ગુજરાતી નિબંધ-સંપદા/અનિલ જોશી/સ્ટૅચ્યૂ રમવાની મઝા
અનિલ જોશી
વરસો પછી મારા ગામની શેરીમાં પગ મૂક્યો ત્યારે આખીયે શેરી હું સાવ અજાણ્યો હોઉં એમ મને તાકી રહી. ડંકી પાસે પાણી ચૂંયતાં છોકરાંઓ, એકાદ-બે રખડતી બકરીઓ, પોદળો કરતી ગાય, જૂની ગટરોનાં કાટ ખાધેલાં ઢાકણાં, અગાશી અને ધાબાં ઉપર શિયાળાનો તડકો ખાતા બીમાર વૃદ્ધો, ઊડતી સમળી — આ બધાં જ મને શ્વાસની માફક વળગી પડ્યાં. પણ આજે એમાંનું કોઈ મને ઓળખતું નથી. મારા શૈશવનું આઇડેન્ટિટી કાર્ડ બતાવું તોપણ મારી શેરી મને ઓળખવા તૈયાર નથી. આ શેરીવટો જોઈને હું ખૂબ વિહ્વળ થઈ જાઉં છું. પણ વીતેલા સમયમાં હું કેમેય કરી પાછો ફરી શકતો નથી. આંખમાં એ મકાનો ઠાંસી ઠાંસી ભરી લઉં કે એ પછી એ શેરીને શ્વાસમાં લઈ ફેફસાંમાં ભરી લઉં એવી તીવ્ર ઇચ્છા થઈ આવે છે. પણ હું કશું જ કરી શકતો નથી. મારી શેરીમાં ભૂતકાળનાં જળ થીજી ગયાં છે.
સાંજ પડતાં હું એકડિયા-બગડિયા ઘૂંટતો હતો એ તાલુકા શાળાના કમ્પાઉન્ડમાં કોઈને ખબર ન પડે એ રીતે પગ મૂકું છું. એ શાળાનું મકાન હજી એવું ને એવું રહ્યું છે. રિસેસમાં અમે પાણી પીવા જતાં એ પાણીની ઓરડીની જગ્યાએ મોટું મકાન બંધાઈ ગયું છે. શાળાનાં પગથિયાં પાસેની ભીંતનો ઉપયોગ અમે પેનની અણી કાઢવા માટે કરતા, એ ભીંત એવી ને એવી સચવાઈ રહી છે. આજે એ ભીંતનો અમુક ભાગ પેનના ઘસારાથી આધુનિક શિલ્પકળાના નમૂના જેવો લાગે છે. હું એ ભીંતને હાથ ફેરવવા જાઉં છું ત્યાં મારી આખી બારાખડી ખળભળી ઊઠે છે. કક્કો ઊંધોચત્તો થઈ જાય છે. સાંજના ઊતરતા અંધારામાં હું એ શાળાનું કમ્પાઉન્ડ છોડું છું ત્યારે કોઈ મનમાં બોલે ને તોય મોટા અવાજે સાંભળી શકાય એવી શૂન્યતાથી હું આખો ભરાઈ જાઉં છું.
વહેલી સવારે શેરીમાં કેટલાંક છોકરાંઓને કેસૂડાનો રંગ બનાવતા જોઉં છું ત્યારે વસંતઋતુનું આછું લખલખું મારા શરીરમાંથી વીજળીના કરંટની જેમ પસાર થઈ જાય છે. પાંડું જેવો હું કેસૂડાને અડકવા જાઉં છું પણ અડકી શકતો નથી. કોઈ તોફાની છોકરો મને રંગ છાંટી જશે તો? એવી બીકથી થથરીને હું એકઢાળિયામાં ભરાઈ જાઉં છું. એ એકઢાળિયાની ગોખલા જેવી બારીમાંથી દેખાય એટલી શેરી જોઉં છું ત્યારે મને લાગે છે કે શેરી બદલાઈ નથી પણ હું બદલાયો છું. શૈશવની ઊછળકૂદ કુદરતી હતી. હવે એ ઊછળકૂદ મારે પરફોર્મ કરવી પડે છે. શૈશવ તો પતંગિયા જેવું આવ્યું, બેઠું અને ઊડ્યું. પણ એ શૈશવનાં ઊડી ગયેલાં પતંગિયાં કોઈ વાર મારાં ચશ્માંના કાચ ઉપર આવીને બેસી જાય છે ત્યારે મારાં ચશ્માં ઓગળીને રેલાઈ જાય છે. સાલ્વાદોર ડાલીએ જેમ ઓગળતી ઘડિયાળોનું ચિત્ર દોર્યું એમ ઓગળતાં ચશ્માંનું ચિત્ર દોરવાનું મન થાય છે.
અમારી શેરીમાં ‘સ્ટૅચ્યૂ’ની રમત ખૂબ પ્રચલિત હતી. મારા બાળપણના ભેરુઓ સાથે મેં પણ ‘સ્ટૅચ્યૂ’ બંધાવેલું. આ સ્ટૅચ્યૂની રમતની વિશેષતા એ હતી કે તમે સ્ટૅચ્યૂનો આદેશ આપીને સામા ભેરુની બધી જ ક્રિયાઓ થિજાવી શકો છો. અમે બધા ભેરુઓ એકબીજાને ‘સ્ટૅચ્યૂ’ કહીને થિજાવી દીધાનો આનંદ લેતા. મારા ભેરુઓમાં ઝીણો કરીને એક ભરવાડનો છોકરો હતો. એના લૂગડામાંથી ગાય, ભેંસ અને બકરાની વાસ આવતી. એના નાકમાંથી દ્રવ્ય સતત ટપકતું જ હોય. એ ગેટવાળી શેરીમાં રહેતો. ઊછળકૂદમાં એને કોઈ પહોંચી શકતું નહીં. એ છાપરા ઉપર કે ઝાડ ઉપર વાંદરાની જેમ સડસડાટ ચડી જતો. એ ઝીણો ‘સ્ટૅચ્યૂ’ કહેવામાં ભારે ઉસ્તાદ હતો. એ એટલો બધો ચપળ હતો કે અમને સ્ટૅચ્યૂ કહેવાનો મોકો જ મળતો નહીં. અમે બધા મનમાં ને મનમાં સમસમી રહેતા, પણ ઝીણાની ચપળતાનો કોઈ જવાબ નહોતો. ઝીણાને સ્ટૅચ્યૂ કહીને થિજાવી દેવાના અમે અનેક પ્લાન કર્યા પણ અમારી કારી ક્યાંય ફાવી નહીં.
એક દિવસ અમે ફળિયામાં નારગોલ રમતા હતા ત્યાં શેરીમાં મોટો હોહો-ગોકીરો થઈ ગયો. ડેલીઓ ફટોફટ ઊઘડી ગઈ. અમે નારગોલનાં ઢીકરાં એમ ને એમ મૂકીને ડેલી ઠેકતાંક ચોકમાં આવ્યા. ચૉકમાં આવીને જોયું તો ઝીણો વીજળીના થાંભલા સાથે ચોંટીને સ્ટૅચ્યૂ થઈ ગયો હતો. અમારો જીવ તાળવે ચડી ગયો. શેરીમાં ભેગા થયેલા લોકો ઊચક જીવે આ કંપારી છૂટે એવું દૃશ્ય જોઈ રહ્યા. વીજળીનો પ્રવાહ અટકાવીને થાંભલા ઉપરથી ઝીણાનું શબ નીચે ઉતાર્યું ત્યારે આખી શેરી રોવા જેવી થઈ ગઈ. અમારા બધા ભેરુઓની આંખ સામે ઝીણો સ્ટૅચ્યૂ થઈ ગયો. એ પ્રસંગ હજી આંખ સામેથી ખસતો નથી, પણ હવે ઝીણાને કોણ કહે કે અમે તને સ્ટૅચ્યૂ કહ્યું નથી ને તું સ્ટૅચ્યૂ શું કામ થઈ ગયો? તને કોણે સ્ટૅચ્યૂ કહ્યું? આ સવાલનો મને કોઈ જવાબ આપતું નથી.
આજે એ વીજળીનો થાંભલો મારી ગોખલા જેવી બારીમાંથી હું જોઉં છું ત્યારે હું પોતે જ સ્ટૅચ્યૂ જેવો થઈ જાઉં છું. ઉનાળાની બપોરે એ થાંભલા પાસે એક ગલૂડિયું સૂતું છે. કાગળના કેટલાક ટુકડાઓ હવામાં આમતેમ ઊડે છે. એકાદ કાગડો થોડી ક્ષણ માટે એ થાંભલા ઉપર બેસીને ઊડી જાય છે, એ સિવાય થાંભલા પાસે કાગળના છૂટાછવાયા ટુકડાઓને પાગલ પવન મન ફાવે તેમ ઊંચકે છે. આડાઅવળા કરે છે અને પછી ગમે ત્યાં ફેંકી દે છે. એ રઝળતા કાગળના ટુકડાઓ ભેગો હુંયે કાગળ થઈને મારી શેરીમાં રઝળ્યા કરું છું. બધાં જ સ્ટૅચ્યૂ થઈ ગયા છે. કોઈ હલતું નથી કે કોઈ બોલતું નથી.
