ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/વહેણો અને વળાંકો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો

જયેશ ભોગાયતા

ભૂમિકા

એકત્ર ફાઉન્ડેશનનો ‘ગુજરાતી નવલકથાપરિચયકોશ’ સંકલન-સંપાદન : જયેશ ભોગાયતા પ્રકલ્પ વીજાણુ માધ્યમથી ઇ-બૂક સ્વરૂપે પ્રકાશિત થઈ ગયો છે. એ પરંપરામાં ‘ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો’ વિષયનો બીજો પ્રકલ્પ કરવાનો નિર્ણય કર્યો ત્યારે એકત્ર ફાઉન્ડેશનના સંવાહક અને સન્મિત્ર શ્રી અતુલભાઈ રાવલે સહર્ષ આવકાર આપ્યો હતો. આ નિર્ણયના દિવસોમાં અમે (સપરિવાર) કેનેડામાં હતા. ટોરન્ટો ડાઉન ટાઉનમાં આવેલી પબ્લિક લાયબ્રેરીમાં હું રોજ વાંચવા જતો. તા. ૨૭મી સપ્ટેમ્બર, ને બુધવારે ‘ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ’ વિષયને આકાર આપવા માટે એક માળખું તૈયાર કર્યું. ગુજરાતી નવલકથાપરિચયકોશની જેમ ટૂંકી વાર્તાના ઇતિહાસ માટે પણ એક વોટ્‌સઅપ ગ્રૂપ બનાવ્યું. ગુજરાતી નવલકથા પરિચયકોશ માટે જે મિત્રોને અધિકરણલેખન માટે નિમંત્રણ આપેલું તેમાંના અમુક અધિકરણલેખકમિત્રોને છોડીને મોટા ભાગના મિત્રોનું ગ્રૂપ બનાવ્યું ને તેમાં વિષયને આકાર આપવા માટેનું માળખું મૂક્યું હતું. એ વખતે માળખું હાથે લખેલું હતું પણ બે-ત્રણ મિત્રોએ તેની સરસ પીડીએફ બનાવીને ગ્રૂપમાં મૂક્યું હતું. ગુજરાતી ટૂંકી વાર્તાના ઇતિહાસલેખન માટે મેં શરૂઆતમાં બે કામ કર્યાં. પહેલું કામ, તે ગુજરાતી ટૂંકી વાર્તાકારોની યાદી અને બીજું કામ તે સમીક્ષકમિત્રોની યાદી. આ બે કામ પછી પસંદ કરેલા સમીક્ષકમિત્રોને એમનાં રસ-રુચિ, સર્જન-વિવેચન-સંશોધન અને પ્રકાશનોને ધ્યાનમાં રાખીને વાર્તાકારો વિશે લખવાનું નિમન્ત્રણ આપ્યું હતું. એ યાદીમાં ક્રમશઃ ઉમેરણો કરતો ગયો તો ક્રમશઃ તેમાંથી કેટલાંક નામને નાછૂટકે છોડતો ગયો. પ્રારંભે વાર્તાકારોની જે મહત્ત્વાકાંક્ષી યાદી તૈયાર કરી હતી તે અને સમીક્ષકમિત્રોની જે મહત્ત્વાકાંક્ષી યાદી તૈયાર કરી હતી તે આજે મૂળ સ્વરૂપે રહી નથી. તેનાં કારણોમાં મુખ્યે બે કારણો છે. પહેલું કારણ છે વાર્તાસંગ્રહોની નકલોનું ના મળવું ને બીજું કારણ છે નિમંત્રિત સમીક્ષકમિત્રોની ઉદાસીનતા અને સહકાર ન આપવાનું વલણ. આ બે કારણોને લીધે મહત્ત્વના પરંપરાગત અને આધુનિક વાર્તાકારો વિશેના સમીક્ષાલેખો પ્રથમ ખંડમાં સમાવી શક્યો નથી. સમીક્ષકમિત્રોની ઉદાસીનતા, અસહકારનું વલણ અને મેસેજીઝના જવાબો ન આપવા – આવી સ્થિતિમાં મેં જે મિત્રો ઉત્સાહ, આનંદ અને તત્પરતાથી સમીક્ષાલેખો લખી મોકલતા હતા તે મિત્રોને સતત નવા વાર્તાકારો વિશે લખવાનું સોંપતો ગયો. આ મિત્રોએ જો સહકાર ન આપ્યો હોત તો આજે પ્રકાશન સંભવિત થયું ન હોત. શ્રી માવજીભાઈ મહેશ્વરી, ડૉ. આરતી સોલંકી, ડૉ. સંધ્યાબેન ભટ્ટ, સુશ્રી નીતાબેન જોશી, સુશ્રી ગિરિમા ધારેખાન, શ્રી કિશોર પટેલ, ડૉ. અજય રાવલ, ડૉ. વિપુલ પુરોહિત, શ્રી કિશન પટેલ, શ્રી વેદાન્ત પુરોહિત, ડૉ. હીરેન્દ્ર પંડ્યા, સુશ્રી આશકા પંડ્યા, ડૉ. સુશીલા વાઘમશી, ડૉ. ભરત સોલંકી અને ડૉ. કિરણ ખેની. મારા મિત્રો અને વિદ્યાર્થીમિત્રો પાસેથી વધુ સંખ્યામાં સમીક્ષાલેખો મળવાની આશા હતી એ બધાંએ મને ખૂબ નિરાશ કર્યો છે. તેમ જ જે મિત્રોએ અનેક વાયદા કર્યા છતાં એક પણ સમીક્ષાલેખ આપ્યો નથી એમના પ્રત્યે હું અશાંત મનથી પ્રશ્નો કરતો રહ્યો. જો કે આ હકીકત માત્ર મારા સંદર્ભે છે એવું નથી. ઇતિહાસલેખનનું સંપાદન કરનાર કોઈ પણ સંપાદકને આ પ્રકારના ક્ષોભકારક અનુભવો થતા જ હોય છે. ઇતિહાસલેખનની આ નિયતિથી કોઈ પણ સંપાદક બચી શકતો નથી! પણ અંતે જે સત્ય મળ્યું તે એ કે સાથસહકાર, પ્રેમ, સદ્‌ભાવ, મિત્રતા અને હૂંફ આપનારા મિત્રોની સંખ્યા મોટી હોય છે. એનાથી જ આ કાર્ય સંપન્ન થયું છે. કેટલાક મિત્રોને સમીક્ષાલેખો નવેસરથી લખવા માટે સૂચનો કર્યાં છે એ લેખો બીજા ખંડમાં પ્રગટ થશે. મને મિત્ર વિપુલ પુરોહિતે નવા નવા સમીક્ષકોના નામ આપ્યા છે. શ્રી વિજયરાજસિંહ જાડેજા, શ્રી વિપુલ કાળિયાનીયા, શ્રી આશિષ ચૌહાણ, શ્રી આકાશ રાઠોડ, શ્રી આકાશ ચૌહાણ, સુશ્રી રિદ્ધિ પાઠક, શ્રી વીરેન પંડ્યા, શ્રી મનીષ સોલંકી, સુશ્રી કિરણ ખેની જેવા યુવામિત્રોનો સંપર્ક કરાવ્યો ને આ બધાં યુવામિત્રોએ સમીક્ષાલેખો નિયત સમયમર્યાદામાં તૈયાર કર્યા છે. એ જ રીતે મિત્ર મહેન્દ્રસિંહ પરમાર અને અજયસિંહ ચૌહાણે નવા મિત્રોના નામ સૂચવ્યાં હતાં. આ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. કેટલાક સમીક્ષકમિત્રોએ એમને સોંપેલ વાર્તાકારોના વાર્તાસંગ્રહો સ્વખર્ચે મંગાવીને લેખો તૈયાર કર્યા છે. કેટલાક મિત્રોએ જાહેર ગ્રંથાલયો અને મિત્રો પાસેથી વાર્તાસંગ્રહો મેળવ્યા છે. જરૂર પડી છે ત્યાં ઝેરોક્સ કૉપી પણ કરાવી છે. સાવ છેવાડે રહેતા મિત્રોએ વાર્તાસંગ્રહો મેળવવા માટે ખૂબ મહેનત કરી છે. આ મિત્રોએ નિરપેક્ષભાવથી સંદર્ભસામગ્રી મેળવીને મારા આત્મવિશ્વાસને ટકાવી રાખ્યો છે. એક તરફ કેટલાક મિત્રોની ઉદાસીનતા તો બીજી તરફ વાર્તાસંગ્રહો મેળવવા માટે પડતી પારાવાર મુશ્કેલીઓને કારણે હું મનોદાબની સ્થિતિમાં આવી જતો પરંતુ તેવા સમયમાં સંનિષ્ઠ મિત્રોના ટેકાએ મને હળવાશ આપી છે એ મિત્રોનું મારા હૃદયમાં કાયમ સ્થાન રહેશે. હું એ મિત્રોનો ઋણી છું. સંપાદનકાર્ય દરમ્યાન જે જે હકારાત્મક અને નકારાત્મક અનુભવો થયા છે એ અનુભવોને એક બોધકથા રૂપે વાંચતો હતો. તેમાં માનવીય વ્યવહારો, પુરુષાર્થો અને સંકલ્પો સાહિત્યના ઇતિહાસલેખનને કેવો ઘાટ આપે છે તે પ્રક્રિયાને જ હું સ્થિરભાવે અનુભવતો હતો. તેથી મનોદાબની ક્ષણો વખતે પણ સમીક્ષકમિત્રો સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કર્યો છે. ફરિયાદો નથી લખી પણ સતત સહકાર ઇચ્છ્યો છે. તેથી પ્રથમ ખંડની પ્રકાશન ક્ષણે સંપાદનકાર્ય અંતર્ગત પ્રાપ્ત સત્યનું દર્શન કરું છું. જેમાં બોધ છે, પ્રકાશ છે.

