ગુજરાતી નિબંધ-સંપદા/ચંદ્રવદન ચી. મહેતા/એક પ્રેમકથા — પૈસા ઉપર આધારિત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
એક પ્રેમકથા — પૈસા ઉપર આધારિત

ચંદ્રવદન ચી. મહેતા

આ લેખરાજ જેવો ચાલાક ચોર બીજો મળવો મુશ્કેલ. અને દંભી એટલો કે સૌ કોઈ એને સાધુ, સજ્જન, સેવાપરાયણ વ્યક્તિ જ માને. આવું મનાવવાની કળામાં કેટલાક ભારે પારંગત હોય છે — એમાંના આ લેખરાજ. પાકટ ઉંમરે સુંદર પત્ની પરણી લાવેલા, દેખાવડી અને જેટલી દેખાવડી એટલી ખર્ચાળ — સાડી, સેન્ટ અને ઠઠેરાની શોખીન, એટલે છૂટથી પૈસા વાપરવા જોઈએ. લેખરાજ ચોરી કરવામાં કુશળ, જાદુગર તો પ્રેક્ષકોનાં ગજવાંની વસ્તુઓની અદલાબદલી કરી આપે; પણ લેખરાજ સામી વ્યક્તિના ગજવામાંથી વસ્તુ એના પોતીકા ગજવામાં સહેલાઈથી સેરવી શકે એમાં ક્યાંય જાદુકળાનો કસબ નજરે ન આવે. હાથચાલાકી એ પ્રકારની. પોતાના સ્વાર્થ માટે સામી વ્યક્તિને વિશ્વાસમાં લેવાની યુક્તિ ખરી. અને એ ચોર કેવળ બીજાના ગજવામાંથી જ ચોરી નહીં કરતો; એનું ક્ષેત્ર હંમેશાં વિશાળ જ રહેવાનું! એક જાણીતા દાખલામાં તો એણે એવો વિશ્વાસ પેદા કરી, બે-ત્રણ લાખના હીરા જ ભારે કિંમતે વેચી આપવા યોજના ઘડેલી. એમાં લે-વેચની વાત તો થાય ત્યારે ખરી, વચગાળે પેલું હીરાનું પડીકું જ ક્યાં ગાયબ થઈ ગયું, એની જ કોઈને સમજણ ન પડી. ‘ભૂલમાં ક્યાંક રહી ગયું,’ ‘રસ્તે પડી ગયું,’ કોઈએ ખિસ્સું કાતર્યું’, ‘હાથમાંથી સરકી ગયું.’ બે દિવસ થયા, બાર દિવસ થયા પણ એ પડીકાનો પત્તો ન મળ્યો તે ન જ મળ્યો. જાતજાતની વાતો વહેતી થઈ ગઈ. આવાં જુદાં જુદાં ક્ષેત્રોમાં જેવી જણસ તે પ્રમાણે એની ધાપ મારવાની કુનેહ. આમ એ ઠીક ઠીક રકમ એકઠી કરી શકતો; એની ધર્મપત્નીને પણ ખપજોગી વાપરવા આપી શકતો. મહિના-માસમાં આમતેમ, ટ્રેનપ્રવાસ, ક્લબ, મંડળોમાં, સારા ઘરમાં, ભોજન-સમારંભોમાં, લગ્ન-મહોત્સવોમાં ઠઠ જામી રહેતી. દુકાનોમાંથી, બે-ત્રણ વાર સારો હાથ પડી જતાં, મહિને સરેરાશ કમાણી સારી રહેતી. વર્ષભરમાં હીરા જેવા નંગોની, મોટા સટોડિયા સાથે સસ્ટામાં ભાગ રાખવાથી — કમાયા તો કમાણી, ખોટમાં આપવામાં ગલ્લાંતલ્લાં, એમ ઠીક ઠીક તડાકો પડી જતો, એમ જ એનો જીવનનિર્વાહ સંસાર ચાલતો.

એક દિવસ એના ઘરનાં બારણાંની ઘંટડી વાગી. ઉઘાડ્યું તો જોયું કે કોઈ અણજાણ્યો પુરુષ. મળતાંવેંત જ કહે છે કે, ‘કાલે તમને સારો હાથ પડ્યો — તમે માનતા હશો કે તમે એકલા જ છો, અને પાકીટ તફડાવ્યું, પણ હું જોતો હતો તે પહેલાં આટલા દિવસ અગાઉ આ તારીખે તમે આટલી ધાપ મારી. બોલો, આ બાબત છાની રાખવા માટે તમે મને શું આપવા તૈયાર છો?’

