ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/યાસ્નાયા પોલિયાના : તૉલ્સ્તૉયનું વતન
૨૬
રમણલાલ ચી. શાહ
□
યાસ્નાયા પોલિયાના : તૉલ્સતૉયનું વતન
સોવિયેટ યુનિયનમાં મોસ્કો કે લેનિનગ્રાડ સિવાયનાં શહેરોમાં અને ખાસ કરીને ગામડાંઓમાં પ્રવાસ કરવો એ ખુદ ત્યાંના વતનીઓ માટે જો અઘરું છે, તો વિદેશીઓ માટે અઘરું કેમ ન હોય? કોઈ એકલદોકલ વિદેશી પ્રવાસીને સમગ્ર સોવિયેટ યુનિયનમાં સ્વેચ્છાએ ફરવાનું અતિશય મુશ્કેલ છે. એનું કારણ ત્યાંના કાયદાઓ, કડક બંદોબસ્ત, શંકાશીલ સરકારી માનસ અને વાહનોની સુવિધાની અલ્પતા છે. દુનિયાના લગભગ તમામ દેશોમાં તેનો વીસા મળ્યા પછી કોઈ પણ રોકટોક વિના વિદેશી પ્રવાસી સ્વેચ્છાએ ગમે ત્યારે ત્યાં આખા દેશમાં ફરી શકે છે. પરંતુ સોવિયેટ યુનિયનમાં એમ નથી. ત્યાં દરેક શહેરનો જુદો વીસા મેળવવો પડે છે. જેટલાં સ્થળોનો વીસા હોય તેટલાં સ્થળે જ પ્રવાસી જઈ શકે છે. વીસા તમારે શા માટે જોઈએ છે તેનાં પૂરતાં કારણો દર્શાવીને તમે અરજી કરો તે પછી સત્તાવાળાઓને જો તે સંતોષકારક લાગે તો જ તમને વીસા મળે.
ઓલિમ્પિક રમતગમતો જોવા આવેલા વિદેશી પ્રવાસીઓ માટે સોવિયેટ સરકારે જોવા જેવાં કેટલાંક ઐતિહાસિક સ્થળોના પ્રવાસની યોજના જાહેર કરેલી. મોસ્કોમાં પહોંચીને મેં અને મારા ભાઈ પ્રમોદભાઈએ રમતગમત જોવાનું જતું કરીને પણ સુઝદલ-વ્લાડિમિર અને તૉલ્સતૉયના વતન યાસ્નાયા પોલિયાના માટે સોવિયેટ યુનિયનની એકમાત્ર અધિકૃત ટૂરિસ્ટ કંપની ‘ઇન્ટુરિસ્ટ’ની કચેરીમાં નામ નોંધાવી દીધાં અને તેના ખર્ચના રશિયન રૂબલ ભરી દીધા. પરંતુ મોસ્કોમાં આવેલા રમતગમતના શોખીન વિદેશીઓને પ્રવાસનાં ઇતર સ્થળોમાં રસ ક્યાંથી પડે? પ્રવાસ માટે તપાસ કરનારાઓમાં અમે જ પ્રથમ હતા એવું એ વિભાગના અધિકારીની વાત પરથી જણાયું. અમે સુઝદલ અને વ્લાડિમિર જવાના દિવસે સવારે સાત વાગ્યે તૈયાર થઈને, મોસ્કો યુનિવર્સિટીના મકાનમાં અમને આપેલા ઉતારે લૉન્જમાં જઈને બેઠા. પરંતુ નવ વાગ્યે અમને કહેવામાં આવ્યું કે પ્રવાસીઓની પૂરતી સંખ્યા થઈ નથી માટે બસ ઊપડશે નહિ. નિરાશ થઈને અમે અગાઉના કાર્યક્રમ પ્રમાણે રમતગમતો જોવામાં દિવસ વિતાવ્યો.
