ગુજરાતી બાળવાર્તા સંપદા/એકવીસમી સદીનો ઉંદર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
એકવીસમી સદીનો ઉંદર

હુંદરાજ બલવાણી

એક ઘર હતું. ઘરમાં એક ઉંદરડીએ દર પાડ્યું હતું. એ દરમાં તે પોતાના પુત્ર ચંપુ સાથે રહેતી હતી. ઉંદરડી તથા ચંપુને ખાવાપીવા માટે બધી વસ્તુઓ એ ઘરમાં મળી રહેતી; તેમ છતાં બંને હંમેશાં ફફડતાં રહેતાં. એમને એ જ ઘરમાં રહેતી બિલાડીની બીક રહ્યા કરતી. બિલાડી બંનેને પકડવા માટે હંમેશાં લાગ શોધ્યા કરતી. એક દિવસ ઉંદરડીને ક્યાંક જવાનું હતું. એણે ચંપુને સૂચના આપી, “હું પાછી ન આવું ત્યાં સુધી ક્યાંય જતો નહીં.” ચંપુ બોલ્યો, “હું થોડી વાર બહાર રમવા જઈશ.” ઉંદરડી બોલી, “નહિ બેટા, પેલી મૂઈ બિલાડી છે ને! એ બહાર રહે છે. તું ક્યારેય બહાર નીકળ્યો નથી. તને બહારની દુનિયાની કશી ગતાગમ નથી.” ચંપુ બોલ્યો, “બા, તું ખોટી બીએ છે. હવે હું નાનો નથી. મોટો થઈ ગયો છું. બિલાડી મને શું કરી શકવાની છે?” ઉંદરડી બોલી, “ના બેટા ના, તું એ મૂઈને ઓળખતો નથી. તે બહુ ચાલાક છે. બહાર નીકળીશ તો તું નકામો હેરાન થઈશ.” ચંપુ કાંઈ બોલ્યો નહિ. ઉંદરડી જતી રહી. ચંપુ વિચારવા લાગ્યો, ‘બા ખોટી ચિંતા કરે છે. થોડી વાર બહાર જવામાં શો વાંધો? બિલાડી પણ કાંઈ નવરી તો નહિ જ બેઠી હોય કે હું નીકળું ત્યારે જ આવી જાય. જો અચાનક આવી પણ જાય તો કોઈ યુક્તિ કરીને ભાગી છૂટીશ.” પછી તે બહાર નીકળ્યો. પોતાના દરમાંથી બહાર નીકળતાં પહેલાં આસપાસ નજર કરીને જોયું કે આજુબાજુ ક્યાંય બિલાડી તો નથી ને! આસપાસ ક્યાંય બિલાડી નથી એવી તેને ખાતરી થઈ ત્યારે ધીરેધીરે પગ ઉપાડતો આગળ વધ્યો. આ રીતે ચારેબાજુ ધ્યાન રાખીને ઘરના ઓરડામાંથી પસાર થયો. બહાર મોટું મેદાન હતું. તે દોડતો-દોડતો ત્યાં પહોંચી ગયો. બહારની તાજી હવામાં એને મજા આવવા લાગી. તે ખાસો સમય ત્યાં નાચ્યો-કૂદ્યો. અચાનક તેને બા યાદ આવી. એટલે એ ઘર તરફ પાછો વળ્યો. મેદાન પાર કરીને ચંપુ જ્યારે ઘરમાં દાખલ થયો ત્યારે સામે જ બિલાડી ઊભી હતી! આમ અચાનક બિલાડીને જોઈને તેના હોશકોશ ઊડી ગયા. હવે શું કરવું? એ કાંઈ નક્કી કરે એ પહેલાં બિલાડી તેને કહેવા લાગી, “ઉંદરભાઈ! જરા નજીક આવ. આપણે વાતો કરીએ. હું તારી માસી છું.” ચંપુ વિચારમાં પડી ગયો. ‘માસી? તો આ બિલાડી મારી માસી છે? તો બા તેના વિશે ખરાબ કેમ બોલતી હતી?” તરત જ એને ખ્યાલ આવ્યો કે બિલાડીની આ ચાલાકી જ હશે. એ જરૂર મને ફસાવવા માંગે છે. ચંપુએ હિમ્મત કરીને