ગુજરાતી નારીસંપદા : કવિતા/નીંદરનું બારું ઉઘડતું

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
તો જ કદાચ

નૂતન જાનીનીંદરનું બારું ઉઘડતું

નાનું બગાસું, થઈને પતાસું એનાં મીઠાંશા મોઢામાં પડતું.
ઢાળેથી પાંપણના, ઢળી જતાં પોપચે, નીંદરનું બારું ઉઘડતું!
પીઠ વ્હાલાને-હાલા થાબડતું.

નીંદરમાં, એવું તે શું હશે દીસતું? મોં સાકરની કાંકર થઈ હસતું!
આકાશી ખોયા પર ટીંગાતી કૂણી, ચંદામામાની દાઢીને અડતું કે
મામીચંદા સંગ છબ-છબિયાં ઘુઘરા, એ વાદળના પાણીમાં ઘડતું...??
પીઠ વ્હાલાને-હાલા થાબડતું.

નીંદરમાં, એ ઘડે ‘ખોળા’ના ‘ઘોડા’, ને ધાવણના ધોધમાં પલળતું,
મા-’ગત’ જનમની એને બોલાવે, એ ઝબકીને ઊંઘમાંથી રડતું!
હસવું, રડવું, હળવે સરી જવું ઘેનમાં, એ સમાધિમાં અલખ ગણગણતું,
સાધુનું તેજ-તાપ મોઢે આંજી જાણે, નીંદરના ભેદ બધા કળતું...
પીઠ વ્હાલાને - હાલા થાબડતું.

***