બીજે દિવસે સવારે અમારે તૉલ્સતૉયની જન્મભૂમિ યાસ્નાયા પોલિયાના જવાનું હતું. ફરીથી પ્રવાસીઓની સંખ્યાનું બહાનું કાઢી ટૂર રદ કરવામાં ન આવે તો સારું એમ અમારાં મનમાં હતું. ટૂર માટે ઓછામાં ઓછા ચાર પ્રવાસીઓ જોઈએ એમ અમને કહેવામાં આવ્યું હતું. અમે ફક્ત બે જણે જ નામ નોંધાવ્યું હતું. એટલે અમે તરત બીજા બે ભારતીય પ્રવાસીઓને યાસ્નાયા પોલિયાના આવવા સમજાવ્યા. તેઓ સંમત થયા અને તેમણે પણ રૂબલ ભરી દીધા. સવારે સાત વાગ્યે વહેલાં ચાપાણી લઈને તૈયાર થઈને અમે લૉન્જમાં બેસી ગયા, પરંતુ તપાસ કરતાં અમને કહેવામાં આવ્યું કે યાસ્નાયા પોલિયાનાની ટૂર પણ રદ કરવામાં આવી છે. ટૂરિસ્ટ કાઉન્ટર પર બેઠેલી યુવતી પાસે અમે ગયા અને પૂછ્યું, ‘ટુર કેમ રદ કરવામાં આવી છે?’
‘પૂરતા પ્રવાસી નથી એટલે.’
‘ગઈ કાલે તમે કહ્યું હતું કે ટૂર માટે ઓછામાં ઓછા ચાર પ્રવાસી જોઈએ. આજે અમે ચાર પ્રવાસી તો થઈ ગયા જ છીએ.’
‘હા, તે સાચું. પણ ચારમાંથી ફક્ત તમારા બેના યાસ્નાયા પોલિયાના માટેના વીસા આવી ગયા છે. પરંતુ બીજા બેના વીસા આવ્યા નથી, કારણ કે તેઓ બંનેની અરજી મોડી પડી છે.’
મેં કહ્યું, ‘ગઈ કાલે તમે અમને નિરાશ કર્યા અને આજે પણ નિરાશ કરો છો. મને મહાત્મા તૉલ્સતૉયની જન્મભૂમિ જોવાની ખૂબ ઉત્કંઠા છે. મારે માટે તે તીર્થયાત્રા સમાન છે. હું મુંબઈ યુનિવર્સિટીમાં પ્રોફેસર છું અને લેખક છું. તૉલ્સતૉયનું સાહિત્ય મેં વાંચ્યું છે. તમારા ઉપરીને સમજાવીને તમે અમારી ટૂર રદ ન થાય એવું કંઈ ન કરી શકો?’
થોડી આનાકાની પછી વડી કચેરીએ ફોન જોડાયો. રશિયન ભાષામાં શી વાત થાય છે તેની શી ખબર પડે? પરંતુ ઘણી લાંબી વાત ચાલી. છેવટે યુવતીએ અમને વધામણી આપી : ‘તમારી ટૂર હવે રદ થતી નથી. યાસ્નાયા પોલિયાના તમને બેને મોકલવા માટે અમે બસની વ્યવસ્થા કરીએ છીએ. તમે બેસો થોડી વાર.’
અમે થોડી વાર બેઠા હોઈશું ત્યાં ઘેરા લાલ રંગનું શર્ટ અને બદામી રંગનું સ્કર્ટ પહેરેલી, ‘ઇન્ટુરિસ્ટ’ના બિલ્લાવાળી એક ચબરાક યુવતી આવી પહોંચી. તે અમારી તપાસ કરતી હતી. અમે તરત એને મળ્યા. એનું નામ અન્ના હતું. મેં કહ્યું, ‘તૉલ્સતૉયની જન્મભૂમિ જોવા જઈએ છીએ અને તમારું નામ અન્ના છે, એ પણ એક શુભ સંકેત છે. તૉલ્સતૉયની ‘અન્ના કેરેનિના’ નામની નવલકથા છે. કેટલાક ANNAનો ઉચ્ચાર ‘આના’ કરે છે, તો કેટલાક ‘આન્ના’ કે ‘અન્ના’ કે ‘એના’ કરે છે. તમે શો કરો છો?’
‘અન્ના, કેમ પૂછવું પડ્યું?’