‘તમે ત્યાં હાજર હતા?’

‘વાત સાચી છે કે નહીં? પાકીટનો રંગ પણ કહું કહેતા હો તો, અંદરથી આશરે કેટલું નાણું મળ્યું તે પણ કહું — કહેતા હો તો.’

‘બેસો તો ખરા!’

‘ના, હું ચર્ચા કરવા નથી આવ્યો. મારું મોં બંધ રાખવા માટે મને શું આપો છો — અથવા લાંબી ચર્ચા શા માટે? મને બે હજાર આપો.’

‘બે હજાર વધારે છે, એટલા તો—’

‘હું સમગ્ર ધંધાનો વિચાર કરી કહું છું, મને રોકડા જોઈએ.’

‘કાલે આ વખતે આવશો તો આપીશ.’

‘ના, મને તમારો ભરોસો નથી. તમે મારી પાછળ જાપ્તો રાખો. અહીં કોઈ બીજાને બોલાવી રાખો. હું ચાર દિવસ રહીને તમને ફોન કરીશ. ત્યારે સ્થળ અને સમય તું તરત જણાવીશ. મારું નામ પરિમલ. મારું એ નામ સાચું જ છે, એમ તો તમે નહીં જ માનો, સાહેબજી.’ એટલું કહી એ ચાલ્યો ગયો. અને લેખરાજ સામાન્ય રીતે તો ઊંડા વિચારમાં પોતાના સ્વાર્થ સિવાય ન ઊતરી જાય પણ પરિમલના જવા બાદ એ ઊંડા વિચારમાં મગ્ન થઈ ગયો.

ચોથે દિવસે ફોન આવ્યો. ફોન એટલા નજીકથી કર્યો હતો કે પાંચ જ મિનિટમાં બહાર અમુક દુકાનના થાંભલા પાસે મળવું. રૂપિયાની થપ્પી આપી દેવી. લાંબી વાતચીત નહીં કરવાની, અને એમ જ કામ આટોપાઈ ગયું.

પણ આ વાત પત્યા બાદ લેખરાજને શાંતિની ઊંઘ ન આવી. જ્યારે જ્યારે એ ચોરી કરતો — તે બે-ત્રણ દિવસમાં અને કોઈક વારતો તે જ દિવસે પરિમલનો ફોન આવતો. એ કહેતો કે તમે જે પેલો હાથ માર્યો છે, એ સાહસમાં હું સાક્ષી છું. તમે આ સ્થળે ફલાણી જાતની વ્યક્તિની પાછળ પડી એની આ જણસ ઉઠાવી છે.’

હવે આમ ચાર-પાંચ વાર બન્યું એટલે લેખરાજે પરિમલને ફોન પર જ પૂછ્યું, ‘તમે શી રીતે આ ખબર મેળવો છો?’ તો પરિમલે ફોન ઉપર તો ચર્ચા કરવાની પહેલાં ના પાડી દીધી. પછી થોડી આનાકાની બાદ જણાવ્યું કે, ‘મારી પાસે એક સિદ્ધિ મંત્ર છે. અમુક પ્રકારના મંત્રો થકી અમારું યંત્ર બધું જ કહી આપે છે.’ આ જાણી લેખરાજનો જીવ જરા વધારે ઊંચકાયો, ઉત્કંઠિત થયો, પરિણામે લેખરાજે આ તંત્રયંત્ર કે મંત્રયંત્ર જે કંઈ હોય એનો પૂરો તાગ કાઢવાનો દૃઢ વિચાર કર્યો. એને ચિંતાતુર સ્થિતિમાં જોઈ એની વહુ રત્ના વારંવાર પૂછવા લાગી, પણ એની આગળ એ ભાગ્યે જ પોતાની મનની ચિંતા વ્યક્ત કરતો. કમાણી ક્યાંથી થાય છે, કેવી રીતે થાય છે એ વિશે બહુ બહુ તો થોડી વાતો કરતો. કારણ એનું કોઈ પોતાનું દફતર નહિ, ઑફિસ નહિ, ખાસ ધંધો નહિ, અને દોલત મળતી રહે એટલે એ બાબતમાં ધર્મપત્નીને થોડુંઘણું તો કહેવું પડે એટલું એ કહેતો, પણ આ યંત્રસિદ્ધિની વાત જાણ્યા બાદ એનું મન વધારે વ્યગ્ર રહેવા માંડ્યું, ત્યારે એણે એ ઘટના પણ રત્નાને કહી. અને રત્નાને પણ આવી વિચિત્ર ન મનાય એવી વાતનો તાગ મેળવવા જિજ્ઞાસા થઈ, એને લઈ પતિપત્ની ઘણી વાર એ તાગ કેમ મેળવવો એની પણ ચર્ચા કરતાં થઈ ગયાં.

