ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/સૌ. ગંગાબેન પટેલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સૌ. ગંગાબહેન પટેલ - ‘ગુજરાતણ ટાઇપિસ્ટ અને બીજી વાતો’

શિલ્પી બુરેઠા

[‘ગુજરાતણ ટાઇપિસ્ટ અને બીજી વાતો’, પહેલી આવૃત્તિ : સંવત ૧૯૯૦. કિંમતઃ સવા રૂપિયો. અર્પણ : પૂજ્ય પિતાજીને ચરણે. મુદ્રક અને પ્રકાશક : સુધાકર મણિભાઈ ગુપ્ત આર્ય, સુધાકર પ્રેસ, વડોદરા. તા. ૧-૧૦-૧૯૩૪]

સૌ. ગંગાબહેન પટેલનું જન્મ વર્ષ ૧૮૯૦. સૌ. ગંગાબહેન પટેલ ગાંધીભાવનાના રંગે રંગાયેલાં, ગાંધીજીના સત્યાગ્રહની અનેકવિધ પ્રવૃત્તિઓમાં મોખરે રહેલાં. વર્ષ ૧૯૨૧થી તેમનામાં રાષ્ટ્રીય ભાવના જાગતાં તેઓ સભાઓમાં બોલતાં થયાં અને ચારથી છ વખત જેલ પણ ગયાં હતાં. તેમની રાષ્ટ્રીય હિલચાલને કારણે તેમની સાહિત્યકારની છબી એટલી જાણીતી થઈ નથી. જોકે તેમનું ગુજરાતી સાહિત્યમાં પ્રદાન અને વક્તવ્ય પ્રભાવશાળી રહ્યું. તેમણે ગુજરાતી સાહિત્યમાં નારી સાહિત્યમાં નોંધનીય ‘સ્મૃતિસાગરને તીરે’ સંસ્મરણકથા આપી છે. તો ‘શ્રી રમણચરિતામૃત’ ચરિત્રલેખન આપ્યું છે. વાર્તા ક્ષેત્રે ‘ગુજરાતણ ટાઇપિસ્ટ અને બીજી વાતો’ આસપાસ નામે વાર્તાસંગ્રહ આપ્યો છે. તેઓ ગુજરાતી સાહિત્યનાં જાણીતાં સર્જક ધીરુબહેન પટેલનાં માતુશ્રી છે. સૌ. ગંગાબહેન પટેલનો જન્મ મોસાળ ભાદરણમાં થયો હતો. કાઠિયાવાડમાં પિતાજી પોલીસખાતામાં વડા હતા. ત્યાં તેમનું બાળપણ કાઠિયાવાડમાં વીત્યું. હાટીના માળીયા ગામમાં સાતથી દસ વર્ષ વચ્ચેનાં બે-એક વર્ષ શાળામાં ગયાં. ત્યાર પછી ઘરે ખાનગી શિક્ષકના હાથ નીચે અભ્યાસ થયો. ચાર વર્ષની ઉંમરે લગ્ન અને તેરમા વર્ષે સાસરે ગયાં. દસ વર્ષની ઉંમરે સરસ્વતીચંદ્રનો ચોથો ભાગ વાંચી લીધો હતો. વર્ષ ૧૯૦૮માં મુંબઈ આવ્યાં ત્યારે ઘણાં પુસ્તકો વાંચી લીધાં હતાં. ચોત્રીસ વર્ષની ઉંમરે સંસ્કૃત અને વ્યાકરણનો અભ્યાસ શરૂ કર્યો. આર્યસમાજના અનેક સંન્યાસીઓ અને કાર્યકર્તાઓના સંપર્કમાં આવ્યાં. ૧૯૧૭માં સાન્તાક્રુઝમાં પાડોશી ગત્તુભાઈ ધ્રુવ અને તેમનાં કુટુંબીઓનો પરિચય થતાં ગુજરાતી હિંદુ મંડળમાં સભાસદ તરીકે દાખલ થયાં અને મેનેજિંંગ કમિટીમાં સેવારત રહ્યાં. સૌ. ગંગાબહેન પટેલના વાર્તાસંગ્રહમાંથી ‘ગુજરાતણ ટાઇપિસ્ટ અને બીજી વાતો’ ઓનલાઇન પ્રાપ્ત થતાં અહીં વાર્તાસંગ્રહની વાર્તાઓની સમીક્ષા કરવાનો ઉપક્રમ રહ્યો છે. પુસ્તકમાં લેખિકાનું નિવેદન અપાયેલું છે. પરિચય શીર્ષકથી મંજુલાલ ર. મજમુદારની કલમે તેમની સમગ્ર વાર્તાઓની કળાત્મક નોંધ નોંધાયેલી છે. અને લેખિકાના પત્રના અંશોમાંથી જીવન-કવનનો ટૂંકો પરિચય પણ નોંધ્યો છે.