‘અમારા ભારતમાં કેટલાક રશિયન શબ્દોના ઉચ્ચાર ઇંગ્લિશ ભાષા પ્રમાણે અમે કરીએ છીએ; એટલે મૂળ રશિયન ઉચ્ચાર જાણવા હું ઉત્સુક છું.’
અન્નાને આનંદ થયો. તે ઇંગ્લિશ અને રશિયન બંને ભાષા સરસ બોલતી હતી અને બંનેના લેખન-ઉચ્ચારણના ભેદ પણ જાણતી હતી.
અન્નાએ કહ્યું, ‘આપણે પાંચ મિનિટમાં જ બહાર જઈએ છીએ. આપણા માટે બસ બહાર આવી ગઈ છે.’
‘ફક્ત બે જ પ્રવાસીઓ માટે તમારે આખી બસ દોડાવવી પડે છે તે માટે અમે દિલગીર છીએ.’ મેં ઔપચારિક વિવેક કર્યો.
‘તેનો કશો વાંધો નહિ. અમારી ઑફિસ તેવો વિચાર નથી કરતી. બલ્કે, હજારો વિદેશી પ્રવાસીઓમાંથી તૉલ્સતૉયના વતનમાં રસ લેવાવાળા તમે બે પ્રવાસીઓ નીકળ્યા. તે અમારે માટે ઘણા આનંદની વાત છે.’
અમે યુનિવર્સિટીના કમ્પાઉન્ડના દરવાજાની બહાર નીકળ્યા, પણ ત્યાં અમારી બસ નહોતી. તપાસ કરતાં જાણવા મળ્યું કે અમારા માટે આવેલી બસ પાછી ચાલી ગઈ છે. અન્નાને નવાઈ લાગી. શું થયું તે સમજ ન પડી. અમને ઊભા રાખી અન્ના પાછી ઑફિસમાં તપાસ કરવા દોડી. થોડી વારે પાછી આવી અને અમને કહ્યું, ‘આપણે કુલ ત્રણ જ જણ જવાના છીએ, માટે હવે બસ લેવાની જરૂર નથી. આપણા માટે કાર મોકલવામાં આવે છે.’
થોડી વારમાં વૉલ્ગા બ્રાન્ડની મોટી કાળી ઍરકન્ડિશન લિમોઝિન ગાડી આવી પહોંચી. અમે તેમાં બેઠાં. જાણે વી.આઈ.પી.ની જેમ અમારો પ્રવાસ ગોઠવાયો હોય તેવું લાગ્યું.
મોસ્કો શહેર છોડી અમારી ગાડી ધોરી રસ્તા ઉપર ચાલવા લાગી. રશિયાના ધોરી રસ્તા બહુ સારા નથી, કારણ કે તેનો વપરાશ ઘણો ઓછો છે. ભારતના કેટલાક રસ્તાઓ રશિયાના રસ્તા કરતાં ઘણા ચઢિયાતા લાગે. રસ્તામાં મોટરકાર ભાગ્યે જ જોવા મળે. કોઈ વખત ટ્રકો ફરતી દેખાય. પરંતુ તેમાં પણ અમેરિકામાં જોવા મળે તેવી મોટી, સ્વચ્છ અને નવા જેવી ચકચિકત નહિ. જૂની, કદરૂપી અને ક્યારેક ગંદી પણ લાગે. અમેરિકામાં જૂની વસ્તુઓ જલદી કાઢી નખાય છે. ઉપયોગમાં લઈ શકાય ત્યાં સુધી જૂની વસ્તુઓ ફેંકી દેવાની પદ્ધતિ સોવિયેટ યુનિયનમાં નથી.
રશિયાના ધોરી માર્ગો ટ્રાફિકથી ધમધમતા નથી. શાંત અને મનોહર લાગે છે. રસ્તાની બંને બાજુએ ઊંચાં ઊંચાં લીલાંછમ વૃક્ષો ઊગેલાં છે. એ વૃક્ષોમાં સીધાં, શ્વેતવર્ણી થડવાળાં અને અસાધારણ ઊંચાં બર્ચ વૃક્ષોનું પ્રમાણ ઘણું છે. રસ્તે નાનાં ગામડાંઓ આવે, રસ્તામાં માથે ટોપલા કે પોટલાં મૂકી પગે ચાલનાર વટેમાર્ગુઓ પણ જોવા મળે છે. કારણ કે રશિયામાં ગામડાંઓ વચ્ચે બસ વ્યવહાર ઘણો ઓછો છે.
