યો?’ વાર્તાઓમાં પતિ પત્ની વચ્ચેના સંબંધની આંટીઘૂંટી રજૂ થઈ છે. ‘મંદિરનું રક્ષણ’ વાર્તા પ્રતીકાત્મક રીતે રાષ્ટ્રીય એકતા તરફ અંગુલિનિર્દેશ કરે છે. આ સિવાયની સંગ્રહની અન્ય વાર્તા સામાન્ય કક્ષાની કહી શકાય એવી મનોરંજન કથા છે.
નવલકથાલેખન સાથોસાથ વિવિધ સામયિક સંચાલકના આગ્રહને માન આપીને ર. વ. દેસાઈ વાર્તાલેખન પ્રવૃત્તિ પણ શરૂ રાખે છે. આ છઠ્ઠો વાર્તાસંગ્રહ ‘સતી અને સ્વર્ગ’ તેનું પ્રમાણ છે. જે ઈ. ૧૯૫૩માં આર. આર. શેઠની કંપની દ્વારા પ્રકાશિત થયો. જેમાં સમયાન્તરે વિવિધ સામયિકોમાં પ્રકાશિત થયેલી વીસ વાર્તાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સંગ્રહની પ્રથમ વાર્તા ‘સતી અને સ્વર્ગ’માં કથાવસ્તુ વ્યક્ત કરવાની પ્રયુક્તિ ‘સ્વર્ગદ્વાર’ વાર્તા જેવી છે. પરંતુ અહીંયા સંસ્કારના પડદા નીચે પોલીસ બની ગયેલ પત્નીની વાત છે. ‘જીવનને વધામણાં’ વાર્તા સુ. જો.ની ‘જન્મોત્સવ’ કે ખત્રીની ‘કૃષ્ણજન્મ’ની યાદ અપાવે એવી કથા છે. બાળકના જન્મની ઘટના સમાજના ધનિક અને ગરીબ વર્ગમાં અલગ અલગ અસર કરે છે તે આ વાર્તામાં દર્શાવાયું છે. પણ ર. વ. દેસાઈ સુ.જો.ની જેમ આ કથાઘટકના potentialનો યોગ્ય ઉપયોગ કરી શક્યા નથી. તો ‘ધંધો : ઘરકામ’ વાર્તા પણ આગવી કથાવસ્તુ ધરાવતી છે. ઘરકામ કરતી ગૃહિણી આમ તો આ કામનું કોઈ વળતર માગતી નથી પરંતુ જો આ ઘરકામની કિંમત આંકવામાં આવે તો ઘણી વધારે થાય. આવો જ એક પ્રસંગ લેખક આ વાર્તામાં રજૂ કરે છે. ‘પથ્થર કે દેવ’ વાર્તા માનવસમાજની ધાર્મિકતા અને સત્તાનો ધાર્મિકતા તરફનો દૃષ્ટિકોણ વ્યક્ત કરે છે. ‘અધૂરું ચિત્ર’, ‘ખરી પડેલું સ્વપ્ન’, ‘ગોપીતલાવ’, ‘ત્રણ પેઢી’ અને ‘વર્ષો પછી’ આ વાર્તા જુદું જુદું કથાવસ્તુ ધરાવતી પ્રણયકથા છે. તો ‘અગ્નિનાં અશ્રુ’ અને ‘સ્ત્રીલાલિત્ય અને પુરુષદૃષ્ટિ’ આ બંને વાર્તામાં પતિ-પત્નીના સંબંધના પ્રશ્નો રજૂ થયા છે. ‘હરિજનવાસ અને મંદિર’ વાર્તામાં સમાજમાં રહેલા અસ્પૃશ્ય ગણાતી કોમની વાત થઈ છે. સમયમાં આવેલા પરિવર્તનને કારણે માણસ કેવી રીતે બદલાયો છે તે લેખક ‘ઠાકોરસાહેબની ગાદી’ વાર્તામાં મનોરંજક રીતે પ્રસતુત કરે છે. ‘કિનારો અને મિનારો’ પ્રતીકાત્મક કહી શકાય તેવી વાર્તા છે. જેનો હાર્દ કુદરતની સામે કૃત્રિમ પદાર્થોનું વધતું જતું મહત્ત્વ દર્શાવે છે. આ ઉપરાંત સંગ્રહની અન્ય વાર્તા રહસ્યકથા અને વાચકને મનોરંજન આપે તેવી સામાન્ય વાર્તા છે.