૦૦૦

પ્રસ્તુત સંપાદનકાર્યના વિષયમાં બે સંજ્ઞાઓ છે વહેણો અને વળાંકો. સાહિત્યના ઇતિહાસમાં, વિવિધ સાહિત્યસ્વરૂપોમાં તબક્કાવાર જે વળાંકો આવે છે, તેમનાં વહેણો દિશાઓ બદલે છે તેમની ગતિને સમજવા માટે સંદર્ભો અને પરિવર્તનકારી પરિબળોનો અભ્યાસ કરવો જરૂરી છે. સાહિત્યનો ઇતિહાસકાર વહેણો અને વળાંકો વચ્ચેના ભેદોને દર્શાવવા માટે ‘યુગ પરિવર્તન’ના વિભાવનો ઉપયોગમાં લે છે. યુગનું નામકરણ કરીને બદલાતા પ્રવાહોની વ્યાવર્તકતા સ્પષ્ટ કરે છે. આપણા ઇતિહાસકારોએ પ્રાચીનયુગ, મધ્યકાલીનયુગ, અર્વાચીનયુગ, પંડિતયુગ, ગાંધીયુગ, અનુગાંધીયુગ, આધુનિકયુગ અને અનુઆધુનિકયુગ એમ યુગવિભાજન વડે ગુજરાતી સાહિત્યના આશરે એક હજાર વર્ષના સળંગ ઇતિહાસમાં આવેલાં આંતરબાહ્ય પરિવર્તનો અને પરિવર્તનો લાવનારાં સઘળાં પરિબળોનો ઇતિહાસ રજૂ કર્યો છે. ગુજરાતી સાહિત્યનાં પ્રમુખ સાહિત્ય સ્વરૂપો કવિતા, નવલકથા, ટૂંકી વાર્તા, નટાક, આત્મકથા, જીવનકથાના સળંગ ઇતિહાસ ગ્રંથો લખાયા નથી. તેમાં અપવાદો મળે છે. ગુજરાતી ટૂંકી વાર્તાના ઇતિહાસલેખન માટે સંપાદક તરીકે માળખું દર્શાવતો એક પત્ર દરેક સમીક્ષકમિત્રને મોકલતો હતો અને માળખાંને અનુરૂપ સમીક્ષાલેખ લખવા માટે અપેક્ષા રાખતો હતો. આનું પરિણામ બે-ત્રણ સ્વરૂપે આવ્યું છે. કેટલાક મિત્રો મેં સૂચવેલ માળખાંને અનુસરીને સમીક્ષાલેખો તૈયાર કર્યા છે, કેટલાક મિત્રો મિશ્ર સ્વરૂપે અનુસર્યા છે. કેટલુંક નિયત માળખાં પ્રમાણે તો કેટલુંક પોતાના માળખાં પ્રમાણે. તો કેટલાક મિત્રોએ નિયત માળખાંને અનુસર્યા વિના સમીક્ષાલેખો પોતાની સ્વતંત્ર પદ્ધતિએ લખ્યા છે જો કે તેમાં સ્વૈરવિહાર નથી પણ એમની પોતાની વાર્તાસ્વરૂપની સમજ પ્રમાણે સંકલન-આકલનની પદ્ધતિએ સમીક્ષાલેખો લખ્યા છે. આ ત્રણેય પ્રકારના સમીક્ષાલેખોથી પ્રસ્તુત ઇતિહાસગ્રંથનું ઘડતર થયું છે. આ ત્રણ પદ્ધતિને કારણે એવો પણ અનુભવ થયો કે નિયત માળખાંને ન અનસુરીને નિયત પદ્ધતિની યાંત્રિકતાને તોડી પણ છે. જોકે ઉપર નોંધ્યું તેમ આ ત્રણ પદ્ધતિ યાદ્દચ્છિક નથી પરંતુ વિશિષ્ટ રીતે સંવાદી પણ બની છે. ધૂમકેતુ, પન્નાલાલ પટેલ, વર્ષા અડાલજા, હિમાંશી શેલત જેવા વાર્તાકારો કે જેમના વાર્તાસંગ્રહો મોટી સંખ્યામાં છે એમના સમીક્ષાલેખોની પૃષ્ઠસંખ્યા મોટી રહી છે. તેમાં પણ ધૂમકેતુ અને પન્નાલાલ પટેલ વિશેના સમીક્ષાલેખો કદમાં મોટા છે. આનો ફાયદો એ થયો છે કે વાર્તારસિક સહૃદય મિત્રને આપણા બે સમર્થ વાર્તાકારોની વાર્તાસૃષ્ટિનો પરિચય મળી રહેશે. (જોકે ધૂમકેતુના ૨૫ સંગ્રહોમાંથી ૧૮ સંગ્રહો વિશે લેખો મળ્યા છે, તો પન્નાલાલ પટેલના ૨૮ સંગ્રહોમાંથી પણ ૧૮ સંગ્રહો વિશે લેખો મળ્યા છે.) ગુજરાતી ટૂંકી વાર્તાનો આરંભ અને તેમાં આવેલાં મહત્ત્વનાં પરિવર્તનો વિશેનો તબક્કાવારનો ઇતિહાસ ગ્રંથ લખાયો નથી પરંતુ નિયત તબક્કાથી શરૂ કરીને મહત્ત્વનાં વળાંકો અને પરિવર્તનો રજૂ કરતા સ્વાધ્યાયલેખો મળે છે. ‘ગુજરાતી સાહિત્ય વિવેચનમાં ટૂંકી વાર્તાની સ્વરૂપવિચારણા’ નામના મારા સંપાદનગ્રંથના પ્રથમ ખંડમાં આ પ્રકારના સ્વાધ્યાયલેખોનું સંકલન છે. તેમાં ધૂમકેતુ પૂર્વેના તબક્કાનો પરિચય આપતો મારો સ્વાધ્યાયલેખ ‘અભિવ્યાપ્તિ’ વિવેચનગ્રંથમાં છે. (‘અભિવ્યાપ્તિ’, જયેશ ભોગાયતા, પ્ર. આ. ૨૦૧૯) આ સામગ્રી સાથે અન્ય સામગ્રીનું સંકલન કરીએ તો ગુજરાતી ટૂંકી વાર્તાનો વિહંગાવલોકન પ્રકારનો ઇતિહાસ જરૂર મળે છે. સ્વાધ્યાયલેખો, સંપાદનો, વાર્ષિક સંપાદનો, વાર્તાના વિશેષાંકો, એક જ વાર્તાકારની સમગ્ર વાર્તાસૃષ્ટિના સંકલનો-સંપાદનો, વાર્તાકારોના સ્વતંત્ર સંપાદનો અને પસંદગીના વાર્તાકારોને કેન્દ્રમાં રાખીને થયેલા સંશોધનો અને તેમનાં ગ્રંથસ્વરૂપે પ્રકાશનો – એમ વિવિધ સ્વરૂપના સંચયો – સંકલનો-સંપાદનો-સંશોધનોનું ઇતિહાસદૃષ્ટિથી વાચન કરીએ તો ગુજરાતી ટૂંકી વાર્તાનાં વહેણો અને વળાંકોનો પરિચય જરૂર મળે છે. સુન્દરમ્‌ના ‘અર્વાચીન કવિતા’ (પ્ર. આ. ૧૯૪૬) જેવો ઇતિહાસગ્રંથ લખવા માટે ઉપરોક્ત સામગ્રી ખૂબ જ ખપમાં લાગે તેવી સમૃદ્ધ છે. ગુજરાતી ટૂંકી વાર્તાના ઇતિહાસગ્રંથનું સંપાદન કરવા માટે ઘણા સમયથી મનમાં આયોજનો વિચારતો હતો. તેમાં ગુજરાતી નવલકથાપરિચયકોશના પ્રકાશને હિંમત આપી. ને અતુલભાઈ રાવલને પ્રસ્તાવ મોકલ્યો. અતુલભાઈએ સહર્ષ આવકાર આપ્યો. ને મનમાં ઘડાતા નકશાને આકાર આપવા માટે શરૂઆત કરી. એક માળખું તૈયાર કર્યું. તેમાં મેં વાર્તાકારના જન્મવર્ષ પ્રમાણે એક યાદી તૈયાર કરી. અને સમીક્ષકમિત્રોને લખવાની જવાબદારી સોંપી. એ સમયે મારા મનમાં ગુજરાતી ટૂંકી વાર્તાના છ તબક્કાના એક સળંગ ઇતિહાસગ્રંથનું સંપાદન કરવાનો વિચાર હતો જ. મારા યુજીસીના બે પ્રોજેક્ટના વિષય પણ ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ અને ટૂંકી વાર્તાની કાવ્યમીમાંસાને વિશેના હતા. તેમાં યુજીસીના મેજર રિસર્ચ પ્રોજેક્ટનો વિષય હતો ગુજરાતી ટૂંકી વાર્તાના છ તબક્કા પરંતુ તે પ્રોજેક્ટમાં તો હું ઇતિહાસલેખન માટેની કેટલીક આધાર સામગ્રી જ મેળવી શક્યો એ આધાર સામગ્રીમાંથી ત્રણ પ્રકાશનો કર્યાં. (૧) ધૂમકેતુ પૂર્વેની ગુજરાતી ટૂંકી વાર્તા અને (૨) અને (૩) ગુજરાતી સાહિત્યવિવેચનમાં ટૂંકી વાર્તાની સ્વરૂપવિચારણા ખંડ એક અને બે (પ્ર. આ. ૨૦૧૬) કેટલાક લેખો પણ લખ્યા. (૧) ગુજરાતી ટૂંકી વાર્તા : ૧૯૫૫થી ૨૦૦૦ (૨) ગુજરાતી ટૂંકી વાર્તાસર્જનનો પ્રથમ તબક્કો (૩) ગુજરાતી ટૂંકી વાર્તાનો પાંચમો તબક્કો. મારો શોધનિબંધ ‘આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તામાં ઘટનાતત્ત્વનું નિરૂપણ’ (૧૯૫૭થી ૧૯૯૨) (પ્ર. આ. ૨૦૦૧) અને ‘સંક્રાન્તિ’ (પ્ર. આ. ૧૯૯૪) સર્જાતી ગુજરાતી ટૂંકી વાર્તાનું સંપાદન જેમાં દસમા દાયકાની વાર્તાઓ સંપાદિત કરી છે. ઉપરોક્ત શોધનિબંધ, સંપાદનગ્રંથો અને સ્વાધ્યાયલેખોમાં નિયત સ્વરૂપના ઇતિહાસલેખનની સામગ્રી છે. આ સામગ્રીએ મને પ્રસ્તુત ઇતિહાસલેખન માટેનું માળખું આપ્યું છે. બીજી મહત્ત્વની વાત એ છે કે પ્રસ્તુત ગ્રંથ એ સંપાદન છે જેમાં મારી સાથે બીજા સમીક્ષકમિત્રોના લેખો છે. એટલે એ બધા લેખો ગુજરાતી ટૂંકી વાર્તાનો પરિચયાત્મક આલેખ રજૂ કરે તે મુખ્ય આશય છે. આ ઇતિહાસ ગુજરાતી ટૂંકી વાર્તાનો સ્વરૂપકેન્દ્રી ઇતિહાસ નથી. ગુજરાતી ટૂંકી વાર્તાના ઘટકતત્ત્વોમાં સમયાંતરે થતાં આંતરબાહ્ય પરિવર્તનોનો પણ ઇતિહાસ નથી. ગુજરાતી ટૂંકી વાર્તામાં સતત બદલાતી વિષયસામગ્રી અને નિરૂપણરીતિનો ઇતિહાસ નથી. તો પછી આ ઇતિહાસનું સ્વરૂપ શું છે, તેના આશય શું છે તેની સ્પષ્ટતા કરું. ગુજરાતી ટૂંકી વાર્તાના ઇતિહાસલેખનનો આ પ્રથમ પ્રયત્ન છે જેમાં ગુજરાતી ટૂંકી વાર્તાના આરંભકાળથી શરૂ કરીને સમકાલીન વાર્તાકારો વિશેના સમીક્ષાલેખો છે. સંપાદનગ્રંથની અનુક્રમણિકા જોતાં આ વાત સ્પષ્ટ થશે. પહેલા વાર્તાકાર કવિ દલપતરામ છે જેમનું જન્મવર્ષ ૧૮૨૦ છે! ને ક્રમમાં છેલ્લા વાર્તાકાર રામ મોરી છે જેમનું જન્મવર્ષ ૧૯૯૩ છે! ને બીજા ખંડમાં કદાચ રામ મોરી પછીના પણ કોઈ વાર્તાકારનો ઉમેરો થઈ શકે. પ્રથમ ખંડમાં કુલ ૧૩૫ વાર્તાકારો છે. હવે જો આંકડાની દૃષ્ટિએ કોઈ ગણતરી કરે તો પરિણામ ખૂબ જ આશ્ચર્યજનક મળે કે ગુજરાતી ટૂંકી વાર્તાના સંખ્યાબંધ વાર્તાસંગ્રહોનો પરિચય આ એક જ ગ્રંથમાં સૌ પ્રથમવાર ઉપલબ્ધ થયો છે. હવે ધારો કે જો કોઈ વાચક ગંભીરતાપૂર્વક કવિ દલપતરામથી શરૂ કરીને રામ મોરી સુધીના વાર્તાકારો વિશેના સમીક્ષાલેખોનું સળંગ વાચન કરે તો એ વાચકને ગુજરાતી ટૂંકી વાર્તાના વિષયો, વાર્તાકારની સર્જકતા, વાર્તાકારની માનવસમાજ પ્રત્યેની અને ટૂંકી વાર્તા કલા પ્રત્યેની નિસ્બતનો પરિચય થશે. સમીક્ષાલેખના માળખામાં બે મહત્ત્વના મુદ્દા છે. એક, વાર્તાકારનો યુગસંદર્ભ અને બે, વાર્તાકારની ટૂંકી વાર્તા સ્વરૂપ વિશેની સમજ કે વિભાવના. અને બે, વાર્તાકારનો જીવનસંદર્ભ અને વાર્તાસંગ્રહોની સમીક્ષા. આ ચાર મુદ્દાને બધા સમીક્ષકો નથી અનુસર્યા પણ તેમ છતાં અપ્રગટપણે પણ ચાર મુદ્દાકેન્દ્રી લેખો તો મળે છે. હવે જો પેલો ગંભીર વાચક આ ઇતિહાસગ્રંથનું સળંગ વાચન કરે તો જે પરિણામ એમને મળે તેની વાત કરું. ગંભીર વાચકને ગુજરાતી સાહિત્યના ઇતિહાસનું જ્ઞાન છે, પરિચય છે, યુગવિભાજિત ઇતિહાસથી પરિચિત છે તો એ વાચકને ગુજરાતી ટૂંકી વાર્તાના છ તબક્કકા મહત્ત્વના વાર્તાકારોની વાર્તાસૃષ્ટિનો પરિચય થશે. એ છ તબક્કા છે ધૂમકેતુ પૂર્વેની ગુજરાતી ટૂંકી વાર્તા, ધૂમકેતુથી પન્નાલાલ પટેલ સુધીનો અર્વાચીન તબક્કો, પૂર્વ આધુનિકયુગનો તબક્કો જેમાં જયંત ખત્રી, ચુનીલાલ મડિયા, જયંતિ દલાલ, બકુલેશ, વનુ પાંધી, કેતન મુનશી અને લક્ષ્મીકાન્ત ભટ્ટ મુખ્ય છે, આધુનિકયુગ જેમાં સુરેશ હ. જોષી, કિશોર જાદવ, મધુ રાય, સુમન શાહ, રાધેશ્યામ શર્મા, ઘનશ્યામ દેસાઈ, પ્રબોધ પરીખ મુખ્ય છે. આ આધુનિકયુગમાં પરંપરા અને આધુનિકતાનું બંનેનું અનુસંધાન જાળવતા વાર્તાકારો છે તેમાં મુખ્ય છે રઘુવીર ચૌધરી, રાવજી પટેલ, અશ્વિન દેસાઈ, વીનેશ અંતાણી, રાજેશ અંતાણી, ઈવા ડેવ, સુધીર દલાલ, વિભૂત શાહ, ધીરુબેન પટેલ, વર્ષા અડાલજા, ઈલા આરબ મહેતા, કુન્દનિકા કાપડિયા મુખ્ય છે. અનુઆધુનિકયુગના વાર્તાકારોમાં મોહન પરમાર, હિમાંશી શેલત, મણિલાલ હ. પટેલ, અજિત ઠાકોર, કિરીટ દૂધાત, હર્ષદ ત્રિવેદી, રમેશ ર. દવે, બિપિન પટેલ, અનિલ વ્યાસ, શિરીષ પંચાલ, બિન્દુ ભટ્ટ મુખ્ય છે. એ પછીનો તબક્કો તે છેલ્લા એક દાયકાની વાર્તાઓનો. જે વાર્તાઓને કોઈ યુગલક્ષી સંજ્ઞાથી ઓળખાવી શકાઈ તેવી નથી. તે પ્રકારની વાર્તાઓના વાર્તાકારોમાં અજય સરવૈયા, બાબુ સુથાર, જયેશ ભોગાયતા, દશરથ પરમાર, પ્રભુદાસ પટેલ, સંજય ચૌહાણ, મહેન્દ્રસિંહ પરમાર, સાગર શાહ, અભિમન્યુ આચાર્ય, પન્ના ત્રિવેદી, રામ મોરી, ધર્મેશ ગાંધી મુખ્ય છે. ભરત નાયકે ત્રણ વાર્તાઓ લખી છે તેમાં બે વાર્તાનું વિષયવસ્તુ અને નિરૂપણરીતિ આધુનિક છે, ને એક વાર્તા નિસર્ગવાદી શૈલીવાળી છે. આ વાર્તાઓ અગ્રંથસ્થ છે. કિશન પટેલે લખેલો આ ત્રણ વાર્તાઓ વિશેનો સમીક્ષાલેખ વાંચતા તમને વિશેષ પરિચય મળશે. હવે આ પ્રત્યેક તબક્કાની વાર્તાઓનાં વહેણો અને વળાંકોનો ટૂંકમાં પરિચય મેળવીએ. ધૂમકેતુ પૂર્વેની ગુજરાતી ટૂંકી વાર્તાના તબક્કા વિશે અગાઉ જે કહેવાયું છે કે લખાયું છે કે એ વાર્તાઓ મુખ્યત્વે હાસ્યપ્રધાન નર્મ-મર્મ કટાક્ષ શૈલીની અને બોધપ્રધાન હતી, સુધારાવાદી હતી. સામાજિક રૂઢિઓ અને અંધશ્રદ્ધાનો વિરોધ કરતી વાર્તાઓ હતી. પરંતુ આવાં નિરીક્ષણો કે તારણો સાવ જ અધૂરાં છે, નિરાધાર છે, અભ્યાસ વિનાનાં છે. અંબાલાલ સાકરલાલ દેસાઈની એક માત્ર વાર્તા ‘શાન્તિદાસ’, કનૈયાલાલ મુનશીની ‘શામળશાનો વિવાહ’ સિવાયની વાર્તાઓમાં ‘ખાનગી કારભારી’ કે ‘અગ્નિહોત્રી’, ધનસુખલાલ મહેતાની ‘બીજવર’, ‘ભૂતના ભડકા’ અને ‘બા’, લીલાવતી મુનશીની ‘ઝાંઝવાના જળ’ અને ‘જશોદાનો જીવનવિકાસ’ કલ્યાણરાય જોષીની ‘સ્વર્ગસ્થ પત્નીનો પત્ર’ વાર્તા, રણજિતરામ વાવાભાઈ મહેતાની ‘માસ્તર નંદનપ્રસાદ’ અને ‘ખવાસણ’ વાર્તા, ઇન્દુલાલ યાજ્ઞિકની છ વાર્તાઓનો સંગ્રહ ‘કુમારનાં સ્ત્રીરત્નો’ જેવા વાર્તાકારોની વાર્તાઓનું સઘન વાચન કરવાથી તેમની નવી ઓળખ મળે છે. આ વાર્તાઓમાં સ્વદેશભાવના, ભારતીય સંસ્કૃતિના વિનિપાતનો આઘાત સહન ન થતાં આત્મહત્યા કરતાં પાત્રોની વ્યથા, કોમળ પ્રણયભાવનાને રુંધી નાખતો સામાજિક દૃષ્ટિકોણ, સ્ત્રીજીવનને પુરુષસત્તાથી થતો અન્યાય, યંત્રસંસ્કૃતિથી દમિત સંવેદનશીલ પાત્રના પ્રલાપો અને નિરર્થકતાના અનુભવો – આમ નવા જ વિષયોની વાર્તાઓ મળે છે. (સંદર્ભ : નવલિકાસંગ્રહ પુસ્તક ૧લું અને ૨જું, સં. રામચન્દ્ર શુક્લ, ‘ધૂમકેતુ પૂર્વેની ગુજરાતી ટૂંકી વાર્તા’, સં. જયેશ ભોગાયતા) જેવા સંપાદનોનો અભ્યાસ કરવાથી પ્રથમ તબક્કાની વાર્તાઓ વિશેનાં અલ્પ અભ્યાસને કારણે અગાઉ મળેલાં તારણો અધૂરાં સાબિત થશે. મલયાનિલની ‘ગોવાલણી’ સિવાયની બીજી સારી વાર્તાઓ તરફ ધ્યાન નથી ગયું કારણ કે મલયાનિલની વાર્તાઓ ગ્રંથસ્થ થાય છે ઈ. સ. ૧૯૩૨માં સંપાદક ભાનુમતી મહેતા. મલયાનિલનાં પત્ની! બીજાં કારણોમાં સામયિકોમાં પ્રકાશિત વાર્તાઓનો પરિચય ન હતો. પરંતુ ‘બુદ્ધિપ્રકાશ’, ‘સુંદરી સુબોધ’, ‘સાહિત્ય’ જેવાં સામયિકોમાં પ્રકાશિત વાર્તાઓને શ્રી વીરચંદભાઈ ધરમશીએ ‘ગદ્યપર્વ’ના અંકોમાં ફરી પ્રગટ કરી ત્યારે એ વાર્તાઓની ગુણવત્તાનો પરિચય થયો. રામચન્દ્ર શુક્લનાં બંને સંપાદનો તો ૧૯૨૯ અને ૧૯૩૧નાં વર્ષમાં પ્રગટ થયાં હતાં પણ એ બંને સંપાદનો અંધારામાં જ રહ્યાં! ૨૦૧૧માં બંને સંપાદનોની નવી આવૃત્તિ મેં પ્રગટ કરી. પ્રકાશક ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર. આનો સાર એ છે કે પ્રથમ તબક્કાની વાર્તાઓ વિશે આ ઇતિહાસગ્રંથમાં સમીક્ષાલેખો મળશે. એ સમીક્ષાલેખો સાથે અગાઉ જે લેખોનો નિર્દેશ કર્યો છે તેનું પણ સાથે વાચન કરવાથી પ્રથમ તબક્કાની વાર્તાની સમૃદ્ધિનો પરિચય થશે. બીજો તબક્કો ધૂમકેતુથી શરૂ કરીએ : ધૂમકેતુની ટૂંકી વાર્તા અને ટૂંકી વાર્તાની વિભાવના પુરોગામી વાર્તાકારોથી જુદી પડે છે. ધૂમકેતુની ટૂંકી વાર્તાથી ગુજરાતી ટૂંકી વાર્તાનું વહેણ નવી દિશામાં ગતિ કરે છે. ધૂમકેતુની ટૂંકી વાર્તા વિશેની સમજ અને સ્વરૂપસભાનતા પ્રાચીન ભારતીય કથાસાહિત્ય અને પશ્ચિમના વાર્તાકારોથી ઘડાયેલી છે. ટૂંકી વાર્તા વિશેની સ્વરૂપવિચારણા ધૂમકેતુ પૂર્વે ડાહ્યાભાઈ લક્ષ્મણભાઈ પટેલ અને રણજિતરામ મહેતા પાસેથી મળે છે ખરી પરંતુ ટૂંકી વાર્તા એ વ્યંજનાની કળા છે, લાઘવ અને ચુસ્ત આકારની કળા છે ને તેમાં કથનકેન્દ્ર અને વર્ણનો જેવાં ઘટકોની મુખ્ય ભૂમિકા હોય છે તે વાત પર ધૂમકેતુ વિશેષ ભાર મૂકે છે. ધૂમકેતુની પ્રકૃતિ એક તરફ ભારોભાર રંગદર્શી છે તો બીજી તરફ જીવનના આદર્શો અને નૈતિક મૂલ્યોનું જતન કરવાની આગ્રહી છે. માનવીય વાસ્તવજગતને ભાવનામય દૃષ્ટિથી નિહાળવાની પ્રકૃતિને કારણે માનવહૃદયના ભાવોનું નિરૂપણ કરે છે. ‘તણખા’ના ચારેય મંડળની પ્રસ્તાવનાઓ, અંગ્રેજી વાર્તાકારોનાં મૂકેલાં અવતરણો અને વાર્તાની સામગ્રી ક્યાંથી મળી છે, કેવી રીતે મળે છે તેના ઉલ્લેખો આ ત્રણ બાબતો પુરોગામીથી નવી છે. એમનો ‘ગુજરાતી નવલિકાનો ઇતિહાસ’ નામનો લેખ ગુજરાતી ટૂંકી વાર્તાના પ્રથમ તબક્કા વિશે ખૂબ જ અગત્યની માહિતી આપે છે. ધૂમકેતુની ૪૦ વર્ષ લાંબી (૧૯૨૬–૧૯૬૫) ટૂંકી વાર્તાની સર્જનયાત્રા અને ૨૮ વાર્તાસંગ્રહોની આશરે ૫૦૦ વાર્તાઓ એમને ગુજરાતી ટૂંકી વાર્તાના ઉત્તમ વાર્તાકાર તરીકે સિદ્ધ કરે છે. ધૂમકેતુ ગુજરાતી ટૂંકી વાર્તાના સમર્થ સર્જક છે. એ વાર્તાકારોના પણ વાર્તાકાર હતા. એમની ભાવનાપ્રધાન પાત્રસૃષ્ટિ અને જીવનમૂલ્યોની સ્થાપના કરતી તાત્ત્વિક દૃષ્ટિનો પ્રભાવ અનુગામી વાર્તાકારો પર પડ્યો છે. માનવહૃદયની ઊર્મિઓ, ભાવનાઓ, માનવપ્રેમ, પ્રકૃતિપ્રેમ, પશુપંખી પ્રેમ, સમાજના ઉપેક્ષિતો પ્રત્યેની અનુકંપા, હૃદયના તીવ્ર આવેગો અને ઝંખનાઓ, સમાજના નીચલા થરનાં પાત્રોની ઉદાત્તતા, લોકજીવનનો પરિચય, લોકકથાની કથનશૈલીનો વિનિયોગ, લોકકથાનાં પાત્રોની ખુમારી અને ઉદાત્તતા, અમાનુષી તત્ત્વોની જિજીવિષા વગેરે અનેક સ્તરનું વિષય વૈવિધ્ય એમની વાર્તાઓ વડે પ્રગટ થયું છે. સુધારાવાદી અને મનોરંજન આપવાના ખ્યાલથી ભારેખમ બની ગયેલી ટૂંકી વાર્તાનો મેદ ઘટાડી દીધો ને હળવી ફૂલ પતંગિયા જેવી નાજુક વાર્તાઓએ વાચકહૃદયને સમૃદ્ધ કર્યું. જીવનને જોવાની નવી દૃષ્ટિ આપી. જોકે ધૂમકેતુના સમકાલીન વાર્તાકાર દ્વિરેફની વાર્તાઓ જુદી પડે છે. દ્વિરેફની વાર્તાનાં વિશિષ્ટ ચાલકબળો છે, ભારતીય કાવ્યમીમાંસાનો ઊંડો સ્વાધ્યાય, સાહિત્યકળાના આચાર્ય, સંસ્કૃત આચાર્યોની કાવ્યમીમાંસા, બુદ્ધિ અને તર્કશક્તિને પ્રાથમિકતા, માનવીય સ્વભાવની વિસંગતિઓનું દર્શન, માનવીય સંબંધોની સંકુલતા અને તેમાં જોવા મળતી નકારાત્મક અને વિનાશકારી વૃત્તિઓનું આકર્ષણ. ધૂમકેતુની વાર્તાઓ અને દ્વિરેફની વાર્તાઓ ટૂંકી વાર્તાના જુદી જુદી દિશામાં વહેતા બે પ્રવાહો હતી જેનાં વહેણોની ગતિમાં, ધ્વનિમાં ઘણું જુદાંપણું હતું. આગવી ઓળખ જેવું હતું. આ બે પ્રવાહોના પ્રભાવે ગુજરાતી ટૂંકી વાર્તાનો બીજો તબક્કો સમૃદ્ધ બન્યો. નવા વાર્તાકારોને ઘડ્યા. તેમાં વાર્તાના સ્થળ-સમય-પ્રદેશો બદલાયાં પણ વાર્તાલેખન પર તો આ બે સમર્થ વાર્તાકારોનો પ્રભાવ રહ્યો. ધૂમકેતુ-દ્વિરેફ પછીની વાર્તાઓનું કેન્દ્ર જનપદ બને છે. જનપદની સૃષ્ટિનું વાસ્તવ ઝવેરચંદ મેઘાણી, સુન્દરમ્‌, ઉમાશંકર જોશીની વાર્તાસૃષ્ટિ જનપદની પાત્રસૃષ્ટિ છે. લોકજીવનનાં પાત્રો છે. જીવનના પ્રશ્નો નવા છે, સમસ્યાઓ જુદી છે, મનુષ્યના મનોવાસ્તવની વિરૂપતા અને કામના આવેગોની સૃષ્ટિ છે. મનુષ્યની ક્રૂરતાનું ભયાનક રૂપ છે. વેરભાવ, સ્પર્ધાભાવ, જ્ઞાતિભેદ, વર્ણભેદ, ગરીબ-તવંગરના ભેદનું કડવું વાસ્તવ પ્રગટ થાય છે. પણ વાર્તાલેખન પર બંને પુરોગામી ધૂમકેતુ અને દ્વિરેફની લેખનરીતિનો પ્રભાવ રહ્યો. ધૂમકેતુની ઊર્મિલ દૃષ્ટિનો પ્રભાવ સવિશેષ પડ્યો છે. એ પ્રભાવ ઝીલનારા અન્ય વાર્તાકારોમાં બે મુખ્ય છે ર. વ. દેસાઈ અને સ્નેહરશ્મિ. બંને નગરજીવનના વાર્તાકારો છે. ર. વ. દેસાઈની વાર્તામાં ક્યાંક ગામડું છે ખરું પણ એ કલ્પનાનું ગામડું છે. જોકે સુન્દરમે ધૂમકેતુની વાયવીય પાત્રસૃષ્ટિની સખત ટીકા કરી છે. એ સૃષ્ટિ વાસ્તવજગતની છે જ નહીં માત્ર કાલ્પનિક છે. એમના વાર્તાનાં પાત્રો જેવાં પાત્રોનો ભાગ્યે જ રસ્તામાં ભેટો થઈ જાય. એ ભાવનાસૃષ્ટિ છે તેથી અનુગામી વાર્તાકારો એ ભાવનાસૃષ્ટિથી છેડો ફાડીને નવાં વળાંકો લાવ્યા. જગતને જોવાની તટસ્થ નિર્મમ દૃષ્ટિ કેળવી ને તેમાં દ્વિરેફની ઉત્તરકાલીન વાર્તાઓ પ્રભાવક બની. નરી મંગલ દૃષ્ટિનું આવરણ ઓઢાડીને વાર્તાનું આભાસી જગત સર્જવું તે વાર્તાસર્જન નથી તેવી સભાનતા અનુગામીઓએ કેળવી લીધી. ઝવેરચંદ મેઘાણી, સુન્દરમ્‌ અને ઉમાશંકર જોશીની કેટલીક કલાત્મક વાર્તાઓમાં આ નવાં વહેણોનો અનુભવ થશે. ‘વહુ અને ઘોડો’ (મેઘાણી), ‘માને ખોળે’, ‘લાલ મોગરો’ (સુન્દરમ્‌), ‘છેલ્લું છાણું’, ‘ઝાકળિયું’ (ઉમાશંકર જોશી) વાર્તાઓનો સંબંધ ધરતી સાથે છે. માનવજીવનની વાસ્તવની આબોહવા સાથે છે. એમની વાર્તાનાં પાત્રોના મન અને મનોવ્યાપારો નક્કર છે. ધૂમકેતુની વાર્તાનાં સાચવી રાખવા જેવાં ગુણોને અંકે કરીને બિનજરૂરી અંશોને છોડીને નવાં વહેણો સર્જ્યાં, વાર્તા વ્યંજનાપ્રધાન સર્જી. નીતિ અને આદર્શનો દાબ દૂર કર્યો. આ તબક્કાના છેડો તે પન્નાલાલ પટેલ. પન્નાલાલ પટેલની વાર્તાસૃષ્ટિ એમની વાર્તાઓનો તટસ્થ, નિર્મમ કથક, પ્રાદેશિક પરિવેશ અને લાચારી, દ્વિધા, સામાજિક-આર્થિક માળખાંઓની શોષણવૃત્તિ ને આ બધાનું કથન કરતી વિશિષ્ટ શૈલી વાર્તા કથનનો વિષય છે, વાર્તાની કથનાત્મકતા માનવહૃદયના આવરણો ભેદે છે, સ્ટૉરીટેલિંગની કળામાં પારંગત છે. પન્નાલાલ પટેલે પ્રાદેશિક વાસ્તવને મૂર્ત કર્યું. શોષિતો અને શોષકોની સૃષ્ટિ સર્જી. મનુષ્યજીવનનું ચાલકબળ છે માનવીય સંવેદનાઓ, પરસ્પરનો પ્રેમ પન્નાલાલ પટેલની વાર્તાઓમાં ધૂમકેતુની વાર્તાઓમાં નિરૂપાયેલો માનવપ્રેમ વધુ પારદર્શી બને છે, ઊંડાણ વધ્યું છે, આડંબરી આવરણો નથી પણ સ્પર્શી શકાય તેવો પ્રગટ છે ને એટલો જ સૂક્ષ્મ છે. વિભાવનાપરક આદર્શોના સૂત્રોવાળો પ્રેમ નથી પણ ખેતરમાં ડૂંડાને બાઝેલાં ઝાકળબિંદુ જેવો સજીવ છે. જીવનને વ્યાખ્યાઓથી સમજવાની ના પાડે છે. બહારથી લાદેલાં સૂત્રોથી પાત્રોને ઘડવાનાં નથી. પાત્રો જાણીતાં, જીવતાં, ધબકતાં હૃદયવાળાં છે. ધૂમકેતુની વાર્તાઓથી શરૂ થયેલો બીજો તબક્કો પોતે જ વહેણો બદલતો બદલતો પન્નાલાલ પટેલની વાર્તાઓમાંથી મોટા અને પહોળા કાંઠાની નદીનો પ્રવાહ બની જાય છે. પ્રસ્તુત પ્રકાશનમાં ધૂમકેતુ અને પન્નાલાલ પટેલની વાર્તાઓ વિશેના મોટા કદના સમીક્ષાલેખોને ધ્યાનથી વાંચવાથી આ અનુભવ થશે જ. ધૂમકેતુના ૧૮ સંગ્રહો વિશે પાંચ સમીક્ષકોએ લખ્યું છે. પન્નાલાલ પટેલના પણ ૧૮ સંગ્રહો વિશે બે સમીક્ષકોએ લખ્યું છે. તેમાં કલ્પેશ પટેલે ૬૦થી વધુ પૃષ્ઠોમાં પન્નાલાલ પટેલના ૧૦ સંગ્રહોની પ્રત્યેક વાર્તા વિશે લખ્યું છે. આ પ્રકારના દીર્ઘલેખો આપણી ટૂંકી વાર્તાનાં વહેણો-વળાંકોનો પ્રત્યક્ષ પરિચય આપે છે. વાર્તાની વિષયસામગ્રી, પાત્રસૃષ્ટિ, અને સ્થળકાળની વિશાળતાનો અનુભવ કરાવે છે. માનવભાવો અને અપેક્ષાઓની સંકુલતાનો અનુભવ કરાવે છે.

૦૦૦

પૂર્વ આધુનિક કાળના વાર્તાકારોમાં જયંત ખત્રી, બકુલેશ, ચુનીલાલ મડિયા, જયંતિ દલાલ, ગુલાબદાસ બ્રોકર, કેતન મુનશી મુખ્ય છે. તેમાં લક્ષ્મીકાન્ત ભટ્ટ મધ્ય ભાગે છે પૂર્વઆધુનિક અને આધુનિકની વચ્ચે. ગુજરાતી સાહિત્યમાં ઈ. સ. ૧૯૪૦ પછી કવિતા અને ટૂંકી વાર્તા ક્ષેત્રે નવાં વહેણો વહેવાની શરૂઆત થાય છે. કાવ્યસર્જન ગાંધીવાદી જીવનભાવનાથી ફંટાઈ સૌંદર્યકેન્દ્રી બને છે. રાજેન્દ્ર શાહ, નિરંજન ભગતની કાવ્યસૃષ્ટિ વાદ મુક્ત બનીને રવીન્દ્રનાથ અને યુરોપિયન કવિઓના પ્રભાવે વિષય, કાવ્યભાષા, છંદ અને અભિવ્યક્તિના સ્તરે નવાં રૂપ ધારણ કરે છે. ટૂંકી વાર્તા ક્ષેત્રે ચાર વાર્તાકારોનો પ્રવેશ થાય છે. બકુલેશનો વાર્તાસંગ્રહ ‘સુવર્ણના નિઃશ્વાસ’ ૧૯૩૬માં પ્રગટ થયો. સમાજના નિમ્નવર્ગની દયનીય દશાનું સામ્યવાદી દૃષ્ટિકોણથી નિરૂપણ કરે છે. પાત્રોનાં સંવેદનો વાર્તાને આકાર આપે છે. જયંત ખત્રીનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘ફોરાં’ ૧૯૪૪માં પ્રગટ થયો. આ સંગ્રહની કેટલીક વાર્તાઓનાં પાત્રો ધૂમકેતુના ઊર્મિલ પાત્રોના કુળના લાગે. પરંતુ સમકાલીન જીવનમાં વ્યાપ્ત હતાશા, નિરાશા, દિશાશૂન્યતા અને નગરજીવનની રુગ્ણતાનું આલેખન કરતી વાર્તાઓનું આંતરબાહ્ય સ્વરૂપ નવું છે. વતનવિચ્છેદ, મરણની અનુભૂતિ અને જાતીયવૃત્તિનાં સૂક્ષ્મ આલેખનો છે. કચ્છની વેરાન ઉજ્જડ ભૂમિ પર જીવન માટે સંઘર્ષ કરતાં પાત્રોની સૃષ્ટિ છે. મનુષ્યની ક્રૂરતા અને સ્વાર્થબુદ્ધિ સામે પ્રાણીઓનો ઉદાત્તભાવ અને નિર્વ્યાજ પ્રેમ શ્રેષ્ઠ છે. જયંત ખત્રી મનુષ્યના આંતરમનની શૂન્યતાને અંધકારના પ્રતીક વડે નિરૂપે છે. ચુનીલાલ મડિયાનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘ઘૂઘવતાં પૂર’ ૧૯૪૫માં પ્રગટ થયો. ‘ઘૂઘવતાં પૂર’ની વાર્તાઓ રંગદર્શિતા અને તળભાષાના જોમથી નવી અસર ઊભી કરે છે. જાતીયવૃત્તિઓના અંધાપાને વાતાવરણના પ્રતીકાત્મક વિનિયોગથી સચોટ રીતે આલેખે છે. લોકજીવનનું અપરિચિત વિશ્વ પ્રગટ થાય છે. પાત્રનિરૂપણ, વસ્તુસંકલના, પરિવેશ અને પ્રાદેશિક ભાષાના સમન્વયથી વાર્તાઓ સર્જી હતી. જયંતિ દલાલનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘ઉત્તરા’ ૧૯૪૪માં પ્રગટ થયો. જયંતિ દલાલે વાર્તાલેખનમાં પ્રયોગો કર્યા. નવી નવી નિરૂપણરીતિનો વિનિયોગ કર્યો. બાહ્ય વાસ્તવને બદલે પાત્રનાં મનોસંચલનો અને આંતરચેતના પ્રવાહોનું આલેખન કર્યું. સૌંદર્યનો હ્રાસ કરતી નગરસંસ્કૃતિને નિરૂપી. પુરુષપ્રધાન સમાજના દાબને ફગાવી દેતાં સ્ત્રીપાત્રો સર્જ્યાં. ભારેખમ અને આઘાતક ઘટનાઓને બદલે ઘટના નિમિત્તે પાત્રચિત્તમાં સર્જાતાં ચૈતસિક આવર્તનોને નિરૂપે છે. સન્નિધિકરણ, આંતરચેતનાપ્રવાહ, પ્રતીક, કપોલકલ્પિત જેવી નૂતન રચનારીતિના વિનિયોગથી વાસ્તવનાં અજ્ઞાત ને અગ્રાહ્ય સ્વરૂપોને મૂર્ત કર્યાં. જયંતિ દલાલની ટૂંકી વાર્તાની સ્વરૂપવિચારણા આધુનિક છે. વાર્તાની સફળતાનો આધાર વ્યંજના છે તેની ચર્ચા કરી છે. Telling અને Showingનાં ઘટકોનો સમન્વય. ચુનીલાલ મડિયા અને જયંતિ દલાલે ટૂંકી વાર્તાની સ્વરૂપવિચારણા કરી છે તે પુરોગામીઓની સ્વરૂપવિચારણાથી જુદી છે. બંને વાર્તાકારોની વાર્તા વિભાવના પાશ્ચાત્ય વાર્તાવિવેચકોના પ્રભાવે વિકસેલી છે. જયંતિ દલાલે તો અનેક વિદેશી કથાસાહિત્યની કૃતિઓના અનુવાદ પણ કર્યા છે. ‘ગુજરાતી વાર્તાની ગઈકાલ’, ‘ટૂંકી વાર્તા : ઘાટ અને ઘડતર’, ‘ટૂંકી વાર્તા અને ઊર્મિકાવ્ય’, ‘નિયતિકૃત નિયમરહિતા’ જેવા ચુનીલાલ મડિયાના ઇતિહાસ અને સ્વરૂપકેન્દ્રી લેખો વાર્તાસ્વરૂપની કલાત્મકતાને દર્શાવે છે. વાર્તાલેખન એ કલાસર્જન છે. જયંતિ દલાલે એમના વાર્તાસંગ્રહોમાં મૂકેલા લેખો ‘થોડુંક આગળ’, ‘અડખે પડખે’ અને ‘છેક છેલ્લે’ ટૂંકી વાર્તાની કલાના મૂળાધારો વર્ણવે છે. જયંત ખત્રીએ એમના મિત્ર શરદ વ્યાસ સાથેના પત્રવ્યવહારમાં આધુનિક ટૂંકી વાર્તાની વિશેષતા દર્શાવી છે. અસ્તિત્વવાદી ફિલસૂફીનો પ્રભાવ નવી વાર્તાનું ઘડતર કેવી રીતે કરે છે તે દર્શાવ્યું છે. બકુલેશે જયંત ખત્રીનો વાર્તાસંગ્રહ ‘વહેતાં ઝરણાં’નો પ્રવેશક લખ્યો હતો. અને ‘વહેતાં ઝરણાં’ની વાર્તાઓને કેન્દ્રમાં રાખીને જયંત ખત્રીની વાર્તાકાર તરીકે સિદ્ધિઓ વર્ણવી હતી. જયંત ખત્રીની વાર્તાલેખનની ટૅક્‌નિક, ભાષા, પ્રાદેશિક વિષમતાઓ સામે ઝઝૂમતા પાત્રોની જિજીવિષા, નારીહૃદયના સંકુલ ભાવો – જેવાં લક્ષણો દર્શાવ્યાં છે. આ રીતે આ ચાર વાર્તાકારોની વાર્તાઓ અને વાર્તાસ્વરૂપ વિચારણાએ ગુજરાતી ટૂંકી વાર્તાને નવી દિશાઓ આપી. કલાત્મક ટૂંકી વાર્તાનો આવિર્ભાવ થયો. આ પૂર્વઆધુનિક તબક્કાના એક મહત્ત્વના વાર્તાકાર કેતન મુનશી છે. મૂળનામ મુનસિફ નચિકેત દ્રુપદલાલ. ઈ. સ. ૧૯૩૦ જન્મ. ઈ. સ. ૧૯૫૬માં મૃત્યુ. યુવાનવયે આકસ્મિક મૃત્યુ. ત્રણ વાર્તાસંગ્રહો : ‘અંધારી રાતે’ (૧૯૫૨), ‘સ્વપ્નનો ભંગાર’ (૧૯૫૩) અને ત્રીજો સંગ્રહ ‘રક્તદાન’ (૧૯૬૨) મરણોત્તર સંગ્રહ. યુવાન વયના કેતન મુનશીના વાર્તાના વિષયો બકુલેશ અને જયંત ખત્રીની વાર્તાઓ જેવા છે. જીવન પ્રત્યે આસ્થા કે આશા નહીં અશ્રદ્ધા છે, નિરાશા છે. લગ્નવિચ્છેદ, આપઘાત, અવિશ્વાસ, દગો જેવા વિઘટનકારી પરિબળોનું જગત છે. મુંબઈ નગરનો પરિવેશ. ઉદાસ સાંજ, ઉછળતાં મોજાંઓ, નિયોનલાઈટનાં અજવાળાં ભંગુરતા અને શૂન્યતાની અનુભૂતિ કરાવે છે. કેતન મુનશીની ‘રક્તદાન’ અને ‘રોબર્ટ અને રોબૉટ’ વાર્તા યુદ્ધની ભયાનકતા અને યંત્રમાનવ ભવિષ્યમાં કેટલો ભયાનક બની જશે માનવજાત માટે તેનું ભાવિદર્શન કર્યું છે. ધૂમકેતુ પૂર્વેની, ધૂમકેતુની અને ધૂમકેતુથી પન્નાલાલ પટેલ પછીની વાર્તાઓનું આ પાંચ મુખ્ય વાર્તાકારોએ સર્જન કર્યું. જયંતિ દલાલનું ટૂંકી વાર્તા વિશેનું એક અવતરણ નોંધું છું જે પૂર્વ આધુનિક તબક્કાની વાર્તાઓની નૂતનતા સૂચવે છે. ‘વસ્તુનું મૂળ આવી જ કશી અનુભૂતિ છે. એ અનુભૂતિને યોગ્ય કે અયોગ્ય ગણવાનું કે નીતિ અને આચારના સ્વીકારાયેલા માપતોલથી માપવાનું કશું જ કારણ નથી. એની શુદ્ધતાની કશી કસોટી પણ થઈ શકે એવું નથી. અનુભૂતિ માત્ર શુદ્ધ છે, ઉદાત્ત છે.’ (પૃ. ૧૨૧)

