ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/૨. જનસામાન્યનાં ભવ્ય સ્વપ્નોની નગરી : ફ્લોરેન્સ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૨. જનસામાન્યનાં ભવ્ય સ્વપ્નોની નગરી : ફ્લોરેન્સ


તે દિવસે કલ્પનાની અનહદ ઊંચાઈઓ અને મહાન સપનાંઓને સાચવીને બેઠેલી ફ્લોરેન્સની ગલીઓમાં વીતેલા સમયની રંગબેરંગી છાયાઓનો જાણે મેળો લાગ્યો હતો. ઇતિહાસ સામાન્ય રીતે રાજવીઓની ને શાસકોની હારજીતની, જુલ્મોસિતમની, એમની કુનેહ અથવા દૂરદર્શિતાની વાત કહે છે. પણ એ સમયના આમ આદમીની જીવનશૈલીની, એના આદર્શોની ને એનાં સપનાંઓની વાત ઇતિહાસમાં ક્યાંય મળતી નથી. એ મળે છે તો માત્ર સાહિત્યમાં, કલાકૃતિઓમાં કે પછી લોકકથાઓમાં. આપણો લિખિત ઇતિહાસ તો જાણે રાજામહારાજાઓ કે સરમુખત્યારો સિવાય અન્ય કોઈને સ્પર્શવા જ તૈયાર નથી. ફ્લોરેન્સ આમાં એક અપવાદ છે. આ શહેર એનાં કલાકાર સપૂતોને સર્વોચ્ચ સન્માન આપે છે. એની ગલીઓ હજીય એ મેડિસી કુટુંબની વાતો દોહરાવે છે, જેણે પોતાની અસીમ સંપત્તિને કલાકારો પાછળ અને કલાત્મક ભવનો, ચિત્રો તથા શિલ્પોના નિર્માણ પાછળ ખર્ચીને આ અદ્ભુુત શહેરનું નિર્માણ કર્યું. એ જમાનો હતો, સ્વાયત્ત નગરરાજ્યોનો. પ્રજાએ આવા કલાપ્રેમી અને સખાવતી કુટુંબનું આધિપત્ય સ્વીકારીને અને રાજ્યકર્તાનો દરજ્જો આપ્યો. આજે પણ ફ્લોરેન્સના ભોમિયાઓ મેડિસી કુટુંબનું ચર્ચ તથા એ કુટુંબના સભ્યોએ લોકો વચ્ચેથી પસાર થવું ન પડે, એ માટે બાંધેલો નયનરમ્ય વસારી પેસેજ બતાવતા તથા એકએક કલાકૃતિના સર્જનમાં એમનો ફાળો ગૌરવથી વર્ણવતા દરરોજ એમને સ્મરે છે. આમ આ શહેર રાજવીઓની સંપત્તિનો નહીં, અહીં જન્મેલાં અને અહીં વસી ગયેલા સામાન્ય લોકોના અસામાન્ય કલાપ્રેમનો આયનો છે. રોમ ભવ્યાતિભવ્ય છે, એ મહાન રોમન સામ્રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે ફ્લોરેન્સ તો આમ આદમીનાં સપનાંની ઊંચાઈઓની ઓળખાણ છે. ફ્લોરેન્સનું રેલ્વેસ્ટેશન પુરાણા શહેરના હાર્દમાં ઊભેલું છે. અમારી હૉટેલ પણ એની સાવ સામે જ હતી. રસ્તો ક્રોસ કરો એટલે સ્ટેશનના સાઇડના દરવાજે પહોંચી જવાય અને ડાબી બાજુ ચાલ્યા જઈએ, તો જૂના શહેરની અનેક માથાંવાળા અજગર જેવી ગલીઓ તમને ક્યાંય ગળી જાય, ખબર પણ ન