દૂરથી જ જવાબ આપ્યો, “તું અને મારી માસી? આવું બને જ કેવી રીતે? મારી બા તો ઉંદરડી છે અને તું તો બિલાડી છે. ઉંદરડી અને બિલાડી બહેનો કેવી રીતે હોઈ શકે? તમે બંને બહેનો જ ન હો તો પછી તું મારી માસી કેવી રીતે થાય?” હવે બિલાડી વિચારમાં પડી ગઈ. એને વિચારતી જોઈને ચંપુએ દોટ મૂકી. બિલાડી પણ પોતાનો શિકાર હાથમાંથી જતો રહેતો જોઈને તેની પાછળ દોડી. આગળ ઉંદર, પાછળ બિલાડી… ચંપુએ છાજલી પર પહોંચી જવા કૂદકો માર્યો તો બિલાડી પણ છાજલી તરફ દોડી ચંપુ ત્યાંથી કબાટ ઉપર કૂદ્યો તો બિલાડી પણ ત્યાં કૂદી. આવી રીતે બારી, બારણાં, પલંગ વગેરે પરથી કૂદતો-કૂદતો ચંપુ ભાગતો રહ્યો અને મોકો મળતાં પોતાના દરમાં ઘૂસી ગયો. બિલાડી જોતી જ રહી ગઈ. ચંપુ દરમાં પાછો આવ્યો ત્યાં સુધીમાં ઉંદરડી પણ પાછી આવી ગઈ હતી. ચંપુને આ રીતે હાંફતો-હાંફતો આવતો જોઈને ઉંદરડીએ એને પૂછ્યું, “શું થયું? તારી પાછળ બિલાડી પડી હતી ને?” ચંપુ બોલ્યો, “હા, બા, પહેલાં તો હું તેને જોઈને ડરી ગયો હતો પણ પછી દોડાવી-દોડાવીને મેં તેને થકવી દીધી અને સહીસલામત પાછો આવતો રહ્યો.” ઉંદરડી બોલી, “પણ તું બહાર નીકળ્યો જ કેમ? મેં તને ના પાડી હતી ને? આ બિલાડીઓ બહુ ખતરનાક હોય છે. તને કાંઈ થઈ જાત તો?” ચંપુ બોલ્યો, “મને ક્યાં ખબર હતી કે આજે જ એનો ભેટો થઈ જશે. ખરેખર એ ખતરનાક હતી, બા! મોટીમોટી આંખો, લાંબીલાંબી મૂછો અને પંજાના નખ પણ કેવા અણીવાળા! પણ મારી સાથે તો એ મીઠીમીઠી વાતો કરતી હતી. કહેતી હતી કે હું તારી માસી છું. મને તો ખબર હતી કે તે કેટલી ચતુર અને ચાલાક છે. હું તેની મીઠીમીઠી વાતોમાં આવ્યો જ નહિ ને!” “તે સારું કર્યું બેટા, તેની મીઠીમીઠી વાતોનો કદી વિશ્વાસ ન કરાય. તને ખબર છે, એક સમયે એક બિલાડી કહેતી’તી કે હું ભગત બની ગઈ છું. ઘાસ-પાંદડાં ખાઈને જીવું છું. ઉંદરોને ખાવાનું મેં બિલકુલ છોડી દીધું છે; પરંતુ તક મળતાં તે આપણા જાતભાઈઓને ખાઈ જતી હતી.” ચંપુ કહેવા લાગ્યો, “બા, બિલાડી જો આપણા જાતભાઈઓની આટલી દુશ્મન છે તો તેનાથી છુટકારો ન મેળવી શકાય?” “છુટકારો મેળવવા માટે પ્રયત્નો તો ઘણા થયા છે; પરંતુ એકેય પ્રયત્ન સફળ થયો નથી.” “બિલાડી આવે અને તેની ખબર આપણને પડી જાય એવું કાંઈક ન કરી શકાય?” “એક વાર એવું પણ વિચારવામાં આવ્યું હતું. આપણા દાદા-પરદાદાઓના સમયમાં એક મિટિંગ થઈ હતી. મોટી સંખ્યામાં ઉંદરો એ મિટિંગમાં હાજર રહ્યા હતા. બિલાડીથી બચવા શું કરવું જોઈએ એ વિશે બધાએ પોતપોતાની