૦૦૦

ગુજરાતી ટૂંકી વાર્તાનો આધુનિક તબક્કો :

ગુજરાતી ટૂંકી વાર્તાના સર્જનનો આધુનિક તબક્કો પુરોગામી અને અનુગામી વાર્તાના તબક્કાથી વિશિષ્ટ છે. આ તબક્કામાં ગુજરાતી ટૂંકી વાર્તાનું ક્લેવર સાવ જ નવું. ટૂંકી વાર્તાનો વિષય અને નિરૂપણરીતિ, ટૂંકી વાર્તાની સ્વરૂપવિભાવના, અનુવાદો, સંપાદનો, સંગ્રહોનાં મુખપૃષ્ઠો, વાર્તાસંગ્રહોની પ્રસ્તાવનાઓ, નિવેદનો, અવતરણો બધું જ નવું. એક નવા તેજસ્વી યુગનો ઉદય! મનુષ્યની અંતઃ ચેતના, ચિત્તની પરાવાસ્તવિક સૃષ્ટિ, સ્વપ્નવાસ્તવનું તર્કાતીત વિશ્વ, પરંપરાનો નિષેધ, ઈશ્વરનો અસ્વીકાર, અસ્તિત્વવાદ, ઍબ્સર્ડ, કલ્પનવાદ, પ્રતીકવાદ, જેવી નવી વિચારધારાઓ અને વાદોની ચર્ચાનું વાતાવરણ, નગરજીવનની વિભીષિકા, યંત્રસંસ્કૃતિના આક્રમણથી સંવેદનબધિર ચેતના, આદિમ સૃષ્ટિનું આકર્ષણ, પ્રકૃતિચેતના અને નારીચેતનાનું આકર્ષણ, આદિમ આવેગોની સૃષ્ટિ, હતાશા, નિરાશા, વિષાદ (Despair) ઓળખ વગરના સંજ્ઞાહીન માણસની ખંડિત છબી, સ્વઓળખ માટે ઝૂઝતા માણસના સંઘર્ષો, કિશોર જાદવના શબ્દોમાં કહું કે માનવઅસ્તિત્વનું વૈશ્વિક વિધાન તે આધુનિક ટૂંકી વાર્તા. આ વાર્તામાં નિયત સ્થળ-કાળ, વ્યક્તિ સ્થાનિક નથી વૈશ્વિક છે. એ મનુષ્યમાત્રની વાર્તા છે. ટૂંકી વાર્તાનાં પરંપરાગત ઘટકો, ઘટના, પાત્ર, વસ્તુસંકલના, કથનકેન્દ્ર, કથક, ભાષા, સમય અને પરિવેશનાં સ્વરૂપો મૂળથી પરિવર્તન પામ્યાં. સ્થળ-કાળથી બંધાયેલા મનુષ્યનું અહીં તિહોહિત સ્વરૂપ પ્રગટ થાય છે. પાત્ર વિશેની પરંપરાગત વિભાવનાનો અંત. પાત્રનું હોવું બહુમુખી છે તેની કોઈ નિશ્ચિત ઓળખ નથી. તેની ઓળખને ભૂંસી નાખી છે. પરંપરાગત વસ્તુસંકલનપદ્ધતિનો ત્યાગ. આદિ, મધ્ય અને અંતના ક્રમનો અંત. આ સંદર્ભે મારો એક લેખ ‘આધુનિક ટૂંકી વાર્તાઓમાં પ્લૉટનું સ્વરૂપ’ (‘અભિવ્યાપ્તિ’, પૃ. ૧૬૮થી ૧૭૮) તેમાંથી બે અવતરણ : ‘સુઝાન ફર્ગ્યુસને પ્લૉટના બે પ્રકાર પાડે છે. Elliptical Plot એટલે અધ્યાહાર રહેતો પ્લૉટ; Metaphorical Plot એટલે રૂપકાત્મક પ્લૉટ. અધ્યાહાર રહેતા પ્લૉટવાળી વાર્તાનો અર્થ કરવો મુશ્કેલ હોય છે. તેમાં અતિ કરકસર કરવામાં આવે છે. બિનજરૂરી કે વધારાનાં તત્ત્વોને દૂર કરવાની પદ્ધતિ. નાટ્યાત્મકતાનો અભાવ. આરંભ, મધ્ય અને અંતની ગતિમાંથી મધ્યને ખસેડી લેવાની પદ્ધતિ. આ પ્રકારના પ્લૉટવાળી વાર્તાને ઉકેલવા માટે વાચકે Hypothetical Plotની રચના કરવી પડે. રૂપકાત્મક પ્લૉટવાળી ટૂંકી વાર્તા expository materialને દૂર કરી નાખે છે. પ્રસંગોની અતિશયતાને પણ નકારે છે. વાર્તા વાંચતી વખતે આપણે જાસૂસ બનીએ છીએ. ટુકડાઓને ભેગા કરીએ છીએ. ઉપલી સપાટીના સ્તરે કલ્પનો અને ઘટનાઓનો સમૂહ, એકબીજાથી અસંબદ્ધ લાગે પણ તે બધા ઘટનાની કડી રૂપે હોય છે. સપાટી પર બનાવો એકબીજાથી કપાયેલા લાગે પરંતુ આંતરિક રીતે એકબીજા સાથે જોડાયેલા. વાર્તાવાચન દરમિયાન ક્રમહીનતાનો અનુભવ. disorder. પણ disorder હેતુપૂર્વકનો. આપણે જે જગતને સુસંગત માનીએ છીએ તે ખરેખર તો કેવું વિશૃંખલ છે. અસંબદ્ધ પાત્રો અને બનાવો. આ disorderingને સમજવા માટે ‘epiphany’ની પ્રયુક્તિ સમજવા જેવી છે. વાર્તામાં થતાં નાના નાના પ્રકટીકરણો epiphany એટલે પ્રકાશમય ક્ષણનું ઉદ્‌ઘાટન. સપાટી પર વેરવિખેર અનુભવાતી ઘટનાઓ વાર્તાને અંતે કોઈ એક પ્રકાશમય ક્ષણના ઉદ્‌ઘાટન વડે નૂતન ભાત રચે છે. વેરવિખેર તંતુઓનું જોડાણ થતાં એક નવું પોત નિર્માણ પામે છે.’ (પૃ. ૧૭૬) આધુનિક ટૂંકી વાર્તાનો પ્લૉટ આધુનિક વાર્તાકારનું જગતનું જે વિશૃંખલ, અસંબદ્ધ અને અતિક્રમતાનું દર્શન છે, તેનો આવિષ્કાર છે. આ જ રીતે આધુનિક ટૂંકી વાર્તાનાં અન્ય ઘટકો વિશે જે વિશેષ અભ્યાસો થયા છે તે બધા અભ્યાસોનું સઘન વાચન કરીશું તો આધુનિક ટૂંકી વાર્તાના સ્વરૂપની પ્રતીતિ થશે. સુરેશ હ. જોષી (કિંચિત્‌, કથોપકથન), કિશોર જાદવ (નવી ટૂંકી વાર્તાની કળામીમાંસા અને કિમર્થમ્‌), સુમન શાહ (કથાપદ, કથાસિદ્ધાન્ત), રાધેશ્યામ શર્મા (સં. નવી વાર્તા), જયંત પારેખ. શિરીષ પંચાલ (ગુજરાતી વાર્તાસંચય-૨), જયેશ ભોગાયતા (આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તામાં ઘટનાતત્ત્વનું નિરૂપણ, અભિવ્યાપ્તિ) – આ બધા વિવેચનગ્રંથો, સંપાદનોનો સઘન અભ્યાસ કરીશું તો આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તાની સ્વરૂપગત અને કલાગત ઓળખ મળશે. સુરેશ હ. જોષી આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તાના પ્રથમ સર્જક અને વાર્તાસ્વરૂપના મીમાંસક છે. સુરેશ હ. જોષીનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘ગૃહપ્રવેશ’ ઈ. સ. ૧૯૫૭માં પ્રગટ થયો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરેશ જોષીની પ્રથમ ટૂંકી વાર્તા ‘વિચ્છેદ’નું લેખન વર્ષ ૧૯૪૪ છે. આ વાર્તા એક અસુન્દર, બેડોળ ચહેરો ધરાવતા પાત્રની પોતાના મિત્રવર્તુળ અને પ્રેયસીથી બહિષ્કૃત થવાની વેદનાની વાર્તા છે. ‘ગૃહપ્રવેશ’ સંગ્રહની પ્રસ્તાવના અને વાર્તાઓએ ગુજરાતી ટૂંકી વાર્તાનું વહેણ સાવ જ બદલી નાખ્યું તેને વિશાળ મેદાનોમાં વહેતું કર્યું. જે કામ પૂર્વ આધુનિકોએ કરેલું તેનાથી બમણા જોરે નવા વળાંકો લાવ્યા. વાર્તાની વિષયસામગ્રી અને રચનારીતિ, જેવી કે સન્નિધિકરણ, સ્મૃતિવ્યાપાર, આંતરચેતનાપ્રવાહ, અસ્થિર કથનકેન્દ્ર, ભાવશબલતા, વિશૃંખલ પ્લૉટ – આ દ્વારા આપણા વાસ્તવજગતનું અદૃશ્ય વાસ્તવ સર્જ્યું. સુરેશ જોષીએ એમનો ઘટનાતત્ત્વનો વિભાવ ઘટનાતત્ત્વહ્રાસ અને ઘટના તિરોધાન સંજ્ઞા વડે જુદા જુદા લેખોમાં દર્શાવ્યો હતો. આ વિભાવ દ્વારા એમને ખરેખર શું અભિપ્રેત હતું કે તેનો શો અર્થ હતો તે એમના એક લેખના અવતરણથી સમજીએ : ‘રમતના ઉસ્તાદો જાણે છે કે જેમ નિયમ આકરા તેમ રમતનો રસ વધારે. નવલિકા એ લઘુ સાહિત્યસ્વરૂપ છે. એના લઘુ ફલક પર રહીને તમને રહસ્યના સીમાડાને વિસ્તારી શકો તો એ સ્વરૂપની શક્યતાને પણ તમે આપોઆપ વિસ્તારી શકો. સમકાલીન સમસ્યા, વાતાવરણ, મનોરંજક ઘટના, ઉદાત્ત ભાવના, પાત્રના વર્ગચિત્રો – આ બધું મર્યાદારૂપ બનવાનો ભય રહે છે. ઘટના વડે ઘટનાનો છેદ ઉરાડીને એનો હ્રાસ સિદ્ધ કરી સર્જકે રહસ્યના અવકાશને વિસ્તારવાનો રહે. આથી અસાધારણ કે ભારે વજનની ઘટનાથી સામાન્ય રહસ્ય પ્રગટ કરનાર ખોટનો ધંધો કરે છે, ... આપણી વાસ્તવિકતા, આપણો યુગ – એની છબી – એવા સ્થિર ફલક પર જ અંકાઈ શકે. તાટસ્થ્ય છતાં તાદાત્મ્ય કેળવીને કલાસંયમથી, સામાજિક મૂલ્યો કે સમકાલીન નૈતિક ધોરણોની સીમાથી સંકોચાયા વિના એ સ્થિર દૃષ્ટિએ સમગ્રની છબિ જુએ છે, ને એને સ્થિર હાથે આલેખે છે.’ (પૃ. ૯૩) મેં મારા શોધનિબંધ ‘આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તામાં ઘટનાતત્ત્વનું નિરૂપણ’માં આધુનિક વાર્તાકારોએ પ્રયોજેલી ઘટનાનિરૂપણની સાત પ્રયુક્તિઓનો સ્વાધ્યાય કર્યો હતો. મારા માર્ગદર્શક પ્રો. સુમન શાહ હતા. આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તાકારોએ ઘટનાનિરૂપણની વિવિધ પ્રયુક્તિઓના વિનિયોગથી ઘટનાના સ્થૂળ અંશોનો હ્રાસ કર્યો છે. આ ઘટનાહ્રાસ કરવાનો હેતુ શો હતો? વ્યવહારમાં બનતી ઘટનાનું અર્થઘટન સાપેક્ષ રીતે થતું હોય છે. એ ઘટનાને જોનાર, અનુભવનાર વિવિધ દૃષ્ટિકોણથી મૂલવશે. એ દૃષ્ટિકોણ સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક, નૈતિક કે મનોવૈજ્ઞાનિક હોઈ શકે. ત્યારે આ પ્રકારના દૃષ્ટિકોણ ઘટનાની સમગ્રતાને ઘટનાને બાઝેલી-વળગેલી સ્થૂળતાને ભેદીને તેનું સૂક્ષ્મ સ્વરૂપ નહીં દર્શાવી શકે. ઘટના વિશે ચુકાદા આપશે. ન્યાય કરશે. નૈતિક ભૂમિકાએ સારી-ખરાબ ગણશે. પરંતુ વાર્તાકાર એમના સતત બદલાતા કથનકેન્દ્રની પ્રયુક્તિ અને પરસ્પરની વિરુદ્ધની લાગણીઓનું શબલિત રૂપ સર્જીને ઘટનાની સકલતા, સૂક્ષ્મતા, તેનું અવ્યાખ્યેય રૂપ સર્જે છે. તર્ક અને બુદ્ધિથી નહીં સર્જકચેતના સમગ્રતાથી વાસ્તવનાં પ્રગટ-અપ્રગટ, ગ્રાહ્ય-અગ્રાહ્ય રૂપોનું નિરૂપણ કરે છે. વાસ્તવજગત અને કળા વચ્ચેનો સંબંધ કેવો છે તેની તાત્ત્વિક વિચારણા રજૂ કરતું પ્રથમ પ્રકરણ મારા શોધનિબંધની મારી thesis હતી. ‘વાસ્તવ અને કળાનો સંબંધ કયા પ્રકારનો છે? વિરોધનો? કે એકબીજાને પુરસ્કર્તા તરીકેનો?’ કળાજગતમાં આ પ્રશ્ન જુદાં જુદાં દૃષ્ટિબિન્દુઓ વડે કેન્દ્રસ્થાને રહ્યો છે. કળાકૃતિ તેનો સૂચક ઉત્તર આપે છે. માનવજીવનમાં હકીકતમૂલક તથ્યો, સંક્ષોભકારી ઘટનાઓ કળામાત્રની સામગ્રી છે. માનવસમાજમાં એકબીજા વચ્ચેના સંબંધોમાંથી, સહજીવનમાંથી અનેક ઘટનાઓ જન્મે છે. ઘટનાઓ સાથે જોડાયેલી લાગણીઓ, સંવેદનાઓ, ભાવનાઓ કળાની સામગ્રી છે. સર્જક પ્રતિભાના સંસ્પર્શે માનવજીવનનાં તથ્યોનું કળાપદાર્થ રૂપે રૂપાંતર થાય છે. સર્જકચેતનાના સંસ્પર્શે વાસ્તવની બોજિલતા હ્રાસ પામીને નૂતન રૂપે આવિષ્કૃત થાય છે. આ સંદર્ભે સુરેશ જોષીનું એક અવતરણ નોંધું છું : ‘એક રીતે જોઈએ તો કલા વાસ્તવિકતાને એને એ રૂપે નથી રજૂ કરતી. કેટલીક વાર એનું વક્રીકરણ કરે છે. એનાં પ્રમાણને વ્યસ્ત કરી નાખે છે. સામાન્ય માણસ જેને સાચું કહે છે, વાસ્તવિક કહે છે તે કલાનું વાસ્તવિક રહેતું નથી. આમ છતાં, આ વાસ્તવિકતાના પુનઃનિર્માણથી આપણને વસ્તુઓનાં અને અનુભૂતિઓના યાથાર્થ્યની ઉત્કટ પ્રતીતિ થાય છે. જેને સામાન્ય માણસ વાસ્તવિકતા કહે છે તે તો જાણે સાચી યથાર્થતાને ઢાંકતું આવરણ જ હતું એવું આપણને લાગે છે.’ (પૃ. ૨) જયાં પૉલ સાર્ત્રનું એક વિધાન : ‘The cry of grief is a sign of the grief which Provokes it, but a song of grief is both grief itself and something other than grief.’ ‘દુઃખનું આક્રંદ એ દુઃખનો એક સંકેત છે જે તેને જાગ્રત કરે છે પણ દુઃખમાંથી સર્જાતું ગીત એ દુઃખ સ્વયં અને દુઃખથી કંઈક વિશેષ એમ બંને છે.’ (પૃ. ૩) કેસિરેરનું મંતવ્ય છે કે કળા એક સ્વતંત્ર જ્ઞાન-લોક Universe of Discourse છે. નર્યા વાસ્તવવાદના સૌથી પ્રખર હિમાયતીઓ જેઓ કળાકર્મને માત્ર અનુકરણ વ્યાપારમાં જ સીમિત કરી લેવા ચાહે છે તેમને પણ સર્જનાત્મક કલ્પનાની વિશિષ્ટ શક્તિ માટે અવકાશ આપવો પડ્યો છે.’ (પૃ. ૭) આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તા એક કલાનિર્મિતિ છે. એનું પ્રયોજન જગતની આસ્વાદસ્વરૂપ ઓળખ આપવાનું છે. પદાર્થજગતની રસકીય અનુભૂતિનું. સુરેશ જોષી, કિશોર જાદવ, સુમન શાહ, ચન્દ્રકાન્ત બક્ષી, રાધેશ્યામ શર્મા, મધુ રાય, ઘનશ્યામ દેસાઈ, પ્રબોધ પરીખ, રાવજી પટેલની વાર્તાઓ વાસ્તવજગતનું અ-પૂર્વ દર્શન છે, માનવીય એકલતા, શૂન્યતા, સંક્રમણશૂન્યતા, ક્ષણભંગુરતા અને મરણની અનુભૂતિનું કળામય રૂપ છે. ઈ. સ. ૧૯૫૫-૫૭થી આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તાના સર્જનના તબક્કો ૧૯૭૫-૮૦ના ગાળામાં મંદ પડે છે. ૨૦ વર્ષ લાંબો પ્રયોગશીલ વાર્તાસર્જનની સામે પ્રશ્નો, આક્ષેપો, તુચ્છકારો કરવાની શરૂઆત થઈ. એ તબક્કાને નિષ્ફળ ગણાવ્યો. વાર્તાઓને સુબોધતાના અભિગમથી દુર્બોધ ગણાવી. કૃત્રિમ અને નિર્જીવ ગણાવી. ટૂંકી વાર્તા ફરી જૂનવાણી બનતી જાય છે તેવા આક્ષેપો થવા લાગ્યા. સુરેશ જોષીની સામે સૌથી વધારે ઉગ્ર સ્વરમાં વિરોધ થયો. આક્ષેપો થયા. સુરેશ જોષીની વાર્તાઓને થીજી ગયેલો સૂર્ય ગણાવી. સુરેશ જોષીએ ટૂંકી વાર્તાને મારી નાખી. સુરેશ જોષીએ નવી પેઢીને નિરુત્સાહી કરવાનું પાપ કર્યું છે. સુરેષ જોષીને હવે વખારે નાખો તેવા ફતવા જાહેર થયા. સુરેશ જોષીને મરહૂમ કહ્યા, બાસ્ટર્ડ કહ્યા! સુરેશ જોષીની વાર્તાવિભાવના ને એમની વાર્તાઓને મજાકી ટૉનમાં મજાકનું સાધન બનાવી દીધી. આધુનિક વાર્તાઓને દુર્બોધ જાહેર કરી ને સુબોધતા સુગમતાને સફળતાનો માનદંડ ગણાવ્યો. ગુજરાતી ટૂંકી વાર્તાના આ બે દાયકાના ઇતિહાસનું સંતુલિત આકલન સુમન શાહે એમના સિદ્ધાન્તલેખોથી કર્યું. સુમન શાહનો શોધનિબંધ સુરેશ જોષીથી સુરેશ જોષી ગુજરાતી સાહિત્યના એક સંપ્રજ્ઞ શુદ્ધ કલાવાદી સર્જકપ્રતિભાનો આવિષ્કાર છે. ગુજરાતી સાહિત્યના નવમા દાયકામાં આધુનિકયુગની સામે મોરચા મંડાયા. ‘પરિષ્કૃત ગુજરાતી વાર્તા’નું આંદોલન, ‘ગદ્યપર્વ’ સામયિકનો પ્રારંભ, સુરેશ જોષીના અવસાન પછી શિરીષ પંચાલ ‘એતદ્‌’ના સંપાદક બન્યા. શિરીષ પંચાલે રજની મહેતાને નામે પરંપરાગત વાર્તાના માળખાંને સાચવતી વાર્તાઓ લખવાનું શરૂ કર્યું; એવા જ પ્રકારની વાર્તાઓના અનુવાદ કર્યા જેમનું જગત કાફકા, કેમ્યુથી જુદું હતું. સુમન શાહે બૉદલેર પર ત્રણ દિવસનો પરિસંવાદ કર્યો. સુરેશ જોષી સાહિત્ય વિચાર ફૉરમની રચના કરી. ‘એતદ્‌’, ‘ખેવના’, ‘વિ’ અને ‘ગદ્યપર્વ’માં આધુનિકતાથી જુદી પડતી ફંટાતી વાર્તાઓ પ્રગટ થવા લાગી. જોકે ભરત નાયકની ‘ગતિ’ વાર્તાનું ગોત્ર આધુનિક વાર્તાનું છે! એક તરફ આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તાની ટીકાનું વાતાવરણ, નવી દિશાની શોધની મથામણો, નગરચેતનાની સામે ગ્રામચેતના, તળચેતના; વ્યક્તિની સામે દલિત-દમિત સમાજ, વર્ણવ્યવસ્થાથી દમિત દલિતપ્રજાની વેદના; પુરુષપ્રધાન સમાજની સ્ત્રીનું શોષણ કરતી માનસિકતા, સંસ્કૃત શબ્દાવલિ અને કૃત્રિમ ભાષાની સામે તળભાષા અને બોલી, અતિવાસ્તવ અને સ્વપ્નવાસ્તવની સામે પ્રદેશની વાસ્તવિકતા. ચેતનાના અંધકારની સામે અન્યાય, શોષણ અને હિંસાના અંધકારમાં સબડતી પ્રજાના જીવનનો અંધકાર. નવમા દાયકાના અંતે ટૂંકી વાર્તા સંક્રાન્ત થઈ. સંક્રાન્તિકાળ. એ વળાંકને ઇતિહાસકારોએ અનુઆધુનિકયુગ નામ આપ્યું છે. આધુનિકની પછીનું કે આધુનિકની સામેનું? સંવાદી-વિસંવાદ વાતાવરણની વચ્ચે આધુનિક વાર્તાનો વિરોધ કરીને નવી વાર્તા સર્જવા માટે આતુર બનેલા વાર્તાકારોએ નવી વાર્તા તો લખી પરંતુ એ વાર્તાઓ આધુનિકતાવાદી વાર્તાના સંસ્કારોથી મુક્ત ન રહી શકે. જેનો વિરોધ કરતા હતા તે જ એમને પોષક બનતાં હતાં! આ વિપર્યાસ, આંતરવિરોધ સમજવા જેટલી મોકળાશ એમની પાસે નથી. અનુઆધુનિક વાર્તાકારોની વાર્તાનાં શીર્ષકો, એમની કથનભાષા અને નિરૂપણરીતિ આધુનિક ટૂંકી વાર્તાની સર્જનાત્મકતા પ્રભાવ સૂચવે છે. વ્યંજનાશક્તિ અને સૂચકતાનો કલાવિભાવ એમને આધુનિકો પાસેથી વારસારૂપે મળ્યો છે એટલે તો વાચાળ કે બોલકી વાર્તાઓને આવકારતા નથી. અનુઆધુનિક તબક્કાની વાર્તાઓનું વિવેચન કરવા માટેનાં ઓજારો તો આધુનિકો પાસેથી જ મેળવ્યાં! ઈ. સ. ૧૯૮૫-૮૬ના વર્ષથી અનુઆધુનિક ગુજરાતી ટૂંકી વાર્તાનો પ્રારંભ થયો. જોકે બીજા ઇતિહાસકારો આના કરતાં બીજાં વર્ષો બતાવી શકે. આધુનિકયુગ પછીની વાર્તાઓ. અનુઆધુનિક, અનુઆધુનિકતા અને અનુઆધુનિકતાવાદ એ ત્રણ સંજ્ઞાની ચર્ચા શરૂ થઈ. સુરેશ જોષીએ ‘અર્વાચીનતા’ અને ‘અનુઅર્વાચીનતા’ સંજ્ઞા પ્રયોજી હતી. અહીં આ પરિભાષાની વિચારણા કરવાનો અવકાશ નથી. પરંતુ ગુજરાતી ટૂંકી વાર્તાનો અનુઆધુનિકયુગ આધુનિકયુગના વિરોધે આવ્યો છે, આધુનિકતાવાદી વલણો ને કાવ્યશાસ્ત્રના વિરોધે. વાસ્તવવાદની પુનઃ સ્થાપનારૂપે આવ્યો છે. પરંપરાગત વાર્તાલેખનની સ્થાપનારૂપે આવ્યો છે. સમાજ અને સામાજિક તંત્રોના વિરોધે આવ્યો છે. મેં ૧૯૮૫ના વર્ષથી શરૂ કરીને ૧૯૯૨–૯૩ના વર્ષમાં સામયિકોમાં આવેલી વાર્તાઓનું એક સંપાદન ‘સંક્રાન્તિ’ (પ્ર. આ. ૧૯૯૪) નામે પ્રગટ કર્યું. આ સંપાદનમાં કિશોર જાદવ અને સુમન શાહની વાર્તાઓ હતી. એ વાર્તાઓ બંને વાર્તાકારોની વાર્તાસર્જનની સંક્રાન્તિ સૂચવે છે. મોટી નદીનો પ્રવાહ એમના વહેતા રહેવાના પ્રયોજનથી સતત વળાંકો લે છે, વહેણની દિશા બદલે છે પરંતુ પ્રવાહનું વહેતા રહેવાનું થંભી જતું નથી, એ ક્યાંક ક્ષીણ થતો હશે પણ થંભી જતો નથી. વહેવું, નવાં નવાં વહેણોમાં વહેવું એમનું અસ્તિત્વ છે. એમ ગુજરાતી ટૂંકી વાર્તા છેલ્લાં ૧૩૦-૧૩૫ વર્ષથી સતત વહેતી આવી છે ને વહેતી રહેશે. વહેવું એનું અસ્તિત્વ છે. ઇતિહાસકારો અભ્યાસની સગવડતા ખાતર યુગ સંજ્ઞાથી પ્રવાહને વિભાજિત કરે એને પરિવર્તનોથી જુદો પાડે પણ પ્રવાહનું સાતત્ય સંજ્ઞાથી પર છે. એ સાતત્ય, પ્રવાહનું સતતપણું, વળાંકોની વિભિન્ન મુદ્રાઓને સમગ્રતાથી ગ્રહણ કરીએ તો સંજ્ઞાઓથી વિભાજિત રૂપ કરતાં પ્રવાહ પોતાનું ખરું રૂપ બતાવશે. વાર્તા માણસ વિશેની છે. એ માણસ ક્યારેય રોકાયો નથી. ઊભવું કે થંભી જવું એની નિયતિમાં નથી. એ ચાલે છે એટલે વાર્તા બને છે. અનુઆધુનિકયુગની વાર્તાઓ સુધી આવતાં આપણને ઉપર નોંધ્યા છે તેવા વિચારો આવે છે. અનુઆધુનિકયુગની વાર્તાનાં ઘટકતત્ત્વોકેન્દ્રી એક સ્વાધ્યાયલેખ મેં ૨૦૧૯માં લખ્યો હતો. (‘તથાપિ’, અંક ૫૪-૫૫, વર્ષ ૨૦૧૯) એ લેખમાં અનુઆધુનિકયુગની વાર્તાઓનાં ઘટકતત્ત્વો વિષયસામગ્રી, પ્લૉટ, કથનકેન્દ્ર, કથક અને પરિવેશનાં સ્વરૂપોની ચર્ચા કરી હતી. તેમાંથી મહત્ત્વના અંશો અહીં વહેણો અને વળાંકો દર્શાવવા માટે મૂક્યા છે. આ લેખની સાથે મારા બીજા એક લેખનું તુલનાત્મક વાચન કરવાનું સૂચવું છું. ‘ગુજરાતી ટૂંકી વાર્તાનો પ્રથમ તબક્કો : ધૂમકેતુ પૂર્વેનો તબક્કો’ (‘અનુસંધાન’, પ્ર. આ. ૨૦૨૨, પૃ. ૮થી ૨૫) આ લેખમાં પણ ધૂમકેતુ પૂર્વેના તબક્કાની વાર્તાનાં ઘટકતત્ત્વોનો અભ્યાસ છે. આમ, પહેલા તબક્કાની વાર્તાઓનાં ઘટકતત્ત્વો અને અનુઆધુનિકયુગની વાર્તાનાં ઘટકતત્ત્વો વચ્ચે શું સામ્ય છે અને શું ભેદ છે તે તારવી શકાશે. આ બે લેખની સાથે બાબુ સુથારનો લેખ ‘સુરેશ જોષી પછી ગુજરાતી ટૂંકી વાર્તા : સેટેલાઈટ દર્શન’ (‘એતદ્‌’ ૨૦૦૪) ખાસ વાંચશો. અનુઆધુનિક ટૂંકી વાર્તાનું નવું રૂપ જોવા મળશે.

