ગુજરાતી નિબંધ-સંપદા/શિરીષ પંચાલ/‘છે કો મારું અખિલ જગમાં?’

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
‘છે કો મારું અખિલ જગમાં?’

શિરીષ પંચાલ

કૈંક વિચિત્ર લાગે એવા વિરોધાભાસો આપણી આસપાસના વાતાવરણમાં જોવા મળે છે. આપણા જીવનધોરણનો આંક ઊંચો આવ્યો છે એમ આપણને અવારનવાર કહેવામાં આવે છે. આપણને સાચું પણ લાગે છે. જે રીતે સામાન્ય માનવી રેડિયો, ટેપરેકોર્ડર વસાવતો થયો; ઘડિયાળ, મોંઘાં બૂટચંપલ પહેરતો થયો તે રીતે આપણે ગરીબ પ્રજા છીએ એમ ઉપર ઉપરથી તો લાગતું નથી. સામાન્ય માણસ પણ ઘણી વાર તો પચાસ પૈસાની પડીકી દિવસમાં છ-સાત વખત ખાઈ નાખે છે. બીજી બાજુએ જીવનજરૂરિયાતની વસ્તુઓ મોંઘી બનતી જાય છે. અર્થશાસ્ત્રથી સાવ અજાણ્યો પણ એટલું તો કહી શકે કે જીવનજરૂરિયાતની વસ્તુઓ સોંઘી અને મોજશોખની વસ્તુઓ મોંઘી હોય તો જ પ્રજા બચત કરી શકે. આપણા દેશમાં અને આપણા જેવા બીજા દેશોમાં પરિસ્થિતિ વિપરીત છે. પરિણામે આપણા સામાન્ય કુટુમ્બને મોજશોખ પરવડે છે, બે ટંક નિરાંતે ભોજન પરવડતું નથી. બીજો વિરોધાભાસ શિક્ષણ-જગતમાં જોવા મળે છે. શિક્ષણનાં સાધનો જેમ જેમ વધતાં જાય છે, જેમ જેમ શિક્ષકોના પગાર વધતા જાય છે, જેમ જેમ દેશના અભ્યાસક્રમો વિકસિત દેશોના અભ્યાસક્રમોની સમાંતરે ઘડાતા જાય છે તેમ તેમ આપણું શિક્ષણ કથળતું જાય છે. આપણી મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓને ‘ભણે તે વિદ્યાર્થી નહીં અને ભણાવે તે શિક્ષક નહીં’ જેવું સૂત્ર સહેલાઈથી લાગુ પાડી શકાય. આપણા અભ્યાસક્રમોનાં માળખાંને માનવતાવાદી ભૂમિકા પર તપાસવાનો સમય થઈ ગયો છે. ત્રીજો વિરોધાભાસ સાંસ્કૃતિક વાતાવરણમાં જોવા મળે છે. આજે નગરોમાં અને શહેરોમાં કથાશ્રવણ, પારાયણ, સપ્તાહ, સંતસમાગમ જેવું ભક્તિપૂર્ણ વાતાવરણ પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. નવરાત્રિ જેવા ધાર્મિક ઉત્સવો રંગેચંગે ઊજવાય છે. એમાં ક્યારેક તો ભક્તિ કરતાં ઝનૂન શણગારેલા સ્વરૂપે દૃષ્ટિગોચર થાય છે. આટલું બધું હોવા છતાં આપણું વાતાવરણ પૂરેપૂરું અધાર્મિક છે. જેમ જેમ પેલું ‘ધાર્મિક’ વાતાવરણ પ્રસરતું જાય છે તેમ તેમ તે સમાજમાં ભ્રષ્ટતા વધતી જાય છે. કોઈ પણ છાપું ઉઘાડીને જુઓ–ખૂન-મારામારી–દંગલ, લૂંટફાટ, વ્યભિચાર, દાણચોરી, કાળાંબજાર, કાળું નાણું; આ ઉપરાંત કાયદાનું ઓઠું લઈને આચરવામાં આવતી ભ્રષ્ટતા કે રાજકારણી ભ્રષ્ટતા તો અમાપ છે. ચોથો વિરોધાભાસ વિજ્ઞાન-ટેક્નૉલોજીથી પ્રભાવિત જગતને લગતો છે. આપણા દેશે પણ આકાશમાં ઉપગ્રહો તરતા મૂક્યા, અવકાશમાં મોકલવા માટે અવકાશયાત્રીઓને તાલીમ આપી. વિજ્ઞાનીઓ એન્ટાર્ક્ટિકા પર છાવણી નાખીને સંશોધન કરી રહ્યા છે, આપણી ઇજનેરોએ એશિયાડ-૮૨ ઊભું કરીને દેશની પ્રતિષ્ઠા વધારી આપી. પણ આ બધી સિદ્ધિઓ ભૂખ્યાને બે ટંક રોટલો અપાવી ન શકી. જેમ જેમ આ સિદ્ધિઓ વધતી ગઈ તેમ તેમ સામાન્ય માનવી આ બધાંથી દૂર ને દૂર સરતો જાય છે. આમ તો સર્જક કે કલાકાર એકદંડિયા મહેલમાં રહેનારા કહેવાય. પણ ખરેખર જો એકદંડિયા મહેલમાં રહેતો હોય તો તે છે સામાન્ય, ગરીબ, પછાત માનવી. એ માનવીને વીસમી સદીનો સ્પર્શ થયો નથી. એ બધેથી અપમાનિત થતો રહ્યો છે. પરિણામે એ કોશેટામાં પુરાઈ ગયો છે. એ જો કોશેટામાંથી બહાર આવે અને માનવ તરીકે જીવવાનો અધિકાર માગે તો આપણે આપણી બધી સુખસવલતો ગુમાવી દેવી પડે. આપણા જાનમાલ સલામત ન રહે. આટલા જ કારણે ગરીબને વધુ ગરીબ બનાવવામાં, રાખવામાં જ આપણી સલામતી છે એમ માનીને જીવીએ છીએ, વર્તીએ છીએ, કાયદાકાનૂનો ઘડીએ છીએ.

આ બધાંને કારણે આપણી વિષમતાઓ વધે છે. આજે તો બધી જ વિષમતાઓના મૂળમાં આર્થિક વિષમતા રહેલી છે એમ પણ કહી શકાય. અહીં એ કબૂલી લઈએ કે ગમે તેવી આદર્શ, કલ્યાણમય સમાજરચનામાં વિષમતાઓ તો રહેવાની જ. સામ્યવાદી દેશો પણ આર્થિક વિષમતાઓ નાબૂદ કરી શક્યા નથી. આમ છતાં, દરેક રાજ્યનો એક ઉદ્દેશ શક્ય તેટલે અંશે સમાજના ભિન્ન ભિન્ન વર્ગના લોકો વચ્ચેની આર્થિક અસમાનતાઓ દૂર કરવાનો હોવો જોઈએ. માનવીની મૂળભૂત જરૂરિયાતો ત્રણ: ખોરાક, વસ્ત્ર અને રહેઠાણ. આ ત્રણ જરૂરિયાતો દરેક માનવીને મળી રહે એવી સમાજરચના હોવી જોઈએ. પણ વર્તમાન સમાજરચના તો ‘Small is beautiful’ના લેખક શુમાકર કહે છે તે પ્રમાણે લોભ અને ઈર્ષ્યા પર આધારિત છે. આને કારણે અપ્રામાણિકતાએ લોહીમાં વાસ કર્યો છે. આપણી આર્થિક વિષમતામાં અમુક અંશે સ્ત્રીઓએ ફાળો આપ્યો છે. મધ્યમવર્ગની સ્ત્રીઓ બૅંકમાં, એલ.આઈ.સી.