ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/વિશાલ ભાદાણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
‘ફિક્શનાલય’ : વિશાલ ભાદાણી વિશે

રિદ્ધિ પાઠક

Vishal Bhaddani.jpg

‘ફિક્શનાલય’ એ વિશાલ ભાદાણીનો ૨૦૧૮માં પ્રકાશિત થયેલ વાર્તાસંગ્રહ છે. વિશાલ ભાદાણી એક વાર્તાકાર છે, લોકભારતી વિશ્વ વિદ્યાલયના ઉપ કુલપતિ છે. અંગ્રેજી વિષયના અધ્યાપક છે. વક્તા છે. અનુવાદક છે. ધ્રુવ ભટ્ટની નવલકથાનો અંગ્રેજી અનુવાદ તેમણે કર્યો છે. આ સિવાય પણ શિક્ષણ ઉપર તેમણે પુસ્તકો આપ્યા છે. તો ‘ફિક્શનાલય’ સંગ્રહ પોતાની કર્મભૂમિ એવી લોકભારતી વિશ્વવિદ્યાલય સંસ્થાને અર્પણ કર્યો છે. કહે છે; ‘લોકભારતી તારું તને..’

Fictionalay by Vishal Bhaddani - Book Cover.jpg

આ સંસ્થામાં તેમણે અધ્યયન અને અધ્યાપન બન્ને ક્ષેત્રે કાર્ય કર્યાં છે – કરે છે. કોઈ વાર્તાકાર વાર્તાઓની સંખ્યાથી નહીં, પરંતુ વાર્તાવારિધીરૂપી વિશ્વમાં એક વાર્તાકારે ઉમેરેલાં વાર્તા વૈશિષ્ટ્યથી વાર્તાકારનું વાર્તાકારત્વ પ્રગટ થતું હોય છે. એક વાર્તાકાર કેટલી વાર્તાઓ આપે છે એ મહત્ત્વનું નથી પરંતુ કેવી વાર્તાઓ આપે છે એ મહત્ત્વનું છે. વિશાલ ભાદાણી એ રીતે આજના સમયના એક મહત્ત્વના વાર્તાકાર છે કે જેમની વાર્તાઓ વાર્તા સાહિત્યજગતમાં એક મહત્ત્વનું યોગદાન પૂરું પાડે છે. ‘ફિક્શનાલય’ વાર્તાસંગ્રહમાં મુખ્યત્વે વીસ જેટલી ટૂંકી વાર્તાઓ મળે છે. જેમાંની અઢાર મૌલિક છે. અને બે વિશ્વ સાહિત્યની કૃતિઓનો ભાવાનુવાદ છે. આ સિવાય પણ તેમણે વાર્તાઓ આપી છે જે સમયાંતરે જુદાં જુદાં સામયિકોમાં પ્રકાશિત થઈ છે. વિશ્વસાહિત્ય સાથે જોડાયેલા સર્જકની દૃષ્ટિ પણ જુદા જુદા દેશ-દુનિયાના વાડાઓને વળોટીને જુએ છે એનો પુરાવો છે આ વાર્તાઓ. અંગ્રેજી સાહિત્યના અધ્યાપક એવા વિશાલ ભાદાણી અંગ્રેજી વાર્તાકાર મુનરોના ચાહક છે અને અધ્યાપનકાર્ય પણ અંગ્રેજી વિષયનું કરાવતા હોય; તેમની વાર્તાઓમાં એક વિશાળ ફલકથી પાંગરેલું વિષયવૈશિષ્ટ્ય - શૈલીવૈશિષ્ટ્ય દરેક વાર્તાના અંતર્નિહિત આશયમાં સ્પષ્ટ થતું જોવા મળે છે. વાર્તાસંગ્રહનું શીર્ષક જ લેખકે ‘ફિક્શનાલય’ રાખ્યું છે. ફિક્શનનું આલય. ફિક્શન અંગ્રેજી શબ્દ છે અને આલય શુદ્ધ ભારતીય સંસ્કૃત તત્સમ્‌ શબ્દ. આલયનો અર્થ થાય ઘર. અને