હવે લેખરાજ અને પરિમલ વચ્ચે સારી એવી વાતચીતની આપ-લે થતી રહી. પરિમલ એને એણે મારેલી ધાપ વિશે ઠંડા કલેજે જાણ કરે; અને લેખરાજ વધારે અને વધારે જિજ્ઞાસુ બનતો જાય. આ વાતચીતને પરિણામે પરિમલ પોતાની માગણી પણ વધારતો જાય. અને આમ જો ઘાટ ચાલ્યા કરે તો એનો છેડો કે’દી આવે! એ ચિંતામાં લેખરાજે એક દિવસ એનું તંત્રયંત્ર કે યોગમંત્ર જે હોય તે બતાવવા કહ્યું અને એનું સંચાલન પણ જોવા તત્પરતા બતાવી. પરિમલ એ યંત્રનો ગમે તે માણસ ઉપયોગ કરી શકે એ પણ જાહેર કરી બેઠો હતો, એટલે લેખરાજે એ યંત્ર પોતે ખરીદી લે તો એની તકલીફોનો અંત આવે અને એ ખરીદે તો એની શી કિંમત આપવી પડે, તેમજ એની વ્યવસ્થા, સંચાલન અને પરિણામની પણ જાણકારી બતાવી ખાતરી કરી આપે, એ વિશે પણ એક દિવસ એક બાગના ખૂણામાં ખાનગી ચર્ચા પણ કરી લીધી. પરિમલ એ વેચવા તૈયાર થયો. એ માટે એણે ઠીક ઠીક જેવી મોટી રકમની માગણી કરી. અને એ યંત્રની સિદ્ધિનું પ્રમાણ બતાવવાનું પણ એણે કબૂલ કર્યું. પણ એ માટે શરત એટલી જ હતી, કે લેખરાજને એકલો જ એ સ્થળે લઈ જાય, ત્યાં એનો પરચો બતાવે અને ખાતરી કરાવી આપે. આ ગોઠવણ પણ કબૂલ કરવામાં આવી. આ બાબતની અકળામણ અને મૂંઝવણ લેખરાજને એ હદ સુધી થઈ કે એણે આ છેવટના કબાલાની પોતાની વહુને બધી વાત કરી; અને એ માટે આપવાની પૂરી કિંમતની પણ એની વહુને જાણ કરી.

ધર્મપત્ની રત્ના તો એ સાંભળીને આભી જ બની ગઈ. કારણ લેખરાજ જો એને એની કિંમત ચૂકવે તો એમાં અત્યાર સુધી કરેલી લગભગ બધી કમાણીનો એમાં મેળ આવી જતો હતો. પોતે બે જણાં વગર દોલતે રસ્તામાં રખડતાં થઈ જાય, એટલું જ નહીં પણ નવેસરથી ફરી જિંદગી શરૂ કરવી પડે, અને આ પ્રકારના ધંધામાં હરવખત મળે છે એવી સફળતા ન મળે તો જિંદગીનું જોખમ ખેડવું પડે, એ પણ રત્નાએ જાહેર કર્યું. અને ભારે ખેદ પ્રગટ કરી રડી પણ ખરી. એના જવાબમાં લેખરાજને એની વહુની એ ચિંતા ટાળવામાં બહુ મુસીબત નડી નહીં, કારણ એક વાર આવું યંત્ર હાથમાં આવી જાય, વ્યક્તિઓ પાસે પૈસો ક્યાં છે, કોઈની બૅગમાં શું શું છે, કોઈએ પોતાની બૅગ યા મૂડી, યા પુંજી ક્યાં સંતાડી છે, કોઈ છૂપાંછપનાં કેવાં ચોકઠાં ગોઠવે છે, કોઈ કેવી બાજી રમવા ધારે છે, આવી અસંખ્ય વાતોની એ અગાઉ જાણ થઈ જાય તો ચૂકવેલી કિંમત પૂરતી દોલત તો મહિના-માસમાં સહેલાઈથી કમાઈ શકાશે. એની ગણતરી કરાવી આપી, અને વહુને શાંત કરી.