વિષાદભર્યા પગલે હું મારા ઘરની ઓસરીમાં આવું છું. એ ઓસરીમાં ઠાકોરજીના આળિયા પાસે અટકું છું. હળવે હાથે ધીમેકથી આળિયો ખોલું છું. આળિયો ખૂલતાં શ્રીકૃષ્ણની પિત્તળની મૂર્તિ જોઉં છું. એ મૂર્તિ જોતાં ‘ભગવાન તમે પણ સ્ટૅચ્યૂ થઈ ગયા?’ એવો સવાલ પૂછીને મૂર્તિ પાછી મૂકી દઉં છું. આળિયો બંધ કરી દઉં છું ને જન્માષ્ટમીના દિવસોનાં સ્મરણોથી હું મેળામાં પહોંચી જાઉં છું.
જન્માષ્ટમીના તહેવારની અમે કાગને ડોળે રાહ જોતા. પંચનાથ પાસે એ દિવસોમાં મોટો મેળો ભરાતો. એ મેળામાં જવાનો થનગનાટ અમે શ્રાવણ મહિનો બેસતાં જ અનુભવતા. એક જન્માષ્ટમીની આગલી રાતે મેં મેળામાં જવાની બધી જ તૈયારીઓ કરી લીધી. બજરિયા રંગનું બાંડિયું અને બ્લૂ ચડ્ડીને ગાદલા નીચે ઇસ્ત્રી કરવા મૂકી દીધાં. જન્માષ્ટમીની વહેલી સવારે બાએ મને ખૂબ ધમાર્યો. માથામાં બાબરી પાડી આપી. આંખમાં આંજણ આંજી દીધું. હું બહુ રૂપાળો નહોતો છતાંય કોઈની નજર ન લાગી જાય એ માટે ગાલ ઉપર મેશનું ટપકું કર્યું. એકાદ-બે રૂપિયાનું પરચૂરણ પણ વાપરવા આપ્યું. હું તૈયાર થઈને મેળામાં જવા નીકળતો હતો ત્યાં મારી બા બોલી: ‘મેળામાં જતાં પહેલાં ઠાકોર પાસે દીવો મૂકી આવ! લે આ દીવો ને બાકસ. ઠાકોરજીને પગે લાગીને પછી મેળામાં જજે.’
મેં બાકસ અને દીવો હાથમાં લીધાં. જલદી જલદી ઓસરીમાં જઈ આળિયો ઉઘાડ્યો. ઠાકોરજી પાસે દીવો મૂક્યો. દીવાસળીથી દીવો પેટાવ્યો. ઠાકોરજીને અરધું-પરધું પગે લાગીને આળિયો બંધ કરતોક ભેરુઓ સાથે મેળામાં જવા નીકળી પડ્યો. આખો દિવસ મેળો ખૂંદ્યો. ખૂબ ઊછળકૂદ કરી. સાંજે હવા નીકળી ગયેલા ફુગ્ગા જેવો થઈને ઘેર પાછો ફર્યો ત્યારે ફળિયામાં વાતાવરણ તંગ હતું. ઘરમાં સૌનાં મોઢાં ચડેલ હતાં. ફળિયાની ચોકડીમાં જોયું તો કૃષ્ણની કાળીમેંશ મૂર્તિ ખાટી છાશમાં પડી હતી. ઠાકોરજીનો અરધો બળેલો આળિયો ઓસરીની થાંભલી પાસે પડ્યો હતો. ઠાકોરજીની મોરપિચ્છની સાવરણી, ગાદી, છત્ર અને વાઘા વળીને રાખ થઈ ગયાં હતાં. સવારે મેં દીવો સરખી રીતે મૂક્યો નહીં એટલે આ હોનારત સર્જાઈ છે એવું કહીને મને એ ગિલ્ટ ફિલ કરાવવા લાગ્યા. બાએ પણ મને ઠપકો દીધો. એ દિવસથી હું નિરાંતે ઊંઘી શક્યો નથી. કૃષ્ણને મેં બાળી નાખ્યા છે એટલે કૃષ્ણ કાળા છે, એમ હું ઝનૂનપૂર્વક માનતો થઈ ગયો પણ એ બધી માન્યતાઓ અને પ્રસંગો આજે સ્ટૅચ્યૂ થઈને થીજી ગયા છે.