યાસ્નાયા પોલિયાના સુધીનું અંતર લગભગ બસો કિલોમીટર જેટલું છે. પરંતુ અમારી ગાડી વચ્ચે વચ્ચે ઊભી રહેતી, કારણ કે અમારો ડ્રાઇવર આ રસ્તે પહેલી વાર આવતો હતો. જ્યાં બે રસ્તા પડે ત્યાં એને પૂછવું પડતું. વળી, ચેકિંગ આવે ત્યાં ડ્રાઇવર અને ગાઇડનાં ઓળખપત્રો તપાસાતાં, ગાડી લઈ જવાની પરવાનગી તપાસાતી અને અમારા પાસપોર્ટ તથા વીસા તપાસાતા. એ તપાસવામાં જરા પણ રઘવાટ દેખાતો નહિ. ટ્રાફિક અટકી જવાની કોઈ બીક નહોતી, કારણ કે ટ્રાફિક જ નહોતો, વસ્તુતઃ કંઈ ભૂલચૂક ન થઈ જાય તેની ફરજ પરના માણસોને બીક વધુ રહેતી.
રસ્તામાં ચેખોવ અને તુલા નામનાં નગરો વટાવી અમે યાસ્નાયા પોલિયાના પહોંચ્યાં. આ નાનકડા, શાંત, રમણીય ગામને પાદરે અમારી ગાડી પહોંચી કે તરત જ અમારા વીસા તપાસાયા. હવે અન્નાની ફરજ અહીં પૂરી થઈ. ગામના પાદરેથી લુડમિલા નામની એક સ્થાનિક યુવતી અમારી ગાઇડ તરીકે અમને દોરી ગઈ. લુડમિલા સ્થાનિક સ્કૂલમાં શિક્ષિકા છે. ઇંગ્લિશ અને બીજા વિષયો ભણાવે છે. તે અંગ્રેજી સરસ બોલે છે.
તૉલ્સતૉયના પિતા રશિયાના ઝાર રાજાના સમયમાં મોટા ઉમરાવ હતા. તેમણે વસાવેલી જાગીર તે આ યાસ્નાયા પોલિયાના. તૉલ્સતૉયને તે વારસામાં મળેલી. અહીં તૉલ્સતૉયનો જન્મ થયેલો અને મૃત્યુ પછી એમના દેહને અહીં જ દફનાવવામાં આવ્યો હતો. પોતાના બ્યાસી વર્ષના આયુષ્યમાંથી તૉલ્સતૉયે વીસ વર્ષ મોસ્કોમાં અને બાકીનાં વર્ષ યાસ્નાયા પોલિયાનામાં વિતાવ્યાં હતાં. તૉલ્સતૉય ગર્ભશ્રીમંત હતા. પરંતુ મોસ્કોમાં વસતિગણતરીનું કામ કરતી વખતે ગરીબ લોકોના, કંપારી છૂટે એવા વિસ્તારોની લીધેલી મુલાકાતથી તેમની જીવન પ્રત્યેની દૃષ્ટિ બદલાઈ હતી. તેમનામાં માનવતા પ્રગટી હતી. તેઓ સાદું અને નિરાડંબરી જીવન જીવવા ઇચ્છતા હતા. પરંતુ તે બાબતમાં તેમની પત્ની સોફિયાનો સહકાર ન હતો. સોફિયાને ઉમરાવનું મોજશોખભર્યું જીવન બહુ ગમતું. પરિણામે પતિ-પત્ની વચ્ચે વારંવાર સંઘર્ષ થતો. જ્યારે શ્રીમંત ઘરમાં પોતાની શોખીન પત્ની સાથે રહેવાનું અસહ્ય થઈ પડ્યું ત્યારે એક દિવસ તૉલ્સતૉય રાતને વખતે ચૂપચાપ ઘર છોડીને ચાલ્યા ગયા. તેમને ન્યૂમોનિયા થયો હતો. પાસેના એક રેલવે સ્ટેશન પર તેમનું અવસાન થયું. તેમના દેહને યાસ્નાયા પોલિયાના લાવવામાં આવ્યો અને તેમની ભાવના અનુસાર સાદાઈથી દફનાવવામાં આવ્યો.