આખરે આખરી સોદો નક્કી થયો. એ સાથે પરિમલે લેખરાજને એકલા મધરાતે દૂર દૂર લઈ જવાની યોજના પણ નક્કી થઈ. એ પ્રમાણે શહેરથી ઘણે દૂર એક નિર્જન સ્થાનમાં આવેલી નાની કોટડીમાં લેખરાજને લઈ જઈ, બાજુના એકાંત રૂમમાં ગોઠવેલું યંત્ર બતાવ્યું ત્યાં એક બાજઠ હતો. એ ઉપર એક ઊભી તકતીમાં અંદરથી ખેંચાઈને આવતો કાગળ હતો. તે કાગળ ઉપર અક્ષરો લખાતા આવે. હા, યા ના, યા રકમ યા બહુ જ ટૂંકાં વાક્યોમાં બની રહેલી યા બનવાની ઘટના લખાતી રહે. ગમે તે વ્યક્તિ એ બાજઠ આગળ બેસી બાજઠ પાસેનાં બે બટનો દબાવે, ત્યાં લખેલો એક સાદો મંત્ર મનમાં ત્રણ વાર બોલે, પછી ફરી બે બટનો દબાવે, અને સામેની તકતીમાંના કાગળ ઉપર જવાબ લખાઈને આવે.

આનો તાગ કાઢવા માટે લેખરાજને બેસાડવામાં આવ્યો. પરિમલે એને બધી સૂચનાઓ આપી હતી, તે પ્રમાણે એ મંત્રો બોલ્યો, બટનો દબાવ્યાં અને પછી પ્રશ્નો પૂછ્યા. પ્રશ્ન મોટેથી પૂછવાનો રહે છે. એટલે એણે પહેલાં તો પોતાની પાસે રોકડ નાણું કેટલું છે તે પૂછ્યું. તો એનો જે જવાબ લખાઈને આવ્યો, એમાં લેખરાજની મનમાં જે વાત હતી તે જ વાત પ્રગટ થઈ. એના ખાતામાં જે કંઈ બૅંક એકાઉન્ટ હતો તે પણ બે-પાંચ રૂપિયાની હેરફેર સાથે ત્યાં પ્રગટ થયા બાદ, એણે બીજો પ્રશ્ન પૂછ્યો; અને ‘અત્યારે મારી વહુ રત્ના શું કરતી હશે?’ તો જવાબ આવ્યો કે અમુક સિનેમામાં એની બહેનપણી સાથે સિનેમા જોવા ગઈ છે. વળી એમાં ફિલ્મનું નામ પણ લખાઈ પ્રગટ થયું. આમ બે બાબતો પૂરી થતાં પરિમલે હવે વધારે સવાલો પૂછવાની ના પાડી. સામાન્ય રીતે આ યંત્ર રોજનો એક જ સવાલ હલ કરી આપે છે. આજે વળી બે પ્રશ્નો થયા. એટલે હવે વધારે સવાલો પૂછવા નહીં એમ નક્કી કર્યું, પરંતુ એટલાથી લેખરાજને તો ખાતરી થઈ હતી કે આ ખરેખર હાથ કરવા જેવું યંત્ર તો છે જ.

જે રકમ એણે પરિમલને આપવાની હતી, તે રકમ લગભગ એના બૅંક એકાઉન્ટમાં આવેલી રકમ જેટલી હોઈ લેખરાજે કિંમત ઘટાડવા માગણી કરી, પણ પરિમલે એવા સોદા કરવાની ના પાડી. પરિમલને એવી બીજી સિદ્ધિ મેળવતાં દાયકાઓ થઈ જાય, અને આવું યંત્ર બને કે ન પણ બને. આ તો સિદ્ધ હતું જ એવી ચર્ચા બાદ સોદો નક્કી થયો. બીજે દિવસે રોકડું નાણું આપી ખરીદી પાકી કરવાની, તેમાં આ અલાયદા બંગલાની ચાવી, એમાં દાખલ થવાની રીત વગેરે સમજાવી આપવાનું પણ નક્કી થયું. વધારામાં જે દિવસે એને પૂરા પૈસા આપે તે દિવસે પરિમલ લેખરાજ સાથે ત્યાં આવે અને એમ નક્કી થયા બાદ બંને પાછા ફર્યા.