‘ધબકતાં હૈયાં’
ઈ. સ. ૧૯૫૪માં આર. આર. શેઠ કંપની દ્વારા પ્રકાશિત ‘ધબકતાં હૈયાં’ રમણલાલનો સાતમો વાર્તાસંગ્રહ અને તેમની હયાતીમાં પ્રગટ થયેલ અંતિમ સંગ્રહ છે. જેમાં ઓગણીસ વાર્તા પ્રકાશિત થયેલી છે. સંગ્રહની પ્રથમ વાર્તા ‘મિલકતનો કેદી’માં આકસ્મિક રીતે સમૃદ્ધ બનેલા નાયક સજ્જનપ્રસાદ કેવી રીતે પોતાની જ સમૃદ્ધિમાં કેદ થાય છે. તે રજૂ થયું છે. ‘જહન્નમમાં જાય તારી દીકરી!’ વાર્તા માત્ર એક ઘટના દ્વારા આપણા સમાજના બે વર્ગનો ચિતાર દર્શાવી આપે છે. પોતાની દીકરીને એકલી છોડી, માલિકના પુત્ર એટલે ‘ભાઈ’ની સંભાળ રાખતી ગરીબ નાયિકાની સ્થિતિ આ વાર્તામાં પ્રસ્તુત થઈ છે. આ સંગ્રહની બીજી મહત્ત્વની કૃતિ ‘ઢીંગલા ઢીંગલી’ છે. જેમાં સ્ત્રીના (પત્નીના) સંવેદનશીલ મનોજગતની વાત છે. સામાન્ય દૃષ્ટિએ બાલિશ પણ નાયિકાની દૃષ્ટિએ ઘણું મહત્ત્વ ધરાવતી બાબતમાં પતિનો શંકાશીલ સ્વભાવ હસ્તક્ષેપ કરે અને પ્રેમભર્યું દામ્પત્યજીવન વેરવિખેર થાય, એવું કથાનક રજૂ થયું છે. સામાન્ય રીતે ર. વ. દેસાઈની વાર્તામાં સ્થૂળ ઘટના નિરૂપણ હોય છે. પરંતુ ‘વ્યવહારશુદ્ધિ’ વાર્તામાં લેખક માનસિક સંઘર્ષ સુધી પહોંચી શકયા છે. શીર્ષક્નો પ્રતીકાત્મક રીતે ઉપયોગ કરી કલાત્મક રીતે વાર્તા અંત પામે છે. ગરીબ પરિસ્થિતિને વશ થઈ પુરુષ ચોરી કરે અને સ્ત્રીઓ આર્થિક ઉપાર્જનાર્થે દેહવિક્રય તરફ વળે. આવું ઘણીખરી ગુજરાતી વાર્તામાં વ્યક્ત થયું છે. પણ ર. વ. દેસાઈ આ વાર્તામાં પતિ-પત્ની વચ્ચે એક આગવી સમજ દર્શાવીને આ જાણીતું કથાનક આકર્ષક અને આગવી રીતે વાચક સામે રાખે છે. ‘કવિની પ્રતિમા અને પત્ની’ વાર્તામાં લેખક-સાહિત્યકારનો મોભો અને આર્થિક સ્થિતિ વચ્ચે રહેલી અસમતોલતા બતાવે છે. ‘છગામ-બારગામ’ વાર્તા સાહિત્યિક દૃષ્ટિએ કે વાર્તાતત્ત્વની દૃષ્ટિએ કદાચ સામાન્ય કક્ષાની વાર્તા હોય, પરંતુ તેનો વિષય આજે વાર્તા લખાયાના સાત દાયકા પછી પણ પ્રસ્તુત છે. સ્ત્રીઓને લગ્ન કરી અન્ય યુવક સાથે આખું જીવન વિતાવવાનું હોય છે. તો સ્વાભાવિક છે આ યુવકની પસંદગીનો અધિકાર સ્ત્રીઓના હાથે હોય. પરંતુ આપણા સમાજમાં યુવક પસંદગીનો નિર્ણય માતાપિતાના હાથમાં હતો અને છે. સ્ત્રીઓ સાથે થતો આ અન્યાય વાર્તાનું મુખ્ય કથાવસ્તુ છે. ‘ધબકતાં હૈયાં’ વાર્તા એક વિશિષ્ટ પ્રણયકથા છે. સંજોગોને વશ થઈ વિદેશ ગયેલો નાયક વિદેશી કન્યાને પરણે છે, પરંતુ પ્રેમ તો દેશમાં રહેલી નાયિકાને જ કરે છે. અને નાયિકા પણ આ અન્ય યુવતી સાથે પરણેલા નાયકને પ્રેમ કરે છે. વાર્તાના પાત્રનાં નામ મોહન અને મીરાં છે. અને વાર્તાનું કથાનક પણ ક્યાંક ને ક્યાંક મીરાંબાઈની દંતકથાને મળતું આવતું છે. ‘ત્રણ નાયિકાઓ’, ‘કીર્તિઃ એક બહાદુર દીકરી’ આ કૃતિ વાર્તા નહિ પણ ટૂંકમાં દર્શાવેલા જીવનપ્રસંગ જેવી લાગે છે. ‘રેત સાથે લગ્ન’ અને ‘ભૂતની દિવાળી’ વાર્તામાં લેખક ભૂતપ્રેતની સૃષ્ટિના વિનિયોગ દ્વારા કથાવસ્તુ પ્રસ્તુત કરે છે.
