ગુજરાતી નિબંધ-સંપદા/હર્ષદ કાપડિયા/રેલવેસ્ટેશન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
રેલવેસ્ટેશન

હર્ષદ કાપડિયા

નાના સ્ટેશનમાંય મોટાં નામવાળી એક્સપ્રેસ ગાડીને થંભાવી દેવાનું દૈવત હોય છે. એ સૂતું હોય. ગામથી દૂર એકલું સૂતું હોય પણ જરાક આંખ ખોલીને લાલ કરી દે એટલે પત્યું. ફૂંફાડા મારીને દોડતી આવતી ગાડી ડાહી થઈને ઊભી રહી જાય. ગાડીનું એન્જિન સુસવાટા કરતું ઊભું રહીને સમયની ગણતરી કરવા મથામણ આદરે. એના સુસવાટાની પ્લૅટફૉર્મ પરની આમલીની પાંદડીઓ ખરે. એ ખરી ગયેલી પાંદડીઓ જેટલી પળ ગાડીએ ત્યાં રોકોવાનું.

ડંકા માટે લટકાવેલી પિત્તળની ઝાલર સાથે ગુસપુસ કરતી માખીઓને જોયા કરવાની. એટલી વારમાં પાંદડીઓના ખરવાના ખખડાટથી ટાઇમ-ટેબલમાં આંકડા સળવળી ઊઠે. આ ગાડી તો તેમને મન આગંતુક ગણાય. દૂર દૂરનાં સ્ટેશનોનાં નામની સામેના ખાનામાં બેઠેલા આંકડા એકઠા થઈ જાય. એકેય આંકડાને સ્ટેશનની લાલ થયેલી આંખનો અંદાજ જ નહીં. બધા આમતેમ માથું ધુણાવે. જવાબ જડે નહીં. આંકડાઓને છેવટે ઘોડાગાડીનો ઘોડો દેખાય.

ઘોડાને આ ગાડીની ઓળખાણ આપવાનું કહે. ઘોડો પોતાનો પાછલા ડાબો પગ જરાક અધ્ધર કરીને, આંખ બંધ કરે. પછી નીચે પડેલા ઘાસને સૂંઘે. એ ઘડીએ નીકળી પડેલો ઉચ્છ્‌વાસ ઘાસનું એકાદ તણખલું ઉડાડે. તણખલું જરાક આઘું જઈને પડે. અને ઘોડો પોતાનો આગલો જમણો પગ ઉપાડે. ચાવાળાના પ્રાઇમસને લીધે ઝાડના થડ પર પડેલું મેસનું ધાબું પણ આંકડાની મૂંઝવણને ઉકેલી ન શકે.

આંકડાઓની ધમાલ જોઈને ગૅસનો દીવો ઝબૂક-ઝબૂક થવા માંડે. તેના થાંભલાની નીચેનું કાળું કૂંડાળું હાંફવાનું શરૂ કરે. એન્જિનના સુસવાટાથી દૂર ભાગવા મથતો ‘ચા’વાળાનો અવાજ એ કૂંડાળાને આશ્વાસનરૂપ લાગે. આ અવાજ ક્યારેક કૂંડાળામાં અટવાય તો ક્યારેક આમલીની પાંદડી બની જાય.

ચકલી અને કાગડા, પાંદડી બની ગયેલા અવાજને જોઈને બોલવાનું શરૂ કરે. આખી ગાડી પર તેમનો અવાજ પથરાઈ જાય. ધીમે ધીમે આખા પ્લૅટફૉર્મ પર એ અવાજ ઝાકળની જેમ ચળકવા માંડે. દૂર દોવાતી કાળી બકરીના આંચળમાંથી વછૂટતી સેરના અવાજનું ફીણ અજવાળું બનીને ઊભરાય ત્યારે તમરાં તેમાં ડૂબવા માંડે. ગાડીમાં સૂતેલી દુનિયામાંથી ઝાંખું અજવાળું ઝરતું હોય, પ્રવાસીઓની નીંદર કેટલાય જોજન દૂર પહોંચી ગયાની ખેવના રાખતી હોય. એવામાં એકાદ પ્રવાસી ઝબકીને પૂછી બેસે — કયું સ્ટેશન આવ્યું? બીજું કોઈ આ અવાજ સાંભળે કે ન સાંભળે પણ સ્ટેશન ચોક્કસ સાંભળે.