લુડમિલા અમને તૉલ્સતૉયના મકાનમાં લઈ ગઈ. આ મકાન હવે તૉલ્સતૉયની સ્મૃતિમાં સંગ્રહસ્થાન તરીકે વપરાય છે. મકાનમાં દાખલ થતાં પહેલાં અમને બૂટની નીચે પહેરવા માટે દોરીવાળાં રબરનાં સ્લીપર આપવામાં આવ્યાં. જેથી મકાનની ફરસ ખરાબ ન થાય. સૌપ્રથમ ઉપરના માળે ગયાં. ઉપર દાખલ થતાં જ દીવાલ ઉપર લોલકવાળું મોટું ઘડિયાળ દેખાયું. તૉલ્સતૉયના વખતનું આ ઘડિયાળ આજે પણ નિયમિત સમય બતાવે છે. એક વિશાળ ખંડમાં તોલ્સતૉયનું પુસ્તકાલય છે. દુનિયાની પંચાવન જેટલી ભાષાનાં એમાં પુસ્તકો છે. તોલસ્તૉયનો વાંચનશોખ કેટલો વિશાળ હતો તે આ પુસ્તકો પરથી પ્રતીત થાય છે. તૉલ્સતૉયના અભ્યાસખંડમાં લખવા માટેનું તેમનું ટેબલ ખાસ માપ પ્રમાણે બનાવેલું હતું. ટેબલ આપણને નીચું લાગે, પરંતુ તૉલ્સતૉયની ઊંચાઈ, લખવાની એમની ઢબ અને ચશ્માં વગર વાંચવાની પડી ગયેલી ટેવને લક્ષમાં રાખીને તે ખાસ બનાવ્યું હતું. એક ખંડમાં તૉલ્સતૉયનો શુકનવંતો મનાતો સોફા હતો. ડાઈનિંગ ટેબલ, ખુરશીઓ, કપડાં સીવવાનો સંચો તથા ટાઇપરાઈટર અને બીજી ચીજવસ્તુઓ, કુટુંબના સભ્યોના જુદા જુદા ફોટા અને તૈલચિત્રો વગેરે સાચવીને જુદા જુદા ખંડમાં રાખવામાં આવ્યાં હતાં. એક જાજ્વલ્યમાન યુવતીનો ફોટો બતાવીને ગાઇડે કહ્યું, “આ તૉલ્સતૉયની સાળીનો ફોટો છે. ‘વૉર ઍન્ડ પીસ’ નવલકથામાં નતાશાનું પાત્ર તૉલ્સતૉયે એમની આ સાળી ઉપરથી દોર્યું છે.’
છેલ્લે અમને એક ઓરડામાં લઈ જવામાં આવ્યાં. મકાનને છેડે આવેલો આ તે ઓરડો કે જ્યાંથી તોલ્સતૉય મોડી રાતે પોતાની પુત્રી એલેકઝાન્ડ્રિયા અને એક ડોક્ટર મિત્રની સાથે બ્યાસી વર્ષની ઉંમરે અસ્વસ્થ તબિયત છતાં ચૂપચાપ ઘર છોડીને ચાલી નીકળ્યા હતા. તોલ્સતૉયની પત્ની સોફિયાને એ વાતની ખબર ન હતી. સોફિયા ત્યારે પોતાના ખંડમાં જાગતી હતી. દીવાના અજવાળે તૉલ્સતૉયનાં લખાણની તે નકલ કરતી હતી.