‘હીરાની ચમક’ મુ. ભાઈસાહેબનો નવમો અને છેલ્લો વાર્તાસંગ્રહ (મરણોત્તર) છે. જે ઈ. સ. ૧૯૫૭માં આર. આર. શેઠની કંપની દ્વારા પ્રકાશિત થયો. જેમાં ૧૪ વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ વાર્તાઓ લેખકના જીવનના સંધ્યાકાળે લખાયેલી છે. તેથી મોટેભાગે આ વાર્તાઓનો વિષય પ્રાચીનશાસ્ત્ર કે ધાર્મિક કથાનક આધારિત છે. સંગ્રહની પ્રથમ વાર્તા ‘ગ્રામશિક્ષકનું એક ગૌરવ’માં શિક્ષક ગિરિજાશંકરની વાત છે. ગામઠી શાળાનું અન્ય શાળા સાથે વિલીનીકરણ થવાથી ગિરિજાશંકર નોકરી છોડે છે. નિવૃત્ત જીવન ગિરિજાશંકરને દુઃખી કરે છે. એવામાં ગિરિજાશંકરના શિક્ષણને લીધે જેનું સગપણ તૂટતાં બચી ગયું તે યુવતી જયા આવે છે. પોતાની શિષ્યાની સુખ સમૃદ્ધિ જોઈ ગિરિજાશંકરને સંતોષ થાય છે. અને પોતે કરેલી શિક્ષકની નોકરી પ્રત્યે ગર્વ થાય છે. ‘સાચી અર્ધાંગના’, ‘કલ્યાણી’, ‘દેહ અને દેહી’, ‘મોક્ષ’ આ વાર્તાઓ પ્રાચીન ઋષિની તથા યોગીઓની દંતકથા આધારિત છે. આ પ્રાચીન કથા લેખકની અર્વાચીન કલમે આવતાં મનોરંજક તો બને છે. પરંતુ તેમાં રહેલા વાર્તાતત્ત્વ બાબતે શંકા થાય એવું છે. તો ‘કુલશેખર’ અને ‘દૂધમાંથી અમૃત’ એ દક્ષિણ ભારતના બે ભક્તની જીવનકથા આધારિત વાર્તા છે. ‘જીવનઃ પ્રભુપ્રીત્યર્થે’, ‘કોણ શ્રેષ્ઠ? શૂદ્ર?’ અને ‘ભક્તિ કે પ્રભુકૃપા’ વાર્તાઓમાં લેખક ઈશ્વરભક્તિનો મહિમા વ્યક્ત કરે છે. ‘મારો એકનો એક આશ્રય’ વાર્તા દ્વારા લેખક ધર્મના નકાબ પાછળ થતાં ધતિંગ વાચક સમક્ષ મૂકે છે. ‘અણધાર્યો મેળાપ’ એ પ્રેમલગ્ન અટકાવતાં માતાપિતાને છોડીને ચાલ્યા જતા પુત્ર અમરની કથા છે. જેમાં વર્ષો પછી થતું પિતાપુત્રનું મિલન મહત્ત્વની ઘટના છે. સુંદર અને ગુણવાન પત્ની પામેલો પતિ પોતાની પત્નીના રૂપ પર માત્ર પોતાનો જ ઇજારો છે એવું માની બેસે છે અને આને લીધે પતિપત્ની વચ્ચે સંઘર્ષ થાય છે. આ કથા ‘રૂપનો ઇજારદાર’ વાર્તામાં આલેખાય છે. સંગ્રહની છેલ્લી વાર્તા ‘હીરાની ચમક’માં કથાવસ્તુ માટે ઘટનાઓ બનતી હોય એવી કૃત્રિમતા લાગે છે. જો વાર્તામાં આ કૃત્રિમતા ના હોત તો ઐતિહાસિક પાર્શ્વભૂમિમાં રચાયેલી આ વાર્તા બાદશાહ ઔરંગઝેબની એક જુદી બાજુને અસરકારક રીતે વાચક સમક્ષ પ્રસ્તુત કરવામાં સફળ થઈ હોત. ર. વ. દેસાઈના વાર્તાસંગ્રહોનો પ્રાથમિક પરિચય મેળવ્યા બાદ, આ સંગ્રહમાં રહેલી વાર્તાની વિશેષતા અને ક્ષતિ વિશે થોડી ચર્ચા કરીએ. ગુજરાતી ટૂંકીવાર્તા ગાંધીયુગ સુધીમાં તો વ્યવસ્થિત રીતે ખેડાતો સાહિત્ય પ્રકાર થઈ ગયો હતો. એવામાં લગભગ તમામ મહત્ત્વના લેખક પાસેથી ટૂંકીવાર્તા મળી છે. ધૂમકેતુ અને રા. વિ. પાઠક બંને ટૂંકીવાર્તા ક્ષેત્રે વધારે કાઠું કાઢેલા લેખક છે. ર. વ. દેસાઈનો સમયગાળો આ બંનેની આસપાસનો જ રહ્યો છે અને ર. વ. દેસાઈની વાર્તાઓ પણ ૧૪૦ જેટલી છે. પરંતુ આ વાર્તાઓ ધૂમકેતુ અને રા. વિ. પાઠકની બરોબરી કરી શકે એવી નથી. તો ક્યાંક ર. વ. દેસાઈ પોતે જ સ્વીકારે છે કે “સંખ્યામાં થતો વધારો શ્રેષ્ઠતા સૂચવતો નથી’. જેવું ર. વ. દેસાઈની નવલકથાનું ગણિત રહ્યું છે તેવું વાર્તાનું નથી. નવ જેટલા સંગ્રહ હોવા છતાં આજે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાંથી શ્રેષ્ઠ વાર્તાકારની યાદી બને તો એ યાદીમાં ર. વ. દેસાઈને સ્થાન મળવા વિશે શંકા જરૂર થાય. તો એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત ડિજિટલ, વાર્તાસંચય, ‘ગુજરાતી ટૂંકીવાર્તા-સંપદા’ (સં. મણિલાલ હ. પટેલ)માં ગુજરાતી ભાષામાં, ૧૯૧૮થી ૨૦૧૮ સુધીનાં એકસો વર્ષમાં લખાયેલી કેટલીક મહત્ત્વની અને પ્રતિનિધિરૂપ વાર્તાઓ સમાવવામાં આવી છે. તેમાં પણ ૨. વ. દેસાઈની વાર્તાને સ્થાન મળ્યું નથી. ગાંધીયુગના મહત્ત્વના સર્જક હોવા છતાં વાર્તાલેખન ક્ષેત્રે ર. વ. દેસાઈની નોંધ કેમ ઓછી લેવાય છે તે પ્રશ્નનો ઉત્તર તેમની ૧૪૦ જેટલી વાર્તાઓ જ આપે છે. જેની આગળ વાત કરીએ. ર. વ. દેસાઈ ગુજરાતી સાહિત્યમાં પોતાની નવલકથા માટે ખ્યાતિ પામ્યા છે તેવી રીતે વાર્તાકાર તરીકે પોંખાયા નથી. કેમ કે, એમની વાર્તાલેખન પ્રવૃત્તિ સામયિક સંચાલકોના આગ્રહને કારણે જ થયેલી છે એવું તે સ્વીકારે છે. “કોઈ કોઈ વખત ટૂંકી વાર્તાઓ લખવાનો પ્રસંગ મારે આવતો – ખાસ કરીને કોઈ માસિકના તંત્રીની માગણી હોય ત્યારે.’ તો સામયિક માટે લખેલી વાર્તાનું મુખ્ય પ્રયોજન મનોરંજન હોય છે, તેથી લેખક સ્વરૂપ સાથે વફાદાર રહેવાને બદલે મનોરંજન પીરસવામાં વધારે ધ્યાન આપે છે. ર. વ. દેસાઈ સાથે પણ આવું જ કાંઈક થયું છે. તો ક્યાંક નવલકથા માટે જે પ્રયુક્તિ ઉપકારક હોય તે વાર્તામાં ના હોય અને છતાં પણ તેનો વાર્તામાં ઉપયોગ થાય તો એ વાર્તા સ્વરૂપની દૃષ્ટિએ ચુસ્ત રહેતી નથી. તો પણ ર. વ. દેસાઈની કેટલીક વાર્તાઓ વખાણવાને લાયક છે એ નોંધનીય છે. નવલકથાકાર ર. વ. દેસાઈ, વાર્તાકાર ર. વ. દેસાઈને ઘણા ઉપયોગી થયા છે. નવલકથાનું પ્રવાહી ગદ્ય જ્યારે વાર્તામાં આવે છે ત્યારે સામાન્ય કથાનક ધરાવતી વાર્તા પણ વાચકને રસ પડે એવી બની જાય છે. ઘણી વાર્તામાં જોઈ શકાય છે કે વસ્તુસંકલના નબળી હોય પણ તે શ્રેષ્ઠ ગદ્યના પડદા નીચે ઢંકાઈ જવાથી ખાસ ધ્યાને આવતું નથી. તો કેટલીક વાર્તાનાં અમુક વિધાન આખી વાર્તાને એક નવો રંગ આપે છે. ‘વૃદ્ધસ્નેહ’ વાર્તામાં આવતું વિધાન ‘બધાંને એના વિના ચાલ્યું, તને ન ચાલ્યું દીકરી!’ કે ‘...આખો ઓરડો આંસુથી ભરાઈ જાય છે.’ જેવાં વિધાન પરિસ્થિતિને એક આગવી અસરથી વાચક સામે રાખી આપે છે. ‘ખરી મા’ વાર્તામાં માના સાન્નિધ્યની શીતળતા વિશે વાત કરવા લેખક વિધાન કરે છે, “હવે તેના મસ્તક ઉપર બરફ મૂકવાની જરૂર નહોતી. આજે તે માની અમૃતભરી સોડ પામ્યો હતો.’ આ રીતે ઘણી વાર્તાઓમાં આવાં હૃદયસ્પર્શી વિધાન જોઈ શકાય છે. ઉત્તમ વસ્તુસંકલના ઉત્તમ ગદ્ય વિના સંભવિત નથી એ આપણે સૌએ સ્વીકારવું જોઈએ. તો ઘણી વખત ઉત્તમ ગદ્ય વસ્તુસંકલનાની ખામીને ઢાંકી શકે છે. તે ર. વ. દેસાઈની વાર્તાના ગદ્યમાં જોઈ શકાય છે. પાત્રના ભાવ વ્યક્ત કરતી વખતે થતા વિધાનમાં ર. વ. દેસાઈ પોતાની કુશળતા દર્શાવી વાર્તાને એક નવો રંગ આપી શકે છે. ર. વ. દેસાઈના ગદ્ય વિશે વાત કર્યા બાદ તેમની વાર્તાઓની પાત્રસૃષ્ટિ બાબતે થોડી ચર્ચા કરીએ. ર. વ. દેસાઈની મોટાભાગની વાર્તાઓ નાયકપ્રધાન કહી શકાય એવી છે. અને આ નાયક Romanticismની નાયક વિભાવના મુજબ heroic values ધરાવતા હોય છે. તો જ્યારે નાયિકાની વાત આવે