ગુજરાતી નિબંધ-સંપદા/અમૃતલાલ વેગડ/નારેશ્વરથી મોરિયા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
નારેશ્વરથી મોરિયા

અમૃતલાલ વેગડ




ગુજરાતી નિબંધસંપદા • નારેશ્વરથી મોરિયા - અમૃતલાલ વેગડ • ઑડિયો પઠન: મનાલી જોષી

૩ ઑક્ટોબર ૧૯૯૮ના દિવસે મેં જીવનનાં ૭૦ વર્ષ પૂરાં કર્યાં અને ૪ ઑક્ટોબરના નર્મદા-પદયાત્રા માટે નીકળી પડ્યો.

જન્મદિવસે ઘરમાં સ્નેહી-સ્વજનો ભેગાં થયાં હતાં. ત્યારે મેં કહેલું કે ૫૦, ૬૦, ૭૦ આ બધાં જિંદગીનાં મોટાં સ્ટેશનો છે, જંક્શન છે. મને ખુશી છે કે હું અહીં સુધી આવી શક્યો, પણ હવે કોઈ મોટું સ્ટેશન નહીં આવે. હું ચૂપચાપ કોઈક નાના સ્ટેશને ઊતરી જઈશ.

‘બસ કરો! ભગવાનને ખાતર ચૂપ રહો!’ કાન્તાએ કહ્યું હતું.

‘કમસે કમ એક મોટું સ્ટેશન તો જરૂર આવશે.’ કોઈકે દિલાસો આપતાં કહ્યું હતું.

૫ ઑક્ટોબરની સાંજે નર્મદાકાંઠે આવેલા નારેશ્વર પહોંચી ગયા. દત્ત આશ્રમમાં રહેવા માટે સરસ રૂમ મળ્યો. રૂમની દીવાલ પર કોઈકે લખ્યું હતું, ‘ઝેરી જીવોને આસ્તિક મુનિની આણ છે કે અંદર આવવું નહીં.’ આ આણ માણસોને પણ લાગુ પડે તો કેવું સારું! તૈયાર ભોજન મળ્યું અને શરદપૂનમ હોવાથી દૂધ-પૌંઆ પણ મળ્યા.

અડધી રાતે ચાંદની માણવા નદીકાંઠે ગયો. ચાંદો જો શરદ-પૂનમનો હોય અને કાંઠો નર્મદાનો હોય, તો પૂછવું જ શું!

ચાંદો છલોછલ હતો. મને થયું, માત્ર પંદર દિવસોમાં ચાંદાએ કેવડી દોલત એકઠી કરી લીધી છે! પરંતુ આ દોલત કોઈક સ્વિસ ચરુમાં દાટવા માટે નથી પણ આખી દુનિયામાં વહેંચવા માટે છે. એટલી હદ સુધી લૂંટાવી દે છે કે એક દિવસે ખુદ નિઃશેષ થઈ જાય છે. આવો ઉદાર ભલા કોણ હશે! સૂરજ પણ આપે છે, પણ પોતાના ખજાનાની ખેરાત એટલી હદ સુધી નથી કરતો કે સાવ ખાલી થઈ જાય. સૂરજ બુદ્ધિજીવી છે, સમજી વિચારીને કામ કરે છે. ચાંદો ભાવુક છે, ભાવનાઓમાં તણાઈ જાય છે.

ઓહ, હું ખુદ ભાવનાઓમાં તણાઈ ગયો અને ઉટપટાંગ બોલી ગયો. શું એકની પ્રશંસા કરવા માટે બીજાની નિંદા કરવી જરૂરી છે? તેય ખોટી નિંદા? ચાંદનીમાં સૂરજની હાજરી ભલે ન વરતાય, પરંતુ ચાંદાની આ દોલત સૂરજની જ દીધેલ છે. આપણે એને ચાંદાની સમજી બેસીએ છીએ અને સૂરજ આ ગેરસમજણને ચાલવા દે છે. કેવડું મોટું આત્મ-વિલોપન! ભાઈ સૂરજ, તારાં કિરણો જ નહીં પણ તારું દિલ પણ સોનાનું છે. શાહુકાર તો તું છો, ચાંદો તો તારા કરજમાં ડૂબેલો છે!

(જાણું છું, સૂરજ આ પ્રશંસા સ્વીકાર કરવા તૈયાર નહીં થાય. તો શું થયું, આ સચ્ચાઈથી કોઈ ઇનકાર નહીં કરી શકે કે ચાંદની એના પૂર્વજન્મમાં તડકો હતી.)