વાત કહી હતી. છેવટે એક ડાહ્યા ઉંદરે સુઝાડ્યું કે બિલાડીની ડોકે એક ઘંટડી બાંધી દઈએ.” “બિલાડીની ડોકે ઘંટડી? ઘંટડી શા માટે?” “જેથી બિલાડી આવે ત્યારે દૂરથી જ ઘંટડીનો અવાજ સાંભળીને બધા ઉંદરો ભાગી જાય અને બિલાડી કોઈ ઉંદરને પકડી જ ન શકે.” “વાહ, સરસ! વિચાર તો સારો છે.” “તારી જેમ મિટિંગમાં હાજર રહેલા બધા ઉંદરોને પણ એ વિચાર સારો લાગ્યો હતો પણ…” “પણ શું બા?” “એક વડીલ ઉંદરે કહ્યું કે આ વિચાર છે તો સારો, પણ બિલાડીની ડોકે ઘંટડી બાંધશે કોણ? ત્યારે જ બધાને ખ્યાલ આવ્યો હતો કે એ વિચારનો અમલ જ થઈ શકે એમ નથી. ત્યાર પછી આજ સુધી કોઈ ઉંદરે બિલાડીની ડોકે ઘંટડી બાંધવાની હિંમત કરી નથી.” “બીજા કોઈએ નથી કરી તો હું કરી બતાવીશ.” ચંપુએ છાતી ફુલાવીને કહ્યું. “તું? આ કામ તું માને છે એટલું સહેલું નથી.” “સાવ સહેલું નથી તો બહુ મુશ્કેલ પણ નથી. હું એ કામ કરી બતાવીશ.” તે દિવસથી ચંપુ દિવસરાત વિચારવા માંડ્યો કે શું કરીએ તો બિલાડીની ડોકે ઘંટડી બાંધી શકાય? મગજ દોડાવતાં દોડાવતાં તેને એક યુક્તિ સૂઝી. પહેલાં તો એ ક્યાંકથી ઘંટડી શોધી લાવ્યો. એક દોરી પણ લાવ્યો. દોરીમાં ઘંટડી બાંધી દીધી. પછી ઘરના માલિકના સૂવાની રાહ જોવા લાગ્યો. ચંપુને ખબર હતી કે ઘરના માલિક સૂતાં પહેલાં રોજ રાત્રે ઊંઘની ગોળી લે છે. ગોળી લીધા પછી તે ઘસઘસાટ ઊંઘી જાય છે. રોજની જેમ માલિકે ગોળી કાઢીને ટેબલ પર મૂકી ત્યારે ચંપુ ચૂપચાપ તે ગોળી લઈને ભાગ્યો દર તરફ. બિલાડીને રોજ રાત્રે શેઠાણી દૂધ આપતાં હતાં. એ રાત્રે પણ શેઠાણીએ દૂધનો પ્યાલો તૈયાર કર્યો ત્યારે ચંપુ ચોરીછૂપીથી તેમાં ઊંઘની ગોળી નાખી આવ્યો. શેઠાણીએ બિલાડીને દૂધનો પ્યાલો આપ્યો. બિલાડી તો ચપચપ બધું દૂધ પી ગઈ. તે પછી તો ગોળીએ પોતાનું કામ કર્યું. બિલાડીને ઊંઘ આવવા લાગી. અને તે ત્યાં જ ઊંઘી ગઈ. ચંપુ પોતાના દરમાંથી મોં બહાર કાઢીને આ બધું જોઈ રહ્યો હતો. એને જ્યારે એકદમ ખાતરી થઈ કે બિલાડીને ગાઢ ઊંઘ આવી ગઈ છે ત્યારે તે દોડીને ઘંટડી લઈ આવ્યો. પછી તો એણે બિલકુલ આરામથી બિલાડીની ડોકે ઘંટડી બાંધી દીધી. દીકરાનું પરાક્રમ જોઈ મા રાજીની રેડ થઈ ગઈ. સવારે બિલાડી જાગી. જેવું એણે ડગલું ભર્યું કે ઘંટડી માંડી વાગવા. એ ઘરમાં તો ઉંદરડી ને ચંપુ બહાર જ નહોતાં નીકળ્યાં, પણ બીજાં બેચાર ઘરમાં ગઈ તો ત્યાં પણ એકેય ઉંદર દેખાયો નહીં. ઘંટડી સાંભળીને બધાં દરમાં ભરાઈ ગયાં હતાં. આવું કેમ બન્યું તે બિલાડીની સમજમાં જ ન આવ્યું.