ફિક્શનનો એક અર્થ થાય ‘કલ્પિત’, ‘બનાવેલું’, અહીં જાણે વાત, વાર્તા અને વારતાનું અનુસંધાન ફિક્શન કહીને લેખક સાધે છે – ફિક્શન સુધી લઈ આવે છે. આ વાર્તાઓમાંથી પસાર થતાં ખ્યાલ આવે કે પોતાની વાર્તાઓને ફિક્શન કહેવાની ઉદારતા, તેમને વાર્તામાં પ્રયોગશીલતા ઉમેરવા માટેનો અવકાશ તો પૂરો પાડે જ છે પરંતુ અનુ આધુનિક સમયની એક મહત્ત્વની કૃતિ તરીકે સાંપ્રત સમયનું બયાન પણ કરે છે. તેમની દરેક વાર્તામાં એક અલગપણું છે. એક વાર્તા સાથે બીજી વાર્તાની સરખામણી ન કરી શકાય. કારણ કે પોતે લખેલ વાર્તાનું તેઓ પુનરાવર્તન નથી કરતા. વિષય-નાવિન્ય એ તેમનું વાર્તાવૈશિષ્ટ્ય બને છે. અને દરેક વિષયમાં અભિવ્યક્તિનો સૂર તેમનાં વિચાર વારિધિનો અંશ છે. જેમાંથી ઉપસતો આશય ‘ફિક્ષનાલય’ સંગ્રહમાં યોજાયેલી પ્રયોગશીલતાને પુરસ્કારે છે. અને તેનું પ્રથમ ચરણ છે પુસ્તકનાં દ્વાર. શીર્ષક, જે વાર્તા સર્જનમાં ફિક્શનના સૂરની હકારાત્મકતાનાં વલણનું સૂચન કરે છે. આમાં આપણને એવું લાગે કે શું સર્જક એવું કહેવા માંગે છે કે આમાં માત્ર ફિક્શન છે? ના.. અહીં વાર્તાઓ તો છે જ. પરંતુ દરેક વાર્તાઓની વિશિષ્ટતાનું કારણ લેખકની ફિક્શન પરની પકડ છે. જેનાં આધારે કથા, કથન અને કથ્યનો તાંતણો વિશાલ ભાદાણીનાં સૂરને અભિવ્યક્ત કરી શકે છે. જેમાં પ્રયોગશીલતાનું ધ્યાનાર્હ ઉદાહરણ આ સંગ્રહ બની રહે છે. પોતાના સંગ્રહને ફિક્ષનાલય કહે છે તેમાં એક વિનમ્રતા છે તો સાથોસાથ પરંપરાગત રીતે ચાલી આવતી ‘વાર્તા બને છે કે નથી બનતી’ની રૂઢ બની ગયેલી વિવેચ્ય વૃત્તિનો વિરોધ પણ છે કે જે સંગ્રહને જ ફિક્ષનાલય નામ આપી દેવા સુધી સર્જકને દોરી જાય છે. તો અહીં ફિક્શન અને આલયનો અનુબંધ વિશ્વની દીવાલોને દૂર કરી વિશ્વસમગ્રને એક્ય સહ જોવાની વિશાળતા અભિવ્યક્ત કરે છે. આ વાર્તાઓનાં શીર્ષકો જોઈએ તો, ‘ગુજરાત એક્સપ્રેસ’, ‘ગુફાવાર્તા’, ‘મ્યુઝિયમ ઑફ ઇનોસન્સ’, ‘ડૂમો’, ‘વહેમ’, ‘રિતેશભાઈની રાધા’, ‘ઇડીપસની આંખો’, ‘શબરી’, ‘એક અધૂરી વાર્તા ’, ‘વાર્તાની ચોપડી’, ‘સાંસાઈ અને રમજાના : અકૂપારનું ફેનફિક્શન’, ‘ભૂલા પડેલા માણસનો વેશ’, ‘સ્પ્રિંગ : મને ટાણા લઈ જાવ’ની અનુસંધાન કથા, ‘મારા હાથની વાત નથી’ વગેરે. આ વાર્તાઓમાં બે બાબત ધ્યાનાર્હ બને છે; એક તો વિષયોમાં વૈવિધ્ય અને બીજું; વિષયોમાં