સામાજિક વાતાવરણની વાર્તાઓ

સૌ. ગંગાબહેને વરસ ઓગણીસો પચીસમાં તેમની જ્ઞાતિના પાટીદારની પરિષદ મળતી એમાં ભગિની સમાજ અંકમાં પહેલો લેખ આપ્યો એ પછીથી નિયમિત લેખ આપ્યા. ઓગણીસો ત્રીસમાં યરવડા જેલમાં ટૂંકી વાર્તાઓ વાંચતાં વાંચતાં આવી સામાજિક વાર્તાઓ લખવાની પ્રેરણા મળી. અને જેલમાં અનેક સમસ્યાઓથી ઘેરાયેલી બહેનોના મોઢે ઘણું બધું જોયું-સાંભળ્યું. અને લેખિકાના મતે જીવંત કથાઓ લખી. ‘ગુજરાતણ ટાઇપિસ્ટ અને બીજી વાતો’ નામના આ સંગ્રહમાં સોળ જેટલી વાર્તાઓ સમાવી છે જેમાં લેખિકાના જણાવ્યા મુજબ ‘ગરીબની હાય’ એ એક વાર્તા મૂળ જાપાનીસ વાર્તાના હિન્દી રૂપાંતરથી થોડા ફેરફાર સાથે લીધી છે. બાકીની વાર્તાઓ પોતાની શક્તિ અનુસારની મૌલિક વાર્તાઓ છે. કુલ સોળ વાર્તાઓમાંથી ‘ગુજરાતણ ટાઇપિસ્ટ’, ‘મુક્તિ’, ‘પશ્ચાત્તાપ’, ‘ન્યાય’, ‘યોગિનીનો આશ્રમ’, ‘પાપી કે પવિત્ર?’ – આ છ વાર્તાઓમાં સામાજિક રૂઢિઓ, ગૃહજીવન, સ્ત્રી જીવનનો સૂર વણાયો છે. ‘ચંપા મિલનો મૅનેજર’, ‘સોમા’ અને ‘સૌભાગ્યકંકણ’ એ કારખાનાના શહેરીજીવન પર આધારિત વાર્તાઓ છે. ‘સાડી પર પડછાયો’ અને ‘અછૂતોદ્ધારક’ એ અશ્પૃશ્યતાના પ્રશ્ને વાર્તાઓ છે. ગ્રામજીવનને નિરૂપતી પાંચ વાર્તાઓ જેમાં ‘પ્રોફેસર સાહેબ’, ‘દિવાળી બાકી’, ‘હોળી’, ‘નિર્દોષ ગુનેગાર’ અને ‘ગરીબની હાય’નો સમાવેશ થાય છે. સંગ્રહની પ્રથમ વાર્તા જેના પરથી સંગ્રહનું શીર્ષક લેવાયું છે એ ‘ગુજરાતણ ટાઇપિસ્ટ’ વાર્તામાં સામાજિક રૂઢિઓ સાથે નારીજગતની અકથ્ય વેદનાને વાચા આપી છે. ત્રીજા પુરુષ એકવચનમાં કહેવાયેલી આ વાર્તાની નાયિકા ભવાનીના સામાજિક પ્રશ્નોનું જગત સરસ રીતે ગૂંથાયું છે. વાર્તાની શરૂઆતમાં જ લેખકે સમાજિક કુરિવાજો ને રૂઢિઓનું કલાત્મક રીતે આલેખન કર્યું છે. અહીં સાટાપદ્ધતિ, બાળલગ્ન, કન્યાવિક્રય, કજોડાં જેવા પ્રશ્નો અને બહુપત્નીત્વ દ્વારા નારીજગતના એકતરફી પ્રશ્નોને વાચા આપી છે. અગિયાર વર્ષની કુમળી વયે લક્ષાધિપતિ વિધુર શેઠ ભૂધરદાસની પત્ની બનીને આવ્યા પછી પાડોશમાં રહેતા એક યુવકની સોબતમાં ફસાય છે. ભૂધરદાસના મૃત્યુ પછી વિલ પ્રમાણે મકાન ખાલી કરી પેલા યુવક સાથે નીકળી પડે છે પણ યુવક તેને રખડતી મૂકીને ચાલ્યો જતાં ભાઈ ભાભીના ઘરે પણ તિરસ્કાર પામી આખરે દેહ સમર્પણ કરવા જતાં એક ભીલ યુવક દ્વારા બચી અને તેના આશરે આશ્રિત થાય છે. અહીં જુગલ જેવા પરોપકારી અને રણછોડદાસ જેવાં સંસ્કારી પાત્રો છે તો પોતાને છેતરી જનાર યુવાન પ્રેમી અને સ્વાર્થી ભાઈ-ભાભી જેવાં પાત્રોનો વિરોધાભાસ પણ જોવા મળે છે. ‘મને દોષિત કહેનારને કહેજો કે મને સાઠ વર્ષના શક્તિહીન પતિને પરણાવનાર મારા પિતા દોષિત ખરા કે નહિ? અને મારી વય અને ઊર્મિઓનો લાભ લેનાર, મને છેતરનાર નીતિમાન ગણાવા મારો ત્યાગ કરનાર યુવાન દોષિત ખરો કે નહિ?’ અહીં સામાજિક પ્રશ્નોનો ધ્વનિ અને નાયિકાની અકળામણ ભાવકને પણ અકળાવ્યા વગર રહે નહિ તેવું તીક્ષ્ણ આલેખન વાર્તાને ઊંચાઈ અર્પે છે. દેશની આઝાદી માટે ઝઝૂમનાર પુરુષના ઘેર પણ સ્ત્રી પોતીકી રીતે આઝાદ નથી એવો કટાક્ષ કરતી વાર્તા ‘મુક્તિ’માં નાયિકા પુષ્પાના જીવનની કથની વર્ણવી છે. સાસરિયાંના ત્રાસથી ત્રસ્ત સ્ત્રીઓના છેવટનું વિશ્રામ સ્થાન કૂવો, હવાડો કે પાદર સીમ વગેરેમાં થતી શોધ દ્વારા વાર્તા શરૂ થાય છે. નાયિકાના ગૃહસંસારના વર્ણનમાંથી પામી શકાય છે કે કુળવાન, સંપૂર્ણ સમર્પિત તથા પતિના સુખદુઃખમાં ભાગીદાર છતાં સ્ત્રી માત્ર ભોગવટાનું સાધન હોય, કુલદીપકનો હેતુ ના સરતાં ઘરમાં શોક્ય લાવતાં નવી વહુને નવા ધનની લાલસામાં, તિરસ્કારભર્યું જીવન જીવવા કરતાં સ્વ-બળે જીવનનિર્વાહ કરવાની શ્રદ્ધા સાથે ગૃહ ત્યજીને મુક્તિ પામતી બતાવી છે. આ વાર્તામાં પણ સામાજિક રૂઢિઓના અને સ્ત્રીઓના પ્રશ્નો અને સ્ત્રીઓનું મૂલ્ય કેવું અંકાય છે એ ભાવ માર્મિક રીતે વર્ણવાયો છે. ‘ન્યાય’ નામની વાર્તામાં કુટુંબની આર્થિક પરિસ્થિતિના વિરુદ્ધ દ્વારા કચડાતી ભોગ લેવાતી નારીના જીવનની કથા રજૂ કરાય છે. કહેવાતા ધનવાન અને ખાનદાની કુટુંબમાં ગરીબ ઘરની સ્ત્રીનું મૂલ્ય તેના માબાપ તરફથી અપાતા પૈસાના આધારે મૂલવાય છે. વાર્તાની શરૂઆતમાં જ વિદ્વાન, ધનવાન અને કાયદાશાસ્ત્રી ઉમાકાન્તની પુત્રવધૂની તબિયત લથડતાં વધુ સારા ડૉક્ટરની સલાહ આપતા ડૉક્ટર ચંદુલાલના પ્રતિ ધર્મ સો રૂપિયા જેવડી મોટી રકમ ખર્ચામાં મુકાઈ જતાં વિદ્યાબેન અને ઉમાકાંતનાં ખાનદાની માનસિકતાને છતી કરે છે. વિજયાબેન પણ લોકલાજની બીકે કારકુન જોડે કાગળ લખાવે છે, ગરીબ વેવાઈને લખાતા પત્રમાં પુત્રવધૂના દવાની બિલના અને સીમંતના ખર્ચની માગણી ભલભલાના ન્યાય ચૂકવતા ન્યાયાધીશ પોતાના ઘરમાં પોતાની વહુ પ્રત્યેના વર્તનસંબંધી ન્યાયને તોલી શકતા નથી. આ વિરોધાભાસ વાર્તાનો સૂર છે. ઘરમાં આવનારી પુત્રવધૂના જીવનની કિંમત કેટલી નજીવી છે તે દર્શાવાયું છે. વાર્તામાં વચ્ચે ફ્લેશબેક ટેક્‌નિકથી ચિત્ર વધુ ગુણિયલના જીવનની