ત્યારે આ વાર્તાઓની નાયિકા સુંદર, ગુણવાન, મૃદુભાષી જ હોય છે. કેટલીક વાર્તાને બાદ કરતાં લેખકે નાયિકાને પુરુષ સમોવડી દર્શાવી નથી. આ સિવાય વાર્તામાં આવતાં મોટાભાગનાં પાત્ર ઉચ્ચવર્ગ અથવા ઉચ્ચ-મધ્યમ વર્ગનાં જ છે. અને જો કોઈક વાર્તામાં ગરીબ પાત્ર આવે તો એનું પાત્રાલેખન કૃત્રિમ લાગે એવું થયું છે. લેખક પોતે જે વર્ગમાંથી આવતા હતા તે વર્ગનું પાત્રાલેખન તે કુશળતાથી કરી શકે છે, પરંતુ વિશિષ્ટ પાત્રાલેખનમાં કૃત્રિમતા દેખાય છે. તો ઘણીવાર જરૂરથી વધારે સદ્ગુણો ધરાવતા નાયકને લીધે વાચક જે-તે પાત્ર સાથે જોડાઈ શકતો નથી. તો કેટલાંક પાત્રો કથાનકને યોગ્ય રીતે ન્યાય કરે એવાં છે. ‘પિતરાઈ’ વાર્તાના બંને ભાઈઓ, ‘પુનર્મિલન’નાં નાયક-નાયિકા, ‘સંગીતસમાધી’ વાર્તાનો સારંગધર, વગેરે આ વાતનું સમર્થન કરતાં પાત્ર છે. આ સિવાય ઘણી વાર્તામાં નાયક તરીકે સાહિત્યકાર આવે છે. લેખકને પોતાના અનુભવ આવી વાર્તાઓમાં વ્યક્ત કરવાનો અવકાશ મળી રહે છે. આવાં પાત્રો લેખક સારી રીતે ઉપજાવી શકે છે. સાહિત્યકારનું દામ્પત્યજીવન, આર્થિક પરિસ્થિતિ, થતી વિવેચના વિશેનો ખ્યાલ વગેરે જેવા સંઘર્ષને લીધે આવાં પાત્ર અત્યંત વાસ્તવિક અને જીવંત લાગે છે. લેખક પોતે શિક્ષિત અને યોગ્ય આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારમાંથી આવે છે. માટે ગરીબીનો તેમને પ્રત્યક્ષ અનુભવ ના હોય તે સ્વાભાવિક છે. તેથી કેટલીક વાર્તામાં આવાં ગરીબ પાત્રાલેખન કરતી વખતે લેખક કાચા પડે એવું નોંધી શકાય છે. ર. વ. દેસાઈની ઘણી વાર્તાઓ રહસ્યકથા કહી શકાય એવી છે. તો સામાન્ય વાર્તામાં પણ નાનાં-મોટાં રહસ્ય આવે છે. જે વાર્તાને અંતે પ્રગટ થાય છે. પરંતુ ર. વ. દેસાઈ આ રહસ્ય વાર્તાના અંત સુધી અકબંધ રાખી શકવામાં દરેક વખત સફળ થતા નથી. કેળવાયેલો વાચક વાર્તાના મધ્યમાં પહોંચે ત્યાં જ આ રહસ્યને પામી જાય છે, આ રહસ્યની જાણ થઈ ગયા બાદ કૃતિમાં વાચકનો રસ જળવાયેલો રહેતો નથી. ટૂંકીવાર્તા મીમાંસા કરતી વખતે ઘણા વિવેચકોએ વાર્તામાં રહસ્ય વિશે વાત કરી છે. ધૂમકેતુ જેવા ખ્યાતનામ વાર્તાકાર પણ સ્વીકારે છે કે વાર્તાના અંતમાં વીજચમકારનીજેમ રહસ્ય પ્રગટ થવું જોઈએ. પરંતુ ર. વ. દેસાઈ ઘણી વાર્તામાં આ ચમકારો કરવામાં અસફળ રહ્યા છે. તો ઘણી વખત અમુક ઘટના અવાસ્તવિક લાગે એવી હોય છે. કથાને આગળ વધારવા માટે યોજનાપૂર્વક કેટલીક ઘટનાઓ આવે છે જેથી વાર્તા સાહજિક લાગતી નથી. ‘હીરાની ચમક’ વાર્તામાં શરૂઆતમાં એક સાધુએ કરેલી ભવિષ્યવાણી સાર્થક થાય તે માટે યોજનાપૂર્વક અવાસ્તવિક રીતે ઔરંગઝેબને શરાબ પીવાનો પ્રસંગ મુકાયો છે. ‘પિતરાઈ’ વાર્તા આમ ઘણી સારી છે પણ વાર્તાને અંતે બંને ભાઈ વચ્ચે સમાધાન થશે એ પહેલાંથી જાણ થઈ જાય છે. ‘લગ્નની ભેટ’ વાર્તામાં પણ પિતાનું દેણું ચૂકવવા આવેલો નાયક સુરભીને પરણશે તે વાચકને આ બંને પાત્ર આવતાં જ ખબર થઈ જાય છે. આવું તો ઘણી વાર્તામાં બન્યું છે. છતાં, ‘અભિમાન ફણીધર’, ‘ખરી મા’, ‘રખવાળ’ વગેરે જેવી વાર્તાનો અંત લેખક છેલ્લે સુધી અકબંધ રાખી શક્યા છે. અનુ-આધુનિક કે સાંપ્રત વાર્તામાં જે રીતે નારીવાદની કે નારીસંવેદનની અસર છે. તેવી ગાંધીયુગમાં