ગુજરાતી નારીસંપદા : કવિતા/મારું પોતાનું આકાશ...

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
મારું પોતાનું આકાશ...

અલ્પા શાહ

ઊડી જવું છે આજ મારે સોનેરી-રૂપેરી વાદળોને પેલે પાર,
અને ઝીલી લેવો છે ટમટમતા ઝબુક તારલિયાનો પ્રકાશ,
શીતળ ચાંદનીથી શણગારવું છે મારે મારું પોતાનું આકાશ...

છેડી લેવા છે આજ સૂર સપ્તકના ઝણઝણાવી અંતરના તાર,
અને સરગમની સાથે શ્વસી લેવી અંતરમાં એક નવેલી હાશ ,
સપ્તસૂરના પડઘમથી ભરી દેવું છે મારે મારું પોતાનું આકાશ...

વેરી લેવા છે આજ રંગબેરંગી રંગો જાણે ઊગી સપ્તરંગી સવાર,
અને નવરંગી રંગો સાથે ફેલાવી દેવી છે લાગણીની લીલાશ,
મેઘધનુષના રંગોથી રંગાવી દેવું છે મારે મારું પોતાનું આકાશ...

વહાવી દેવી છે આજ મારી સંવેદનાઓને કરી અક્ષરો પર સવાર,
અને પ્રસરાવી દેવી છે ચારેકોર હૃદયની ઊર્મિઓની ભીનાશ,
શબ્દોના સરોવરથી છલકાવી દેવું છે મારે મારું પોતાનું આકાશ...

નથી રાખવી બળની, પળની કે મૃગજળની આજ મારે કોઈ આશ,
બનવું છે વિધાતા મારે મારી ખુશીના, નથી કોઈ બીજો અવકાશ,
અંતરના આનંદથી અજવાળી લેવું છે મારે મારું પોતાનું આકાશ...

***