ટૂંકી કહાણી રજૂ કરાય છે. વર્ણનકલા આંખે ઊડીને વળગે છે. તો વેવાઈ પક્ષનો તાર મળતાં જ દીકરીના પિતા અને માતાની વ્યથા, પૈસાની વ્યવસ્થા કરવાની તજવીજ અને દીકરીને દોઝકમાંથી બચાવવા થતી દોડધામનું વર્ણન રજૂ થયું છે. છેવટે દીકરી અને દામ જે કુટુંબે લૂંટ્યું છે તે ઘરે હવે ઊભું પણ ન રહેવું, જ્ઞાતિ માનતા દરેક દીકરીના બાપના મનની સ્થિતિ વિષે ભાવક ભાવવિભોર થયા વિના નહિ રહે. પત્નીના મરણ પછીનો પશ્ચાત્તાપ એ ‘પશ્ચાત્તાપ’ વાર્તાનો કેન્દ્રીય સૂર છે. પ્રસૂતિના અનેક પ્રસંગો પછી પ્રેમાળ પત્નીના મૃત્યુ પછી નાયક રમણ પશ્ચાત્તાપ કરે છે. પોતાના પુત્ર અને પુત્રવધૂને ‘લગ્ન દેહનાં કે દિલનાં’ પુસ્તક ભેટ આપી પોતાના જેવો પસ્તાવો કરવાનું ના આવે તેવો વિચાર કરવા કહે છે. પ્રથમ પુરુષ એકવચનના કથનકેન્દ્ર પ્રયુક્તિથી કહેવાતી ‘પાપી કે પવિત્ર’ વાર્તા એક પ્રણયકથા છે. નાયિકા વિલાસુ પોતાના પસંદગીના યુવાન સાથે લગ્ન કરી શકતી નથી. માવિહોણી નાયિકા કાકાકાકીના દબાણવશ લગ્ન તો કરી લે છે. પણ ‘પરણાવેલા પતિ તેના પતિ થયા; પણ તેના મનના તો ના થયા તે ના જ થયા.’ (પૃ. ૧૪૮ ) પતિના મૃત્યુ પછી પણ પોતાના મનગમતા યુવાનને ભૂલી શકતી નથી. વાર્તાની કેન્દ્રસ્થ ઘટનામાં પ્રેમી દ્વારા પકડાતો હાથ અને સાપથી બચાવવા ભરાતી બાથ જેવા સ્પર્શ સુખનું કાયમી સંભારણું બની રહે છે. ‘લગ્ન દેહનાં કે દિલનાં?’ અથવા વય, સંસ્કાર કે બુદ્ધિનાં કજોડાંનો ભોગ બનતી નાયિકા દુનિયાની નજરે પવિત્ર રહી છે પણ પોતે મનોમન શંકા અનુભવી રહે છે. હું પાપી કે પવિત્ર? વડીલો દ્વારા નક્કી થતા લગ્નોમાં ઘણી વાર પાત્રોની પસંદ નાપસંદને કોરાણે મૂકી જબરાઈથી થતાં લગ્નમાં કોમળ લાગણી કેવી કચડાઈ મરે છે એ કોયડો આજે પણ સ્ત્રી સમાજની ઉચ્ચ કેળવણી છતાં વણઊકલ્યો જ છે. ‘યોગિનીનો આશ્રમ’ નામની વાર્તામાં બાળવિધવાના પતનની, તેમના દ્વારા થતી આત્મહત્યા અને તેમના ઉદ્ધાર માટેના થતા પ્રયાસની વાત વણી લેવામાં આવી છે. ગંગાસ્વરૂપ અને સમાજથી તરછોડાયેલી નારીના જીવનને અહીં આશ્વાસન મળી રહે છે. યોગિની નામે આશ્રમ એ રીતે ઉદ્ધારક બની રહે છે. ‘સંસારની કુટિલતામાં સડતા પુરુષોના પંજામાંથી અભણ અને ભોળી અબલાઓને બચાવી લેવા એ આશ્રમની સેવિકાઓ સંસારમાં ઘૂમે છે.’ (પૃ. ૧૩૪) વાર્તાની શરૂઆતમાં આવતું આશ્રમ અને નદીકિનારાનું વર્ણન તથા ફ્લેશબૅકમાં દર્શાવાયેલાં પાત્રોના પૂર્વજીવનનું વર્ણન ગમી જાય એવું છે. ‘પ્રોફેસર સાહેબ’ નામની વાર્તામાં પરદેશથી પુસ્તકિયું જ્ઞાન મેળવી ગામડે પાછા ફરતા અને ગ્રામીણ જીવનને ઉપયોગી ના થતા શહેરીકરણ તરફ આકર્ષી ખુવાર થતા યુવાનની કથા વર્ણવાઈ છે. કથાનાયક ચંદ્રકાંત ખેતીવાડીની પરીક્ષા પાસ કરી પાંચ વર્ષે પોતાના ગામડે પરત આવે છે. ‘ઇંગ્લૅન્ડ રીટર્ન’ ચંદ્રકાંતને માનપત્ર અને મેળાવડા પછી ગામડામાં ગોઠતું નથી. ગામડામાં સમય કેમ ગાળવો એની મૂંઝવણ છે. ‘ગામમાં ના મળે નાટક, ન મળે સિનેમા ન મળે ક્લબ, નહિ બોલ કે મેળાવડા! આ તે કંઈ જીવન છે!’ (પૃ. ૧૧૮) કહેવાતી કેળવણી ઉપરછલ્લી અને ગામડામાં કોઈ ઉપયોગી રહેતી નથી. ધંધાનું વ્યવહારુ જ્ઞાન ન હોતાં કેળવણી એક બોજ બની રહે છે. વિશેષ તો ઘરની ખેતીમાં પોતાના જ્ઞાનનો ઉપયોગ કરીને સમૃદ્ધ થવા કરતાં શહેરની નોકરી સ્વીકારી આર્થિક ભીંસ ભોગવીને ઘર આખાને બોજમાં નાખવા સિવાય કોઈ જ અર્થ સરતો નથી. દીકરાને મદદ કરવા ગામના વણિક દ્વારા જમીન તો ગુમાવી પણ દીકરોય ગુમાવ્યાનો માતાપિતાનો અફસોસ આ રીતે વર્ણવાયો છે. ઘેર પાછાં આવતાં જીવીબા બોલ્યાં : ‘અરેરે, દીકરો ભણાવીને ગુમાવ્યો.’ મોતીભાઈએ કહ્યું, ‘ઈશ્વરનો ઉપકાર માન કે આપણે નથી ગુમાયા. નહિ તો માયા મંદિરમાં રૂપાળાં કપડાં પહેરી ગયાં હોત તો એને કોઈ વાંધો ના આવત અને આપણને દાંભિકતા વળગી પડી હોત.’ અહીં ધૂમકેતુની ગોવિંદનું ખેતર અને દ્વિરેફની ‘મુકુન્દરાય’ વાર્તાનું સ્મરણ થયા વગર રહે નહિ. ‘દિવાળી બાકી’ ગ્રામીણ જીવનને સ્પર્શતી વાર્તા છે. નાયક ગામના મુખી ધના પટેલ ખુમારી, ખાનદાની અને ઉદારતાની ભાવનાના વ્યક્તિત્વને ઉજાગર કરતું પાત્ર. તેમની ઉદારતાની ભાવનાની અતિશયતામાં ઘણી વાર અધિકારીઓ, ધીરધાર કરતો વાણિયો અને તલાટી જે રીતે ઉદારતાનો ગેરલાભ લઈ શોષણ કરે છે એની કટાક્ષમય રજૂઆત થઈ છે. લોકોનાં પેટ ભરનાર ખેડૂત ધના પટેલના બારણે વારે-તહેવારે આવનાર કોઈ આશ્રિત નિરાશ થતું નથી. ઘસાઈને ઊજળા રહેનાર પટેલના સ્વભાવને જાણતાં તેમનાં પત્ની અમૃતબા અકળાઈને કહેતાં : “મુવા તમારા અમલદારો ઘરમાં છોકરાને છાંટો ઘી પણ નથી અપાતું અને એ મુવાઓને રોજ ચાર શેર અને પાંચ શેર ઘી અને દૂધ ક્યાંથી આપું?” (પૃ. ૧૫૪) પરંતુ અમલદારોની, વાણિયા અને તલાટીનાં શયતાનિયતમાં સપડાયેલા ભોળા ધના પટેલ સ્વભાવ મુજબ લૂંટાતા રહે છે. એની જાણ છતાં મૂંગા મોંએ ઉદારતા બતાવતા રહે છે. પણ દીકરો ગોવિંદ આ ધોળા દિવસના લુંટારાઓ, રક્ષણને બદલે ભક્ષણ કરનારા અધિકારીઓ સામે વહેલા ચેતી જઈને બધું વેચીને વાણિયાના પાશમાંથી મુક્ત થાય છે. અહીં વાર્તાની ભાષાશૈલી સંવાદિતા અને પ્રવાહિતા સરળ તથા ગમી જાય તેવી છે. ગ્રામીણ પરિવેશમાં આકાર લેતી આ વાર્તા ગંગાબેન પટેલની ઉત્તમ વાર્તામાંની એક છે. ‘મારી વાર્તાઓમાં મોટેભાગે જીવંત કથાઓ જ છે.’ એમ કહેતાં લેખિકા ગંગાબહેન પટેલે વર્ષ ૧૯૩૦ના જેલ અનુભવોમાં સાંભળેલી કથાઓમાંથી બીજ લઈને ઘણી વાર્તાઓ લખી છે. ‘નિર્દોષ ગુનેગાર’ નામની વાર્તા પણ સાંભળેલી કથની જ હોય એમ જણાય છે. નિર્દોષ ગુનેગાર વાર્તા આવી જ સીધી, સરળ શૈલીમાં લખાયેલી સામાજિક વાર્તા છે. નાયિકા પાર્વતીના જેઠ ગોવિંદ અને શિવા દ્વારા પોતાના પતિનું કાવાદાવા કરીને કરાયેલું ખૂન અને નાયિકા પર આરોપ ઠોકી બેસાડતાં દસ વર્ષની જેલ મળે છે. નાયિકા પાર્વતીની જેલ સહવાસી બહેનો સાથે કહેલી વાત કથનશૈલીથી વાર્તા લખાઈ છે. વાર્તાનું શીર્ષક નિર્દોષ છતાં ગુનેગાર એ કટાક્ષ અને ઔચિત્યસભર યથાર્થ બની રહે છે. ગ્રામીણ જીવનમાં રાગદ્વેષ, કાવાદાવા, અભણ લોકોના ભોળપણનો લાભ લઈને સાચાને જૂઠું સાબિત કરી આપતી ન્યાયની અદાલતો, ભોગ બનતા નિર્દોષ લોકોની વાતને સરસ રીતે વણી લીધી છે. ‘હોળી’ કરુણરસ નિપજાવતી વાર્તા છે. ગરીબોનાં હૈયાંમાં જે હોળી સળગે છે તેનું કરુણ વર્ણન છે. જમીનદાર તરફથી ખેડૂત પ્રત્યેનું વર્તન તેમના પ્રત્યેનો તિરસ્કૃત વ્યવહાર અને તુચ્છ ભાષા તથા હોળીની ખજૂર માંગતાં ખેડૂતનાં બચ્ચાં, તાવવાળું માંદું શરીર પણ ઘર માટે કૈંક કરવાની કાશીની ખેવના, શેરીમાં હોળી પ્રગટાવાથી ઊડતા અગ્નિના તણખાથી ભસ્મ થતું ઝૂંપડું, તમામ વર્ણનો વાર્તાને કરુણ ઘાટ આપવામાં ખૂબ સહાયક નીવડ્યાં છે. ‘ગરીબની હાય’ મૂળ જાપાનીસ વાર્તાના હિન્દી રૂપાંતરમાંથી નજીવા ફેરફાર સાથે ઉતારેલી વાર્તા છે. સમગ્ર સંગ્રહમાં આ એક વાર્તા અનુવાદિત વાર્તા છે. વાર્તાના કેન્દ્રમાં છે અનાથ ગરીબ બે બાળકો અને પોતે ના ચૂકવી શકેલા ઘર ભાડાપેટે વેચેલી એક રજાઈની વાર્તા છે. વેચેલી રજાઈને કારણે ઠંડીમાં ઠૂંઠવાઈ મરે છે. એ પછી ઝૂંટવી લીધેલી રજાઈમાંથી ગરીબની હાય ઓઢનારને સંભળાય છે. “નાના ભાઈ! ઠંડી લાગે છે? અને મોટા ભાઈ તમને અને મને પણ લાગે છે?”