ગુજરાતી નારીસંપદા : કવિતા/ગમે છે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ગમે છે

પ્રીતિ પુજારા

આ વાયરે મલકતી જૂઈનું જતન ગમે છે,
શબ્દો તણી ગઝલનું મીઠું કવન ગમે છે.

નયનો ધરાર બેઠાં ધરણે દીવાલ સામે,
ઊંચકી નથી જ પાંપણ તેનું વજન ગમે છે.

ઊંડો નથી સમંદર તોયે મને ગમે છે,
પલળી જવાય એવું અમથું વહન ગમે છે.

આ શ્વાસની ગલીમાં રમતાં થયા તમે છો,
હા, ટોચથી થનારું વરવું પતન ગમે છે.

સૂરજ વસે ગગનમાં કોણે કહ્યું કહો જો,
આ દેહમાં વસે જે તેની અગન ગમે છે.

આ ગામ આ ઝરૂખો આજેય સંભારે છે,
ભીનાશ માવઠાંની આવા સ્વજન ગમે છે.

પડખે રહી વસંતે સ્પર્શી ગયો અમસ્તો,
દાવાનળે બળે સૌ આવો પવન ગમે છે.

આ રીત ને રસમના ભારણ વધી ગયા છે,
જવ-તલ સમિધ દઈ દો કરવો હવન ગમે છે.

***