તૉલ્સતૉયના કુટુંબનાં સભ્યો શ્રીમંતાઇ છોડી સાદાઈનું જીવન જીવવા ઇચ્છતાં ન હતાં, પરંતુ તૉલ્સતૉયે પોતે તો ખેડૂત અને શ્રમજીવીનું સાદગીભર્યું જીવન જીવવાનું ચાલુ કરી દીધું હતું. પોતાનું બધું કામ નોકરચાકર પાસે ન કરાવતાં પોતે હાથે કરી એ કરવા માટે પોતે જે સાધનો અને ઓજારો વાપરતા તે તથા તેમનાં સાદાં વસ્ત્રો આ છેલ્લા ખંડમાં રાખવામાં આવ્યાં છે.
ઘરની બહાર એક વૃક્ષનું ઠૂંઠું અમને બતાવવામાં આવ્યું. ગાઇડે કહ્યું, ‘અહીં કેટલાક નિર્ધન ખેડૂતો મદદ માટે તૉલ્સતૉય પાસે આવતા. તેઓ જ્યારે આવે ત્યારે આ ઝાડ ઉપર લટકાવેલો ઘંટ વગાડતા એટલે તૉલ્સતૉય બહાર આવી પૂછપરછ કરી તેમને પૈસા વગેરેની મદદ કરતા. ઝારના સમયમાં ચીંથરેહાલ દશામાં જીવતા ખેડૂતોને જોઈ તૉલ્સતૉયની આંખોમાંથી ઘણી વાર આંસુ સરતાં.
ઘરથી એકાદ ફલાંગ છેટે, તૉલ્સતૉયની જાગીરની જમીનમાં જ એક સાવ નાનકડા ઝરણાને કાંઠે તૉલ્સતૉયની કબરનાં અમે દર્શન કર્યાં. એ કબર પાકી ચણેલી નહોતી. દફનાવ્યા પછી ઉપર માટીનો ઢગલો જે રીતે કરાય તે રીતે કાંકરિયાળી માટીની બનાવેલી સાદી લંબચોરસ એ કબર હતી. એના ઉપર તાજાં ફૂલ ચઢાવેલાં હતાં. અમે પણ પાસેની ટોપલીમાંથી લઈ કબર ઉપર થોડાંક ફૂલ ચઢાવ્યાં. પછી નીચે બેસી મસ્તક નમાવી કબરને પ્રણામ કર્યાં. તૉલ્સતૉયના જીવનના અંતિમ દિવસોની વેદનાની જે વાતો થોડી વાર પહેલાં ગાઇડે વિગતે કહી તેનું દૃશ્ય નજર સામે તરવરતું હતું તેથી કબરને પ્રણામ કરતાં જ મારી આંખમાંથી થોડાં અશ્રુબિંદુ સરી પડ્યાં.
તૉલ્સતૉયની જાગીરની મુલાકાત લઈ અમે પાછાં ફર્યાં. લુડમિલાએ અમારી ગાઇડ અન્નાને હવાલે અમને કર્યાં. ભોજનનો સમય થઈ ગયો હતો એટલે અન્ના અમને મુકરર કરેલા રેસ્ટરાંમાં ભોજન માટે લઈ ગઈ. અન્નાએ અમારે માટે શુદ્ધ શાકાહારી વાનગીઓની વરદી પહેલેથી આપેલી હતી. પાંઉ, ભાત, બાફેલા શાકભાજી, કચુંબર, દૂધ, કૉફી વગેરે તો હતાં જ, પણ અમારે માટે ખાસ જે સૂપ બનાવવામાં આવ્યો હતો તે આ પ્રદેશની વિશિષ્ટ વાનગી હતી. ‘આક્રોશસ્કા’ નામનો આ સૂપ ગરમ નહિ પણ ઠંડો હતો. તેમાં કાકડી, ટમેટાં વગેરે સુધારીને નાખેલાં હતાં અને તેમાં જલજીરા અને મધના શરબત જેવું પણ થોડુંક ખટમીઠું પ્રવાહી હતું.
ભોજન લઈ અમે ગાડીમાં બેઠાં. આખે રસ્તે રશિયાના લોકજીવન વિશે અન્ના સાથે કેટલીક નિખાલસ વાતો થઈ. અલબત્ત, સ્ટેલિન, ક્રુશ્ચેવ, પાસ્તરનાક સોલ્ઝેનિત્શિન, સ્ટેલિનગ્રાડ વગેરે વિશે વાત કરવાનો અન્નાએ હસતે મુખે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો. સોવિયેટ યુનિયન વિશેના આપણા કેટલાક ખ્યાલો ખોટા અને બીજા દેશોના પ્રચારને લીધે કેવા ભ્રમવાળા હોય છે તે અન્ના સાથે થયેલી વિવિધ પ્રશ્નોની ચર્ચા દ્વારા જાણવા મળ્યું.
