ગુજરાતી નારીસંપદા : કવિતા/હરિ... દીપનું તેજ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
હરિ... દીપનું તેજ

હર્ષિદા ત્રિવેદી

હરિ... દીપના તેજ વલયનું કાજળ મારે થાવું,
રાતદિવસ બસ ગીત પ્રીતનું એમ નિરંતર ગાવું.

હરિ... દીપની જ્યોત ઝબકતી આકાશે જઈ અડકે,
એ આકાશી જ્યોત ધબકતી શ્વાસે શ્વાસે ફરકે.

હરિ... દીપની જવાળાઓમાં મેશ બનીને રાચું,
તેજપુંજમાં રાખે મુજને બે નયનોથી યાચું.

હરિ... દીપની બોલીમાં હું ફૂલ બનીને ખીલું,
પ્રેમ ભરેલી અમૃતવાણી ભીતર ભીની ઝીલું.

હરિ... દીપના અજવાળામાં તું જ મને દેખાતો,
સૌ કહેતાં કે તારો મારો જનમજનમથી નાતો.

હરિ... દીપના ઝબકારામાં હુંય ઝબૂકી જલતી,
માયામોહની ગઠરી છોડી ચોગમ હરતી ફરતી.

***