સાહિત્યના ઇતિહાસમાં પુરોગામી સાહિત્ય વિશે અનુગામી સર્જક-વિવેચકો પ્રશંસા-ટીકા બંને કરતા હોય છે. આધુનિકતાવાદી ગુજરાતી સર્જનકાળમાં વાર્તાલેખનનો પ્રારંભ પરંપરા સાથે વિચ્છેદ સાધવાની સભાનતા સાથે થયો હતો. એમનો વિરોધ વાર્તાસર્જનની પદ્ધતિ સામે હતો વાર્તાકારો સામે નહીં. એ સાહિત્યિક આંદોલનના ભાગ રૂપેની પ્રતિક્રિયા હતી. સાહિત્યના ઇતિહાસમાં બે યુગના સર્જકો વચ્ચે સંવાદ-વિવાદનો સંબંધ રહે છે. પુરોગામીની સાહિત્યભાવનાનાં ગૃહીતો અનુગામીને માન્ય હોય જ એવું જરૂરી નથી કારણ કે બે યુગના જીવનસંદર્ભ વચ્ચે મૂળભૂત તફાવતો રહેવાના. પરંતુ તેમાં સૈદ્ધાન્તિક ભૂમિકાના વિરોધને બદલે વ્યક્તિગત વિરોધનું વાતાવરણ સર્જવામાં આવે ત્યારે સાહિત્યિક પરિસ્થિતિ ડહોળાઈ જતી હોય છે. અનુઆધુનિક તબક્કાના આરંભકાળે દલિત વાર્તાકારો અને અન્ય વાર્તાકારોએ સુરેશ જોષી, કિશોર જાદવ, રાધેશ્યામ શર્મા અને મધુ રાયની વાર્તાઓની આકરી ભાષામાં ટીકા કરી. એમનાં વ્યક્તિત્વનું હનન થાય એવી ભાષામાં ટીકાઓ કરી. ગુજરાતી ટૂંકીવાર્તાને મારી નાખવાનું પાપ સુરેશ જોષીએ કર્યું છે. કિશોર જાદવની વાર્તાઓ દુર્બોધ છે. રાધેશ્યામ શર્માની વાર્તાઓની કોઈ ઉપલબ્ધિ નથી. આક્ષેપો અને ફરિયાદોની આબોહવા સાહિત્યજગતની નિયતિ છે. તેથી આવી આબોહવા વચ્ચે અનુઆધુનિક વાર્તાસર્જનનો આરંભ થયો ત્યારે સમાંતરે આધુનિક ટૂંકીવાર્તા સામેની ફરિયાદો રજૂ કરતા લેખો અને વાદવિવાદો શરૂ થયા. ટૂંકીવાર્તા ફરી જૂનવાણી બનતી જાય છે તેવી ફરિયાદો ઊઠવા લાગી. સુરેશ જોષીને વખારે નાખવાની વાત. સુરેશ જોષીનું મૃત્યુ ૬, સપ્ટેમ્બર, ૧૯૮૬માં થયું. એક યુગનો જાણે કે અંત આવ્યો. નવમા દાયકાના આરંભથી ટૂંકીવાર્તાસર્જનની દિશા બદલાવા લાગી. ‘એતદ્‌’નું સંપાદન શિરીષ પંચાલે કર્યું ‘ગદ્યપર્વ’ શરૂ થયું ૧૯૮૮માં. ‘વિ’ના સંપાદક અજિત ઠાકોર અને મણિલાલ હ. પટેલે ‘પરિષ્કૃત’ વાર્તાનું આંદોલન શરૂ કર્યું ‘વિ’ના ‘પરિષ્કૃત વાર્તાઓ’ અને ‘દલિત વાર્તાઓ’ના વિશેષાંકો પ્રગટ થયા. મોહન પરમાર અને હરીશ મંગલમે ‘ગુજરાતી દલિત વાર્તા’નું (પ્ર. આ. ૧૯૮૭) સંપાદન પ્રગટ કર્યું તેમાં આધુનિક વાર્તાની સામે ફરિયાદો હતી. ‘ખેવના’ અને ‘એતદ્‌’ના અંકોમાં અનુઆધુનિક વાર્તાકારોની કૃતિઓ પ્રગટ થવા લાગી. આમ, અનુઆધુનિક વાર્તાસર્જનને પોષક વાતાવરણ નિર્માણ થયું. જયેશ ભોગાયતાએ ‘સંક્રાન્તિ’ શીર્ષકથી સર્જાતી ટૂંકીવાર્તાનું સંપાદન ૧૯૯૪માં પ્રગટ કર્યું. આ સંપાદનની રાધેશ્યામ શર્માએ સ્વતંત્ર મિજાજનું ‘ગદ્યપર્વ શીર્ષકથી સમીક્ષા કરી હતી. અનુઆધુનિક ટૂંકી વાર્તાના સર્જનપ્રવાહને તેનો ઇતિહાસકાર વિષયવસ્તુ પ્રમાણે વિભાજિત કરે છે. દલિતવાર્તા, નારીકેન્દ્રીવાર્તા, તળપદ કે સામજીવનની વાર્તા, નગરચેતનાની વાર્તા, વતનઝુરાપોની વાર્તા, પ્રદેશપ્રધાનવાર્તા.

આ તબક્કાની વાર્તાઓ વિષયવસ્તુની દૃષ્ટિએ

૧૯૮૦ના અરસામાં મહારાષ્ટ્ર અને દક્ષિણના પ્રદેશોમાં દલિત સર્જકોનું આંદોલન શરૂ થયું. મનુ ભગવાને કરેલી વર્ણવ્યવસ્થાને માનવ સંસ્કૃતિના મહા અપરાધ અને કલંક તરીકે ગણાવી. દલિતો-પીડિતો અને શોષિતોને કાયમ હાંસિયામાં રાખીને તેના પર અત્યાચારો અને અન્યાયો કરનારી વર્ણવ્યવસ્થા સામે તીવ્ર સ્વરનો વિરોધ શરૂ થયો. જેમાંથી દલિતચેતનાપ્રધાન સાહિત્યનો આરંભ થયો. કવિતા, વાર્તા, નવલકથા, નાટક અને વિવેચનમાં એમના પ્રબળ વિદ્રોહના અવાજો ગુંજવા લાગ્યા. અન્યાય, પીડા, શોષણ અને ભેદભાવથી વ્યથિત પ્રજાના પ્રતિનિધિરૂપ સર્જકોએ સ્વસ્થસમાજતંત્રના નિર્માણની ઝુંબેશ ચલાવી. સવર્ણોની જીવનભાવના, પરંપરા, વિધિવિધાનો, શાસ્ત્રો અને સાહિત્યનો વિરોધ, સવર્ણો દ્વારા પ્રેરિત વિચારધારાનું પુનર્વાચન, એમાંની ક્ષતિઓને પ્રગટ કરી. આ આંદોલનની અસર ગુજરાતી સાહિત્ય પર પણ પડી. અને તેમાં જોસેફ મૅકવાન, મોહન પરમાર અને હરીશ મંગલમ્‌ વિશેષ સક્રિય હતા. વિરોધની આંધીમાં દલિત વાર્તાકારોએ આધુનિક વાર્તાનો સખત વિરોધ કર્યો. દલિતવાર્તાની જેમ નારીવાદી વાર્તાઓ પણ પુરુષપ્રધાન સમાજરચતાને કારણે સ્ત્રીઓને થતા અન્યાય સામે વિરોધ દર્શાવવા માટે સક્રિય માધ્યમ બને છે. સ્વતંત્રતા, અધિકાર, આત્મસન્માન, વિકાસ માટેના સમાન હક. યૌનશોષણનો વિરોધ, ગર્ભપાતનો વિરોધ, દીકરા-દીકરી વચ્ચેના ભેદનો વિરોધ, વેશ્યાજીવનના નર્કમાંથી મુક્તિની ઝુંબેશ, તળપ્રદેશ અને ગ્રામીણ પ્રદેશ કે પ્રાદેશિક વાર્તાઓનું એક જૂથ આ ગાળામાં સક્રિય બન્યું છે. આ વાર્તાઓમાં સામૂહિક રીતે અને વ્યક્તિગત રીતે જીવનના પ્રશ્નોને રજૂ કરે છે. નવી શિક્ષણનીતિ, સિંચાઈ અને ડેમ બાંધવાની યોજના, યુવાનોનું શહેરમાં સ્થળાંતર, સરકારી નોકરીના પ્રશ્નો, જંગલની સમૃદ્ધિનો નાશ કરતા ભ્રષ્ટ પરિબળો, રાજકારણીઓનું મતોનું રાજકારણ, જ્ઞાતિવાદને ઉત્તેજન આપતી જાહેરાતો, ખેતમજૂરોનું શોષણ, પુરુષ સત્તાના આધિપાત્ય નીચે રિબાતા સ્ત્રી પાત્રોનો વાંઝીયો વિરોધ, લાંચિયા સરકારી અધિકારીઓનો ગ્રામીણ પ્રજા પર ત્રાસ, ડેમને કારણે ડૂબમાં જતી જમીનને કારણે વતન છોડવાની પીડા ભોગવતા ગ્રામજનો, વિચરતી જાતિઓમાં રબારી, ભરવાડ, વાઘરી, મદારી કોમનો ટકવા માટેનો સંઘર્ષ, પંચાયત, ગ્રામપંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભ્રષ્ટાચાર અને ભેદભાવનું રાજકારણ, પોતાની ભાષા, રિવાજો, તહેવારો અને માન્યતાઓ પરના આક્રમણ સામે લડતી આદિવાસી પ્રજાના પ્રશ્નો, જંગલનો અને વન્યસંસ્કૃતિનો સતત નાશ થવાથી રોજી રોટી માટે શહેરમાં ઠલવાતા આદિવાસીઓની મૂળ સમેત ઉખડી રહ્યાંની વેદના, પોતાના આદિદેવતાઓની પૂજાના ઉત્સવો, મેળાઓ, એમાં પ્રવેશી ગયેલી આધુનિક સંસ્કૃતિની છાયાઓ, વૈશ્વિક પરિબળોના આક્રમણ સામે પોતાની ઓળખ બચાવવા માટે આંતરબાહ્ય સંઘર્ષ કરતી પ્રજાની આત્મસંરક્ષક વૃત્તિ – આ બધા સામાજિક પ્રશ્નોને આ તબક્કાના વાર્તાકારોએ વાર્તાની વિષયસામગ્રી બનાવ્યા છે. આ વાર્તાઓ અટપટા ને શોષણખોર સમાજતંત્ર અને સમાજને ખુલ્લું કરે છે. તેથી ગ્રામીણ બોલી વાર્તાલેખનનું સહજ માધ્યમ બન્યું છે. બોલી સાંસ્કૃતિક ઓળખનો સંકેત. પાત્રચેતનાનો પ્રત્યક્ષ આવિષ્કાર છે. પ્રદેશ તરીકે ખાસ, સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, મોરબી જિલ્લાનો વિસ્તાર. તેમાં પટેલ જ્ઞાતિની જીવનશૈલી, જીવનભાવના વાર્તાનો વિષય બને છે. એ જ રીતે સાબરકાંઠા, પંચમહાલ, દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારો, પટેલ, રજપૂત સમાજ, વાંસદાના જંગલમાં પારસી માલિકોના શોષણથી ત્રસ્ત આદિવાસી પ્રજા, દીવ-દમણના દરિયાકાંઠાના પ્રદેશોના પ્રશ્નો, એમની જીવનશૈલી. જાણે કે ગુજરાત પ્રદેશની એક નવી ઓળખ રજૂ થઈ. આ વાર્તાઓમાં પ્રદેશની સુવાસનું બળ છે. મહત્ત્વની વાત એ છે કે પ્રદેશના ઊંડા જળ ઉલેચીને બહાર લાવવા માટે તળચેતના અને તળભાષાની સર્જકતાનો એક ઉછાળ છે. આઝાદી મળ્યા બાદ સત્તા ગુમાવનારા રજપૂતો અને દરબારોના સાલિયાણા બંધ થયા બાદ સર્જાયેલી આર્થિક કટોકટીથી ભાંગી પડતી પ્રજાની આંતરવ્યથા. એમની કુંઠાઓ અને પાયા હચમચી જતા ભાંગી પડતી ભીંતોના પોપડાઓ સાંસ્કૃતિક વારસાની જર્જરિત દશા વાર્તાનો વિષય બને છે. વારસાગત નેમ, ટેક, પ્રતિજ્ઞા, રિવાજોને કારણે જીવનની મધુરતા ગુમાવતી સ્ત્રીઓની ચીસ મહેલની દીવાલો સામે અથડાયા કરે. આ તબક્કાની વાર્તાઓમાં નગરચેતનાની વાર્તાઓ પણ છે. મહાનગરમાં ફાટી નીકળેલા ફ્લેટના જંગલમાં ધૂંધવાતી જિંદગીનું ચિત્ર શહેરી વિકાસને નામે વધતી જતી ઇમારતો અને શોપિંગ મોલ્સનાં આક્રમણોએ શહેરની પ્રજામાં ભૌતિક સુખની લાલસાઓ જન્માવી છે તેના સંદર્ભ વાર્તાઓમાં છે. શહેરી યુવક-યુવતીઓના જાતીય જીવનનાં પ્રશ્નો, નોકરીના પ્રશ્નો, પર્યાવરણના પ્રશ્નો, ટ્રાફિક ભીડ અને ઝેરી ધુમાડાને કારણે ઊભા થતા આરોગ્યના પ્રશ્નો વાર્તામાં રજૂ થયા છે. કોમી રમખાણો, હિંસા, બળાત્કાર જેવી આઘાતક ઘટનાઓનું આલેખન કોમી રમખાણોઓએ હિન્દુ-મુસ્લિમ વચ્ચે વેરભાવના વધુ દૃઢ કરી છે. ગુજરાત પ્રદેશમાં ધાર્મિક અને સાંપ્રદાયિક બળો પોતાના પ્રચાર અને પ્રસાર માટે આદિ-સંસ્કૃતિનો નાશ કરી રહ્યા છે તેની વિનાશકતા વર્ણવતી વાર્તાઓ પણ છે. સામૂહિક જીવનના પ્રશ્નોની સમાંતરે વ્યક્તિજીવનના પ્રશ્નોને રજૂ કરતી વાર્તાઓ છે. તેમાં દામ્પત્યજીવનનો ખાલીપો, અસંગતિ, દામ્પત્ય જીવનમાં અસંતોષ, પ્રણયભંગને કારણે અતૃપ્ત દશામાં જીવનનો ભાર વેંઢારવાની લાચારી, શહેરમાં પ્રણયગોષ્ઠિ માટે એકાન્ત મેળવવા માટે સંઘર્ષ કરતા પ્રેમીઓનો કરુણ અંત, અવૈધ સંબંધોને કારણે અનુભવાતા અપરાધબોધનો ભાર. સજાતીય સંબંધોની અસંગત મનોદશા, જાતીયજીવનના અસંતોષથી કુંઠિત મધ્યમવર્ગીય દંપતીની કુંઠાઓ; અભાવ, અજંપો, અતૃપ્તિ, અસંતોષ નપુંસકતા, કામવાસનાની દગ્ધતા, સંતાનઝંખના, શંકા વહેમ વગેરે સંચારીભાવોથી ગ્રસ્ત મહાનગરનાં પાત્રો જીવનરસથી વંચિત છે. નવમા દાયકાના ઉત્તરાર્ધથી શરૂ થયેલી અનુઆધુનિક વાર્તાઓમાં જીવનની સંકુલ તરેહો નિરૂપાઈ છે. આધુનિક ટૂંકીવાર્તાની વિષય સામગ્રી અને નિરૂપણરીતિના સંદર્ભે પોતાની નવી ઓળખ રજૂ કરતી વાર્તાઓનું જ્યારે વાર્તામીમાંસકોએ તટસ્થભાવથી મૂલ્યાંકન કર્યું છે ત્યારે તેમાં વાર્તાની વ્યંજના શક્તિનું જ ગૌરવ કર્યું છે. આ તબક્કામાં કેટલાક અનુઆધુનિક વાર્તાકારોએ વાર્તાલેખનના પ્રશ્નોને વાર્તાની વિષયસામગ્રી બનાવી છે. સ્ત્રીરતિની જેમ પુસ્તકરતિ અનુભવતા પાત્રની કામેચ્છાઓનું રંગદર્શી વિશ્વ. જાસૂસી કે રહસ્યકથાના ઢાંચામાં કૌટુમ્બિક પ્રશ્નોને ફેન્ટસીરૂપે રજૂ કરતી વાર્તાઓ. આધિભૌતિક તત્ત્વોથી પ્રભાવિત તળપ્રદેશના પાત્રની આદિમ ચેતનાના આવિર્ભાવો, વતનથી દૂર પરદેશી ભૂમિમાં વતનઝુરાપો વેઠતા પાત્રોની ડાયસ્પોરિક વાર્તાઓ પુરાણકથા અને પૌરાણિક પાત્રોનો સમકાલીન સંદર્ભો સાથે સાંકળીને નવાં અર્થઘટન કર્યાં છે. તો પ્રાચીન વારસાનું જતન કરવા માટે સંકલ્પ કરતા પાત્રોની પરંપરામાં અતૂટ શ્રદ્ધા રજૂ થઈ છે. આ તબક્કાની વાર્તાઓનાં ઘટકતત્ત્વો ઘટના, પાત્ર, પ્લૉટ, કથનકેન્દ્ર, કથક, સમય અને પરિવેશ પરંપરા અને આધુનિકતાના પ્રભાવથી ઘડાયાં છે. અનુઆધુનિક વાર્તાકારો ભલે આધુનિક વાર્તાકારોની ટીકા કરે પરંતુ એઓ એમની વાર્તાલેખનપદ્ધતિના પ્રભાવથી મુક્ત રહી શક્યા નથી. એથી જ એને આધુનિક પરંપરાનો વિસ્તાર માનવામાં આવે છે, પ્રતીક, કલ્પન, આંતરચેતના પ્રવાહ, એકોક્તિ જેવી નિરૂપણ રીતિનો વિનિયોગ સહજભાવે કર્યો છે. આ ઉપરાન્ત આ તબક્કાના વાર્તાકારો ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરીને શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી ઑફિસમાં ઊંચા હોદ્દાઓ ધરાવે છે. એમનું ગુજરાતી, ભારતીય અને વિદેશી સાહિત્યનું સારું એવું વાચન છે. સાહિત્યવિશ્વમાં આરંભાયેલા દેશીવાદ અને અનુસંસ્થાનવાદી આંદોલનોની જાણકારી છે. એના પ્રમુખ સર્જકોની કૃતિઓથી એમનાં વિચાર-વલણો ઘડાયાં છે. વૈશ્વિક પરિવર્તનોની સમાંતર સ્થાનિક જીવન પર કુઠારાઘાત કરતી બજારવાદની આક્રમકતાથી સ્વભાવ, સ્વસંસ્કૃતિ અને સ્વઓળખનું સંરક્ષણ કરવા માટે સંપ્રજ્ઞતા ધરાવે છે. અનુઆધુનિકતાવાદી સાહિત્યમીમાંસાનાં ગૃહીતોની જાણકારી છે. તેથી સ્વસંદર્ભ પરનાં આક્રમણનો પ્રતિરોધ કર્યો છે. અને સ્વસંદર્ભને મજબૂત બનાવવા મથે છે. બજારવાદ, ઉપભોક્તાવાદ, સાંપ્રદાયિક આક્રમણો અને કહેવાતા વિકાસ મૉડેલની નકારાત્મકતા જેવા અનિષ્ટોને પ્રજા સમક્ષ રજૂ કરવાનો પુરુષાર્થ કર્યો છે. કટોકટીનું સ્વરૂપ બદલાયું છે. જીવનના સંઘર્ષોનું સ્વરૂપ બદલાયું છે. તેની તરફ વાર્તાકારો સંપ્રજ્ઞતાના બળથી જોડાયા છે. આ તબક્કાની વાર્તાઓનું બંધારણ ઘટનાપ્રધાનતાનું છે. પણ ઘટનાઓનો ભાર નથી. પરંતુ ચૈતસિક કે સ્વપ્નસૃષ્ટિમાં ઘટતી ઘટનાઓને બદલે વાર્તાના પાત્રના સામાજિક જીવનસંદર્ભમાં સર્જાતી કટોકટીરૂપ પરિસ્થિતિઓનું આઘાતક અંતમાં નિર્વહણ એ વાર્તાની સંરચના છે. ખાસ કરીને દલિતવાદી, નારીવાદી, અને તળચેતનાવાદી વાર્તાઓનો ઢાંચો આ પ્રકારનો છે. છતાં પણ વાર્તાકાર પરિસ્થિતિની સંકુલતા નિરૂપવા માટે સન્નિધિકરણ, ભાવશબલતા, દ્વંદ્વાત્મક મનોદશા, આંતરચેતનાપ્રવાહ અને કપોળકલ્પિતની પદ્ધતિનો વિનિયોગ પણ કરે છે. વાર્તાકાર પાત્રને અનિવાર્ય પરિસ્થિતિના બંધિયારપણામાં લાચાર બનતો નિરૂપે છે ત્યારે માનવસંબંધોની અસંગતિ પ્રગટ થાય છે. હૃદયની મસૃણ લાગણીઓ વડીલોની વ્યવહારનીતિથી અકાળે ખરી પડતી અનુભવતા પાત્રોની કરુણદશા ભાવકચેતના પર ઊંડી અસર કરે છે. આ તબક્કાની વાર્તાઓના સંક્રમણ સામે કોઈ પ્રશ્નો ઊભા થતા નથી તેનું કારણ છે વાર્તાની ઘટનાનું તર્કશાસ્ત્ર વાસ્તવજીવનના તર્કશાસ્ત્ર સાથે એકરૂપ હોય છે. તેથી વાચક વાર્તાવાચન અંતર્ગત તર્કની કેડી પર રૈખિક ગતિથી આગળ જઈ શકે છે અને કોઈ અવરોધ આડે આવતો નથી. વાર્તાની ઘટનાનું સૂત્ર વાચક પકડી શકે છે. જ્યારે સુમન શાહ, કિશોર જાદવ, મધુ રાયની વાર્તાઓમાં સંકુલ પ્રકારની વિષય-સામગ્રી, સંકુલ વસ્તુસંકલના અને પાત્રના મનોગતની સંકુલતાને કારણે સરળતાથી અથબોધ થતો નથી. અર્થબોધ માટે વાચકે સજ્જતા કેળવી જરૂરી છે. જ્યારે બાબુ સુથાર, અજય સરવૈયા અને જયેશ ભોગાયતાની વાર્તાઓની ઘટના સંદિગ્ધ હોય છે જેનું ત્વરિત અર્થઘટન શક્ય નથી હોતું. વાચક ઝટ દઈને કથ્યને પામી શકે તેવું ખુલ્લાપણું ધરવતી નથી. ઘટના, પાત્ર અને પ્લૉટની સંકુલ રચનાને કારણે વાચકે સર્વે ઘટકોની કાર્યશીલતા પામવી પડે. telling તેથી આ તબક્કાની વાર્તાઓનું ગોત્ર વાર્તાલેખનરીતિની દૃષ્ટિએ ધૂમકેતુ અને ધૂમકેતુ પછીની વાર્તાઓ છે. તો સાથે સાથે આધુનિકતાવાદી જીવનભાવના, સર્જનભાવના અને નિરૂપણરીતિના પ્રભાવને કારણે આ તબક્કાઓની વાર્તા પર તેમના સંસ્કારની છાપ અવશ્ય પડી છે. વાર્તાકારોએ telling અને showingનાં તત્ત્વોનો સમન્વય કર્યો છે.