ન હતી તે તો જાણીતી વાત છે. પરંતુ જે રીતે રા. વિ. પાઠક કે ઉમાશંકર જોશી પોતાની વાર્તામાં સ્ત્રી સંવેદન વ્યક્ત કરી શક્યા છે તેમ ર. વ. દેસાઈ નથી કરી શક્યા. સ્થૂળ રીતે કેટલીક વાર્તાઓમાં લેખક સ્ત્રીનો પક્ષ લેતા દેખાયા છે. જે આખરે તો પુરુષનો દૃષ્ટિકોણ જ લાગે છે. સ્ત્રીના સૂક્ષ્મ સંવેદન સુધી પહોંચવામાં લેખક નિષ્ફળ રહ્યા છે. તો કેટલીક વાર્તામાં આવતાં સ્ત્રીઓ વિશેનાં વિધાનો ર. વ. દેસાઈ પુરુષપ્રધાનતાનું સમર્થન કરે તેવા લાગે છે. વ્યક્તિગત રીતે લેખક આવી વિચારધારાને સમર્થન કરતા નથી પણ ક્યાંકને ક્યાંક મનોરંજન માટે વાર્તામાં લેખક આવાં વિધાનો પ્રયોજે છે. દરેક સંગ્રહમાં લેખકનાં સ્ત્રીપાત્રો સાથે આવું જોવા મળતું નથી. ‘ઢીંગલા-ઢીંગલી’ જેવી બે-ત્રણ વાર્તામાં લેખક સૂક્ષ્મ સંવેદન સુધી પહોંચી શક્યા હોય એવું દેખાય છે. ‘ઘેલછા’ જેવી વાર્તામાં સ્ત્રીના પાત્રાલેખન સાથે તેનાં કાર્યો વિસંગત લાગે છે એ નોંધવું જોઈએ. સમાજસેવિકા બનેલી શિક્ષિત મહિલાને હીરા-જવારાતનો મોહ જાગે તે અયોગ્ય લાગે એવી વાત છે. આ સાથે અગાઉ કહ્યું એવી રીતે ર. વ. દેસાઈની મોટાભાગની વાર્તાઓ નાયકપ્રધાન છે. તેથી નિર્ણયશક્તિ, સત્તા, સિદ્ધિ, સમજદારી નાયકમાં હોય છે. આવી વાર્તાઓમાં સ્ત્રી એક સહાયક પાત્ર જ બની રહે છે. આમ તો આ સામાન્ય બાબત છે, પરંતુ આજના સમયની વાર્તા સાથે જ્યારે આ વાર્તાઓની તુલના કરીએ ત્યારે તેની સ્ત્રી છબી ઝાંખી દેખાય તે જરૂર નોંધનીય બાબત છે. ર. વ. દેસાઈની સમગ્ર વાર્તાઓનો અભ્યાસ કરતી વખતે બીજી એક મહત્ત્વની બાબત એ ધ્યાનમાં આવે છે કે ઘણી વાર્તામાં સમાન જેવું કથાનક જોવા મળે છે. તો ક્યાંક એક સરખી પ્રયુક્તિનો ઉપયોગ થયેલો જોઈ શકાય છે. આ વાત ઉદાહરણથી વધારે સ્પષ્ટ રીતે સમજીએ. ર. વ. દેસાઈની ‘સ્વર્ગદ્વાર’ અને ‘સતી અને સ્વર્ગ’ વાર્તામાં સમાન પ્રયુક્તિનો ઉપયોગ થયો છે. સ્વર્ગપ્રવેશ માટેની યોગ્યતા સંદર્ભે રહેલી ગેરસમજની વાત આ બંને વાર્તામાં થઈ છે. ‘સ્વર્ગદ્વાર’માં માલિક અને શેઠ વચ્ચે સ્વર્ગમાં જવાની સ્પર્ધા છે તો ‘સતી અને સ્વર્ગ’ વાર્તામાં પુરુષને સુધારવામાં પોલીસ બની ગયેલી પત્નીની વાત છે, બાકીની કથા સમાન છે. આ જ રીતે ર. વ. દેસાઈના નવ સંગ્રહમાં પાંચ-છ જેટલી વાર્તામાં ભૂત-પ્રેતની સૃષ્ટિ આવે છે. પોતાની વાત પ્રસ્તુત કરવા માટેની આ રીત આમ તો યોગ્ય છે, પણ જ્યારે એકથી વધારે વાર્તામાં એક જ રીતે કથા વ્યક્ત થાય ત્યારે આ વાર્તા મનોરંજક લાગતી નથી. ‘ભૂત’, ‘ચંદા’, ‘અવનવું ઘર’, ‘સત્યનાં ઊંડાણમાં’ અને ‘વરાળની દુનિયા’ આ બધી વાર્તામાં વિષય થોડા થોડા અલગ છે પણ ઘટના એક જેવી જ બને છે. નાયક કોઈ અજાણ્યા સ્થળે જાય છે અને ત્યાં તેને કોઈ ભૂત-પ્રેતની સૃષ્ટિનો અનુભવ થાય છે. એ પછી આ ભૂત થવા પાછળની ભૂતકાળની ઘટના (કથા) આલેખાય છે. આ એક ઢબે રચાયેલી એકથી વધારે વાર્તા લેખકની નબળી બાજુ દર્શાવે છે. આ સિવાય ‘ભૂતની દિવાળી’ વાર્તામાં પણ પહેલાંની વાર્તાઓને મળતી આવતી ઘટના જ બને છે. ‘ગીતસમાધી’ અને ‘કલાના શબ પર’ વાર્તાનું કથાનક પણ એક બીજાને મળતું આવતું જોઈ શકાય છે. તો આમ, ર. વ. દેસાઈની વાર્તાઓમાં વિષય કે