પડે! ફ્લોરેન્સમાં ફરવાની ખરી મજા એની ગલીઓમાં પગપાળાં ચાલવામાં આવે. નકશો જોવાની પણ જરૂર નહીં. ગમે-તેમ ફરો, નવાં-નવાં દર્શનીય કલાધામોની મુલાકાત થતી જ રહે. વળી રસ્તા એકબીજામાં એવા ઓતપ્રોત છે કે, ભૂલા પડવાની બીક જ નહીં. આ ચક્રવ્યૂહનો એક છેડો ખૂલે સ્ટેશનની સામે અને બીજો છેડો ખૂલે આર્નો નદી પરના પોન્તે દ વેચિયોના પુલ તરફ. એટલે ફરી રખડીને પાછાં મુકામે પહોંચવાનું સાવ સહેલું. વળી ગલીઓમાં મુસાફરોનાં ધાડેધાડાં જે તરફ જતાં દેખાય. તે તરફ કોઈ અગત્યનો પડાવ હશે, તેનો ખ્યાલ પણ આવી જ જાય. ગલીઓમાં ચામડાની વસ્તુઓ, ખાસ કરીને ફેશનેબલ પગરખાંની અનેક દુકાનો હતી. નાનકડી હાટડીઓમાં કલાત્મક છરીચપ્પાં તથા અન્ય સુવેનિયર વેચાતાં હતાં. ચાલતા-ચાલતાં અમે પુરાણા શહેરના હાર્દસમ પિયાત્ઝા દેલ દુઆમો (પિયાત્ઝા એટલે ચોક અર્થાત્ દુઆમોનો ચોક) પહોંચ્યાં. અહીં ફ્લોરેન્સનું સૌથી ભવ્ય અને સૌથી ઊંચું સ્થાપત્ય દુઓમોનું દેવળ હતું. આ દેવળ તો શહેરની ઓળખાણ છે. શહેરની રૂપરેખા જ એનાથી અને એની બાજુમાં ઊભેલા જિઓત્તોએ રચેલા સંગેમરમરના બેલ ટાવર - કૅમ્પેનાઇલથી સર્જાય છે. બ્રુનેલેશ્ચિએ એને ડિઝાઇન કર્યું ત્યારે લોકોએ કહ્યું કે, આટલો મોટો ગુંબજ આધાર વિના ટકે જ નહી, એ તો બંધાતા પહેલાં જ પડી જશે! સૌના આશ્ચર્ય વચ્ચે વિશ્વના ચોથા નંબરનું વિરાટ દેવળ હોવાના ગૌરવ સાથે દુઓમોનો ડૉમ આજેય અણનમ ઊભો છે. આ ગુંબજ ગોળ નથી, પણ અષ્ટકોણાકાર છે. ઘુમ્મટની અંદરનું ચિત્રકામ ધ લાસ્ટ જજમેન્ટ અબોલ કરી દે, તેટલું અદ્ભુત છે. દુઓમોના દેવળ અને બેલ ટાવર કેમ્પેનાઇલની બાજુમાં જ બાપ્ટિસ્ટરીનું સ્થાપત્ય છે. ધાર્મિક પરંપરા અનુસાર જ્યાં બાળકોનો નામકરણ વિધિ કરવામાં આવે તે મકાન. બાપ્ટિસ્ટરી ઑફ સાન જિયોવાનીને ધાતુનાં બનાવેલાં ત્રણ બારણાં છે, તેમાંથી પૂર્વ તરફના બારણાને જ્યારે માઇકલ એંજેલોએ પહેલીવાર જોયું, ત્યારે એમના મુખેથી ઉદ્ગાર સરી પડ્યા, અરે, આ તો જાણે સ્વર્ગનું બારણું છે! ત્યારથી આ પ્રવેશદ્વાર ‘ગેટ ઑફ પેરેડાઇઝ’ તરીકે ઓળખાયું. ધાતુમાં ઊપસાવેલા ‘ઓલ્ડ ટેસ્ટામેન્ટ’ના પ્રસંગોને વર્ણવતાં દૃશ્યોમાં કલાકારે અસાધારણ વિગતો દર્શાવી છે અને એ દૃશ્યોને એવું ઊંડાણ આપ્યું છે કે, જેથી એ ત્રિપરિમાણીય લાગે છે. એક જમાનામાં આ બાપ્ટેસ્ટરી દુઓમોના દેવળ સંકુલનો એક ભાગ જ હતી. એનું સૌંદર્ય એટલું પ્રભાવક હતું કે, દાન્તેનું મહાકાવ્ય ‘લા કૉમેડિયા’ – જેને પાછળથી ડિવાઇન કોમેડી નામ અપાયું. જેમાં મહાકવિએ નરકમાં થઈને (વાયા પરગેટરી) સ્વર્ગનો રસ્તો બતાવ્યો છે, તેમાં પણ આ બારણાને વર્ણવ્યું છે. રેનેસાંની સ્વર્ણિમ ચાર સદીઓ ક્વોત્રોસેન્ત્રોના મહાનતમ ઇટાલિયન કલાકર્મનો આ ઉત્કૃષ્ટ નમૂનો છે. સ્વર્ગનું ચળકતું બારણું બંધ હતું. અસંખ્ય પ્રવાસીઓ વિસ્મયભાવથી અને નિહાળી રહ્યાં હતાં. ગેલેરિયા ડેલ એકેડેમિયા મ્યુઝિયમ નાનું હતું, પણ એમાં માઇકલ એંજેલોની મહાન કૃતિ ડૅવિડ હતી. ત્યાં એમની જ વિખ્યાત શિલ્પકૃતિ ‘ફોર પ્રિઝનર્સ’ પણ હતી. જિયામબોલોગ્નાની અમર કલાકૃતિ ‘રેપ ઑફ સાબાઇન વિમેન” પણ અહીં જોયું. ડૅવિડના પૂતળાને અમે આશ્ચર્યચકિત થઈને જોતાં રહ્યાં. મૅડિકલ કૉલેજના એનેટૉમીના ડિસેક્શન હૉલનું સ્મરણ થઈ આવ્યું. ત્યારે અમે ચારચારના જૂથમાં મૃતદેહનું ડિસેક્શન કરતા. કનિંગહામનું મેન્યુઅલ ખુલ્લું હોય. એક જણ વાંચે, તેમ અમે સૌ કાપતાં જઈએ, ને શરીરની એકએક ધમની, શિરા, જ્ઞાનતંતુ, એકેએક સ્નાયુ, એને ઢાંકતી પરતોની ઓળખાણ કરતાં જઈએ. શરીરના દરેક સ્નાયુનો એક ચોક્કસ આકાર અને એક ચોક્કસ સ્થાન હોય, દરેક રક્તવાહિનીનો ને જ્ઞાનતંતુનો એક ચોક્કસ માર્ગ હોય. આ બધું એ કિશોરવયમાં આશ્ચર્યજનક લાગતું, એને યાદ રાખવાનું જરાક અઘરું પણ લાગતું, જ્યારે આ ડૅવિડનું શરીર જાણે કોઈએ કનિંગહામનો ગ્રંથ વાંચીને સર્જ્યું હોય તેવું લાગે. એ શિલ્પ પર માનવશરીરની ઝીણામાં ઝીણી વિગતો કંડારેલી હતી અને એ બધી જ એનેટૉમીની દૃષ્ટિએ ચોક્કસ અને ખરી હતી! એકેડેમિયા જોયા પછી અમે મહાન કલાકૃતિઓના ખજાનાસમ ઉફિઝી મ્યુઝિયમ જોવા ગયાં. ઉફિઝી એ ઑફિસ માટે વપરાતો ઇટાલિયન શબ્દ છે. એક જમાનામાં અહીં મેડિસી કુટુંબની ઑફિસ હતી, અને આખા શહેરનો કારભાર અહીંથી ચાલતો. આજે એ જગ્યાએ એક વિશાળ મ્યુઝિયમ બનાવ્યું છે. જેમાં અગણિત વિશ્વશ્રેષ્ઠ કૃતિઓ જોવા મળે છે. આ ઉફિઝી મ્યુઝિયમમાં મહાન ચિત્રો જેવાં કે, દા વિન્ચીનું ‘એનનસિએશન’, બોત્તિસેલ્લીનું ‘બર્થ ઑફ વિનસ’, અન્ય કલાકારોનાં ‘વિનસ ઑફ અર્બિનો’, ‘મદોના વિથ ચાઇલ્ડ એન્ડ ટુ એન્જલ્સ’, ‘બેટલ ઑફ સાન રૉર્મનો’, ‘મદુસા’, ‘ધ ડ્યુક એન્ડ ડચેસ ઑફ અર્બિનો’, ‘પ્રાઇમાવેરા’... મનને લહાણી ને આંખને ઉજાણી તે આનું નામ! પ્રાઇમાવેરા ચિત્રનું નામ નહોતું સાંભળેલું, પણ એ જોતાં જ ગમી ગયું. પ્રાઇમાવેરા ઇટાલિયન શબ્દ છે. એનો અર્થ થાય : વસંત. મેડિસી કુટુંબમાં વસંતના આગમનને વધાવવાની પરંપરા હતી. એનું ચિત્ર તે આ પ્રાઇમાવેરા, પિયાત્ઝા સિગ્નેરી નામના એક સ્થળે અનેક શિલ્પકૃતિઓ ખુલ્લામાં મૂકેલી જોઈ. આને ઑપન ઍર મ્યુઝિયમ પણ કહી શકાય. શું એ જમાનામાં શિલ્પકૃતિઓનો એટલો અતિરેક થઈ ગયો હશે કે એને આમ શેરીમાં રઝળતી મૂકવામાં આવી હશે? કહે છે કે, માઇકલ એંજેલોની વિશ્વશ્રેષ્ઠ કૃતિ ડૅવિડ પણ એક સમયે અહીં ખુલ્લામાં જ હતી, પછી એને એકેડેમિયા મ્યુઝિયમમાં ખસેડવામાં આવી. સાંકડી ગલીઓમાં એકધારું ફર્યા પછી ખુલ્લી હવામાં શ્વાસ લેવાની ઇચ્છા હતી. અમે આર્નોના કિનારે લઈ જતા રસ્તે ચાલવા લાગ્યા. જરાક વારમાં તો ફ્લોરેન્સની બીજી એક લાક્ષણિકતાસમ અનોખો પુલ ‘પોન્તે દ વેચિયો’ દેખાયો. વિશ્વયુદ્ધના અનરાધાર બૉંબમારા વચ્ચે ટકી ગયેલો યુરોપનો આ જૂનામાં જૂનો પુલ છે. ખરેખર તો એ પુલ જેવો નહીં, એકબીજાંને અડીને બાંધેલાં ઊંચાંનીચાં મકાનોની અનિયમિત હાર જેવો દેખાય છે. કહે છે કે, એક જમાનામાં આ પુલ પરનાં મકાનોમાં ચામડાંનો વેપાર કરતા ખાટકીઓની દુકાનો હતી. પશુઓનું લોહી બધું સીધું નદીમાં વહી જાય, તે માટે એ સૌએ આ જગ્યા પસંદ કરેલી. પણ કાળક્રમે કોઈ રાજકુમારને લાગ્યું કે, આનાથી તો નદી ગંદી થાય છે એટલે એણે ખાટકીઓને કાઢીને અહીં સોનાચાંદીનાં ઘરેણાં બનાવતા અને રત્નોનો વેપાર કરતા ઝવેરીઓને વસાવ્યા. ત્યારથી અહીં ઘરેણાંની દુકાનો છે. સાંજ ઢળી ગઈ હતી. ઘરેણાંની દુકાનો બંધ થઈ ગઈ હતી. પણ પુલની રોશની, ઘરેણાં પાસેથી ચોરી લીધેલો ઝળકાટ આર્નોનાં પાણી પર પાથરી રહી હતી. ચોરી અહીંનો શિરસ્તો હશે. સોનલનું પર્સ એક છોકરીએ ખેંચ્યું. સોનલની પકડ સજ્જડ હતી, એટલે પર્સ તો બચી ગયું. છોકરી આ ધંધામાં નવીસવી હશે, એટલે હાર સ્વીકારીને ભાગી ગઈ. ઇટાલીમાં અંધારું થયા પછી સૂમસામ જગ્યાઓએ ન રખડવું એવા અધકચરા નિશ્ચય સાથે અમે હૉટેલ પર પાછાં ફર્યાં.

[પગલાંનાં પ્રતિબિંબ, ૨૦૧૦]