ઉફ! પાછો ગોટાળો થઈ ગયો. આ વેળા ચાંદાને અન્યાય કરી બેઠો. મારી કમજોરી એ છે કે ગંગા જાઉં તો ગંગાદાસ અને જમુના જાઉં તો જમુનાદાસ થઈ જાઉં છું. ખરી રીતે શ્રેય બંનેને મળવું જોઈએ. રૉ મેટેરિયલ સૂરજનો છે, ફિનિશ્ડ પ્રોડક્ટ ચાંદાની છે. ચાંદા-સૂરજની ભાગીદારી ન હોત તો આપણને ચાંદની ન મળત. ચાંદનીના બંને સરખે ભાગે ધણી છે.

અમારી ઇચ્છા તો સવારથી જ પદયાત્રા શરૂ કરવાની હતી, પણ અહીંના મૃદુભાષી સ્વામી આત્મકૃષ્ણે કહ્યું કે આશ્રમ જોઈને બપોર પછી નીકળજો. આત્મકૃષ્ણ નર્મદા પરિક્રમા કરી ચૂક્યા છે ને એનું પુસ્તક પણ લખી ચૂક્યા છે. એમણે અમને આખો આશ્રમ બતાવ્યો. આની સ્થાપના ત્યાગી, સેવાભાવી ને માતૃભક્ત સંત શ્રી રંગ અવધૂતે કરેલી. ડિસેમ્બરથી એમનું જન્મ-શતાબ્દી વર્ષ શરૂ થઈ રહ્યું છે. એની ઉજવણીની તૈયારી જોરશોરથી ચાલી રહી છે.

બપોર નમ્યે ચાલી નીકળ્યા. રાત કોઠીયામાં રહ્યા. આ ગામમાં તેમજ આસપાસનાં અન્ય ગામોમાં ખૂબ દૂધ થાય છે. આખા ગામનું દૂધ એક ઠેકાણે ભેગું થાય અને વૅનમાં શહેર જાય. નજીકનાં ગામોથી દૂધ લઈ આવવા માટે ગધેડાનો ઉપયોગ કરવામાં આવે છે. એની પીઠ ઉપર બંને બાજુએ એક-એક મોટું કૅન હોય. ગધેડાનો આવો ઉપયોગ પહેલી વાર જોયો. કુંભાર કે ધોબીના ગધેડા કરતાં આ દુગ્ધવાહક ગધેડાને ઉચ્ચ કોટિના માનવા જોઈએ. અથવા આજકાલની શબ્દાવલીમાં કહીએ તો પેલા નૉન-ગૅઝેટેડ ગધેડા છે અને આ ગૅઝેટેડ ગધેડા છે.

સુરાસામળ ગામમાં એક ઠેકાણે વિસામો ખાવા બેઠા. સામેના ઘરમાં હિંડોળામાં ઝૂલતાં ઝૂલતાં એક સ્ત્રી કોઈકની સાથે ઝઘડી રહી હતી. જેમ જેમ એનો ગુસ્સો વધતો જાય, તેમ તેમ ઝૂલાની ગતિ પણ વધતી જાય! ક્યારેક અચાનક હિંડોળેથી ઊતરીને સામેની બાઈની સાવ નજીક જઈને ઝઘડી આવે અને પાછી ઝૂલવા લાગે! ઝૂલવું અને ઝઘડવું — આ બે સંપૂર્ણ વિપરીત દેખાતી ક્રિયાઓ વચ્ચે એણે જે સુમેળ સાધ્યો હતો, એ જોઈને મને એની સમન્વય શક્તિ પ્રત્યે ઘણું માન ઊપજ્યું.

તડકાના લીધે ચાલીએ ઓછું ને બેસીએ વધુ છીએ. ત્રીજા પહોર સુધી માંડ ૧૦ કિ.મી. ચાલી શક્યા. માલસરના સત્યનારાયણ મંદિરમાં રહેવા માટે સરસ રૂમ મળ્યો. રાત્રે જમવા મળ્યું. તડકામાં ખૂબ તપ્યા હતા. અમારું તપ ફળ્યું હતું! ખુલ્લામાં સૂતા. અડધી રાતે જોયું તો ચાંદાની ચારેકોર મોટું કૂંડાળું હતું. ચાંદાની જેમ મોટા મોટા તારાઓ પણ જો પોતાની ચોમેર આવા વૃત્તોની રચના કરતા હોત, તો આકાશમાં આપણને કેવો ભવ્ય વૃત્તોત્સવ જોવા મળત!