આ તબક્કાની વાર્તાનો પ્લોટ

જે વાર્તાકારો ઘટનાના પ્રગટ તર્કશાસ્ત્રને અનુસરતા વાર્તાલેખન કરે છે એ વાર્તામાં આદિ મધ્ય અને અંતની સ્પષ્ટ સંરચના હોય છે. વાર્તાના આરંભનું અંતમાં થતું પરિવર્તન સ્પષ્ટપણે જાણી શકાય છે. વાર્તામાં ઘટતી ઘટનાઓ વચ્ચે કડીરૂપ બનતું તત્ત્વ છે પાત્રો વચ્ચેની ભાવનાપ્રધાનતા. પાત્રહૃદયની કોઈ લાગણી, સંવેદન પ્રભાવક પરિબળ બને છે. તો એ જ રીતે પાત્રના ચિત્તના ભાવ તેની તૃપ્તિ માટેના પ્રયત્નોથી સર્જાતી ઘટનાઓ અને અંતે તેની તૃપ્તિ તે સ્પષ્ટ રીતે અનુભવી શકાય તેવો પ્લૉટ હોય છે. પણ આનો અર્થ એવો નથી કે પ્લૉટ યાંત્રિક સ્વરૂપનો છે. પરંપરાગત પ્લૉટનું માળખું જાળવીને કથનની પ્રયુક્તિ વડે થતી ઘટનાનિરૂપણની પ્રક્રિયા માનવીય પરિસ્થિતિની ભીંસથી પીડાતા પાત્રોની સંવેદનાઓ ખરા અર્થમાં સ્પર્શક્ષમ હોય છે જે જીવનનું અવ્યાખ્યેય સ્વરૂપ સૂચવે છે. ઘટનાના તર્કશાસ્ત્રને અનુસરતી વાર્તાઓ માત્ર યાંત્રિક પ્રકારનાં પ્લૉટનો ઢાંચો ધરાવતી નથી. વાર્તાકાર પાત્રના ચિત્ત પર પરિસ્થિતિ કે ઘટનાની તીવ્ર વેધક અસર નિરૂપવા માટે પીઠ ઝબકાર, કલ્પન અને પ્રતીક વડે ઘટનાનું વેધક રૂપમૂર્ત કરે છે. ઘટનાનું તટસ્થભાવે અને પરોક્ષ સૂચનપદ્ધતિથી નિરૂપણ કરવાને કારણે પરંપરાગત પ્લૉટનું પુનઃર્વિધાન થાય છે. આ તબક્કાની વાર્તાઓમાં વાચકના જિજ્ઞાસારસને સક્રિય રાખે તેવી રીતે ઘટનાક્રમનું આયોજન હોય છે. તેથી મોટાભાગની વાર્તાઓનું નિર્વહણ ચોટદાર કે આઘાતક અંતમાં થાય છે. અને એ પણ ખરું કે આઘાતક અંતમાં નિર્વહણ પામતી વાર્તા આરંભને નવા દૃષ્ટિકોણથી અનુભવવા માટે દૃષ્ટિ આપે છે. વાર્તાના આરંભે ઘટતી કોઈ એક મહત્ત્વની ઘટનાના તરંગો એટલા બધા વિસ્તરતા નિરૂપે છે કે એ વિસ્તરણ સ્વયં ઘટનાની ઊંડાઈ દર્શાવે છે. ભાવકચેતના પર પડતો પ્રતિભાવ ક્ષણિક નથી હોતો પણ અસ્વસ્થ કરનારો હોય છે. વાર્તાકાર ઘટનાને સ્થિર કે એકાંગી દૃષ્ટિથી જોતો નથી. આ તબક્કાનો વાર્તાકાર કથન, આલેખન અને વર્ણન એમ ત્રિવિધ રીતે ઘટનાક્રમ યોજે છે. ઘટનાના તાણાવાણા ઝટ ન ઉકેલી શકાય તેવી ગૂંથણી કરે છે. Style of Indirection ટૂંકી વાર્તાની કલાત્મકતાનો આધાર લાઘવ અને તીવ્ર અસરકારકતા છે. આ કલાધર્મને વાર્તાકારો અવશ્ય અનુસરે છે. તેથી અજિત ઠાકોર, મણિલાલ હ. પટેલ, કિરીટ દૂધાત, હિમાંશી શેલત, હર્ષદ ત્રિવેદી, બિપિન પટેલ, અનિલ વ્યાસ, રામચન્દ્ર પટેલ, હરીશ નાગ્રેચા, મોહન પરમાર, અને વીનેશ અંતાણીની વાર્તાઓ સુગ્રથિત છે. જેમાં વ્યંજનાવ્યાપારની પ્રયુક્તિનો વિનિયોગ હોય છે. ક્યારેક વાર્તાકાર પોતાના મનપસંદ કથ્યનું નિર્ધારિત ગતિએ નિરૂપણ કરે છે. ત્યાં વાર્તાનો પ્લૉટ કુદરતી જણાતો નથી. વાર્તાનો ઘટનાક્રમ સહજ અને સજીવ નથી બનતો. દલિત અને નારીવાદી વાર્તાઓમાં આનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ તબક્કાના વાર્તાકારો જ્યારે પ્રયોગશીલતાથી વાર્તાના પ્લૉટની રચના કરે છે ત્યારે પ્લૉટનું પરંપરાગત માળખું ત્યાં માન્ય નથી બનતું. સુમન શાહ અને પરેશ નાયકની વાર્તાઓ આ પ્રકારની છે. સુમન શાહે ‘ફટફટિયું’ વાર્તામાં ભૌતિક, મનોવાસ્તવિક અને પરાવાસ્તવિક ઘટનાઓનું એવું જાળું ગૂંથ્યું છે કે વાર્તાનો પ્લૉટ તાર્કિક નથી. ભાવનાત્મક નથી પણ સંકુલ છે. ઘટનાઓ વચ્ચેની કડી જોડવા માટે વાર્તાકાર તર્કસૂત્ર જ નથી આપતા તેથી વાચક વાર્તાનું પુનઃસર્જન કરીને તેની સંરચનાની પ્રતીતિ કરે છે. પરેશ નાયક ‘હલો મણિવાલ’ વાર્તામાં એકાક્તિની નિરૂપણરીતિથી ટેલિફૉનિક વાર્તાલાપના અવકાશમાં પાત્રોનાં આંતરવિશ્વને રજૂ કરે છે. વાર્તાનો પ્લૉટ નાટ્યાત્મક એકોક્તિઓ વડે મૂર્ત થાય છે. જેમાં પાત્રો વચ્ચેના સંબંધોની ગૂંચ જ વાર્તાને ગતિ આપે છે. અજિત ઠાકોર કલ્પનો અને પ્રતીકો તથા સંકેતસભર નાની નાની ક્રિયાઓ વડે પ્લૉટની રચના કરે છે જેનાથી પાત્રની વિષાદમય એકલતા વ્યંજિત થાય છે. આશરે ત્રણ દાયકાનો સમયગાળો ધરાવતી આ વાર્તાઓના પ્લૉટ હવે પુનઃવિધાનની અપેક્ષા રાખે છે. તેમ છતાં પાત્રમાનસનાં સૂક્ષ્મ સ્તરના મનોવ્યાપારોનું વ્યંજનાસભર આલેખન ચીલાચાલુ પ્લૉટને બદલી નાખે છે. આધુનિક તબક્કામાં સુરેશ જોષી અને અન્ય અનુવાદકોએ વિદેશી વાર્તાઓના અનુવાદનું મોટું કામ કર્યું હતું. આ અનુઆધુનિક તબક્કામાં શિરીષ પંચાલ, શરીફા વીજળીવાળા, સુમન શાહ, વિજય શાસ્ત્રી, નિમેષ પટેલ, બાબુ સુથાર અને મીના શાહ પણ વિદેશી વાર્તાઓના અનુવાદો કરે છે. તેમાં ખાસ કરીને શિરીષ પંચાલે પરંપરાગત કથનાત્મક ઢાંચામાં ઉત્તમ વાર્તાઓના અનુવાદ કર્યા છે. જેમાં શેરવુડ એન્ડરસન, ગાર્ગેલી રાકોસી, એનિબાલ મોન્ટેઈરો માચાડો, હેલન નોરિસ અને કે. બોઈલ જેવા વાર્તાકારોની વાર્તા આપણી ભાષામાં ઉપલબ્ધ કરી આપી છે જે એમનું મોટું પ્રદાન છે. એમણે આ વિદેશી વાર્તાઓનો અનુવાદ સંચય ‘યાયાવાર ભાગ ૧ અને ૨ (પ્ર. આ. ૧૯૯૪) શીર્ષકથી પ્રકાશિત કર્યો છે. શિરીષ પંચાલની આ પ્રકારની વાર્તાઓના અનુવાદ પાછળની દૃષ્ટિ એ હતી કે વાર્તાલેખન માટે પરંપરાગત કથનાત્મક ઢાંચાઓ કે માળખાંઓ પણ એટલાં જ કાર્યક્ષમ છે. તેથી આ વાર્તાઓનું વાચન કરવામાં વાચકને દુર્બાધતાનો અનુભવ થતો નથી પરંતુ આનો અર્થ એવો નથી કે આ વાર્તાઓ સીધી સપાટ અને એકકેન્દ્રી છે. વાર્તાની વ્યંજનાશક્તિ માટે વાર્તાકારની ઘટનાનિરૂપણની વિશિષ્ટ પદ્ધતિ છે. અને તેમાં માનવીય સંબંધનું સંકુલ રૂપ પ્રગટ થાય છે. આપણો પ્રાચીન સમૃદ્ધ વારસો જે રીતે આજે બજારવાદી માનસિકતાને કારણે નષ્ટ થઈ રહ્યો છે તેની પીડા ‘પિયાનો’ વાર્તામાં છે. મેં ‘પિયાનો’ અને ‘આભમાંથી શરાબ’ આ બંનેનું આસ્વાદલક્ષી અર્થઘટન મારા ‘આવિર્ભાવ’ (પ્ર. આ. ૨૦૦૬) પુસ્તકમાં પ્રકાશિત કર્યું છે. પરંપરાગત ચરિત્રચિત્રણ અને વસ્તુસંકલનાની પદ્ધતિ પણ કાર્યક્ષમ બની શકે છે તેવું ગૃહીત શિરીષ પંચાલે એમની મૌલિક વાર્તા ‘હવેલી’ અને ‘મજૂસ’માં યોજી છે. નિમેષ પટેલે ગોગલની ‘ઑવરકોટ’; કાફકાની ‘ઈન ધ પીનલ કૉલોની’ અને હેમિંગ્વેની ‘સ્નોઝ ઑફ કિલીમાંજારો’ વાર્તાના અનુવાદ ‘તથાપિ’માં પ્રકાશિત કર્યા છે. શરીફા વીજળીવાળાએ આઈઝેક શિંગર અને હેમિંગ્વેની લાંબી વાર્તાઓના અનુવાદો આપ્યા છે. વિજય શાસ્ત્રીએ હર્નાદો ટેલિસ અને બૉદલેરની વાર્તાના અનુવાદ કર્યા છે. સુમન શાહે અમેરિકન પૉસ્ટ મૉર્ડનિસ્ટ વાર્તાકાર ડોનાલ્ડ બાર્થેલ્મની વાર્તાના અનુવાદ આપ્યા છે. બાર્થેલ્મ સંદિગ્ધ કથનશૈલી વડે સમકાલીન અમેરિકન પ્રજાની જીવનભાવનાને સૂચવે છે. બાર્થેલ્મની જેમ માર્કવેઝની વાર્તાઓ પણ ઉપલબ્ધ થઈ છે. અહીં આ અનુવાદ પ્રવૃત્તિનો સંદર્ભ આપવાનો હેતુ એ છે કે આટલા સુંદર અનુવાદો થતા હોવા છતાં કેટલાક વાર્તાકારો પર તેની કોઈ ખાસ ઊંડી સર્જનાત્મક અસર જોવા મળતી નથી. આ ગાળાના દલિત અને તળચેતના પ્રધાન વાર્તાકારોને વિદેશી સાહિત્ય અને વિવેચન તરફ અણગમો છે. તેથી પ્રતીકવાદ, પરાવાસ્તવવાદ કે મોન્ટાજ કૉલોજની પ્રયુક્તિઓને યોગ્ય પરિપ્રેક્ષ્ય સમજ્યા વિના તેની અણછાજતી ટીકા કરે છે. જો કે કિરીટ દૂધાત ને બિપિન પટેલ જેવા વાર્તાકારો ચેખવ, હેમિંગ્વે અને જેમ્સ જોય્સની વાર્તાઓના ચાહક છે. જોય્સની ‘ધ ડેડ’ વાર્તાનો અનુવાદ બંને વાર્તાકાર મિત્રોએ આપ્યો છે. સાંપ્રતકાળમાં બાબુ સુથાર અને મીના શાહ ‘સન્ધિ’ના અંકોમાં નિયમિતપણે અનુવાદો આપતાં હતાં જેમાં ભાવવિશ્વ અને વાર્તાકથનરીતિ નવીન પ્રકારનાં છે. અનુઆધુનિક વાર્તાના અનુવાદની પ્રવૃત્તિની જેમ સંરચનાવાદી કાવ્યશાસ્ત્રનો પણ આ તબક્કામાં પ્રવેશ થયો છે. જયેશ ભોગાયતાએ ‘તથાપિ’નો કથનકળાશાસ્ત્ર વિશેષાંક અંક ૨૫, ૨૬ વર્ષ ૨૦૧૧-૧૨માં પ્રકાશિત કરેલ છે. પણ વિદ્યાકીય કાર્ય તરફની આ ઉદાસીનતાના વાતાવરણમાં આટલું મહત્ત્વાકાંક્ષી કાર્ય વાચકોની નજરમાં વસ્યું નથી. જયેશ ભોગાયતા ઉપરાન્ત નરેશ વેદ, બાબુ સુથાર, ઉર્વી તેવાર, રાજેશ વણકર અને સુશીલા વાઘમશીએ કથનકળાશાસ્ત્ર ક્ષેત્રે મહત્ત્વના સ્વાધ્યાય-લેખો પ્રગટ કરે છે પણ હજુ વાચકોએ તેમજ વાર્તાકારોએ તેની નોંધ લીધી નથી. તેથી આ તબક્કામાં પણ વાર્તાલેખન સ્થગિત બનતું અનુભવું છું. નવોદિત વાર્તાકારોની સંવેદનશીલતા અને વાર્તાલેખનરીતિમાં નવીનતા અને ઊંડાણ છે તે દિલાસારૂપ છે પણ વાર્તાસ્વરૂપની શોધ માટે સ્વાધ્યાય કરવાની જરૂર છે. આ નવોદિત વાર્તાકારો સાથે પ્રૌઢ વયના નીવડેલા મીમાંસકો સાથે સંવાદ કરવાનું એક સર્જનાત્મક સ્થાન સુમન શાહે ‘સુરેશ જોષી સાહિત્યવિચાર ફૉરમ’ના વાર્તાશિબિરો વડે સર્જ્યું છે જે પાયાનું કામ છે. ‘તથાપિ’ના અંકોમાં નવોદિત વાર્તાકારોની કૃતિઓ સાતત્યપૂર્વક પ્રગટ થતી રહે છે જે વાર્તા-સર્જનની ઉજળી બાજુ દર્શાવે છે.

આ તબક્કાની વાર્તાઓ : કથનકેન્દ્ર અને કથકની દૃષ્ટિએ :