એ ખડખડાટ હસી પડે. હસવામાં ને હસવામાં એની આંખો લીલી થઈ જાય. ટાઇમટેબલના આંકડા પાછા ગોઠવાઈને સૂઈ જાય.

સવારના પહોરમાં ગામ આખામાં ધૂળની ડમરીની જેમ વાત ફરી વળે કે ફલાણી એક્સપ્રેસ ગાડી મધરાતે અહીં ઊભી રહી ગઈ હતી. એ તો મોટું કૌતુક. ગામનું ગૌરવ. પાન પર ચૂનો ચોપડતા પાનવાળાના લાલ હોઠ પર, સાઇકલનાં ટાયરમાં શૂ…ક, શૂ…ક હવા ભરતા છોકરાના મોઢા પર અને શેર ગાંઠિયા તોળતા ફરસાણવાળા વાણિયાની મૂછો પર ગાડી ઊભી રહ્યાનો સંતોષ છવાઈ જાય. મોટા નામવાળી ગાડી ઊભી રહે એ કંઈ નાનીસૂની વાત નથી. સ્ટેશન બેઠું બેઠું આ સંતોષને એકઠો કરીને ભાથું બાંધી રાખે. રોજ મોટી ગાડી ધમધમાટ પસાર થઈ જાય ત્યારે એ ભાથું કામ લાગે.

નાના સ્ટેશને લોકલ ગાડી બપોરે આવે. એ સમયે સ્ટેશનની સીમા વિસ્તરી જાય. સ્ટેશનના પટાંગણમાં ઊભેલી રેંકડીમાં ચાના કપના ખખડાટ સ્ટેશનની રોનક વધારી મૂકે. સોડાની બાટલીમાંની ગોટીઓ મલક્યા કરે. બે-ત્રણ પ્રવાસી પ્લૅટફૉર્મ પર બેસીને બીડી ફૂંકતા હોય. બીડી જોઈને બગડેલી ઘડિયાળને વધારે આળસ ચઢે. નળમાંથી વહેતી ધાર જોઈને ઘડિયાળને આળસનો કેફ વર્તાય. પાટાનો ચળકાટ દૃષ્ટિને ઝાઝું ઊડવા ન દે. ગરમ કાંકરા હવાને ઉકાળવા માંડે. એ ઊકળતી હવાની પેલે પાર એકીટશે જોઈ રહીએ ને કાળું ટપકું તેમાં તરતું તરતું આ તરફ આવતું દેખાય,.

તપી ગયેલા પ્લૅટફૉર્મ પર બોલવા જાવ તો શબ્દો તરડાય. એટલે એને ભીના કરીને બોલવા પડે. દૂર સુધી દેખાતા પાટાની લંબાઈ શબ્દોને ભીના કરી આપે પણ છાપરા વગરના પ્લૅટફૉર્મ પર ભીના શબ્દોને ક્યાંક અથડાઈને પાછા ફરવાનો મોકો જ ન મળે. જન્મતાંની સાથે જ એ અનંત યાત્રાએ નીકળી પડે.

કાળું ટપકું ઊનું ઊનું એન્જિન થઈને દોડી આવે. સાથે મુસાફરોને તાણી લાવે. ફેંટો બાંધીને બારી પાસે બેઠેલા મુસાફરની આંખમાં લાંબા અંતરનું, બારીમાંથી તેની આંખમાં જઈ પડેલા સીમા વિસ્તારનું કણું ખટકતું દેખાય. કોઈ મુસાફર પાણી પીવા હેઠો ઊતરે. ખાલી હાથે ટાપુ પર પાછા ફરેલા માછીમારની માફક એ મુસાફર સ્ટેશન પર આંટા મારે.

કશા જ કારણ વગર અથવા અકળ કારણે ગાડી ઊપડવાની શરૂઆત કરે. પોતાનો સામાન બગલમાં મારીને મુસાફરો ગાડીમાં ચડવા જાય ત્યારે ખાલી બાંકડો તેમની પાસેથી કંઈક આંચકી લેતો હોય. પોતાનો સામાન બરાબર ગણી લીધા પછીય મુસાફરોને કંઈક ગુમાઈ ગયાનો ખટકો રહ્યા કરે. ખાલી બાંકડો મુસાફરો પાસેથી આંચકી લીધેલાં કંઈકને સંઘરી રાખે.

ગાડીના છેલ્લા ડબા પર નજર સ્થિર કરીને વળાવિયા ઊભા રહે. ગાડી ટપકું થઈને તેમની દૃષ્ટિને લંબાવતી જાય. ગાડી બીજા સ્ટેશને જઈને ઊભી રહે ત્યારે એ બધી દૃષ્ટિ તે સ્ટેશને વિખરી જાય.