બીજે દિવસે સોદો થઈ ગયો. પરિમલને રોકડા પૈસા મળી ગયા. બંને મધરાતે આ નિર્જન સ્થળે પહોંચ્યા. પરિમલે લેખરાજને બહારના ખંડની ચાવી આપી. લેખરાજ અંદર સવાલ-જવાબ કરવા બીજા ખંડમાં દાખલ થઈ બાજઠ આગળ બેઠો. દરમિયાન પરિમલ તરત બહાર નીકળી, પોતાની મોટરમાં સવાર થઈ ત્યાંથી ઝડપભેર પાછો ચાલ્યો ગયો.

મૂળ વાતે તો પેલા ઓરડામાં હતું તો એમ જ, પણ પેલા કાગળમાં લખાણ આવતું નહોતું. લેખરાજ પાસે હવે આખી રાત હતી. એને ધીમે ધીમે આ દગાનું ભાન થવા માંડ્યું ત્યારે બાજઠ અને તકતી બંનેની આસપાસની યોજના તથા ગોઠવણ જોવા ખસેડમૂક કરી, એમાં નીચે નાનું ભોંયરું, ત્યાં સ્ટૂલ પર માણસ બેસી શકે અને કાગળ ઉપર લખી જવાબ ઉપર પ્રગટ કરી શકે એવી એણે કરામત જોઈ. પણ એના બૅંક એકાઉન્ટની અને એની પત્ની એ જ સિનેમામાં હતી, તે વાત કાગળ ઉપર શી રીતે આવી એનો તોડ તરત તો એના મગજમાં બેઠો નહીં.

આખી રાત ભારે વિમાસણ અને ચિંતામાં તથા જાગરણ કરી કાઢી. દગાનું ભાન થતાં વિવિધ વિચારો આવવા માંડ્યા. એ કહેવાતા યંત્રને એણે તોડીફોડી નાખ્યું, સૂનમૂન જેવો બેસી રહ્યો, સહેજ અરુંપરું અજવાળું થતાં એના મગજમાં કંઈક પ્રકાશ દેખાવા માંડ્યો. તેવો જ, એ કોટડીને એમ ને એમ મૂકી, જ્યાંથી આવ્યા હતા તે રસ્તે રસ્તે ચાલવાનું શરૂ કર્યું. આશરે આઠેક કિલોમીટર ચાલ્યા બાદ કઈ વાહનની ભાળ મળતાં, તે બાજુ થઈ, વાહન પકડી એ સીધો પોતાને ઘેર પહોંચ્યો, ત્યારે સવારના દશ થઈ ગયા હતા.

લેખરાજ, રત્ના અને પરિમલ ત્રણે પૂરા લોભી એ તો સ્પષ્ટ વાત હતી. લેખરાજના લોભમાં રત્નાનો સ્વાર્થ હતો. લોભ અને સ્વાર્થમાં એણે પોતાની જૈફી અવસ્થાનો વિચાર ન કર્યો. અને દેખાવડી ધર્મપત્નીના સૌંદર્યમાં વિશ્વાસ રાખ્યો. રત્નાને તો પૈસા જોઈતા જ હતા, પણ એ પરિમલને ઓળખતી થઈ અને બંનેનો પ્રેમસંબંધ વધતાં પરિમલે આ દાવ અજમાવ્યો. રત્ના મારફત લેખરાજની બધી પ્રવૃત્તિની પરિમલને જાણ થતી. પરિમલે પોતાનું નામ છુપાવેલું જ રાખ્યું. તે જ રાતે પરિમલ અને ભોંયરામાં લખી આપનારો સાથીદાર અને રત્ના ક્યાંનાં ક્યાં ભાગી ગયાં એની શોધ તો લેખરાજ જ્યારે કરશે ત્યારે ખરો, પણ એ શોધને પરિણામે એના હાથમાં એની મૂડી યા ધર્મપત્નીની મૂડી પણ આવવાનો જરા જેટલો સંભવ ન જણાતાં, એ શોધખોળ કરવાના વિચારને માંડી વાળી, એના મૂળ ધંધાને વળગી રહેવું કે નહીં એની ભાંજગડમાં પડ્યો.