ઘટનાનું પુનરાવર્તન થતું દેખાય છે. ર. વ. દેસાઈની વાર્તામાં ઘણી બાબતોમાં ક્ષતિ કાઢી શકાય, પરંતુ વિષયવૈવિધ્યની બાબતમાં આ લેખકની કોઈ ક્ષતિ કાઢી શકે નહિ. નવ સંગ્રહમાં પ્રકાશિત ૧૪૦ જેટલી ટૂંકીવાર્તામાં ભરપૂર વિષય વૈવિધ્ય જોઈ શકાય છે. લેખકનો અનુભવ, વાચન અને નવલકથા લેખન માટે કરેલા સંશોધનને પરિણામે ર. વ. દેસાઈને વાર્તા લખવા માટે કદી વિષયની ખોટ પડી નથી. તેમના કેટલાક વિષય તો આધુનિક વાર્તાની સમકક્ષ આવે તેવા છે. આપણે આગળ વાત કરી તેમ ર. વ. દેસાઈની મોટાભાગની વાર્તાઓ સામયિક માટે લખાયેલી છે. તેથી આવી વાર્તામાં વિષયવૈવિધ્ય હોવું અનિવાર્ય છે. છતાં ક્યારેક ર. વ. દેસાઈ વિષયનું પુનરાવર્તન કરે છે જેની વાત ઉપર થઈ છે. ર. વ. દેસાઈ સમાજના જુદા જુદા વર્ગની કથા વાર્તામાં સફળતાપૂર્વક આલેખી શકે છે. આ વાર્તાઓમાં પ્રાચીન પાત્રોની કથાઓ, મધ્યકાલીન ભક્તકવિના જીવન આધારિત વાર્તા, શહેરની સમસ્યા વ્યક્ત કરતી વાર્તા, ગામડાની સ્થિતિ દર્શાવતી કથાઓ, ગાંધીવિચાર પ્રેરિત કે સામ્યવાદી અસર ધરાવતી વાર્તાઓ, અસ્પૃશ્યતા કે જાતિભેદના પ્રશ્નો વ્યક્ત કરતી વાર્તા, તો ક્યાંક ધાર્મિકતા કે ફિલસૂફી વ્યક્ત કરતી વાર્તાઓ જોવા મળે છે. કેટલાક વિષયો એવા છે ગુજરાતી સાહિત્યમાં બહુ ઓછા લેખકના ધ્યાને આવ્યા છે. પણ ર. વ. દેસાઈ આ વિષયને આકર્ષક રીતે વાચક સમક્ષ રાખે છે. આજકાલ પ્રાણી-પશુ પ્રત્યે ઘણી અનુકંપા જન્મી છે અને તેના દેખાડા પણ ઘણા થાય છે. છતાં આ પશુઓ પ્રત્યેની અનુકંપા જોઈએ એટલી સાહિત્યમાં વ્યક્ત થયેલી દેખાતી નથી. જ્યારે ર. વ. દેસાઈ ‘સુલતાન’ અને ‘ડબામાંની ગાય’ વાર્તામાં આ વિષયને યોગ્ય ન્યાય આપે છે. ગુજરાતી વાર્તામાં પતિ-પત્નીના સંબંધને લગભગ દરેક વાર્તાકાર પોતાનો વિષય બનાવ્યો છે. એમ ર. વ. દેસાઈ પણ દાંપત્યજીવનની ઘણી વાર્તાઓ લખે છે. એમાંની કેટલીક વાર્તામાં વિશેષ રીતે આ સંબંધ અને પતિ-પત્ની વચ્ચેની આગવી સમજદારી વ્યક્ત થાય છે. માટે આ વાર્તાની નોંધ લેવી જરૂરી છે. ‘ભૂતકાળ ન જોઈએ’, ‘છેલ્લી વાર્તા’, ‘સિનેમા જોઈને’, ‘વ્યવહારશુદ્ધિ’ વગેરે જેવી વાર્તામાં લેખક વિશિષ્ટ રીતે પતિ-પત્ની વચ્ચેનો સંબંધ અને સમજણ આલેખે છે. આ સિવાય કોમી રમખાણ અને કોમી એકતાને પણ લેખક સરસ રીતે વાર્તામાં લઈ આવે છે. ‘મંદિરનું રક્ષણ’ જેવી વાર્તામાં સીધી વાત કર્યા વિના લેખક સફળ રીતે રાષ્ટ્ર-એકતાની વાત કરે છે. સમકાલીન રાજ્યતંત્ર અને રાજકારણ પણ કોઈ ને કોઈ રીતે ર. વ. દેસાઈની વાર્તામાં પ્રતિબિંબિત થતું રહે છે. સાહિત્યકારનું જીવન પણ લેખકનો પસંદગીનો વિષય છે તેમ કહી શકાય કેમ કે આ વિષયને લઈને ઘણી વાર્તા મળેલી છે. ગુનાખોરી અને ગુનેગાર સંબંધિત રહસ્યકથા પણ આપણને લેખક પાસેથી મળે છે. આમ, ર. વ. દેસાઈની વાર્તાસૃષ્ટિ બહુરંગી છે. જેમાં સમાજના રંગીન તથા ઝાંખા દરેક રંગને સ્થાન મળ્યું છે. આજકાલ જ્યારે સત્તાનાં ખોટાં વખાણ કરનાર સર્જક ઝડપથી સફળતા પ્રાપ્ત કરે છે. એવા સમયગાળામાં આપણને ર. વ. દેસાઈ જેવા લેખકની ખોટ જરૂર લાગે. સાહિત્યિક દૃષ્ટિએ કદાચ ર. વ. દેસાઈ શ્રેષ્ઠ ના કહી શકાય પરંતુ સત્ય કે વાસ્તવિકતા નિરૂપણમાં રમણલાલ બહાદુર હતા તે વાતમાં