સવારે ચાલી નીકળ્યા. ચાંદો હજી આથમ્યો નહોતો. સરસ અજવાળું આપી રહ્યો હતો. પણ સૂરજના આવતાની સાથે જ એના મોં પરથી નૂર ઊડી ગયું. એના દીવાનું ઘી ખૂટ્યું નથી, સૂરજે એને ફૂંક મારીને ઓલવી નાખ્યો છે. મને એના પર દયા આવી. પરંતુ આવો જ વહેવાર તો ચાંદાએ તારાઓ સાથે કર્યો હતો! મોટી માછલી નાની માછલીને ગળી જાય છે એ નિયમ સમુદ્ર, પૃથ્વી અને આકાશ — ત્રણે લોકને લાગુ પડે છે.

શિનોર મોટું ગામ છે. ઠેકઠેકાણે નાના નાના ઘાટ છે. ગામની શેરીઓમાં થઈને જતા હતા ત્યાં મારું ધ્યાન એક પાટિયા પર ગયું. એના ઉપર લખ્યું હતું — રમણલાલ વસંતલાલ દેસાઈ માર્ગ. તો આ છે આપણા યુગમૂર્તિ વાર્તાકારનું જન્મસ્થળ! બાજુમાં જ નર્મદા વહે છે. બ.ક.ઠા., ક. મા. મુનશી, ર. વ. દેસાઈ, સુંદરમ્, ઓમકારનાથ ઠાકુર — આ સૌ મનીષીઓ ગુજરાતને નર્મદાની દેન છે.

શિનોરના છેવાડે એક નાળા ઉપર લક્ષ્મણઝૂલા જેવો એક ઝૂલતો પુલ છે. એના પર બહુ જાળવીને ચાલવું પડ્યું કેમ કે પુલનાં કેટલાંય પાટિયાં નીકળી ગયાં હતાં. આગળ એક પરકમ્માવાસી મળ્યો. મૂળ બિહારનો પણ દસ વર્ષ ગિરનાર રહ્યો છે એટલે ગુજરાતી બોલે. કહે, માણસમાં પોતાનામાં પણ કંઈક હોવું જોઈએ, બીજા કેટલી મદદ કરશે? લોઢામાંથી કુહાડી કે દાતરડું બને, કાંઈ બૂટિયાં કે કંગન ન બને.

ત્રીજે પહોરે અનસૂયા પહોંચ્યા. શાંત, સુંદર, એકાંત સ્થળ. નર્મદા મંદિરથી દૂર છે, છતાં ત્રણ અઠવાડિયાં પહેલાં નર્મદામાં જે રેલ આવેલી, એમાં મંદિરનો ઠીક ઠીક ભાગ ડૂબી ગયેલો. આ વર્ષે વરસાદ પાછોતરો થયો એથી નદીઓમાં પૂર પણ પાછળથી આવ્યાં. ખેતીને ભારે નુકસાન થયું છે. અહીં નર્મદાકાંઠે રક્તપિત્તના દર્દીઓ માટે એક મોટી હૉસ્પિટલ હતી. ૧૯૭૦ની રેલમાં એનો મોટો ભાગ તણાઈ ગયેલો. ત્યારથી એ બંધ પડી છે.

લીલાંછમ વૃક્ષો તથા હરિયાળાં ખેતરોને લીધે અનસૂયા અત્યંત રમણીય લાગે છે. ગામ દૂર છે. અહીં એકદમ શાંતિ છે. એક ટેકરી ઉપર ઊભીને હું અસ્તાચલગામી સૂર્યને નર્મદાની ગોદમાં વિલીન થતો જોવા લાગ્યો. સૂર્યની નીચેની કોર જેવી ક્ષિતિજને અડી, એવો હું ખામોશ ઊભો થયો અને જ્યાં સુધી એ આખો ડૂબી ન ગયો, ત્યાં સુધી એમનો એમ શાંત-સ્તબ્ધ ઊભો રહ્યો. કોઈને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે ઊભા થઈને બે મિનિટનું મૌન પાળીએ છીએ. મને લાગે છે કે આ બે મિનિટના મૌનનો ગાળો આપણે અસ્ત થતા સૂર્ય પાસેથી લીધો હશે.