નું વારંવાર થતું કથન અદ્‌ભુતરસ, ભેદભરેલા પરિવેશ રચવામાં સાર્થક નીવડે છે. ‘ચંપા મિલનો મૅનેજર’, ‘સોમા’ તથા ‘સૌભાગ્યકંકણ’ ત્રણેય વાર્તાઓ કારખાના અને મજૂર વર્ગના પરિવેશને પ્રગટ કરતી શહેરીજીવનની વાર્તાઓ છે. ‘ચંપા મિલનો મૅનેજર’ કરુણરસ નિરૂપતી વાર્તા છે. વાર્તાના શીર્ષક મુજબ જ શરૂઆત મિલના નવા મૅનેજર ચીમનલાલના આવ્યા પછી મિલના જૂના ફર્નિચરથી માંડીને કામદારો બદલીને નવીનીકરણ આણતા મૅનેજર શેઠિયા લોકોની પ્રશંસા પ્રાપ્ત કરે છે. મૅનેજરના વ્યક્તિત્વની ભાવકના માનસ પર સકારાત્મક છાપ અંકિત થાય એ પહેલાં મિલના આધાર રૂપ ઘણા જૂના કામદારોને ઘસાઈને જૂનાં થઈ ગયેલાં મશીન સમજી ફેંકી દેવામાં જરાય દયા ના દાખવતા મૅનેજરની સ્વાર્થી અને નિર્દયતાની છાપ ઊભી કરવામાં લેખિકાની કલમ જરાય ઊણી ઊતરી નથી. અહીં પાત્રાલેખનની કળાસૂઝ જણાઈ આવે છે. વાર્તાના કેન્દ્રમાં રહેલું મુખ્ય પાત્ર જમના એ મિલમાંથી હડસેલી કઢાયેલાં શ્રમજીવીઓમાંની અનાથ વૃદ્ધ મજૂરણ છે. ત્રીજા પુરુષ એકવચનમાં કહેવાયેલી વાર્તામાં જમના મૅનેજર જોડે પોતાને ન કાઢવા વીનવણી કરવા જાય છે અને મૅનેજર ચીમનલાલ જમનાને નિરાશ કરે છે. હતાશ જમનાની જીવનની જીવનકથા પ્રથમ પુરુષ એકવચનમાં ફ્લેશબૅક ટેક્‌નિક વડે આલેખાયેલી છે. જે વાણિયાને આશરો આપી ગામમાં દુકાન શરૂ કરાવી એણે ગામડાના માણસોને છેતર્યા, મોહજાળમાં ફસાવી લૂંટ્યા. છેવટે લોકોના એવા હાલ થયા કે તેઓ ઢોરઢાંખર વેચી શહેરમાં મિલની નોકરી ખોળવા લાગ્યા. આ જ વાણિયાનો દીકરો જમનાના આશ્રયમાં ઊછરે છે એ મોટો થતાં મૅનેજર બને છે ને જમનાને કાઢી મૂકે છે. જમનાની આંતરડી કકળે છે અને ભૂખ્યોતરસ્યો આત્મા ઊડી જાય છે. વાર્તાનો કરુણ અંત ભાવકને ભાવવિભોર કરી મૂકે છે. ‘સૌભાગ્યકંકણ’ વાર્તા કરુણ અને હૃદયદ્રાવક વાર્તા છે. સ્વર્ગ જેવા ગામડામાંથી શહેરના આકર્ષણથી કારખાનાની મજૂરી, ગુલામી, બીમારીમાં પાયમાલી ભોગવતા મજૂર કુટુંબની કરુણ કથની છે. મુશળધાર વરસાદમાં ત્રણત્રણ દિવસના ઉપવાસથી દીકરા રામનું થોડાક સમય પહેલાં જ મૃત્યુ થયું છતાં ક્ષયગ્રસ્ત બીમાર પતિ માટે ઊની ઊની ચા લેવા, પાસે પૈસા ના હોઈ પોતાના સૌભાગ્યકંકણ, દાંતની ચૂડી ગીરવે મૂકે છે. રસ્તામાં જ એનું મૃત્યુ થાય છે. બહુ વાર થતાં પતિ ત્રિભુ શોધવા જતાં અકસ્માતે મૃત્યુ પામે છે. સીધી સરળ કથાવસ્તુમાં સિલસિલાબંધ થતા અવસાનનાં પ્રસંગોનું આલેખન કરુણ રસને ઘટ્ટ બનાવે છે. ‘સોમા’ પણ મિલમજૂરણની જ વાર્તા છે. પણ અહીં સોમા જમના જેવી વૃદ્ધ અને અશક્ત નથી. તે દયા નહિ પણ પોતાના હક માટે બેધડક મિલમાલિક પાસે હક્કની માંગણી કરી શકે છે. “શેઠ, અમે તો અમારા બાળકોની કેળવણી, સ્ત્રીઓની સગવડ અને પેટ ભરીને અનાજ માંગીએ છીએ. તમે નહિ આપો તો આ સંચા ઉપરથી ઊઠવાના નથી. તમારે જોઈએ તો અમારા રક્તથી સંચાને ધુઓ, પણ બીજું બનવાનું નથી.” મજૂરોના ઉદ્ધાર માટે ખુમારીપૂર્વક લડતી નારી શક્તિની વાર્તા. સંવાદકલાની પ્રયુક્તિથી નાયિકા સોમા એટલે કે સોમલીનું વ્યક્તિત્વ સરસ ઉપસાવ્યું છે. અનુઆધુનિક પ્રવાહમાંની દલિતચેતના જેવી સ્પષ્ટ ધારા નહોતી પણ દલિતચેતનાને સ્પર્શતી વાર્તા મળે છે. કેમ કે અસ્પૃશ્યતા ભારતીય સમાજમાં સદીઓથી ચાલી આવતી હતી. સવર્ણો અને દલિતો વચ્ચેના સંઘર્ષ કાયમ રહેતા. જનમાનસમાં ઘર કરી ગયેલ આભડછેટની માનસિકતાને બે વાર્તાઓમાં આલેખી છે. દલિત સમાજના લોકોનો પડછાયો તેમને કે તેમની નિર્જીવ વસ્તુઓ પર પડતા જ આભડછેટનો એરુ આભડતો. અસ્પૃશ્યોની કાળી દુનિયાનો રૂઢિઓના વિકરાળ સ્વરૂપનો ચિતાર આપતી ‘સાડી પર પડછાયા’ કટાક્ષમય વાર્તા છે. ‘સૃજેલા શ્રી પ્રભુજીએ મનુષ્યો સર્વ સરખાનો ઉપદેશ આપ્યો છે. તો ‘અછૂતોદ્ધારક’ વાર્તામાં અસ્પૃશ્યતાનિવારણ પ્રચારને ધંધો બનાવી દેનાર નેતાઓ પર વ્યંગ કર્યો છે. અંધશ્રદ્ધાળુ ધનવાન લોકો માટે અછૂતોદ્ધારક કાર્યના ઓથા હેઠળ પોતીકા સ્વાર્થ સાધે છે. તેમનામાં અંત્યજજનો માટે કોઈ જ લાગણી હોતી નથી-નો કટાક્ષ નિરૂપાયો છે. આ સંગ્રહની વાર્તાઓમાંથી પસાર થતાં સૌ. ગંગાબહેન પટેલની સામાજિક વાતાવરણની વાર્તાઓમાં લેખિકાની કટાક્ષમય લેખનશૈલી ખૂબ અસરકારક રહી છે. કટાક્ષ માટે પ્રયોજેલા કૌંસમાંના શબ્દપ્રયોગ ધ્યાન ખેંચે છે. મર્મભેદી વચન ઉચ્ચારવાની કુશળતાની નોંધ મંજુલાલ ર. મજમુદારે પણ સારી રીતે લીધી છે. તો બીજી વિશેષ નોંધ તેમની વર્ણનકળા માટેની છે. નિવેદનમાં લેખિકા નોંધે છે કે, “વાર્તામાં કરવી જોઈતી વિસ્તૃતતા મારાથી થતી નથી. કારણ શું હોય? પણ મારાથી વાર્તાઓમાં વર્ણન કરી શકાતું નથી.” પણ અહીં પૃ. ૪૦ પરના ગામડાનું વર્ણન, પૃ. ૫૧ પરના મજૂરવાસનું વર્ણન, પૃ. ૭૨ પરનું મંદિરનું વર્ણન, ૮૧ પર વરસાદનું વર્ણન, પૃ. ૧૧૩ પરનું રાતના ત્રણ વાગ્યાનું કરુણ ચિત્રની પશ્ચાદ્‌ભૂમિનું વર્ણન, પૃ. ૧૧૮ પરના સાંજનું વર્ણન, પૃ. ૧૭૪ પરનું ગરીબ ખેડૂતની ઘરવખરીનું વર્ણન તેમની વર્ણનકળાની સાબિતી છે. સંવાદકળા, પાત્રાલેખન, વાર્તાને અનુરૂપ પરિવેશ ઊભો કરવામાં પણ લેખિકા સફળ રહ્યાં છે.

શિલ્પી બુરેઠા
એમ. એ., બી. એડ.
શ્રી લવારા પગાર કેન્દ્ર શાળા
મુ. લવારા તા. ધાનેરા, જિ. બનાસકાંઠા
પીન ૩૮૫૩૧૦ મો. ૯૯૭૪૪ ૮૫૦૮૩
Email: shilpiburetha@gmail.com