આધુનિકતાવાદી વાર્તાઓ સામેના પ્રતિરોધમાંથી સર્જાતી અનુઆધુનિક વાર્તાઓ ઘટના, ઘટનાનિરૂપણ અને પ્લૉટની બાબતે પરંપરાગત માળખાંને અનુસરે છે તેમ કથનકેન્દ્ર અને કથકની બાબતે પણ પરંપરાગત માળખાને અનુસરે છે. વાર્તાની વિષયસામગ્રી મુખ્યત્વે અન્યાયકારી અને શોષણખોર સમાજતંત્રની ટીકા કરવાની રહી છે. સવર્ણો દ્વારા થતો દલિતવર્ગને અન્યાય, પુરુષો દ્વારા થતો સ્ત્રીવર્ગને અન્યાય અને શોષણ, માલિકો દ્વારા થતો નોકરવર્ગને અન્યાય અને વૈશ્વિકીકરણ અને બજારવાદી સંસ્કૃતિના આક્રમણનો ભોગ બનતાં ભાષા, પરંપરાગત જીવન મૂલ્યો અને પ્રાકૃતિક સૌંદર્યના વિનાશ સામે સંપ્રજ્ઞ દેશીવાદ, રાજકીય પરિસ્થિતિ બદલાતાં સવર્ણોનું હાંસિયામાં ધકેલાઈ જવાની ઘટના – આ બધી પરિસ્થિતિ વાર્તાની સામગ્રી છે. તેથી સ્વાભાવિકપણે પરસ્પર વિરોધી પરિબળોથી સર્જાતી પરિસ્થિતિનું નિરૂપણ વાર્તાનું કેન્દ્ર બને છે. શોષણખોર સમાજતંત્રના વિઘટન માટેનો વિદ્રોહી સૂર વાર્તામાં આકાર લે છે. વાર્તા ઉપેક્ષિત, દલિત, શોષિતના કેન્દ્રથી રજૂ થાય છે. જે મોટેભાગે સર્વજ્ઞ કથનકેન્દ્ર વડે રજૂ થાય છે. વાર્તાકથકનો સૂર સમભાવી અને પક્ષકાર હોય છે ખરો પરંતુ એ સૂર કે પક્ષને અભિધાના સ્તરે નહિ પણ વ્યંજનાના સ્તરે રજૂ કરવા માટે વાર્તાકથકની પ્રકૃતિ તટસ્થ અને નિર્મમ છે તેને કારણે ભાવકચેતનાને એ સૂરની પ્રતીતિ કરવા માટે અનિવાર્ય અવકાશ સર્જવો જરૂરી છે. એ અવકાશનિર્માણ માટે વાર્તાકાર કલ્પન, પ્રતીક અને ફેન્ટસીની રીતિનો વિનિયોગ કરે છે. વાર્તાનો પરિવેશ રચનારા વિવિધ પદાર્થોનો સૂચક ઉપયોગ કરે છે. આને કારણે કથક પક્ષકાર બને છે પણ તેની પક્ષકારની ભૂમિકા પ્રગટ નથી રહેતી. ગાંધીવાદી વાર્તાકારો વાર્તામાં માંગલ્ય અને આશાવાદી ભાવના રજૂ કરતાં સૂત્રો મૂકીને વાર્તાના ધ્વનિને મંદ પાડતા હતા તેવા સૂત્રાત્મક હસ્તક્ષેપો વાર્તાકારો નથી કરતા. વાર્તાકથક અને વાર્તાનાં પાત્રો વચ્ચેનો સંબંધ તરત સ્ફૂટ ન થાય તેવી નિર્મમતા અને તટસ્થતાથી વાર્તાકારે વાર્તાકથકની પ્રકૃતિ ઘડી છે. સંવાદો, વર્ણનો અને સૂચક અંતના સમન્વયથી વાર્તાના ધ્વનિની રચના કરે છે. તેથી વાચક વાર્તાની રચના ઘટનાના તર્કશાસ્ત્રને અનુરૂપ થઈ હોવાને કારણે વાર્તાનું વિના અવરોધે વાચન કરી શકે છે પરંતુ તેનાં કથનકેન્દ્રને પામવા માટે ઘટકતત્ત્વો વચ્ચેની સજીવ એકતાને પામવી જરૂરી છે. આ પ્રકારની કથનકેન્દ્ર યોજવાની દીક્ષા અનુઆધુનિકોએ આધુનિક અને પૂર્વ આધુનિક વાર્તાકારો પાસેથી મેળવી છે. તેથી સુરેશ જોષી, ઘનશ્યામ દેસાઈ, મધુ રાય, ચન્દ્રકાન્ત બક્ષી, જયંત ખત્રી, જયંતિ દલાલ અને દ્વિરેફ જેવા વાર્તાકારો અનુઆધુનિકોને પ્રિય બન્યા છે. વાર્તાનાં ઘટકતત્ત્વોની કાર્યક્ષમતાનું વિશ્લેષણ કરતી વખતે ઘટકતત્ત્વની રચના કરનાર તત્ત્વોની ઓળખ કરવી જરૂરી છે. કારણ કે જેમને આપણે ઘટકતત્ત્વો ગણીએ છીએ તે તો અમૂર્ત હોય છે. તેથી ઘટકતત્ત્વ Fictional છે Factual નહિ. એની ઉપસ્થિતિનો અનુભવ સહૃદય ભાવકને થાય છે. વાર્તાકારે અખંડરૂપે કૃતિમાં ગૂંથેલાં ઘટકતત્ત્વોની ઓળખ વાચક વાચનવ્યાપાર દ્વારા કરે છે. તેથી કથનકેન્દ્ર એવું નથી હોતું કે તેને આંગળી ચીંધીને બતાવી શકાય કે આ રહ્યું કથનકેન્દ્ર અને આ રહ્યું એનું કાર્ય. કથનકેન્દ્રની રચના કરનાર તત્ત્વોમાં વાર્તાના આરંભ અને અંત વચ્ચેનો અંતરાલ નિર્ણાયક હોય છે. આરંભ અને અંત વચ્ચેનો ભેદ. બીજું, વાર્તાની ભાષા. અભિધા, લક્ષણા, વ્યંજના ત્રણેયનો વિનિયોગ. ત્રીજું, સૂચનની પદ્ધતિનો ઉપયોગ- Showingનો કે method of indirectionનો વિનિયોગ. ચોથું, વાર્તાનાં વર્ણનો અને વાર્તાકથકની પ્રકૃતિ. એ બોલકો, વાચાળ, ઉપદેશક કે પયંગબર લિબાસી હશે તો કથનકેન્દ્રની સર્જનાત્મકતાનો અંત લાવી દેશે. આ તબક્કાના વાર્તાકારોએ કથનકેન્દ્રનું નિર્માણ અને વાર્તાના કથકની પ્રકૃતિ નક્કી કરવામાં ખાસ્સી સભાનતા દર્શાવી છે. No Resolution but Revealation ઉકેલ નહીં પણ પ્રગટીકરણ. કથનકેન્દ્ર અને કથકની ચર્ચામાં અહીં પ્લૉટના સ્વરૂપની ચર્ચા જોડવી જરૂરી છે. વાર્તાનો અંત, ખાસ કરીને, આ તબક્કાની વાર્તાનો ધ્યાનથી ઓળખવો જરૂરી છે. વાર્તાના અંતે પ્રશ્ન, સમસ્યા કે ગૂંચનું સુખરૂપ નિર્વહણ નથી કે સુખદ પરિસ્થિતિના સૂર્યના ઉદયની ક્ષણ નથી પણ સમસ્યા કે ગૂંચનું તીવ્ર ભાનથી થતું પ્રગટીકરણ છે. વાર્તાનું પાત્ર કે વાર્તાનાં પાત્રો પરિસ્થિતિની તમામ બાજુઓની સંકુલતાની પ્રતીતિ કરે છે. જીવનમાં સર્જાતી કટોકટીરૂપ સમસ્યાનું સમાધાન કરી લેનાર વ્યવહાર કુશળ પાત્રો કરતાં સમસ્યાની તીવ્ર સંવિત્તિ ધરાવનાર પાત્ર સમાધાનના માર્ગે જવાને બદલે તેની અસંગત અવસ્થાને અનુભવે છે. તેથી ઝટ ઉકેલી દઈ શકાય તેવા સરળ વાસ્તવની વાર્તા ન બની શકે. પરિસ્થિતિની અનુત્તર અવસ્થા જ વાર્તાની પ્રગટીકરણની ક્ષણ છે જે પ્રકાશમય હોય છે. ઉતાવળે પાટાપીંડી કે સાંધણ કે થીંગડાં મારીને સમાધાન આપી દેતી વાર્તાઓ વાર્તાકારની માનવવાસ્તવની સમજની સીમા દર્શાવે છે. તેથી વાર્તાલેખન માટે પસંદ થતી પરિસ્થિતિનો ટૂંકાં ફલકમાં ઉકેલ આપવાની રીત વાર્તાસ્વરૂપમાં શક્ય નથી. પરિસ્થિતિની અનિર્વહણશીલ પરાકાષ્ઠા એ જ વાર્તાનું કથનકેન્દ્ર બનવું અનિવાર્ય છે. ટૂંકી વાર્તાની આ જ મૂળભૂત અને વ્યાવર્તક ઓળખ છે જે આ ગાળાના સફળ વાર્તાકારો જાણે છે. Point of view કથનકળાશાસ્ત્રના મીમાંસક સેમૉર ચેટમેનેની ચર્ચા કરવા માટે mood નામની પરિભાષા યોજી છે. મીકી બાલે Focalization સંજ્ઞા વાપરી છે. (position) વાર્તાકથનમાં વાર્તાકથકનું સ્થાનગ્રહણ ખૂબ જ મહત્ત્વનું છે. ઘટના, પાત્ર, પરિવેશથી એનું અંતર. એટલે કે વાર્તાકથક અને ઘટના, પાત્ર, પરિવેશ વચ્ચેનું અંતર. વાર્તાકથક પોતાનું સ્થાન નિશ્ચિત કરીને વાર્તાકથન કરે છે ત્યારે તેનો અવાજ નિશ્ચિત પ્રકારનો અર્થ નિષ્પન્ન કરે છે અને જ્યારે વાર્તાકથક પોતાનું સ્થાન અનિશ્ચિત રાખે કે ફરતો-changing Voice રાખે ત્યારે તેનો અવાજ પણ સંકુલ અર્થ નિષ્પન્ન કરે છે. વાચકને વાર્તાનો અર્થ પામવા માટે ખાસ્સો પુરુષાર્થ કરવો પડે છે. જો કે દલિતવાદી, નારીવાદી અને ગ્રામચેતનાવાદી વાર્તાઓનો કથક પાત્રના કેન્દ્રથી વાર્તાકથન કરે છે તેથી તેની પ્રકૃતિ સમભાવી કે સહાનુભૂતિશીલ અને પક્ષકારની હોય છે ને તેનો અવાજ કે સૂર ન્યાય માટે બધિર તંત્રવાહકોને ઢંઢોળે છે. આ તબક્કાના અન્ય વાર્તાકારોમાં સુમન શાહ, કિશોર જાદવ, ભૂપેન ખખ્ખર, મધુ રાય, પરેશ નાયક, બાબુ સુથાર, અજય સરવૈયા અને જયેશ ભોગાયતાની વાર્તાઓનાં કથનકેન્દ્ર અને વાર્તાકથક સંરચનાની દૃષ્ટિએ નારીવાદી, દલિતવાદી અને ગ્રામચેતનાવાદી વાર્તાઓથી જુદાં પડે છે પરંતુ એ બન્ને પ્રકારની વાર્તાઓ વચ્ચે ઉચ્ચાવચતાની દૃષ્ટિએ ભેદ નથી પાડતો પરંતુ બંનેની સંરચનાગત ભાતની દૃષ્ટિએ જુદાપણું છે. સ્વાભાવિક રીતે, દલિતવાદી, નારીવાદી અને ગ્રામચેતનાવાદી વાર્તાઓ તેના વિષયવસ્તુ અને પ્રયોજન પ્રમાણે સમાજતંત્રોની સામે વિદ્રોહરૂપે આકાર લે છે પરંતુ એ સિવાયના જૂથની વાર્તાઓનું વિષયવસ્તુ અને પ્રયોજન સમાજતંત્રોની સામે વિદ્રોહ કરવાનું નથી પરંતુ વ્યક્તિગત ભૂમિકાએ વાર્તાનું પાત્ર જે અસ્તિત્વપરક સમસ્યાઓ વચ્ચે છે તેના દબાવોથી જે પ્રકારની નિઃસહાયતા, એકલતા કે વિચ્છિન્નતા અનુભવે છે તે પરિસ્થિતિનું નિરૂપણ કેન્દ્રમાં છે. આ પ્રકારની અસ્તિત્વપરક સમસ્યાઓના આલેખન માટે વાર્તાકાર વાર્તાનાં ઘટકતત્ત્વોની વિશિષ્ટ રીતે યોજના કરે છે. વાર્તાકાર સંદિગ્ધતાની સંરચના માટે કપોળકલ્પિત, સન્નિધિકરણ, પ્રતીક, આંતરચેતનાપ્રવાહ, એકોક્તિ જેવી નિરૂપણરીતિનો વિનિયોગ કરે છે. પ્રથમ જૂથના વાર્તાકારો પણ આમાંની કેટલીક પ્રયુક્તિઓનો વિનિયોગ કરે છે. પરંતુ એમનું વાર્તાલેખન વિચારધારા અને પ્રતિબદ્ધતાની સીમામાં થતું હોવાને કારણે સર્જનનો ઉન્મેષ નિયંત્રિત રહે છે જ્યારે બીજા જૂથની વાર્તાઓમાં સર્જનના ઉન્મેષની અભિવ્યક્તિ માટે વિશાળ અવકાશની સંભાવના રહેલી છે. સર્જક કલ્પનાનું સૌંદર્યમય વિશ્વ સર્જકતાની ક્ષિતિજોને વિસ્તારે છે. તેને કારણે કથનકેન્દ્ર અને કથકનાં સ્વરૂપો વિશિષ્ટ હોય છે. કથનકેન્દ્ર અને કથકનાં પરંપરાગત રૂપોનું કે ઓળખનું વિઘટન થાય છે. કારણ કે વાર્તા કથન ઉપરાંત આલેખન, વર્ણન, મૉન્ટાજ, કૉલાજ, અતિવાસ્તવવાદી નિરૂપણનો વિનિયોગ કરે છે તેથી કથનકેન્દ્ર અને કથકનાં માન્ય બંધારણો તૂટી પડે છે. વાર્તાસ્વરૂપના સજ્જ વાચકોની વાચનપ્રતિભા-ભાવનપ્રતિભા વડે કથનકેન્દ્ર અને કથકની સંરચના શક્ય બને છે અન્યથા એ બધાં વેરવિખેર, અતાર્કિક અને ક્રમહીન હોય છે. એ બધું વેરવિખેર કે ક્રમહીનનું પુનઃસર્જન કરવાથી જ અર્થનિષ્પત્તિ શક્ય બને છે. વાચકની સંપ્રજ્ઞતા વિના વાર્તાનો અર્થબોધ શક્ય નથી. તેથી વાર્તાકથકનો સૂર, એનું સ્થાનગ્રહણ, પાત્રથી એમનું અંતર, પ્લૉટની રચના, પરિવેશની સૂચકતા, વર્ણનનો ધ્વનિ આ બધાં તત્ત્વો સાથે વાચકનો અનુબંધ થવો જરૂરી છે.

આ તબક્કાની વાર્તામાં સમય

આ તબક્કાની પ્રતિબદ્ધ વિષયસામગ્રી ધરાવતી વાર્તાઓના પાત્રો પણ મનોવ્યાપાર, મનોમંથન, ભાવશબલતા, શંકા, દ્વિધા, અનિશ્ચિતતા, અપરાધભાવ, તનાવ જેવી સંચારી અવસ્થામાંથી પસાર થતાં હોય છે તેથી ભૌતિક સમયના નાના ફલક પર વાર્તાકાર પાત્રની ચૈતસિક અવસ્થાઓનું વિસ્તારથી નિરૂપણ કરે છે. વાર્તાના આરંભ અને અંત વચ્ચેના ભૌતિક સમયનું પરિમાણ નાનું હોય પણ તેના નિરૂપણસમયનું પરિમાણ મોટું હોય છે. વાર્તાની વિષયસામગ્રી પ્રમાણે વાર્તાકથક વર્તમાન અને ભૂતકાળની આવનજાવનની પદ્ધતિનો વિનિયોગ કરે છે. વર્તમાન અને ભૂતકાળના સમયની સહોપસ્થિતિ કે સન્નિધિકરણ રસમયનું ભૌતિક અને તર્કસંગત માળખું તોડી પાડે છે. વાર્તાલેખનમાં સમયાનુક્રમની યાંત્રિક ગતિ કે ભૌતિક ગતિને તોડવા માટે વાર્તાકાર જ્યાં અનિવાર્ય જણાય છે ત્યારે વીતી ગયેલા સમયનું વર્તમાન સમય સાથે જોડાણ કરે છે. આ પ્રકારનું જોડાણ પુનરાવર્તિત થતું હોય ત્યારે એ પુનરાવર્તનનું પ્રયોજન હોય છે. બે અલગ અલગ સમયનું જોડાણ કરવાનો હેતુ વાર્તાની વિષયસામગ્રી પ્રમાણે હોય છે. જ્યારે બે ભિન્ન સમયખંડમાંની પરિસ્થિતિ વચ્ચે વિરોધાભાસ હોય ત્યારે એ જોડાણ દ્વારા વાર્તાકથક તણાવ ઊભો કરે છે. ક્યારેક ભૂતકાળની પરિસ્થિતિમાં પરસ્પરથી વિરોધી પરિસ્થિતિએ એક તણાવનું નિર્માણ કર્યું હોય છે અને એ સમગ્ર પરિસ્થિતિને વર્તમાન સમયની ધરીએ યાદ કરવામાં આવે ત્યારે સમયસંવેદના સંકુલ પરિમાણમાં વિસ્તરે છે. હર્ષદ ત્રિવેદી, મોહન પરમાર અને કિરીટ દૂધાતની વાર્તાઓ આ પદ્ધતિની સમયસંકલના ધરાવે છે. વીતી ગયેલા સમયનો કે વીતી ગયેલા સમયમાં ઘટેલી ઘટનાઓ વર્તમાન સમય સાથે અથડાતાં જે વિસ્ફોટ થાય છે. તેનાથી પાત્રચેતનાની અવસ્થા પ્રકાશમાં આવે છે. હર્ષદ ત્રિવેદીની ‘જાળિયું’. કિરીટ દૂધાતની ‘લીલ’ અને મોહન પરમારની ‘સાંજ’ વાર્તા આ સંદર્ભે મહત્ત્વની વાર્તાઓ છે. વર્તમાન સમયની તંગ પરિસ્થિતિના કેન્દ્ર પર ઊભો રહીને વાર્તાકથક જ્યારે ભૂતકાળનું દર્શન કરે છે ત્યારે એ માત્ર સ્મૃતિ વ્યાપાર જ નથી પરંતુ બે સમયની સહોપસ્થિતિથી સર્જાતી વિસ્ફોટક ક્ષણો છે જે પાત્રની વેધક દશાને સૂચવે છે. વાર્તાકાર સાંસ્કૃતિક સંદર્ભે વર્તમાન પરિસ્થિતિ અને ભૂતકાળની પરિસ્થિતિ વચ્ચેની અસમાનતાને સાંસ્કૃતિક વારસાના પતનના રૂપે રજૂ કરે છે. બજારવાદી માનસિકતાને કારણે સાંસ્કૃતિક વારસારૂપ ઇમારતો, સ્થાપત્યોનો નાશ થઈ રહ્યો તેનું રક્ષણ કરવાની ભાવના રજૂ કરવા માટે શિરીષ પંચાલે ‘હવેલી’ વાર્તામાં સમયસંકલના માટે વાર્તાનાં પાત્ર પ્રવીણના જીવનની નિર્ણાયક ક્ષણની પસંદગી કરી છે. હવેલીના જીવંત ભવ્ય ભૂતકાળને પ્રવીણ પોતાને એકવીસ વર્ષ પૂરા થવાના દિવસની આગલી રાતે યાદ કરે છે. હવેલીની સમૃદ્ધિ અને સાંસ્કૃતિક પરંપરા સાથે પ્રવીણની ચેતનાનો અનુબંધ એની નિર્ણય લેવાની દ્વિધામૂલક સ્થિતિનો સુખદ અંત બને છે. હિમાંશી શેલતની વાર્તાઓમાં બે સમયખંડ વચ્ચેનો આંતરિક સ્તરનો વિરોધ પાત્રના જીવનની કટોકટીનું માધ્યમ બને છે. સુમન શાહ અને કિશોર જાદવની વાર્તાઓમાં સમયનું ભૌતિક પરિમાણ પાત્રની પરાવાસ્તવિક સ્થિતિ, આંતરચેતના પ્રવાહ અને પ્રતીકાત્મક પરિવેશને કારણે ઓગળી જાય છે અને પાત્રચેતનામાં સમયનું નવું રૂપ આકાર લે છે. સમયની નિશ્ચિત ધરી પર ગતિ ન કરતી વાર્તાઓ પાત્રચેતનામાં થતાં વિવર્તો, આરોહ અવરોહો કેલિડોસ્કોપિક રૂપલીલાઓ મનુષ્યની ક્ષુબ્ધ દશાનો સંકેત છે. સમયની રૈખિક ગતિ અને મનુષ્યચેતનાની સ્વૈરગતિનો, વિરોધાભાસ અસ્તિત્વની ભંગુર સ્થિતિને સૂચવે છે. સુમન શાહની ‘ફટફટિયું’ વાર્તામાં સમયની રૈખિક ગતિનું વિઘટન છે. કિશોર જાદવની ‘ચિહ્નકાંડ’ વાર્તામાં ખખડતા, ખોડંગાતા અને ભારેખમ સમયનાં જૂજવા રૂપ નિરૂપાયાં છે. ભૂતકાળની આઘાતક અને સંક્ષોભકારક ઘટનાથી ક્ષુબ્ધ મનોદશાવાળું પાત્ર વર્તમાન સમયની એવી જ જુગુપ્સાપ્રેરક પરિસ્થિતિમાં એની બહુસ્તરીય ભીંસ અનુભવે એ પ્રકારની વાર્તા રમેશ પારેખની ‘ચૂડ’ છે. ભૂતકાળ અને સમયની બીભત્સ અનુભૂતિ કામવાસનાનાં બીભત્સ રૂપ વ્યક્ત કરે છે. શરીરસુખથી વંચિત સ્ત્રીની અજગરભીંસ વાર્તાનું પુરુષપાત્ર અનુભવે છે. સ્મૃતિવ્યાપાર, વર્તમાન અને ભૂતકાળની સહોપસ્થિતિ, વર્તમાન સમયની રૈખિક ગતિને વારંવાર ખંડિત કરતો ભૂતકાળ, આંતરચેતનાપ્રવાહ અને કપોળકલ્પિતની પ્રયુક્તિ વડે ભૌતિક સમયની નિશ્ચિત ઓળખને ભૂંસીને અવ્યાખ્યેય, અપૂર્વ અને તર્કાતીત એવા આદિમ સમયની આબોહવામાં થઈ જતી વાર્તાઓએ સમયનું સમયાતીત રૂપ સર્જ્યું છે. ક્યારેક તણખા કે આગિયાના પ્રકાશની જેમ, તો ક્યારેક નદીના પ્રવાહની જેમ, તો ક્યારેક સતત ઉઘાડબંધ થતા કૉરિડોરની જેમ, તો ક્યારેક જંગલમાં ફાટી નીકળેલા દાવાનળની જેમ, તો ક્યારેક બરફથી થીજી ગયેલી રાત્રિઓની જેમ આ તબક્કાની વાર્તાઓમાં સમય મૂર્ત થયો છે. સ્વપ્નદશામાં મુક્તવિહાર કરતો સમય દિવસના પ્રકાશમાં ખોડંગાતો ચાલે છે. પુસ્તક ઉઘાડીએ ને પાનાંઓમાંથી સમય ખરવા લાગે. શબવત્‌ સમયની મીંચાયેલી આંખોમાં થીજી ગયેલાં દૃશ્યોનો રેલો વહી જાય દૂર ને દૂર. સમયતત્ત્વની અભિનવ સંવેદનાએ મનુષ્યની સીમિત ઓળખનો અંત લાવી દીધો છે.

૦૦૦

આ તબક્કાની વાર્તાઓનો પરિવેશ.