સવારે ઊઠીને આગળ વધ્યા. મોલેથા થઈને બરકાલ આવ્યા. અહીં નર્મદામાં વ્યાસબેટ છે. સામે કાંઠે શુકદેવતીર્થ છે. વ્યાસ પિતા, શુકદેવ પુત્ર.

હોડીવાળા છોકરાને પૂછ્યું, ‘અહીંથી નર્મદાના કાંઠે કાંઠે આગળ જવાય?’ એણે કહ્યું, ‘ઉનાળામાં જવાય, હમણાં નહીં. ત્રણ અઠવાડિયાં પહેલાં જ નદીમાં ભારે પૂર આવ્યું હતું. ઠેર ઠેર પાણી ભરેલાં છે. ડૂબો તો હોડી લઈને શોધવા નીકળીએ તોય લાશ ન મળે.’

નર્મદામાં સ્નાન કરીને ભેખડ ચડી રહ્યો હતો. એક સ્ત્રી મારાથી સહેજ આગળ હતી. એ નહાઈ-ધોઈને ઘેર જતી હતી. સાથે એની નાનકડી દીકરી. માએ તેડી નહીં એટલે રિસાઈને ઊભી રહી ગઈ. આગળ જતી માએ ઘણીયે બોલાવી, પણ એ ગઈ નહીં. ત્યાં હું પહોંચ્યો. મેં કહ્યું, ‘ચાલ બેટી, મારી આંગળી પકડીને ચાલ.’ એણે તરત આંગળી પકડી લીધી અને ચાલવા લાગી! ઘર પાસે જ હતું. માથા પરનાં બેડાં ઉતારીને મા એને લેવા આવતી હતી. એને મારી આંગળી પકડીને ચાલતી જોઈને માને હસવું આવ્યું. આસપાસના લોકોને પણ આ કૌતુક જોઈને ભારે રમૂજ પડી. મારી ખુશીનું તો કહેવું જ શું! આ ગામમાં હું કોઈ ગુમનામ પથિક નથી પણ એક લાડકી બાળકીનો વહાલસોયો દાદાજી છું! આ બાળકી મને કેવી તો હૂંફ આપી ગઈ!

બદ્રિકાશ્રમ જવા માટે પાછા મોલેથા આવ્યા. કેળ અને કપાસનાં ખેતરોમાં ભૂલા પડ્યા. એથી બદ્રિકાશ્રમ પહોંચ્યા ત્યારે સૂરજ આથમવાની તૈયારીમાં હતો. રહેવા તથા જમવાની સગવડવાળા આ સ્વચ્છ સુંદર આશ્રમ ઉપરથી નર્મદાનો વિશાળ વળાંક અદ્ભુત રમણીય દેખાવ આપે છે. નીચે નદી સુધી જવા માટે રૂપાળી પગથી છે. વળાંકના લીધે ચાંદોદ અને કરનાળી બંને દેખાય છે. અંધારું થતાં સુધી અમે નર્મદાની બંકિમ છટા જોતા રહ્યા.

રાત્રે અગાશી પર સૂતા. ખૂબ ઉકળાટ હતો. અડધી રાતે ઊઠ્યો તો આકાશમાં વદ ચોથનો ચાંદો પ્રકાશી રહ્યો હતો. મને હંમેશાં લાગ્યું છે કે આપણે અંધારિયાના ચંદ્રને અન્યાય કર્યો છે. પૂનમ પછી પણ ચાંદો ને ચાંદની લગભગ એટલાં જ હોય, પણ તિથિ ૧૫માંથી એકાએક ૧ થઈ જાય! ચંદ્ર સોળ કળામાંથી એકાએક એક કળાનો નથી થઈ જતો. અજવાળિયામાં જેમ ચાંદની એકએક પગથિયું ચડે, તેમ અંધારિયામાં એકએક પગથિયું ઊતરે. એથી કૃષ્ણપક્ષની તિથિઓ ૧૪, ૧૩, ૧૨ એમ ઘટતા ક્રમમાં હોવી જોઈતી હતી. શુક્લપક્ષની તિથિઓ બરાબર છે. જેમ ચાંદની વધે તેમ તિથિઓ પણ વધે. અંધારિયામાં જ અંધેર છે. જેમ જેમ ચાંદની ઘટે તેમ તેમ તિથિઓ વધે!