સ્ટેશન ખાલીખમ હોય ત્યારે એ બધી દૃષ્ટિ પ્લૅટફૉર્મ પર પ્રસરી જાય. ગાડી ચૂકી ગયેલો માણસ પ્લૅટફૉર્મ પર આંટા મારતો હોય ત્યારે એ પ્રસરી ગયેલી દૃષ્ટિ એને ઘેરી વળે. માણસ એનાથી છૂટવા મથે. પ્લૅટફૉર્મ પરના પીપળાના થડ પરની મંકોડાની હાર માણસની મથામણને જોયા જ કરે. જિંદગીમાં જોયેલાં તમામ સ્ટેશનના ચહેરા માણલની આંખ સામે તરવરવા માંડે. ક્ષણભરની આ યાત્રા સહેવાય નહીં અને તે ખાલી બાંકડાનો સહારો શોધે. પરંતુ ખાલી બાંકડા પર બેસતાંની સાથે જ એ વિખેરાવા માંડે. તે અફાટ વિસ્તારમાં ઓગળતો જાય. ગળું સુકાતું જાય. કાનમાં કશોક ગણગણાટ થતો હોય એમ લાગે. આટલા ગણગણાટને ઉલેચવાનું કોઈનું ગજું નહીં. બગડેલી ઘડિયાળમાં માળો કરીને રહેતી ચકલીની આંખનું કામ નહીં. પ્લૅટફૉર્મ પર સૂતેલા કૂતરાની લાળ પાડતી જીભને પણ એ ન આવડે.

છેવટે ટેલિફોનના તાર પર બેઠેલું પંખી મદદે આવે. એ તારમાં ચાંચ ભરાવે. તારમાંથી વહેતા શબ્દોને ચાંચમાં ઉપાડે. મુસાફરની આંખમાં આંજે. મુસાફર તારને અનિમેષ જુએ. તારમાંથી વહેતા શબ્દોને ઓળખે. કાનમાં ઊભરાતો ગણગણાટ શમે. તે આળસ મરડીને બેઠો થાય. પગરખાં ઘસડતો સ્ટેશનની બહાર નીકળે.

બીજી ગાડી સાંજે છ ને એક મિનિટે આવે. સાંજ પડે ને સ્ટેશન ખીલી ઊઠે. ગામના વૃદ્ધો પ્લૅટફૉર્મ પર આવીને બેસે. સ્ટેશનને વીતી ગયેલા સમયનું આચમન કરવા મળે. તારની વાડના ને આમલીના લાંબા થયેલા પડછાયા ઓઢીને સ્ટેશન ગેલમાં આવી જાય. બે નિશાળિયાને ખબરઅંતર પૂછવા માંડે. આછા અંધારામાં ગૅસના દીવા પ્રકાશવાનું શરૂ કરે ત્યારે દૂરથી જ જણાઈ જાય કે સ્ટેશન ગેલમાં છે. ગેલમાં ને ગેલમાં એ પડખેની સડક પરથી પસાર થતા સાઇકલસવારની ગમ્મત કરવા માંડે. છ ને ત્રણ મિનિટે ગાડી ઊપડે.

ગાડી ઊપડી જાય. તેમાંના પ્રવાસીને થોડા વખત બાદ આ સ્ટેશનનું નામેય યાદ ન રહે. એ નાનકડો નકશો તપાસે પણ એમાંય એનું નામ ન હોય. એ જરાક મથામણ કરે, અકળાય તોય નામ યાદ ન આવે. અંતે નકશો વાળીને, બિસ્તરામાં માથા નીચો મૂકીને, પ્રવાસી સૂઈ જાય.

એને સપનામાં દેખાય કે તે એક પ્લૅટફૉર્મ પર ઊભો છે. પાટા પર વેગન ઊભું છે. વેગન પર કોઈ સ્ટેશનનું નામ લખ્યું છે, પણ નામ વંચાતું નથી. એટલી વારમાં શન્ટિન્ગનું એન્જિન આવે છે, વેગનને જરાક ધક્કો મારીને પાછું ચાલ્યું જાય છે. તેના ધક્કાથી વેગન ખડબડ ખડબડ કરતું ધીમું ધીમું દોડીને દૂર જઈને ઊભું રહી જાય છે. પ્રવાસીની ગાડી આગળ ધપતી જ રહે છે…