અમારો ડ્રાઇવર એ કોઈ બસના સામાન્ય ડ્રાઇવર જેવો ન હતો. તે ઊંચી પાયરીનો માણસ હતો. દિલ્હીમાં સોવિયેટ યુનિયનની ઍમ્બસીમાં રશિયન એલચીના ડ્રાઇવર તરીકે તેણે કામ કર્યું હતું. એવી કામગીરી બહુ જ જવાબદાર વ્યક્તિને સોંપાય છે. ડ્રાઇવર પોતાના એલચી સાથે ભારતમાં ઘણે સ્થળે ફરેલો હતો. એ થોડાક હિંદી શબ્દો જાણતો હતો. અમારી વાતોમાં તે રસ લેતો હતો. અન્ના અમારી વાતોનું રશિયનમાં ભાષાંતર કરીને તેને કહેતી અને તે જે કહે તેનું ભાષાંતર કરીને અમને અંગ્રેજીમાં કહેતી. એણે રશિયા વિશે અમારો અભિપ્રાય પૂછ્યો. અમે કેટલીક બાબતોની પ્રશંસા કરી અને કેટલીકની ટીકા પણ કરી. પછી ભારત વિશે અમે એનો અભિપ્રાય પૂછ્યો. તે કહે કે ભારત ઘણો જ સુંદર દેશ છે. લોકો ભલા અને મળતાવડા છે, પરંતુ ભારતમાં અજાણ્યા માણસોને વેપારીઓ છેતરી લે છે તે એને ગમતું નથી. પોતાનો અનુભવ ટાંકતાં એણે કહ્યું કે પોતાની મોટરનો એક નાનો સ્પેરપાર્ટ વારંવાર બગડી જતો. એ સ્પેરપાર્ટ માટે દિલ્હીની એક મોટી અને જાણીતી દુકાને તે જતો હતો. એ માટે તે અઢીસો રૂપિયા ચૂકવતો. દુકાનદાર તેને બહુ આદરથી બોલાવતો અને ચાપાણી પિવડાવતો. પરંતુ પાછળથી ખબર પડી કે આઠ રૂપિયાની વસ્તુ માટે દુકાનદાર અઢીસો રૂપિયા પડાવતો હતો. એ ઘણી મોટી છેતરપિંડી કરતો હતો તેની ખબર પડતાં ભારત માટે તેનું માન ઓછું થયું હતું.
ભારતનું આવું વરવું ચિત્ર એક વિદેશીના મનમાં કાયમને માટે અંકિત થયેલું જોઈને અમે ગ્લાનિ અનુભવી.
પ્રવાસ પૂરો થતાં અન્ના અને ડ્રાઇવરને અમે રશિયન ભાષામાં ‘સ્પાસિબા’ (‘આભાર’) અને ‘દાસ્વિદેનિયા’ (‘આવજો’) કહ્યું. બંનેએ અમારી વિદાય લીધી. તે સમયે અમે એમને બંનેને પાંચ પાંચ રૂબલની બક્ષિસ આપી, પણ તેનો અસ્વીકાર કરતાં તેઓ બંનેએ કહ્યું, ‘અમે અમારું કર્તવ્ય બજાવ્યું છે. અમારે ત્યાં બક્ષિસની પ્રથા નથી; ક્ષમા કરજો. અમારી કામગીરીથી તમને સંતોષ થયો છે એમ તમારી વાતચીત પરથી સ્પષ્ટ દેખાય છે. તેમ છતાં પાછળથી પણ તમને અમારી કંઈ ભૂલચૂક કે ત્રુટિ જણાય તો તે માટે અમે અગાઉથી ક્ષમા માગી લઈએ છીએ.’
[પાસપોર્ટની પાંખે, ૧૯૮૩]