નાવીન્ય. વિશાલ ભાદાણી આજના વાર્તાકાર છે. અનુ-આધુનિકતાના સૂર પણ આ વાર્તામાં સાંભળવા મળે છે. તેમની વાર્તાઓમાં રચાયેલું-રસાયેલું નાવીન્ય આજ સાથે અનુસંધાન ધરાવે છે. તેમની રચના શૈલી જોઈએ તો, મુખ્યત્વે ત્રણ ભાગમાં આ વાર્તાઓ વહેંચાયેલી છે. ૧. પ્રથમ વિભાગ છે સ્વતંત્ર રચનાત્મક વાર્તાઓ. ૨. બીજા વિભાગ છે તેને ફેન ફિક્શન તરીકે લેખક ઓળખાવે છે. જે કોઈ પ્રસિદ્ધ સાહિત્યકૃતિનાં અનુસંધાને તેમણે રચેલી નવી રચનાઓ. ૩. અને ત્રીજો વિભાગ છે તેમને ગમતાં વિશ્વસાહિત્યના સર્જકોની વાર્તાઓનો લેખકની ભાષામાં કહીએ તો તેમણે કરેલો સણોસરાનુવાદ. આ ત્રણેય પ્રકારની વાર્તાઓના વિષયોમાં વૈવિધ્ય અને નાવીન્ય દૃષ્ટિગોચર થાય છે. જેમાં પહેલેથી છેલ્લે સુધી ગોઠવેલ વાર્તાક્રમ પણ એક કથયિતવ્ય ધરાવે છે. વાર્તાઓની ગોઠવણ અને શીર્ષકાનુસંધાન એક નિશ્ચિત ક્રમમાં જોવા મળે છે. જેમાં પ્રથમ વાર્તા છે ‘ગુજરાત એક્સપ્રેસ’, મનની ગતિ સાથે તાલ મેળવતી ફેન્ટસીથી સભર શરૂઆત પામતી વાર્તા અંતમાં છાપામાં છપાયેલાં સમાચારથી વાર્તાવરણ રચે છે. જે ફેન્ટસીથી વાસ્તવનું ધરા પરનું એક ગતિચિત્ર જાણે રચી આપે છે. અખબારી પ્રયુક્તિનું આલેખન વાર્તાવ્યત્યયને વિકસાવે છે. જેમાં પાંગરતી પ્રણયકથા સાથે સર્જાતો અકસ્માતની ઘટનાનો સ્ફોટ પાત્રને થતી વાસ્તવિકતાનાં ભાન સાથે વાર્તા સંકેલે છે. અહીંથી ઉઘડતો વાસ્તવનો દિશાસંકેત આરંભે મુકાયેલ કલ્પનનાં મનોગતને ઘડવામાં મહત્ત્વની બિના બની રહે છે. વિશાલ ભાદાણીના વિષયોમાં મુખ્યત્વે વિચારતત્ત્વ છે. વિચારની સભાનતા સાથે યોજાયેલા ફિક્શન એ તેમની વાર્તાઓનો ગુણવિશેષ છે. પછી ભલે એ પ્રણયકથા સાથે ચાલતી ગુજરાત એક્સપ્રેસ હોય, તેમાં મૂળ ભાવ તેમનો પ્રણયકથાની પછીતે મનઃસંચલનોનાં વાર્તાકથનની નિરૂપણપદ્ધતિથી ઉકેલાતાં કથન વૈશિષ્ટ્યમાં છે. તો ગુફા વાર્તામાં પણ એક ફેન્ટસી છે. વાર્તા અહીં કેન્દ્રમાં છે. ગુફા વાર્તામાં અધૂરા વાક્યથી આરંભાતી કથા ફરી વર્તુળનાં આરંભબિંદુએ અંતને સ્પર્શે છે. જેમાં પ્રતીકાત્મક રીતે વાર્તા ગુફામાં રચાયેલાં વાર્તા - ગુફા-વર્તુળ દ્વારા લેખક જીવનવર્તુળના સૂરને ગૂંથી પ્રગટ કરી આપે છે. તો ‘મ્યુઝિયમ ઑફ ઇનોસન્સ’ એ ઉમાશંકરનાં ‘વિશ્વશાંતિ’ના સૂરને આજના સંદર્ભે જરા જુદી અને પોતાની શૈલીએ રજૂ કરતી વાર્તા