પરંતુ પરંપરાને પાછું ૧થી શરૂ કરવું જ ઠીક લાગ્યું. પરંપરા જાણે છે કે લોકમાનસને ઘટતી સંખ્યા નહીં રુચે. એને તો વધતા અંકો જ ગમશે. ચાંદની ભલે ઘટતી રહે, તિથિઓ તો વધતી જ સારી!

સવારે થોડુંક જ ચાલ્યા કે ગંગનાથનું મંદિર આવ્યું. આઝાદી પહેલાંના દિવસોમાં અહીં ક્રાન્તિકારીઓને આશ્રય મળતો. અહીંના સરસ્વતી મંદિરમાં શ્રી અરવિંદ અને શ્રી માતાજીની તસવીરો જોઈને ખૂબ સારું લાગ્યું.

અહીંથી ચાણોદ ત્રણ કિ.મી. છે. ચાણોદના ઓવારા ક્યારેક બહુ સારા રહ્યા હશે. પૂરના લીધે ક્ષતિગ્રસ્ત થયા છે. ઘાટ પર બપોરા કર્યા. અહીં ઓર નદી નર્મદામાં મળે છે. એ નાવથી ઓળંગી, સંગમસ્નાન કર્યું અને જોતજોતામાં કરનાળી આવી ગયા. ચાણોદ કરતાં કરનાળી નાનું છે. બંને ઠેકાણે અનેક મંદિરો છે. જૂનાં તૂટતાં જાય છે ને નવાં બનતાં જાય છે.

કેડીએથી જઈ રહ્યા હતા. એક ઠેકાણે ઊંડું કોતર આવ્યું. એમાં ઊતર્યા. તિવારી અને છોટુ ચઢાણ સહેલાઈથી ચડી ગયા. હું સહેજ પાછળ રહી ગયો. કેડી કાંકરાવાળી હતી એટલે હું જાળવીને ચડતો હતો. પાસેની ટેકરી ઉપર આધેડ ઉંમરનો ભરવાડ ગાય ચરાવતો હતો. મને પાછળ રહી ગયેલો જોઈને છોટુ અને તિવારીને ઉદ્દેશીને બોલ્યો, ‘બેહી જાવ, બેહી જાવ, ડોહા થાકી ગયા છે!’

હવે તો લોકોને દૂરથી ખબર પડી જાય છે કે હું ડોહો છું!

‘સ’નું ‘હ’ થાય એ તો જાણે ઠીક, પણ અહીંનાં પહોળાં ઉચ્ચારણોના લીધે ગામનું ‘ગૉમ’ને પાણીનું ‘પૉણી’ થાય. આવું જ બીજા શબ્દોનું. એવું લાગે જાણે બંગાળીઓ ગુજરાતી બોલી રહ્યા છે! બંગાળી જો ગુજરાતીની સૌથી વધુ સમીપ હોય તો એ ખેડા અને વડોદરા જિલ્લામાં. ભારતના બે છેડાઓ વચ્ચેનું આ સામ્ય અદ્ભુત કહેવાય.

સાંજે મોરીયા પહોંચ્યા. પ્રાથમિક શાળાના વરંડામાં સામાન મૂકીને નર્મદાકાંઠે ગયા. ઊભી ભેખડ ને સાવ સાંકડી કેડી. એક ઠેકાણે સહેજ પહોળી હતી. ત્યાં બેસીને સ્કેચ કરવા લાગ્યો. ત્યાં બે બળદ આવ્યા. સહેજ શીંગડા ભરાવ્યા હોત તો સીધો ખીણમાં પડ્યો હોત, પરંતુ સાથે ખેડૂત હતો એટલે બચી ગયો. પાછળ પનિહારીઓ હતી. કહે, ‘દાદા, ત્યાં ન બેસો. બળદ ગબડાવી દેશે.’

પૂરના લીધે ભેખડો ધોવાઈ ગઈ છે અથવા ધસી ગઈ છે. ભાંગેલા કાંઠાની કેડી ખૂબ ખતરનાક થઈ ગઈ છે. તેમ છતાં આના પરથી પનિહારીઓ ચાલે અને ઢોર પણ ચાલે. સામસામાય આવી જાય. પનિહારીઓને કેટલું સાવચેત રહેવું પડતું હશે!