માં, શૈક્ષણિક સંસ્થાઓમાં, સરકારી કચેરીઓમાં નોકરી કરતી થઈ. અમેરિકા જેવા દેશોમાં વધુ નોકરીઓની બાબતે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓને ઓછો પગાર, ઓછી સવલતો મળે છે. ફ્રાન્સ જેવા દેશમાં પણ સ્ત્રીઓને ગર્ભપાત જેવા અધિકાર માટે લડત ચલાવવી પડી હતી. ભારતમાં સ્ત્રીઓને આવી કોઈ ઝુંબેશ ચલાવવી પડી નથી. શ્રમજીવીઓના કિસ્સામાં જ પુરુષની સરખામણીમાં સ્ત્રીને ઓછો પગાર મળે છે. બાકી તો નોકરિયાત સ્ત્રીઓને પુરુષ જેટલો જ પગાર મળે છે. કેટલીક નોકરીઓ માટે સ્ત્રીઓને વધારે યોગ્ય માનવામાં આવી છે. વિમાની પરિચારિકાઓ, નર્સ, આયા, સ્ટેનો-ટાઇપિસ્ટ, સેક્રેટરી. આ સિવાયનાં ઘણાંબધાં ક્ષેત્રે સ્ત્રીઓ પુરુષોની સાથે કામ કરે છે. બૅંક, એલ.આઈ.સી. કે શિક્ષણસંસ્થામાં કામ કરતી સ્ત્રીઓની એક મોજણી કરવા જેવી છે. જે સ્ત્રીઓ પર પોતાના કુટુમ્બના જીવનનિર્વાહનો આધાર હોય, જે સ્ત્રીઓ વિધવા, ત્યક્તા હોય, કોઈ અપંગ સાથે પરણી હોય એવી સ્ત્રીઓની ટકાવારી શોધવી જોઈએ. આવી ટકાવારી ઝાઝી નહીં હોય, મોટા ભાગની સ્ત્રીઓનાં કુટુમ્બોમાં (અહીં પરિણીત સ્ત્રીઓની વાત કરવામાં આવી છે.) સ્ત્રીની સાથે સાથે તેમનો પતિ પણ કમાતો હોય છે.

આજની મોંઘવારીની સ્થિતિમાં આ પુરુષ હજાર, દોઢહજાર જેટલું માસિક વેતન તો મેળવતો જ હોય છે. તો કમાતો જ હોય છે, એટલે બંને કમાતાં હોય એવા કુટુમ્બની આવક બમણી થઈ જાય છે. આ વધારાની આવક બચત ક્ષેત્રમાં જમા થતી હોય તો જુદી વાત છે. બીજા કોઈ સારા માર્ગે વપરાતી હોય તોપણ જુદી વાત છે. પણ આ વધારાની આવક મોજશોખ, કપડાંલત્તાં, ફ્રીજ, ટી.વી., ટેપરેકોર્ડર વસાવવા ખર્ચાય છે. જે કુટુમ્બમાં સ્ત્રી કમાતી હોય અને જે કુટુમ્બમાં સ્ત્રી કમાતી ન હોય તેવાં કુટુમ્બો વચ્ચે ઈર્ષ્યા જન્મે છે. આટલું ઓછું હોય તેમ એક જ સંસ્થામાં જો જે સ્ત્રી જીવનનિર્વાહ માટે નોકરી કરતી હોય તેના પ્રત્યે મોજશોખ માટે (જેને પોતાના જ્ઞાનના સદુપયોગનું સુંદર નામ આપવામાં આવ્યું છે) નોકરી કરતી સ્ત્રીઓ તુચ્છકારના ભાવથી જોતી હોય છે. નોકરી કરતી સ્ત્રીઓનાં બાળકોના ઉછેર પર, ઘડતર પર તેની અસર થાય છે. આપણા દેશમાં સ્ત્રીઓ નોકરી કરે તોપણ ઘરની જવાબદારી તો તેના પર હોય જ. એટલે એવી સ્ત્રી પોતાની નોકરી કેટલી કાર્યક્ષમતાથી બજાવી શકે–એ પ્રશ્નો તો ખરા જ. સ્ત્રીપુરુષો સાથે નોકરી કરે અને એને કારણે પુરુષોની કાર્યક્ષમતા ઘટે છે કે નહીં એવા પ્રશ્નનો સાચો ઉત્તર ન મળે તોપણ ઘરની બહાર સ્ત્રી પ્રેરણાદાયિની ભાગ્યે જ થતી હશે. જે દેશમાં બેકારીનું પ્રમાણ ઓછું હોય ત્યાં કદાચ વાંધો ન આવે પણ આપણા જેવા ગરીબ દેશમાં પુરુષ બેકાર રહે એ આરોગ્યપ્રદ સમાજના ઘડતરમાં મોટું અનિષ્ટ ગણાય.

એક બીજી બાજુએથી પણ આર્થિક અસમાનતાઓ જન્મે છે. આપણા દેશમાં રાષ્ટ્રીય વેતનનીતિ નથી. આને કારણે એકસરખી લાયકાત, સરખા દરજ્જા હોવા છતાં બે ભિન્ન ભિન્ન સંસ્થાઓમાં નોકરી કરનારાઓના પગાર અસમાન હોય છે. માત્ર પગાર આગળ આ પરિસ્થિતિ અટકી જતી નથી. એક સંસ્થા પોતાના કર્મચારીઓને મકાન માટે, કાર માટે નજીવા દરે ધીરાણ કરે છે. આવાં ધીરાણો મેળવીને ઘણા કર્મચારીઓ મકાનો બાંધે છે, ધૂમ નફો લઈને વેચી મારે છે અને કાળું નાણું વધારતા જાય છે. બીજી સંસ્થાના કર્મચારીને આવી સગવડ ન મળે તો ફરી અસમાનતાઓ ઊભી થાય છે. પરિસ્થિતિની વિચિત્રતા તો એટલી બધી છે કે મહિને બેત્રણ હજાર કમાતા કર્મચારીને બહુ ઓછા દરે ધીરાણ મળે અને એનાથી ત્રીજા-ચોથા ભાગનું કમાનારા માણસને એવી સગવડ ન મળે અને એને ત્રણચાર ગણા વ્યાજે મકાન બાંધવા નાણાં લાવવાં પડે. સામાન્ય રીતે આજે રહેઠાણનો પ્રશ્ન સૌથી વધુ કપરો બન્યો છે. આજથી દસેક વર્ષ પહેલાં નોકરિયાત વર્ગને મકાન બાંધવું સહેલું હતું. સામાન્ય રીતે ૫૦૦ ચો. ફૂટનું મકાન બાંધવાનો ખર્ચ ચોરસ ફૂટે ચાળીસ રૂપિયા આવતો હતો. તે વખતે ૬૦૦-૭૦૦ કમાનાર સુખી ગણાતો અને એ પોતાના પગાર કરતાં ચાળીસેક ગણી રકમમાં મકાન બાંધી શકતો હતો. આજે ૫૦૦ ફૂટનું બાંધકામ કરવું હોય તો હજાર રૂપિયા કમાતા ‘ગરીબ’ માણસના પગારના સોગણાં નાણાં મકાન પાછળ ખર્ચાઈ જાય… એટલે મોંઘવારી આ ધોરણે ચાલુ રહેશે તો તો વસ્તીના નેવું ટકા લોકો ઝૂંપડાં, ચાલી, માળામાં રહેતા થઈ જશે. આમ છતાં સમાજવાદી આદર્શનો દાવો કરતી, ગરીબોના બેલી હોવાનો દાવો કરતી સરકાર નથી તો બાંધકામની સામગ્રીના સ્વરૂપમાં ક્રાંતિકારક ફેરફારો કરાવતી, નથી સસ્તા દરે મકાનો બાંધવાની પ્રવૃત્તિ માથે લેતી. એટલું જ નહીં, પાંચ-છ વ્યક્તિના કુટુંબ માટે બારસો-પંદરસો ચો. ફૂટથી વધારે બાંધકામવાળા મકાનો પર પ્રતિબંધ મૂકવાની દિશામાં