શંકાને સ્થાન નથી. આપણા સમાજની નબળાઈ હોય કે પછી સત્તાની, તેને વાર્તામાં વ્યક્ત કરવામાં ર. વ. દેસાઈ જરા પણ અચકાતા નથી કે ડરતા નથી. ર. વ. દેસાઈ અંગ્રેજ શાસન અને આઝાદ હિન્દ બંનેના વિષય આધારિત વાર્તાઓ આપે છે અને આ બે સમયની સમસ્યાનું તથા રાજકારણનું બાહોશ આલેખન પણ કરે છે. પ્રકૃતિ, સુંદરતા, રંગદર્શિતા આ બધુ સાહિત્ય કૃતિમાં હોય તેની ના નહિ. પરંતુ કેટલાક સાહિત્યકાર આ સુંદરતા અને રંગદર્શિતામાંથી બહાર આવી શકતા નથી. જ્યારે ર. વ. દેસાઈ આ વાસ્તવિકતા અને રંગદર્શિતા વચ્ચે યોગ્ય સંતુલન જાળવી રાખનાર સાહિત્યકાર છે. આ સાથે લેખક સ્વાનુભવને સર્વાનુભવ પણ યોગ્ય રીતે બનાવે છે. કેમ કે, ઘણી વખત લેખક પોતાના દૃષ્ટિકોણને આધારે લેખન કરે છે ત્યારે એ કૃતિ વાચક માટે દુર્બોધ બનતી હોય છે. ર. વ. દેસાઈની વાર્તામાં આ દુર્બોધતા પ્રવેશી નથી તે એક સકારાત્મક બાબત છે. દુર્બોધતાની વાત આવી તો સાથે એ નોંધવું પણ જરૂરી છે કે ઘણી વખત લેખક વાર્તાને સુબોધ બનાવવાની લાલચમાં અજાણતાં વાર્તાને નુકસાન પહોંચાડે છે. સામાન્ય રીતે કોઈ કૃતિનું હાર્દ વાચક સમજી શકે એવું સ્પષ્ટ હોવું જોઈએ. તે વાત સાચી છે, પરંતુ જ્યારે લેખક પ્રયત્નપૂર્વક પોતાની વાત સમજાવવા જાય છે ત્યારે વાર્તા સાથે અન્યાય થાય છે. અને આવું લેખકની ઘણી વાર્તામાં થયું છે. વધારે પડતી સ્પષ્ટતા કે સમજણ વાર્તાપ્રવાહને અવરોધક લાગે છે. તો કેટલીક વાર્તામાં લેખક પ્રાસ્તાવિક વાત કરે છે. જેને આમ વાર્તા સાથે સીધો કોઈ સંબંધ હોતો નથી. તે વાર્તામાં ભારરૂપ લાગે છે. જેમ કે ‘સ્ત્રી લાલિત્ય અને પુરુષદૃષ્ટિ’ વાર્તાની શરૂઆત. તો ઘણી વખત વાર્તાપ્રવાહ વચ્ચે લેખક પ્રત્યક્ષ સંવાદ કરે છે જે વાચકને અવરોધરૂપ બાબત લાગે છે. આ ઉપરાંત ર. વ. દેસાઈની ઘણી વાર્તા એવી છે કે જેમાં કેટલીક ઘટના બિનજરૂરી લાગે એવી છે. કદાચ વાર્તામાંથી તે ઘટનાઓ કાઢી નાખીએ તો કથાવસ્તુને ખાસ ફરક પડે નહિ. ‘ધંધોઃ ઘરકામ’ વાર્તાની શરૂઆતમાં વસતીગણતરીની ઘટના આવે છે જે વાર્તાના બે જેટલાં પૃષ્ઠમાં આલેખાયેલી છે પણ જ્યારે આખી વાર્તા વાંચીએ ત્યારે આ ઘટના વાર્તામાં બિનજરૂરી લાગે છે. આ સિવાય ઘણી વાર્તામાં આવી રીતે વધારાની ઘટના દર્શાવી છે જે આખરે વાર્તાને જ નુકસાનકારક સાબિત થાય છે. આમ, ૨. વ. દેસાઈની ૧૪૦ જેટલી વાર્તાઓમાં કેટલીક બાબત ખાસ છે તો કેટલીક ક્ષતિઓ પણ છે. આ બધા વિશે અહીંયાં મારા જ્ઞાન અને અભ્યાસ મુજબ ચર્ચા કરી છે. સાહિત્યજગતમાં ર. વ. દેસાઈ વાર્તાકાર તરીકે વધારે ખ્યાતિ પામ્યા નથી. પરંતુ વાચકના મનોરંજનમાં આ વાર્તાઓ ઘણી લોકપ્રિય બનેલી છે તે વાત સ્વીકારવી રહે. ગુજરાતી સાહિત્યમાં ઓછા વાર્તાકાર છે કે જેમણે ૧૪૦ જેટલી વાર્તાઓ લખી હોય. તેમાં ર. વ. દેસાઈનું સ્થાન આરક્ષિત છે. વાર્તાઓ ભલે સામાન્ય હોય પણ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં ર. વ. દેસાઈનું સ્થાન હંમેશા માટે નોંધાયેલું રહેશે અને સમયાન્તરે વિવિધ ઇતિહાસકાર કે વિવેચકો દ્વારા તેમની વિશેષતાઓ અને મર્યાદા વિશે ચર્ચા થતી રહેશે.
વેદાન્ત એ. પુરોહિત
એમ. એ., ગુજરાતી
મો. ૭૯૯૦૫૪૬૩૦૨
Email: vedantpurohit૨૧૧૨@gmail.com