સંસ્કૃત રસમીમાંસામાં ‘વિભાવ’ના બે પ્રકાર છે. એક ‘આલંબનવિભાવ’ અને બે ‘ઉદ્દીપન વિભાવ’. તેમાં ઉદ્દીપન વિભાવ એટલે કે ઉદ્દીપકો પાત્રની સંવેદનાઓને પુષ્ટ કરવાનું કાર્ય કરે છે. એમની ઉપસ્થિતિથી પાત્રની પ્રસન્ન કે અપ્રસન્ન અવસ્થાને સહૃદય ભાવક તીવ્રપણે અનુભવે છે. ‘Setting’ કથાસાહિત્યની અર્વાચીન વિભાવનામાં અંગ્રેજીમાં એને કહે છે અને આપણી ભાષામાં નવી સંજ્ઞા ‘પરિવેશ’ છે જે વર્ણનને સ્થાને આવી છે. કૃતિમાં વર્ણનો યાંત્રિક રીતે યોજવામાં આવે ત્યારે તેની કોઈ અસર પડતી નથી. એ આગંતુક અને બિનઅસરકારક બને છે. પરંતુ વાર્તાનો પરિવેશ કે વાર્તામાં આવતાં વિવિધ પ્રકારનાં વર્ણનો પાત્ર કે પરિસ્થિતિની વેધકતાને પુષ્ટ કરવા માટે પ્રયોજાય છે ત્યારે એ કાર્યસાધક બને છે. આ તબક્કાની વાર્તાઓનું બંધારણ તેમના વિષયવસ્તુને કારણે તળપ્રદેશ અને પ્રદેશવિશેષનો સંદર્ભ ઘરાવે છે. તો નગરચેતનાની વાર્તાઓ શહેરના પરિવેશ વચ્ચે ઉછરી છે. ખાસ કરીને દલિતવાદી અને તળચેતનાપ્રધાન વાર્તાઓના પરિવેશનાં ઘટકોમાં ખૂબ જ વૈવિધ્ય છે. એ ઘટકોને પ્રાકૃતિક, સામાજિક, સાંસ્કૃતિક રીતે ઓળખાવી શકાશે. એટલે કે પ્રકૃતિ, માનવસમાજ, માનવસંસ્કૃતિ, ધર્મ, વગેરેનાં ઘટકો વાર્તામાં કાર્યસાધક બને છે. આ તબક્કાની વાર્તાઓમાં પ્રાકૃતિક પરિવેશમાં સમુદ્ર, નદી, જંગલ, પહાડ, કોતર, વૃક્ષ-વનસ્પતિ. ફૂલ-ફળ, પશુ-પંખી, સૂર્ય, ચંદ્ર, તારા, વરસાદ, વીજળી વગેરે. અનુઆધુનિક તબક્કાના ચાર પ્રમુખ વાર્તાકારોની વાર્તાઓમાં પરિવેશની કાર્યસાધકતા રજૂ કરતો એક સ્વાધ્યાયલેખ મેં મારા ‘અર્થવ્યક્તિ’ પુસ્તકમાં (પ્ર. આ. ૨૦૦૮) પ્રગટ કરેલો. જેનું શીર્ષક ‘પરિવેશ : સંજ્ઞા અને અર્થવિસ્તાર’ છે. એ સ્વાધ્યાયલેખમાંના થોડા અંશો અહીં સામેલ કર્યા છે. ‘પરિવેશ’ સંજ્ઞા વિશેની વિસ્તૃત ચર્ચાના પાયા પર મેં મણિલાલ પટેલ, અજિત ઠાકોર, મોના પાત્રાવાલા અને નાઝીર મન્સુરીની વાર્તાઓ વિશે નોંધ કરી છે. આ ચાર વાર્તાકારો ગુજરાત રાજ્યના જુદા જુદા પ્રદેશના વતની છે. મણિલાલ પટેલ પંચમહાલ પ્રદેશના છે, અજિત ઠાકોર દક્ષિણ ગુજરાતના સુરતના તળપ્રદેશના છે. મોના પાત્રાવાલા આહવા ડાંગની લીલીછમ ઝાડી ને વાંસના ઝૂંડ વચ્ચે આવેલા વાંસદાના છે. નાઝીર મન્સુરી દીવના દરિયાઈ વિસ્તારના છે. આ પ્રત્યેક વાર્તાકારનો વિશિષ્ટ પરિવેશ વિશિષ્ટ રીતે નિર્માણ પામ્યો છે. પોતાના પ્રદેશની આબોહવાને સર્જકચેતનાના કેન્દ્રથી ગ્રહણ કરીને જીવનનું ચિત્ર રજૂ કર્યું છે. એમની વાર્તાઓમાં માત્ર પ્રાકૃતિક પરિવેશનું રંગદર્શી ચિત્ર નથી પણ પાત્રોના આંતરબાહ્ય જીવનના તાણાવાણા સાથે ગાઢ અનુબંધ રચી મનુષ્ય અને તેના પરિવેશ વચ્ચે જોવા મળતી અભિન્નતા રૂપતત્ત્વને આલેખ્યું છે. પાત્રચિત્તની અજ્ઞાત સ્તરની સૂક્ષ્મ ભાવલીલાનું દર્શન કરાવવા માટે પરિવેશના પદાર્થોને જે રીતે નિરૂપ્યા છે તેના વડે વાર્તાનો ભાવલોક સજીવ અને ગતિશીલ બન્યો છે. પરિવેશ અહીં પશ્ચાદ્‌ભૂ કે પાર્શ્વભૂ નથી પણ મનુષ્યજીવનનો જ હિસ્સો છે. કોઈ જિજ્ઞાસુને, પહેલાં તો એવો પ્રશ્ન થાય પણ ખરો કે પરિવેશનું નિર્માણ કેવી રીતે થાય? તેના કયા કયા ઘટકો હોય છે? તો તેના ઉત્તર એ છે કે કોઈ વિશિષ્ટ પ્રદેશ કે પ્રાંતના પરિવેશનું નિર્માણ એની પ્રાકૃતિક, સાંસ્કૃતિક, સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજકીય, શૈક્ષણિક પરિસ્થિતિ દ્વારા થાય છે. સમુદ્ર, નદી, જંગલો, પહાડ, કોતરો, વૃક્ષો, વનસ્પતિઓ, ફૂલો, ફળો, પશુ, પંખી, ખેતર, વાડી, વાવ, કૂવો, ગામ, ઘર, ઝૂંપડાં, ખોરાક, ખાણીપીણી, વાનગીઓ, જાતિ, વ્યવસાયો, વ્યવસાય માટેનાં ઓજારો, તહેવારો, ઉત્સવો, કૌટુમ્બિક વ્યવહારો, સંબંધો, નોકર-શેઠના સંબંધો, નાણાંકીય વ્યવહારો, વિધિ-વિધાનો, શ્રીમંતાઈ-ગરીબી, શોષણ, ત્રાસ, આતંક, અત્યાચાર, યૌનવૃત્તિ, યૌનશોષણ, મેલી વિદ્યાઓ, ભૂવા, ડાકણ, ભણતર, શાળાઓ, મુખી, સરપંચ, નાત-પટેલો, કુદરતી આફતો. સુખદુઃખની લાગણીઓ, જીવનશૈલીમાં થતા આંતર-બાહ્ય પરિવર્તનોથી વ્યથિત રહેતા સંવેદનશીલ જીવનની એકલતા, નિઃસહાયતા, સંક્રમણહીનતા. બોલીઓ કે ભાષાભેદો, વિશિષ્ટ લય-લ્હેકાઓ, સહજપણે બોલાતી ગાળો, અશિષ્ટ શબ્દો, લોકગીતો, ગાણાં, વહેમ, અંધશ્રદ્ધાઓ, રોગ, રોગમુક્તિ માટેના ઉપચારો – આ બધાં વિશિષ્ટ જીવનધારક તત્ત્વો વિશિષ્ટ પરિવેશનું નિર્માણ કરે છે. (જયંત ખત્રી અને વીનેશ અંતાણીની વાર્તાઓમાં રણના પરિવેશનું કાવ્યાત્મક આલેખન છે. ઊંટ, ચેરિયાનું ઝાડ, ઊના, દઝાડતા પવનો, રેતીની આંધી, ઢૂવા, જમીનમાં પડેલી તિરાડો, પાણીની તરસ, ભૂખ, રણની સવાર, બપોર, સાંજ અને રાત, રાત્રિનો અંધકાર, ચાંદની રાત. ડૂબતો સૂર્ય, ઝાકળ ટીપું, ખૂંખાર બરછટ પુરુષો અને ઘાટીલી સુંદર સ્ત્રીઓ, ક્યાંક વનરાજિઓ વચ્ચે ચળકતાં સરોવર વગેરે તત્ત્વો તેમની વાર્તાઓની આંતરત્વચા છે. પોતાના પ્રદેશને સમગ્ર ચેતનાથી અનુભવ્યા વિના જીવનને કેવી રીતે નિરૂપી શકાય?) મણિલાલ હ. પટેલ એમના ‘રાતવાસો’ (પ્ર. આ. ૧૯૯૪) વાર્તાસંગ્રહની પ્રસ્તાવનામાં સૂચક રીતે નોંધ છે કે આ વાર્તાઓ પાછી મને મારી અંદરના પાતાળોમાં અને ઘરવતનના તળમાં લઈ જઈને જ રહી છે. મણિલાલની વાર્તાઓ ગામ, ટેકરી, ચરો, ચણા, ઘઉંના છોડ, મકાઈ, પીપળાનું ઝાડ, મહીસાગરનાં કોતરો, કણજી, બાવળ, ગીધોની ચિચિયારીઓ, કંસારીઓના કાળા અવાજો, ઘુવડ, ઘરના મોભ, ઘરનો કરો, પરસાળ, ઓટલો, ચૂડેલ, વંતરી, જીન, ગોર, વાવ, બળદ, બકરાં, બીડી, પોદળા, ભાઠોડું, ‘સાલા ખરપા’, વાંસીદા, મેળાના ચગડોળ, ગમાણ, દીવો, નાગપાંચમ, કંકુ, નાડાછડી, સોઢો, મેડી, કુંભી, કુંજડીઓ, કંથેરનું જાળું, સોનારા, આવળ, છાણામાં ઠારેલો દેવતા, ગંદકી, દોજખ જેવા તાલુકાનાં બસસ્ટેન્ડ, ખુલ્લી ગટરોની ધારે મુકાયેલા ગલ્લા લારીઓ, ચા પીતાં લોક, ખીચોખીચ શટલ, કામાંધ સસરાનો ભોગ બનતી પુત્રવધૂની લાચાર જિંદગી, યૌનવૃત્તિઓનાં દમિત રૂપો, પી.ટી.સી.નું ગાંડપણ, ભણતરનું વ્યાપારીકરણ, મહીસાગરના પાણીએ વેરેલા વિનાશથી સ્થળાંતર કરતાં ગામલોકોનો ઘરઝુરાપો, કૌટુંબિક સંબંધોમાં સ્વાર્થ અને જરૂરિયાતોના સંબંધથી વ્યથિત વેદનશીલ જીવની અંદર ઘૂમરાતી ડમરીઓ, વતનવિચ્છેદ અને સ્વજનવિચ્છેદના બેવડા મારથી ઝૂરતા પાત્રીનું એકલાપણું, બાવનગોળ પાટીદાર કણબીના લગ્નસંબંધ અને લગ્નવિચ્છેદ માટેના વ્યવહારો, એ વ્યવહારોના ગૂંચળાઓમાં ભીંસાતી હૃદયની ઊર્મિઓની નિરાધારતા. આધુનિક જીવનશૈલીનો આંધળો વ્યામોહ, છીછરી મનોવૃત્તિ, બોલીના લય-લ્હેકાઓ, ગાણાં લગ્નગીતો – વગેરે ઘટકોએ પરિવેશનું નિર્માણ કર્યું છે. ઉદાહરણ તરીકે ‘માટીવટો’ વાર્તાની વિગતો નોંધું છું : ‘માટીવટો’માં જૂના ઘરની માયાથી રંગાયેલ માની વ્યથાની સાથે તંતુ ગૂંથતા વીરુની નજરે જોવાયેલું જૂનું ઘર ભર્યાભાદર્યા જીવનવૈભવનો નમૂનો છે. રાતી ગારથી લીંપેલી ભીંતોવાળું ઘર, ભોંયતળિયે મોટી ઓકળિયો, મોટી ચોપાડ, મક્તાવાળું ત્રીજું ભેંત્યું, લાંબી પરસાળ, આગળ-પાછળ બબ્બે રસોડાની ઓરડીઓ, વિશાળ વાડો. ઢોરભર્યું આંગણું, ત્રિભેટે કૂવો, ચાની તાવડી ને હુક્કો બીડી કાયમ. વાર્તાનાયક વીરુને શીમળાની ડાળો પાંસળીઓ જેવી લાગે છે. વૃક્ષો જાણે હાડપિંજર. કાળ બધું તાણી ગયો છે. એ સૂનકારને નાયક મહીસાગરના ભાઠામાં બોલતાં સંભળાતાં સારસના અવાજો રૂપે અનુભવે છે. તોત્તેરમાં આવેલી મહીસાગરની રેલને કારણે તબાહ થઈ ગયેલા પ્રદેશના લોકો જૂનાં ઘર ઉતારીને જે રીતે નવાં સ્થળે જાય છે તેનું અનુકંપાશીલ આલેખન પ્રાદેશિક જીવનનું ચિત્ર છે : ‘મોભ ઉતરી ગયા હતા. વર્ષોએ ઢાંકેલી દીવાલો ઉઘાડી પડી ગઈ હતી. પાટડા જતાં કુંભીઓ એકલી નિઃસહાય રક્ષકના પાઠમાં ઊભી હતી. બારીબારણાં નીકળતાં હતાં. દીવાલોમાં ગાબડાં, માળાઓ વીંખાતા હતા, ખાલી કોઠારો ખુલ્લા થઈ ગયા હતા. રસોડામાં કાળમુખા ચૂલા બળતા હતા. ભેંસોના ખાણના ગોરિયાં ભાંગી ગયેલાં પડ્યા હતાં. જૂનાં પેટીઓ, પટારા, કબાટો, મજૂસ, કોઠલા, ખાટલા, ધૂળખાધી ગોદડીઓ, થાળું ભાંગી ઘંટીઓ, કાન તૂડ્યાં એંઠવાડનાં કૂંડા, દહીંની દોણીઓ, ચીકટાં થયેલાં શીકાં, જૂનાં કુલ્લાં, આળિયા-ગોખલા, કોઢિયાના ખાડા, ઝંખવાયેલા ખડપૂળા, રોટલાઓ ઘડીઘડી કાણી થઈ ગયેલી જાડા લાકડાની કથ્થઈ કથરોટો.’ કુદરતી આફતો અને માનવસર્જિત નીતિનિયમોથી સર્જાતી દુર્ઘટનાઓને કારણે વેરણછેરણ થતાં જનજીવનનું અને વૈયક્તિક જીવનનું અનુકંપાશીલ દર્શન પોતાનો પરિવેશ છીનવાઈ ગયાની વેદનાનો સૂર વ્યક્ત કરે છે. અજિત ઠાકોરની વાર્તાઓનો પ્રધાનસૂર કૌટુમ્બિક પરિવેશમાં ગૂંગળતા યુવાન ‘તખુ’ની વેદનાનો છે. કુટુંબના સભ્યો અંગત સ્વાર્થ અને વ્યવહારની ગણતરીઓને કારણે એકબીજા વચ્ચેનો લાગણીસંબંધ જે ઝનૂન અને નિર્દયતાથી કાપી રહ્યા છે તેની મૂંગી વેદનાનો ભાર નાયક તખુની ચૈતસિક આબોહવામાં છે. સંબંધના કોહવાઈ ગયેલા, અંદરથી પરુથી ખદખદતા બગાડને સહન કરવાનો તખુને મળેલો અભિશાપ સાંપ્રત જીવનના પરિવેશનો સંકેત છે. અજિત ઠાકોરની ‘પોપડો’, ‘ગૂમડું’, ‘ભમરી’, ‘કરેણ’ અને ‘નખ’ વાર્તા પાત્રહૃદયની એકલતા વર્ણવે છે. કૌટુમ્બિક સંબંધોના ‘મોટા નામો’ હવે સ્થૂળ નામો જ બની ગયા છે. કુટુંબીજનોની ભીતર સળગતી રહેતી ઈર્ષ્યા, સ્વાર્થ અને જાકારોથી હડધૂત થતા વેદનશીલ જીવની વેદનાને કોણ સાંભળે છે? ઉદાહરણ તરીકે અજિત ઠાકોરની ‘પોપડો’ વાર્તા વિશે નોંધું છું. અજિત ઠાકોરે પોતાની ‘પોપડો’ વાર્તા મણિલાલ પટેલને અર્પણ કરતાં નોંધ્યું છે. તેમાં વતનરાગનો ધ્વનિ છે : ‘મિત્ર મણિલાલ પટેલને કુંવારી ભોંયનું આ પ્રથમ ધાન્ય (ગદ્યપર્વ, સળંગ અંક ૮, જુલાઈ ૧૯૮૯) (‘ગદ્યપર્વ’ના એ જ અંકમાં મણિલાલ પટેલની ‘બદલી’ મોહન પરમારની ‘હિરવણું’ અને કિરીટ દૂધાતની ‘એક બપોર’ વાર્તાઓ પ્રકૃતિ, સ્થળવિશેષ, ચૈતસિક અવસ્થા અને પરિવાર એમ વિશિષ્ટ પ્રકારના પરિવેશના નમૂના રૂપ છે.) આધુનિક જીવનશૈલીના આક્રમણને કારણે શહેરો અને ગામડાંઓ વચ્ચે ભૌતિક તેમજ માનસિક અંતર વધતું જાય છે. ને તેને કારણે સ્વજનો વચ્ચે બંધાતી દીવાલોમાં ગૂંગળાતા સજીવ પાત્રોની વેદનાથી રચાતો પરિવેશ વાર્તાનું અંગભૂત ઘટક બને છે. ‘પોપડો’ વાર્તાના નાયકને સ્વજનો વચ્ચે દેખાતા અંતરથી આઘાત થયો છે. વિચ્છેદના આઘાતથી ઘેરાયેલા નાયકને મૂળ ઉખડી રહ્યાનો અનુભવ થાય છે. વાર્તાનાયક મૂળથી છેદાતા વૃક્ષના પતનની પ્રક્રિયાને કરુણભાવે વિવશ બની જોયા કરે છે. વતનના સ્ટેશને નાયક ઊતરે છે ત્યારની તેમની માનસિકતાનું સૂચન પરિવેશ વડે થયું છે : ટેશન ચાલવાના-ચા ઊભરાવાના - હસવાના - બાટલી ફોડવાના - ગાવાના - ખાવાના - પ્રાયમસના - ધક્કામુક્કીના - ગણગણવાના - ઊતરવાના - પિચકારી મારવાના - હમાલોના - ભેંકડો તાણવાના - ફેરિયાઓના - બોલચાલના - ચા પીવાના - આવજોના - કસ ખેંચવાના - જજોના દોડવાના - વાતોના કોલાહલોથી ખદખદે છે. ઉં જાણે કાબરચીતરા રાતાપીળા ઘાસલેટિયા પસીને રેબઝેબ ધુમાડિયા ફીણાતા તીણાં બુઠ્ઠા આખ્ખા કચ્ચર કચ્ચર ગોળચપટા અવાજોનાં મોંજાથી હડસેલાવા લાગ્યો. કાઉન્ટર પર જાડો માણસ બેઠો છે. એણે રાતા ચોપડામાં કશુંક લખતા ઊંચું જોયું. એની આંખમાં એકાએક ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા... એ વારેઘડીયે જીભ બહાર કાઢી હોઠ ચાટે છે. મેં છેલ્લે જોયો ત્યારે આવો નો’તો. જૂઈની કળી હતો, ના મઘમઘતો લીમડો. ડામરના રસ્તા પરથી ગરમ ગરમ લૂ ફૂંકાતી હતી. ધૂળ, કચરો અને કાગળિયા ઊડાઊડ કરતા હતા. સામે દુકાનોની હાર પાકટ બજા બજારુ બાયડીઓને જેમ બગાસતી બેઠી હતી. કાબરચીતું, કૂતરું, કાન ચીન્ધા કરી, સાવધાન તાકતું કૂતરું ભસ્યું. ખવાયેલા પતરાનું ઢાળિયું છાપરું... ઠેકઠેકાણે ચૂનાળા પોપડા ઊખડી જતા છાણથી સંધાયેલું કાબરચીતરનું ને તેથી રોઢિયું. મા અદાળીમાં બેઠેલી. કૂતરાના અવાજે ચમકી. મને એ ઘૂંટણ પર પાકેલા ગૂમડા જેવી કળવા લાગી. તાં’તો માની આંખમાં પુરાયેલું અંધારું ફરકવા લાગ્યું. મેં મા ગમી જોયું. મા તો જાણે અંધારનો ટીંબો, પવન સૂસવાય તે કાળી ધૂળ ઊડે. સૂસવાય સૂસવાય ને કાળી ધૂળ ઊડે—કણું પડવાની બીકે ઉં નીચું જોઈ ગયો. ભાઈઓ ઉખાડેલા પોપડાનો કટકો ઉપાડ્યો. આંગળીને અંગૂઠા વચ્ચે દબાવી ભરભર ભૂકો કરવા લાગ્યો. વતનવિચ્છેદ, ઘરવિચ્છેદ, સ્વજનવિચ્છેદની પીડા પ્રતીકાત્મક પરિવેશથી વેધક બની છે. વાર્તાકથકનું નિર્મમ નિરૂપણ ઘર ઉજ્જડ થઈ રહ્યાની પ્રક્રિયાને વર્ણવે છે.

૦૦૦

મોના પાત્રાવાલાએ તેમના ‘રાની બિલાડો’ (પ્ર. આ. ઓગસ્ટ, ૨૦૦૨) સંગ્રહની પ્રસ્તાવનામાં વરસો જૂના સમૃદ્ધ પરિવેશનો કલાપૂર્ણ આવિષ્કાર કર્યાનો આનંદ વ્યક્ત કર્યો છે : ‘ડાંગ-વાંસદાના ફાલેલા અડાબીડ જંગલો ને એ જંગલોની કાળી ભઠ્ઠ જીવતી રાતો, ચટાપટાવાળા તડકા-છાંયડાથી ભરચક દિવસો – એ બધું મનને લોભાવે એવું હતું. જંગલ મને હંમેશાં રહસ્યમય સ્વભાવનું લાગ્યું છે. દરેક વિસ્તારને પોતાની લાક્ષણિકતાઓ હોય છે. જે ત્યાં જનમ્યા વગર પામી કે અનુભવી શકાય નહિ. પરિવેશને કૃતકતાથી ને ઉપરછલ્લી રીતે આલેખતા બુઠા સર્જકો જેવી મારી અનુભૂતિ નથી.’ મોના પાત્રાવાલાની વાર્તાઓનો પરિવેશ સ્થળ, જંગલ, વૃક્ષો, પશુપંખી, ઋતુઓ, મહિનાઓ, નદી, પહાડ, ઝૂંપડાં, ઘર, શાકભાજીના ક્યારા, પારસી કોમના સ્ત્રીપુરુષ, મેલીવિદ્યા, શિકાર, ખટારા, લાતીઓ – વડે નિર્માણ પામ્યો છે. વાર્તાનું મુખ્ય સ્થળ વાંસદાનાં જંગલો છે. જંગલોમાં મહુડા, વાંસ, ખેર, સાગ, રામતાડિયા, રાવણતાડિયા, જાંબુડાં, ચીકુડી, દાડમ, સીતાફળી, જમરુખડી, રામફળી, ફણસ, ખાખરાં, ખટુંમડા, વડ, પીપળો, દેશી આંબલી, રેતાળ પટવાળી ઝાંખરી નદી, કાવેરી નદી, શિયાળો, ઉનાળો, વરસાદ, ટાઢ, તડકા, કારતક, પોષ, જેઠ, અષાઢ, સહ્યાદ્રિની પર્વતમાળાઓ, પરાળ નાખી ગારમાટીમાં લીંપેલા-ગૂંથેલાં એકલદોકલ ઝૂંપડાં, કાંટાળા થોરિયાની વાડોથી ખેતર બંધાયેલા, કાંટાળા ભૂંગરા, થોરિયાની વાડ, ઝીલો, કરો, મરઘાં, કૂકડાં. બતકાં, શિયાળિયાં, રાની બિલાડા, ખુરક મરઘી, ઝરખ, જંગલી ભૂંડો, અરબી ઘોડાઓ, ચેહુંડોળો, વાગળાં ઘણ, વાગાંની હગારથી સડી જતાં પાંદડાં, શાકભાજીના ક્યારા, કોળી, કુંકણા, ઢોડિયા, તડબૂચ, સક્કરટેટીના ક્યારા, આંબાવાડિયું. લેલૂં, કેરીઓ, દારૂ, મહુડો, તેતરનું શાક, રેંટિયાકૂવા, બાર બોરની બંદૂક, ઍરગન, તાવીજ, માદળિયા, ઘુવડના આખા ને આખા મદડાની ચીરફાડ, ભારદોરો, આદિમ પુરાતન ઢોલનો અવાજ, ગમાણ, દિશા ગજાવતી શાવકશાની ત્રાડો, ચીબરીના ચિત્કારો, માંસલ કાળા પગ, કામણગારી મારકણી કામવાળી બાઈઓ, રખાતો, ક્રૂર, નિર્લજ્જ પારસી શેઠ, સના પ્રકૃતિ અને માણસના અંધાપાથી રહેંસાતા યુવાન હૈયાના અકાળે થતા કમોતથી લથબથ લોહિયાળ ખેતરો, વાડીને વગડાઓ – આ સર્વે પરિવેશનાં ઘટકોએ વાર્તાનું ઘડતર કર્યું છે. વાર્તાકથક પાત્રની સંવેદનાના સંકુલ પરિમાણોને પરિવેશનાં નાનાં નાનાં ચિત્રો વડે ઉપસાવે છે તેમાં વાર્તાકારે પ્રદેશના અણુએ અણુનો લીધેલો સ્વાદ સંભળાય છે. થોડાં ઉદાહરણો : તડકાથી ચળકતા આભમાં રાનવગડાની ભૂખરી સમડી ચકરાવે ચડી હતી. એનો પડછાયો જમીન પર ઊડતા જોવા મળતા મરઘાં ત્રાંસુ ડોકું કરીને ઊંચે જોવા મથતાં. મહુડાના બખોલ જેવા થડમાંથી કંથારો નીકળી વહેતા પાણીમાં ઢસડાતો જતો હતો. રોટલાની ગંધ વરસાદની ભીની વાસમાં ભળી ગઈ હતી.

  • ઘોર સન્નાટામાં વરસાદનો છમ છમ અવાજ
  • બરફના ગોળા જેવો ચાંદો.
  • વાંસડાના ઝૂંડમાંથી ચેહુંડોળાની ચિચિયારી.
  • સૂરજ ચડતાં કાંટાળા થોરીઆની વાડમાં ઝાકળના રગેડા દદડતા હતા.
  • કોયતાની તેજ તીખી ધરા ચાંદાના ઉજાસમાં ચમકી રહી હતી.
  • વાંસ-મહુડાનાં ઝુંડોમાં પરાળ છાજેલા ઝૂંપડાં નિમાણાં થઈ ઊભાં હતાં.
  • ઝાકળપડળ વરસવા માંડેલું. રાતનો કાળો વેશ જાણે ભીંજાઈ ગયેલો.
  • પોષ બેસી ગયો. કાવેરીના સમથળ થયેલા પાણીમાં જળકૂકડી ને જંગલી બતકાનાં ટોળાં વધી ગયાં. વડલામાં લાલચોળ ટેટા. જંગલી કાગડો.
  • કાવેરીના પહોળા પટનાં પાણી લાવા જેવાં ઊકળવા માંડ્યાં.
  • પીળાપટ્ટા ડાઘાવાળા ઘડિયાળના ડાયલ.
  • દીવાલ પર સીસમના લાકડાની મોટી પેટીમાં જર્મન બનાવટનું ધોળા-પીળા ડાયલનું ગોળ ઘડિયાળ બંધ પડેલું.
  • પોચા થરને જરાક ખોદતાં પાણી ડબડબવા માંડતું.

મોના પાત્રાવાલાની ‘ઘણ’ (લાકડું ખાતો કીડો) વાર્તાનું સ્ત્રીપાત્ર રોદા જીવનશૂન્ય બની ગયેલા તેના ઘરને જે રીતે અનુભવે છે તે જ ભૂમિકાએ લેખિકાએ મનુષ્યનાં ખાઉધરાપણું, કામાંધતા, શોષણ, ક્રૂરતા, લોભ, તિરસ્કાર, કજળી ગયેલી ઇચ્છાઓ, વગેરે આક્રમક સ્વરૂપોની વચ્ચે વાત્સલ્ય અને ઝુરાપાના ભાવોને પણ નિરૂપ્યાં છે. મનુષ્યની આ રંગબેરંગી સૃષ્ટિ તેમની આસપાસની સજીવસૃષ્ટિથી અભિન્ન છે. લેખિકાએ આપેલાં વાર્તાના શીર્ષકો ‘રાની બિલાડો’, ‘કાળો ઘોડો’, ‘ભોંયફોડ’, ‘વાગળાં’, ‘ઘણ’, ‘નાળ’ વગેરે મનુષ્ય અને તેની આસપાસની સજીવસૃષ્ટિ વચ્ચેના સામ્યના ધ્વનિ સંભળાવે છે. લેખિકાનું કૃતક આરોપણ નથી. પણ જાણે કે એક જ તત્ત્વનો વિવિધતાભર્યો આવિષ્કાર છે. કોઢિયા પારસી પુરુષો અને રાની બિલાડો કે કાળો ઘોડો જાણે એક જ છે. રોદાનો બાપ અને લાકડું ખાતો કીડો એક જ છે. નાઝીર મન્સુરીએ ‘ઢાલ કાચબો’ (પ્ર. આ. ઓગસ્ટ, ૨૦૦૨) વાર્તાસંગ્રહની પ્રસ્તાવનામાં વાર્તાની કલાત્મકતા માટેના આધારો દર્શાવ્યા છે : Vision, Craftmanship Technique કલા પોતે જે પ્રતીકાત્મક છે. હું જડબેસલાક રીતે માનું છું કે કલાનો જન્મ ત્યારે જ શક્ય બને જ્યારે સર્જકકથાકાર પાસે અને હોય, અન્યથા નહીં. બોલી અને પરિવેશ વાર્તામાં લાવીશ જ. નાઝીર મન્સુરીની વાર્તાઓનું સ્થળ દીવકાંઠાનો પ્રદેશ છે. વાર્તાનું માધ્યમ દીવકાંઠાના પ્રદેશમાં બોલાતી ભાષા છે. વાર્તાકારે પાત્રની સંવેદનાને અસરકારક અભિવ્યક્તિ મળે તે હેતુથી પાત્રને જ બોલવાની મોકળાશ આપી છે. પાત્રોની ક્રિયાઓ અને દરિયાઈ જીવસૃષ્ટિની જીવનલીલા વચ્ચે તંતુ જોડીને પ્રદેશના જીવનનું ગહન ચિત્ર સર્જ્યું છે. દરિયાઈ પ્રદેશની જીવસૃષ્ટિની વિવિધ લીલા અને બોલાતી ભાષા વડે પરિવેશનું નિર્માણ થયું છે. દરિયાનો રેતાળ કાંઠો, કાદવ, અનેક જાતની માછલીઓ, જાળાં, દીવાદાંડી, વાડી, દેશી નારિયેળી, સરગવા, બદામડી, ખજૂરી, રામતાડિયા, મછાક ડાંડલિયા થોરિયાની જામેલી વાડ, ગળો, ગળણી, કાંકચ, ચણોઠીના વેલા, ઢીંહા-કોર ધાકવેરની ગીચ વાડ, રેંટિયો-કૂવો, ઢાંઢા, બકરાં, મરઘાં, ભેંસ, બપોરનો ચામડી તતડાવતો તડકો, અઘોરી બાવો, કાળીધોળી કાંકણોના ટોળાં ને ગીરકાગડા, દરિયાનો વાવડો ને મોડી રાતનો તીખો ચાંદો, માગશર મહિનાની ટાઢ, કાના મેંગલોરી નળિયામાં છાપરવાળું ગામ, જર્મન બનાવટની દીવાદાંડીનું એકધારું ગાજતું સાયરન, ચમારવાસ, વણકરવાસ, રવાડ, જેઠ વદ પડવાના ચાંદાનો ઉજાસ, પલીતાં, પીટાયા, દોરાધાગા, મૂઠચોટ. વાર્તાનો પરિવેશ દરિયાના વિવિધ અવાજોથી સતત ખળભળતો રહે છે. વાર્તાનાં સ્ત્રી પાત્રો આખાબોલા, કઠોર, કોમળ, આક્રમક છે. રતિરાગના સંતોષ-અસંતોષથી આકરાં છે. સજાતીય સંબંધો સ્ત્રીની કામુકતાની સાથે અભાવના દુઃખને વર્ણવે છે. ‘દરિયાઈ મછાક’ની જાનું, ‘ઓછાયો’ની લાભુ, ‘ઢાલ કાચબો’ની કડવી જેવાં સ્ત્રીપાત્રો વાર્તાના પરિવેશનાં અવિભાજ્ય અંગો છે. જાતીય સુખની અતૃપ્તિ, વાંઝિયાપણું, નોકર સાથેના અવૈધ સંબંધો, પતિને વશ કરવા માટે મેલી વિદ્યાના પ્રયોગો, બેફામ ગંદી ગાળો અને કડવાશ – આ બધી સ્ત્રી પાત્રની લાક્ષણિકતા તેમના દમિત અને શોષિત જીવનની અંદરની બાજુઓના સંકેતો છે. મનવાંછિત ન મળ્યાની વેદનાના મૂળમાંથી ફૂટતી કાંટાળી ભાષાથી ઉઝરડા પડે ખરા પણ તેની અંદર સૂસવાતા એકલતાના પવનને ધ્યાનથી સાંભળવો ઘટે. વાર્તાકારે પાત્રહૃદયના પેટાળના ઘૂઘવાટને સાંભળીને વિશિષ્ટ જીવન પરિવેશનું નિર્માણ કર્યું છે. છંટથી આરપાર વીંધાયેલા દેહની પીડાઓનું કાવ્ય સર્જ્યું છે. વાર્તામાં રજૂ થતાં કેટલાંક ચિત્રો નોંધું છે. પોર્તુગીસની લડાઈના બમગોલા પડેલા, મછાક જેવાં વિમાન ઊડેલાં. સીદી કઢામની ઘોલકી! દીવાદાંડીનો મછાકની આંખ જેવો લાલઘૂમ દીવો સળગતો’તો. બેય જણી વળખાણીતી ઉનાળાની ડમરી જેવી. પાકેલા ગૂમડા પર રતુંમડો વરખ ચડે એમ ઉગમણી કોરની દિશા રતુંમડી બની ગઈ. ગીધડાનો ઘુલરો ઊતરી આવ્યો. ફાનસમાં ઘાસલેટ ખૂટવા આવતા વાટ મોઢિયામાં બેસતી હતી. ટેશી નળિયા ટાઢ-તડકો ને વરસાદ વેઠીને લીલ બાઝેલાં કાળાં ભઠ્ઠ. તપેલા લાલઘૂમ લોઢા પર પાણીનાં ટીંપા પડે ને છમકારા થાય એવો છંટનો છમકારો દિશા ભરીને ગાજતો. આંખમાં ખારાં પાણી ઊભરાઈ વળ્યાં. સોડમ માતાનાં પુલ પછી એક તરફ ખારોપાટ છીછરાં પાણીથી ભરાયેલો હતો. ટાઢનાં દેશી વિદેશી પંખીઓ કલ્લાં, બણાં, કુંજના ટોળાં, બતકાં, જળ-કૂકડી, બગલાં, સારસ છીછરા પાણીમાં બેઠા હતાં. ક્ષિતિજથી રાતોચોળ ચાંદો નીકળ્યો હતો.