છે. વર્તમાન પરિપ્રેક્ષ્યમાં શાંતિ માટે જરૂરી ‘ઇનોસન્સ’ની ખેવના કરતી કમિટીનું કલ્પન સુંદર છે. આવી કમિટીનું કાર્ય શું? મ્યુઝિયમની સ્થાપના. એ પણ ઇસ્તંબુલમાં. અને તેનાં તાણાવાણા ભારતના ગુજરાત મધ્યેના એક ગામ સણોસરામાંથી ગુંથાઈ છે. સણોસરા જેવા નાનકડા ગામ સાથે ઊગતો વિશ્વશાંતિનો સંદેશ વડલાની વિશાળતા ઓથે પ્રગટે છે. ‘ડૂમો’ એ સગર્ભા સ્ત્રીનું દુભાયેલું મન ડૂમો બનીને નાનું બાળક દુનિયામાં આવે એ પહેલાં જ તેના જીવનરૂપી શ્વાસનો ડૂમો બની જાય છે. અને અશ્રુધાર સાથે ઓગળતો ડૂમો બાળકનાં જીવનના ડૂમાને ઓગાળી નવજીવન બક્ષે છે. તેના ઘાવની કથા છે. લેખકે સ્ત્રીનાં મનોભાવોને સુંદર રીતે વિષયસ્વરૂપે નિરુપ્યા છે. આવા જ મનોભાવોનું સુંદર ચિત્ર છે ‘રિતેશભાઈની રાધા’. મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી આલેખાયેલું રાધાપણું એક નિર્દોષ પ્રેમનું ચિત્ર છે. જેમાં રાધાને જ નથી ખબર કે તે રાધા છે. ‘રિતેશભાઈની રાધા’. તો ‘વહેમ’ની આનંદી પણ એક જુદા જ પરિપ્રેક્ષ્યમાં સ્ત્રી માનસથી ઉપર ઊઠી વ્યક્તિ માનસ તરફ દોરી જાય છે. જેમાં સર્જનકાર્ય સાથે જોડાયેલ લેખક પર લેખન સવાર થઈ જાય ત્યારે સર્જાતી વિષમ માનસિક પરિસ્થિતિનું ચિત્ર અહીં સર્જકે દોર્યું છે. તો ‘શબરીઃ એક અધૂરી વાર્તા’માં રાષ્ટ્રીય ચળવળ સાથે જોડાયેલ સામાજિક કાર્યકરની વાત છે. જેમાં લેખકે ‘રાહ’ સાથે આધુનિક નારીનું શબરી સાથેનું અનુસંધાન જોડી વિષયને રજૂ કર્યો છે. તો ‘બોરોપ્લસનું સામૈયું’ પણ મહાનગરની સુખ સાહ્યબીભરી ઘેલછા પાછળ દીકરીને જીવથી ગુમાવતા સ્વજનોનું આલેખન છે. જેમાં ‘બોરોપ્લસ’ નવા જમાનાની ફેશન પરસ્તી – ઘેલછાનું પ્રતીક બની નિર્દોષ ગ્રામીણ ભોળા માનસ પર તેની પડતી છાપની છબીનું પ્રતીક બનીને આલેખાયું છે. તો, ‘ભૂલા પડેલા માણસનો વેશ’, ‘વાર્તાની ચોપડી’, ‘મારા હાથની વાત નથી’ ‘રિક્ષાવાળો’, ‘હોટલ’ જેવી વાર્તાઓ માનવમનના તાગને તાગતી માનવજીવન અને વ્યક્તિનાં આંતરજીવનને ઉકેલતી વાર્તાઓ છે. તો ‘સાંસાઈ અને રમજાના : અકૂપાર’નું ફેન ફિક્શન કહેતા લેખકની અકૂપાર અનુસંધાને લખાતી કથા છે. તો ‘સ્પ્રિંગ’ ‘મને ટાણા લઈ જાવ’, માય ડિયર જયુની વાર્તાનું અનુસંધાન ધરાવતી વાર્તા છે. આ બન્નેમાં ધ્રુવ ભટ્ટે અને માય ડિયર જયુએ મૂકેલા અવકાશને ઓળખી એમાં