પણ કશું વિચારતી નથી. કેટલાક કલાકારો કહેવા લાગ્યા છે કે જ્યાં માણસ ભૂખે મરતો હોય ત્યાં કળા પણ વૈભવ છે. એટલી હદે જવાની જરૂર નથી કારણ કે કળા ગરીબ માણસ પાસે જરા જુદી રીતે પહોંચે છે. પણ ઓછામાં ઓછું એટલું તો કહી શકાય કે જ્યાં સુધી સામાન્ય માણસને રહેવા ઝૂંપડુંય ન હોય ત્યાં સુધી વિશાળ ઓરડાઓવાળા મહાલયોમાં રહેવું એ કાનૂની દૃષ્ટિએ નહીં, નૈતિક દૃષ્ટિએ તો અપરાધ છે જ. સમાજના દુર્ભાગ્યે અને ધનવાનોના સદ્ભાગ્યે આવા અપરાધની કશી સજા થતી નથી. આપણે તો સંપત્તિની વહેંચણી કરવામાં જ માનીએ છીએ, એટલે ગરીબી કે દુઃખની વહેંચણીનો તો પ્રશ્ન ઊભો થતો જ નથી. આપણે પ્રતિષ્ઠાને પણ સંપત્તિની સાથે સાંકળી. લગ્નપ્રસંગે જે વધુ ચાંલ્લો કરે તે વ્યક્તિ મહાન, કથાપ્રસંગે જે વ્યક્તિ હજાર — બે હજારનું દાન કરે તેને આગળ બેસવાનો લાભ મળે, ગરીબ માણસ સિનેમાની ટિકિટનાં કાળાંબજાર કરે તો પોલીસ એને પકડી જાય. પણ હું અને તમે સ્કૂટરનાં કાળાંબજાર કરીએ તો કોઈ આપણને ન પૂછે. ભૂખે દુઃખી થતા માણસે ક્યાંક ચોરી કરી હોય તો આપણે બધા એને મારીમારીને અધમૂઓ બનાવી દઈએ પણ આપણી છૂપી ચોરી બદલ આપણને હોશિયાર ગણવામાં આવે. આ વિષમતામાંથી જ નૈતિક અને સામાજિક વિષમતાઓ પ્રગટતી હોય છે. ધનિક વર્ગ માટે શા માટે એટલો બધો આદર રાખવામાં આવે છે? લક્ષ્મી સંસ્કારિતાનો પર્યાય કેવી રીતે બની? ગરીબોનું બધું જ ખરાબ અને ધનિકોનો તો મળ પણ બાવનાચંદનની સુવાસવાળો? ક્યાં સુધી આમ ને આમ ચાલ્યા કરશે? ક્યારેક તો તણખો ઝરશે ને? પણ એ તણખો પ્રગટાવવા માટે થોડીઘણી ચેતના જોઈએ, એ રહીસહી ચેતના પણ ઝૂંટવી લેવાના પ્રયત્નો થઈ રહ્યા છે, કોની સામે જોઈને આશા બાંધવી? જે વ્યક્તિ પર આશા રાખીને બેઠા હોઈએ એ જ વ્યક્તિ આજે તો આપણને સૌથી વધુ હતાશ કરી નાખે છે. પેલો અદનો માનવી પૂછે છે–‘છે કો મારું અખિલ જગમાં?’ (૩૦-૪-૮૩)