૦૦૦

આ જ ભૂમિકાએ અન્ય સમકાલીન વાર્તાકારો સુમન શાહ, મોહન પરમાર, દશરથ પરમાર, ધરમાભાઈ શ્રીમાળી, ભી. ન. વણકર, દલપત ચૌહાણ, કિરીટ દૂધાતની વાર્તાઓના પરિવેશની ચર્ચા થઈ શકે. સુમન શાહની વાર્તાનો બેડરૂમ. અરીસો, ન્યૂઝ પેપર, માળિયાં, છજાં, બાલ્કની, મેદાન, ઝૂંપડપટ્ટીનાં બાળકો વગેરેથી રચાતા પરિવેશની ગંધ જુદી જ છે. નાગાલૅન્ડનો પ્રદેશ કિશોર જાદવની વાર્તાઓમાં ઓતપ્રોત છે. મોહન પરમાર તથા અન્ય દલિત વાર્તાકારોનો દલિતપરિવેશ જીવનનાં જૂજવાં રૂપો ધારણ કરીને બેઠો છે તેની પણ ચર્ચા થઈ શકે. આ તબક્કાની પ્રદેશવિશેષના પરિવેશનો સંદર્ભ ધરાવતી વાર્તાઓમાં સૌરાષ્ટ્રનાં ગામડાંઓ, પંચમહાલ, કચ્છ અને સાબરકાંઠાનો પ્રદેશ, દક્ષિણ ગુજરાતનો વન્ય અને સમુદ્રનો વિસ્તાર મુખ્ય છે. બોલી, ઉત્સવો, શુભ-અશુભ પ્રસંગો, સામાજિક વ્યવહારો, નાણાંકીય વ્યવહારો, ધર્મ, આસ્થા, સાધુ બાવાઓના આશ્રમો, કલ્યાણ અર્થે ચાલતા અન્નક્ષેત્રો, અંધક્ષદ્ધાને કારણે થતાં વિધિવિધાનો, સરકારી કાર્યાલયો, અધિકારીઓ, પાણી વિનાના ઉજ્જડ મેદાનો, મીઠાના ક્યારાઓ, ફેકટરીઓ, પાનમસાલા, ખાણીપીણીના જલસાઓ, રેલ્વે સ્ટેશન છકડા-રીક્ષાઓ, સરપંચ, ધારાસભ્યો – આ બધાં પરિવેશનિર્માતા ઘટકો વાર્તાનાં અનિવાર્ય અંગો છે જેની આબોહવામાં ઘટના, પાત્ર અને પરિસ્થિતિ વધુ વેધક બની જાય છે. નગરજીવનના પરિવેશમાં હરીશ નાગ્રેચા અને ઉત્તમ ગડાની વાર્તાઓમાં મુંબઈનો પરિવેશ છે. સુમન શાહની વાર્તાઓમાં અમદાવાદ શહેરનો પરિવેશ છે તેમાંય ખાસ કરીને વસ્ત્રાપુરમાં ફાટી નીકળેલી બહુમાળી ઇમારતો છે. કિશોર જાદવની વાર્તામાં કોહિમા, દીમાપુર અને નાગ આદિવાસી પ્રજાના રહેઠાણોનો પરિવેશ છે. નાગ આદિવાસી પ્રજાના રહેઠાણોનો પરિવેશ તેમના રીતરિવાજો, ખાણીપીણી, કામસંબંધો, અપરાધ અને સજા, તલવાર. વગેરે વડે મૂર્ત થયો છે. મધુ રાયની વાર્તાઓ અમેરિકન અને લંડનનો પરિવેશ ધરાવે છે. બાબુ સુથારની વાર્તામાં વતનનું ગામ ભરોડી અને અમેરિકાના શહેરોનો પરિવેશ છે. અજય સરવૈયાની વાર્તામાં દિલ્હી, મુંબઈનાં બૂક સ્ટૉર્સ છે. મૈસુરનો ગુલમ્હોરથી ભરચક વિસ્તાર છે. જયેશ ભોગાયતાની વાર્તાઓમાં વતનનો પરિવેશ રૂપકાત્મક રીતે મૂર્ત થયો છે. બંગલો, દુકાન, કલ્યાણજી મંદિર, ખેતર, વાડી, વાડો, પૂજાની ઓરડી, જર્જરિત ઘર, જર્જરિત ડેલી, તો નગરપરિવેશમાં ટેલિફોન એક્સચેન્જ, હૉટલ, તળાવ, બૂક સ્ટૉલ્સ, પાત્રચેતનાનાં સંવાહકો છે. જયંત ખત્રી, વીનેશ અંતાણી અને રાજેશ અંતાણી કચ્છ પ્રદેશના સુપ્રસિદ્ધ વાર્તાકારો છે એ પરંપરામાં એવું જ એક નામ છે માવજી મહેશ્વરી. એમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘અદૃશ્ય દીવાલો’ વર્ષ ૨૦૦૦માં પ્રગટ થયો. કચ્છના ૨૦૦૧ના ભૂકંપ પછી આવેલાં સામાજિક, સાંસ્કૃતિક બદલાવોને અને એક નવા કચ્છની છબિ એમની વાર્તાઓમાં કલાત્મક રૂપે નિરૂપાઈ છે. સમકાલીન વાર્તાકારોમાં મહેન્દ્રસિંહ પરમાર, રામ મોરી, પ્રભુદાસ પટેલ, સંજય ચૌહાણ, અભિમન્યુ આચાર્ય અને સાગર શાહની વાર્તાઓનો પરિવેશ ગ્રામીણ અને નગરજીવનથી નિર્માયો છે. રામ મોરીની વાર્તામાં સૌરાષ્ટ્રની ગ્રામીણ પ્રજાનો જીવનસંદર્ભ છે. તેમાંય ખાસ કરીને સ્ત્રીજીવનના પ્રશ્નો કેન્દ્રમાં છે. ‘મહોતું’ શીર્ષક સ્ત્રીના જીવનની અવનતિ અને ક્ષુદ્રતાનો સંકેત છે. પ્રદેશની સાંસ્કૃતિક અને સામાજિક પરંપરાની પાર્શ્વભૂમાં સ્ત્રીજીવનની સંવેદનાઓ નિરૂપાઈ છે. મહેન્દ્રસિંહ પરમારની વાર્તાઓ સાંપ્રત જીવનના પ્રશ્નોને નિરૂપે છે. ટોયલેટ જેવી પાયાની સુવિધાથી વંચિત સ્ત્રીઓની લાચાર દશાને વિદ્રોહના સૂર વડે નિરૂપી છે. ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયામાં ખેલાતું રાજકારણ અને ફેસબૂક અને વૉટ્‌સએપના સમયમાં સંક્રમણની ભાષાનું વરવું રૂપ આપણા સાંપ્રતનો વિરૂપ ચહેરો છે. ‘પૉસ્ટકાર્ડ જેટલી(જ) વાર્તા?’ (પ્રકાશન, તથાપિ અંક-૩૯, માર્ચ-મે, ૨૦૧૫) પોસ્ટકાર્ડ અને બ્લૉગમાં પ્રયોજાતી ભાષાના સ્વરૂપ વચ્ચેનો ભેદ સાંસ્કૃતિક કટોકટીને નિરૂપે છે. પોસ્ટકાર્ડ જેવી પરંપરાગત સંદેશાવ્યવહારની પદ્ધતિનો હ્રાસ થયો છે. ફેસબૂકના બ્લૉગ લખવામાં વપરાતી ભાષાનો પરંપરાગત ભાષાની જીવંતતા સાથે મેળ નથી રહ્યો. અભિમન્યુ આચાર્ય અને સાગર શાહની વાર્તાઓની પાત્રસૃષ્ટિ આજનો યુવાવર્ગ છે. યુવાવર્ગના પ્રેમ-પ્રણયના સંબંધો, પ્રણય વિચ્છેદની અસરો, નવાં સમૂહમાધ્યમોનાં ઉપકરણો મોબાઈલ ફોન, લેપટૉપ દ્વારા થતી વાતચીતો ભારેખમ શૂન્યતાને રજૂ કરે છે. અભિમન્યુ આચાર્યની વાર્તાઓમાં અમદાવાદનો પરિવેશ કેન્દ્રમાં છે. હમણાંની નવી વાર્તાઓમાં કેનેડાનો પરિવેશ છે. સાબરમતી નદીનો પરિવેશ પાત્રોના પ્રેમસંબંધને નવું પરિમાણ આપે છે. એ જ રીતે વિજય સોનીની વાર્તામાં અમદાવાદની પોળનો પરિવેશ છે. સંજય ચૌહાણની વાર્તાઓમાં ગ્રામજીવનના પ્રાણપ્રશ્નો છે. પંચાયતની સત્તા મેળવવા માટેનું રાજકારણ, બેકારીથી પીડાતી પ્રજાની વેદના નિરૂપાઈ છે. સત્તાધીશોની સત્તાભૂખથી પીડાતા નિર્દોષ ગ્રામીણ પાત્રોની લાચારી રજૂ થઈ છે. અજય સોનીની વાર્તાઓમાં કચ્છનો રણપ્રદેશ પાત્રો અને પરિવેશ દ્વારા મૂર્ત થયો છે. અનુઆધુનિક તબક્કાની વાર્તાઓમાં ગુજરાત રાજ્યના વિવિધ પ્રદેશોનું વાસ્તવ રજૂ થયું છે. તેમાં સમાજની જુદી જુદી જ્ઞાતિઓ અને સમૂહોનાં અનેક પ્રશ્નોને રજૂ કર્યા છે. સમાજવ્યવસ્થાના મૂળમાં પડેલી અન્યાય અને શોષણ કરનારી વિસંગતિઓને બહાર લાવી છે. અનુઆધુનિક તબક્કાની વાર્તાઓમાં પરિવેશ અંગભૂત ઘટક બને છે. વાર્તાનાં પાત્રોની પરિસ્થિતિ સાથે પરિવેશનો અભિન્ન સંબંધ ભાવકને વિશિષ્ટ અર્થબોધ આપે છે. આ રીતે, અનુઆધુનિક તબક્કાની વાર્તાઓનો બહુરંગી, બહુરૂપી પરિવેશ આપણી સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક અને રાજકીય ઓળખ બન્યો છે.

ગુજરાતી ટૂંકી વાર્તાનો છઠ્ઠો તબક્કો : સમકાલીન વાર્તાઓ

સમકાલીન વાર્તાકારો વિશે સંક્ષેપમાં. થોડા સંકેતો નોંધું છું. ઈ. સ. ૨૦૧૦-૧૨ પછીના સમયગાળામાં નવા વાર્તાકારોની ટૂંકી વાર્તાઓ ‘તથાપિ’, ‘એતદ્‌’, ‘પરબ’, ‘શબ્દસૃષ્ટિ’ જેવાં સામયિકોમાં પ્રગટ થતી હતી. ૨૦૧૪-૧૫ના વર્ષથી નવા વાર્તાકારોના વાર્તાસંગ્રહો પણ પ્રકાશિત થવા લાગ્યા. નવા વાર્તાકારોમાંથી મોટાભાગના વાર્તાકારો સુમન શાહ આયોજિત સુરેશ જોષી સાહિત્યવિચાર ફૉરમ – સુજોસાફો – જોડાયેલા હતા. ટૂંકી વાર્તા સર્જન-વિવેચન અને મુક્ત ચર્ચાના વાતાવરણમાં નવા વાર્તાકારો જોડાયા. વર્કશોપમાં તાલીમ મળી. વાર્તા સ્વરૂપની કલાત્મકતાનો પરિચય થયો. એ નવા વાર્તાકારોમાં માવજી મહેશ્વરી (આઠ વાર્તાસંગ્રહો), રાજેશ વણકર (‘માળો’, ૨૦૦૯), અભિમન્યુ આચાર્ય (‘પડછાયાઓ વચ્ચે’, ૨૦૧૮, ‘લગભગપણું’, ૨૦૨૪); સાગર શાહ (‘ગેટ ટુ ગેધર’, ૨૦૧૮); અજય સોની (‘રેતીનો માણસ’, ૨૦૧૭; ‘તળેટીનું અંધારું’, ૨૦૨૪); રામ મોરી (‘મહોતું’ ૨૦૧૬); પ્રભુદાસ પટેલ (‘વન્યરાગ’, ૨૦૧૪; ‘દેવચકલી’, ૨૦૨૧); જયંત રાઠોડ (‘ધોળી ધૂળ’, ૨૦૨૦); કિશનસિંહ પરમાર (‘જાસો’, ૨૦૨૪); સમીરા દેખૈયા પત્રાવાલા (‘ફકીરની પાળ’, ૨૦૨૪); વિપુલ વ્યાસ (‘લૂ’, ૨૦૧૮); આનંદ ઠાકર (‘પેનડ્રાઈવ’, ૨૦૧૮); ધર્મેન્દ્ર ત્રિવેદી (‘પુષ્પક’, ૨૦૨૧); રૂબી જાગૃત (‘ગુમશુદા સરનામું’, ૨૦૨૨); છાયા ત્રિવેદી (અગ્રંથસ્થ વાર્તાઓ); કોશા રાવલ (અગ્રંથસ્થ વાર્તાઓ); પ્રિયંકા જોશી (અગ્રંથસ્થ વાર્તાઓ); નીતા જોશી (‘ખુલ્લી હવા’, ૨૦૨૦); વિશાલ ભાદાણી (‘ફિક્શનાલય’, ૨૦૧૮) જેવા નવા વાર્તાકારોની વાર્તાઓને ઇતિહાસકારો કે સમીક્ષકો ઓળખ ખાતર અનુઆધુનિક તબક્કામાં મૂકે છે પણ આ વાર્તાકારોને કોઈ એક યુગલક્ષી સંજ્ઞાથી ઓળખાવી શકાય તેમ નથી. આ વાર્તાકારો જેમ ગ્રામીણ પ્રદેશના છે, તેમ મોટા શહેરોમાં ઉછરેલા છે. પ્રભુદાસ પટેલ (ઉત્તર ગુજરાત); રામ મોરી (ભાવનગર જિલ્લાનો ગ્રામીણ વિસ્તાર – લાખાવાડ ગામ); અજય સોની અને જયંત રાઠોડ (કચ્છ પ્રદેશ); કિશનસિંહ પરમાર (ઉત્તર ગુજરાત); પ્રિયંકા જોશી, કોશા રાવલ, છાયા ત્રિવેદી મહાનગરના નિવાસી. આમ બંને ગ્રામીણ અને શહેરી વાતાવરણના વાર્તાકારો કોઈ વાદ કે વિચારધારા કે કોઈ સાહિત્યકારના અનુયાયી નથી. એમની વાર્તાઓનું કેન્દ્ર માનવઅસ્તિત્વ છે. સ્ત્રી વાર્તાકારો પણ માત્ર નારીવાદી અભિગમથી વાર્તાસર્જન નથી કરતાં. એમની વાર્તાઓનું કેન્દ્ર પણ સ્ત્રીજીવનના સંકુલ પ્રશ્નોની સાથે મનુષ્યની અસ્તિત્વગત ગૂંચ છે. રામ મોરીની વાર્તામાં પ્રદેશની સ્ત્રીના જીવનની પરવશતા, ગુલામી અને શોષણનું નિરૂપણ છે. વાર્તાકારનો સૂર અનુકંપાનો છે. વાદ કે વિચારધારાનો નથી. અજય સોનીની વાર્તાઓ પ્રદેશ અને પ્રદેશની સીમાઓને ઓળંગીને મનુષ્યની સંવેદનાઓને નિરૂપે છે. રણનો પરિવેશ છે તેમ માણસનો ભીતરનો પ્રદેશ પણ છે. અભિમન્યુ આચાર્યની વાર્તાઓમાં યુવાનવર્ગમાં પ્રેમ, પ્રેમસંબંધો, જોડાવું, છૂટા પડવું, એકલતા, સંક્રમણશૂન્યતાની સંવેદનાઓ છે. ‘લગભગપણું’ની વાર્તાઓ કેનેડાની નવી સૃષ્ટિની છે. તે સંગ્રહની પ્રત્યેક વાર્તા પાત્રની મૂંઝવણો, સમસ્યાઓ અને લાચારીના ભાવને નિરૂપે છે. અભિમન્યુએ નોંધ્યું છે તેમ બીજા સંગ્રહની વાર્તાઓ સ્વ અને પરના ભેદ ભૂંસાઈ જાય અને દરેકમાં રહેલું માનવીય તત્ત્વ તાગી શકાય એવો પ્રયત્ન હું હવે જોઈ શકું છું.’ (પૃ. ૫) અભિમન્યુની વાત બીજા સમકાલીન વાર્તાકારોને પણ લાગુ પાડી શકાય તેમ છે. નવા વાર્તાકારોની વાર્તાઓ માનવીય સંવેદનાઓની છે. આના કારણમાં એવું કહી શકીએ કે નવા વાર્તાકારોનું વાસ્તવજગત અને કલાજગત એકાંગી નથી. આમાંના મોટાભાગના વાર્તાકારો અધ્યાપનના વ્યવસાયના નથી. એને કારણે સાહિત્યની નિશ્ચિત સીમાઓમાં બંધાયેલા નથી. સાહિત્ય ઉપરાંત નાટક, સિનેમા, ટેલિફિલ્મ, સમૂહમાધ્યમો, કમ્પ્યુટર સાયન્સ, વિદેશની સંસ્કૃતિનો અનુભવ – એક સંજ્ઞા વાપરીને કહું તો નવા વાર્તાકારો Globalizationની સંસ્કૃતિમાં ઊછરતા મનુષ્યો છે. એ વૈશ્વિક ચેતનાના ધબકારને સાંભળે છે તેમ સ્થાનિક ચેતનાના ધબકારને સાંભળે છે, ઝીલે છે. વાર્તાલેખન એમને માટે કોઈનું સમર્થન કે વિરોધ કરવા માટે નથી. એ બધા ખૂબ સાવચેત છે. પ્રભાવમાં ન આવવું તેવી સજાગતા છે. નવું વાંચીને શીખે છે. વિદેશી કૃતિઓ અને મીમાંસકોને વાંચે છે. અનુવાદો કરે છે. આને કારણે એમની વાર્તાઓમાં વિશ્વ ધબકતું અનુભવી શકીએ. સાગર શાહની વાર્તાઓ માનવીય સંબંધોનું સંકુલ વિશ્વ છે. પ્રેમ અને પ્રેમની અપેક્ષાથી સર્જાતાં સંચલનો પાત્રની આંતરિક વાસ્તવિકતાને વ્યક્ત કરે છે. એમની વાર્તાઓનું જગત સાદું સરળ સહજ રીતે ગ્રાહ્ય બને તેવું નથી. એ અંદરથી નોખું છે. તર્ક અને બુદ્ધિથી અગ્રાહ્ય. સતત અસ્થિર રહેતું જગત. આ સંપાદનમાં નવા વાર્તાકારો વિશેના સમીક્ષાલેખોનું વાચન કરવાથી એમની નવી સૃષ્ટિનો અનુભવ થશે. નવા વાર્તાકારો બે બાબતમાં સફળ રહ્યા છે. એક પ્રકાશન અને બે પુરસ્કાર – આવકાર. વાર્તાકારોને પ્રકાશન સુલભ બન્યું છે, રાજ્યની અકાદમી અને કેન્દ્રીય અકાદમીના પુરસ્કારો. વિમોચનો અને આવકારો ખૂબ મળ્યા છે. સાગર શાહે પુરસ્કારનો અસ્વીકાર કર્યો તે વિદ્રોહનો સંકેત છે. આપણે ઇચ્છીએ કે નવા વાર્તાકારો નવી કલાત્મક વાર્તાઓ સર્જીને ટૂંકી વાર્તાના સ્વરૂપનો આંતરવિકાસ કરે.

૦૦૦

અત્યારે ટૂંકી વાર્તાનું સર્જન મોટી સંખ્યામાં થઈ રહ્યું છે. અનેક નવાં નવાં નામો ઉમેરાતાં જાય છે અનેક સ્વતંત્ર જૂથો છે. એમનાં વર્તુળો છે, મંડળીઓ છે. આ સારી વાત છે પણ વાર્તા નીપજી આવે તો આ બધા ઉપક્રમો લેખે લાગે.

ઉપસંહાર :

સમકાલીન ગુજરાતી વાર્તાકારોની સંખ્યા ખૂબ મોટી છે. નવા નવા વાર્તાસંગ્રહોનું પ્રકાશન-વિમોચન-લોકાર્પણ મોટી માત્રામાં થઈ રહ્યું છે. સામયિકોમાં તેનું પ્રકાશન થઈ રહ્યું છે. પરંતુ મોટી ખોટ છે આ વાર્તાઓની તટસ્થ સમીક્ષાઓની. પુરસ્કાર, આવકાર, વિમોચન અને પ્રસ્તાવના આ ચાર રૂપાળાં આવરણો વાર્તા પર છવાઈ જાય છે ને વાર્તા ગુમ થઈ જાય છે. ક્યારેક કોઈ વીરલો આવરણો ખસેડીને વાર્તા વિશે લખે છે તટસ્થભાવથી ત્યારે પેલાં આવરણોના માલિકો એ સમીક્ષકને વાંકદેખો ગણીને તગેડી મૂકે છે ખૂણામાં. ગુજરાતી ટૂંકી વાર્તાની તંદુરસ્તી માટે આ વ્યાપારીકરણ પોષક નથી. વાર્તાકારો જાગે અને સમજે તો જ આ વ્યાપારીકરણની સત્તા પર નિયંત્રણ આવી શકે. પરંતુ અત્યારે તો વાર્તાકારોને આ વ્યાપારીકરણની મોહિનીનું ઘેલું લાગ્યું છે એ મોહિનીનાં હાડપિંજર જોશે ત્યારે વાર્તાકાર નિર્ભ્રાન્ત થશે. એ નિર્ભ્રાન્તિના પ્રકાશ વડે નવી વાર્તાનો ઉદય થશે. જેને ઇતિહાસકાર ગુજરાતી ટૂંકી વાર્તાનો સાતમો તબક્કો ગણશે. તેનાં વહેણો અને વળાંકોને સમજવાનો પ્રયત્ન કરશે. ત્યાં સુધી રાહ જોઈએ!

આ વાતાવરણમાં ગુજરાતી ટૂંકી વાર્તાના ઇ-બૂકનું વીજાણુ માધ્યમથી પ્રકાશન થઈ રહ્યું છે તે પ્રકાશન ઘટના સર્જકોથી જ ઘટી રહી છે, સર્જકો જ તેમાં સહયોગી બન્યા છે તેનો વિશેષ આનંદ છે. એકત્ર ફાઉન્ડેશનની નિરપેક્ષ સાહિત્યભાવનાની મોકળાશમાં પ્રકાશન થઈ રહ્યું છે તે સાહિત્યકળાની સ્વાયત્તતા સૂચવે છે. એ માટે શ્રી અતુલભાઈ રાવલનો હૃદયપૂર્વક આભાર. સમીક્ષક મિત્રોના લેખોનું સરસ ટાઇપિંગ કરનાર શ્રી મહેશભાઈ ચાવડાનો ખૂબ ખૂબ આભાર. મહેશભાઈ ચાવડાએ ખૂબ વિકટ પરિસ્થિતિના દબાવ વચ્ચે ધીરજ અને સ્વસ્થતાથી સુંદર નિર્માણ કર્યું છે. પ્રૂફ રીડિંગ કરનાર બહેનશ્રી શેરબાનુનો ખાસ આભાર. વિચારગોષ્ઠિની આકર્ષક અને સુનિયોજિત રૂપરેખા બનાવનાર વેદાન્ત પુરોહિતનો આભાર. વેદાન્તે વારંવારનાં ઉમેરણો અને સુધારાઓ ધીરજથી કર્યાં છે તેનો વિશેષ આનંદ., પ્રકાશનકાર્યમાં સહાય કરનાર સૌ મિત્રોનો આભાર.

જયેશ ભોગાયતા ૨૬મી નવેમ્બર ૨૦૨૪, મંગળવાર વડોદરા