ગુજરાતી નારીસંપદા : કવિતા/ધુમ્મસની પેલે પાર
ધુમ્મસની પેલે પાર
માનસી શેઠજી સોનીક
⯐
સવારે જાગી
ધુમ્મસની પેલે પાર
જાણે કોઈ મને બોલાવી રહ્યું
મારું નામ લઈ,
કોઈ પ્રભાવશાળી આભા
ચેતનાપુંજ
પીળો પ્રકાશ
ચમત્કારિક
એટલું મનમોહક કે વિસ્મયયુક્ત!
મુક્ત જ ન થવાયું
પ્રલોભનમાં હું નીકળી
ભાનભૂલી
પેલી આકૃતિ પાછળ
અને ધુમ્મસ ખુંદતી પહોંચી,
માયાજાળ જેવું હતું બધું
સ્વચ્છ, ઊજળું, આકર્ષક.
હાથ આગળ વધાર્યો
પેલી આભા પકડવા.
હાથ પીળા
પણ
ત્યાં ફક્ત પ્રકાશ
તરબોળ થઈ હું,
પીળા રંગે રંગાઈ
કંઈ છે
પણ
કોઈ નથી
અહેસાસ
કે
અનુભૂતિ???
***