પણ આ સ્ટૅચ્યૂ રમવાની પણ એક મજા છે. કોઈ બાળકના રમતિયાળ ચાળામાંથી આ સૃષ્ટિ જન્મી હોય એવો ભાવ વધુ ને વધુ દૃઢ થતો જાય છે. કોઈ વસ્તુને ગંભીર સ્વરૂપ આપીને ફિલસૂફી ડોળીએ છીએ તો એની સામે હલકાંફૂલકાં ઊડતાં પતંગિયાં પણ છે. ઊઘડતાં ફૂલ પણ છે. ખરો સવાલ દૃષ્ટિનો છે. મૃત્યુને આપણે અત્યંત ગંભીરતાપૂર્વક સ્વીકારીને શોકાતુર થઈ જઈએ છીએ. ત્યારે કહેવાનું મન થઈ આવે છે કે ઈશ્વરે આપણી સાથે સ્ટૅચ્યૂ બંધાવ્યું છે એટલે એ કોઈ પણ ક્ષણે ગમે તેને સ્ટૅચ્યૂ કહીને થિજાવી શકે છે. આપણે પણ ઈશ્વરને સ્ટૅચ્યૂ કહીને મંદિરમાં અને પુસ્તકોમાં થિજાવી જ દીધા છે ને! જો આમ હોય તો શોકાતુર થઈને જીવ બાળવાનું કોઈ કારણ નથી. રમતમાં ખેલદિલીનાં આનંદ સિવાય બીજું કાંઈ ન ખપે. અહલ્યા પણ સ્ટૅચ્યૂ થઈને રામના સ્પર્શથી હાલતીચાલતી થઈ ગઈ તો આપણે મૃત્યુ પામીને હાલતાચાલતા નહીં જ થઈએ એની શી ખાતરી?
ઈશ્વર પણ ઝીણા ભરવાડ જેવો સ્ટૅચ્યૂ કહેવામાં ઉસ્તાદ છે. ઊડતા પંખીને સ્ટૅચ્યૂ કહે છે ત્યારે ક્રૌંચવધ થાય છે. એ વહેતા પવનને સ્ટૅચ્યૂ કહે છે ત્યારે પવન પડી જાય છે. એ ખળખળ વહેતાં પાણીને સ્ટૅચ્યૂ કહે છે ત્યારે બરફ થઈ જાય છે. એ ઘટાદાર વૃક્ષને સ્ટૅચ્યૂ કહે છે ત્યારે ટેબલ થઈ જાય છે. (લાકડાંનું ટેબલ એ વૃક્ષને કહેલું સ્ટૅચ્યૂ છે.) એ ભાષાને સ્ટૅચ્યૂ કહે ત્યારે શબ્દકોશ થઈ જાય છે. એ સમયને સ્ટૅચ્યૂ કહે ત્યારે ભૂતકાળ બની જાય છે. આમ શૈશવની સ્મૃતિ એ ભૂતકાળે બનીને સ્ટૅચ્યૂ થઈ ગયેલા સમયની વાત છે. કાંડાઘડિયાળ સતત ચાલ્યા કરે છે. એક પછી એક ક્ષણ ઝડપથી સ્ટૅચ્યૂ થતી જાય છે. સૂર્યનો ગોળો પૂર્વથી ઊંચકાઈને પશ્ચિમમાં ફેંકાય છે. ગુલમહોરના થડ ઉપર કાન માંડતાં ઉનાળો સંભળાય છે. ગુલમહોરને ફરી લાલચટાક ફૂલો આવશે. સ્ટૅચ્યૂ થયેલા આંબાને ફરી કેરી આવશે. માતાના ગર્ભમાં સ્ટૅચ્યૂ થયેલું કોઈનું શૈશવ ફરી પાછું એ જ શેરીમાં ભાખોડિયાં ભરતું ચાલશે અને મારી શેરીને સ્ટૅચ્યૂની રમતથી ગજાવી મૂકશે.