ગુજરાતી નારીસંપદા : કવિતા/અછાંદસ - ૩

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
અછાંદસ

પન્ના ત્રિવેદી

રાતને આખ્ખેઆખ્ખી રહેવા દે
તારી વૈશાખી વાતોનું બાકોરું ન પાડ મહીં
થોડી રાતી ભીનાશ રાખી લેવા દે...
આ રાત
જોતજોતામાં
મોટી થઈને, કાલ ઊઠીને સવાર થઈ જશે...
પણ
હમણાં તો
રાતને રાત કહેવા દે!
કહું છું,
હળવાશનું આ ગળચટ્ટ અંધારું
છેક પગના તળિયે પથરાઈ જાય
ત્યાં સુધી સૂંધી લેવા દે નિરાંતે....
આજ તો આ રાતને ચાખી લેવા દે!
પછી દિવસ તો છે જ
માણસને મુદ્દે ને મુઠ્ઠે ખાનારો
આપણી જ સામે આપણા મરશિયા ગાનારો
એ વરણાગીયો કોઈનો ય થયો છે કદી આખ્ખેઆખ્ખો!
રાતની કાળી તરસ
ને દિવસની ધોળી તરસ
ભેગી મળીને
માણસને ભીતરથી કરી મૂકે છે કાબરચીતરો!
કહું છું,
આ નીરવ રાતને
ભરી લેવા દે અખંડ...
પછી રવરવતા અજવાળે
ચપોચપ ખરીદાશે મલમલના સંબંધ!
અંધારાનું રૂ પિંજી પિંજીને
હોવાપણાનું અત્તર જરીક છાંટી લેવા દે...
પછી દિવસ તો છે જ
આખીય હયાતીને તાર તાર કરી નાંખનારો!

રાતને આખ્ખેઆખ્ખી રહેવા દે...
રાતને રાતભર રાત રહેવા દે!

***