વાર્તા રચી છે. જેમાં રમજાનાને ગીરનાં વાતાવરણમાંથી ખસેડી બીજે મોકલતાં સર્જાતી કરુણાંતિકા વિષય બને છે. રાજકીય રીતે લેવાતા નિર્ણયો પ્રકૃતિને અને તેના નિર્દોષ જીવોને કેટલું નુકસાન પહોંચાડતા હોય છે તેનું બયાન અહીં આ વાર્તા દ્વારા લેખકે કર્યું છે. તો ‘સ્પ્રિંગ’માં પણ માનવમનના તાગને તાગ્યો છે. હાર્ટઍટેકના કારણે હૃદયમાં કૅમેરા જશે અને એ શું શું જોશે? એવો આઘાત પામતા ધરમશીના ભૂતકાળનાં પડળો સ્મૃતિ આધારે ઊઘડે છે અને એ રીતે માનવજીવન અને માનવમનમાં રચાતી વિસંગતિનાં ચિત્ર અહીં આલેખાયાં છે. તો વિશ્વસાહિત્યની ટૂંકી વાર્તાઓનો ‘સણોસરાનુંવાદ’ અહીં લેખકે કર્યો છે. જેમાં ‘જીવલાનો જીવ’ અને ‘ખડકી’ વાર્તા સણોસરાની તળ ભૂમિની સુવાસ પ્રસરાવે છે. આ બન્ને વાર્તાઓ હળવી શૈલીમાં આલેખાઈ છે. જેમાં માનવજીવનનાં ચિત્રો પારદર્શક રીતે આલેખાયાં છે. ‘બાપુ’ ઉપર ભૂલથી ‘થૂંક ઊડ્યું’ ને જીવલાનો જીવ જતો રહ્યો. અપરાધભાવની ભાવના સાથે અહોભાવનો આલેખ રમૂજ સાથે કારુણ્ય જન્માવે છે. તો ‘ખડકી’માં આલેખાયેલી ‘સંગીતા અને તેની જોરદાર વાતો...’ પણ હળવી શૈલીમાં રચાયેલ વાગ્મિતા વૈશિષ્ટ્યને ઉપસાવતી વાર્તા છે. અહીં નિરુપાયેલ દરેક વાર્તાના વિષયોમાં વસ્તુનું સંકલન વાર્તાને વિકસાવે પણ છે તો ક્યાંક વણસાડે પણ છે. જેમ કે ‘રિતેશભાઈની રાધા’માં સંવાદની સપાટીએથી ધીરે ધીરે થતી શરૂઆત પાત્રના મનોવલણને તેની ક્રિયા-પ્રતિક્રિયા દ્વારા નિરુપીત કરી પાત્રનું રાધાપણું ઉદ્‌ઘાટિત કરે છે. અને એ રીતે પાત્રના બાહ્ય સ્વરૂપથી આંતરસ્વરૂપ તરફની ગતિ વસ્તુ સંકલનની સુષ્લિષ્ટતા પ્રગટ કરે છે. તો શબરી જેવી વાર્તામાં ખંડસ્વરૂપે વસ્તુના તાર વણતાં લેખક વાર્તામાં બે ખંડ વચ્ચે ઊભો થતો વિસ્તારભેદ વધુ ઊભો કરતા લાગે. ‘બોરોપ્લસનું સામૈયું’ વાર્તાનું કથયિતવ્ય પરોક્ષે પ્રત્યક્ષ કરાવ્યું છે. તેમાં વસ્તુની સંકલન શૈલીનો મહત્ત્વનો ફાળો છે. બોરોપ્લસ ને બાળકો સાથે ઊઘડતી વાર્તામાં વસ્તુને પરોક્ષ રૂપે એ રીતે વણી છે કે વાર્તાનો સૂર અધ્યાહારે પ્રગટ થઈને પણ પ્રત્યક્ષ પડઘો પાડે. અહીં સમગ્ર વાર્તાઓમાં વિહંગાવલોકન કરતાં વિવિધરંગી પાત્રચિત્રણ નજરે પડે છે. કોઠા ડહાપણને રજૂ કરતા અભણ કહી જ ન શકાય, ભણેલાંને ભણાવે તેવા કડવી ડોશી છે જે સણોસરાનું ભોળપણ વિશ્વકક્ષાએ વડલા સ્વરૂપે રોપે છે. તો પોતાના નિર્દોષપણાથી માનવમનની નબળાઈને આલેખતો ‘જીવલાનો જીવ’નો જીવલો છે. જે માણસની વૈચારિક નબળાઈનો શિકાર પોતાની જાત જ કઈ રીતે બનતી હોય છે તેનું પ્રતીકાત્મક બયાન બને છે. આજનો માનવ સ્વકેન્દ્રી બન્યો છે. ત્યારે મળેલો અવકાશ વ્યક્તિના માનસની ગતિ-સ્થિતિની દશા-દિશા પર હાવિ થઈ જાય છે. અને સરવાળે ઊભી થતી પરિસ્થિતિઓ માનવમનની અંતઃસ્થિતિ સાથે જે રીતે અથડાઈ છે તે વ્યક્તિચિત્રોમાં તાટસ્થ્યપૂર્ણ આલેખન લેખક કરે છે. આવું જ ચિત્ર છે ‘સ્પ્રિંગ’નો ધરમશી. તો ‘ભૂલા પડેલા માણસનો વેશ’નો એક માણસ અને તેની અંદરના બીજા અનેક માણસો અહીં નિરુપાયા છે. લેખક વેધક પ્રશ્નથી જ વાર્તાની શરૂઆત કરે છે. પ્રથમ પુરુષમાં કહેવાતી આ વાર્તામાં કથક કહે છે; ‘શું હું ક્યારેય ‘હું’ હતો? કે હંમેશાં ‘બીજા’ દ્વારા જ પ્રગટ થયો છું? અને આ માનવમનની વિસંગતિની વિશ્વ આખામાં ફેલાતી અસરો અહીં લેખકે ઝીલી છે. વ્યક્તિના મનોવિશ્વને વાર્તાવિશ્વ સાથે વિષયસ્વરૂપે જોડીને! મોટા ભાગની વાર્તાઓમાં કથનશૈલી પ્રથમ પુરુષ એકવચનની છે. તો અમુક વાર્તાઓમાં સર્વજ્ઞ કથક પણ જોવા મળે છે. પ્રથમ વાર્તા ‘ગુજરાત એક્સપ્રેસ’ તો કથનરીતિને કારણે જ વાતાવરણ રચે છે. પ્રથમ પુરુષમાં આરંભાયેલી વાર્તા ટ્રેનની ગતિ સાથે જ્યારે સર્વજ્ઞ કથનના સૂરમાં વિરમે છે ત્યારે જીવન-મૃત્યુ અને તેની વચ્ચેની નાનકડી સ્નેહગાથાને વાર્તામાં ગૂંથતું મહત્ત્વનું કારકબળ બની રહે છે. મોટાભાગની વાર્તાઓનો પરિવેશ મુખ્યત્વે ગામડું રહ્યું છે તો ક્યાંક વડોદરા જેવું નગર પણ આવ્યું છે. નગર સાથે માનવમનના અંતરંગ પાસાને ઉકેલવા લેખકને વધુ અનુકૂળ લાગ્યા હોય એવું લાગે છે જેમાં વ્યક્તિની પોતાની જાત સામે અને સાથેની સ્થિતિનાં ચિત્રો આલેખ્યાં છે તો જ્યાં ગ્રામ પરિવેશ આવ્યો છે ત્યાં વ્યક્તિનું સમાજ સાથેનું અનુસંધાન એક જોડાણ સાથે પ્રગટ થયું છે. જેમાં ગ્રામ પરિવેશમાં તેમની કર્મભૂમિ સણોસરા આલેખાઈ છે. મુખ્યત્વે આ આખાયે સંગ્રહમાંથી પસાર થતા ખ્યાલ આવે કે વિષયવૈવિધ્ય અને નાવીન્ય સાથે લેખકની કથનશૈલી અને વસ્તુ સંકલન મહત્ત્વનાં પરિબળો છે. જે ફિક્શનાલયને ફિક્શન ન રહેવા દેતા વાર્તાવરણ પૂરું પાડે છે.

રિદ્ધિ પાઠક
SRF ફેલો.,
ગુજરાતી ભાષા-સાહિત્યભવન,
ભાવનગર
મો. ૯૭૨૩૭ ૮૭૮૨૨