અહીં કોઈ ધર્મશાળા નથી. પ્રાથમિક શાળાના વરંડામાં જ સૌ પરકમ્માવાસીઓ રહે છે. પાસે જે ખેડૂતનું ખેતર અને ખોરડું છે, એ પરકમ્માવાસીઓની સારી સેવા કરે છે. શાળાના મકાન માટે એણે જ પોતાના ખેતરનો ખૂણો આપ્યો છે. એનાથી ઘરોબો થયો એટલે મેં કહ્યું, ‘અમે તમને ઘઉંનો લોટ આપશું, બદલામાં તમે અમને જાર અથવા બાજરાના રોટલા આપજો.’

‘ખુશીથી આપશું. પણ બદલામાં ઘઉંના લોટની કશી જરૂર નથી.’

જમવા ટાણે એની સ્ત્રી બાજરાના રોટલાની થપ્પી લઈ આવી! અમે અડધા રોટલા રાખીને બાકીના પાછા આપ્યા. ઘઉંનો લોટ ન જ લીધો. પરકમ્માવાસીઓને સીધું આપે, તૈયાર ભોજન પણ આપે. સાધારણ સ્થિતિના, પણ ભારે ઉદાર.

સવારે અમે સાથે આણેલો નાસ્તો કરીએ, બપોરે સ્વાદિષ્ટ ભોજનનું દિવાસ્વપ્ન જોઈને કામ ચલાવીએ અને સાંજે એક જ વાર રસોઈ બનાવીએ. એક તરકીબના લીધે અમારું કામ થોડું આસાન થઈ ગયું છે. પાડોશની સ્ત્રીને કહીએ કે બેટી, અમારા આ છોટુને જાર-બાજરાના રોટલા ઘડતા નથી આવડતા. શું તું ઘડી આપીશ? ભાગ્યે જ કોઈએ ના પાડી હોય. ક્યારેક કોઈક સ્ત્રીએ તો પૂરી રસોઈ પણ બનાવી આપી. લૂખું-સૂકું ભોજન બહુ મીઠું લાગે છે બે કારણોથી — એક તો અમારી પ્રચંડ ભૂખના લીધે અને બીજું લાકડાના અગ્નિથી રાંધેલી રસોઈનો સ્વાદ કંઈક ઓર જ હોય છે. રાસાયણિક ખાતર પહેલેથી જ સ્વાદ હણી ચૂક્યું હોય છે, પછી ગૅસનો ચૂલો પોતાનો હિસ્સો વસૂલ કરે છે. હવે ભોજનમાં સ્વાદ આવે તો ક્યાંથી આવે! જ્યારે નૈસર્ગિક સ્વાદ નથી હોતો ત્યારે તીખા તમતમતા મસાલા નાખીને એ સ્વાદહીનતાને (એટલે ખાણું અને ખાનાર વચ્ચેની સંવાદહીનતાને) છુપાવવાનો પ્રયત્ન કરીએ છીએ, પછી ભલે ને સ્વાસ્થ્ય એનાથી ચોપટ થઈ જાય.

જે સ્વાદ માટીની કુલડીમાં જમાવેલા દહીંમાં હોય છે, એવો જ સ્વાદ લાકડાની આગમાં પકવેલા ભોજનમાં હોય છે. પરંતુ શહેરમાં રહેતા લોકોના ભાગ્યમાં આ સુખ નથી લખ્યું. એ માળો કેવો જેમાં પંખી ન હોય; એ ભોજન કેવું જેમાં સ્વાદ ન હોય!

વરંડામાં સૂતા હતા. સવારનો પહોર હતો. ચાદર ઓઢીને જાગતો પડ્યો હતો. ત્યાં મારા પગ ઉપર કંઈક ચડ્યું. મનમાં બૂરા વિચાર તરત આવે. થયું, સાપ જ હશે. બીકના લીધે ચૂપચાપ પડ્યો રહ્યો, પણ એ ગયો નહીં. સફાળો બેઠો થઈ ગયો. જોયું તો દેડકો!

આ તો સરાસર ધૃષ્ટતા છે. જો ઇચ્છત તો એના દાંત એવા તો ખાટા કરી દેત કે જિંદગીભર યાદ રાખત. પણ ના, માત્ર આટલું જ બોલ્યો, ‘હું ખૂનખરાબો નથી ઇચ્છતો. તારાથી નહીં લડું. જા, ભાગ અહીંથી!’

પરંતુ જો એ કહેત કે ‘લડીશ તે કેમ નહીં!’ તો આ પડકારનો મારી પાસે કોઈ જવાબ નહોતો. છેવટે એ હતો સરિત્-મંડૂક અને હું છું કૂપ-મંડૂક. હું ભલા એની શું બરાબરી કરવાનો હતો!